Search This Blog

02/06/2013

ઍનકાઉન્ટર 02-06-2013

* કૂતરૂં કાયમ સ્કૂટરની પાછળ જ કેમ લઘુશંકા કરે છે?
- કૂતરૂં અથવા સ્કૂટર, બેમાંથી એક વેચી મારો... જવાબ મળી જશે!
(મનોજ સી. શાહ, અમદાવાદ)

* ટેસ્ટ મૅચોમાં સમય અને પૈસાનો બગાડ થાય છે. એને બદલે વન-ડે કે ટી-૨૦ જેવી મૅચો રમાડવી જોઈએ. સુઉં કિયો છો ?
- ટીવી પર બળાત્કાર, ભ્રષ્ટાચાર, હલકટ રાજકારણીઓના સમાચારો કે બેવકૂફીભરી ટીવી સીરિયલો જોવા કરતા મને તો ક્રિકેટ વધારે સંતોષ આપે છે.
(રમાકાંત વી. પટેલ, વડોદરા)

* બાળકો મોટા થઈને ફિલ્મી હીરો બનવાના સપનાં જુએ છે, એને માટે કોણ જવાબદાર ?
- બાળકો એમના વડિલો જેવા બેવકૂફો નથી. અરે, હીરો-બીરો થશે તો ચાર પૈસા કમાશે, નામ થશે.
(જગદિશ વાળા, સુરેન્દ્રનગર)

* શું 'ઍનકાઉન્ટર' શબ્દોનું શસ્ત્ર છે ?
- હા, પણ એ શસ્ત્રોની હેરાફેરી કરવાથી આર્થર રોડ જેલમાં જવું પડતું નથી!
(મયૂરી કિશોર પટેલ, રાજકોટ)

* વિશ્વના અંત વખતે એકલા તમે જીવિત રહી જાઓ તો શું કરો ?
- આખા વિશ્વમાં તમે એક માત્ર મારા હિતેચ્છુ નીકળ્યા !
(કુતુબ ખાન, તળાજા)

* પહેલા તો ચોર રાત્રે જ આવતા... હવે દિવસે પણ કેમ આવે છે ?
- પહેલા પોલીસ રાત્રે જ ઊંઘતી હતી...
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* પતિને તુંકારે બોલાવવાથી પ્રેમ વધે કે ઘટે?
- એની ખબર નથી, પણ પત્નીને 'આપ' કહીને સંબોધવાથી કોકવાર મારામારીઓ થઈ જાય... હઓ!
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* તન, મન અને ધનથી વધુ સુખી કોણ? નેતાઓ કે સાધુબાવાઓ?
- તમે આમ મને લલચાવો નહિ... !
(મનુ પોપટ, જામનગર)

* ફિલ્મ ઍવોર્ડ્સ ફંકશનોમાં ઑડિયન્સમાં બેઠેલા મોટા કલાકારો ય અર્થ વગરનું કેમ હસે રાખતા હોય છે?
- એ જાણે છે કે, આપણે સ્ટેજ પર જવાનું આવશે, ત્યારે આ લોકો ય હસશે!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* તમને જગતનું ક્યું શહેર સર્વોત્તમ લાગે છે?
- ગયા સપ્તાહે હું ૪-દિવસ જામનગર રહી આવ્યો... ! કોઈ સવાલ જ નથી, જામનગર મારા માટે આજે ય સૌરાષ્ટ્રનું પેરિસ છે.
(શ્વેતા દીર્ઘાયુ અમીન, વડોદરા)

* જામનગરના એક અખબારમાં આપનો ફોટો જોયો. ફોટામાં તો આપ કોઈ પોલીસ અધિકારી જેવા લાગો છો !
- તમે વખાણો છો કે વખોડો છો ?
(શશિકાન્ત મશરૂ, જામનગર)

* પ્રાચીન ઋષિમુનીઓ ક્રોધિત થાય ત્યારે શ્રાપ કેમ આપતા હતા ?
- એ જમાનામાં ક્રોધિત થઈને કોઈને 'ઍનકાઉન્ટર' વાંચવા નહોતું અપાતું !
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)

* શરીરના ઘા તો રૂઝાઈ જાય છે, પણ લિસોટા કેમ રહી જાય છે ?
- લિસોટા ઉપર ગાયનું છાણ લગાડો. બે દિવસમાં સારૂં થઈ જશે.
(શા. ગોવિંદલાલ બી., પૂણે- મહારાષ્ટ્ર)

* મને ઘણા પૂછે છે, 'શું કરો છો ?' તો મારે શું જવાબ આપવો ?
- કહી દેવું, હું એકલો પડયા પછી ઘણું બધું કરી શકું છું... !
(દિનેશ જોશી, દહીંસર)

* દુશ્મનોને તમે કેવી રીતે ટૅકલ કરો છો ?
- દુશમનોને માફ કરી એમની સાથે સામેથી સંબંધો રાખવામાં હું ઘણું પસ્તાયો છું. દુશ્મન કદી દોસ્ત બનવાનો નથી. હવે હું ય શીખ્યો છું કે, દુશ્મનોને માફ તો કદી ન કરાય !
(પલ્લવી ત્રિવેદી, સુરત)

* તમારા જીવનમાં બનેલી સુખદ અને દુઃખદ ઘટનાઓ કઈ ?
- વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે સૌથી સુખદ ઘટના અને હમણાં સાસણ ગીરમાં બરોબર સિંહોની સામે મારૂં વૉલેટ (પાકીટ) પડી ગયું ને સહુએ પૂછ્યું, ''પાકીટમાં કેટલા હતા ?'' ને મારે સાચું બોલવું પડયું કે, ''ખાલી હતું... !'' એ દુઃખદ ઘટના.
(રમેશ સુતરીયા 'ટ્રોવા'-મુંબઈ)

* કહેવાય છે કે, સફળ હાસ્યલેખકની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ એ ઘરની નહિ... બહારની! આપના કૅસમાં શું છે?
- બહારવાળી અંદર આવી ગઈ... ને હવે જાય એમ નથી... !
(ઓ.વી. સાગર, રાજકોટ)

* બાળકનું નામકરણ કરવાનો અધિકાર એકલા ફોઈબાને જ કેમ?
- બાપની બહેન તરીકે એ ફોઈ બધું જાણતી હોય છે કે, ભઈલો ક્યાં-ક્યાં ચક્કરો મારી આવ્યો છે... એ નામો રીપિટ ન થાય માટે !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* જગતમાંથી ગયેલાઓ પાછા કેમ નથી આવતા ?
- મને તો મોટા ભાગનાઓ પાછા આવેલા જ લાગે છે !... ત્યાં ય કોઈએ ન સંઘર્યા !
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

* ભારતમાં પાછી દૂધની નદીઓ ક્યારે વહેતી થશે ?
- હવે આમાં તો ગાયોએ સુધરવું પડે... !
(કલ્પેશ વાડોલિયા/ચિન્મય વસાવડા, રાજકોટ)

* રાહુલ બાબા ૪૫- વર્ષે ય કુંવારા છે, તો એની બા ખીજાતી નહિ હોય ?
- પૈણી નાંખે તો ઘણાની બાઓ ખીજાય એમ છે !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* ૪૦-ની ઉંમર પછી લગ્ન થાય એ નસીબદાર કે બદનસીબ ?
- કૌચાપાક ખાવો ન પડે તો નસીબદાર !
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

* કૂંવારાઑ કરતા પરણેલાઓ વધુ ખુશ કેમ દેખાય છે ?
- દેખાય જ છે ને... ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* શું જાડા માણસોની બુદ્ધિ જાડી હોય છે, એ વાત સાચી ?
- તમે મને અત્યંત બુદ્ધિમાન કહી રહ્યા છો, બેન !
(રમાગૌરી ભટ્ટ, ધોળકા)

* જૂઠ બોલે કૌવા કાટે... તો સચ બોલે તો ?
- વાઈફ કાટે.
(ધવલ સોની, ગોધરા)

No comments: