Search This Blog

17/07/2013

વાંદરૂં કઈડયું

હવે તો... હું તો માણસ છું કે મદારી, એ જ ખબર પડતી નથી. હજી ગયા અઠવાડિયે ઉંદરોથી જાન છોડાવી, ત્યાં અમારા ફ્લેટમાં વાંદરાઓ ય આવવા માંડયા. આ લોકોને લિફ્ટમાં તો આવાનું ન હોય, ફોન કરીને ય ન આવે- કોઈ મનર્સ જ નહિ... સીધા ઝાડ ઉપરથી ઠેકડા મારીને ઘરમાં ઘૂસી આવે. કહે છે કે, આપણા પૂર્વજો કોકને કોક બહાનું કાઢીને આપણા ઘરનું એકાદ ચક્કર મારી જાય છે. મારી વાઇફને તો મારા 'પિયરીયાઓ' સાથે કદી બન્યું નથી અને એ કિચનમાં કે ગુસ્સામાં હોય અને હું એક જરાક અમથી પાછળથી ટપલી મારું ત્યારે ઘણીવાર મને કહી દે, 'સાવ વાંદરા જેવા જ છો !' એ હિસાબે આ લોકો આટલા વર્ષો પછી ઘેર આવતા હોય, તો એને તો ન જ ગમે ને ? હું એને સમજાવું પણ ખરો કે, ત્યાં ઝાડ ઉપર જો... આપણા બન્નેના પૂર્વજો આપણને સાથે મળવા આવ્યા લાગે છે... યાદ છે, તારા ફાધરને તો ઝાડ ઉપર ચઢી જવાનો બહુ શોખ હતો... ? યાદ છે, ડાર્લિંગ... ??

આ ય જો કે મારી ભૂલ કહેવાય. હું એના પિયરીયાઓની યાદ અપાવું તો રાજી થઈને સામે ચાલીને પેલા વાંદરાઓને ઘરમાં બોલાવી લાવવાનું મને કહે. આપણને તો, એ લોકો જીવતા'તા અને અત્યારે ઝાડ ઉપર બેઠેલી પબ્લિક જોઈને, બન્ને વચ્ચે કોઈ ફરક ન લાગે. એકવાર માંડ છૂટયા હોઈએ ને ફરી વાર ભરાવાનું આ પગારમાં ના પોસાય ! મને તો ભૂલ્યા વગરનું યાદ છે કે, સ્મશાનમાં મારી સાસુ પૂરેપૂરી પતી ગઈ, ત્યારે ય હું ને મારા સસરા- બન્ને ફફડતા હતા કે, હાળી આટલામાં ચક્કર મારીને પાછી તો નહિ આવતી રહે ને ? આપણે હાથ ખંખેરીને ઊભા થયા હોઈએ ને સફેદ કપડાંમાં ઘરે પાછા પહોંચીએ ત્યારે સામે જ બેઠી હોય, તો કેવી તોતિંગ હેડકી આવી જાય ? બાકીની આખી જીંદગી સ્મશાન બાજુ ચા-પાણી પીવાય ન જઈએ...! સુઉં કિયો છો ? કોઈ જાય ? મારી સાસુ- લોકોએ જીવનભર મને આમ જ બીવડાવે રાખ્યો છે.

મને ડાઉટ તો પડયો કે, દેખાવ ઉપરથી તો પેલા વાંદરાઓ મારા સાસરીયા જેવા નથી લાગતા, પણ એક વાંદરીને મેં મોનાલીસા જેવું મનોહર સ્માઇલ આપ્યું તો જવાબમાં મારી સામે દાંતીયા કર્યા, ત્યારે પાકી ખાત્રી થઈ ગઈ કે, આ દાંતીયા કરતી વાંદરી મારી સાસુ જ છે. બન્નેના જડબાં સરખા લાગે છે. ગમે તેમ તો ય આપણે નાના... આવા દાંતીયા કરે તો આપણી ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે ? છોકરું બી ના જાય... ? કોઈ પંખો ચાલુ કરો.

કહે છે કે, અમદાવાદમાં આજકાલ ચારે બાજુ વાંદરા ફરી વળ્યા છે. બધી સોસાયટીઓમાં ત્રાસ છે. ધાબે ચઢીને ઉપરથી ફૂલના કૂંડા-બૂન્ડા ફેંકે, એ તો સમજ્યા પણ આંબાવાડીની પંચવટી લૅનમાં વાંદરા આવ્યા હતા. એમાંથી એક વાંદરૂ બાલ્કનીમાં બેઠું બેઠું ફ્લેટના કમ્પાઉન્ડમાંથી પસાર થતા ફ્લૅટના જ કોઈ મેમ્બર ઉપર ચરકીને ભાગી ગયું. એ જ વખતે સદરહુ ફ્લેટના મહિલાનું બહાર ડોકું કાઢવું... હસી હસીને વાંકા વળી જઈએ, એવો ઝગડો કઈ લાઈન ઉપર થયો હશે, કંઈ ધારણાઓ બંધાય છે, બોલો ?

નો, ડાઉટ આપણને વાંદરૂં જોવું ગમે, પણ ગમવાની સાથે એના હાથમાં કંઈ બિસ્કીટ- ફિસ્કીટ જેવું આપવા જઈએ તો સાલું લાફો પહેલો મારે ને બિસ્કીટ પછી લે. આ લોકોમાં સંસ્કાર જેવું કાંઈ ન હોય. એટલે સામેના ઝાડ ઉપર એ લોકોનું આખું ગ્રૂપ આવીને બેઠું હતું, તો ય મને બીકો લાગી કે ઘરમાં આવી જશે તો કાઢી નહિ શકું. 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...' પણ આપણા ઘરમાં એવી તોડફોડ કરે અને જે વચમાં આવ્યું, એના ગાલ ઉપર બચકું તોડી લે, એ ના પોસાય !... સાલું વાંદરાથી બચવા વાઇફની પાછળ તો ક્યાં સુધી ભરાઈને ઊભા રહીએ ? યસ, વાંદરાઓ એક એક કરીને આવે તો બતાઈ દઈએ... એક વાર આપણી છટકે તો પછી કોઈના નહિ...!

પ્રારંભ એક નાના બચ્ચાંથી થયો. એ સીધું બાલ્કનીમાં આવીને બેઠું. કેવું સુંદર લાગતું હતું... જાણે આપણું જ સંતાન હોય ! તે વાઇફ વળી એને રમાડવા જરી નજીક ગઈ, એમાં તો શું જાણે એનો મોબાઇલ મારી લીધો હોય એવી ચીસાચીસ ને કૂદાકૂદ કરી મૂકી. હું ન ગયો. આપણને એમ કે, જ્યાં સુધી નાના માણસોથી કામ પતતું હોય ત્યાં સુધી બાસ લોકોએ ન જવું... સુઉં કિયો છો?

પણ આમ પાછો હું વહેમીલો ખરો... રૂમમાં વાઇફ એકલી ગઇ છે, ને સામે વાંદરીને બદલે વાંદરો હોય તો ? આપણે નજર રાખવી સારી, એટલે હું ઘટનાસ્થળે ચીસાચીસ કરતો પહોંચ્યો.

એ સાંભળીને એ બચ્ચાના ફાધર હોય કે મધર (... આપણે એને આખું જોયું ન હોય ને ?) આવ્યા ને હું તો કેમ જાણે એની લાજ લૂંટવા ગયો હોઉં, એમ મારી વાઇફને બદલે નાલાયક મારા ઉપર કૂદ્યો... સાલો ! એને સામો ડાઉટ પડયો હશે. પણ હું તો કદી પરસ્ત્રી સામે જોતો પણ નથી... (બહુ સારી હોય તો જુદી વાત છે !) જેવા સામે તેવા ન થવાય, એવું બાએ મને શીખવ્યું હતું એટલે મેં ન તો સામું ઘુરકીયું કર્યું, ન મારો લેખ વંચાવ્યો કે ન લાફો માર્યો, પણ એણે મને મારી દીધો. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે, જ્યારે જ્યારે ભારત દેશમાં સાધુ અને સંસ્કારી પુરુષો ઉપર અત્યાચાર થશે ત્યારે હું અવતાર લઈશ. પણ ગીતા આપણે વાંચી હોય વાંદરાઓએ કે ગીતાડીના ફાધરે ન પણ વાંચી હોય !

કેમ જાણે એટલો જ સંદેશો આપવા આવ્યા હોય, એમ મને બચકુ ભરીને માં-દીકરો પાછા ઝાડ ઉપર કદી ગયા. ઘરમાં દોડાદોડ થઈ ગઈ, ''બચકું ભર્યું... બચકું ભર્યું.. પપ્પાને વાંદરાએ બચકું ભર્યું''ના નામની રાડારાડ થઈ ગઈ. એ તો વાઇફને પછી ખબર પડી કે, ગાલ ઉપર બચકું 'અસોકે' વાંદરાને નથી ભર્યું... વાંદરાએ અસોકને ભર્યું છે, ત્યારે એને નિરાંત થઈ કે હવે ચિંતા કરવા જેવું નથી... આવું તો થાય ! એ તરત ટીંચર આયોડિન લઈ આવી. એના ઉત્સાહ પરથી એ ખબર ન પડી કે ટીંચર આયોડીન મારે દૂધ સાથે લેવાનું છે કે ગાલ ઉપર લગાવવાનું છે.

પાટો વાઇફે બાંધી આપ્યો હતો. તમને યાદ હોય તો નનામી બાંધતી વખતે એ ક્યાંયથી છૂટી ન જાય એવી ટાઇટમટાઇટ બાંધવામાં આવે છે. એણે એ જ ઉત્સાહથી મારા ગાલ પર પાટો બાંધ્યો હતો એ વાત જુદી છે કે કમબખ્ત દુ:ખાવાને કારણે હું પથારીમાં ઉંધે કાંધ પડયો હતો, ત્યારે એ બોલી, ''અસોક... આ સુઉં શારૂં લાગે છે ? વાંદરીયું ભાળી નથી ને તમે સ્માર્ટ બનવા ગીયા નથ્થી.. ! કોક 'દિ તો હખણા રિયો...!''

અઠવાડિયું આરામ કર્યા પછી ય પાટો તો હતો. પહેલી વાર ઘરની બહાર નીકળ્યો, ત્યાં નીચે ધોબી મારા ગાલના પાટા સામે ટગરટગર જોતો હતો. એને એમ કે, હું પહેરેલે પાટે ઇસ્ત્રી કરાવવા આવ્યો હોઈશ, પણ એણે તો મમતાથી પૂછ્યું, ''શું સાહેબ... તમને વાંદરૂં કઇડયું... ?'' કીડી કયડી હોય ને આટલો મોટો પાટો બાંધીને હાલી નીકળ્યો હોઉં, એવા સવાલે મને આઘાત તો આપ્યો. પણ વાત વધારવી નહોતી એટલે ફક્ત 'હા' કહીને નીકળી ગયો. ઑફિસમાં બધા રાહો જ જોતાં હતા, 'શું દાદુ... તમને વાંદરૂં કઇડયું... ?' સહુએ આ ત્રણે શબ્દો ઉપર જુદો જુદો ભાર મૂકીને પૂછ્યું હતું. એમાં ય એક પાછું જરા વધારે દોઢ ડાહ્યું થતું'તું, એણે પૂછ્યું, ''દાદુ, વાંદરૂં હતું કે વાંદરી ?'' મેં એને સમજાવવાની કોશિષ પણ કરી કે, આપણા દેશમાં જાતીય પરીક્ષણ ગુન્હો છે... ને આપણે શું કામ કોઈની પર્સનલ લાઇફમાં માથું મારવું જોઈએ ? પણ તો ય કોઈ માને ?

''...વાંદરાએ... ગાલ ઉપર જ બચકું કેમ ભર્યું હશે ?'' એવું કટાક્ષમાં ઑફિસરનો કેશિયર બીજા ઑફિસરને પૂછતો હતો. તો એણે ભૂલ સુધારીને કહ્યું, ''વાંદરો સારા ઘરનો હશે... નોર્મલી વાંદરાઓની હાઇટ આપણા કરતા ઓછી, એટલે પાછળના ભાગમાં જ બચકું તોડી લેતા હોય છે. દાદુ નસીબદાર કે ગાલેથી પત્યું.''

મને બચકું ભરવામાં વાંદરૂં લાભ ખાટી ગયું હોય ને પોતે રહી ગયા હોય, એવા અંદાજથી સહુ પૂછતા હતા. પ્રોબ્લેમ એ હતો કે, લોકોને ખબર પડે, એમ એમ આવતા જાય. એ લોકો ખબર કાઢવા આવ્યા છે કે મને કાઢી જવા, એવો ભાવ ચેહરાઓ ઉપરથી તો ન પકડાય. ''બીજીવાર ધ્યાન રાખજો હવે...!'' એવી સલાહો આપનારા ય મળ્યા. પણ વાંદરૂં કેવી રીતે કરડયું, એની પૂછપરછ તો દરેક ખબરકાઢુઓએ રસપૂર્વક કરી. કંટાળો સહુને પહેલેથી છેલ્લે સુધીની આખી સ્ટોરી કહેવામાં આવતો હતો.

એક ખબરકાઢુ માથાનો મળ્યો. ''દાદુ, આ વાંદરૂં-બાંદરૂં તો ઠીક છે.. આપણી પાસે એ વાંદરાનું કોઈ એડ્રેસ-બેડ્રેસ છે ?'' કેમ જાણે હું એ વાંદરાનું વિઝિટિંગ કાર્ડ સાથે લઈને ફરતો હોઉં ! મને એમ કે ઢોર ત્રાસ અંકુશ વિભાગમાંથી આવ્યા હશે, પણ એમણે જુદી ઓફર કરી,

''દાદુ, એ વાંદરો મળે તો લઈ જવો છે. મારી સાસુ ઘેર આઇ છે...!''

સિક્સર

- પ્રાણ
----- !

No comments: