Search This Blog

12/06/2013

તેરા ધોબન સે વાસ્તા ક્યા હૈ...?

મસ્તુભ'ઈએ આંખો આખી અને બારી અડધી જ ખોલી અને નીચે જોયું. એમનો આ રોજનો ક્રમ. નીચે કપડાં સૂકવવા વાંકી વળતી ધોબણ દેખાતી. આ ઐતિહાસિક ફલેટની દેસી બારી બે કામમાં આવતી રૂમમાં કોઈ હોય ત્યારે મસ્તુભ'ઈ આકાશમાં પરમેશ્વર જોતા ને રૂમ અંદરથી બંધ કરવાની તક મળી હોય તો નીચે ધોબણને જોતા. ચીચીકાકી હવે પતી ગયેલા હતા અને ફૂલટાઈમ જીવતા હોવા છતાં કોઈ કામમાં આવે એવા નહોતા.

............... હતો ચીચીકાકીનો ય જમાનો, જ્યારે જુવાનીમાં એમને ય કોઈ ઉપરના માળની અડધીખૂલેલી બારીએથી તાકે રાખતું. કપડાં બોળવા વાંકા તો કાકી ય વળતા અને ઉપરના અનેક ફલેટોની અડધી બારીઓ ગુપચુપ ખુલી જતી. કારણ કદાચ... એ જમાનામાં ય કામવાળીઓની તંગી બહુનું હશે! કાકીનો ચેહરો સાબુની ભીની ગોટી જેવો લિસ્સો અને આકર્ષક... બાકીનું બોડી હર્યુભર્યું! કહે છે કે, ચીચી સાંજે ઘરની બહાર નીકળતી ત્યારે ફલેટના પુરુષોને થોડું ચાલી આવવાનું યાદ આવતું.

સન ૧૯૬૪-૬૫નો એ જમાનો હશે. એકાદ બે વર્ષ આઘાપાછા ય ખરા. એવા ચાર જુવાનીયાઓ હતા, જે ચીચી કપડાં સૂકવવા બાલ્કનીમાં આવે, ત્યારે એ લોકો અર્જુન બની જતા... એક જ લક્ષ્ય! એમાંના એકને ચીચી જોઈ ગયેલી અને બારીમાંથી ખેંચી કાઢીને પછાડયો હતો.

બીજો જોરથી પકડી રાખેલી બારી અચાનક ખુલી જતા હેઠો પછડાયો ને કાયમ માટે લંગડો થઈ ગયો.

ત્રીજો રહે છે તો હજી એ જ ફલેટમાં અને એની બાએ તો આ ચીપકી માટે માંગું ય મોકલાવ્યું હતું, પણ કમ-સે-કમ મેરેજની બાબતમાં એને હરિફાઈ પસંદ નહિ. રોજ એની સાથે બીજી ત્રણ બારીઓ ય ચીચીને જોવા માટે ખુલતી હોય ને આ ઘટનાક્રમ મેરેજ પછી ય ચાલુ રહેવાનો હોય તો આપણે 'ચીચી એન્ટરપ્રાઈઝ'માં એપ્લિકેશન કરવી નથી. ભલે મસ્તુડો ચીચીને લઈ જતો. આમે ય મસ્તુને વધેલું-ઘટેલું ખાવાની આદત છે જ એટલે આણે પોતાનાવાળી બારી કાયમના ધોરણે સીલ કરી દીધી, એમાં મસ્તુડો ભરાઈ ગયો અને ચીચી-મસ્તુના મેરેજમાં પેલા ત્રણેએ સ્ટેજ પર ચઢીને અગીયાર-અગીયાર રૂપિયાનો ચાંદલો કર્યો હતો ને મસ્તુડો ભરાઈ જવાના આનંદમાં ત્રણ-ત્રણ પ્લેટ્સ આઈસ્ક્રીમ ઠોકી ગયા હતા.

આજે તો એ દુર્ઘટનાક્રમને મિનિમમ ૪૬-૪૭ વર્ષ થયાને પ્રારંભના ૧૦-૧૫ વર્ષને બાદ કરતા મસ્તુભ'ઈએ ચીચીમાંથી માનસિક રીતે પણ રાજીનામું આપી દીધું હતું. એક દીકરી હતી, પણ બસ... કોઈ ૧૫-૧૭ વર્ષની થઈ ને ગૂજરી ગયેલી. આધ્યાત્મિક જીવન જીવનારાઓ તો જાણે છે કે, પરમેશ્વર એક બારી બંધ કરે છે તો બીજી બારી ખોલે પણ છે. ઈશ્વરે મસ્તુભ'ઇ માટે ધોબણવાળી બારી ખોલી આપી.

મસ્તુભ'ઈને ધોબણ ગમતી બહુ. તન તોડીને આખો દહાડો ભીનાં કપડાં નીચોવવાના, પછાડવાના, સૂકવવાના અને ઈસ્ત્રી કરવાના, એટલે શરીરમાં ચરબીના થરો તો હોય નહિ! જ્યાં થર લાગે, એ સ્થળે પર્યટન માટે મસ્તુભ'ઈને બહુ કામગરા લાગે. ધોબણની લિસ્સી કમર તો ઉપરથી ભગવાન દયાળુએ જ ઈસ્ત્રી કરાવીને પેટીપેક મોકલી હતી, એટલે આવા સ્થળો પાસે પોતાની પ્રાણપ્રતિષ્ઠા કરેલું એક મંદિર બને, તો કાંઈ ખોટું નહિ, એમ તેઓ ધાર્મિકપણે માનતા. બસ, મંદિરવાળી વાત ચીચીને ખબર પડી જવી ન જોઈએ. ચીચીકાકીનો મંદિરો સાથેનો સંબંધ મસ્તુભ'ઈને થોડો ય ન ગમે. કોઈપણ બહાને ડોહા મંદિરે જાય તો આંખો ઠરે ને પ્રારબ્ધ હોય તો પ્રસાદ ખાવા ય મળી જાય... હઓ!

પણ ગમે તેવા દૂરના મંદિરે પણ આ ચીચીકાકી એની વૃદ્ધ સખીઓ સાથે દર્શનો કરવા ટપકી જ હોય! બધા મંદિરોના બધા થાંભલા સંતાવાના કામમાં ન આવે...! મસ્તુકાકો આમે ય ચીચીની ૭૦ વાળી સખીઓ ઉપર ગીન્નાતો બહુ. હાળી એકે ય 'જે શી ક્રસ્ણ' કરવા જેવી નહિ. પ્રેમનું ગુલાબ આલવા જઈએ તો 'ગુલાબછાપ છીંકણી' માંગે. એકવાર તો ડોસીને જોતા રહેવામાં મસ્તુભ'ઈ પ્રસાદ સમજીને છીકણીનો ફાકડો મારી ગયેલા. મસ્તુભ'ઈને ડાઉટ તો હતો જ કે, જેલસીને ખાતર, ચીચુડી પોતાનાથી મોટી ઉંમરની, ખખડી ગયેલી, બોખી, અને 'આઈ લવ યૂ' કહેવા જઈએ તો માથે હાથ મૂકીને આશીર્વાદ આપવા માંડે, એવી ડોસીઓ ચીચીએ સખીઓના સ્વાંગમાં વસાવી હતી.

ટ્રકની પાછળ ભયનું લાલ લુગડું લટકાવેલા સળીયાવાળી જેમ એક ડોસીના તો દાંત બહાર આવતા હતા. હાળી આપણને સ્માઈલો આલે તો ય ઓકી જવાય! ઈરાદો એવો કે, આજુબાજુ આવા ઝાડી-ખાંખરા ઊગી નીકળ્યા હોય તો ચીચીકાકી જેવા કોમળ ફૂલની રક્ષા થાય અને 'બુરી નજરવાલે તેરા મુંહ કાલા...' લખેલી જર્સી કાકીએ પહેરવી ન પડે! ચીચીકાકી ય હાળી હતી તો કમળના ફૂલ જેવી... કાદવ વચ્ચે જ સારી લાગે!

રૂમમાં એકલા પડે પડે મસ્તુભ'ઈ મૂંઝાય બહુ, ખાસ તો ધોબણ જોવા ન મળે તો! શું થયું હશે? કેમ દેખાતી નહિ હોય? કોઈનું કપડું ફાડી નાંખ્યું હશે? સાડીમાં ઈસ્ત્રીનું કાણું પડી ગયું હશે? બારીની નીચે ધોબણ ન દેખાય તો ઉપર આસમાનમાં જુએ...! હવે એમના માટે ઈશ્વર અને ધોબણ વચ્ચેનો ભેદ રહ્યો ન હતો.

જામીમ જમાનો... એટલે કે સોસાયટીના રહિશો ય મસ્તુ-ધોબણની પ્રેમકહાનીને ટેસથી માણતા હતા. રસ્તામાં કોક મળે તો પૂછે, 'વાહ મસ્તુભ'ઈ... તમે તો સદરા-લેંઘા ય ઈસ્ત્રીવાળા પહેરો છો ને કાંઈ...? છોકરાઓએ તો પાર્કિંગની દિવાલો ઉપર લખી માર્યું હતું,
'દિલ-એ-નાદાં તુઝે હુઆ ક્યા હૈ,
તેરા ધોબન સે વાસ્તા ક્યા હૈ...?'

અકળાઈને એ નીચે જતા. ઈસ્ત્રીના કપડાં આપવા તો ઘરની વહુ જાય, એટલે એકલા ધોબણ પાસે જવું ભયજનક હતું. છતાં ય કીધું છે ને કે,'ઈશ્ક ન જુએ જાત-કજાત...' (આગળ કે પાછળનો મિસરો આવડતો નથી...) છતાં ય, કોઈ બહાને જાય તો ખરા. આ વખતે બહાનું શું કાઢવું? મસ્તુભ'ઈ તાબડતોબ ઝભ્ભાની ઈસ્ત્રી કરાવવા ધોબણ પાસે પહોંચી ગયા. ડરતા ડરતા પોતાનો ડૂચો વાળેલો ઝભ્ભો એમણે ધોબનીયાના હાથમાં મૂક્યો ને માથે હાથ પણ ફેરવ્યો...

ઓહ ન્નો...! અચાનક કંઈક અણઘટતું થઈ ગયું. મસ્તુભ'ઈને ત્યાં ને ત્યાં એટેક આવી ગયો... પ્રાણપંખેરૂં ઘડીભરમાં ઊડી ગયું. કાચી સેંકડમાં સોસાયટી આખી ભેગી થઈ ગઈ. ચીચીકાકીની બુમો આસમાન ફાડીને સંભળાય એવી બુલંદ હતી. સાંજે ડાઘુઓ પાછા આવ્યા ત્યારે એ ધોબણના ધોબીએ ઝભ્ભો ફંફોસ્યો, એમાંથી એક પત્ર નીકળ્યો.

ચિ. બેન ગંગા,
'તને જોઈને કાયમ મારી દીકરી યાદ આવે છે, ક્યાંક તારા ચેહરામાં એ દેખાતી. મરતા પહેલા હું મારી નંદિનીના માથે હાથ પણ મૂકી શક્યો નહતો... આજે પરમેશ્વરની ઈચ્છા હશે, તો તારા માથે હાથ મૂકવો છે. રોજ બારીમાંથી તને નંદિની માની જોયે રાખું છું. ભગવાન કરે, આવતા જન્મે તું કે નંદિની ફરી મારી દીકરી બનીને આવો.'
- મસ્તુભાઈ

સિક્સર

આ વરસાદ પણ આપણને નીગ્લૅક્ટ કરતા યાર દોસ્તો જેવો છે. જુઓ 'સમુડી'ના વિખ્યાત કવિ-લેખક યોગેશ જોશીનો શે'ર :
'ગામ પરથી થઇ ગયા તેઓ પસાર,
જળ ભરેલા એક વાદળમાં રહી.'

No comments: