Search This Blog

Loading...

26/10/2016

આ દિવાળીએ મને એક પણ વૉટ્સઍપ મોકલશો નહિ !

આ દિવાળીમાં હું 'વૉટ્સઍપ' ખોલવાનો નથી. મિનિમમ ૧,૦૦૦ હૅપી દિવાલીના મૅસેજ વાંચવા માટે હું ગાંડો થઇ ગયો નથી. બહારથી કોકે તમને મોકલેલો વૉટ્સઍપ તમે મને મોકલવાના, રાઇટ ? એમાં તમારી તો કોઇ કમાલ છે નહિ ? અને મારા જેવા બીજા પચ્ચાને આવો જ 'હૅપી દિવાળી'વાળો મૅસેજ મોકલવાના. એ ય પાછા હખણા નહિ રહે ને બીજા બસ્સોને એનો એ જ મૅસેજ મોકલશે. તમે પાછા 'હૅપી દિવાલી'ના ફોનો કરો એવા દિલદાર નથી. ફોનના તો પૈસા થાય ને ! એક વૉટ્સઍપના માત્ર દસ પૈસાનો જ ચાર્જ થતો હોત તો આખા વર્ષનું એકે ય 'જે શી ક્રસ્ણ', 'જય જીનેન્દ્ર' કે 'હૅપી બર્થ ડે' તમે કોઇને મોકલવાના હતા ? બધી કમાલ મફતના મૅસેજની છે. તમે પાછા ખુશ એવી રીતે થતા હો છો, જાણે એ અફલાતુન મૅસેજ તમારા ભેજાની કમાલ હોય....! ને અમે મળીએ ત્યારે ખુશ થતા પૂછો ય ખરા, ''ઓહ દાદુ... બેસતા વર્ષે મારો 'વૉટ્સઍપ' મળ્યો હતો ? કેવો લાગ્યો ?'' તારી ભલી થાય ચમના... તારૂં ચાલે તો નવા વર્ષની મીઠાઇને બદલે મીઠાઇનો ફોટો ય તું મોબાઇલમાં મોકલી ને પાછો પૂછે, ''...મેં મોકલેલી બૅંગોલી મીઠાઇ ભાવી'તી, દાદુ ?'' આટલું બોલીને ખડખડાટ હસે, બોલો !

ગુજરાતીઓ પૈસા ખર્ચીને ગિફ્ટ-શૉપમાં બર્થ-ડે કે દિવાળી-કાર્ડ્સ ખરીદવા જતા નથી. વૉટ્સઍપ મફત થાય છે. પહેલાની માફક લોકો દિવાળીના કાર્ડ્સ મોકલતા નથી... પૈસા થાય ને ? પૈસા થાય એ જ મોટો પ્રોબ્લેમ, પણ એની સાથે નાનાનાના પ્રોબ્લેમો ય હસી કાઢવા જેવા નથી :

એક તો શૉપમાં દિવાળી-કાર્ડ લેવા જાઓ. ઘેર આવીને આવા ૪૦-૫૦ સગાં કે દોસ્તોના નામો લખવાના. એની ઉપર સૅલો-ટૅપ કે ગુંદર લગાડીને કવરમાં બીડવાના અને થૂંક વડે ચાટેલી પોસ્ટલ સ્ટૅમ્પ લગાવવાની. વાત અહીંથી અટકતી નથી. એ બધા કવરો ભેગા કરીને પોસ્ટના ડબલામાં નાંખવા જવાના... આમે ય, હિંદુઓ કાળી ચૌદસને દિવસે ઘરમાંથી કકળાટ બહાર નાંખી આવવા ચાર રસ્તે જતા હોય છે, એવા પાણીના લોટા વડે ગોળ કુંગાળું પાડીને વચ્ચે 'વડું' મૂકતા હોય, એમ આ કવરો ઘરમાંથી બહાર નાંખી આવવાના હોય છે... જેથી આપણા ઘરનો કકળાટ, જેને તમે કાર્ડ મોકલ્યું એને ઘેર જાય. આ તો આપણે એમ સમજતા હોઇએ કે, કેવું યાદ રાખીને આપણને 'હૅપી દિવાલી'નો આવો રંગીન મૅસેજ મોકલ્યો ! પણ તમારા જેવા તો હજારો ફરતા હોય બજારમાં... મોકલનારને ખબરે ય ન હોય કે એણે તમને મોકલ્યો છે કે નહિ !

સાચું પૂછો તો, એકબીજાને મનથી 'હૅપી દિવાલી' કે 'હૅપી ન્યુ યર' ખરેખર કેટલા કહે છે ! હિંદુ છીએ અને નવું વર્ષ આવ્યું છે એટલે રસ્તામાં જે મળે રમકડાનો ઘુઘરો ખખડાવતા હોઇએ એમ એના હાથના બન્ને પંજા ખખડાવીને ચેહરા ઉપર કોઇ ભાવ વિનાનું 'હૅપી દિવાલી' કહેવાનું.

મારૂં બાળપણ અને જુવાની ખાડીયામાં ગઇ છે. ત્યાંનું બધું યાદ છે. દિવાળીના દિવસોમાં એકબીજાને ઘેર બેસતા વર્ષે જવાનું. મોટા ભાગનું ખાડીયા મિડલ-ક્લાસનું, એટલે આમ આખા વર્ષમાં નાસ્તા-પાણીનો કોઇ ભાવે ય ન પૂછે, પણ દિવાળીના દિવસોમાં જાઓ એટલે ભગવાનશ્રીકૃષ્ણના સુદર્શન-ચક્ર જેવી એક થાળી રસોડામાંથી ફરતી ફરતી આવે, જેમાં બે નંગ તીખા મઠીયા, બે મોળી સુંવાળી, એક ઘુઘરો, એક મગસનો કટકો, થાળીમાં વેરાયેલી થોડી જાડી સેવ અને બહુ સ્વાદિષ્ટ ન બન્યા હોય તો ચોળાફળીના વાંકા વળી ગયેલા બે-ચાર ટુકડા જોવા મળે. (મેં 'ખાવા મળે' એવું નથી લખ્યું અને એ એટલા માટે કે, આડે દિવસે આમ કોઇ આમાંની એકેય આઇટમ છોડે નહિ, પણ દિવાળીના દિવસે બધાને ઘેર આટલો જ મુદ્દામાલ પડયો હોય ને એ લોકો ય જાણતા હોય કે, આમાંનું કોઇ કશું ખાવાનું નથી, પણ તમે જાઓ એટલે મૂકવાનું તો ખરૂં જ.) તમારૂં ચસકી ગયું હોય ને એક વાર જઇ આવ્યા પછી દેવદિવાળી સુધીમાં બીજી વાર જવાનું થાય તો એનું એ જ સુદર્શન ચક્ર, આઇ મીન, થાળી ફરતી ફરતી તમારી પાસે આવે. એમાંથી કોઇકે અડધું મઠીયું ખાઇને મૂકી દીધું હોય કે તૂટેલી મીઠાઇને કોઇ અડયું પણ ન હોય, એ બધું પાછું આવ્યું હોય ! અફ કૉર્સ, બેનના આગ્રહમાં કોઈ ફરક ન પડે, ''લો ને... લો ને... આ થાળી તો પતાઈને જ જવાનું છે... એમને એમ તો હું જવા જ દેવાની નથી...

મગસ અને મઠીયા તો ખાવા જ પડશે... તમે તો ઘરના છો, તમે એમને એમ ડિશ મૂકીને ઊભા થાઓ, એ ન ચાલે... પંદર દહાડાથી આ બધું પડયું રહ્યું છે... કોઈ ખાતું નથી... તમે... તમારે તો આ ડિશ ખાલી કરવી જ પડશે !''

પછી તો અમદાવાદ નદી પારનું થઈ ગયું. શિક્ષિત અને સાધનસંપન્ન વર્ગ શહેર છોડીને નદી પારની સોસાયટીઓમાં વસ્યો અને એ બધામાં ચાંપલાશપટ્ટી પણ આવી. ચાંપલાશપટ્ટી એટલે દિવાળીની વાત થાય છે, જેમાં મઠીયા, સુંવાળી ને મગસ-મોહનથાળો ગયા... એને બદલે એક નાનકડી પણ મોંઘી ડિશમાં બદામ, કાજુ, દ્રાક્ષ અને અખરોટના બધું મળીને ટોટલ દસ-પંદર પીસ પડયા હોય. એ લોકો ય જાણતા હોય કે, આપણે ભૂખાવડાઓ નથી એટલે એમાંથી માત્ર એકાદ ટુકડો બદામ કે કાજુનો લઈશું. આમાં મુઠ્ઠા ના ભરાય... બા ખીજાય !

આઇધર-સાઇડ કોઈ પ્યાર-મુહબ્બત હોતા નથી.

નકરી ઔપચારિકતા હોય ને એ ડિશમાંથી તમે કાજુ-બદામ લો કે ન લો... એમને કોઈ ફરક પડતો નથી, પણ ભાવતા હોય ને મૂઠ્ઠો ભરીને ઊભા થાઓ, તો એ લોકોના હાવભાવ જોવાથી દિવાળી તમારી સુધરી જશે. થોડી હિંમત ભેગી કરીને આખી ડિશ ખાલી કર્યા પછી હસતા મોંઢે, બીજા કાજુ-દ્રાક્ષ પણ એમના વખાણ કરીને મંગાવો, ''વાહ... કમાલના બદામ-પિસ્તા છે... ઘેર બનાવ્યા છે... ? વાઉ... તમારા ઘેર તો ફોર્માલિટીઝ શેની... ? થોડા બીજા લાવો ને !''

પણ આ બધું તો કોઈના ઘેર જાઓ કે કોઈ તમારા ઘરે આવે તો-ની વાત છે. શહેરના લાંબા-લાંબા ડિસ્ટન્સ, અકળાવી મૂકે એવો ટ્રાફિક-જામ અને ખાસ તો, જ્યાં ને ત્યાં આપણી વહાલી 'બી.આર.ટી.એસ.' નડતી હોવાથી આપણી ગાડીમાં આ દિવાળીએ નીકળ્યા હો, તો આવતી દિવાળીએ એમના ઘેર પહોંચીએ, એટલે એ લોકો ય આપણા ઘેર આવતા નથી. ટ્રેન્ડ એવો શરૂ થયો છે કે, એકબીજાને ઘેર જવાને બદલે, મેમ્બર હો તો કોઈ ક્લબમાં ૪-૫ કલાક ફેમિલી સાથે લોકો મળે છે અથવા દિવાળીનું વેકેશન છે, બે-ચાર ફેમિલીઝ ભેગા થઈને હિલ સ્ટેશન જવાની ગોઠવણ- કોઈને ઘેર બોલાવવા કરતા સસ્તી પડે !

વાંચવું ગમશે નહિ, પણ દિવસો-કારણો ગમે તે હોય-એવા આવી ગયા છે કે, આપણાથી માણસો સહન થતા નથી. વેપાર-ધંધા કે ચોખ્ખા સ્વાર્થ સિવાય કોઈને મળવું ગમતું નથી. જેને મળો, એ આપણને માપતો હોય અને વળતા હૂમલા તરીકે આપણે એને માપી લેવો પડે છે. આ માપામાપીનું રીઝલ્ટ એટલું જ આવે છે કે, ખાસ કોઈ સ્વાર્થ વગર બેમાંથી એકે ય પાર્ટી બીજી વાર મળતી નથી. એકબીજા માટેનો આદર કે પ્રેમ હવે ભૂતકાળના વિષયો બની ગયા છે.

બસ. હવે આપો જવાબ. આવા આલમમાં એકબીજાને વૉટ્સઍપમાં 'હેપી દિવાલી' કહેવું કેવું મજાકીયું થઈ ગયું છે !

સિક્સર
તમારામાંથી કેટલાની પાસે 'આધાર-કાર્ડ' છે અને કેટલાને ખબર છે, 'આધાર-કાર્ડ' ક્યાંથી અને શું કામ કઢાવવાનું હોય છે ?

23/10/2016

ઍનકાઉન્ટર : 23-10-2016


* મોદીએ અમેરિકાની સંસદમાં ભાષણ આપ્યું. તમે સુઉં કિયો છો ?
- એની સામે નવાઝ શરીફ ઓબામાને મળે છે, ત્યારે હાથમાં પકડેલી ધ્રૂજતી ચિઠ્ઠી ય વાંચી શકતા નથી, એ ક્લિપ યૂ-ટયુબ પર જોજો.
(ધરા કાલરીયા, સુરત)

* ઓશો રજનીશ વિશે તમારૂં શું માનવું છે ?
- મહાન માણસોના નામના પહેલા બે અક્ષરો એકબીજાને મળતા બહુ આવે !
(અશોક રાયગોર, સુરત)

* ગમે તેટલું ભણેલા હો તો પણ દરવાજા ઉપર Push કે Pull નું બોર્ડ માર્યું હોય, તો ય ગોથું ખાઈ જવાય છે.
- નોર્મલી, આપણા હાથો ધક્કા મારવા ટેવાયેલા હોય છે, ધક્કા ખાવા નહિ !
(કેવલ રાઠોડ, માંડવી-કચ્છ)

* વૈજ્યંતિમાલા, જેમિની ગણેશન અને અંજલીદેવીની ફિલ્મ 'દેવતા' વિશે 'ફિલ્મ ઈન્ડિયા'માં લખો, એવી વિનંતી છે.
- તમને આટલી જૂની ફિલ્મો ય ગમે છે, એ આનંદના સમાચાર છે.
(નયના માંકડ, માધાપર-કચ્છ)

* રાહુલ ગાંધી લગ્ન કરે તો વડાપ્રધાન બનવાના ચાન્સ ખરા ?
- તમારૂં સર્કલ વધારો.
(ધવલ ભટ્ટી, સુરત)

* પ્રેમી પંખીડા બાદમાં પતિ-પત્ની કેમ બની શકતા નથી ?
- પતિઓએ તમારૂં કાંઈ બગાડયું છે ?
(જયેશ અંતાણી, ભાવનગર)

* ગર્લ-ફ્રેન્ડ્ઝ વિશે તમારો શું અભિપ્રાય છે ?
- આપણી પાસે હોય ત્યાં સુધી બીજાની ન જોવી !
(દર્શિલ આર. જેઠવા, ભાવનગર)

* આપ રાષ્ટ્રપ્રેમ માટે સમર્પિત છો, પણ સરહદ પર જવાનોની શુભેચ્છા મુલાકાત લેવા કેમ આવતા નથી ?
- ઝનૂન તો લશ્કરમાં જોડાઈ જવાનું ઉપડયું છે... અને સમય આવે જોડાઇશ પણ ખરો !
(ડૉ. પ્રવિણ ઓઝા, રાધનપુર)

* 'જહાં શોચ, વહાં શૌચાલય', તો પછી આગળ શું ?
- સફાઈ... !
(લલિત દોશી, કરજણ)

* તમારે કોની સાથે બારમો ચંદ્ર છે ?
- એવો વૈભવ હું કોઈને આપતો નથી.
(ભરત બી. શાહ, વડોદરા)

* શાંતી પામવાનો સર્વોત્તમ રસ્તો ક્યો ?
- ગાંધી રોડ.
(કોમલ જે. પટેલ, વડોદરા)

* અંધશ્રધ્ધામાંથી આ દેશ ક્યારે બહાર આવશે ?
- અમારી સોસાયટીમાં કોક ગૂજરી ગયું છે... હમણાં જવાબ ના અપાય... અપશુકન થાય !
(જગજીવન મેતલિયા, ભાવનગર)

* વ્યસન છુટી ગયું છે એમનું, હવે હું પણ નામ નંઈ લઉં કદી પ્રેમનું !
- આ બધી માથાકૂટમાં પડયા વિના, રહેવા દો બધું, જેમનું ને તેમનું !
(દીપક આશરા, ગાંધીનગર)

* લેખક બનવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો ?
- મગજમાંથી.
(સૌરભ જયસ્વાલ, વિજાપુર-મહેસાણા)

* તમે જામનગરના છો. તમને મળવું છે, તો ફરી ક્યારે આવશો ?
- એક વાર જે સ્થળે ગૂન્હો કર્યો હોય, ત્યાં બીજીવાર એ ગૂન્હેગાર જાય જ છે.
(વિશાલ હડીયા, જામનગર)

* મહાત્મા ગાંધી અને ઈંદિરા ગાંધી વચ્ચે શું ફેર ?
- શરીરશાસ્ત્રનો.
(કિરીટ માંડલીયા, અમદાવાદ)

* સલમાન ખાને પાકિસ્તાની કલાકારોનો બચાવ કર્યો. એને શું સજા થવી જોઈએ ?
- જ્યાં સુધી એ માફી ન માંગે, ત્યાં સુધી એની ફિલ્મો જોવાનો કડક બહિષ્કાર કરો.
(શ્રુતિ જગદિશ શ્રોફ, સુરત)

* તમારા માટે પહેલા કોણ આવે ? પરિવાર કે રાષ્ટ્ર ?
- દેશના હર એક નાગરિક માટે રાષ્ટ્ર જ પહેલું આવવું જોઈએ.
(આદિત્ય વૈદ્ય, સુરત)

* ચીનને કેવી રીતે લાઇનમાં લવાય ?
- હાલ પૂરતું બજારમાંથી ચાયનીઝ ચીજો ખરીદવાનું બંધ કરી દો.
(કિરીટ એમ. શાહ, નડિયાદ)

* આપણા સાંસદોને આટલા બધા પગારભથ્થાંની જરૂર છે ખરી ?
- મોટા ભાગનાઓને ''બહારની આવક'' એટલી જંગી હોય છે કે, સંસદના આવા પગારભથ્થાં એમને માટે તદ્દન મામૂલી કહેવાય !
(મનિષ એન. વર્મા, ગોધરા)

* મોદીજીની 'મનકી બાત'ની જેમ ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી પણ એવું શરૂ કરે તો?
- એમનું મન માનતું નહિ હોય !
(મુસ્તાકઅલી કાઝી, મીંયાગામ-કરજણ)

* અમારા ગામમાં એક ભાઈ એટલું ભણ્યા કે પાગલ થઈ ગયા. કોઈ ઉપાય ?
- એમને કહો કે, યુનિ. બધા પેપરોનું રી-ચેકિંગ કરવાની છે.
(ઉદય ડવ, ગઢડા-સ્વામિ.)

* ભારતના જવાંમર્દોએ અદ્ભૂત સર્જિકલ-ઑપરેશન કર્યું.... ને કેજરીવાલ એનું પ્રૂફ માંગે છે ?
- રોજેરોજ ટીવી પર ચમકતા રહેવાની નાલાયકોને ચાવી મળી જાય છે અને તદ્દન સ્ટુપિડ મીડિયા એવાઓને ચમકાવે છે.
(સ્ફૂર્તિ કલ્યાણ દવે, અમદાવાદ)

* પત્નીના પપ્પાને સસુર કહેવાય તો ગર્લફ્રેન્ડના પપ્પાને ?
- પપ્પાને પપ્પા જ કહેવાય... ડોહા નહિ !
(ગૌતમ વાઢેર, રાસ-બોરસદ)