29/05/2011

ઍનકાઉન્ટર : 29-05-2011

* આપણો દરેક સાઘુ-બાવો કરોડોપતિ છે... સુઉં કિયો છો?
- પૈસાનો મોહ ન હોત તો ભિખારી ન બનત?
(કે.એ. ઉપાઘ્યાય, સાવર-કુંડલા)

* ગુજરાતમાં ગણીને કોઈ ૪-૫ હાસ્યલેખકો છે. તમે બધા મળો ત્યારે વાતાવરણ હળવું ફૂલ રહેતું હશે ને?
- હાસ્યલેખકો એકબીજાને ડૉ. મનમોહનસિંઘ અને મુશર્રફ મળતા હોય, એવી નિખાલસતાથી મળે છે... (જો મળે તો!)
(વિનંતિ શ્યામરાવ ગોખલે, વડોદરા)

* ભ્રષ્ટાચાર નાબુદી અભિયાનમાં આપનો ફાળો કેટલો છે?
- ડૉ. મનમોહનસિંઘ જેટલો.
(તરલ પરિમલ મહેતા, ભાવનગર)

* ડૉક્ટરો દર્દીઓનો ઈલાજ નૈતિકતાથી ક્યારે કરશે?
- ખૂબ હસવું આવે, એવી એક જૉકબુક વાંચો, ‘મૅડિકલ-ઍથિક્સ’.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

* તમે કોઈની ખબર કાઢવા જાઓ, ત્યારે મોંઢું હસતું રાખો છો કે ઢીલું?
- ડ્યૂટી પરની નર્સ કેવી છે, એ જોયા પછી નિર્ણય લેવાય!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* મને આપણા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ સંવેદનહીન રોબો જેવા લાગે છે...!
- તમે રોબો લોકોનું અપમાન કરી રહ્યા છો.
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા) 

* દુઃખને ભૂલવાનો સૌથી ઝડપી રસ્તો કયો?
- એકવાર બારણાંમાં આંગળી ભરાવી દેવી...!
(મયૂરી ભાવેશ વોરા, સુરેન્દ્રનગર)

* ...સપનામાં વાઇફ કેમ કદી આવતી નથી?
- એનો ટેસ્ટ ઊંચો હશે.
(અજય પી. પંચાસરા, રાજકોટ)

* લગ્નના ફેરા કેમ સાવ ધીમે ફેરવવામાં આવે છે?
- આમાં ‘વહેલો તે પહેલો’ના ધોરણે ૧૦૦ મી.ની દોડ લગાવવાની ના હોય.
(ધર્મેશ બી. વેકરીયા, વિસાવદર)

* ચાલુ સ્કૂટર પર ખભે મોબાઈલ દબાવીને વાતો કરનારાઓ માટે શું સજા હોય?
- પોલીસને પાવર્સ મળવા જોઈએ. રસ્તા વચ્ચે એને ઊભો રાખીને એક થપ્પડ ઝીંકી દેવી જોઈએ.
(જે.એમ. સોની, અમદાવાદ)

* ‘ગુજરાતનો નાથ’ નવલકથાના પાત્રો ‘કાક’ અને ‘મંજરી’ હતા, તેમ તમારા પાત્રો ‘હકી’, ‘ગોરધન’ અને ‘બા’ કહેવાય કે નહિ?
- એ તો હું, ‘નારણપુરાનો નાથ’ નવલકથા લખું, પછી ખબર પડે.
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* રખડતા કૂતરાંનો કોઇ ઈલાજ?
- પાછળ ભલે આ મોટાં બચકાં તોડી લે.... મૂંગા પશુઓની સેવા કરવી જ જોઈએ...!
(પૂર્વી એ. કોટેચા, પોરબંદર)

* નામ પૂનમ પાંડે, પણ વિચારો અમાસ જેવા કેમ?
- તમે નકોડો ખેંચી નાંખો.
(કનુ જે. પટેલ, સંધાણા)

* તમે કદી રાજકારણ કે ભ્રષ્ટાચાર વિશેના હાસ્યલેખો કેમ લખતા નથી?
- આ બન્ને ચીજો કુવામાં છે નહિ, એટલે હવાડામાં આવતી નથી.
(તિલોત્તમા બી. ગુણસાગર, વડોદરા)

* મારા ઘરમાં એકેય બારી નથી. વીજળીના ઉપયોગ વિના અમને હવા અને પ્રકાશ મળી રહે, એવો કોઈ ઉપાય ખરો?
- તમારે તો દરવાજાની ય જરૂર નથી.
(પ્રિતી મિસ્ત્રી, ભરૂચ)

* ‘ઍનકાઉન્ટર’ના જવાબો આપતા તકલીફ ક્યારે પડે?
- મારો જવાબ મને ન સમજાયો હોય ત્યારે.
(શીલા વિઠલાણી, અમદાવાદ)

* મારો સવાલ છે, ‘સાયન્સ એટલે શું?’
- વિજ્ઞાન.
(શ્રીની ઉપાઘ્યાય, અમદાવાદ)

* ભારત ક્રિકેટનો વર્લ્ડ-કપ જીતે તો નિર્વસ્ત્ર થવાની જાહેરાત કરનાર મૉડેલ પૂનમ પાંડે ફસકી કેમ ગઈ?
- ફસકી જ જાય ને? વળતા હૂમલા તરીકે પેલા ૧૧-જણાઓએ નિર્વસ્ત્ર થવાની ‘હા’ પાડી હતી.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* પુરૂષોમાં સ્ત્રી-સન્માનની ભાવના ઊંચી હોવાનું કારણ શું?
- પુરૂષો સ્ત્રીઓ કરતા એક-બે ઈંચ ઊંચા હોય છે માટે.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* શ્રી મુકેશ અંબાણી હમણાં એકનું એક શર્ટ પહેરેલા દેખાય છે... શું કારણ હશે?
- સાવ ઉઘાડા તો સારા ન લાગે ને?
(રોમા પટેલ, નવસારી)

* હમણાં હમણાં મારી જમણી હથેળીમાં ચળ આવે છે, બીજી વારના હસ્તમેળાપ માટેની. શું કરૂં?
- તમારે કૌચાપાક ખાવાની જરૂર છે.
(નલિન એચ. ત્રિવેદી, રાજકોટ)

* સ્ત્રીઓ મહેનત કરે તો પણ શબ્દ ‘પુરૂષાર્થ’ વપરાય! આ કેવો ન્યાય?
- મારે હવે શબ્દકોષમાંથી ‘પુરૂષ’ નામનો શબ્દ જ કઢાવી નાંખવો છે. પુરૂષ માટે પણ હવે પછી ‘સ્ત્રી’ શબ્દ જ વાપરો. ‘રમેશ ક્યાં ગઈ હતી?’ ... પુરૂષ ક્યારે સ્ત્રી-સમોવડીયો બનશે?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* મુંબઈની ફિલ્મોમાં કામ કરતા ગુજરાતી કલાકારો પોતાને ગુજરાતી તરીકે ઓળખાવતા શરમ કેમ આવે છે?
- ઇંગ્લૅન્ડ-અમેરિકામાં કેટલાકને પોતાને ભારતીય કહેવામાં શરમ આવે છે.
(શ્રીમતી સાધના નાણાવટી, જામનગર)

* તમારી લોકપ્રિયતા જોઈને મારો સુપુત્ર પણ હાસ્યલેખક બનવાની હઠ લઈને બેઠો છે. કેમ સમજાવવો?
- એને કાંઇ નહિ સમજાવવા માટે મારે તમને સમજાવાના રહ્યા!
(જયેશ અંતાણી, ભાવનગર)

* ચીજવસ્તુઓની વધી રહેલી કિંમત અને માણસની ઘટી રહેલી કિંમત! સમાજ ક્યાં જઈ રહ્યો છે?
- જેણે વિરોધ કરવો જોઈએ, એ ભાજપ પણ ચૂપ બેઠો છે, એમાં બઘું આવી ગયું ને?
(શીતલ મિસ્ત્રી, ભરૂચ) 

* પાછલી ઉંમરે માણસો ધાર્મિક કેમ બની જાય છે?
- પ્રભુને મામુ બનાવવાની પ્રૅક્ટિસ.
(ચિરાગ કે. પટેલ, મધવાસ તા.લુણાવાડા)

25/05/2011

ડૉન્ટ વરી, રોજની ૫૦ સગાઇઓ તૂટે છે –બુધવારની બપોરે

આજકાલ સગાઈઓ, લારી પર મળતા બરફના ગોળા જેવી થઇ ગઇઓ છે. ઠંડા મસ્તમજાના બરફ ઉપર મનભાવન રંગોવાળા શરબતો છંટાવો અને ચૂસો ત્યાં સુધી મીઠી લાગે.... છેલ્લે હળકડી હાથમાં રહી જાય એટલે ફેંકી દેવાની. કેટલીક સગાઇઓ તો બરફનો ગોળો ચાલે એટલી ચાલતી નથી. તૂટનાર એટલો (કે એટલી) દુઃખી થઇ જાય છે કે, આખા જગતમાં એની એકલાની સગાઇ તૂટી છે ને બીજા બધા લહેર કરે છે, એવું એના મનમાં ઠસી જાય છે. ભારતભરની હિંદી ફિલ્મોના કરૂણ ગીતો અત્યારે એને યાદ આવવા માંડે છે, ‘‘હમ સે કા ભૂલ હૂઇ, જો યે સજા હમ કા મિલી, હોઓઓઓ!’’

એ બિચારા કે બિચારીને ખબર નથી કે, તું શેનો કે શેની તારી જાતને બિચારો કે બિચારી સમજે છે? આજકાલ તો રોજની પચ્ચા સગાઇઓ તૂટે છે.. ઉનકો તો કોઇ કુછ નહિ કહેતા..! (પચાસનો આંકડો લખ્યો છે, એમાં ૧૦૦-છોકરાં છોકરીઓની ૫૦-સગાઇઓ સમજવાનું.. કોઇ એક રમેશીયાની ૫૦-વખત સગાઇઓ તૂટી છે, એવું નથી સમજવાનું.)

ફિલ્મોમાં તો છેલ્લી ઘડીએ આવો ભડાકો થતો હોય છે કે, ‘ઠહેરો.. યે શાદી નહિ હો સકતી’, પણ આજ સુધીની એકપણ ફિલ્મમાં સગાઇની છેલ્લી ઘડીએ ઘોડા ઉપર બેસીને હવામાં બંદૂકનો ભડાકો કરતો કોઇ નવયુવાન દેખાણો નથી. વાસ્તવિકતા જુદી હોય છે. સગાઇ ફોક થયા પછી બંનેના ઘરોમાં ફડકો પેસી જાય છે કે, લોકો કેવી વાતો કરશે? બીજી વાર થશે કે નહિ થાય? બીજી વારનું ગોઠવાતું હોય ત્યાં આગળની તૂટેલી સગાઇનું કહેવું કે નહિ? કહીએ તો એ લોકો સાચું માનશે કે નહિ? બીજીવાર ગોઠવાઇ ગયા પછી પહેલાવાળો હલાડાં તો નહિ કરે ને? સગાઇ તૂટી હોય, એ આખું ઘર કેમ જાણે પોતાનાથી કોઇ જઘન્ય અપરાધ થઇ ગયો હોય, એવા ટેન્શનમાં આવી જાય છે, ‘‘લોગ ક્યા કહેંગે...?’’

અરે બુધ્ધુ...! સગાઇ કરીને કોરા ધાકોડ લગ્ન સુધી પહોંચનારા તો હવે લાખોમાં કોઇ એકાદ-બે માંડ હોય છે અને ખાસ તો, આ બીજીવારવાળી પાર્ટીય પહેલીવારવાળી થોડી છે? એ ય ફૂટબોલની માફક ચારેબાજુથી લાતો ખઇખઇને તારી પાસે આઇ છે... હખણો બેસ હવે!

સગાઇઓ એકલા અમદાવાદમાં જ રોજની પચાસ તૂટે છે. જેટલી ટકે છે, એના કરતા તૂટે છે વધારે. શું કારણ હશે? સગાઇઓ તૂટે છે કેમ? એક જમાનો આપણો હતો કે, સગાઇ એટલે ઑલમોસ્ટ લગ્ન જ થઇ ગયેલા સમજવાના... તૂટે-ફૂટે કાંઇ નહિ અને છતાંય તૂટે, તો એ બહુ મોટી ઘટના કહેવાતી. સગાઓમાં ધૂસપૂસ ચાલે. સાચું કારણ પેલી બંને પાર્ટીઓ સિવાય કોઇને ખબર ન હોય અને એ લોકો સાચું કારણ કોઇને કહે પણ નહિ, એટલે ગામમાં જેને જે સ્ટોરીઓ બનાવવી હોય, તે બનાઇ-બનાઇને કહે. ફડકો બધાના મનમાં એવો પેસી જાય છે કે, આ સમાચાર સાંભળીને મનમાં બહુ બધા રાજી થશે.

દરેક સગાઇ તૂટવાનું કારણ કૉમન તો ન હોય પણ કારણ કયું હોય, એ આજ સુધી કોઇ જાણતું નથી,પણ જે કારણ જાણવામાં આવે છે, એ ય કેટલું સાચું, એય કોઇ જાણતું નથી, તો કોઇની સગાઇ તૂટે, એમાં વાત સીરિયસ બનાવી દેવાની ક્યાં જરૂર છે? ઇન ફૅક્ટ, સગાઇ તૂટતી હોતી નથી.. વિશ્વાસ તૂટતા હોય છે. આખા ઘરમાં કોક એક અક્કલવાળું હોય તો સમજાવી શકે કે, મૅરૅજ પહેલા આ થઇ ગયું, તે સારૂં જ થયું છે ને?... પછી થયું હોત તો બંને પાર્ટીઓ કેટલી દુઃખી હોત? સાચું પૂછો તો સામેવાળી પાર્ટી માટે પૂરા સન્માન સાથે, કમ-સે-કમ આપણે છુટયાનો ભાવ, આપણા દીકરા કે દીકરીના મનમાં ઠસાવવો જોઇએ કે, મોટી હોનારતમાંથી બચી ગયા છીએ.

સૉલ્લિડ હસવું આવે એવી વાત તો એ છે કે, છોકરા- છોકરીનું નક્કી થાય ત્યારે સામાવાળા બધા ‘બહુ સારા માણસો’ લાગે. વખાણો કરતા જીભો ન થાકે... અને જે દિવસે સગાઇ તૂટવાનો ધડાકો થયો, એ જ ક્ષણથી બંને પક્ષે નંખાવા માંડે, ‘‘ભ’ઇ, આપણે બહુ ભોળા નીકળ્યા.... એ લોકોને ઓળખતા ન આવડ્યું...’’ એમાં પાછું પરિવારનો કોઇ એક મહાન માણસ હવે જરા આગળ આવીને કુટુંબ આખાને તાનો મારશે, ‘‘ભ’ઇ, અમે તો પહેલેથી કે’તા’તા... કે અહીં ના કરાય.. આ લોકો કરવા જેવા માણસો નથી.. પણ કોણ માને છે આપણું...!’’

બસ. આ પછી સકળ સંઘના ભાવિકો યાત્રામાં જોડાશે, ‘‘મને તો પહેલેથી છોકરો નહતો ગમતો. એની એક આંખની ભ્રમર કાયમ ઊંચી જ રહેતી’તી! પણ આપણને એમ કે, કોણ બોલે...!’’ ત્રીજો તો ઘરમાં સહુથી ડાહ્યો હોય એમ પોતાનો અભિપ્રાય જણાવશે, ‘‘સાચું કહું?.. છોકરો તો ફક્ત કરવા ખાતર જ આપણી સાથે સગાઇ કરવાનો હતો... મને ખબર પડી કે એને તો વર્ષોથી એક પૈણેલી પકડેલી છે. તમે રહેવા દો, મારૂં મોઢું બહુ ના ખોલાવો. આવા લોકો સાથે ના થયું એ જ શ્રીનાથજીની કૃપા... આપણે બચી ગયા, એમ કહો...!’’

ઘરમાં લંબગોળ થાંભલો હોય અને પડોસીના ઘરમાં મજબૂત દોરડું પડયું હોય તો, આવા શ્રીનાથજીની કૃપાવાળાને મુશ્કેટાટ બાંધીને ફટકારવો જોઇએ કે, અમે તો સ્ટૂપિડ હતા, ચલો માન્યું... પણ તને જો બધી ખબર હતી, તો પહેલા કેમ ના ફાટયો ને હવે હુંશિયારીઓ મારવા હાલી નીકળ્યો છે?

સગાઇ, લગ્ન કે જન્મ મરણના પ્રસંગોએ એમની વાત પહેલા માની હોત તો આવો ભડકો ના થયો હોત, એવા એલાનો કરનારાઓ દરેક પરિવારમાંથી ૩-૪ નીકળી આવે છે, ‘‘ભ’ઇ, હું તો પહેલેથી કે’તો’તો કે, કાકાનું ગરૂં નહિ, મગજ બગડયું છે, તો ય મગજના ડૉકટરને બદલે ગરાના ડૉકટરને બતાઇ આયા. પછી ડોહા લાંબા થઇ જ જાય ને..?’’

તૂટયું ગમે તેનું હોય,તૂટયા પછી અચાનક આખા પરિવારમાં બધા જ્ઞાનીઓ ક્યાંથી પેદા થઇ જાય છે, એ ખબર પડે એમ નથી. તૂટવા માટે ફક્ત સામાવાળાનો દોષ કાઢો, એનો એક મતલબ એ તો થયો ને કે, ગુજરાતભરમાં તમારાથી સારૂં તો બીજું કોઇ ફૅમિલી જ નથી. છેતરવા માટે ય તમે લોકો બધાને મળી રહો છો, પણ તમે કોઇને છેતરતા નથી. ગામ આખામાં દોષનો ટોપલો સામાવાળાઓ ઉપર ઢોળઢોળ કરો છો, તે એટલું ય નથી જાણતા કે, તૂટયા પછી આપણી દીકરીનું નવેસરથી બીજે ગોતવાનું બાકી છે. તમે પેલા લોકો માટે ખરાબ બોલશો કે, આવા હતા ન તેવા હતા, તો વારો તમારો ય નીકળશે. વિજય હંમેશા જૂઠ્ઠાઓનો થાય છે.. સાચું બોલનારા જીત્યા હોય, એવો હજી તો એકપણ દાખલો સમાજમાં બનતો કોઇએ ભાળ્યો નથી. એ લોકો મોઢું ખોલશે તો તમે ય ક્યાંયના નહિ રહો, ગુરૂજી..!

ફાંકા આપણે બહુ મારતા હોઇએ છીએ કે, આપણને માણસ ઓળખતા બહુ આવડે. ‘એક મિનિટમાં હું તો ઓળખી જઉં કે આ કેવો માણસ છે! આપણને કોઇ ઉલ્લુ બનાવી ના શકે..! કોઇને હું મળું એટલે પલભરમાં ઓળખી જઉં કે, આ અસલી માણસ છે કે મોહરૂં પહેરેલો નકલી છે!’

કબુલ કરો શેખજી, જે માણસને મોહરૂં પહેરવાની ફાવટ હોય, એ તમારા જેવા (તમે કહો છો,તમે ભોળા છો, એટલે)ને તો ક્યાંય મૂકી આવી શકે કે નહિ? એને મળો ત્યારે એના મોંઢા ઉપર સત્ય ક્યાં પૂરૂં થાય છે ને અભિનય ક્યાં શરૂ થાય છે, એટલું તમે પકડી શકતા હો, તો ખુદ તમારાથી ય અમારે બહુ સાચવવાનું ને? અમને મળ્યા પછી તમે તો પેલી કસરતમાં લાગી જવાના કે અમારૂં સત્ય ક્યાં પૂરૂં થાય છે ને અભિનય ક્યાં શરૂ થાય છે! અમે તો લેવા-દેવા વગરના દેવાઇ જઇએ ને? તમને મળવામાં જોખમ..!

દુનિયાભરની ગાડીઓમાં આજ સુધી એક પણ એક્સિડેન્ટ એવો નોંધાયો નથી, જેમાં વાંક આપણો હોય. આપણો વાંક હોઇ જ ન શકે. પોતાનો કસૂર ઢાંકવા માટે બઘુ સામેવાળા ઉપર ઢોળી દેવા જેવી ઇઝી સગવડ બીજી કોઇ નથી. ભૂલ મારી પણ હોઇ શકે. એવો ડિજીટલ વિચાર પણ આજ સુધી કોઇના મનમાં આવ્યો હોય, એવી વ્યક્તિ મેં તો કમ-સે-કમ જોઇ નથી. આખી જીંદગીમાં પોતાની ભૂલ એક જ વાર કબુલ કરવા કરતા વધારે જુઠ્ઠા સાબિત થવાનું એમને મંજુર હોય છે. ઘરની કામવાળી ઉપર બળાત્કાર કરવાના આરોપ હેઠળ જેલ ભોગવી રહેલો ફિલ્મી હીરો શાયની આહુજા હજી પોતાને નિર્દોષ કહેવડાવે છે, એનામાં અને આ લોકોમાં શું ફેર? ભુલ કબૂલ કરવાથી કોઇ નાના બાપનું થઇ જતું નથી, ઉપરથી તમારા પ્રત્યેનો આદર વધે છે, પણ એટલી સમજ હોત તો જીદ પકડી ય શું કામ હોત?

સર્વોત્તમ રસ્તો તો સર્વોત્તમ બની બતાવવાનો છે. સગાઇ તૂટયા પછી સામેવાળાઓને ખરાબ ચીતરવાથી તમે લોકો ઑટૉમેટિકલી સજ્જનો પુરવાર થતા નથી. સાંભળનારા સમજતાં બઘું હોય છે. સજ્જનતા એમાં છે કે, કોઇ કારણ આપ્યા વગર, સામાવાળાનું પણ ગૌરવ જાળવીને, ‘‘બસ.. બંને પક્ષે જરા અનુકૂળ નહોતું આવતું, એટલે વિવાહ ફોક કર્યા. એ લોકો ય સારા માણસો જ છે.’’

આવું કહો તો જલણીયાઓને ખોરાક મળતો બંધ થાય. સામાવાળાઓને કાને ય વાત પહોંચે કે, તમે લોકો એમનું કશું ખરાબ બોલતા નથી, તો એ લોકો તમારૂં ય ખરાબ બોલવાના નથી. આખરે એમને પણ એમના પાત્રનું ફરીથી નક્કી કરવાનું છે...! સગાઇ તૂટવી, એ શહેરના ભરચક ચાર રસ્તે બે ગાડીઓ એકબીજાને અથડાવા જેવું છે. બહાર નીકળીને બંને પાર્ટીઓને એક જ સવાલ પૂછે છે, ‘‘જોઇને ચલાવતા નથીઇઇઇઇઇઇ?’

સગાઇ તૂટેલા ગુજરાતના હજારો યુવક-યુવતીઓને અશોક દવે તરફથી આ લેખ ભેટ છે. જે ગુન્હામાં તમારો કોઇ કસૂર નથી, છતાં સજા મળી છે તો એનો અફસોસ કરવાનો ન હોય... લૉસ એ લોકોનો છે.. તમારો નહિ! ઉત્તમ પાત્ર તમારી રાહ જોઇ રહ્યું છે... ધૅટસ ઑલ.

સિક્સર
- ઘરમાં તમારા ફાધર પોલિટિક્સમાં હોય- કોઇપણ પક્ષમાં, તો વાત કરવા જેવી ખરી કે, ‘‘તમારે તો ટેસ્ટ જેવું કાંઇ હોય નહિ, એ તો સમજ્યા.. પણ તમારા સંતાન બનવાને લીધે અમારામાં ય કોઇ ટેસ્ટ જેવું ન રહ્યું...!

22/05/2011

ઍનકાઉન્ટર : 22-05-2011

* લૈલા-મજનૂ, હીર-રાંઝા અને સોહની-મહિવાલે આપણને શું સંદેશો આપ્યો ?
- ગામ આખામાં ખોટું હઈડ-હઈડ થવા કરતા સારૂં પાત્ર મળે તો પૈણી જવું.
(પ્રદીપ એમ. વાઢેળ, કોડિનાર)

* સફળતા માટે હાથણી કળશ ઢોળવા આવે તે માટે શું પ્રયાસ કરવો ?
- જનાવરોને બદલે માણસો ઉપર શ્રઘ્ધા રાખવી.
(વ્રજબાળા એચ. પટેલ, દહેગામ)

* દેશની CBI દાંત અને નખ વગરના વાઘ જેવી કેમ છે ?
- વાઘ તો આવો હોય તો ય બીવડાવી શકે...
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* કાગડો બોલે તો મેહમાન આવે, પણ કોયલ બોલે તો કોણ આવે ?
- કાગડો.
(શાંતિલાલ ચંદારાણા, પોરબંદર)

ટ્રાફિક-સપ્તાહની ઉજવણી એટલે શું ?
- એ જ કે, આ સપ્તાહ દરમ્યાન પોલીસો કામ કરશે.
(વંદિત નાણાવટી, રાજકોટ)

* પુરૂષ રડતો હોય ત્યારે સારો નથી લાગતો, પણ રડતી સ્ત્રી સુંદર લાગે છે, તેનું શું કારણ ?
- એમ... ? તો આ હિસાબે તમને રડતી સ્ત્રી જોવા મળી છે ખરી !
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ટોઈલેટમાં છાપું લઈ જવાનું કારણ શું ?
- વાંચવા માટે.
(ભાવેશ જી. માધાણી, રાજકોટ)* પત્નીથી ગોરધનોને ડરવાનું કારણ શું ?
- બસ... ખાલી ખાલી.
(રાજુ ધામેચા, જામનગર)

* તમે અઠવાડીયામાં ત્રણ કોલમો લખો છો, પણ મંગળવારે સ્ત્રીઓની પૂર્તિ ‘સહિયર’માં કેમ લખતા નથી ?
- એ લોકોને તો હ્યૂમરની સમજ પડે છે, એટલે મારા લેખો વાંચતી નથી.
(જયેશ ડી. ત્રિવેદી, બગસરા)

* અહીં ઘરમાં બેઠા બેઠા અમારૂં વજન ઘટે છે, ને ત્યાં અમિત શાહનું જેલમાં બેઠા બેઠા ય વધે છે, તો વજન વધારવા જેલમાં જવું કેવી રીતે ?
- પરમેશ્વર આપની મનોકામના જલ્દી પૂરી કરે.
(મોહન એસ. બદીયાણી, જામનગર)

* એક બાજુ ભૂખમરો ને બીજી બાજુ કરોડો રૂપિયાનું અનાજ સડી જાય...
- જરા ધીમે બોલો... શરદજી પવારજી સાંભળી જશે.
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

* શોપિંગ-મોલમાં પત્નીને આડેધડ ખરીદી કરતી અટકાવવાનો કોઈ ઉપાય ?
- કાં તો શોપિંગ મોલ બદલો ને કાં વાઈફ બદલો.
(શશિકાંત જી. દેસલે, સુરત)

* ટીવી પર હવામાનની આગાહીનો શું મતલબ ?
- હા. ઘણીવાર ટીવીમાં, અત્યારે દિવસ છે, એમ કહે છે ત્યારે ખરેખર દિવસ હોય છે, બોલો.
(રૂચિત પુલિનભાઈ શાહ, સુરેન્દ્રનગર)

* ભ્રષ્ટાચાર બાબતે વડાપ્રધાન ચૂપ કેમ છે ?
- મોંઢું આઈ ગયું છે.
(ધવલ એમ. પટેલ, ઓડ)

* આખેઆખો ઈતિહાસ બદલી શકે, એવા વિદ્યાર્થીઓને શું કહેવાય?
- પ્રૂફ-રીડર.
(મેહજબીન/મુશિરા એન. મિર્ઝા, સાવલી-વડોદરા)

* ભ્રષ્ટાચાર આચરતા નેતાઓ અને સંતોને શરમ જેવું કાંઈ નહિ આવતું હોય ?
- ના. શરમના મામલે એ લોકો જરા શરમાળ હોય છે.
(દિલીપ એ. ત્રિવેદી, અમદાવાદ)

* પુનર્જન્મમાં હકીભાભીને પત્ની તરીકે સ્વીકારશો ખરા ?
- આપણે ત્યાં બે ની ક્યાં છુટ છે ?
(જયેશ અંતાણી, ભાવનગર)


* દેશના સૌથી વઘુ ખંધા, લબાડ અને જુઠ્ઠા નેતાઓમાં પહેલું નામ કોનું આવે ?
- ઓહ... એ લોકોને નામનો સહેજ બી મોહ નહિ.
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

* ફિલ્મોમાં હીરોઈનો ઘણીવાર કહેતી હોય, ‘‘વૈસે મૈં કોફી અચ્છી બના લેતી હૂં...’’ તો કોફી બનાવવામાં શું મોટી મોથ મારવાની હોય ?
- આ હિસાબે તમે પણ કોફી સારી બનાવતા હશો...
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

* જાહેર માર્ગો પર નેતાઓના પૂતળાં... !
- એમાં આપણે કાંઈ કરી ન શકીએ... પક્ષીઓ ન્યાય આપે છે.
(સાધના પી. નાણાવટી, જામનગર)

* લગ્નમંડપમાં ‘સાવધાન’ શબ્દ કોના માટે ?
- મને પરણે તો હજી ૩૫-વર્ષ જ થયા છે... મને શું ખબર હોય ?
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* હિંદી ફિલ્મોની અદાલતમાં વકીલો ઘાંટા પાડીને જ કેમ બોલે છે ?
- ન્યાય આંધળો જ નહિ, બહેરો પણ હોય છે.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* પતિ પરમેશ્વર, તો પત્ની કોણ ?
- બોલ મારી અંબે... !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* સટ્ટો ન રમાતો હોય એવી કોઈ બાબત ખરી ?
- શરત લગાવો તો કહું.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)


* પત્ની પીડિત અને પતિ પીડિત... સામ્ય શું ?
- લગ્ન.
(વિનોદ જોશી, અમદાવાદ)

* શંકા ધીમું ઝેર છે તો હાસ્ય ?
- ધીમી શંકા.
(પરિમલ રાજદેવ, સુરેન્દ્રનગર)

* તમને જીવનમાં કઈ સ્ત્રી સૌથી વઘુ નડી છે ?
- મુંબઈ જતી ૫૫-મિનિટની ફલાઈટના ટોઈલેટમાંથી એક જાડી ૪૦-મિનીટે બહાર નીકળી હતી.
(દેવાંગી કસતુરભાઈ, સુરત)

18/05/2011

સવારે ઉઠ્યા પછીનો અડધો કલાક

આ કહાની ઘરઘરની છે.સવારે ઉઠ્યા પછી દરેક ઘરનો પહેલો કલાક અકળાવનારો હોય છે. કાચી ઊંઘ તૂટવાને કારણે કોઈના શરીરમાં ચેતના હોતી નથી. ભૂખ્યા પેટે આશ્રમના ત્યજાયેલાં બાળકો ચોગાનમાં લાચારીથી ફરતા હોય, એવો માહોલ દરેક ઘરમાં વહેલી સવારનો હોય છે. જુઓ જરા. તમારે ઘેર આવું થાય છે કે, આનાથી ય....!

પ્રભાતના સોનેરી કિરણો ધરતી પર પડે, ત્યારે રૂના જીંડવામાંથી અળસીયું બહાર આવે, એમ ડૅડી પથારીમાંથી બહાર નીકળી આવે છે. કાદવમાં કમળ ઊગ્યું, એવું લાગે. એમના ઉઠ્યા પછીનો અડધો કલાક સાચવી લેવાનો હોય છે. હજી એ એવી ઊંઘમાં હોય કે, માણસનો આકાર પુનઃ પ્રાપ્ત કરવા માટે, એમને મિનિમમ અડધો કલાક જોઈએ. ત્યાં સુધી બોલાવાય પણ નહિ. બોલાઈએ તો મૂળ તો એ જવાબ ન આપે અને આપે તો નાકમાંથી ગરમ ગરમ વરાળો કાઢે. આ અડધો કલાક એ (ઈ.ટી. જેવું) કોઈ ઉપગ્રહવાસી ધરતી પર ફરવા આયું હોય, એવા લાગે. સવારમાં ઉઠેલો દરેક ડૅડો રજનીકાંત જેવો લાગતો હોય છે. એ ભીંતમાં અથડાય તો ય રીબાઉન્ડ થઈને પાછો આવે. રાત્રે સૂવાને કારણે આખા શરીરનું લોહી ગમે ત્યાં ફેલાયેલું હોય, પણ હજી મગજ સુધી ન પહોંચ્યું હોય, એટલે ડૅડી અકળાયેલા બી હોય. ચહેરો પ્રસન્ન ન હોય. રોજ આખી રાત એમને શીર્ષાસનની મુદ્રામાં હુવડાવો તો, રાતભર શરીરનુ બઘું લોહી મગજમાં જમા થાય તો સ્ફૂર્તિથી સવારે ઉઠે. પણ શહેરના પશ્ચિમ વિભાગની સોસાયટીઓમાં આ પ્રથા ખાસ સ્વીકારાઈ નથી. મોટા ભાગના ડેડીઓ, નદીકિનારે એનાકોન્ડા આડો પડ્યો હોય, એવા આકારે સુતા હોય છે.

આમ તો, ઘરની બધી પબ્લિક પણ સવારે ઉઠ્યા પછી આમ જ ખસતી હોય છે. આ સમો એવો હોય છે, કોઈ કોઈને બોલાવે નહિ. ઇંગ્લેન્ડ-અમેરિકામાં ઉઠ્યા પછી રાબેતા મુજબ એકબીજાને ‘ગુડ મોર્નિંગ’ કહે. આપણે ત્યાં સવાર-સવારમાં પૂછાપૂછી શરૂ થઈ જાય. પહેલો મૂંઝારો ડૅડીનો હોય, ‘મારું બ્રશ કોણ લઈ ગયું ?’ (એમને ખબરે ન હોય કે, ગઈ કાલે સોસાયટીના કૂતરાના મોઢામાંથી એમનું બ્રશ માંડ માંડ પાછુ કઢાવ્યું હતું...!) અને, ‘‘છાપું આયું ?’’ ત્રીજો બોલે, ‘‘મારી ચા થઈ ગઈ ?’’

સવારે ઉઠવું એટલું સહેલું નથી. છતાં એકવાર ઉઠવું પડે છે. સાવ ઉઠો નહિ એ સારું ન લાગે. લોકો વાતો કરે. ભલે પછી ઘરના બધા ભેગા થઈને ધોળા કપડાં પહેરીને આંખો લૂછતાં માહિતી આપે, ‘‘બસ... એ તો રાત્રે સૂતા... એ સુતા !... પછી સવારે ઉઠ્યા જ નહિ...!’’ એવા વખાણ બે-ચાર દહાડા કરે, પણ આપણે ય સમાજમાં રહેવાનું છે. રોજ સવારે એક વાર ઉઠવું જોઈએ. આમાં વહેલું કે મોડું ઉઠવું, એનો ફરક પડતો નથી. જગતનો કોઈ માણસ સિસોટી વગાડતો પથારીમાંથી ઉઠતો નથી. હસતે મોઢે કોઈને ઉઠવું ગમતું નથી. ઊંઘ હજી પૂરી થઈ ન હોય, આંખના પોપચાં અડધા બીડાયેલા હોય, ઝાડની બખોલમાં સસલું બેઠું હોય, એમ આંખમાં પિયા ભરાણા હોય, સરખું દેખાતું ન હોય એટલે એક-બે જગ્યાએ ભીંતમાં અથડાય. મંદબુદ્ધિનું બાળક ચાલતું હોય એવું લાગે. બોલવું તો બહુ દૂરની વાત છે, આપણે જાગી ગયા છીએ એ પણ આપણને ગમતું ન હોય. અધખુલી આંખે ભ્રમરોનું ઊંચે જવું, ચહેરાને ખૌફનાક સ્વરૂપો આપે છે.

અઘરું કામ છે, સુતેલા ડૅડીને ઉઠાડવાનું. આવી ઘૂમધામ ગરમીમાં તમારો ડૅડો ગંજીફરાક પેટેથી પિલ્લું વાળીને છાતી સુધી લઈ જઈને સુતો હોય. ઉઠાડો એટલે છણકા કરે. રોજના અનુભવ પરથી એટલું તો સાફ છે કે, એમે પથારીમાંથી કાઢવા, એ બાથરૂમમાં ભરાયેલી ગરોળી કાઢવા જેવું અઘરું કામ છે. ભલે કરે કાંઈ નહિ, પણ આપણને સાલી બીક લાગે !

આમાં પાછા ડૅડીએ-ડૅડીએ જુદા જુદા પ્રકારો જાણમાં આવ્યા છે. કેટલાકને. ‘‘ચલો ઉઠો હવે....’’ એવું એક વાર મમ્મી કહે, એટલે તાર ઉપર બેઠેલી ચકલી ઊડી જાય, એમ બેઠા થઈ જાય. બીજા પ્રકારમાં, કારગિલ-યુદ્ધ પછી એવા ફાધરો ય પ્રકાશમાં આવ્યા છે કે જેમને પથારીમાં ગોતવા પડે. રોડ પર રીક્ષા પલટી ખાઈ ગઈ હોય એમ પલંગની પેલે પાર પડ્યા હોય. મોર્ડન ડીઝાઈનોનું કાંઈ ધાર્યું ન ઉતરે. કહે છે કે, સન ’૪૫ પછી પોરબંદર, નડિયાદ અને મુંબઈ બાજુ એવા ફાધરો પણ ઊંઘતા ઝડપાયા છે, જે રાત્રે સુએ પોતાના ઘેર અને બોલો.... સવારે ઉઠે પણ પોતાના જ ઘેર !

હવે ડૅડી તરીકે ખાસ કોઈ ખપમાં ન આવે એવા કેટલાક ડૅડીઓ ઊંઘીને ઉઠવાને કારણે સખ્ત થાકી જતા જોવા મળ્યા છે. એમને ઊંઘવાનો થાક લાગ્યો હોય. એ લોકો નહાતા-નહાતા ય થાકી જાય. ભર તડકે મારગ ભૂલેલો મુસાફર કોક ઝાડ નીચે બેસી જાય, એમ આવા ડૅડીઓ પથારીમાંથી ઊભા થઈને સોફા ઉપર બન્ને ઢીંચણો ઊંચા કરીને, એક બાજુના ખભા તરફ માથું ઢળતું રાખીને બેસી પડે છે. એ આપણો ફાધર ન હોય તો, ‘‘ચલો... છૂટા નથી... આળળ જાઓ, બાબા’’ કહીને કાઢીએ ય ખરા...! આમને શું કહેવું ? મમ્મી-પપ્પાના કેસમાં તો જે સેટ આયો હોય, એ જ વાપરી નાંખવો પડે છે... આમાં દાદા-દાદી કે નાના-નાનીને ઘેર જઈને ખખડાઈ ના અવાય કે, ‘‘હાવ કેવો પેટીનો માલ મોકલાયો છે તમે...?’’ આ તો એક વાત થાય છે.

પણ ઉઠતાવહેંત ડૅડી સાચી દિશા પકડે છે. ભરઊંઘમાં ય એમને મંઝિલની ખબર છે. ઠેબાં ખાતા ખાતા ય એ પહોંચે છે સીધા શાંતિઘાટ-એટલે કે, ટૉઈલેટ. આવનારી ૨૦-મિનીટોમાં આ સ્થાન તેમને કેવળ મનની જ નહિ, તનની શાંતિ પણ આપવાનું છે. કવિવર ટાગોરે લખ્યું હતું,

‘‘તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... હોઓઓઓ, એકલો જાને રે...’’ 

એ ભલે કોઈ બીજા સંદર્ભમાં કીઘું હશે, શાંતિઘાટના માર્ગે સિધાવવા માટે તો એકલા જ જવું પડે. ઘણા ડૅડીઓ બહાર હોય, એના કરતાં અંદર વઘુ સારા. ‘ફૂલ ગયું ને ફોરમ રહી’ વાળી ફોરમો બહાર ફેલાવે એના કરતાં, એ અંદર તો આપણે બહાર વઘુ સલામત... સુઉં કિયો છો ?

અલબત્ત, ટૉઈલેટમાં ટીવી લઈ જઈ શકાતું નથી, એટલે લોકો છાપું લઈ જાય છે. કહે છે કે, છાપું લીધા વગર ટૉઈલેટ જતો મનુષ્ય પેદા થયો નથી કારણ કે, અંદર ગયા પછી છાપું હરડેનું કામ કરે છે. એ પ્રસન્નતાથી જ બહાર નીકળે. વિશ્વનો એકપણ ગ્રંથ એને આવી રાહત આપતો નથી. ગુજરાતીમાં કહેવત છે, ‘વાડ વિના વેલો ન ચઢે’, એમ ટૉઈલેટમાં છાપું લઈ ગયા વિના, ઘણાની પસ્તી ખાલી થતી નથી. ઇજિપ્ત અને ઇરાન બાજુના કેટલાક મહાન ટૉઇલેટ-વૈજ્ઞાનિકો માને છે કે આ એવી મંઝિલ છે, જ્યાં પહોંચનાર કદી નિરાશ થતો નથી... ખુશ થઈને પાછો આવે છે... કંઈક કરી છુટ્યાનો આનંદ પામે છે. કીઘું છે ને, ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.’

હવે તો દરેક ઘરમાં બે-ત્રણ ટૉઈલેટ્‌સ હોય છે. એવું કાંઈ ન હોય કે, ત્રણેમાં વારાફરતી એકએકવાર જઈ આવવાનું, એટલે એક કામ પતે. પણ વાત આદતની છે. સમરાંગણમાં જતા ઘણા બહાદુર સેનાપતિઓને એમનો કાયમી ઘોડો મળે તો જ જીતીને આવે, એમ ઘણાને બીજું ટૉઈલેટ ખાલી હોય તો ય ત્યાં ન ફાવે. બીજી એકેય તપોભૂમિ પર તેઓ સાધના કરી ન શકે, મન ચોંટે નહિ અને ઘ્યેય પ્રાપ્તિ થાય નહિ... પોતાના મનભાવન ટૉઈલેટમાંથી બહાર નીકળતી વખતે જ વિજય-પતાકા ફરકતી દેખાય. દારૂની જેમ ટૉઈલેટોની દુનિયા પણ બે ભાગમાં વહેંચાયેલી છે, ‘દેસી’ અને ‘ઇંગ્લિશ’... આઈ મીન, આપણી ભાષામાં કમોડ. આ બન્ને પદ્ધતિઓ પણ ફાવવા ન-ફાવવા સાથે સંકળાયેલી છે. દેસી પદ્ધતિમાં ધારોધાર રાષ્ટ્રીયતા છલકતી હોવા છતાં, ટૉઈલેટ પૂરતી વિદેશી સેવાઓ સ્વીકારવી પડે છે. વાત સ્વાભિમાન કે અહંકારની નથી, પણ આ સ્થાનક તો પોતાનું મનગમતું જ જોઈએ.

પણ આ તો ‘માંહી પડ્યા તે મહાસુખ પામે દેખનારા દાઝે જોને...’ કહે છે કે, સનમની રાહ જોયા કરતા ટૉઈલેટીયો બહાર નીકળે, એની રાહ જોવી બહુ અકળાવનારી હોય છે. અંદરની આપણને ખબર ન પડે, પણ બહાર તો યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું હોય છે. પહેલાવાળો બહાર નીકળે નહિ, ત્યા સુધી ગમે તેવા જાંબાઝ સેનાપતિ બહાર ઊભા ઊભા હલબલતા હોય, પણ યુદ્ધે ચડી ન શકે. આ એવી રણભૂમિ છે, જેમાં પોલાદી બખ્તર કે ગૉગલ્સ પહેરીને જઈ શકાતું નથી. અહીં પૂરી નમ્રતા જોઈએ, ખુમારી નહિ. બહાર ઊભા ઊભા રાહ જોવી ને અકળાતા રહેવું, એમાં મરડાઈ અને તરડાઈ-બે ય જવાય છે. અંદર જમા થયેલો તો શાંતિ અને સુકુનથી બેઠો હોય, ને આ બાજુ જીવ જતો હોય. પણ ટૉઈલેટની બહાર ઊભેલા દરેક માણસનું એક નનેકડું સપનું હોય છે, અરમાનો હોય છે કે, આ બહાર નીકળે તો હું કાંઈ સાબિત કરી બતાવું. એના મનમાં ઠસી ગયું હોય છે કે, અંદર ગયેલા કેટલાક તો બાકીનું જીવન અંદર પૂરું કરવાના હોય એમ બહાર જ નીકળતા નથી, એમાં એ બહાર ઊભો ઊભો છોલાઈ જાય છે. જુઓ, મનોજ ખંડેરીયાનો શે’ર જુઓ.

‘‘હાથમાં કારોબાર રાખ્યો તે, ને મને બારોબાર રાખ્યો તે,
એક ડગ છૂટથી ભરી ન શકું, ખીણની ધારોધાર રાખ્યો તે’’.

ટૉઈલેટોની દુનિયા નિરાળી છે, અલગારી છે. વિશ્વનું કોઈ સ્થાપત્ય એવું નથી, જ્યાં જતી વખતે મોઢું ઢીલું હોય ને બહાર નીકળતી વખતે, ‘જંગ જીત્યો રે મારો કાણીયો’ની પ્રસન્ન અદા હોય કે કંઈક કરી બતાવ્યાનું (Mission accomplished) અભિમાન છલકતું હોય ! એ રીતે જોઈએ તો ઘરનો શાંતિ-ઘાટ પ્રસુતિગૃહના ઑપરેશન-થિયેટર જેવો છે. ડૉક્ટર હસતા મોંઢે હાથ લૂછતાં લૂછતાં બહાર આવે તો સમજવાનું ઑપરેશન સક્સેસફૂલ. રોજ ટૉઈલેટ જતા સુસંસ્કારી ઘરોમાં આ જ કારણે, ટૉઈલેટને બદલે ‘શાંતિ-ઘાટ’ જેવા પવિત્ર શબ્દો વપરાય છે.

આપકી યાત્રા સફલ હો.

સિક્સર
- લાઈફમાં બસ, એક જ વખત બરફ બનાવતી ફૅક્ટરી જોઇ આવે અને ગટરથી ય કેવા ગંદા પાણીમાંથી બરફ બને છે, એ જોયા પછી લારી પર બરફના ગોળા ખાનાર બચી કેમ જાય છે?
- એ લોકો શરદ પવારની ખાંડ પણ પચાવી ગયા છે, ત્યાં...!

સિક્સર
- કસાબને ફાંસી નહિ આપવાના કોંગ્રેસ સંસ્કાર સાથે કમલેશ આવસથ્થી સહમત છે, ‘મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...’

11/05/2011

હમ નહિ સુધરેંગે

- કોણ હતી ?
- ઓહ... મને નથી ખબર.
- તો હસી કેમ ?
- હસી... ? એ મારી સામે નથી હસી.
- એની તમને કેવી રીતે ખબર પડી ?
- ખબર... ખબરમાં તો અચાનક મારી નજર એની ઉપર પડી, એટલે ખબર પડી કે, એ હસી ખરી, પણ કોની સામે એની ખબર ના પડી.
- યૂ આર એ બ્લડી લાયર... !
- may be... but, ના હસી હોય તો ય પરાણે હા પાડું, એટલો સત્યવાદી ય નથી.
- તમારો કોઈ ભરોસો નહિ. તમે છોકરીઓ સામે જો જો બહુ કરો છો.
- વોટ્‌સ રોંગ ઈન ઈટ ? સુંદર હોય તો જોવી ય પડે. ના જોઈએ તો એની બા ય આપણી ઉપર ખીજાય...
- આ બધા ‘બા વાળા’ ચાળા પેલા અશોક દવે પાસે જઈને કરવાના... આપણી પાસે નહિ !
- વાત ખોટી હોય તો કહે. તું ય સુંદર છું ને તારી સામે જોઈને ય બધા હસે છે, તો હું બધાને SMS કરવા જઉં કે, મારી વાઈફ સામે કોઈએ સ્માઈલો નહિ આલવાના ?
- મારી વાત જુદી છે. હું હમણાં પેલી ગઈ, એની માફક કોઈને સ્માઈલો નથી આપતી.
- સ્ટોકમાં પડ્યા નથી ?
- કહેતા હો તો કાલથી આપવા માંડુ.
- અ... ફ... ફૂફૂ... ઢુ... આઈ મીન, તારે દાનવીર કર્ણની સ્ત્રી-આવૃત્તિ બનવાની શી જરૂર છે ?
- તો પછી મને કહો, એ તમારી સામે જોઈને હસી કેમ ?
- એ લાફિંગ-ક્લબની મેમ્બર હશે. હસવાથી બોડી વધે છે.
- બોડી નહિ, તંદુરસ્તી... અને તમે ય સામુ ઝીણકું ઝીણકું સ્માઈલ આપ્યું જ હતું.
- ડોન્ટ બી સિલી... હું શું કામ સ્માઈલ આપું ? હું તો હસતી વખતે સ્વ. સંજીવકુમાર જેવો લાગું છું.
- મારી સામે તો ક્યારેય હસતા-ફસતા નથી...
- ઓહ ડાર્લિંગ... એવો ટાઈમ જ ક્યાં મળે છે ?
- પેલી બધીઓ માટે દાંતના આખા ચોકઠાં બતાવીને હસવાના ટાઈમો મળે છે... અને ઘરમાં જ સ્ટોક ખલાસ ?
- એક વાત કહું ? બીજા પુરૂષો ય તને જુએ જ છે ને ?
- નવરા છે.
- એમાંના એકેએ આવીને તને પ્રપોઝ કર્યું ? મિસબીહેવ કર્યું ? જોઈને બિચારા જતા રહે છે....
- એટલે ?
- એટલે, આઈ મીન હું ય બહુ બહુ તો જોઈને જીવો બાળું છું... હાથમાં કાંઈ લઉં છું ?... પ્રસાદ-બ્રસાદ ?
- તમે તો મને જોઈને જીવ બાળો છો...
- તું તો મારી પ્રાણસજની છે, ચંપા... - ઉફ...
- ચંપા.... ? ચંપલી વળી નવી આઈ... એ કોણ છે ?
- ઓહ ડાર્લિંગ, ચંપા કોઈપણ સુંદર સ્ત્રીનું એક પ્રતિક છે જેમકે, પ્રિયા, મોહિની, પદ્મા, પ્રાપ્તિ... આઈ મીન, આ બધીઓના નામ લેવા ન પડે, એટલે આ શું કે, બઘું એકમાં પતે !
- ચંપા નામની કોઈ બી સ્ત્રી બુઢ્ઢી જ હોય. સુંદર કેવી રીતે હોય ? મને ઉલ્લુ બનાવો છો ?
- મારી આખી વાતનો સાર સમજ, સવિતા... સ
- સ...સવ... હવે સવિતા... ? મને એક વાતનો જવાબ આપો... આજકાલ કોઈ ઘરડા ઘરની આસપાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ? ચંપા, સવિતા... હવે કોઈ કાન્તા-બાન્તા હોય તો એ ય કહી દો !
- ફ્રૅન્કલી કહું તો... ડરનો માર્યો તારું નામ ભૂલી ગયેલો, એટલે યૂ સી... જસ્ટ ગૅપ પૂરવા ચંપા અને સવિતાના નામો બોલી જવાયા... !
- હજી તમે કીઘું નથી, એ કોણ હતી. એક વાત કહું ? મને ઓનેસ્ટ માણસો બહુ ગમે. તમે સાચું કહી દેશો, તો મને સહેજ બી ખોટું નહિ લાગે.
- એટલે ?
- તે દિવસે તમે સાવ સાચું બોલી ગયા’તા કે, બધો વાંક તમારી મમ્મીનો હતો, તો મેં કોઈ ખોટું લગાડ્યું હતું ?
- ઓકે. હવે તું મને સાચો જવાબ દે. તારે મન તો આ જગતમાં હું જ તારો પતિ કે નહિ ?
- એ એકલું મારે મન નહિ, ગામ આખાને મન ઠસી ગયેલી વાત છે.
- કરેક્ટ. મતલબ કે, તું સજીધજીને તૈયાર તો મને એકલાને ખુશ કરવા થાય છે ને ?
- એવું કોણે કીઘું, ભ’ઈ ?
- રણછોડભ’ઈએ... ! અરે બાપા સીધી વાત છે, એક આદર્શ ભારતીય સ્ત્રી હંમેશા એના ગોરધનને ખુશ કરવા જીવે છે અને ગોરૂ ફક્ત એની વાઈફને ખુશ કરવા જીવે છે... !
- તો ?
- તો એનો મતલબ એ થયો કે, ભારતભરની હિંદુ સ્ત્રીઓએ ફક્ત ગોરધનની સામે ઘરમાં જ બનીઠનીને રહેવું જોઈએ.
- માય ફૂટ... ! ઘરની બહાર લઘરા જેવા નીકળવાનું ?
- ડોન્ટ બિલ્ડ અપ સ્ટોરીઝ, ડીયર. બનાવ-સિંગાર સ્ત્રીનું આભુષણ છે, એ બધી વાત સાચી, પણ અલ્ટીમેટલી હેતુ તો ગોરધનને જ તમારું શ્રેષ્ઠ સ્વરૂપ બનાવવાનો છે કે નહિ ?
- શું ?
- તો ઘરમાં તો તમે ગાભા જેવી બેઠીઓ છો... અમારે ચંપા, સવિતાને કાન્તાડીઓ જોવાની ને બહારવાળાઓને મોહિનીઓ ને પ્રિયાઓ ?
- તો શું ઘરમાં ય અમારે પચ્ચા-પચ્ચા હજારના સેલાં પહેરીને તમે આવો ત્યારે દરવાજો ઉઘાડવા આવવાનું ?
- યાદ છે, એક આખો જમાનો ચાલ્યો હતો, એકતા કપૂરની સાસ-બહુવાળી સીરિયલોનો ?
- હા. એને સ્ત્રીઓ કરતા તમારા જેવા ગોરધનો બહુ જોતા હતા... ટીવી સામેથી ખસતા જ નહોતા, વાંદરાઓ !
- એક્ઝેક્ટલી... પણ કેમ ? એ એમ કે, પુરૂષ હોય કે સ્ત્રી, સહુને સ્ત્રી તેના સુંદરોત્તમ સ્વરૂપે જોવી ગમે છે...
- મારા નાથ... મારા સ્વામી, મારા દેવ... આ વાત જરા ડીટેઈલમાં સમજાવશો ?
- આઈ મીન, પુરૂષોના મનમાં પાપ નહિ કે, આ મારી વાઈફ નથી એટલે મારાથી એની સામે ના જોવાય. તારું-મારુ સહિયારું ને તારું મારા બાપનું...’ એવી સંકુચિતતા અમારા પુરુષોમાં નહિ !
- હાઆઆઆ... તો પછી બીજા ય તમારી વાઈફને જુએ ને ...?
- ક્યાં રોકી શકીએ છીએ... ! આજકાલ કોઈના મોંઢે તાળા ને આંખો પર ચ્યૂંઈંગ-ગમ ચોંટાડવા નથી જવાતી, બેન... !
- બેન ? બેન શેના કહો છો ?
- લગ્નના ૩૦-૩૫ વર્ષ પછી દુનિયાભરની વાઈફો બહેનો જેવી લાગે છે.
- શટ અપ. બોલવાનું જરા ભાન રાખો. સારા નથી લાગતા.

સિક્સર
- બિન લાદેનના મામલે પાકિસ્તાન સરકાર મુશ્કેલીમાં આવી ગઈ, નહિ ?
- ભારત સરકાર જેટલી નહિ. કોક તો પૂછશે ને કે, અમેરિકાવાળા પેલાના ઘરમાં ધુસીને મારી આયા... ને આપણા ઘરમાં કસાબ બેઠો છે, એનાથી ય આપણી ફાટે છે... !

06/05/2011

દિલ્લી કા ઠગ

ફિલ્મ 'દિલ્લી કા ઠગ' ('૫૮) 
નિર્માતા-દિગ્દર્શક : એસ.ડી. નારંગ 
સંગીત : રવિ 
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ 
કલાકારો : કિશોર કુમાર, નૂતન, સ્મૃતિ બિશ્વાસ, અમર, મદન પુરી, ઈફ્તેખાર, કૃષ્ણકાંત, પ્રતિમાદેવી, મિરાજકર, કઠાના, કુમુદ ત્રિપાઠી, ટુનટુન, રતન ગૌરાંગ, બેલા પ્રામાણિક, હબીબ, રાજન કપૂર, રત્ના ભૂષણ, બ્રહ્મ ભારદ્વાજ, ઉમા દત્ત, શેખર પુરોહિત, મિર્ઝા મુશર્રફ અને મીનુ મુમતાઝ (મેહમાન કલાકાર) 
*****

૧. ચલ રી અમીરન, ભઇ ચલ રે ફકીરે, ઓ બન્દરીયા....કિશોર 
૨. કિસી કા દિલ લેના હો, યા કિસી કો દિલ દેના હો....ગીતાદત્ત 
૩. ઓ બાબુ ઓ લાલા, મૌસમ દેખો ચલા....ગીતાદત્ત 
૪ યે બહાર, યે સમા, યે ઝૂમતી જવાનીયાં....આશા ભોંસલે 
૫. સીખ લે બાબુ પ્યાર કા જાદુ, મેરે પાસ ચિરાગ....આશા ભોંસલે 
૬. હમ તો મુહબ્બત કરેગા, દુનિયાસે નહિ ડરેગા....કિશોર 
૭. C.A.T. Cat માને બિલ્લી, R.A.T. Rat ....આશા-કિશોર 
૮. યે રાતેં યે મૌસમ, નદી કા કિનારા, યે ચંચલ હવા....આશા-કિશોર 

(ગીત નં. ૧ ફિલ્મમાં નથી.) 
(ગીતકારો : શૈલેન્દ્ર, મજરૂહ, શમ્સ-ઉલ-હુદા બિહારી)

'દિલ્હી કા ઠગ'. ફિલ્મનું નામ વાંચીને પહેલા તો એમ થાય કે, દિલ્હીના હાલના કોઇ નેતા વિશેની ફિલ્મ હશે. પણ એ જમાનામાં ય આવા સસ્તા વિષય પર ફિલ્મો નહોતી ઉતરતી....! 

એ વખતે તો કિશોર કુમારની બધી ફિલ્મો ગમી હતી. હસવું ય ખૂબ આવતું હતું. હાફ-ટિકીટ, નૉટી બૉય, અધિકાર, પૈસા હી પૈસા, મુકદ્દર, આંદોલન, છમ છમા છમ, લડકી, ફરેબ, ભાગમભાગ, ધોબી ડૉક્ટર, બેવકૂફ, ઢાકે કી મલમલ, બેગૂનાહ... ચલતી કા નામ ગાડી અને પડોસન જેવી ઓલ ટાઈમ ગ્રેટ ફિલ્મો તો ખરી જ. બધી તો એકસામટી અત્યારે યાદે ય ન આવે. 

હવે વારાફરતી એ બધી ફિલ્મો જોઈએ એટલે બાય સ્વૅર... જીવ બળી જાય કે, એ જમાનાના બહુ દિગ્દર્શકો અને સંવાદ લેખકો ને કારણે આવો વર્લ્ડ-લૅવલનો કૉમિક હીરો વેડફાઇ ગયો. કિશોરને દર વખતે ઋષિકેશ મુકર્જી જેવા (હ્યૂમરને સમજનારા) દિગ્દર્શકો તો ક્યાંથી મળે ? એ તો કૉમિક કિશોરમાં ઇન-બૉર્ન હતું, એટલે ગમે તેવા વાંદરાવેડાં કરીને પ્રેક્ષકોને હસાવી શકતો. કહેવું ગમે તો નહિ પણ કિશોર જેવા આટલા મહાન કૉમેડીયનમાં જૅરી લૂઇસ, નૉર્મન વિઝડમ, બસ્ટર કીટન કે પીટર સૅલર્સ જેવી સર્જકતાનો અભાવ હતો, એટલે પોતે કોઈ હ્યૂમર ઊભું ન કરી શકે. પેલા લોકોની કૉમેડીમાં જે વૅરાયટી આવતી હતી, તેનો મૌલિકપણાંની દ્રષ્ટિએ કિશોરમાં અભાવ. એટલે થાય એવું કે, કાં તો એને ફિલ્મે-ફિલ્મે પાગલ બનવું પડતું અથવા ગુલાંટો ખાવાથી માંડીને વાંકાચૂકા મોંઢાથી માંડીને વધારાનો કોઇ માલ એની કૉમિક-ફૅકટરીમાં બનતો નહિ. મેહમુદને મોટો ફાયદો રાજેન્દ્રકૃષ્ણ જેવા સંવાદ-લેખકોનો પણ વચમાં વચમાં મળી ગયો, એટલે કૉમેડી ફક્ત ઍક્ટિંગથી નહિ, ડાયલૉગ્સથી પણ ઊભી થતી. કિશોરને થોડા અપવાદો બાદ કરતા આખી કરિયરમાં સંવાદ લેખકો પણ અસરદાર ન મળ્યા. નહિ તો બિમલ રૉયની ફિલ્મ 'દો દૂની ચાર'માં કિશોરની બૌદ્ધિક કૉમેડી હતી. સંવાદો ગુલઝારે લખ્યા હતા, તો એ ફિલ્મમાં કાળો-જાડો કૉમેડીયન અસિત સેન પણ ખૂબ હસાવી ગયો હતો. અલબત્ત, વિલિયમ શૅક્સપીયરના 'ધી ટૅમ્પેસ્ટ' જેવા જ બીજા કૉમિક નાટક 'ધ કૉમેડી ઑફ ઍરર્સ' પરથી દુનિયાભરમાં સ્ટેજ શો થયા, નાટકો અને ફિલ્મો પણ બની, તેમાંની એક બિમલ રૉયે હિંદીમાં 'દો દૂની ચાર' નામે ઉતારી. પછી ગુલઝારે 'અંગૂર' (સંજીવ કુમાર-દેવેન વર્મા) બનાવ્યું. શૅક્સપીયરના નાટકમાં 'ઍન્ટીફોલસ' અને એના નોકર 'ડ્રોમિનો'નો રોલ અનુક્રમે કિશોર કુમાર અને અસિત સેને કર્યો હતો. 

કિશોર કેવળ ગાયક તરીકે જ નહિ, અભિનેતા તરીકે તો એની ગાયકી કરતા ય વધુ બળવત્તર હતો. પ્રોબ્લેમ એનો ઉપયોગ કરવાનો થતો હતો, એનો નિવેડો લાવવો એ જમાનાના દિગ્દર્શકોના ગજાં બહારની વાત હતી, પરિણામે કિશોરના નામે આપણે ફિલ્મો તો જોઇ આવતા અને એ ઉંમરની આપણી સમજ મુજબ એ ફિલ્મો ગમતી પણ હતી. આ ફિલ્મ 'દિલ્લી કા ઠગ'ના નિર્માતા-દિગ્દર્શક એસ.ડી. નારંગે જે કોઇ આઠ-દસ-પંદર ફિલ્મો બનાવી (અરબ કા સૌદાગર, યહુદી કી લડકી, શુત્રધ્ન સિન્હાવાળી 'બાબુલ કી ગલીયાં,' જીતેન્દ્ર-બબિતાવાળી 'અણમોલ મોતી,' વિશ્વજીત-રાજશ્રીવાળી 'શેહનાઈ' અને 'સગાઇ,' 'દો ઠગ...' પેલું ઇંગ્લિશમાં કહે છે ને...? Nothing to write home about....! 

પરિણામે, કિશોર જેવા વર્લ્ડ-કલાસ હીરોને લેવા છતાં આ ફિલ્મને ટીપિકલ ઢિશૂમ-ઢિશૂમની ફિલ્મ બનાવી દીધી. અક્કલ તો એ લોકોની નહિ, આપણી કામ ન કરે કે, નૂતન જેવી ઇન્ડિયાની 'ધી બેસ્ટ' હીરોઇન લેવા છતાં એને લાયક તમે કોઇ કામ લઇ ન શકો.? તો એનો મતલબ એવો ખરો કે, હવે ડીવીડી મંગાઇને 'દિલ્લી કા ઠગ' જોઇએ, તો પૈસા પડી જાય ? 
.....

એટલી ખરાબ ફિલ્મ નથી આ. નૂતન-કિશોરના મારા જેવા બારમાસી ચાહકોને ફિલ્મ તો ગમવાની જ. કોઇ હૉપલૅસ ફિલ્મ તો નથી આ. ફાર્સિકલ (ગુજરાતીમાં 'ફારસ') કહો, સ્લૅપસ્ટિક કહો કે બફૂનરી કહો, એ બધું તેમની ચરમસીમાએ હોવાથી વચમાં-વચમાં હસવું તો આવી જાય છે. પણ ફિલ્મનો એકે ય સંવાદ ચમકારાવાળો નથી. સામાન્ય લોકો જેને સિચ્યૂએશન-કૉમેડી કહે છે (એટલે બનતી ઘટનાઓમાંથી કોઇ હ્યૂમર ઊભું થાય) એવું કાંઇ નથી, પણ ફિલ્મનું સંગીત આજ સુધી ચિરંજીવ રહ્યું છે. બહુ નવાઈઓ લાગે પણ રવિ જેવા સૉફ્ટ અને ગંભીર સંગીતકારે આશા-કિશોર પાસે આજ સુધી આપણી સીડી-માં સચવાયેલા ગીતો બનાવ્યા છે. એમાં ય. એ બન્નેનું 'યે રાતેં, યે મૌસમ, નદી કા કિનારા' તો ઑલટાઇમ ગ્રેટ યુગલ ગીતોના આપણા લિસ્ટમાં શામેલ થાય એવું છે. રવિ બીજા એવા સંગીતકાર છે, જેમણે આશા ભોંસલેને ઉત્તમોત્તમ પ્રોજૅક્ટ્સ આપીને, લતાની ઑલમોસ્ટ બરોબરીના ગીતો આપ્યા છે. એમની પહેલી ફિલ્મ 'વચન'થી શરૂ કરીને લગભગ તમામ ફિલ્મોમાં આશાની કરિયરના ટોપ-ટેન પૈકીના ગીતો ગવડાવ્યા છે. અહીં આ ફિલ્મમાં કિશોર સાથેનું આ ગીત કોઇ સારી મ્યુઝિક-સીસ્ટમમાં સાંભળો તો ખ્યાલ આવશે કે, કેવી મીઠડી છે આ ગાયિકા ! જોવાની ગમ્મત એ પડે એવી છે કે, આશાના આવ્યા પહેલા (અને ઇવન પછી) હિંદી ફિલ્મોમાં કલબ-સૉંગ્સ ફક્ત અને ફક્ત ગીતાદત્ત પાસે ગવડાવવામાં આવતા. આશા સાઈડમાં હતી ને સારા બૅનરની ફિલ્મોમાં અને હીરોઇનના ગીતો કદી ગાવા મળતા નહોતા. અહીં રવિએ કલબ સૉંગ 'ઓ બાબુ ઓ લાલા' અને 'કિસી કા દિલ લેના હો' ગીતા પાસે ગવડાવ્યા અને હીરોઇન નૂતન પર જતા ગીતો આશા પાસે ગવડાવ્યા.. થયું એવું કે, આશાનો અવાજ તો નૂતન જેવી સમર્થ હીરોઇન ઉપર પણ ફિટ થાય છે, એનું ભાન બાકીના સંગીતકારોને હવે પડવા માંડયું અને આજુબાજુના બધા સંગીતકારો હવે આશાને સીરિયસલી લેવા માંડયા. ગીતાના ઘરસંસારમાં ગરબડો હતી, એટલે તબક્કો એવો આવ્યો કે, એની પાસે હીરોઇન ઉપર ફિલ્માવવાના ગીતો તો અમથા ય હતા થોડા...ને હવે ક્લબ-સૉંગ્સ પણ આશા ભોંસલે લઇ ગઇ....! 

આ ફેરફારના મૂળમાં ફિલ્મ 'દિલ્લી કા ઠગ'ને જવાબદાર ગણી શકાય. પણ કોઇકે સરસ વાત કરી છે કે, સંગીતની દુનિયા તળીયા વગરના ખાડા જેવી છે. જેમ જેમ તમે ઊંડા ઉતરતા જાઓ તેમ ખબર પડે, કે તમારૃં જ્ઞાન કેટલું પોકળ છે ! The world of music is a bottomless pit. The deeper you go, the more you realize how hollow is your knowledge. 

સિદ્ધિ તો નહિ પણ કંઇક નવું (અથવા શૉકિંગ...!!!) ગણવું હોય તો આ ફિલ્મે ઇવન આજે ચચરી જાય એવો એક ઝાટકો આપ્યો હતો... નૂતન લાઇફ-ટાઈમમાં પહેલી અને છેલ્લી વાર વન-પિસ બિકીની (સ્વિમ્-સ્યૂટ)માં દેખાઈ છે. એની પર્સનલ-લાઈફ ગમે તે હોય, પણ ફિલ્મી પડદા પર વર્ષોથી એને જોયા પછી આપણને સહુને એના માટે ''માં''નો ભાવ આવ્યો છે, એટલે સ્વિમ-સ્યુટમાં એના પરફૅક્ટ ફિગરને કારણે એ ખૂબ સૅક્સી લાગતી હતી, એવું કહેતા-લખતા પૅન અટકી જાય છે. યાદ હોય તો, અમિતાભ બચ્ચનના પેલા (ઇન) ફૅમસ ઍક્સિડૅન્ટ પછી, અમદાવાદમાં ફિલ્મ-સ્ટાર્સની મૅચ બચ્ચને રમાડી હતી, ત્યારે આ લખનારને નૂતન સાથે ખૂબ શાંતિથી મળવાનું થયું હતું. કોઇ નમ્રતા કે અતિશયોક્તિ વગર કહું તો, એમની સાથે વાત કરતી વખતે, હું કોઇ મોટો માણસ હોઉં અને એ બહુ સામાન્ય વ્યક્તિ હોય, એવી તદ્દન દંભ વગરની નમ્રતા અને શિસ્તપૂર્વક મારી સાથે વાતો કરી હતી. નૂતન સાથે મારી ઓળખાણ એમના સુપુત્ર મોહનિશ બહેલે કરાવી, ત્યારે મોહનિશના કલ્ચર પરથી પણ એવું લાગ્યું કે, વિનય-વિવેક આ લોકો ઉપરથી સાથે લઈને જ આવ્યા છે... અહીં આવ્યા પછી બનાવડાવવા નહિ આપ્યો હોય. 

એ વાત જુદી છે કે, કમ-સે-કમ આ ફિલ્મ (અથવા આવી ફિલ્મ)માં નૂતને કામ શું કામ કરવું જોઇએ, એની નવાઇ લાગે. એક તો ઍક્ટિંગનો કોઇ સ્કૉપ જ નથી એને માટે. ઉપરાંત, ફિલ્મ કિશોરની હોય એટલે સ્વાભાવિક છે, કૅમેરામાં ૯૮-ટકા એ જ દેખાતો હોય (એના ખાસ દોસ્ત દેવ આનંદની જેમ!) 

યાદ હોય તો એ વખતની બધી ફિલ્મોમાં કિશોર અડધી બાંયના મોટા મોટા રંગીન ચોકડાવાળા બુશકૉટ પહેરતો. પાછું, એના સિવાય એ વખતના એકે ય હીરોએ એવા કપડાં પહેરેલા જાણમાં નથી. બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોની મસ્તી આ હતી કે, ગુંડા બતાવવા હોય તો આડા પટ્ટાની કાળી જરસીઓ પહેરી હોય. એમનો બૉસ હોય, એ આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મોના વિલન પાસેથી બે દહાડાના ભાડે કપડાં લઈ આવ્યો હોય, એમ માથે હૅટ, ઢીંચણ સુધીનો લાંબો કાળો કોટ, રાત્રે ય પહેરી રાખતો કાળા ગૉગલ્સ અને મોંઢામાં ચીરૃટ...! અલ્યા ભ'ઈ, ધોળીયાઓના દેશમાં બરફ સાથેની સખત ઠંડી પડતી હોય એટલે ત્યાં વિલનોએ જ નહિ, સારા માણસોએ પણ આવા લૉંગ-કૉટ પહેરવા પડે...તું શેનો આખેઆખો ઉપડયો છું, ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં કોટો પહેરીને....? 

હીરોઇનોની હૅર-સ્ટાઈલ્સ પણ ઘણી વખતે ચીતરી ચઢે એવી હતી. પાછળ બોચીને અડે ત્યાં સુધી પાંથી પાડીને બે ચોટલા વાળ્યા હોય...(એને પાછું આપણા સૌરાષ્ટ્રમાં ''બઉ ફૅસ્સન માયરી...'' કહેવાતું.) કપાળ પર આડીઅવળી લટો તો સાલા હીરો લોગ પણ ઉપાડી લાવતા, એટલે આ માજીઓને શું કહીએ ? રાજ કપૂરનું દેખી દેખીને આપણો પ્રદીપકુમારે ઉપડયો હતો, કપાળ ઉપર પ્રશ્નાર્થ-ચિહ્ન જેવી લટો ચોંટાડવા. 

(વચમાં જરી મજા પડે એવો એક સવાલ તમને ય પૂછી લઉં. આજ સુધી આટલી બધી ફિલ્મો તમે જોઇ, ફિલ્મ '૫૦-ના દાયકાની હોય કે આજની....એકે ય ફિલ્મમાં તમે લાઇટના બલ્બો કે ટયુબલાઈટો જોઇ....? કેમ એ લોકોને દ્રૌપદીના ચીરની જેમ લાઈટ પણ શ્રીકૃષ્ણ પહોંચાડતા હશે...? આપણે હાળા લાઈટના બિલો ભરી ભરીને તૂટી જઇએ છીએ ને આ લોકોની તો હવેલીઓમાં ય વગર બલ્બે ક્યાંથી લાઇટો ઉતરી આવે છે...? યે પોઇન્ટ નૉટ કિયા જાય, મી લૉર્ડ...!) 

એ ફિલ્મોમાં સ્ટુડિયોના સૅટ્સ પણ પકડાઈ જાય એવા બનતા. દરેક ગીતમાં આપણને ખબર હોય કે, અડધી રાતની જેમ આ ઉપર લટકતો અડધો ચાંદ પણ હાવ ખોટીનો છે....! આર્ટ-ડાયરેક્ટર સંત સિંઘ ખાસ કાંઈ ઉકાળી શક્યા નથી. બધા સૅટ પકડાઈ જાય એવા બનાવ્યા છે. 

ફિલ્મ રીલિઝ થઈ, એ વખતે ત્યારની ફેશન મુજબ, આખી ફિલ્મોમાંથી બે રીલ્સ રંગીન બનાવવામાં આવતા, પણ આ ફિલ્મની સીડી-માં ગીતો બ્લૅક-ઍન્ડ-વ્હાઈટમાં છે. બે રીલ્સ કલરના કરવા માટે તો નારંગે હૉલીવૂડના કૅમેરામૅન એફ.સી. માર્કોનીને બોલાવ્યા હતા. 

ફિલ્મની કાળી-ધોળી ફોટોગ્રાફી જી.સિંઘે કરી છે. આ જી.સિંઘ એટલે ભારતની પહેલી 70 mm માં બનાવેલી ફિલ્મ 'એરાઉન્ડ-ધ-વર્લ્ડ'ના કૅમેરામૅન. કમનસીબે નવું નવું હતું, એટલે રાજ કપૂરથી માંડીને બધાના માથા કૅમેરાની ફ્રૅઇમમાં કપાઈ જતા હતાં. 

જસ્ટ, યાદ અપાવવા માટે તમે પૂછો કે, ભલે ફિલ્મ ફાલતુ હતી અને અમે એ વખતે જોઇ પણ હતી, પણ અત્યારે યાદ નથી કે, ફિલ્મમાં શું આવતું હતું ! મને તો એટલી ખબર છે કે, ફિલ્મમાં 'ધી ઍન્ડ' સિવાય બધું આવતું'તું. ફિલ્મનું નામ 'દિલ્લી કા ઠગ' કઇ કમાણી ઉપર પાડયું છે, તેની કોઇને ખબર નથી. નથી એમાં દિલ્હી સાથે કોઇ લેવા-દેવા, નથી કિશોરના ઠગ હોવા સાથે. ફિલ્મની શરૂઆતમાં ફિલ્મનું નામ સાર્થક કરવા કિશોર એકાદ ખિસ્સું કાતરી જાય છે, એ વખતે આપણે આપણું ખિસ્સું સાચવી રાખવાનું, તો ખાસ કાંઇ ગૂમાવવા જેવું નથી. પણ એ જમાનાના પાત્રો યાદ આવે ખરા. જેમ કે, મુખ્ય વિલન અમરને તમે નામથી ન ઓળખો, પણ અનેક ફિલ્મોમાં એ બુઢ્ઢો પણ દેખાવડો ખલનાયક હતો. અશોક કુમાર-રાજકુમારવાળી ફિલ્મ 'ઊંચે લોગ'માં ઘરના આદરણીય નોકર ચાચા જુમ્મનનો રોલ કરનાર કુમુદ ત્રિપાઠી અહીં ખિસ્સાકાતરૂ બને છે. હજી પણ જૈફ વયે સક્રીય છે, તેવા આપણા સુરતના કૃષ્ણકાંત ભૂખણવાલા કિશોરકુમારના માનિતા હતા, એટલે એની લગભગ બધી ફિલ્મોમાં એ હોય જ. પછીથી ગુજરાતી ફિલ્મોમાં ખૂબ ચાલેલા શેખર પુરોહિત પણ અહીં છે, પણ ભરજુવાનીમાં. ભારત ભૂષણની પત્ની રત્ના અહીં કિશોરની બહેન બને છે. ઍક્ટિંગને બદલે ગાલમાં પડેલી જાળીને કારણે વધુ બિહામણો લાગતો હબીબ તમે ઓળખી જશો. દરેક ફિલ્મમાં મદ્રાસીનો એકનો એક રોલ કરતા મિરાજકર પણ છે. ઇફ્તેખાર ત્યારે પણ પોલિસ ઇન્સ્પેક્ટર હતો અને 'જ્હૉની મેરા નામ' વખતે માંડ પ્રમોશન મળ્યું. મદનપુરી આખી જીંદગીમાં સુધરે એવો નહોતો, એ આપણે જાણીએ છીએ. નવાઈ એક વાતની લાગે કે, જેને ફિલ્મની સૅકન્ડ-હીરોઇન તરીકે લીધી છે, તે બંગાળની સ્મૃતિ બિશ્વાસનો રોલ તો ૩૦-સૅકન્ડનો ય નથી. 

...અને તો ય, કિશોર અને રવિના સંગીત ખાતર ફિલ્મ જોવાઈ જાય તો ય જીવ બળે એવો નથી.

04/05/2011

એ...ગાંડો આયો

કસૂર મારી પર્સનાલિટીનો હશે, પણ પ્રયત્નો કરવા છતાં, દેખાવ ઉપરથી હું સ્માર્ટ લાગતો નથી. સ્માર્ટ તો જાવા દિયો, મને જોયા પછી ઘણાના મનમાં ઠસી જાય છે કે, મારામાં બહુ લાંબી નહિ હોય. રાજ કપૂરના શબ્દોમાં, ‘સૂરત પે માર ખા ગયા !’ ’૬૮-માં અમદાવાદના સારંગપુરની તળીયાની પોળમાં આવેલી સાધના હાઈસ્કૂલમાં હું ભણતો, ત્યારે એક નાટક ભજવવાનું હતું. શિક્ષકગણ એ મુદ્દે સહમત કે, ‘પેલો ગાંડાનો રોલ તો અશોક જ કરશે...એમાં એ શોભશે પણ ખરો !’ ગાંડાઓ શોભવા માટે પણ હોય છે, એ આ પ્રથમ શોધ હતી. આજે એ જાહેરાત કરતા મને કોઇ અભિમાન ઉપડતું નથી કે, ગાંડાના રોલમાં હું ફર્સ્ટ-પ્રાઇઝ લઇ આવ્યો હતો. અભિનંદનો પણ છાતીમાં કેવા વાગે કે, ‘‘વાહ અશોક વાહ....તું જાણે આ રોલ માટે જ જન્મ્યો હોય...તેં ઍક્ટિંગ કરી જ નથી...તું બહુ સ્વાભાવિક લાગતો હતો...’’

લાઇફમાં એ મારો પહેલો અને છેલ્લો રોલ, નાટકોની ઑફરો તો ઘણી આવી, પણ રોલ બધામાં એક જ હોય-ગાંડાનો. નાટકની સફળતા પછી હું હીરો અફ કૉર્સ બની ગયો હતો, પણ ગાંડો હીરો. સાલાઓ ઑટોગ્રાફસ લેવા આવે, એ ય હસતા હસતા આવે અને લઇ લીધા પછી ખિખ્ખિખિખિ કરીને આંખ મીંચકારીને બાજુવાળાને કહે, ‘‘ઇઇઇઇ...યે ! ગાંડાને ઑટોગ્રાફ આપતા ય આવડે છે...’’

પાછા મને સમજાવે, ‘‘જો અસ્કા....રાજાના રોલમાં તું શોભે એવો નથી. ડૉક્ટર કે ભિખારીનું પાત્ર ભજવવા માટે તારા ફૅમિલીનું કોઇ એવું બૅકગ્રાઉન્ડ નથી. ફિલ્મ ‘દેવદાસ’માં દિલીપકુમારે કર્યો હતો, એવો શરાબીનો રોલ પણ તને ના અલાય...તું વગર પીધે ય મ્હોંમાંથી થૂંકો ઊડાડતો હોય છે...! ગાંડાના રોલમાં અમને એક ફાયદો કે, તારે એને માટે જુદો મૅક-અપ કરવો ના પડે...’’

ખાનગીમાં કબુલું તો, મને આવો સમજવામાં દર વખતે જાલીમ જમાનાનો વાંક નથી હોતો. કેટલીક વાર મારા નિર્દોષ લક્ષણો પણ એવા હોય છે. એક વાર ડ્રૉઇંગરૂમનો દરવાજો ખુલતો નહોતો. અમે આખું ઘર બારણાને ખભે ખભા મિલાવીને પછાડ્યું, દરવાજાને ગડદીયા-પાટું મારીને હચમચાવી નાંખ્યું, વચમાં ગાયત્રીના મંત્રો ચાલુ, સંકટમોચન પડોસીઓ માટે બૂમો પાડી, તિરાડોમાં તેલ પૂર્યું પણ બારણું ન ખુલ્યું. થોડીવારમાં રસોડાનું કામ પતાવીને હાથ લૂછતો લૂછતો શંભુ આવ્યો અને દરવાજાની નીચેની સ્ટૉપર ખોલીને બહાર નીકળી ગયો.

થોડા વર્ષો પહેલા અહીં લખેલી એક ઘટના યાદ આવે છે. મુંબઇ જતી ગુજરાત ઍક્સપ્રેસમાં મારો સીટ નંબર ૩૪ હતો. ટ્રેનોમાં તો તમને ખબર છે, ટૉઇલેટ્‌સની દિવાલો પર અનેક પ્રતિભાઓ પોતાની અંતીમ ઇચ્છાઓ છાનામાના લખીને વ્યક્ત કરે છે. એમને માટે ઘ્યેય કંિમતી હોય છે, પ્રસિદ્ધિનો મોહ નહિ એટલે નીચે પોતાનું નામ પણ ન લખે. આમાં કોઇએ આજની તારીખ સાથે લખી દીઘું હતું, ‘૩૪-નંબરની સીટ પર બેઠેલો માણસ ગાંડો છે. એ ગમે ત્યારે ગમે ત્યાં બચકું ભરી લેશે.’ નીચે કૌંસમાં લખ્યું હતું, ‘ગાંડો દેખાવમાં ગાંડો નથી લાગતો.’ (જો કે, મારા સંદર્ભમાં આવું લખાયું હોય તો મારા પૂરતું સાચું લખ્યું કહેવાય કે, દેખાવમાં પાછો હું એવો લાગતો નથી !)

નડિયાદ જેવું કંઇક માંડ આવ્યું હશે, ત્યાં ટૉઇલેટની દિશામાંથી એક અજાણ્યા સજ્જન મારી સામે હસતા મોંઢે જોતા આવતા હતા. ફૂગ્ગાની લારી જોઇને છોકરૂં ઊભું રહી જાય એમ એ મારી સીટની સામે સ્માઇલ સાથે ઊભા રહી ગયા. હું તો ઓળખતો નહોતો, છતાં હસતા હતા એટલે મને તો એ ગાંડા લાગ્યા. આપણે ય ટ્રેનોમાં બેઠા હોઇએ ત્યારે સજ્જન, એટલે મેં ય થોડું સ્માઈલ આપ્યું. હું તો પુરૂષોને ય સ્માઈલ આપું. આપણા મનમાં પાપ નહિ. બિલાડી બારીની ધાર પર ખિસકોલીનું માસુમ બચ્ચું જોતી હોય, એમ જોઇને કટાક્ષવાળા સ્માઇલ સાથે મને કહે, ‘‘કેમ છોઓઓઓઓ....? આજે કેમ ઝાડ ઉપર ચઢીને બેઠા છોઓઓઓઓ...?’’ મને તો એ માણસ સાવ ગાંડો લાગ્યો. ડોબાને ખબર નહિ પડતી હોય કે, આ સૅકન્ડ એ.સી.વાળી ટ્રેન છે, રીક્ષા નહિ. એ જતો રહ્યો. મનમાં તો હું ય હસી પડ્યો, ‘આજકાલ ગાંડાઓ પણ કેવા અપ-ટુ-ડેટ થઈને ફરતા હોય છે....!’

આમ આપણને તમારી ભાભીઓ બનાવવાનું મન થાય, એટલી સુંદર બે સ્ત્રીઓ પહેલા સીનથી જ મારી સામે હસતી હસતી આવતી હતી. કોઇ સ્ત્રી મારી સામે જોઇને હસે, એવું ઝાઝું બનતું નથી, (હસી પડે એવું તો રોજ બને છે!) સિવાય કે દરજીની કોઇ ભૂલ મારે ભોગવવાની આવી હોય ! હું મ્યુનિ.એ તોડી પાડેલું કોઇ ગેરકાયદે બાંધકામ હોઉં, એમ એ બન્ને ધારી ધારીને મને જોવા લાગી. કોઇ મને આમ જોતું હોય તો ગમે ખરૂં ને, હું તો પાછો સૌરાષ્ટ્ર બાજુનો એટલે અમારામાં તો શરમના શેરડાં ય બહુ પડે... પડ્યા, પણ ચોથી સેકંડે જ ખ્યાલ આવી ગયો કે, આ તબક્કો શરમના શેરડા પાડ્યા જેવો નથી. કંઇક જુદું છે. છતાં ય આંગણે આવીને ઊભેલી નિરાધાર અબળાઓને નિરાશ ન કરવી, એ આપણો પહેલેથી ઉસુલ, એટલે મેં ગૌશાળાને દાન જેવું સ્માઇલ આપ્યું. સામે ખડખડાટ હસવાના અવાજો અને બેમાંથી એક બોલી,

‘‘અલી....આપણી સામે જુએ છે....!’’ પતરાંની પાઈપ તૂટે ને વરસાદનું ભરાઇ રહેલું પાણી ધઘૂડા સાથે પછડાય, એવું ખડખડાટ બન્ને હસી. હવે મને શંકા થઇ ગઇ કે, પ્રોબ્લેમ ચોક્કસ છે. બિચારીઓ કેવી સારા ઘરની લાગે છે પણ, કોક પુરાણા કારમા આઘાતને કારણે બન્નેના મગજ પર અસર થઇ ગઇ હશે. જોઇને તો સહેજ બી લાગે નહિ કે, બન્નેના મગજ સુધી લોહીઓ પહોંચતા નહિ હોય. (વાચકોએ પેલી, ‘‘ભાભીઓ બનાવવાવાળી વાત’’ છેકી નાંખવી !) એક ચોક્કસ સાઈડથી તમે મને જુઓ તો હું ડૉક્ટર જેવો લાગું છું, એટલે મેં ’કુ કે, મને જોઇને મફતમાં ઈલાજ કરાવવા આવીઓ હશે. આવા તબક્કે આપણને કોઇ ખોટા વિચારો થોડા આવે ? આવે તો, બા ખીજાય...!

આજુબાજુવાળા મુસાફરો ઉપર જરી છાપ સારી પડે એટલે મેં જરા બ્રિટિશ અદબથી પૂછ્‌યું, ‘‘ઓ હેલો...આપને મારૂં કોઇ કામ છે ?’’ આમ આપણને, ‘સ્ત્રીઓને થતા માનસિક રોગો અને તેના બૃહદ ઇલાજો’ વિશે ઝાઝી જાણકારી ન હોય, પણ ટ્રેન જેવી ઇમર્જન્સીમાં કામ લાગી જાય એવા હાથવગા ઉપાયો તો હોય.

‘એએએએ... ગાંડો આપણને ઉપાય બતાવે છે,’ એવા મૌન ટોણાથી એ બન્નેએ એકબીજા સાથે આંખ મીંચકારીને મને કીઘું,

‘‘ઓહ નો... કામ તો કોઇ નથી... પણ આપ જેને ને તેને બચકું કેમ ભરી લો છો ?’’

મને થયું કે, કૅસ ગંભીર છે અને બચકું ભરવાના સ્ટેજ સુધી પહોંચેલો છે, માટે મારાથી હૅન્ડલ નહિ થાય. વળી ફાધર શીખવાડતા ગયા હતા કે, પારકી પંચાતમાં પડવું નહિ. આમાંથી છૂટવા માટે અહીં મારે ગામઠી-ટચ જ આપવો પડે એટલે મેં ‘જે સી ક્રસ્ણ’ની મુદ્રામાં કીઘું, ‘‘ઓકે માતાઓ... અંબે માં તમારૂં કલ્યાણ કરે...’’

એ તો વાંકી વળી જાય ત્યાં સુધી હસતી હસતી જતી રહી પણ, કોચના અન્ય મુસાફરોને મારા ઉપર કામે વળગાડતી ગઇ. હવે બધા મારી સામે જોતા હતા. એક-બે તો હસ્યા વગર પણ જોતા હતા. મારી બરોબર બાજુની સીટમાં કોઇ પારસી વૃદ્ધા બેસી હતી, એ હવે ડરવા માંડી હતી. એ એવી સજડબંબ થઇ ગઇ હતી કે, બોલી ભલે ન શકે પણ એનું ચાલે તો એ સીટની સાવ નીચે ગરી જાય. તીક્ષ્ણ નજરે જોઇને એ પોતાનું નાક કેમ દબાવીને બેઠી હતી, તેની મને નથી ખબર. ગાંડાઓ ગંધાતા હોય, એવું એને કોણે કીઘું હોય ?

પાછળથી એકાદ બે છોકરાઓ ખૂબ હસતા હસતા આવતા હોય એવું અવાજ પરથી લાગ્યું અને બેમાંથી એક બોલ્યું ય ખરૂં, ‘‘એ આ રહ્યો.... ચલો ચલો જોઇએ...’’. એમણે ૩૪-નંબર ચૅક કરી લીધી ને મારી સામે ઊભા રહીને હસવા લાગ્યા. નહેરૂ ચાચાની માફક મને પણ બાળકો બહુ ગમે (...અને એમની જેમ જ, ફક્ત પોતાનું બાળક ગમે...!)

એમાંના એકે મારો ઢીંચણ હલાવીને પૂછ્‌યું, ‘‘કેમ છો...શિલ્પા શેટ્‌ટી...? મઝામાં ને...?’’

ચા પીતા મારાથી રકાબીને બચકું ભરાઈ ગયું હોય એવો હું ડઘાઈ ગયો. એ શિલ્પા શેટ્‌ટી મારા માટે બોલ્યો ? મારી પાછળ તો બારી હતી, એટલે રીપોર્ટ કન્ફર્મ હતો કે, મારા માટે જ બોલ્યો હતો. પણ મારૂં પુરૂષમાંથી આખેઆખું સ્ત્રી જાતિમાં રૂપાંતર થતું જોઇને કોચમાં બધા બહુ મોટેથી હસ્યા ત્યારે ખબર પડી કે, આ બધા તો મને ગાંડો સમજી બેઠા છે !

મારો ગુસ્સો સાતમા આસમાને. અત્યારે હું બઘું ક્લીયર નહિ કરૂં તો આ લોકો મને ગાંડો માની જાય, એને તો પહોંચી વળાય, પણ શિલ્પા શેટ્‌ટી માની બેસે તો.... આઇ મીન, આપણી તો બાકીની કરિયર ખલાસ થઇ જાય ને ?

એક ડાહ્યા માણસને જ સૂઝે એવો ઉપાય મેં શોધી કાઢ્‌યો. ઊભા થઈને આ લોકોને ઇંગ્લિશમાં ખખડાવી નાંખવા, જેથી ખ્યાલ આવે કે, આપણે ઍજ્યુકેટેડ ફૅમિલીમાંથી આવીએ છીએ. મેં જરા ‘પો પાડવા બ્રિટિશ ઍક્સૅન્ટ્‌સ (ઉચ્ચાર)માં કહી દીઘું,’

"What the hell all of you think you are doing, eh?   Do you think, I am MAD...??? Behave yourselves and let me do the same .." 

‘‘એએએએ...ગાંડો તો ઇંગ્લિશમાં બોલે છે...!’’

મને સ્ટેશને મૂકવા આવેલો ૯૨-લાખ જોખમોનો ધણી જેન્તી જોખમ ટ્રેન ઉપડતા પહેલા ટૉઇલેટમાં આવું લખી આવ્યો હતો.

સિક્સર
- શહેરમાં રીલિઝ થતી તમામ હિંદી ફિલ્મો ખૂબ જ સરસ હોય છે.
- એવું કોણ કહે છે ?
- તમામ રેડિયોવાળા અને ઇન્ટરનૅટવાળા...! પૈસા ના પહોંચ્યા હોય એ જ ફિલ્મોનો રીવ્યુ ડબ્બો આવે !