Search This Blog

27/04/2011

આપણો ખબર કાઢુ સમાજ

આપણા દેશના મહાન ખબરકાઢુ શ્રી.અશોક દવેજીએ દર્દીની ખબર પૂછવા જનારાઓ વિશે ઊંડા ચિંતનો કર્યા પછી મગજમાં ન ઉતરે એવા તારણો શોધી કાઢ્‌યા છે અને સલામત ખબર કાઢવી કોને કહેવાય, તેનું હસતા મોંઢે માર્ગદર્શન આપ્યું છે.
  
(૧) ઘણાં લોકો ખબર કાઢવાને બદલે દર્દીને કાઢી જવાનો હોય, એવી રીતે ખબર કાઢવા જાય છે. દર્દી હૉસ્પિટલમાં કે એના ઘરમાં લાંબો થઈને પડ્યો હોય, એ એના પાપે પડ્યો છે ને એ જ લાગનો છે, એવા મનોભાવોથી ખબર કાઢવા જવું ન જોઈએ. મનમાં ભાવો એવા હોવા જોઈએ કે, આ ઉપડશે ત્યારે દિવસ રજાનો હસે કે ધંધાનો ટાઈમ બગડશે? એ બચી જશે તો આપણા જૂનાં લેવાના બાકી ય પાછા આવશે. હૉસ્પિટલમાં દર્દી કે એના સગાં-બગાંને એકપણ સવાલ પૂછવાને બદલે અંધારામાં ડૉક્ટરને લઈ જઇને પૂછી લેવું જોઈએ કે, ‘‘હજી આ કેટલા દહાડા ખેંચે એવું છે...? અમારે કોઇ કામધંધા હોય કે નહિ...?’’

આવે વખતે કેટલાક અનપ્રોફેશનલ ડૉક્ટરો બાફી મારે છે કે, ‘‘...બાબુભાઈને સાંજે રજા આપવાની છે... એમને કાંઇ નથી થયુ... જસ્ટ રૂટિન ચૅક-અપ માટે દાખલ કર્યાતા...!’’ સારા ખબરકાઢુઓએ આવા જવાબ પછી રહી-સહી આશા મૂકી દેવી જોઈએ.

ઘ્યાન રાખો. ડૉક્ટરના જવાબથી મોંઢું તમારૂં પડી જવું ન જોઈએ. સંતો-મહાત્માઓએ કીઘું જ છે કે, ‘લાખો નિરાશામાં એક આશા છુપાયેલી છે.અર્થાત્‌, બાબુડીયો આજે ઘેર જાય છે... પછી ક્યાં જવાનો છે?

(૨) કેટલાક વઘુ પડતા આશાવાદીઓ દર્દીની ખબર કાઢવા ટાઈમ ન બગડે એટલે, પહેલેથી જ સફેદ કપડાં પહેરીને જાય છે, તે સારૂં ન કહેવાય. દવે સાહેબ એમ પણ નથી કહેતા કે, આવે માઠે પ્રસંગે સ્ટેજ પર ગાયકો પહેરી લાવે છે તેવા રંગીન ચળકતાં શૂટ અને લાલ બૂટ પહેરીને જવું જોઈએ. પણ સફેદ કપડાં ન પહેરવા જોઈએ. સફેદ કપડાં જોઇને દર્દીને પહેલો ઘચરકો કાચી સેકંડમાં આવી જાય છે. પટેલ, બ્રહ્મક્ષત્રીય અને જૈન સ્ત્રીઓમાં તો કડક-કડક બગલાની પાંખ જેવી સફેદ સાડીઓ પહેરીને બેસણાંમાં જવાની સ્ટાઈલો શરૂ થઈ છે. ઊભી મૂકો તો ટટ્ટાર ઊભી રહે, તેવી સાડીઓ તો બેસણાંની જાન છે, પણ જાન હૉસ્પિટલમાં કે દર્દીના રૂમમાં સારી ન લાગે. શું ઉતાવળ છે, માતાઓ! આજે નહિ તો કાલે, ચાન્સ મળવાનો જ છે. સફેદને બદલે લૅટેસ્ટ ફેશનના ડ્રેસ પહેરીને પણ ન જવું જોઈએ. ધાબે મૂકવામાં આવેલી પાણીની કાળા રંગની ટાંકીની સાઈઝના આખેઆખા બબ્બે ઢગરા હોય, એવી સ્ત્રીઓ પણ હવે તો જીન્સ પહેરવા માંડી છે. તારી ભલી થાય જમના... ખબર કાઢવા જતી વખતે આવા ગાભાં ન પહેરાય... પેલો પડ્યો છે, એની બા ખીજાશે.

(૩) દર્દીના પલંગ પાસે અદબ વાળીને ઊભા રહ્યા પછી મોંઢું પડેલું રાખવું કે, મૂંગા ઊભા રહેવું, એ સભ્યતાની નિશાની નથી. પેલો હજી ગયો નથી, તે તમે આમ ઊભા રહો છો! હકીકતમાં તમારી ઉપસ્થિતિનો દર્દીને ફાયદો થવો જોઈએ. કાંઇક બોલો, વાતો કરો, જૉક્સ કહો, મોંઢાં હસતા રાખો તો પેલો જરી નૉર્મલ થાય. આપણે ત્યાં તો સાલાઓ રાહ જોઈને ઊભા હોય કે, માલતીબેન એમના કોઇ સગાની સ્ટોરી પૂરી કરે, પછી હું મારા સંબંધીની શરૂ કરૂં કે, ‘‘ઇ... અમારા કોકીબેનની કીડની આમ જ ફૅઈલ થઈ ગઇ હતી...!’’

(૪) કેટલીક નર્સો ભલે હૉસ્પિટલને લીધે ચાલતી હશે, પણ મોટાભાગની હૉસ્પિટલો નર્સોને લીધે ચાલે છે, એ વાત સાચી પણ હોય તો ય, ખબર કાઢવા આવ્યા છો, તો નર્સોને જો જો ન કરો. તમારા સગામાં થતી હોય તો બરોબર છે. હવે તો લૅડી-ડૉક્ટરો ય દેખાવમાં સારી આવવા માંડી છે. સાવ પહેલા જેવું નથી.

(૫) અહીં ય ખાલી હાથે ન જવાય, એવા વિવેકને કારણે કેટલાક નારીયેળ લેતા જાય છે. નારીયેળના પાણી કરતા ગંગાજળ લઇ જવું સસ્તું પડે. બજારમાં દસ-દસ રૂપિયે લિટર મળે છે.

(૬) પેલો હજી જીવતો હોવા છતાં, એની બા ત્યાંની ત્યાં ગાયત્રી, શ્રી કૃષ્ણ શરણમ મમઃ કે નવકાર મંત્રો શરૂ કરી દે છે. ભલે ઈશ્વરનું સ્મરણ તો ગમે ત્યારે થાય, પણ પેલાને આવો ગભરાવી મારવો ન જોઈએ કે, હવે એના આંટા આઈ ગયા છે. આમાં પાછું સરઘસમાં જોડાવાનું હોય એમ, ખબરકાઢુઓ સ્પે.રૂમમાં જ પલાંઠા વાળીને, એ ઘૂનમાં તાળીઓ પાડતા પાડતા જોડાય છે. દર્દીના રૂમમાં ભલે તમે તીન-પત્તી રમવા ન બેસો, પણ ભજન-કીર્તનની ય કોઇ જરૂર હમણાં નથી. એવું હશે તો પછી કહેવડાવીશું.

(૭) સ્વાભાવિક છે, પેલાને દાખલ કર્યો છે તો બેઠો બેઠો એકાદ ડચકું ખાય બી ખરો, એમાં ગભરાઈને દોડાદોડી કરવાની ન હોય. હેડકી અને ડચકાં વચ્ચેનો ફેર સમજો. હેડકી બધાને અવારનવાર આવતી હોય ને નસીબ હોય તો ડચકું મોટે ભાગે છેલ્લીવારનું હોય, પણ દરેક ડચકે દોડાદોડી ના કરવી. દર્દી જરાક અમથો ઘચરકો ય ખાય, તો ઉપસ્થિત મહિલાઓ પેલાની છાતીએ ઝડપ-ઝડપથી બામ ઘસવા માંડે છે. દરેક વખતે બામનો લબ્દો એટલો મોટો લીધો હોય કે, પેલો બિમારીને કારણે નહિ, બામ બળવાને કારણે રાડું નાંખવા માંડે છે, એમાં પાછા આ લોકો વધારે ઉશ્કેરાય છે કે, ‘‘હવે કોઈ દીવો-બીવો હળગાવો...! ઘેરથી જ હું કેતીતી કે, લઇ લો... લઇ લો... પણ કોણ સાંભળે મારૂં...?’’ ઈન ફૅક્ટ, ડચકાં-પઘ્ધતિમાં હવે તો ઘણા ફેરફારો થયા છે. કેટલાક ડચકાં તો નકરા પ્રેમના હોય છે. આપણા ઘરમાં ડોહા સામેવાળી બાલ્કનીમાં જોઈ જોઈને ટાઈમસર ડચકાં ખાય છે, એમાં સંદેશ પ્રેમનો હોય છે, અવસાન નોંધનો નહિ.

(૮) હાર્ટ-ઍટેકવાળા દર્દીના ખાટલે પહોંચ્યા પછી કદી પણ આવી ચૂકેલા ઍટેકોની સંખ્યા ન પૂછાય. ઘણા તો ફક્ત બે જ ગણવામાં રૂમની છત પર જોઇને આંગળીના વેઢા પર એક અને બે ગણે છે અને ત્રીજે મૂંઝાઇને અટકી જાય છે. આમ અટકવું ન જોઈએ. ન ફાવતું હોય તો બે પછી, તઈણ, ચાર, પાંચ, છ... એમ બે ચાર દર્દીઓના ઍટેકો ભેગા કરીને ગણવા જોઈએ, પણ તમે એની નજર સામે આમ ગણવા બેસો એમાં પેલાને છેલ્લો ય આઇ જાય..!

(૯) હાથ-પગ ભાંગીને પડેલા દર્દીના અંગો પ્લાસ્ટરમાં લપેટાયેલા હોય છે. ઘણાને તો પ્લાસ્ટર બાંઘ્યુંછે કે, એ મહીં ધૂસ્યો છે, તે ઝટ જાણી શકાતું નથી. પણ અહીં વિનય-વિવેક જોઇશે. દર્દીના ખાટલે બેસીને, એક હાથ આપણા કાને દબાવીને દર્દીના પ્લાસ્ટરવાળા પગ પર કોણી ટેકવીને મસ્તીથી બેસવું ન જોઈએ. તમે હૉસ્પિટલમાં આવ્યા છો, મુન્નીબાઈના મુજરામાં નહિ. તમારા એક ઝાટકે પેલાની બૂમ નાભીમાંથી શરૂ થાય, તે છત ફાડીને ઉપર જાય. શેર બજાર અને કાપડ-માર્કેટને વરેલા કેટલાક ખબરકાઢુઓ કોઇના હાથે પાટો જોઈને પહેલા એ પૂછી લે છે, ‘‘બૉસ... કઈ મિલનું કાપડ છે...? ...પહેલા કીઘું હોત તો કૂપનમાંથી આખો તાકો અલાવત...!’’

તારી ભલી થાય ચમના... પેલાને આખેઆખો પાટામાં વીંટીને ઘેર લઇ જવાનો નથી. હમણાં તાકો ના બગાડ. એને કાઢી જવાનો હશે ત્યારે આટલું કાપડ જોઇશે.

(૧૦) દર્દીને ઘેર લાવી દીધા પછી ખબર કાઢવા જવામાં ઘણું કૌશલ્ય સમાયું છે. આવ્યા પછી ઘણા તો જમાવટ કરી દેતા હોય છે. ‘‘ઓહ ભાભીજી... ભાભીજી... વર્ષો થઈ ગયા તમારા હાથનો વઘારેલો ભાત ખાધે...! ક્યા બ્બાત હૈ, ક્યા બ્બાત હૈ... અને જુઓ, આ ભૂપલો પડ્યો છે, એને મગના પાણી સિવાય હમણાં કાંઇ આલતા નહિ...! ...અને... મને ખાંડની ના છે, એટલે મારી ચામાં એકલું ગ્લુકોઝ નાંખજો..! ...ભૂપલા યાદ છે ને, આપણે વ્હિસ્કી પણ ગ્લુકૉઝના પાણીમાં પીતાતા...???’’

દર્દી તો ઠીક, ઘરવાળા ફફડતા હોય કે આ લોકો રહેવા આયા છે કે, ખબર કાઢવા? અજીતસિંહના શબ્દોમાં, આપણા ખબરકાઢુ સમાજના અગ્રણી અશોકજી માને છે કે, સારા ખબરકાઢુઓએ તો એ ઘરમાં પાણી પણ ન માંગવું જોઇએ. ઘરની સ્ત્રી ખબરકાઢુઓના ટોળેટોળાથી હેબતાઈ ગઈ હોય છે. ખાટલે ડોહો પડે, પણ માંદુ આખું ઘર પડે.... મેહમાનોની આગતાસ્વાગતામાં. તમારૂં આવવું દર્દીને ગમતું હોય તો બેશક પહોંચી જાઓ, પણ માત્ર વ્યવહાર સાચવવા અને ઈ... ના જઈએ તો ખોટા લાગે ને મોંઢા ચઢી જાય... સંબંધો બગડે... એટલે જવું પડે’, માટે ન જાઓ, કોઇ સંબંધો બગડતા નથી.... તમારા જવાથી બધાની તબિયત બગડે એના કરતા સંબંધો બગડે, એમાં કુટુંબ કલ્યાણ છે... સુઉં કિયો છો?

દવેજી ભારપૂર્વક માને છે કે, આજના વ્યસ્ત સમાજમાં, ખબર કાઢવાના શોખને વ્યવસાયનું સ્વરૂપ આપવું જોઈએ. બધા નવરા ન હોય ને બધે પહોંચી ય ન વળાય. ખાટલે પડનારાઓને તો કાયમનું થયું. આપણે બીજા કામધંધા હોય કે નહિ? ગુજરાતમાં એક ખબરકાઢુ સમાજની રચના થવી જોઈએ. કોઈ બિમારની ખબર કાઢવા જવું હોય તો ફાયર-બ્રિગેડ કે ૧૦૮-ની જેમ આ સમાજને તમારે ફક્ત જાણ કરી દેવાની. દર્દી કેટલું ખેંચે એવો છે, એનો સહેજ અંદાજ આપી દેવાનો, જેથી પ્રાયોરિટી આપવાની ખબર પડે. અમારા અગ્રણીઓ પહોંચી જશે. જો વ્યવહાર પૂરતું સ્ત્રીઓને પણ સાથે લઇ જવાની હોય તો તેનો ચાર્જ અલગ થશે-સ્થાનિક કરવેરા અલગ. ગુલદસ્તો કે દોરી બાંધીને નારીયેળો લઈ જવાના હોય તો ચાર્જ અલગ લેવામાં આવશે. (ખબર કાઢવા ગયા પછી, દર્દીને ઉથલો મારે તો સંસ્થાની કોઇ જવાબદારી રહેશે નહિ.) ખબર કાઢવી અમારા હાથમાં છે, પણ દર્દીને કાઢી જવો તમારા હાથમાં છે. આ સંદર્ભમાં પાછળથી કોઈ તકરાર ચાલશે નહિ. અલબત્ત, બહારના ઑર્ડરો ઉપર પૂરતું ઘ્યાન આપવામાં આવશે. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

સિક્સર
- લાઈફમાં બસ, એક જ વખત બરફ બનાવતી ફૅક્ટરી જોઇ આવે અને ગટરથી ય કેવા ગંદા પાણીમાંથી બરફ બને છે, એ જોયા પછી લારી પર બરફના ગોળા ખાનાર બચી કેમ જાય છે?
- એ લોકો શરદ પવારની ખાંડ પણ પચાવી ગયા છે, ત્યાં...!

20/04/2011

અમે ઉલ્લુના પઠ્ઠાઓ

ચા-કૉફી પીતી વખતે મારૂં શર્ટ ન બગડે, એવું બન્યું નથી. કહે છે કે, ચા પીતી વખતે કપ અને હોઠ વચ્ચે પડતી એક ખીણ સાચવી લેવાની હોય છે. મેં સમાજમાં બહુ બધાનું સાચવ્યું છે, પણ આ ખીણ ઘ્યાનમાં નથી રહેતી, એમાં ચાનો લિસોટો શર્ટ પર ઉતરી આવે છે. લિસોટાઓનું કોઇ ગણીત કે ડીઝાઇન ન હોય. એ લોકો કવિઓ જેવા મનસ્વી હોય. ગમે ત્યાં પડે અને ગમે તેવી રીતે પડે.

મને ચમચી પકડતા બહુ સરસ આવડે છે, છતાં દહીંવડાંનું ડબકું મ્હોંને બદલે સીઘું શર્ટ પર જ કેમ પડે છે, એ વાત હું મારી આત્મકથામાં ય લખવાનો નથી. બા ખીજાય. મારા હાથમાં નાસ્તાની ડિશ આપતા જ એ હકીને કહી દે છે, ‘‘આને ગળે લાળીયું બાંધો.... નવું શર્ટ છે... બગાડશે...’’

શર્ટ બગડવાની દુનિયાના આગેવાનો કહે છે, બહુ મોટા વિચારકો, ચિંતકો અને વિદ્વાનો સાથે આવું થવું સ્વાભાવિક છે. વાળંદો સાથે આવું થતું નથી. એ લોકોને વિચારી વિચારીને કામ કરવાનું નથી હોતું. કહે છે કે, ચાલુ કામે જો આ લોકો વિચારો ઉપર ચઢી જાય તો ઘરાક મરવાનો થાય છે.

મારો બીજો ય એક પ્રોબ્લેમ છે. કોઇના ઘેર આવજો... આવજોકરી લીધા પછી, એમના દરવાજાની બહાર નીકળવાનું હોય છે. હું પાછો વળીને સીધો ભીંતમાં ભટકાઉં છું. ઘણા લોકોમાં અક્કલ હોતી નથી. દરવાજાની બાજુમાં કદી ભીંતો રખાવાય જ નહિ. મેહમાનોના માથા ભટકાય. અલબત્ત, મારા માટે ભીંતોમાં આમ ધુસી જવું, ઑલમોસ્ટ કાયમનું છે. હું ઊભો થવા જઉં, ત્યારે ઉપરની બારી કે કબાટનું ખુલ્લું રહી ગયેલું બારણું મારા માથે ભટકાય જ. અરે, વાત જાવા દિયો... ભટકાયા પછી એની માં ને... તમ્મર તો એવા કાળમુખા આવી જાય કે, બઘું ભમતું-ભમતું લાગે. એવી કળ ચઢી ગઇ હોય કે, ચક્કર આવીને હમણાં પડી જઇશ, એવા ભયો લાગવા માંડે છે, પણ પૈસા સૌજન્યના છે ને? આટલા દુઃખાવા વચ્ચે પણ મોંઢું વડાપ્રધાન જેવું હસતું રાખીને, ‘‘કંઇ નથી થયું... કંઇ નથી થયું...!’’ એવું બે વાર બોલવું પડે છે ને તો ય એ લોકો પૂછે જ, ‘‘શું થયું...? શું થયું...?’’

તારી ભલી થાય ચમના... તારી નજર સામે ભોડું ભટકાયું છે, ભમ્મ કરતો અવાજ આયો છે, તમ્મરો મને ચઢ્‌યા છે, ફાવતું નથી તો ય ઊંધો હાથ હું મારા માથામાં કચ્ચીને દબાવીને ઊભો છું, છતાં ય પૂછશ.... ‘‘શું થયું...?’’ અને એ ય બબ્બે વાર?

મારા બેઘ્યાનપણાને લઇને, ધ..મ્મ દઇને બંધ થયેલા ગાડીના દરવાજામાં આજ સુધી ૨૪ વખત મારી આંગળી ભરાઇ ગઇ છે. મેં કેવી ચીસો પાડી હશે, તેનો એ લોકોને ખ્યાલ નહિ હોય? પણ તો ય પૂછે, ‘‘શું થયું...?’’ આપણી સાલી છેલ્લી દાઢ દેખાતી હોય, એટલી સાઇઝમાં મોંઢું ફાડીને દેકારો બોલાવતાં હોઇએ ને બરોબરની જમાવટ થઇ ગઇ હોય ત્યારે પૂછવાનું શું કે, શું થયું? વિજ્ઞાન તો એવું કહે છે કે, આ તબક્કો ભારોભાર વેદનાનો અને ચીસોનો હોય છે. તમ્મર આવી જાય છે, ત્યારે કોગળા કરતી વખતે જે અવાજો કાઢીએ છીએ, એવા અવાજો કાઢવા સિવાય અન્ય કોઇ પણ પ્રકારના સવાલોના જવાબ આપવા માનવી સમર્થ હોતો નથી. આસમાન તરફ ઊંચું મોંઢુ રાખીને ચીસો પાડતી વખતે હાથના ઈશારાથી પણ કહી ન શકે કે, કોઇએ વગર પૂછે ગાડીનો દરવાજો બંધ કરી દીધો, એમાં આંગળી આવી ગઇ.

કોડાની નજર સામે બઘું બન્યું હોવા છતાં, ‘‘શું થયું?’’નો તો માંડ જવાબ આપ્યો હોય, ત્યાં ધો.૧૦માં બે વખત ફૅઇલ થયેલી એની વાઇફ પૂછે, ‘‘આ કેવી રીતે થયું?’’

સાલો એનો જવાબ આપવા કરતા, ગાડીના બીજા દરવાજામાં બીજી આંગળી ભરાવી દેવી સસ્તી પડે. ‘‘કોઇ બરફ લાવો... બરફ ઘસો... અશોકભાઇ... ગાડીમાં બરફે ય નથી રાખતા...?’’ વાંદરીને કેવી રીતે સમજાવવી કે, હું લેખક છું, બરફના ગોળાની લારીવાળો નહિ, તે ગાડીમાં બરફની પાટો લઇને ફરૂં.

મારી છેલ્લી લાક્ષણિકતા તો ન કહેવાય, ન રહેવાય એવી છે. ઘણાને થતું હોય છે આવું... નથી થતું? ઘેરથી ઉતાવળમાં નીકળ્યા હો, એટલે ભૂલમાં પૅન્ટની ઝીપર બંધ કરવાનું બરાક ઓબામા ય ભૂલી જાય છે. (ત્યાં તો, ઈન્ટરનૅટ પર આ બઘું ફોટા સાથે આવે!) ભલે, આપણને કંઇ ફોટા પડાવવાનો શોખ નહિ, પણ અગાઉ મને મળી ચૂકેલા ઓળખીતાઓ બીજી વાર મળે, ત્યારે ભૂલ્યા વગર મારી ઝીપર સામે પહેલા જોઇ લે છે ને બંધ જુએ, ત્યારે પૂર્ણ સંતોષની લાગણી સાથે તેઓ ફિક્કું હસી લે છે. કોઇ એ નથી વિચારતું કે, જેને આ ભોગવવાનું આવ્યું છે, એની રેવડી કેવી દાણાદાર થઇ જાય? એક તો સાલી પહેલી પચ્ચીસ મિનીટ સુધી આપણને પોતાને ખબર ન હોય કે, કયો લોચો મારીને આવ્યા છીએ. આસપાસની પ્રજા આપણી સામે ને નીચે જોઇને રોજ કરતા વધારે હસે, ત્યારે ભડકી જવાય કે, કેવો લોચો વાગી ગયો છે! છતાંય સમય સાચવી લઇને, પડી ગયેલા મોંઢે બધાને સ્માઈલો સાથે જવાબો આલવાના. આપણને ખબર પડે, એટલે જંગ જીત્યો રે મારો કાણીયો...ના ગગનભેદી નારાઓ સાથે, ખુશ થઇને પાર્ટીમાં બધાની સામે જય હો.... જય હોના નારા સાથે હાથ ઊંચા કરી શકાતા નથી. આવું થયા પછી ભલભલાને દરવાજો દેખાતો નથી કે, કઇ બાજુથી ભાગવાનું છે! કોઇ શું જાણે, કેવા ગભરાઇ જવાય છે? શું કરવું, તેનો તાબડતોબ ઉપાય મળતો નથી ને એવી અવસ્થામાં ય આડું જોઇને લોકો હસે રાખે છે... કોઇ ગમ ગુસાર હોતા, કોઇ ચારાસાઝ હોતા...!આવી જ કોઇ અવસ્થામાં લપટાયા પછી મિર્ઝા ગાલિબે આવું લખ્યું હશે કે, આવું કંઇ થાય ત્યારે દોસ્તો ઉપદેશો આલવાને બદલે, આપણા દુઃખમાં ભાગ પડાવે કે કોઇ ઉપાય બતાવે.

જો કે પર્સનલી આવા મામલે હું ગાલિબને સપોર્ટ નથી કરતો. આવું ઝીપરવાળું થયા પછી કોઇ દુઃખમાં ભાગ કઇ રીતે પડાવે? ઈન ફૅક્ટ, આ આખો મામલો જ એવો છે કે, કોઇ આપણા માટે એનો જાન આપી દે, પણ આમાં કરી કાંઇ ન શકે. કેટલાક પાપો જ એવા હોય છે કે, જેના ફળો આપણે એકલાએ ગળચવાના હોય છે. અફ કૉર્સ, આમાં એક અપવાદ હતો, પ્રભુ શ્રીકૃષ્ણનો, જેમણે ઉપર બાલ્કનીમાં બેઠા બેઠા દ્રૌપદીના ચીર પૂર્યા હતા. પણ આવી ઈમરજન્સીમાં તો સ્વયં સાક્ષાત પ્રભુ પણ ઉપરથી પાટલૂનની ચૅઇનો ના પૂરાવે. એ બહુ બહુ તો એટલો ઉપદેશ આપી શકે કેकर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन।...એટલે કે, ફળની આશા રાખ્યા વિના તું તારૂં કર્મ કરે રાખ.

વાહ, કેવો સચોટ ઉપાય! આવું કાંઇ થયું હોય ત્યારે આડીઅવળી બીજી પચાસ ફિકરો કરવાને બદલે, હવે અહીંથી છટકવા માટે શું કરવાનું છે, તેની ચિંતા કરવાની હોય. ઈશ્વરે દાંત આલ્યા છે, તો ચવાણું ય આલી દેશે, એમ દરજીએ પાટલૂન પહેરાયું છે, તો બીજી ચૅઇન પણ નાંખી આલશે, એવી શ્રઘ્ધા શા માટે ગૂમાવવી જોઇએ...? આ તો એક વાત થાય છે.

પણ ગાલિબની એ વાત સાથે હું સહમત કે, આવું કંઇ થયું હોય તો દોસ્તોએ ઘટનાસ્થળે ઉપદેશો ના આલવા જોઇએ કે, ‘‘આવા પાટલૂનો સિવડાવાય જ નહિ...! ઘેરથી બઘ્ધી તપાસ કર્યા પછી જ બહાર નીકળવું જોઇએ.... જો ભ, હું તો આવી પાર્ટીમાં આવું, ત્યારે ગાડીમાં એક વધારાનું પાટલૂન લેતો જ આવું... ભ, વખત છે ને, આપણે નહિ તો બીજાને જરૂર પડે...!’’

મારા પ્રકૃતિગત ઉપરોક્ત લક્ષણોની તમને પેટછૂટી વાત કરી, એમાં વાચકો શું શીખ્યા? એ જ કે, માથા ભટકાય, ભીંતમાં ધુસી જવાય કે બારણામાં આંગળી ભરાઈ જાય, એ તમામ લક્ષણો મારા જેવા સેંકડો સંસારીઓને ઉલ્લુના પઠ્ઠા સાબિત કરે છે. આમ પાછા બીજી હજારો વાતે અમે બહુ સ્માર્ટ હોઇએ. (મને ઝાડ પર ચઢી જતા સરસ આવડે છે. હું ટટ્ટાર ઊભો રહીને પાણી-પુરી ખાઇ શકું છું. અમદાવાદમાં રહેવા છતાં, એક પણ ગાળ બોલ્યા વિના ગાડી ચલાવી શકું છું.) 

પણ લોકોને તો ન જોવાનું પહેલું દેખાય છે. ઉલ્લુનો પઠ્ઠો હોવું કોઇ આદર્શ વ્યવસ્થા નથી, પણ હોય છે બધા. અહીં મારા જેવા લક્ષણોવાળા પઠ્ઠા હોય કે ઉપરની યાદીમાં શામેલ ન હોય, એવી સેંકડો હરકતો કરતા ઉલ્લુઓ હોય, જે અજાણતામાં એકની એક ભૂલ અનેકવાર કરે રાખે, પણ એનો કોઇ ઉપાય ન હોય. હોય તો ય, મૂળ સ્ટોરીમાં કોઇ ફેરફાર ન થાય. (૧) રોજ ઑફિસ જતા પહેલા ગાડીની ચાવી ક્યાંક આડીઅવળી મૂકાઇ જાય. (૨) પોતાને ચાર્જ ન લાગે, એટલે ફક્ત મીસ-કૉલ જોડીને ફોન મૂકી દેવાની બદમાશી પૈસાપાત્ર અને સારા ઘરના લોકોમાં વધારે છે. મીસ-કૉલ જોઇને પેલો સામે કરવાનો જ છે ને... કરશે એ તો!ને પેલાનો ફોન આવે ત્યારે કહેવાનું, ‘‘તમને બહુ ફોન જોડ્યા, પણ લાગે જ નહિ!’’ (ઉપરના વાક્યમાં બદમાશીશબ્દ સુધારીને, ‘નફ્‌ફટાઇરાખવો.) (૩) કેટલાક ખુરશીમાં બેઠા બેઠા ઘેર દરજી બેસાડ્યો હોય એમ સિવવાના સંચાની જેમ પગ હલાવે રાખે છે. વાતના વિષય મુજબ એની સ્પીડમાં વધઘટ થતી હોય. કોક ચોંકાવનારી વાત નીકળે તો અચાનક પગ બંધ... પાછું નૉર્મલ થાય એટલે ઓરિજીનલ સ્પીડ પકડી લે. (૪) એકવાર રીમોટ-કન્ટ્રોલ દબાવવા છતાં ચૅનલ બદલાતી ન હોય, ત્યારે ભણેલા-ગણેલા માણસો પણ કચ્ચી કચ્ચીને અંગૂઠો દબાવી, ભગવાન સામે અગરબત્તી ફેરવતા હોય એમ રીમોટનો ઊંચું-નીચું કરે રાખે છે. (બાય ધ વે, રીમોટ એક જ એવું સાધન છે, જેમાં અંગૂઠા સિવાય એકે ય આંગળીનો કશામાં ઉપયોગ થતો નથી...!... ‘‘લાયા બાપૂ....... લાયા હોં!!’’) ...અને (૫) ઉલ્લૂના પઠ્ઠા આવા લેખો લખતા તો હોય, પણ દર બુધવારે વિધાઉટ ફૅઇલ... બેવકૂફ બનવા છતાં..... 

સિક્સર
- પાકિસ્તાનના એક ગામમાં મરી જાય એવા બાળકનો જન્મ થયો. માં-બાપ ગરીબ. કોઇકે કહ્યું, ‘‘આને ખાઇ-પીને તગડો બનાવવો હોય, સાવ મફતમાં... તો એને આતંકવાદી બનાવીને ઈન્ડિયા મોકલી દો. દુઆ કરો એને ફાંસીની સજા થાય...! ત્યાં આપણાં ‘‘કોંગ્રેસ-મામા’’ એનો વાળ વાંકો નહિ થવા દે. કોઇ પણ ઇન્ડિયન કરતા બહુ ઠાઠથી લાંબુ જીવશે.’’