Search This Blog

16/06/2013

ઍનકાઉન્ટર 16-06-2013

* એક અઠવાડીયામાં ત્રણ કૉલમો લખો છો... પહોંચી કેવી રીતે વળો છો ?
- હું તો જેમાં બુદ્ધિ દોડાવવી પડે, એ જ કામોને પહોંચી વળતો નથી !
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* શ્રીકૃષ્ણને ૧૬-હજાર ગોપીઓ હતી... તમારે ?
- આ વખતે હું પ્રભુ શ્રીરામના અવતારમાં છું.
(સુનિતા આશલ, ખેડબ્રહ્મા)

* 'કૌન બનેગા કરોડપતિ'માં અમારે અમિતાભ અને અશોક દવેને સામસામે બેઠેલા જોવા છે... !
- ઓળખશો કઈ રીતે... બેમાંથી અશોક દવે કોણ ?
(ઈલ્યાસ તરવાડી, ચલાલા)

* રીસામણે ફક્ત પત્નીઓ બેસતી હોય છે... ગોરધનો કેમ નહિ ?
- આપણે તો બીજા કામધંધા હોય કે નહિ ?
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* આજે કૃષ્ણ-સુદામા જેવા મિત્રો કેટલા ?
- આપણે બે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* બે પ્રેમીઓનો પતંગ ઊંચે ચઢ્યા પછી ગોથ મારવા માંડે તો શું કરવું ?
- લપેટ.
(રમાગૌરી ભટ્ટ, ધોળકા)

* 'બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ'નો મોટો દાખલો ક્યો ?
- મોદી અને મનમોહન.
(જ્યોતિ જયેશ સંપટ, મુંબઈ)

* પાકિસ્તાનમાં હિના રબ્બાની અને બિલાવલ વચ્ચેની લવસ્ટોરી જાહેર થતા આપણા નેતાઓના પેટમાં ય પાણી રેડાયું હશે ને ?
- ...પેટમાં નહિ !
(પરેશ નાયક, નવસારી)

* દેશ ઉપર વિદેશી હૂમલાની શક્યતા કેટલી ?
- ક્યારેક એવો વિચાર કેમ નથી આવતો કે, ''ચલો... આપણે જઈને પડોસમાંથી એકાદને ધોઈ આવીએ... !''
(મૈત્રી હેમાંગ માંકડ, જામનગર)

* મૂંઝવતા સવાલોવાળા પોસ્ટ કાર્ડ્સ તમે ડસ્ટબીનમાં નાંખો છો ?
- હા... મારામાં ય થોડી થોડી વડાપ્રધાનની અસર ખરી !
(અરવિંદ આર. પટેલ, જામનગર)

* પુત્રી સાસરે કેટલી સુખી છે, એનું માપ કેવી રીતે કઢાય ?
- જમાઈ આપણી દીકરીની ફરિયાદ લઈને આવે તો સમજવાનું કે... એટ લીસ્ટ, દીકરી ઓલરાઈટ છે !
(હિતેશ એસ. દેસાઈ, ગણદેવી)

* પરમેશ્વર પૃથ્વી પર અવતરે તો પહેલું કામ ક્યું હાથમાં લે ?
- કામવાળો શોધવાનું !
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* શું મ'નમો'હનમાં ય 'નમો' સમાયેલા નથી ?
- એમ તો 'રાહુલ'માં 'રાહુ' સમાયેલો છે... !
(મીરાં કે. સોઢા, સુરેન્દ્રનગર)

* આજ સુધીમાં તમને મળેલી યાદગાર ભેટ કઈ ?
- કોઈ આપે પછી ખબર પડે !
(અજય વ્યાસ, બિલખા)

* દિલ્હી દરબારના મનુબાપાનો સંઘ કાશીએ પહોંચશે ?
- આપણે ત્યાં કાશીનું મરણ વખણાય છે !
(વિસનજી ઠક્કર, થાણા-મહારાષ્ટ્ર)

* શું હવે છંદબદ્ધ કાવ્યોનો જમાનો ગયો ?
- 'છંદ-બંધ' કાવ્યોનો જમાનો આવ્યો.
(વજુભાઈ શુકલ, અમદાવાદ)

* મહાન ફિલસૂફ નિત્સેએ સ્ત્રીને ઈશ્વરની બીજી મોટી ભૂલ ગણાવી છે...!
- ઈશ્વરની પહેલી ભૂલ નિત્સે હતો. (ફ્રેડરિક નિત્સે- સ્પેલિંગ : Friedrich Nietzsche જર્મન ફિલોસોફર હતો. એના વિવાદાસ્પદ પુસ્તક Death of God માં એણે લખ્યું, ''God is dead '' નીચે પોતાની સહિ કરી. 'નિત્સે'... ! થોડા વખત પછી નિત્સે પોતે મરી ગયો. તો કોક ઈશ્વરભક્તે લખ્યું, 'Nietzsche is dead' અને નીચે સહિ કરી, ''ગોડ''.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* માણસ અને ભગવાનને કેટલું છેટું હોય છે ?
- જઉં પછી જણાવું.
(તારાગૌરી કે. વ્યાસ, ઘોઘા)

* લગ્નને પવિત્ર બંધન કહેવાય, તો છુટાછેડાને ?
- નિર્દોષ છુટાછેડા... !
(મયુરી ભાવેશ વોરા, સુરેન્દ્રનગર)

* તમને રોજ આટલા બધા પત્રો આવે છે, પણ શું તમે કોઈના પત્રની રાહ જોઈ છે ?
- હું લખું તો કોઈનો આવે ને ?
(નીલકંઠ વજીફદાર, વલસાડ)

* ઘરજમાઈને સારા શબ્દોમાં શું કહેવાય ? શરણાર્થી કે ડોમેસ્ટિક ડોગ ?
- એનો આધાર એને ક્યા ક્યા દાન મળે છે અને શું શું ચાટે છે, એના ઉપર છે !
(ઝુબૈદા પૂનાવાલા, કડી)

* ૨૦-વર્ષ પહેલા અને આજે આપના દેખાવમાં શું ફરક છે ?
- હવે હું પહેલા કરતા ૨૦-વર્ષ મોટો લાગું છું.
(કેશવ કક્કડ, અમદાવાદ)

* અશોકજી, 'બુધવારની બપોરે', 'ફિલ્મ ઈન્ડિયા' અને 'એનકાઉન્ટર'... આ ત્રણે પૈકી આપની લાડકી કૉલમ કઈ ?
- અફ કોર્સ, 'બુધવારની બપોરે.'
(શૈલા શાહ, અમદાવાદ)

* મેં એક જૂનું ટીવી ભિખારીને દાનમાં આપી દીધું. મને સ્વર્ગ મળશે ?
- જૂનું સ્વર્ગ મળશે.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* અગાઉ જે વાર્ષિક આવક હતી, તે હવે માસિક આવક થઈ જાય, છતાં અસંતોષ કેમ રહે છે ?
- 'અસંતોષી નારી, સદા સુખી'.
(ભાવિ છાયા, જૂનાગઢ)

* મને સાયકલ પર ડબલ-સવારી નથી ફાવતી. પતિને ટુ-વ્હિલર નથી ફાવતું. કાર પોસાતી નથી, તો સફર કેમ કરવી ?
- આવા કરૂણ સંજોગોમાં વિજ્ઞાને વ્હિલચેર શોધી છે.
(આરતી નાણાવટી, રાજકોટ)

* અમારા અમેરિકાના ફલોરીડામાં વાવાઝોડાં કેમ બહુ આવે છે ?
- કંઇક આવે તો છે ને ?..... જતું તો નથી ને ?
(વિનુભાઇ કે. પટેલ, ટેમ્પા-અમેરિકા)

1 comment:

Ashok Dave said...

fasdfasdfadf