Search This Blog

18/05/2011

સવારે ઉઠ્યા પછીનો અડધો કલાક

આ કહાની ઘરઘરની છે.સવારે ઉઠ્યા પછી દરેક ઘરનો પહેલો કલાક અકળાવનારો હોય છે. કાચી ઊંઘ તૂટવાને કારણે કોઈના શરીરમાં ચેતના હોતી નથી. ભૂખ્યા પેટે આશ્રમના ત્યજાયેલાં બાળકો ચોગાનમાં લાચારીથી ફરતા હોય, એવો માહોલ દરેક ઘરમાં વહેલી સવારનો હોય છે. જુઓ જરા. તમારે ઘેર આવું થાય છે કે, આનાથી ય....!

પ્રભાતના સોનેરી કિરણો ધરતી પર પડે, ત્યારે રૂના જીંડવામાંથી અળસીયું બહાર આવે, એમ ડૅડી પથારીમાંથી બહાર નીકળી આવે છે. કાદવમાં કમળ ઊગ્યું, એવું લાગે. એમના ઉઠ્યા પછીનો અડધો કલાક સાચવી લેવાનો હોય છે. હજી એ એવી ઊંઘમાં હોય કે, માણસનો આકાર પુનઃ પ્રાપ્ત કરવા માટે, એમને મિનિમમ અડધો કલાક જોઈએ. ત્યાં સુધી બોલાવાય પણ નહિ. બોલાઈએ તો મૂળ તો એ જવાબ ન આપે અને આપે તો નાકમાંથી ગરમ ગરમ વરાળો કાઢે. આ અડધો કલાક એ (ઈ.ટી. જેવું) કોઈ ઉપગ્રહવાસી ધરતી પર ફરવા આયું હોય, એવા લાગે. સવારમાં ઉઠેલો દરેક ડૅડો રજનીકાંત જેવો લાગતો હોય છે. એ ભીંતમાં અથડાય તો ય રીબાઉન્ડ થઈને પાછો આવે. રાત્રે સૂવાને કારણે આખા શરીરનું લોહી ગમે ત્યાં ફેલાયેલું હોય, પણ હજી મગજ સુધી ન પહોંચ્યું હોય, એટલે ડૅડી અકળાયેલા બી હોય. ચહેરો પ્રસન્ન ન હોય. રોજ આખી રાત એમને શીર્ષાસનની મુદ્રામાં હુવડાવો તો, રાતભર શરીરનુ બઘું લોહી મગજમાં જમા થાય તો સ્ફૂર્તિથી સવારે ઉઠે. પણ શહેરના પશ્ચિમ વિભાગની સોસાયટીઓમાં આ પ્રથા ખાસ સ્વીકારાઈ નથી. મોટા ભાગના ડેડીઓ, નદીકિનારે એનાકોન્ડા આડો પડ્યો હોય, એવા આકારે સુતા હોય છે.

આમ તો, ઘરની બધી પબ્લિક પણ સવારે ઉઠ્યા પછી આમ જ ખસતી હોય છે. આ સમો એવો હોય છે, કોઈ કોઈને બોલાવે નહિ. ઇંગ્લેન્ડ-અમેરિકામાં ઉઠ્યા પછી રાબેતા મુજબ એકબીજાને ‘ગુડ મોર્નિંગ’ કહે. આપણે ત્યાં સવાર-સવારમાં પૂછાપૂછી શરૂ થઈ જાય. પહેલો મૂંઝારો ડૅડીનો હોય, ‘મારું બ્રશ કોણ લઈ ગયું ?’ (એમને ખબરે ન હોય કે, ગઈ કાલે સોસાયટીના કૂતરાના મોઢામાંથી એમનું બ્રશ માંડ માંડ પાછુ કઢાવ્યું હતું...!) અને, ‘‘છાપું આયું ?’’ ત્રીજો બોલે, ‘‘મારી ચા થઈ ગઈ ?’’

સવારે ઉઠવું એટલું સહેલું નથી. છતાં એકવાર ઉઠવું પડે છે. સાવ ઉઠો નહિ એ સારું ન લાગે. લોકો વાતો કરે. ભલે પછી ઘરના બધા ભેગા થઈને ધોળા કપડાં પહેરીને આંખો લૂછતાં માહિતી આપે, ‘‘બસ... એ તો રાત્રે સૂતા... એ સુતા !... પછી સવારે ઉઠ્યા જ નહિ...!’’ એવા વખાણ બે-ચાર દહાડા કરે, પણ આપણે ય સમાજમાં રહેવાનું છે. રોજ સવારે એક વાર ઉઠવું જોઈએ. આમાં વહેલું કે મોડું ઉઠવું, એનો ફરક પડતો નથી. જગતનો કોઈ માણસ સિસોટી વગાડતો પથારીમાંથી ઉઠતો નથી. હસતે મોઢે કોઈને ઉઠવું ગમતું નથી. ઊંઘ હજી પૂરી થઈ ન હોય, આંખના પોપચાં અડધા બીડાયેલા હોય, ઝાડની બખોલમાં સસલું બેઠું હોય, એમ આંખમાં પિયા ભરાણા હોય, સરખું દેખાતું ન હોય એટલે એક-બે જગ્યાએ ભીંતમાં અથડાય. મંદબુદ્ધિનું બાળક ચાલતું હોય એવું લાગે. બોલવું તો બહુ દૂરની વાત છે, આપણે જાગી ગયા છીએ એ પણ આપણને ગમતું ન હોય. અધખુલી આંખે ભ્રમરોનું ઊંચે જવું, ચહેરાને ખૌફનાક સ્વરૂપો આપે છે.

અઘરું કામ છે, સુતેલા ડૅડીને ઉઠાડવાનું. આવી ઘૂમધામ ગરમીમાં તમારો ડૅડો ગંજીફરાક પેટેથી પિલ્લું વાળીને છાતી સુધી લઈ જઈને સુતો હોય. ઉઠાડો એટલે છણકા કરે. રોજના અનુભવ પરથી એટલું તો સાફ છે કે, એમે પથારીમાંથી કાઢવા, એ બાથરૂમમાં ભરાયેલી ગરોળી કાઢવા જેવું અઘરું કામ છે. ભલે કરે કાંઈ નહિ, પણ આપણને સાલી બીક લાગે !

આમાં પાછા ડૅડીએ-ડૅડીએ જુદા જુદા પ્રકારો જાણમાં આવ્યા છે. કેટલાકને. ‘‘ચલો ઉઠો હવે....’’ એવું એક વાર મમ્મી કહે, એટલે તાર ઉપર બેઠેલી ચકલી ઊડી જાય, એમ બેઠા થઈ જાય. બીજા પ્રકારમાં, કારગિલ-યુદ્ધ પછી એવા ફાધરો ય પ્રકાશમાં આવ્યા છે કે જેમને પથારીમાં ગોતવા પડે. રોડ પર રીક્ષા પલટી ખાઈ ગઈ હોય એમ પલંગની પેલે પાર પડ્યા હોય. મોર્ડન ડીઝાઈનોનું કાંઈ ધાર્યું ન ઉતરે. કહે છે કે, સન ’૪૫ પછી પોરબંદર, નડિયાદ અને મુંબઈ બાજુ એવા ફાધરો પણ ઊંઘતા ઝડપાયા છે, જે રાત્રે સુએ પોતાના ઘેર અને બોલો.... સવારે ઉઠે પણ પોતાના જ ઘેર !

હવે ડૅડી તરીકે ખાસ કોઈ ખપમાં ન આવે એવા કેટલાક ડૅડીઓ ઊંઘીને ઉઠવાને કારણે સખ્ત થાકી જતા જોવા મળ્યા છે. એમને ઊંઘવાનો થાક લાગ્યો હોય. એ લોકો નહાતા-નહાતા ય થાકી જાય. ભર તડકે મારગ ભૂલેલો મુસાફર કોક ઝાડ નીચે બેસી જાય, એમ આવા ડૅડીઓ પથારીમાંથી ઊભા થઈને સોફા ઉપર બન્ને ઢીંચણો ઊંચા કરીને, એક બાજુના ખભા તરફ માથું ઢળતું રાખીને બેસી પડે છે. એ આપણો ફાધર ન હોય તો, ‘‘ચલો... છૂટા નથી... આળળ જાઓ, બાબા’’ કહીને કાઢીએ ય ખરા...! આમને શું કહેવું ? મમ્મી-પપ્પાના કેસમાં તો જે સેટ આયો હોય, એ જ વાપરી નાંખવો પડે છે... આમાં દાદા-દાદી કે નાના-નાનીને ઘેર જઈને ખખડાઈ ના અવાય કે, ‘‘હાવ કેવો પેટીનો માલ મોકલાયો છે તમે...?’’ આ તો એક વાત થાય છે.

પણ ઉઠતાવહેંત ડૅડી સાચી દિશા પકડે છે. ભરઊંઘમાં ય એમને મંઝિલની ખબર છે. ઠેબાં ખાતા ખાતા ય એ પહોંચે છે સીધા શાંતિઘાટ-એટલે કે, ટૉઈલેટ. આવનારી ૨૦-મિનીટોમાં આ સ્થાન તેમને કેવળ મનની જ નહિ, તનની શાંતિ પણ આપવાનું છે. કવિવર ટાગોરે લખ્યું હતું,

‘‘તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... હોઓઓઓ, એકલો જાને રે...’’ 

એ ભલે કોઈ બીજા સંદર્ભમાં કીઘું હશે, શાંતિઘાટના માર્ગે સિધાવવા માટે તો એકલા જ જવું પડે. ઘણા ડૅડીઓ બહાર હોય, એના કરતાં અંદર વઘુ સારા. ‘ફૂલ ગયું ને ફોરમ રહી’ વાળી ફોરમો બહાર ફેલાવે એના કરતાં, એ અંદર તો આપણે બહાર વઘુ સલામત... સુઉં કિયો છો ?

અલબત્ત, ટૉઈલેટમાં ટીવી લઈ જઈ શકાતું નથી, એટલે લોકો છાપું લઈ જાય છે. કહે છે કે, છાપું લીધા વગર ટૉઈલેટ જતો મનુષ્ય પેદા થયો નથી કારણ કે, અંદર ગયા પછી છાપું હરડેનું કામ કરે છે. એ પ્રસન્નતાથી જ બહાર નીકળે. વિશ્વનો એકપણ ગ્રંથ એને આવી રાહત આપતો નથી. ગુજરાતીમાં કહેવત છે, ‘વાડ વિના વેલો ન ચઢે’, એમ ટૉઈલેટમાં છાપું લઈ ગયા વિના, ઘણાની પસ્તી ખાલી થતી નથી. ઇજિપ્ત અને ઇરાન બાજુના કેટલાક મહાન ટૉઇલેટ-વૈજ્ઞાનિકો માને છે કે આ એવી મંઝિલ છે, જ્યાં પહોંચનાર કદી નિરાશ થતો નથી... ખુશ થઈને પાછો આવે છે... કંઈક કરી છુટ્યાનો આનંદ પામે છે. કીઘું છે ને, ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.’

હવે તો દરેક ઘરમાં બે-ત્રણ ટૉઈલેટ્‌સ હોય છે. એવું કાંઈ ન હોય કે, ત્રણેમાં વારાફરતી એકએકવાર જઈ આવવાનું, એટલે એક કામ પતે. પણ વાત આદતની છે. સમરાંગણમાં જતા ઘણા બહાદુર સેનાપતિઓને એમનો કાયમી ઘોડો મળે તો જ જીતીને આવે, એમ ઘણાને બીજું ટૉઈલેટ ખાલી હોય તો ય ત્યાં ન ફાવે. બીજી એકેય તપોભૂમિ પર તેઓ સાધના કરી ન શકે, મન ચોંટે નહિ અને ઘ્યેય પ્રાપ્તિ થાય નહિ... પોતાના મનભાવન ટૉઈલેટમાંથી બહાર નીકળતી વખતે જ વિજય-પતાકા ફરકતી દેખાય. દારૂની જેમ ટૉઈલેટોની દુનિયા પણ બે ભાગમાં વહેંચાયેલી છે, ‘દેસી’ અને ‘ઇંગ્લિશ’... આઈ મીન, આપણી ભાષામાં કમોડ. આ બન્ને પદ્ધતિઓ પણ ફાવવા ન-ફાવવા સાથે સંકળાયેલી છે. દેસી પદ્ધતિમાં ધારોધાર રાષ્ટ્રીયતા છલકતી હોવા છતાં, ટૉઈલેટ પૂરતી વિદેશી સેવાઓ સ્વીકારવી પડે છે. વાત સ્વાભિમાન કે અહંકારની નથી, પણ આ સ્થાનક તો પોતાનું મનગમતું જ જોઈએ.

પણ આ તો ‘માંહી પડ્યા તે મહાસુખ પામે દેખનારા દાઝે જોને...’ કહે છે કે, સનમની રાહ જોયા કરતા ટૉઈલેટીયો બહાર નીકળે, એની રાહ જોવી બહુ અકળાવનારી હોય છે. અંદરની આપણને ખબર ન પડે, પણ બહાર તો યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું હોય છે. પહેલાવાળો બહાર નીકળે નહિ, ત્યા સુધી ગમે તેવા જાંબાઝ સેનાપતિ બહાર ઊભા ઊભા હલબલતા હોય, પણ યુદ્ધે ચડી ન શકે. આ એવી રણભૂમિ છે, જેમાં પોલાદી બખ્તર કે ગૉગલ્સ પહેરીને જઈ શકાતું નથી. અહીં પૂરી નમ્રતા જોઈએ, ખુમારી નહિ. બહાર ઊભા ઊભા રાહ જોવી ને અકળાતા રહેવું, એમાં મરડાઈ અને તરડાઈ-બે ય જવાય છે. અંદર જમા થયેલો તો શાંતિ અને સુકુનથી બેઠો હોય, ને આ બાજુ જીવ જતો હોય. પણ ટૉઈલેટની બહાર ઊભેલા દરેક માણસનું એક નનેકડું સપનું હોય છે, અરમાનો હોય છે કે, આ બહાર નીકળે તો હું કાંઈ સાબિત કરી બતાવું. એના મનમાં ઠસી ગયું હોય છે કે, અંદર ગયેલા કેટલાક તો બાકીનું જીવન અંદર પૂરું કરવાના હોય એમ બહાર જ નીકળતા નથી, એમાં એ બહાર ઊભો ઊભો છોલાઈ જાય છે. જુઓ, મનોજ ખંડેરીયાનો શે’ર જુઓ.

‘‘હાથમાં કારોબાર રાખ્યો તે, ને મને બારોબાર રાખ્યો તે,
એક ડગ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તે’’.

ટૉઈલેટોની દુનિયા નિરાળી છે, અલગારી છે. વિશ્વનું કોઈ સ્થાપત્ય એવું નથી, જ્યાં જતી વખતે મોઢું ઢીલું હોય ને બહાર નીકળતી વખતે, ‘જંગ જીત્યો રે મારો કાણીયો’ની પ્રસન્ન અદા હોય કે કંઈક કરી બતાવ્યાનું (Mission accomplished) અભિમાન છલકતું હોય ! એ રીતે જોઈએ તો ઘરનો શાંતિ-ઘાટ પ્રસુતિગૃહના ઑપરેશન-થિયેટર જેવો છે. ડૉક્ટર હસતા મોંઢે હાથ લૂછતાં લૂછતાં બહાર આવે તો સમજવાનું ઑપરેશન સક્સેસફૂલ. રોજ ટૉઈલેટ જતા સુસંસ્કારી ઘરોમાં આ જ કારણે, ટૉઈલેટને બદલે ‘શાંતિ-ઘાટ’ જેવા પવિત્ર શબ્દો વપરાય છે.

આપકી યાત્રા સફલ હો.

સિક્સર
- લાઈફમાં બસ, એક જ વખત બરફ બનાવતી ફૅક્ટરી જોઇ આવે અને ગટરથી ય કેવા ગંદા પાણીમાંથી બરફ બને છે, એ જોયા પછી લારી પર બરફના ગોળા ખાનાર બચી કેમ જાય છે?
- એ લોકો શરદ પવારની ખાંડ પણ પચાવી ગયા છે, ત્યાં...!

સિક્સર
- કસાબને ફાંસી નહિ આપવાના કોંગ્રેસ સંસ્કાર સાથે કમલેશ આવસથ્થી સહમત છે, ‘મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...’

No comments: