Search This Blog

04/05/2011

એ...ગાંડો આયો

કસૂર મારી પર્સનાલિટીનો હશે, પણ પ્રયત્નો કરવા છતાં, દેખાવ ઉપરથી હું સ્માર્ટ લાગતો નથી. સ્માર્ટ તો જાવા દિયો, મને જોયા પછી ઘણાના મનમાં ઠસી જાય છે કે, મારામાં બહુ લાંબી નહિ હોય. રાજ કપૂરના શબ્દોમાં, ‘સૂરત પે માર ખા ગયા !’ ’૬૮-માં અમદાવાદના સારંગપુરની તળીયાની પોળમાં આવેલી સાધના હાઈસ્કૂલમાં હું ભણતો, ત્યારે એક નાટક ભજવવાનું હતું. શિક્ષકગણ એ મુદ્દે સહમત કે, ‘પેલો ગાંડાનો રોલ તો અશોક જ કરશે...એમાં એ શોભશે પણ ખરો !’ ગાંડાઓ શોભવા માટે પણ હોય છે, એ આ પ્રથમ શોધ હતી. આજે એ જાહેરાત કરતા મને કોઇ અભિમાન ઉપડતું નથી કે, ગાંડાના રોલમાં હું ફર્સ્ટ-પ્રાઇઝ લઇ આવ્યો હતો. અભિનંદનો પણ છાતીમાં કેવા વાગે કે, ‘‘વાહ અશોક વાહ....તું જાણે આ રોલ માટે જ જન્મ્યો હોય...તેં ઍક્ટિંગ કરી જ નથી...તું બહુ સ્વાભાવિક લાગતો હતો...’’

લાઇફમાં એ મારો પહેલો અને છેલ્લો રોલ, નાટકોની ઑફરો તો ઘણી આવી, પણ રોલ બધામાં એક જ હોય-ગાંડાનો. નાટકની સફળતા પછી હું હીરો અફ કૉર્સ બની ગયો હતો, પણ ગાંડો હીરો. સાલાઓ ઑટોગ્રાફસ લેવા આવે, એ ય હસતા હસતા આવે અને લઇ લીધા પછી ખિખ્ખિખિખિ કરીને આંખ મીંચકારીને બાજુવાળાને કહે, ‘‘ઇઇઇઇ...યે ! ગાંડાને ઑટોગ્રાફ આપતા ય આવડે છે...’’

પાછા મને સમજાવે, ‘‘જો અસ્કા....રાજાના રોલમાં તું શોભે એવો નથી. ડૉક્ટર કે ભિખારીનું પાત્ર ભજવવા માટે તારા ફૅમિલીનું કોઇ એવું બૅકગ્રાઉન્ડ નથી. ફિલ્મ ‘દેવદાસ’માં દિલીપકુમારે કર્યો હતો, એવો શરાબીનો રોલ પણ તને ના અલાય...તું વગર પીધે ય મ્હોંમાંથી થૂંકો ઊડાડતો હોય છે...! ગાંડાના રોલમાં અમને એક ફાયદો કે, તારે એને માટે જુદો મૅક-અપ કરવો ના પડે...’’

ખાનગીમાં કબુલું તો, મને આવો સમજવામાં દર વખતે જાલીમ જમાનાનો વાંક નથી હોતો. કેટલીક વાર મારા નિર્દોષ લક્ષણો પણ એવા હોય છે. એક વાર ડ્રૉઇંગરૂમનો દરવાજો ખુલતો નહોતો. અમે આખું ઘર બારણાને ખભે ખભા મિલાવીને પછાડ્યું, દરવાજાને ગડદીયા-પાટું મારીને હચમચાવી નાંખ્યું, વચમાં ગાયત્રીના મંત્રો ચાલુ, સંકટમોચન પડોસીઓ માટે બૂમો પાડી, તિરાડોમાં તેલ પૂર્યું પણ બારણું ન ખુલ્યું. થોડીવારમાં રસોડાનું કામ પતાવીને હાથ લૂછતો લૂછતો શંભુ આવ્યો અને દરવાજાની નીચેની સ્ટૉપર ખોલીને બહાર નીકળી ગયો.

થોડા વર્ષો પહેલા અહીં લખેલી એક ઘટના યાદ આવે છે. મુંબઇ જતી ગુજરાત ઍક્સપ્રેસમાં મારો સીટ નંબર ૩૪ હતો. ટ્રેનોમાં તો તમને ખબર છે, ટૉઇલેટ્‌સની દિવાલો પર અનેક પ્રતિભાઓ પોતાની અંતીમ ઇચ્છાઓ છાનામાના લખીને વ્યક્ત કરે છે. એમને માટે ઘ્યેય કંિમતી હોય છે, પ્રસિદ્ધિનો મોહ નહિ એટલે નીચે પોતાનું નામ પણ ન લખે. આમાં કોઇએ આજની તારીખ સાથે લખી દીઘું હતું, ‘૩૪-નંબરની સીટ પર બેઠેલો માણસ ગાંડો છે. એ ગમે ત્યારે ગમે ત્યાં બચકું ભરી લેશે.’ નીચે કૌંસમાં લખ્યું હતું, ‘ગાંડો દેખાવમાં ગાંડો નથી લાગતો.’ (જો કે, મારા સંદર્ભમાં આવું લખાયું હોય તો મારા પૂરતું સાચું લખ્યું કહેવાય કે, દેખાવમાં પાછો હું એવો લાગતો નથી !)

નડિયાદ જેવું કંઇક માંડ આવ્યું હશે, ત્યાં ટૉઇલેટની દિશામાંથી એક અજાણ્યા સજ્જન મારી સામે હસતા મોંઢે જોતા આવતા હતા. ફૂગ્ગાની લારી જોઇને છોકરૂં ઊભું રહી જાય એમ એ મારી સીટની સામે સ્માઇલ સાથે ઊભા રહી ગયા. હું તો ઓળખતો નહોતો, છતાં હસતા હતા એટલે મને તો એ ગાંડા લાગ્યા. આપણે ય ટ્રેનોમાં બેઠા હોઇએ ત્યારે સજ્જન, એટલે મેં ય થોડું સ્માઈલ આપ્યું. હું તો પુરૂષોને ય સ્માઈલ આપું. આપણા મનમાં પાપ નહિ. બિલાડી બારીની ધાર પર ખિસકોલીનું માસુમ બચ્ચું જોતી હોય, એમ જોઇને કટાક્ષવાળા સ્માઇલ સાથે મને કહે, ‘‘કેમ છોઓઓઓઓ....? આજે કેમ ઝાડ ઉપર ચઢીને બેઠા છોઓઓઓઓ...?’’ મને તો એ માણસ સાવ ગાંડો લાગ્યો. ડોબાને ખબર નહિ પડતી હોય કે, આ સૅકન્ડ એ.સી.વાળી ટ્રેન છે, રીક્ષા નહિ. એ જતો રહ્યો. મનમાં તો હું ય હસી પડ્યો, ‘આજકાલ ગાંડાઓ પણ કેવા અપ-ટુ-ડેટ થઈને ફરતા હોય છે....!’

આમ આપણને તમારી ભાભીઓ બનાવવાનું મન થાય, એટલી સુંદર બે સ્ત્રીઓ પહેલા સીનથી જ મારી સામે હસતી હસતી આવતી હતી. કોઇ સ્ત્રી મારી સામે જોઇને હસે, એવું ઝાઝું બનતું નથી, (હસી પડે એવું તો રોજ બને છે!) સિવાય કે દરજીની કોઇ ભૂલ મારે ભોગવવાની આવી હોય ! હું મ્યુનિ.એ તોડી પાડેલું કોઇ ગેરકાયદે બાંધકામ હોઉં, એમ એ બન્ને ધારી ધારીને મને જોવા લાગી. કોઇ મને આમ જોતું હોય તો ગમે ખરૂં ને, હું તો પાછો સૌરાષ્ટ્ર બાજુનો એટલે અમારામાં તો શરમના શેરડાં ય બહુ પડે... પડ્યા, પણ ચોથી સેકંડે જ ખ્યાલ આવી ગયો કે, આ તબક્કો શરમના શેરડા પાડ્યા જેવો નથી. કંઇક જુદું છે. છતાં ય આંગણે આવીને ઊભેલી નિરાધાર અબળાઓને નિરાશ ન કરવી, એ આપણો પહેલેથી ઉસુલ, એટલે મેં ગૌશાળાને દાન જેવું સ્માઇલ આપ્યું. સામે ખડખડાટ હસવાના અવાજો અને બેમાંથી એક બોલી,

‘‘અલી....આપણી સામે જુએ છે....!’’ પતરાંની પાઈપ તૂટે ને વરસાદનું ભરાઇ રહેલું પાણી ધઘૂડા સાથે પછડાય, એવું ખડખડાટ બન્ને હસી. હવે મને શંકા થઇ ગઇ કે, પ્રોબ્લેમ ચોક્કસ છે. બિચારીઓ કેવી સારા ઘરની લાગે છે પણ, કોક પુરાણા કારમા આઘાતને કારણે બન્નેના મગજ પર અસર થઇ ગઇ હશે. જોઇને તો સહેજ બી લાગે નહિ કે, બન્નેના મગજ સુધી લોહીઓ પહોંચતા નહિ હોય. (વાચકોએ પેલી, ‘‘ભાભીઓ બનાવવાવાળી વાત’’ છેકી નાંખવી !) એક ચોક્કસ સાઈડથી તમે મને જુઓ તો હું ડૉક્ટર જેવો લાગું છું, એટલે મેં ’કુ કે, મને જોઇને મફતમાં ઈલાજ કરાવવા આવીઓ હશે. આવા તબક્કે આપણને કોઇ ખોટા વિચારો થોડા આવે ? આવે તો, બા ખીજાય...!

આજુબાજુવાળા મુસાફરો ઉપર જરી છાપ સારી પડે એટલે મેં જરા બ્રિટિશ અદબથી પૂછ્‌યું, ‘‘ઓ હેલો...આપને મારૂં કોઇ કામ છે ?’’ આમ આપણને, ‘સ્ત્રીઓને થતા માનસિક રોગો અને તેના બૃહદ ઇલાજો’ વિશે ઝાઝી જાણકારી ન હોય, પણ ટ્રેન જેવી ઇમર્જન્સીમાં કામ લાગી જાય એવા હાથવગા ઉપાયો તો હોય.

‘એએએએ... ગાંડો આપણને ઉપાય બતાવે છે,’ એવા મૌન ટોણાથી એ બન્નેએ એકબીજા સાથે આંખ મીંચકારીને મને કીઘું,

‘‘ઓહ નો... કામ તો કોઇ નથી... પણ આપ જેને ને તેને બચકું કેમ ભરી લો છો ?’’

મને થયું કે, કૅસ ગંભીર છે અને બચકું ભરવાના સ્ટેજ સુધી પહોંચેલો છે, માટે મારાથી હૅન્ડલ નહિ થાય. વળી ફાધર શીખવાડતા ગયા હતા કે, પારકી પંચાતમાં પડવું નહિ. આમાંથી છૂટવા માટે અહીં મારે ગામઠી-ટચ જ આપવો પડે એટલે મેં ‘જે સી ક્રસ્ણ’ની મુદ્રામાં કીઘું, ‘‘ઓકે માતાઓ... અંબે માં તમારૂં કલ્યાણ કરે...’’

એ તો વાંકી વળી જાય ત્યાં સુધી હસતી હસતી જતી રહી પણ, કોચના અન્ય મુસાફરોને મારા ઉપર કામે વળગાડતી ગઇ. હવે બધા મારી સામે જોતા હતા. એક-બે તો હસ્યા વગર પણ જોતા હતા. મારી બરોબર બાજુની સીટમાં કોઇ પારસી વૃદ્ધા બેસી હતી, એ હવે ડરવા માંડી હતી. એ એવી સજડબંબ થઇ ગઇ હતી કે, બોલી ભલે ન શકે પણ એનું ચાલે તો એ સીટની સાવ નીચે ગરી જાય. તીક્ષ્ણ નજરે જોઇને એ પોતાનું નાક કેમ દબાવીને બેઠી હતી, તેની મને નથી ખબર. ગાંડાઓ ગંધાતા હોય, એવું એને કોણે કીઘું હોય ?

પાછળથી એકાદ બે છોકરાઓ ખૂબ હસતા હસતા આવતા હોય એવું અવાજ પરથી લાગ્યું અને બેમાંથી એક બોલ્યું ય ખરૂં, ‘‘એ આ રહ્યો.... ચલો ચલો જોઇએ...’’. એમણે ૩૪-નંબર ચૅક કરી લીધી ને મારી સામે ઊભા રહીને હસવા લાગ્યા. નહેરૂ ચાચાની માફક મને પણ બાળકો બહુ ગમે (...અને એમની જેમ જ, ફક્ત પોતાનું બાળક ગમે...!)

એમાંના એકે મારો ઢીંચણ હલાવીને પૂછ્‌યું, ‘‘કેમ છો...શિલ્પા શેટ્‌ટી...? મઝામાં ને...?’’

ચા પીતા મારાથી રકાબીને બચકું ભરાઈ ગયું હોય એવો હું ડઘાઈ ગયો. એ શિલ્પા શેટ્‌ટી મારા માટે બોલ્યો ? મારી પાછળ તો બારી હતી, એટલે રીપોર્ટ કન્ફર્મ હતો કે, મારા માટે જ બોલ્યો હતો. પણ મારૂં પુરૂષમાંથી આખેઆખું સ્ત્રી જાતિમાં રૂપાંતર થતું જોઇને કોચમાં બધા બહુ મોટેથી હસ્યા ત્યારે ખબર પડી કે, આ બધા તો મને ગાંડો સમજી બેઠા છે !

મારો ગુસ્સો સાતમા આસમાને. અત્યારે હું બઘું ક્લીયર નહિ કરૂં તો આ લોકો મને ગાંડો માની જાય, એને તો પહોંચી વળાય, પણ શિલ્પા શેટ્‌ટી માની બેસે તો.... આઇ મીન, આપણી તો બાકીની કરિયર ખલાસ થઇ જાય ને ?

એક ડાહ્યા માણસને જ સૂઝે એવો ઉપાય મેં શોધી કાઢ્‌યો. ઊભા થઈને આ લોકોને ઇંગ્લિશમાં ખખડાવી નાંખવા, જેથી ખ્યાલ આવે કે, આપણે ઍજ્યુકેટેડ ફૅમિલીમાંથી આવીએ છીએ. મેં જરા ‘પો પાડવા બ્રિટિશ ઍક્સૅન્ટ્‌સ (ઉચ્ચાર)માં કહી દીઘું,’

"What the hell all of you think you are doing, eh?   Do you think, I am MAD...??? Behave yourselves and let me do the same .." 

‘‘એએએએ...ગાંડો તો ઇંગ્લિશમાં બોલે છે...!’’

મને સ્ટેશને મૂકવા આવેલો ૯૨-લાખ જોખમોનો ધણી જેન્તી જોખમ ટ્રેન ઉપડતા પહેલા ટૉઇલેટમાં આવું લખી આવ્યો હતો.

સિક્સર
- શહેરમાં રીલિઝ થતી તમામ હિંદી ફિલ્મો ખૂબ જ સરસ હોય છે.
- એવું કોણ કહે છે ?
- તમામ રેડિયોવાળા અને ઇન્ટરનૅટવાળા...! પૈસા ના પહોંચ્યા હોય એ જ ફિલ્મોનો રીવ્યુ ડબ્બો આવે !

No comments: