Search This Blog

25/05/2011

ડૉન્ટ વરી, રોજની ૫૦ સગાઇઓ તૂટે છે –બુધવારની બપોરે

આજકાલ સગાઈઓ, લારી પર મળતા બરફના ગોળા જેવી થઇ ગઇઓ છે. ઠંડા મસ્તમજાના બરફ ઉપર મનભાવન રંગોવાળા શરબતો છંટાવો અને ચૂસો ત્યાં સુધી મીઠી લાગે.... છેલ્લે હળકડી હાથમાં રહી જાય એટલે ફેંકી દેવાની. કેટલીક સગાઇઓ તો બરફનો ગોળો ચાલે એટલી ચાલતી નથી. તૂટનાર એટલો (કે એટલી) દુઃખી થઇ જાય છે કે, આખા જગતમાં એની એકલાની સગાઇ તૂટી છે ને બીજા બધા લહેર કરે છે, એવું એના મનમાં ઠસી જાય છે. ભારતભરની હિંદી ફિલ્મોના કરૂણ ગીતો અત્યારે એને યાદ આવવા માંડે છે, ‘‘હમ સે કા ભૂલ હૂઇ, જો યે સજા હમ કા મિલી, હોઓઓઓ!’’

એ બિચારા કે બિચારીને ખબર નથી કે, તું શેનો કે શેની તારી જાતને બિચારો કે બિચારી સમજે છે? આજકાલ તો રોજની પચ્ચા સગાઇઓ તૂટે છે.. ઉનકો તો કોઇ કુછ નહિ કહેતા..! (પચાસનો આંકડો લખ્યો છે, એમાં ૧૦૦-છોકરાં છોકરીઓની ૫૦-સગાઇઓ સમજવાનું.. કોઇ એક રમેશીયાની ૫૦-વખત સગાઇઓ તૂટી છે, એવું નથી સમજવાનું.)

ફિલ્મોમાં તો છેલ્લી ઘડીએ આવો ભડાકો થતો હોય છે કે, ‘ઠહેરો.. યે શાદી નહિ હો સકતી’, પણ આજ સુધીની એકપણ ફિલ્મમાં સગાઇની છેલ્લી ઘડીએ ઘોડા ઉપર બેસીને હવામાં બંદૂકનો ભડાકો કરતો કોઇ નવયુવાન દેખાણો નથી. વાસ્તવિકતા જુદી હોય છે. સગાઇ ફોક થયા પછી બંનેના ઘરોમાં ફડકો પેસી જાય છે કે, લોકો કેવી વાતો કરશે? બીજી વાર થશે કે નહિ થાય? બીજી વારનું ગોઠવાતું હોય ત્યાં આગળની તૂટેલી સગાઇનું કહેવું કે નહિ? કહીએ તો એ લોકો સાચું માનશે કે નહિ? બીજીવાર ગોઠવાઇ ગયા પછી પહેલાવાળો હલાડાં તો નહિ કરે ને? સગાઇ તૂટી હોય, એ આખું ઘર કેમ જાણે પોતાનાથી કોઇ જઘન્ય અપરાધ થઇ ગયો હોય, એવા ટેન્શનમાં આવી જાય છે, ‘‘લોગ ક્યા કહેંગે...?’’

અરે બુધ્ધુ...! સગાઇ કરીને કોરા ધાકોડ લગ્ન સુધી પહોંચનારા તો હવે લાખોમાં કોઇ એકાદ-બે માંડ હોય છે અને ખાસ તો, આ બીજીવારવાળી પાર્ટીય પહેલીવારવાળી થોડી છે? એ ય ફૂટબોલની માફક ચારેબાજુથી લાતો ખઇખઇને તારી પાસે આઇ છે... હખણો બેસ હવે!

સગાઇઓ એકલા અમદાવાદમાં જ રોજની પચાસ તૂટે છે. જેટલી ટકે છે, એના કરતા તૂટે છે વધારે. શું કારણ હશે? સગાઇઓ તૂટે છે કેમ? એક જમાનો આપણો હતો કે, સગાઇ એટલે ઑલમોસ્ટ લગ્ન જ થઇ ગયેલા સમજવાના... તૂટે-ફૂટે કાંઇ નહિ અને છતાંય તૂટે, તો એ બહુ મોટી ઘટના કહેવાતી. સગાઓમાં ધૂસપૂસ ચાલે. સાચું કારણ પેલી બંને પાર્ટીઓ સિવાય કોઇને ખબર ન હોય અને એ લોકો સાચું કારણ કોઇને કહે પણ નહિ, એટલે ગામમાં જેને જે સ્ટોરીઓ બનાવવી હોય, તે બનાઇ-બનાઇને કહે. ફડકો બધાના મનમાં એવો પેસી જાય છે કે, આ સમાચાર સાંભળીને મનમાં બહુ બધા રાજી થશે.

દરેક સગાઇ તૂટવાનું કારણ કૉમન તો ન હોય પણ કારણ કયું હોય, એ આજ સુધી કોઇ જાણતું નથી,પણ જે કારણ જાણવામાં આવે છે, એ ય કેટલું સાચું, એય કોઇ જાણતું નથી, તો કોઇની સગાઇ તૂટે, એમાં વાત સીરિયસ બનાવી દેવાની ક્યાં જરૂર છે? ઇન ફૅક્ટ, સગાઇ તૂટતી હોતી નથી.. વિશ્વાસ તૂટતા હોય છે. આખા ઘરમાં કોક એક અક્કલવાળું હોય તો સમજાવી શકે કે, મૅરૅજ પહેલા આ થઇ ગયું, તે સારૂં જ થયું છે ને?... પછી થયું હોત તો બંને પાર્ટીઓ કેટલી દુઃખી હોત? સાચું પૂછો તો સામેવાળી પાર્ટી માટે પૂરા સન્માન સાથે, કમ-સે-કમ આપણે છુટયાનો ભાવ, આપણા દીકરા કે દીકરીના મનમાં ઠસાવવો જોઇએ કે, મોટી હોનારતમાંથી બચી ગયા છીએ.

સૉલ્લિડ હસવું આવે એવી વાત તો એ છે કે, છોકરા- છોકરીનું નક્કી થાય ત્યારે સામાવાળા બધા ‘બહુ સારા માણસો’ લાગે. વખાણો કરતા જીભો ન થાકે... અને જે દિવસે સગાઇ તૂટવાનો ધડાકો થયો, એ જ ક્ષણથી બંને પક્ષે નંખાવા માંડે, ‘‘ભ’ઇ, આપણે બહુ ભોળા નીકળ્યા.... એ લોકોને ઓળખતા ન આવડ્યું...’’ એમાં પાછું પરિવારનો કોઇ એક મહાન માણસ હવે જરા આગળ આવીને કુટુંબ આખાને તાનો મારશે, ‘‘ભ’ઇ, અમે તો પહેલેથી કે’તા’તા... કે અહીં ના કરાય.. આ લોકો કરવા જેવા માણસો નથી.. પણ કોણ માને છે આપણું...!’’

બસ. આ પછી સકળ સંઘના ભાવિકો યાત્રામાં જોડાશે, ‘‘મને તો પહેલેથી છોકરો નહતો ગમતો. એની એક આંખની ભ્રમર કાયમ ઊંચી જ રહેતી’તી! પણ આપણને એમ કે, કોણ બોલે...!’’ ત્રીજો તો ઘરમાં સહુથી ડાહ્યો હોય એમ પોતાનો અભિપ્રાય જણાવશે, ‘‘સાચું કહું?.. છોકરો તો ફક્ત કરવા ખાતર જ આપણી સાથે સગાઇ કરવાનો હતો... મને ખબર પડી કે એને તો વર્ષોથી એક પૈણેલી પકડેલી છે. તમે રહેવા દો, મારૂં મોઢું બહુ ના ખોલાવો. આવા લોકો સાથે ના થયું એ જ શ્રીનાથજીની કૃપા... આપણે બચી ગયા, એમ કહો...!’’

ઘરમાં લંબગોળ થાંભલો હોય અને પડોસીના ઘરમાં મજબૂત દોરડું પડયું હોય તો, આવા શ્રીનાથજીની કૃપાવાળાને મુશ્કેટાટ બાંધીને ફટકારવો જોઇએ કે, અમે તો સ્ટૂપિડ હતા, ચલો માન્યું... પણ તને જો બધી ખબર હતી, તો પહેલા કેમ ના ફાટયો ને હવે હુંશિયારીઓ મારવા હાલી નીકળ્યો છે?

સગાઇ, લગ્ન કે જન્મ મરણના પ્રસંગોએ એમની વાત પહેલા માની હોત તો આવો ભડકો ના થયો હોત, એવા એલાનો કરનારાઓ દરેક પરિવારમાંથી ૩-૪ નીકળી આવે છે, ‘‘ભ’ઇ, હું તો પહેલેથી કે’તો’તો કે, કાકાનું ગરૂં નહિ, મગજ બગડયું છે, તો ય મગજના ડૉકટરને બદલે ગરાના ડૉકટરને બતાઇ આયા. પછી ડોહા લાંબા થઇ જ જાય ને..?’’

તૂટયું ગમે તેનું હોય,તૂટયા પછી અચાનક આખા પરિવારમાં બધા જ્ઞાનીઓ ક્યાંથી પેદા થઇ જાય છે, એ ખબર પડે એમ નથી. તૂટવા માટે ફક્ત સામાવાળાનો દોષ કાઢો, એનો એક મતલબ એ તો થયો ને કે, ગુજરાતભરમાં તમારાથી સારૂં તો બીજું કોઇ ફૅમિલી જ નથી. છેતરવા માટે ય તમે લોકો બધાને મળી રહો છો, પણ તમે કોઇને છેતરતા નથી. ગામ આખામાં દોષનો ટોપલો સામાવાળાઓ ઉપર ઢોળઢોળ કરો છો, તે એટલું ય નથી જાણતા કે, તૂટયા પછી આપણી દીકરીનું નવેસરથી બીજે ગોતવાનું બાકી છે. તમે પેલા લોકો માટે ખરાબ બોલશો કે, આવા હતા ન તેવા હતા, તો વારો તમારો ય નીકળશે. વિજય હંમેશા જૂઠ્ઠાઓનો થાય છે.. સાચું બોલનારા જીત્યા હોય, એવો હજી તો એકપણ દાખલો સમાજમાં બનતો કોઇએ ભાળ્યો નથી. એ લોકો મોઢું ખોલશે તો તમે ય ક્યાંયના નહિ રહો, ગુરૂજી..!

ફાંકા આપણે બહુ મારતા હોઇએ છીએ કે, આપણને માણસ ઓળખતા બહુ આવડે. ‘એક મિનિટમાં હું તો ઓળખી જઉં કે આ કેવો માણસ છે! આપણને કોઇ ઉલ્લુ બનાવી ના શકે..! કોઇને હું મળું એટલે પલભરમાં ઓળખી જઉં કે, આ અસલી માણસ છે કે મોહરૂં પહેરેલો નકલી છે!’

કબુલ કરો શેખજી, જે માણસને મોહરૂં પહેરવાની ફાવટ હોય, એ તમારા જેવા (તમે કહો છો,તમે ભોળા છો, એટલે)ને તો ક્યાંય મૂકી આવી શકે કે નહિ? એને મળો ત્યારે એના મોંઢા ઉપર સત્ય ક્યાં પૂરૂં થાય છે ને અભિનય ક્યાં શરૂ થાય છે, એટલું તમે પકડી શકતા હો, તો ખુદ તમારાથી ય અમારે બહુ સાચવવાનું ને? અમને મળ્યા પછી તમે તો પેલી કસરતમાં લાગી જવાના કે અમારૂં સત્ય ક્યાં પૂરૂં થાય છે ને અભિનય ક્યાં શરૂ થાય છે! અમે તો લેવા-દેવા વગરના દેવાઇ જઇએ ને? તમને મળવામાં જોખમ..!

દુનિયાભરની ગાડીઓમાં આજ સુધી એક પણ એક્સિડેન્ટ એવો નોંધાયો નથી, જેમાં વાંક આપણો હોય. આપણો વાંક હોઇ જ ન શકે. પોતાનો કસૂર ઢાંકવા માટે બઘુ સામેવાળા ઉપર ઢોળી દેવા જેવી ઇઝી સગવડ બીજી કોઇ નથી. ભૂલ મારી પણ હોઇ શકે. એવો ડિજીટલ વિચાર પણ આજ સુધી કોઇના મનમાં આવ્યો હોય, એવી વ્યક્તિ મેં તો કમ-સે-કમ જોઇ નથી. આખી જીંદગીમાં પોતાની ભૂલ એક જ વાર કબુલ કરવા કરતા વધારે જુઠ્ઠા સાબિત થવાનું એમને મંજુર હોય છે. ઘરની કામવાળી ઉપર બળાત્કાર કરવાના આરોપ હેઠળ જેલ ભોગવી રહેલો ફિલ્મી હીરો શાયની આહુજા હજી પોતાને નિર્દોષ કહેવડાવે છે, એનામાં અને આ લોકોમાં શું ફેર? ભુલ કબૂલ કરવાથી કોઇ નાના બાપનું થઇ જતું નથી, ઉપરથી તમારા પ્રત્યેનો આદર વધે છે, પણ એટલી સમજ હોત તો જીદ પકડી ય શું કામ હોત?

સર્વોત્તમ રસ્તો તો સર્વોત્તમ બની બતાવવાનો છે. સગાઇ તૂટયા પછી સામેવાળાઓને ખરાબ ચીતરવાથી તમે લોકો ઑટૉમેટિકલી સજ્જનો પુરવાર થતા નથી. સાંભળનારા સમજતાં બઘું હોય છે. સજ્જનતા એમાં છે કે, કોઇ કારણ આપ્યા વગર, સામાવાળાનું પણ ગૌરવ જાળવીને, ‘‘બસ.. બંને પક્ષે જરા અનુકૂળ નહોતું આવતું, એટલે વિવાહ ફોક કર્યા. એ લોકો ય સારા માણસો જ છે.’’

આવું કહો તો જલણીયાઓને ખોરાક મળતો બંધ થાય. સામાવાળાઓને કાને ય વાત પહોંચે કે, તમે લોકો એમનું કશું ખરાબ બોલતા નથી, તો એ લોકો તમારૂં ય ખરાબ બોલવાના નથી. આખરે એમને પણ એમના પાત્રનું ફરીથી નક્કી કરવાનું છે...! સગાઇ તૂટવી, એ શહેરના ભરચક ચાર રસ્તે બે ગાડીઓ એકબીજાને અથડાવા જેવું છે. બહાર નીકળીને બંને પાર્ટીઓને એક જ સવાલ પૂછે છે, ‘‘જોઇને ચલાવતા નથીઇઇઇઇઇઇ?’

સગાઇ તૂટેલા ગુજરાતના હજારો યુવક-યુવતીઓને અશોક દવે તરફથી આ લેખ ભેટ છે. જે ગુન્હામાં તમારો કોઇ કસૂર નથી, છતાં સજા મળી છે તો એનો અફસોસ કરવાનો ન હોય... લૉસ એ લોકોનો છે.. તમારો નહિ! ઉત્તમ પાત્ર તમારી રાહ જોઇ રહ્યું છે... ધૅટસ ઑલ.

સિક્સર
- ઘરમાં તમારા ફાધર પોલિટિક્સમાં હોય- કોઇપણ પક્ષમાં, તો વાત કરવા જેવી ખરી કે, ‘‘તમારે તો ટેસ્ટ જેવું કાંઇ હોય નહિ, એ તો સમજ્યા.. પણ તમારા સંતાન બનવાને લીધે અમારામાં ય કોઇ ટેસ્ટ જેવું ન રહ્યું...!

No comments: