Search This Blog

06/05/2011

'દિલ્લી કા ઠગ' ('૫૮)

ફિલ્મ : 'દિલ્લી કા ઠગ' ('૫૮) 
નિર્માતા-દિગ્દર્શક : એસ.ડી. નારંગ 
સંગીત : રવિ 
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ 
કલાકારો : કિશોર કુમાર, નૂતન, સ્મૃતિ બિશ્વાસ, અમર, મદન પુરી, ઈફ્તેખાર, કૃષ્ણકાંત, પ્રતિમાદેવી, મિરાજકર, કઠાના, કુમુદ ત્રિપાઠી, ટુનટુન, રતન ગૌરાંગ, બેલા પ્રામાણિક, હબીબ, રાજન કપૂર, રત્ના ભૂષણ, બ્રહ્મ ભારદ્વાજ, ઉમા દત્ત, શેખર પુરોહિત, મિર્ઝા મુશર્રફ અને મીનુ મુમતાઝ (મેહમાન કલાકાર) 
*****

૧. ચલ રી અમીરન, ભઇ ચલ રે ફકીરે, ઓ બન્દરીયા....કિશોર 
૨. કિસી કા દિલ લેના હો, યા કિસી કો દિલ દેના હો....ગીતાદત્ત 
૩. ઓ બાબુ ઓ લાલા, મૌસમ દેખો ચલા....ગીતાદત્ત 
૪ યે બહાર, યે સમા, યે ઝૂમતી જવાનીયાં....આશા ભોંસલે 
૫. સીખ લે બાબુ પ્યાર કા જાદુ, મેરે પાસ ચિરાગ....આશા ભોંસલે 
૬. હમ તો મુહબ્બત કરેગા, દુનિયાસે નહિ ડરેગા....કિશોર 
૭. C.A.T. Cat માને બિલ્લી, R.A.T. Rat ....આશા-કિશોર 
૮. યે રાતેં યે મૌસમ, નદી કા કિનારા, યે ચંચલ હવા....આશા-કિશોર 

(ગીત નં. ૧ ફિલ્મમાં નથી.) 
(ગીતકારો : શૈલેન્દ્ર, મજરૂહ, શમ્સ-ઉલ-હુદા બિહારી)

'દિલ્હી કા ઠગ'. ફિલ્મનું નામ વાંચીને પહેલા તો એમ થાય કે, દિલ્હીના હાલના કોઇ નેતા વિશેની ફિલ્મ હશે. પણ એ જમાનામાં ય આવા સસ્તા વિષય પર ફિલ્મો નહોતી ઉતરતી....! 

એ વખતે તો કિશોર કુમારની બધી ફિલ્મો ગમી હતી. હસવું ય ખૂબ આવતું હતું. હાફ-ટિકીટ, નૉટી બૉય, અધિકાર, પૈસા હી પૈસા, મુકદ્દર, આંદોલન, છમ છમા છમ, લડકી, ફરેબ, ભાગમભાગ, ધોબી ડૉક્ટર, બેવકૂફ, ઢાકે કી મલમલ, બેગૂનાહ... ચલતી કા નામ ગાડી અને પડોસન જેવી ઓલ ટાઈમ ગ્રેટ ફિલ્મો તો ખરી જ. બધી તો એકસામટી અત્યારે યાદે ય ન આવે. 

હવે વારાફરતી એ બધી ફિલ્મો જોઈએ એટલે બાય સ્વૅર... જીવ બળી જાય કે, એ જમાનાના બહુ દિગ્દર્શકો અને સંવાદ લેખકો ને કારણે આવો વર્લ્ડ-લૅવલનો કૉમિક હીરો વેડફાઇ ગયો. કિશોરને દર વખતે ઋષિકેશ મુકર્જી જેવા (હ્યૂમરને સમજનારા) દિગ્દર્શકો તો ક્યાંથી મળે ? એ તો કૉમિક કિશોરમાં ઇન-બૉર્ન હતું, એટલે ગમે તેવા વાંદરાવેડાં કરીને પ્રેક્ષકોને હસાવી શકતો. કહેવું ગમે તો નહિ પણ કિશોર જેવા આટલા મહાન કૉમેડીયનમાં જૅરી લૂઇસ, નૉર્મન વિઝડમ, બસ્ટર કીટન કે પીટર સૅલર્સ જેવી સર્જકતાનો અભાવ હતો, એટલે પોતે કોઈ હ્યૂમર ઊભું ન કરી શકે. પેલા લોકોની કૉમેડીમાં જે વૅરાયટી આવતી હતી, તેનો મૌલિકપણાંની દ્રષ્ટિએ કિશોરમાં અભાવ. એટલે થાય એવું કે, કાં તો એને ફિલ્મે-ફિલ્મે પાગલ બનવું પડતું અથવા ગુલાંટો ખાવાથી માંડીને વાંકાચૂકા મોંઢાથી માંડીને વધારાનો કોઇ માલ એની કૉમિક-ફૅકટરીમાં બનતો નહિ. મેહમુદને મોટો ફાયદો રાજેન્દ્રકૃષ્ણ જેવા સંવાદ-લેખકોનો પણ વચમાં વચમાં મળી ગયો, એટલે કૉમેડી ફક્ત ઍક્ટિંગથી નહિ, ડાયલૉગ્સથી પણ ઊભી થતી. કિશોરને થોડા અપવાદો બાદ કરતા આખી કરિયરમાં સંવાદ લેખકો પણ અસરદાર ન મળ્યા. નહિ તો બિમલ રૉયની ફિલ્મ 'દો દૂની ચાર'માં કિશોરની બૌદ્ધિક કૉમેડી હતી. સંવાદો ગુલઝારે લખ્યા હતા, તો એ ફિલ્મમાં કાળો-જાડો કૉમેડીયન અસિત સેન પણ ખૂબ હસાવી ગયો હતો. અલબત્ત, વિલિયમ શૅક્સપીયરના 'ધી ટૅમ્પેસ્ટ' જેવા જ બીજા કૉમિક નાટક 'ધ કૉમેડી ઑફ ઍરર્સ' પરથી દુનિયાભરમાં સ્ટેજ શો થયા, નાટકો અને ફિલ્મો પણ બની, તેમાંની એક બિમલ રૉયે હિંદીમાં 'દો દૂની ચાર' નામે ઉતારી. પછી ગુલઝારે 'અંગૂર' (સંજીવ કુમાર-દેવેન વર્મા) બનાવ્યું. શૅક્સપીયરના નાટકમાં 'ઍન્ટીફોલસ' અને એના નોકર 'ડ્રોમિનો'નો રોલ અનુક્રમે કિશોર કુમાર અને અસિત સેને કર્યો હતો. 

કિશોર કેવળ ગાયક તરીકે જ નહિ, અભિનેતા તરીકે તો એની ગાયકી કરતા ય વધુ બળવત્તર હતો. પ્રોબ્લેમ એનો ઉપયોગ કરવાનો થતો હતો, એનો નિવેડો લાવવો એ જમાનાના દિગ્દર્શકોના ગજાં બહારની વાત હતી, પરિણામે કિશોરના નામે આપણે ફિલ્મો તો જોઇ આવતા અને એ ઉંમરની આપણી સમજ મુજબ એ ફિલ્મો ગમતી પણ હતી. આ ફિલ્મ 'દિલ્લી કા ઠગ'ના નિર્માતા-દિગ્દર્શક એસ.ડી. નારંગે જે કોઇ આઠ-દસ-પંદર ફિલ્મો બનાવી (અરબ કા સૌદાગર, યહુદી કી લડકી, શુત્રધ્ન સિન્હાવાળી 'બાબુલ કી ગલીયાં,' જીતેન્દ્ર-બબિતાવાળી 'અણમોલ મોતી,' વિશ્વજીત-રાજશ્રીવાળી 'શેહનાઈ' અને 'સગાઇ,' 'દો ઠગ...' પેલું ઇંગ્લિશમાં કહે છે ને...? Nothing to write home about....! 

પરિણામે, કિશોર જેવા વર્લ્ડ-કલાસ હીરોને લેવા છતાં આ ફિલ્મને ટીપિકલ ઢિશૂમ-ઢિશૂમની ફિલ્મ બનાવી દીધી. અક્કલ તો એ લોકોની નહિ, આપણી કામ ન કરે કે, નૂતન જેવી ઇન્ડિયાની 'ધી બેસ્ટ' હીરોઇન લેવા છતાં એને લાયક તમે કોઇ કામ લઇ ન શકો.? તો એનો મતલબ એવો ખરો કે, હવે ડીવીડી મંગાઇને 'દિલ્લી કા ઠગ' જોઇએ, તો પૈસા પડી જાય
.....

એટલી ખરાબ ફિલ્મ નથી આ. નૂતન-કિશોરના મારા જેવા બારમાસી ચાહકોને ફિલ્મ તો ગમવાની જ. કોઇ હૉપલૅસ ફિલ્મ તો નથી આ. ફાર્સિકલ (ગુજરાતીમાં 'ફારસ') કહો, સ્લૅપસ્ટિક કહો કે બફૂનરી કહો, એ બધું તેમની ચરમસીમાએ હોવાથી વચમાં-વચમાં હસવું તો આવી જાય છે. પણ ફિલ્મનો એકે ય સંવાદ ચમકારાવાળો નથી. સામાન્ય લોકો જેને સિચ્યૂએશન-કૉમેડી કહે છે (એટલે બનતી ઘટનાઓમાંથી કોઇ હ્યૂમર ઊભું થાય) એવું કાંઇ નથી, પણ ફિલ્મનું સંગીત આજ સુધી ચિરંજીવ રહ્યું છે. બહુ નવાઈઓ લાગે પણ રવિ જેવા સૉફ્ટ અને ગંભીર સંગીતકારે આશા-કિશોર પાસે આજ સુધી આપણી સીડી-માં સચવાયેલા ગીતો બનાવ્યા છે. એમાં ય. એ બન્નેનું 'યે રાતેં, યે મૌસમ, નદી કા કિનારા' તો ઑલટાઇમ ગ્રેટ યુગલ ગીતોના આપણા લિસ્ટમાં શામેલ થાય એવું છે. રવિ બીજા એવા સંગીતકાર છે, જેમણે આશા ભોંસલેને ઉત્તમોત્તમ પ્રોજૅક્ટ્સ આપીને, લતાની ઑલમોસ્ટ બરોબરીના ગીતો આપ્યા છે. એમની પહેલી ફિલ્મ 'વચન'થી શરૂ કરીને લગભગ તમામ ફિલ્મોમાં આશાની કરિયરના ટોપ-ટેન પૈકીના ગીતો ગવડાવ્યા છે. અહીં આ ફિલ્મમાં કિશોર સાથેનું આ ગીત કોઇ સારી મ્યુઝિક-સીસ્ટમમાં સાંભળો તો ખ્યાલ આવશે કે, કેવી મીઠડી છે આ ગાયિકા ! જોવાની ગમ્મત એ પડે એવી છે કે, આશાના આવ્યા પહેલા (અને ઇવન પછી) હિંદી ફિલ્મોમાં કલબ-સૉંગ્સ ફક્ત અને ફક્ત ગીતાદત્ત પાસે ગવડાવવામાં આવતા. આશા સાઈડમાં હતી ને સારા બૅનરની ફિલ્મોમાં અને હીરોઇનના ગીતો કદી ગાવા મળતા નહોતા. અહીં રવિએ કલબ સૉંગ 'ઓ બાબુ ઓ લાલા' અને 'કિસી કા દિલ લેના હો' ગીતા પાસે ગવડાવ્યા અને હીરોઇન નૂતન પર જતા ગીતો આશા પાસે ગવડાવ્યા.. થયું એવું કે, આશાનો અવાજ તો નૂતન જેવી સમર્થ હીરોઇન ઉપર પણ ફિટ થાય છે, એનું ભાન બાકીના સંગીતકારોને હવે પડવા માંડયું અને આજુબાજુના બધા સંગીતકારો હવે આશાને સીરિયસલી લેવા માંડયા. ગીતાના ઘરસંસારમાં ગરબડો હતી, એટલે તબક્કો એવો આવ્યો કે, એની પાસે હીરોઇન ઉપર ફિલ્માવવાના ગીતો તો અમથા ય હતા થોડા...ને હવે ક્લબ-સૉંગ્સ પણ આશા ભોંસલે લઇ ગઇ....! 

આ ફેરફારના મૂળમાં ફિલ્મ 'દિલ્લી કા ઠગ'ને જવાબદાર ગણી શકાય. પણ કોઇકે સરસ વાત કરી છે કે, સંગીતની દુનિયા તળીયા વગરના ખાડા જેવી છે. જેમ જેમ તમે ઊંડા ઉતરતા જાઓ તેમ ખબર પડે, કે તમારૃં જ્ઞાન કેટલું પોકળ છે ! The world of music is a bottomless pit. The deeper you go, the more you realize how hollow is your knowledge. 

સિદ્ધિ તો નહિ પણ કંઇક નવું (અથવા શૉકિંગ...!!!) ગણવું હોય તો આ ફિલ્મે ઇવન આજે ચચરી જાય એવો એક ઝાટકો આપ્યો હતો... નૂતન લાઇફ-ટાઈમમાં પહેલી અને છેલ્લી વાર વન-પિસ બિકીની (સ્વિમ્-સ્યૂટ)માં દેખાઈ છે. એની પર્સનલ-લાઈફ ગમે તે હોય, પણ ફિલ્મી પડદા પર વર્ષોથી એને જોયા પછી આપણને સહુને એના માટે ''માં''નો ભાવ આવ્યો છે, એટલે સ્વિમ-સ્યુટમાં એના પરફૅક્ટ ફિગરને કારણે એ ખૂબ સૅક્સી લાગતી હતી, એવું કહેતા-લખતા પૅન અટકી જાય છે. યાદ હોય તો, અમિતાભ બચ્ચનના પેલા (ઇન) ફૅમસ ઍક્સિડૅન્ટ પછી, અમદાવાદમાં ફિલ્મ-સ્ટાર્સની મૅચ બચ્ચને રમાડી હતી, ત્યારે આ લખનારને નૂતન સાથે ખૂબ શાંતિથી મળવાનું થયું હતું. કોઇ નમ્રતા કે અતિશયોક્તિ વગર કહું તો, એમની સાથે વાત કરતી વખતે, હું કોઇ મોટો માણસ હોઉં અને એ બહુ સામાન્ય વ્યક્તિ હોય, એવી તદ્દન દંભ વગરની નમ્રતા અને શિસ્તપૂર્વક મારી સાથે વાતો કરી હતી. નૂતન સાથે મારી ઓળખાણ એમના સુપુત્ર મોહનિશ બહેલે કરાવી, ત્યારે મોહનિશના કલ્ચર પરથી પણ એવું લાગ્યું કે, વિનય-વિવેક આ લોકો ઉપરથી સાથે લઈને જ આવ્યા છે... અહીં આવ્યા પછી બનાવડાવવા નહિ આપ્યો હોય. 

એ વાત જુદી છે કે, કમ-સે-કમ આ ફિલ્મ (અથવા આવી ફિલ્મ)માં નૂતને કામ શું કામ કરવું જોઇએ, એની નવાઇ લાગે. એક તો ઍક્ટિંગનો કોઇ સ્કૉપ જ નથી એને માટે. ઉપરાંત, ફિલ્મ કિશોરની હોય એટલે સ્વાભાવિક છે, કૅમેરામાં ૯૮-ટકા એ જ દેખાતો હોય (એના ખાસ દોસ્ત દેવ આનંદની જેમ!) 

યાદ હોય તો એ વખતની બધી ફિલ્મોમાં કિશોર અડધી બાંયના મોટા મોટા રંગીન ચોકડાવાળા બુશકૉટ પહેરતો. પાછું, એના સિવાય એ વખતના એકે ય હીરોએ એવા કપડાં પહેરેલા જાણમાં નથી. બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોની મસ્તી આ હતી કે, ગુંડા બતાવવા હોય તો આડા પટ્ટાની કાળી જરસીઓ પહેરી હોય. એમનો બૉસ હોય, એ આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મોના વિલન પાસેથી બે દહાડાના ભાડે કપડાં લઈ આવ્યો હોય, એમ માથે હૅટ, ઢીંચણ સુધીનો લાંબો કાળો કોટ, રાત્રે ય પહેરી રાખતો કાળા ગૉગલ્સ અને મોંઢામાં ચીરૃટ...! અલ્યા ભ', ધોળીયાઓના દેશમાં બરફ સાથેની સખત ઠંડી પડતી હોય એટલે ત્યાં વિલનોએ જ નહિ, સારા માણસોએ પણ આવા લૉંગ-કૉટ પહેરવા પડે...તું શેનો આખેઆખો ઉપડયો છું, ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં કોટો પહેરીને....

હીરોઇનોની હૅર-સ્ટાઈલ્સ પણ ઘણી વખતે ચીતરી ચઢે એવી હતી. પાછળ બોચીને અડે ત્યાં સુધી પાંથી પાડીને બે ચોટલા વાળ્યા હોય...(એને પાછું આપણા સૌરાષ્ટ્રમાં ''બઉ ફૅસ્સન માયરી...'' કહેવાતું.) કપાળ પર આડીઅવળી લટો તો સાલા હીરો લોગ પણ ઉપાડી લાવતા, એટલે આ માજીઓને શું કહીએ ? રાજ કપૂરનું દેખી દેખીને આપણો પ્રદીપકુમારે ઉપડયો હતો, કપાળ ઉપર પ્રશ્નાર્થ-ચિહ્ન જેવી લટો ચોંટાડવા. 

(વચમાં જરી મજા પડે એવો એક સવાલ તમને ય પૂછી લઉં. આજ સુધી આટલી બધી ફિલ્મો તમે જોઇ, ફિલ્મ '૫૦-ના દાયકાની હોય કે આજની....એકે ય ફિલ્મમાં તમે લાઇટના બલ્બો કે ટયુબલાઈટો જોઇ....? કેમ એ લોકોને દ્રૌપદીના ચીરની જેમ લાઈટ પણ શ્રીકૃષ્ણ પહોંચાડતા હશે...? આપણે હાળા લાઈટના બિલો ભરી ભરીને તૂટી જઇએ છીએ ને આ લોકોની તો હવેલીઓમાં ય વગર બલ્બે ક્યાંથી લાઇટો ઉતરી આવે છે...? યે પોઇન્ટ નૉટ કિયા જાય, મી લૉર્ડ...!) 

એ ફિલ્મોમાં સ્ટુડિયોના સૅટ્સ પણ પકડાઈ જાય એવા બનતા. દરેક ગીતમાં આપણને ખબર હોય કે, અડધી રાતની જેમ આ ઉપર લટકતો અડધો ચાંદ પણ હાવ ખોટીનો છે....! આર્ટ-ડાયરેક્ટર સંત સિંઘ ખાસ કાંઈ ઉકાળી શક્યા નથી. બધા સૅટ પકડાઈ જાય એવા બનાવ્યા છે. 

ફિલ્મ રીલિઝ થઈ, એ વખતે ત્યારની ફેશન મુજબ, આખી ફિલ્મોમાંથી બે રીલ્સ રંગીન બનાવવામાં આવતા, પણ આ ફિલ્મની સીડી-માં ગીતો બ્લૅક-ઍન્ડ-વ્હાઈટમાં છે. બે રીલ્સ કલરના કરવા માટે તો નારંગે હૉલીવૂડના કૅમેરામૅન એફ.સી. માર્કોનીને બોલાવ્યા હતા. 

ફિલ્મની કાળી-ધોળી ફોટોગ્રાફી જી.સિંઘે કરી છે. આ જી.સિંઘ એટલે ભારતની પહેલી 70 mm માં બનાવેલી ફિલ્મ 'એરાઉન્ડ-ધ-વર્લ્ડ'ના કૅમેરામૅન. કમનસીબે નવું નવું હતું, એટલે રાજ કપૂરથી માંડીને બધાના માથા કૅમેરાની ફ્રૅઇમમાં કપાઈ જતા હતાં. 

જસ્ટ, યાદ અપાવવા માટે તમે પૂછો કે, ભલે ફિલ્મ ફાલતુ હતી અને અમે એ વખતે જોઇ પણ હતી, પણ અત્યારે યાદ નથી કે, ફિલ્મમાં શું આવતું હતું ! મને તો એટલી ખબર છે કે, ફિલ્મમાં 'ધી ઍન્ડ' સિવાય બધું આવતું'તું. ફિલ્મનું નામ 'દિલ્લી કા ઠગ' કઇ કમાણી ઉપર પાડયું છે, તેની કોઇને ખબર નથી. નથી એમાં દિલ્હી સાથે કોઇ લેવા-દેવા, નથી કિશોરના ઠગ હોવા સાથે. ફિલ્મની શરૂઆતમાં ફિલ્મનું નામ સાર્થક કરવા કિશોર એકાદ ખિસ્સું કાતરી જાય છે, એ વખતે આપણે આપણું ખિસ્સું સાચવી રાખવાનું, તો ખાસ કાંઇ ગૂમાવવા જેવું નથી. પણ એ જમાનાના પાત્રો યાદ આવે ખરા. જેમ કે, મુખ્ય વિલન અમરને તમે નામથી ન ઓળખો, પણ અનેક ફિલ્મોમાં એ બુઢ્ઢો પણ દેખાવડો ખલનાયક હતો. અશોક કુમાર-રાજકુમારવાળી ફિલ્મ 'ઊંચે લોગ'માં ઘરના આદરણીય નોકર ચાચા જુમ્મનનો રોલ કરનાર કુમુદ ત્રિપાઠી અહીં ખિસ્સાકાતરૂ બને છે. હજી પણ જૈફ વયે સક્રીય છે, તેવા આપણા સુરતના કૃષ્ણકાંત ભૂખણવાલા કિશોરકુમારના માનિતા હતા, એટલે એની લગભગ બધી ફિલ્મોમાં એ હોય જ. પછીથી ગુજરાતી ફિલ્મોમાં ખૂબ ચાલેલા શેખર પુરોહિત પણ અહીં છે, પણ ભરજુવાનીમાં. ભારત ભૂષણની પત્ની રત્ના અહીં કિશોરની બહેન બને છે. ઍક્ટિંગને બદલે ગાલમાં પડેલી જાળીને કારણે વધુ બિહામણો લાગતો હબીબ તમે ઓળખી જશો. દરેક ફિલ્મમાં મદ્રાસીનો એકનો એક રોલ કરતા મિરાજકર પણ છે. ઇફ્તેખાર ત્યારે પણ પોલિસ ઇન્સ્પેક્ટર હતો અને 'જ્હૉની મેરા નામ' વખતે માંડ પ્રમોશન મળ્યું. મદનપુરી આખી જીંદગીમાં સુધરે એવો નહોતો, એ આપણે જાણીએ છીએ. નવાઈ એક વાતની લાગે કે, જેને ફિલ્મની સૅકન્ડ-હીરોઇન તરીકે લીધી છે, તે બંગાળની સ્મૃતિ બિશ્વાસનો રોલ તો ૩૦-સૅકન્ડનો ય નથી. 


...અને તો ય, કિશોર અને રવિના સંગીત ખાતર ફિલ્મ જોવાઈ જાય તો ય જીવ બળે એવો નથી.

No comments: