Search This Blog

30/08/2013

'રતન' ('૪૪)

ફિલ્મ : 'રતન' ('૪૪)
નિર્માતા : જમુના પ્રોડક્શન્સ
નિર્દેશક : એમ. સાદિક
સંગીત : નૌશાદઅલી
ગીતો : પંડિત દીનાનાથ મધોક
રનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૧૮-મિનીટ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, મંજૂ, વાસ્તી, ગુલાબ, રાજકુમારી શુક્લા, પંડિત બદ્રીપ્રસાદ, અઝૂરી, ચંદાબાઈ.



ગીતો

૧. રૂમઝૂમ બરસે બાદરવા, મસ્ત ઘટાયેં છાયી... - જોહરા અંબાલેવાલી
૨. અખીયાં મિલા કે, જીયા ભરમા કે, ચલે નહિ જાના... - જોહરા અંબાલેવાલી
૩. પરદેસી બાલમ આ, બાદલ આયે, તેરે બીના કછુ... - જોહરા અંબાલેવાલી
૪. જબ તુમ હી ચલે પરદેસ, લગાકર ઠેસ ઓ પ્રીતમ... - કરણ દીવાન
૫. અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમેં હૈ જાના જાના... - મંજૂ
૬. સાવન કે બાદલોં, ઉન સે યે જા કહો... - જોહરા-કરણ
૭. આઈ દીવાલી, આઈ દીવાલી, દીપક સંગ નાચે... - જોહરા અંબાલેવાલી
૮. જાનેવાલે બાલમવા, લૌટ કે આ લૌટ કે આ... - અમીરબાઈ-શામકુમાર
૯. મિલ કે બિછડ ગઇ અખીયાં, હાય રામા મિલ કે... - અમીરબાઈ કર્ણાટકી
૧૦. જૂઠે હૈં સબ સ્વપ્ન સુહાને મૂરખ મન સચ ન જાને... - મંજૂ

દાદા બર્મને એમના નોકરને પધ્ધતિસરનો ખખડાવી નાંખ્યો, ''સાલા નોકરી મારી કરે છે ને ગીતો નૌશાદના ગાય છે?'' એટલે એમાં એવું હશે કે, સચિનદેવ બર્મન કરતા એમના નોકરમાં સંગીતની સમજ વધુ હશે એટલે નૌશાદની ફિલ્મ 'રતન'ના ગીતો બર્મન દાદાના ઘરમાં ય ગુનગુનાવે રાખે. બર્મન દાદાના દરવાજે દૂધવાળી દૂધ દઈને જતી રહી હોય ત્યારે ય પેલો ગાતો હશે, 'ઓ જાનેવાલે બાલમવા, લૌટ કે આ લૌટ કે આ...' ડોહાનો પિત્તો તો ગયો, પણ લૉજીક ધીમે ધીમે સમજાવા માંડયું, 'સામાન્ય માણસ પણ ગુનગુનાવી શકે, એવા ગીતો બનાવો તો દેશ આખો ગાશે...' સંગીતના મામલે (આપણો તો આખો દેશ સામાન્ય હતો!) બંગાળી અસરમાં બર્મન દાદા ય સાયગલ-પંકજના પ્રવાહમાં તણાઈને શાત્રોક્ત ગીતો બનાવતા, જે દેખીતું છે, સામાન્ય માણસ ગુનગુનાવી ન શકે.

એ ગીતોએ ધૂમ કેવી મચાવી હશે, એનો અંદાજ આપણને અત્યારે નહિ આવે. નૌશાદે 'રતન'થી આ કરી બતાવ્યું કે પાનવાળો કે ટાયર-પંક્ચરવાળો ય ગીતો ગુનગુનાવી શકે. નૌશાદમીયાંએ લોકોને ગાતા કરી નાંખ્યા એક મસ્તીભર્યા ફેરફારને લઈને! (સૉરી, એક નહિ, બે ફેરફારો વાંચવું!) પહેલો એ કે, ૧૯૩૧-માં પહેલી બોલતી (ટૉકી) ફિલ્મ શરૂ તઈ, ત્યારથી ૧૯૪૪-માં આ ફિલ્મ 'રતન' આવી, ત્યાં સુધીની બધી ફિલ્મોના બધા ગીતો આમઆદમીના કાને પડતા નહોતા, પડતા એટલા સમજાતા નહોતા, સમજાય એટલા પોસાતા નહોતા... ગ્રામોફોનની એક રૅકર્ડ પાછળ રૂ. ૦.૪૦ પૈસાનો જંગી ખર્ચો કરવો પડતો. આ, ૪૦-પૈસાને 'જંગી ખર્ચો' ગણાવી અમે કોઈ મોટી હ્યૂમર નથી મારી... હકીકત એ હતી કે ૪૦-પૈસા સામાન્ય માણસ માટે મોટી રકમ ગણાતી.

બીજું કારણ એ કે, સાયગલ, કાનનદેવી, પંકજ મલિક કે કે.સી.ડે સિવાયના ગીતો ઘેર ઘેર નહોતા ગવાતા અને આ લોકોના ગીતો ય એક હદ સુધી જ લોકપ્રિય. સામાન્ય માણસ 'બાબુલ મોરા....' ગુનગુનાવી ય ન શકે, એવું અઘરૂં પડતું. નૌશાદે ફિલ્મ સંગીતની આ બધી જટિલતાઓ કાઢી નાંખી અને ગીતો ગાવામાં સરળ પડે એવા બનાવ્યા ને એનો સીધો ચમત્કાર એટલે ફિલ્મ 'રતન'ના ગીતો.

'રતન'માં નૌશાદે બીજી પણ વિરાટ ક્રાંતિ આણી. ત્યાં સુધીના તમામ ગીતોમાં મૅલડી મુખ્ય હતી, રીધમ નહિ. હવે યાદ કરો સાયગલ કે પંકજના ગીતો. એ લોકો ગાય એટલું જ મહત્વનું... એ સિવાય સ્થાયી અને અંતરા વચ્ચેનું ઈન્ટરલ્યૂડ મ્યુઝિક પણ જગ્યા ભરવા પૂરતું, પણ એમાં ય ઢોલક-તબલાંને કોઈ સ્થાન જ નહિ. રીધમનો ઠેકો સૂરને તાલ આપવા પૂરતો અછડતો વાગતો રહે, બાકી ગીતમાં તબલાં ય મટકી જેવા વાગે.

નૌશાદે 'રતન'થી આ ક્રાંતિ લાવી દીધી. દરેક ગીતમાં રીધમ-સૅક્શનનું ગીતના બોલ જેટલું જ મહત્ત્વ. એક નાનો દાખલો આપું તો, મંજુના ગીત, 'અંગડાઈ તેરી હૈ બહાના, સાફ કહે દો હમેં કે જાનાજાના'ના અંતરામાં, '...દિલ કી ધકધક...યે કહે રહી હૈ' વખતે હૃદયના ધબકારા જેવું ઢોલક વાગ્યું છે, તો મને યાદ છે, હું એટલો પીસ સાંભળવા ગીત વારંવાર વગાડતો. 'ઓ જાનેવાલે બાલમવા...'માં તો આખું ગીત ઢોલક-તબલાંથી ભરચક ભરીને નૌશાદે પ્રેક્ષકોને થીયેટરોમાં નચાવ્યા હતા. આ ગીત આજ સુધી લોકપ્રિય છે. કિશોર-મહેમુદની ફિલ્મ 'પડોસન'માં યાદ હોય તો ગુરૂ કિશોર કુમાર એના ચેલા સુનિલ દત્તને કહે છે, ''ભોલા, કોઈ ગીત સુનાઓ'' તો ભોલો 'ઓ જાનેવાલે બાલમવા...'ની એક ટુંક સંભળાવે છે.

આખી વાતનો સાફ મતલબ એ કે, હિંદી ફિલ્મોમાં પર્કશન્સ (રીધમ-સૅક્શન)નો વ્યવસ્થિત ઉપયોગ નૌશાદે કર્યો. ઓકે. ઉપરની વાતમાં રીધમ સમજવામાં તબલાંની સાથે ઢોલકનો પણ મેં ઉલ્લેખ કર્યો છે, એ કેવળ વાતમાં વજન મૂકવા માટે. વાસ્તવિકતામાં ફિલ્મોમાં ઢોલકનો પ્રારંભ નૌશાદે નહિ, એમના આસિસ્ટન્ટ સંગીતકાર ગુલામ મુહમ્મદે કર્યો હતો, જે મૂળભૂત રીતે તબલચી હતા (ઢોલકચી નહિ, તો ય!)

વર્ષો પહેલાં અમદાવાદની સન્માન્નીય ''ગ્રામોફોન ક્લબ''નો હું સ્થાપક-સૅક્રેટરી હતો, ત્યારે સ્ટેજ પરથી મેં નૌશાદ સાહેબનો ઈન્ટરવ્યૂ લીધો હતો.

નૌશાદે પોતે કીધેલી વાત છે. '૪૪-ની સાલમાં 'રતન' આવી, ત્યારે જ નૌશાદના લગ્નની બારાત નીકળી રહી હતી ને બૅન્ડવાજાઓ ''રતન''ના ગીતોની ધૂનો વગાડે જતા હતા. એમાંના કોઈને ખબર નહિ કે, ઘોડે ચઢેલ મૂરતીયો જ આ અપ્રતિમ ધૂનોનો સર્જક છે. પણ ઘોડા કરતા ય વધારે ફફડતા નૌશાદને એટલી ખબર કે, મારા પિતાને ખબર પડી જશે કે, આ ધૂનો કોઈ ફિલ્મ માટે મેં બનાવી છે, તો ચાલુ બારાતે ઘોડા ઉપરથી ઉઠાડી મૂકશે. પિતા તો એમને 'ભણીગણીને'' દરજી બનાવવા માંગતા હતા. (એ જમાનામાં પણ આજની જેમ દરજીકામ એ આજના ડૉક્ટરો, લેખકો કે ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ જેવું સન્માન્નીય કામ ગણાતું!)

રૂપિયાનું મૂલ્ય એ જમાનામાં શું હતું, તે જાણવાનો એક સીધો હિસાબ છે. આ આખી ફિલ્મ 'રતન' માત્ર રૂ. ૭,૫૦૦/- (યસ, સાડા સાત હજાર)માં બની હતી, એમાં તમામ કલાકારો, સંગીતકાર, ગીતકાર, ફિલ્મની પટ્ટી, કૅમેરા, શૂટિંગનો તમામ ખર્ચ... બધું આવી ગયું... એની સામે, આ ફિલ્મના ગીતોની જે રૅકર્ડસ વેચાઈ, તેની રૉયલ્ટીના જ રૂ. ત્રણ લાખ નૌશાદને મળ્યા... એમના વાલીદ સા'બ (ફાધર-એ-આઝમ)ને કેટલો આનંદ અને ફખ્ર થયો હશે. દીકરાને દરજી બનાવવો હતો... સાલો, આખી જીંદગી લેંઘા સિવી સિવીને ટેભાની માફક તણાઇ ગયો હોત તો ય તઇણ લાખ ભેગા કરી શક્યો ન હોત! ...સુઉં કિયો છો?)

પાકિસ્તાન સૅટ થઈ ગયેલી ફિલ્મ 'રતન'ની હીરોઇન સ્વર્ણલતાએ પાકિસ્તાન ટીવી પર આપેલા ઈન્ટરવ્યૂમાં બહુ સ્પષ્ટ કહી દીધું હતું કે, ''રતન''ના બધા જ ગીતોની ધૂન ગીતકાર પંડિત દીનાનાથ મધોકે બનાવી હતી.'' અંગત જીવનમાં ફિલ્મની હીરોઇન ફિલ્મની વાર્તાની જેમ જ, પોતાનાથી ૨૦-વર્ષ મોટા નઝીરને પરણી હતી.

સત્ય સુધી... હવે તો એ ફિલ્મ રજુ થયાના આજે ૭૦-વર્ષો પછી પહોંચી શકાવાનું નથી.

હવે, આ વાતમાં થોડું ય તથ્ય દેખાય તો સંગીતકાર નૌશાદના લલાટ ઉપર આ મોટ્ટું ધાબું આવી જાય. સ્વર્ણલતા મૂળ સીખ્ખ પરિવારની દીકરી હતી. એ પછી એ સમયના ઍક્ટર-ડાયરેક્ટર નઝીર મુહમ્મદને પરણીને પાકિસ્તાન ગઇ ને ત્યાં એણે ઈસ્લામ કબુલ કર્યો ને નામ રાખ્યું, 'સઇદા બાનુ'.

કૃષ્ણ ટૉકીઝમાં શ્રી. રાવલ સાહેબે '૩૭-ની સાલથી સેવાઓ આપી હતી. તેમના કહેવા મુજબ 'રતન' કૃષ્ણ સિનેમામાં ૩૭-સપ્તાહ ચાલ્યું હતું. અમદાવાદના કલાકાર રમેશ પટેલને પણ થીયેટરોમાં આવેલી ફિલ્મો વિશે સારી જાણકારી છે.ફિલ્મ 'રતન'ના ગીતોની સાથે સંવાદોની પણ એક અલગ રૅકોર્ડ 'સ્ટોરી સૅટ'ને નામ બહાર પડી હતી.

ફિલ્મ 'રતન'ના ગીતોની સાથે સંવાદોની પણ એક અલગ રેકોર્ડ 'સ્ટોરી સેટ' ને નામે બહાર પડી હતી.

નૌશાદ શબ્દના પણ જાણકાર હતા. પોતાની બે-ત્રણ ફિલ્મોની વાર્તા જ નહિ, મોટા ભાગના ગીતો પણ તેમણે લખ્યા હતા. ટૅકનિકલી ક્રેડિટ શકીલ બદાયૂનીને આપવી પડે, માટે મારા-તમારા સુધી વાત ન પહોંચી.

ફિલ્મ 'દિલ દિયા, દર્દ લિયા'ના લતાએ ગાયેલા 'ફિર તેરી કહાની યાદ આઈ...' મુખડું નૌશાદે લખ્યું હતું. અનેક ગીતો એમણે લખ્યા હતા, જે શકીલને નામે ચઢાવવા પડયા હતા. ફિલ્મ 'રતન'ની વાર્તા આજે ચીલાચાલુ લાગે કારણ કે દસ્તુર મુજબ, એક ફિલ્મ હિટ જાય, એટલે એમાંથી જેને જે ફાવે એ ઉઠાવતું જાય અને પોતાની ફિલ્મમાં પોતાના નામે નાંખતું જાય. આમ તો ટિપીકલ પ્રેમભંગની જ કહાની, પણ ફરક એટલો કે, નાનપણના પ્રેમીઓ કરણ દીવાન અને સ્વર્ણલતાના લગ્ન થઈ શકતા નથી ને ગામડાઓમાં બનતું, તેમ આ નાની હીરોઇનના લગ્ન મોટી ઉંમરના પુરૂષ) વાસ્તી સાથે થઈ જાય છે, એમાં વાસ્તી પોતે નાની વહુને સ્વીકારતો નથી, નૈતિક રીતે. એને ખબર નહોતી કે, એની ભાભીએ ઉંમરનો લિહાજ રાખ્યા વગર નાની છોકરીને મારી સાથે પરણાવી દીધી છે. ફિલ્મનું નામ અને કેન્દ્રસ્થાન પણ 'રતન' વાસ્તીને અપાયું છે. વાસ્તીને તમે નાસીર હૂસેનની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં જોયો હશે. મોટા ભાગે આશા પારેખનો બાપ બને ને ફિલ્મ પૂરી થયા સુધીમાં આશાને કૅન્સલ કરીને હીરોનો બાપ બની જાય. મૂળ નામ રિયાસતઅલી વાસ્તીના પિતા ન્યાયાધીશ હતા અને ૧૯૯૬-માં આ માણસ મરી ગયો, તે પહેલા મુંબઇના ચર્ચગેટ પાસે એ ભીખ માંગતી અવદશામાં ઘણાને જોવા મળ્યો હતો. 'ફિલ વો હી દિલ લાયા હૂં'માં એ શરૂઆતમાં આશા પારેખનો અને ફિલ્મ પૂરી થતા સુધીમાં જૉય મુકર્જીનો-બાપ બને છે.

ફિલ્મ 'રતન'નો હીરો અને પ્રોડયુસર (મોટા ભાઈ જેમિની દીવાનની આ ફિલ્મ હતી. એટલે બાય ડીફૉલ્ટ કરણ પણ નિર્માતા કહેવાય?) કરણ દીવાન ખૂબ હૅન્ડસમ હતો, પણ બાકીનું બધું સ્ત્રૈણ્ય હતું. અવાજ છોકરી જેવો, હલનચલનમાં ક્યાંય મર્દાનગી ન લાગે તેમ જ, 'રતન'માં એના કરતા હીરોઇન સ્વર્ણલતા વધારે 'મરદ' લાગતી હતી, પણ જે જમાનામાં મૅટ્રીક-પાસને ''બહુ મોટો ભણેશ્રી ના જોયો હોય તો...'' કહીને તાના મારતા, એ જમાનામાં કરણ દીવાન ગ્રૅજ્યુએટ થયો હતો. 'રતન'માં સાઈડ હીરોઇન બનતી નાની કિશોરી, જે ફિલ્મમાં વાસ્તીની બહેન બને છે તે મંજૂ આ જ ફિલ્મથી કરણ દીવાનના પ્રેમમાં પડી ગઇ અને બન્નેએ લગ્ન કરી લીધા, એ હિસાબે કોઈપણ હિંદી ફિલ્મમાં પતિ-પત્ની બન્ને ગાયક અને અભિનેતા/ત્રી હોય, તેવો આ પહેલો અને છેલ્લો કિસ્સો છે. સુરતના વિખ્યાત ફિલ્મઈતિહાસવિદ શ્રી હરિશ રઘુવંશીના પુસ્તક 'ઈન્હેં ના ભૂલાના' મુજબ આ બન્ને સાત સંતાનોના માત-પિતા હતા.

આવી જૂની ફિલ્મોના ટાઈટલ્સ વાચતા ક્યારેક અચરજ રહે કે, જે તે કલાકારના નામની સામે સૌજન્ય... ફલાણા-ઢીકણા સ્ટુડિયો' કેમ લખ્યું હોય છે? જેમ કે, આ આખી ફિલ્મમાં ઠેકઠેકાણે 'કર્ટસી: કારદાર સ્ટુડિયો-પરેલ' લખ્યું છે. મંજુને પણ રાજકમલ સ્ટુડિયોનું સૌજન્ય મનાયું છે અને તે એટલા માટે કે, એ જમાનામાં ઘણા કલાકારો પગારથી જે તે સ્ટુડિયો સાથે બંધાયેલા હતા અને બીજે કામ ન કરી શકે. સંબંધ ખાતર એકબીજા આવા કલાકારો સાટાપધ્ધતિમાં અપાય-લેવાય, ત્યારે આવું સૌજન્ય ફિલ્મના ટાઈટલ્સમાં લખવાનો રિવાજ હતો.

યસ. ફિલ્મ એ જમાનામાં ખૂબ ચાલી હતી. તેનો સહેજ પણ અર્થ એવો નથી કે, આજે આ ફિલ્મની સીડી મંગાવીને જુઓ તો ખુશમખુશ. અહીં એક દ્રષ્યમાં સ્વર્ણલતા આંખોને નેજવું બનાવીને પ્રિયતમના આવવાની રાહ તકે છે, પણ સૂરજ એની પાછળ હોય છે. ફિલ્મો સામાજીક વધુ બનતી એટલે એમાં મૅલોડ્રામા હોય જ. કૉમેડી કોઇને લખતા આવડતી નહોતી, એટલે એનું સ્તર હાસ્યાસ્પદ લાગે. કોરિયોગ્રાફર્સ નહોતા. ગીત દરમ્યાન હીરો-હીરોઇને આવડે એટલા જ હાથપગ હલાવીને ડાન્સ જેવું લાગે, એવું હલવાનું.

ફિલ્મ સારી હતી કે કેવળ સંગીતને કારણે સારી હતી, એની ચર્ચામાં પડવા જેવું નથી. આજે ૭૦-વર્ષ પછી ય આ ફિલ્મ માટે લખવું પડે છે ને...? આજની કોઇ ફિલ્મ માટે હવેના ૭૦-વર્ષ પછી કાંઇ લખાશે?

28/08/2013

હૉટૅલની અંદર

ઘર અને હોટેલની રસોઇ વચ્ચે ફક્ત વાળ જેટલો જ ફરક હોય છે. ઘરની દાળમાં વાઈફનો વાળ આવે ને હોટેલની દાળમાં ત્યાંના શૅફ (રસોઇયા) કાળુજી મનુજીનો વાળ આવે ! પૂછી શકાતું નથી ને પૂછીએ તો કોઇ સાચું કહેતું નથી કે, મોટા ભાગના લોકો હોટેલમાં લંચ-ડિનર માટે, ફક્ત ઘરની રસોઇથી 'બચવા' માટે જાય છે...જેટલું લાંબુ જીવવા મળ્યું એટલું હરિઓમ ! સુઉં કિયો છો ? ડૉક્ટરો તમને કોઇ રીઍક્શન નથી આવતું ને, એ જોવા માટે ઈન્જૅક્શન આપીને, અડધો કલાક બેસાડી રાખે છે, એમ હોટેલવાળા જમાડયા પછી બેસાડી રાખતા નથી, પણ ઘેર તો ફરજીયાત બેસી રહેવું પડે છે ને મોટા ભાગે રીઍક્શન્સ આવે છે. પબ્લિકનો માર ખાધા પછી ફૂટપાથ પર બેઠા બેઠા માંડ કળ વળી હોય, એવા ઢીલા થઇને સોફાના ખૂણામાં પડયા હો, ત્યાં પેલીનો પહેલો સવાલ આવે, ''આજ કેમ કાંય બોયલાં નંઇ કે ઢોકરાં કેવા થિયાં'તા....? તમને તો બાજુવારી કલ્પુડીના ઢોકરાં જ વધારે ભાવે છે ને મેં તો કેમ જાણે સાયકલના ટાયર-ટયુબમાંથી ઢોકરાં બનાઇવાં હોય, એવા મોંઢા કરીને બેઠા છો, તી !'

આપણામાં એવું તે કહેવાની કેટલી હિમ્મતો બચી હોય કે, સરખા મસાલા પડયા હોય તો દાંત વડે ખેંચી ખેંચીને સાયકલના ટયુબ-ટાયરે ખવાઇ જાય...પણ માંઇ, તારા ઢોકળાં....? સાલી ગાયોના પેટોમાં ય આફરાં ચઢાવે એવા હોય છે ! કોઇ પંખો ચાલુ કરો !

હોટેલમાં જમવા હરકોઇ મોટા ઉમંગો લઇને જાય છે. ભોળા ગોરધનો એવું માને છે કે, ''એને ય બિચારીને અઠવાડીયામાં એક દિવસ તો રસોઇમાંથી આરામનો મળવો જોઇએ ને !'' એટલે વાઇફો પણ ચટકમટક કરતી હોટેલમાં જવા ખુશમખુશ હોય છે...''

ચટક મટક...? માય ફૂટ !

સાલું કેવું લાગે ? હોટેલમાં જમવા જવાનું છે, એટલે લાઇફનો ઘણો મોટો પ્રસંગ ગણાય, એમ સમજીને વાઇફો ભારે સાડી કે મોંઘા ડ્રેસ પહેરીને મોટી ગાડીમાંથી બડી શાનથી ઉતરે...ને ઉતરીને સીધી લાઈનમાં ઊભી રહેવા જાય ! તારી ભલી થાય ચમની, આ પરિસ્થિતિમાં તો તું ગાભા ને ડૂચાં પહેરીને આવી હોત તો ય જમવાનો ચાર્જ આટલો જ આપવો પડત !....ઘરના ડ્રૅસિંગ-ટૅબલ સામે અઢી કલાક ખોટી વાંકી ચૂકી થતી'તી, ને ? અહીં આવ્યા પછી બીજીઓની જેમ જ બૌધ્ધ-ભિક્ષુણીઓની જેમ કેવી લાચારીથી ઊભી રહી ગઇ છે ?

વાઇફ લોકો ય પોતાની રસોઇથી તૌબા હોય છે ને વીકમાં એક વખત તો જમવાનું ''સારૂં'' મળવું જોઇએ ને, એ આશાએ લાઈનોમાં ઊભી રહે છે.

આહલાદક દ્રષ્યો હોટેલની અંદર જોવા મળે છે. કેદારનાથ-ઉત્તરાખંડની હોનારત પછી બચી ગયેલા યાત્રાળુઓને એક ચોગાનમાં જમવા બેસાડી દીધા હોય, એમ અહીં સહુ હળીમળીને જમવા બેસી ગયા હોય છે. થાળી ન પિરસાય ત્યાં સુધી, હોનારતવાળા અને આ લોકોના મોંઢાના હાવભાવો કે હાલતમાં કોઇ ફરક હોતો નથી.

આમ ધંધામાં કે ઑફિસમાં મોટા ફાંકા મારતો હોય, પણ હોટેલ કે કલબમાં ડિનર ''સર્વ' થવાની રાહ જોવામાં, બેઠો બેઠો ટૅબલ પરની ટુથપિક્સ તોડવા માંડયો હોય. એના મોંઢા સામે આપણાથી તો જોયું જોવાય નહિ. ભૂખ્યો ડાંહ થઇ ને ઘેરથી ફૅમિલી સાથે નીકળ્યો હોય, બહાર આટલી રાહો જોયા પછી અંદર માંડ નંબર આવ્યો હોય, એમાં ય ઑર્ડર લેવા કોઇ આવતું ન હોય, એટલે ભૂરાયો થવા માંડે. એ જાણે છે કે, હાથમાં પકડેલો ચમચો કે ફૉર્ક એનાથી વળવાનો નથી, તો ય મસળે રાખશે. બેબાકળો થઇને એ જ ચમચાનો ખૂણો કાનમાં નાંખીને ગોળગોળ ફેરવશે. ખંજવાળ-બંજવાળ જેવું કશું ના આવ્યું હોય, પણ પિરસાય નહિ ત્યાં સુધી કરવું શું, એ મૅનુમાં કાંઇ લખ્યું ન હોય, એટલે જેવો આવડે એવો ચમચો રમાડે રાખવાનો. કોઇ નહિ ને વૅઇટરો એના નાનપણના સાથી હોય, એમ ભૂખ્યાપેટે બધા વૅઇટરોને લેવા-દેવા વગરના સ્માઇલો આલવા માંડે છે.' ''અરે ઓ આસમાંવાલે બતા ઇસ મેં બુરા ક્યા હૈ, ખુશી કે ચાર ઝૌંકે ગર ઇધર સે ભી ગૂઝર જાયેં...'' એવું આવડો આ વૅઇટરો માટે ગાવા માંડે છે.

પેલા ય જાણતા હોય કે, ''ડોહો ભૂખાવડો થયો છે, એમાં અત્યારે આટલો વાંકો વળે છે....જમી લીધા પછી પાંચ રૂપિયા ય ટીપ આલવાનો નથી.''

આ બાજુ એનું અડધીયું ય જોવા જેવું હોય છે. જુવાન હોય તો, ''આવી હોટેલમાં તે અવાતું હશે ?'' એવો વચકો કાઢીને મોંઢું ચઢાઈને બેઠી હોય ને આપણી ઉંમરનું હોય તો બે વૃદ્ધ સાધુઓ ગીરનારની પરિક્રમા કરીને ગીરી-તળેટીમાં થાક્યાપાક્યા ભિક્ષાની અપેક્ષાએ આવતા-જતાની સામે જોતા બેઠા હોય, એવી આ ય બેઠી બેઠી આવતા-જતા વૅઇટરો સામે ''પાઈ-પૈસો નાંખતા જજો, માંઇ-બાપ'ની લાલચે બેઠી હોય. જે વૅઇટર પસાર થાય, એને પૂછી જુએ, ''હજી કૅટલી વાર છે ? ભાઇ, જલ્દી કરો.....અમારો તો વારો જ આવતો નથી...''

ભૂખ્યા પેટે આવા ઘાંઘા થવામાં તો મારી વાઇફથી, જમીને ઊભા થયેલા ગ્રાહકને પૂછાઇ ગયું હતું, ''ઓ ભા'આ...ય, અમે આંઇ હવાર-હવારના ગુડાણા છીએ...હવે અમારી થાળીયું લિ આવો હડી કાઢતા....! માણહ છીએ...ભૂયખું નો લાગી હોય...?''

પેલો જે કાંઇ સમજ્યો હોય પણ બોલ્યો એટલું કે, ''માજી છુટા નથી...આગળ જાઓ.'' એ મૅનેજર ઉપર ખીજાણો પણ ખરો કે, આ લોકો ઉપર સુધી આવી જાય છે ને તમે કાંઇ ધ્યાન રાખતા નથી...?

હોટેલમાં ગમ્મત કરાવે એવી એક વાત એ જોવા જેવી હોય છે કે, ઑર્ડર આપતા પહેલા મૅન્યુ વાંચતા આમ તો કોઇને આવડતું નથી, પણ નર્મદા કિનારે પંડાઓ પાસે પોતાની સાત પેઢીનો ઈતિહાસ વાંચવા બેઠો હોય, એમ આવડો આ મૅન્યુ વાંચવા ઉપર ચઢી જાય છે. સમજ કેટલી પડે છે, એ પછીનો પ્રશ્ન છે, પણ વાંચશે ખરો. સાલું, આપણે રહ્યા પુરી, શાક ને મગની દાળના માણસો, પણ અહીં આવીને ઑર્ડર મૅક્સિકનનો આલવા માંડે. એ તો વૅઇટર ધ્યાન દોરે ત્યારે ખબર પડે કે, આખો ઓર્ડર સમજીને ભ'ઇએ આઠે આઠ સૂપનો ઓર્ડર લખાવી દીધો છે. સાલું, આપણે જનમજાત ચાયનીઝ કે મૅક્સિકન રસોઇયા થોડા છીએ તે એ લોકોની બધી ડિશોની સમજ પડે !

કબુલ કરો તો ભાગ્યે જ કોઇને ઓર્ડર આપતા આવડે છે. લોકો ચાયનીઝના બહુ ફાંકા મારતા હોય છે. હકીકત એ છે કે, ઇન્ડિયામાં મળતી એકે ય ચાયનીઝ ડિશ ખુદ ચાયનામાં મળતી નથી. હું ચીનમાં ઘણું ફર્યો છું, પણ ત્યાંની એકે ય હોટેલ-રેસ્ટરાંમાં આપણા જેવા મંચૂરીયન-ફંચૂરીયનના કોઇએ નામે ય સાંભળ્યા નથી...ને અહીં આપણા દેસી બલૂનો ધાપા મારે કે, ''મને તો ચાયનીઝ સિવાય કાંઇ ફાવે જ નહિ !'' બૈરૂં કૂકરવાડાનું ઉઘરાઇ લાયો હોય ને હોટેલમાં ચાયનીઝ ને મૅક્સિનના લાળાં નાંખે ! તારી ભલી થાય ચમના, પહેલા મૅન્યુ વાંચતા શીખ. હજી તો સ્ટયૂઅર્ડને બોલાઇને પૂછે છે, ''આ કઇ આઈટમ છે ?'' ત્યારે પેલાએ કહેવું પડે છે, ''સા'બ...વો આઇટમ નહિ હૈ...વૅટ ટૅક્સ હૈ...!''

ઓકે. બધી ડિશો સર્વ થઇ ગયા પછીનો મામલો ય ગંભીર હોય છે. જમતા-જમતા બાજુવાળાએ શું મંગાવ્યું છે, એ જોવાનું કોઈ ચૂકતું નથી ને જોઇ લીધા પછી, ''આવું આપણે મંગાવ્યું હોત તો સારૂં હોત !'' એવો પેલા જૉકની જેમ જીવ બાળવાનો કે, તાજા લગ્ન પછી હનીમૂનમાં બાજુના સ્યૂટમાં ઉતરેલા કપલને જોઇને આ બન્નેને એ જ ફીલિંગ થાય છે કે, ''આવું આપણે લઇ આયા હોત તો વધુ સારૂં હોત !''

ગમે તેમ તો ય આપણી ક્લબો કે ડિનરોમાં દેસી બલૂનો પરાણે ય જોવા તો પડવાના જ. સાલાઓ પોતે જમી લે, એટલે લાઉડ-સ્પીકરમાં ખાવાના હોય એટલા મોટા મોટા ઓડકારો ખાતા ખાતા આપણી પાછળથી પસાર થાય. ચાલવાનું તો જાવા દિયો, હલી ન શકતા હોય, એટલું દાબ્યું હોય. કેટલાક દેસીઓ પોતે જમી લીધું છે, એટલું બતાવવા જડબાં ફાડીને મહીં આપણા દેખતા ટુથપિક્સ નાંખીને ગોળગોળ ફેરવે. છીઇઇઇ...પાછો એ જ ટૅબલ પર લૂછે, એટલે એની પછી આવીને એ ટેબલ પર બેસનારો તો મરે ને ? કોલસાની ખાણમાં મજૂર પાવડો નાંખતો હોય, એમ વરીયાળીનો આવડો મોટો મૂઠ્ઠો ભરે...રામ જાણે, ઘેર જઇને વરીયાળીનું શાક બનાવવાનો હોય !

પણ બસ...એક વાર જમાઇ ગયું, એટલે શહેનશાહ થઇ જવાનો ! હોટેલના દરવાજે ભટકાતો ભટકાતો જાય. 'અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા...'ના ધોરણે જતા જતા સાલો એક અવાજ એવો છોડતો જાય જેની બુલંદી અને અસરથી રિબાઇને હજી જમી રહેલાઓ હૉટેલનો નૅપકીન નાક ઉપર દાબી દે.

જયઅંબે.

સિક્સર

અમેરિકાથી સતિષ શાહે મોકલેલ એક સુંદર વન-લાઇનર આવી છે :
પુરૂષ અને સ્ત્રી વચ્ચે ફરક એટલો કે, સ્ત્રી પુરૂષ તેની તમામ જરૂરતો પૂરી કરે એવું ઇચ્છે છે, જ્યારે પુરૂષ બધી સ્ત્રીઓ ભેગી થઇને એની બસ...એક ઇચ્છા પૂરી કરે, એમ ઇચ્છે છે.

25/08/2013

ઍનકાઉન્ટર 25-08-2013

1 આપની આત્મકથા લખવાની ક્યારે શરૂ કરશો ?
- મને જુઠ્ઠું બોલવાની હૉબી નથી.
(અરવિંદ આર. પટેલ)

2 શું 'ઍનકાઉન્ટર'માં બુદ્ધિશાળી વાચકો પ્રશ્ન પૂછી શકે ?
- તમને છૂટ છે.
(રસેન્દુ પાઠક, વડોદરા)

3 રાજ ઠાકરે કહે છે, મુંબઈ અમારૂં છે. મોદી કહે છે, 'ગુજરાત અમારૂં છે.' તમે સુઉં કિયો છો ?
- એ બન્નેની વફાદારી પરફેક્ટ છે. જેનું ખાય છે, એનું ખોદતા નથી.
(તસ્નીમ હકીમુદ્દીન વ્હોરા, ઉમરેઠ)

4 ધર્મગુરૂઓ અને નેતાઓના પ્રવચનો વચ્ચે શો ફરક ?
- બન્ને આપણા દેશને માથે પડેલા છે.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

5 રાજા દશરથે કાન પાસે થોડા સફેદ વાળ જોયા ને ગાદી છોડવાનો નિર્ણય લીધો. મનમોહનનું કેમનું છે ? એમનું તો બધું ધોળું છે.
- ડોહા ! રોજ બંડીના ખિસ્સા તપાસી લે છે. એમાં ય ધોઇ આવી ગયા નથી ને ?
(ઘનશ્યામ આચાર્ય, આંબરડી- જસદણ)

6 પાકિસ્તાને પાછા પાંચ જવાનોને મારી નાંખ્યા. સરકાર આટલી નમાલી ?
- નમાલી નથી. મોટા ભાગે તો ૮-૧૦ વર્ષમાં પાકિસ્તાનને કડક ચેતવણી આપવાની છે.
(ડી. એમ. ચીતલીયા, મુંબઈ)

7 આજના ભારતમાં પણ અમીચંદો અને મીર જાફર જેવા ગદ્દારોની કમી નથી, છતાં જનતાની આંખ ઉઘડતી કેમ નથી ?
- કોંગ્રેસ નામનો 'કન્ઝક્ટિવાઈટીસ' લાગ્યો છે.
(યુસુફ મનસુરી, મેહસાણા)

8 સંકટ સમયે 'ઓય માં' બોલાય જાય છે.. 'ઓ પિતાજી' કેમ નહિ ?
- સંકટ સમયે પિતાજી પણ આપણી માંને જ યાદ કરે છે !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

9 ભારતમાં ક્રિકેટ પાછળ સમયની આટલી બર્બાદી કેમ ?
- કારણ કે, સમય કિંમતી છે.
(અજીત/અજય ટાકોર, પાલનપુર)

10 શું હાસ્યલેખકો સદા ય હસતા રહે છે ખરા ?
- યસ. આપણો એકએક હાસ્યલેખક ખૂબ હસમુખો છે. પોતે ય હસે છે ને બીજાઓને ય હસાવે છે.

11 મર્યા પછી જ માણસ ફૅમસ કેમ થાય છે ?
- આવી ઉતાવળ શું કામ કરો છો ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

12 એકે ય રાજકારણીએ આપઘાત કર્યો હોવાનું જાણમાં નથી. સુઉં કિયો છો ?
- વાહ. ખેડબ્રહ્મામાં બેઠા બેઠા ય તમને કેવા આદર્શ વિચારો આવે છે ? ત્યાં જ માતાજીને પ્રાર્થના કરો કે, કોક રાજકારણીને સદબુદ્ધિ આપે.
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

13 જુઠને સફેદ જુઠ પણ કહેવાય છે, કાળું કેમ નહિ ?
- હવે તો માંગો એ રંગોમાં મળે છે, બૉસ... ખાલી કરવાનો ભાવ છે !
(ઓ. વી. સાગર, રાજકોટ)

14 ભારતમાં મંદિરો અને મસ્જીદોનો વહિવટ કરનારા બન્નેને પોતાની મિલ્કત સમજે છે ?
- છેલ્લે પ્રશ્નાર્થ કાઢી નાંખો, ભ'ઈ !
(ઈબ્રાહીમ દીવાન, મીયાંગામ-કરજણ)

15 પહેલાના જમાનામાં છોકરો છોકરીનો ફોટો જોઈને પણ લગ્ન માટે પસંદ કરી લેતો. આજ ?
- આજે એટલો બેવકૂફ નથી.
(મહેશ સી. શાહ, અમદાવાદ)

16 જો તમને વ્યંઢળોના સમાજમાં પ્રવચન આપવાનું આવે તો સંબોધનમાં શું કહો ?
- મારી સમજ મુજબ, સમાજનો આ પણ સન્માન્નીય વર્ગ છે.
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

17 પહેલાના જમાનામાં પત્ની શા માટે પતિનું નામ દઈને ન બોલાવતી ?
- એને એના કામમાં રસ હોય, નામમાં નહિ !
(જયેશ અંતાણી, ભાવનગર)

18 ફાંસી પહેલા અંતિમ ઈચ્છા કેમ પૂછાય છે ?
- બોલો. તમારી ઈચ્છા બોલો.
(દિનેશા મોદી, પાટણ)

19 ફિલ્મોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ રાજ કપૂર કે સત્યજીત રેની જેમ મૃત્યુ સમયે જ કેમ અપાય છે ?
- એટલે જ મને નથી મળતો.
(સાધના નાણાવટી, જામનગર)

20 તમારા પત્નીનું સાચું નામ તમે કેમ લખતા નથી ?
- તમારા વિનયની કદર કરૂં છું કે, એવું નથી પૂછ્યું કે, 'તમારી સાચી પત્નીનું ખોટું નામ કેમ લખતા નથી ?' જય હો.
(ડૉ. મીનાક્ષી નાણાવટી, જૂનાગઢ)

21 મારા સવાલમાં મારી અટક 'દેશપાડે'ને બદલે 'દેસાઈ' લખી છે.
- માણસોને ઉકલે એવા અક્ષરો કોઈ દેશપાડે પાસે કઢાવી સવાલ લખાવશો.
(અરવિંદ દેશપાંડે, વિજલપુર)

22 સાચા સંતપુરૂષની પરખ શું ?
- આ સવાલ સંતપુરૂષને જ પૂછાય. તમારામાં એ પરખ છે.
(સુમન વકુકૂળ, રાજકોટ)

23 પાનેતર લાલ રંગનું જ કેમ હોય છે ?
- પુરોહિત તમે છો ને પૂછો છો મને !
(સંધ્યા ડી. પુરોહિત, અમદાવાદ)

24 ડિમ્પલ કાપડીયા વિધવા થયા પછી આશ્વાસન માટે તમે એમને અમદાવાદ બોલાવ્યા હતા ?
- અમારામાં અમારે જવાનું હોય... ત્યાંથી ન બોલાવાય !
(અરૂણકુમાર વ્યાસ, અમદાવાદ)

25 રાજકારણીઓના સફેદ કપડાંનું રહસ્ય શું ?
- ઈન ઘેટ કેસ... તમને એમના કપડાં દેખાય છે ખરા...! ગૂડ.
(અશોક અરોરા, આણંદ)

26 મોટી ઉંમરનાં પુરૂષને મહિલા સાથે દોસ્તી હોય, છતાં એને 'બૉયફ્રેન્ડ' કેમ કહેવાય છે ?
- તમે.. આમ.. અમને બધાને.. લલચાવો નહિ...! કોઈ પંખો ચાલુ કરો.
(તુલસીભાઈ ભાટીયા, મુંબઈ)

24/08/2013

'ખાનદાન' ('૬૫)

ગીતો
૧. બડી દેર ભયી નંદલાલા, તેરી રાહ તકે બ્રીજબાલા.... મુહમ્મદ રફી-સાથીઓ
૨. ઓ બલ્લે સોચ કે મેલે જાના, સારા શહર તેરા દીવાના.... આશા-રફી-સાથીઓ
૩. નીલગગન પર ઊડતે બાદલ આ, આ, આ.... આશા ભોંસલે-રફી
૪. આ ડાન્સ કરે, થોડા રોમાન્સ કરે, નગર નગર મેં.... આશા-મુહમ્મદ રફી
૫. કલ ચમન થા, આજ એક સહરા હુઆ, દેખતે હી દેખતે યે.... મુહમ્મદ રફી
૬. તુમ્હીં મેરે મંદિર, તુમ્હીં મેરી પૂજા, તુમ્હીં દેવતા હો.... લતા મંગેશકર
૭. મેરી મિટ્ટી મેં મિલ ગઈ જવાની હાય.... આશા ભોંસલે- ઉષા મંગેશકર
૮. તુ હો કે બડા બન જાના, અપની માતા કા રખવાલા.... મુહમ્મદ રફી

ફિલ્મ : 'ખાનદાન' ('૬૫)
નિર્માતા : વાસુ મેનન
નિર્દેષક : એસ. રામનાથન
સંગીત : રવિ
ગીત-સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : નૉવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : નૂતન, સુનિલ દત્ત, મુમતાઝ, પ્રાણ, ઓમપ્રકાશ, લલિતા પવાર, સુદેશ કુમાર, મોહન ચોટી, હેલન, જીવનકલા, મનમોહનકૃષ્ણ, સુલોચના ચેટર્જી, રવિકાંત.





એ વખતે ચૅન્નઈ નહિ, મદ્રાસ કહેવાતું અને ગુજરાતીઓ મદ્રાસમાં બનેલી હિંદી ફિલ્મો જોવા આંખ મીંચીને જતા... સૉરી, જતા આંખ મીંચીને પણ જોતા આંખો ખોલીને! કારણ કે, અપવાદોને બાદ કરતા મદ્રાસની બધી ફિલ્મો સામાજીક અને સુંદર પણ હતી. આપણા જ ઘરની વાત હોય. પ્રૉડક્શન પણ મુંબઈની ફિલ્મો કરતા ઊંચું અને ખર્ચાળ. વળી, સિલ્વર-જ્યુબિલીની તો સમજો ને, ગૅરન્ટી જ હોય. એટલે મુંબઇમાં ગમે તેટલો મોટો સ્ટાર હોય, મદ્રાસની ફિલ્મમાં કામ કરવા મળે, એટલે ધન્ય થઈ જતો. એ સમયમાં મદ્રાસની એવીએમ, વાસુ મૅનનની વાસુ ફિલ્મ્સ કે જેમિનીની ફિલ્મો દેશભરમાં વખણાતી ને એમાં ય 'ખાનદાને' તો સિલ્વર જ્યુબિલીથી ય ઘણો વધારે ધંધો કર્યો હતો. હમણાં આઈપીએલ-ક્રિકેટમાં ચૅન્નઈના શ્રીનિવાસનનો જમાઈ મયપ્પન પકડાયો હતો, તે આ 'ઍવીએમ' એટલે કે એ.વી. મયપ્પનનો પૌત્ર થાય. આમે ય, જોડી નૂતન-સુનિલ દત્તની હોય એટલે ફિલ્મ મદ્રાસમાં બની છે કે મુંબઈમાં, એ કોઈ જોવાની જરૂર પડતી નહિ. ઇન દોનોં કા... સિર્ફ નામ હી કાફી થા!. આ બન્નેની ફિલ્મ બહારના સમાજમાં પણ છાપ અત્યંત સાત્વિક અને પવિત્ર. પર્સનલ લાઇફમાં ય આ બન્ને પોતપોતાનું પુરૂં સ્વચ્છ જીવન જીવ્યા છે ને એમાં ય એમની સાથે સ્વ.પ્રાણ હોય, પછી તો કેવી જમાવટો થઈ હોય? પ્રાણ સાહેબની છેલ્લી વર્ષોની ફિલ્મો જોનાર નવી પેઢીના દર્શકોને તો એ ય ખબર નહિ હોય કે, એક જમાનામાં એ ઘણો ઘાતકી વિલન હતો. સરસ મજ્જાની ફિલ્મ ચાલતી હોય ને પ્રાણ આવે, એટલે હીરો-હીરોઇન જ નહિ. પ્રેક્ષકોની ય હવા નીકળી જતી કે, ''આ ક્યાં આયો...? હમણાં કાંઈ હાંધાહલાડા કરશે... હમણાં હીરોઇનની લાજ લૂંટાશે... હીરોલોગ પ્રાણની ધોલાઈ હંમેશા ફિલ્મના અંતે કરતા, પણ ત્યાં સુધી પ્રાણનો દબદબો ઠસ્સાદાર રહેતો. ખલનાયકીમાં કૉમેડી એનો યુએસપી હતો... યુએસપી એટલે 'યુનિક સૅલિંગ પોઇન્ટ', એટલે ગ્રાહકને તરત જ આકર્ષી લે, એવી કરામત. 'ખાનદાન'માં પ્રાણ પોતાની ખાનદાની અભેરાઈ ઉપર ચઢાવી દે છે અને નૂતન-સુનિલ દત્તના લોહીઓ પી જાય છે.

વાસ્તવિક જીવનમાં આ જ પ્રાણ સાહેબે આપણા શરીરોમાં લોહી ભરી આપવાના અભિનયો કર્યા હતા. એના કે એની પહેલા-પછીના એકેય વિલનમાં પ્રાણ જેવો અભિનય કોઈ આપી શક્યું નથી, એ તો સહુ સ્વીકારે છે. યાકુબ, જીવન, કે.એન. સિંઘ, અજીત, મદન પુરી, અમરીશ પૂરી, રહેમાન, પહેલાનો વિનોદ ખન્ના અને શત્રુઘ્ન સિંહા... કોઈ ઊભા રહી ન શકે પ્રાણ સાહેબની ખીજ ચઢાવતી ખલનાયકી સામે. એ વાતની તો સહુને જાણ છે કે, પ્રારંભની કોઈ ૩-૪ ફિલ્મોમાં શત્રુઘ્ન સિંહા સફળ થયો, એમાં તો નિવેદનો આપવા માંડયો કે, ખલનાયકીમાં મેં પ્રાણની છુટ્ટી કરી દીધી છે, ત્યારે કોઈ સહૃદયીએ સામે કટાક્ષ કર્યો હતો, ''પ્રાણ સાહેબે જેટલા વર્ષો ફિલ્મનગરીમાં કાઢ્યા, એટલા કાઢી તો બતાવ...!'' ગણત્રીઓ માંડીએ તો શત્રુઘ્ન એટલા મહિનાઓ ય કાઢી શક્યો નહિ. બોલીને બફાટો કરવામાં આજકાલ કોંગ્રેસના દિગ્વિજયસિંહનું નામ છે. તો સામે શત્રુઘ્ન દિગ્ગીથી ય વધુ બેવકૂફ લાગી શકે છે. બહુ હસી પડતા, પણ આજકાલ આવેલી એની દીકરી સોનાક્ષી સિન્હા પાસે ય એણે બોલાવ્યું હતું, ''મારા પાપા આજે ય સુપરસ્ટાર છે.''

મતલબ, આ બધું ખાનદાનમાંથી જ આવે. નૂતન-સુનિલ દત્ત-પ્રાણની ફિલ્મ 'ખાનદાન' એના અર્થપૂર્ણ દિગ્દર્શન ઉપરાંત મધુર સંગીત અને નૂતન-પ્રાણના બેમિસાલ અભિનયથી આજે પણ સહુને યાદ છે. સુનિલ દત્ત થોડો નહિ, પણ ઘણો નબળો ઍક્ટર હતો, સિવાય કે ડાકુ અથવા ગુસ્સાવાળા ગોરધનનો રોલ કરવાનો હોય ત્યાં એ એના સમકાલીનો કરતા ય ઘણી ફિલ્મોમાં વધુ સારો ઍક્ટર જણાયો હતો. મધર ઈન્ડિયા, મુઝે જીને દો, યે રાસ્તે હૈ પ્યાર કે જેવા રોલ ઑફર કરતી ફિલ્મોમાં સુનિલ બેશક પ્રભાવશાળી લાગે, બાકી તો મેહમુદની ધોધમાર સફળ ફિલ્મ 'પડોસન'ની એક માત્ર નબળી કડી સુનિલ દત્ત હતો કે નહિ? દારાસિંઘ સૂટ પહેરવાથી જેવો લાગે એમ સુનિલ દત્ત કૉમેડી કરવામાં લાગતો. સુઉં કિયો છો? મુમતાઝ નવી નવી તો કાંઈ નહોતી, પણ આ ફિલ્મની સાઇડ હીરોઈન બનવા પાછળ એની ઘણી મશક્કત જોડેલી હતી. મૂળ દારાસિંઘની ફિલ્મોની આ હીરોઇન આગળ જતા કેવી આધારભૂત હીરોઇન બની ગઈ!

આલ્ફ્રેડ હિચકોકની એક ફિલ્મ 'નોર્થ બાય નોર્થ વેસ્ટ'માં હીરો કૅરી ગ્રાન્ટને હિચકોકે આખી ફિલ્મમાં સ્ક્રીન પર ડાબી બાજુએ ઊભેલો જ બતાવ્યો છે. ભાગ્યે જ કોઈ દ્રશ્યમાં એ આપણી જમણી તરફના પડદા પર દેખાય. એ જ રીતે, ડેવિડ લીનની મહત્વાકાંક્ષી ફિલ્મ 'લૉરેન્સ ઑફ અરેબીયા'માં... અત્યારે તમારા માનવામા પણ નહિ આવે, પણ આખી ફિલ્મમાં તમામ પાત્રો સ્ક્રીન ઉપર ડાબેથી જમણી તરફ જતા જ દેખાય છે. એકાદો અપવાદ હોઈ શકે, પણ ફિલ્મનું એક એક પાત્ર પશ્ચિમથી પૂર્વ તરફ જતું દેખાય. આપણી ફિલ્મ 'ખાનદાન'ના દિગ્દર્શકે ય આવું કંઈક કર્યું છે. ફિલ્મના હીરો-હીરોઇન હોય કે, અન્ય પાત્રો, કોઈનો કૅમેરામાં ક્લૉઝ-અપ શૉટ બતાવાયો નથી. ઓમપ્રકાશનો ચેહરો એક વખત પૂરતો આખી સ્ક્રીન રોકે છે ખરો, પણ એય ક્લૉઝ-અપ નહિ... છાતી સુધીનો!

'ખાનદાન' વધુ જાણીતું થયું એના ૩-૪ મધુરા ગીતોથી. આપણાવાળો એ તો જમાનો જ એવો હતો કે, ફિલ્મ બંડલ ચાલી જાય, સંગીત સદાબહાર જોઈએ. એવી અગણિત ફાલતુ ફિલ્મો છે, જેના ગીતો સાદ્યંત યાદ છે, પણ ફિલ્મમાં શું હતું, ઍક્ટરો કોણ હતા... ઈવન આપણે જોયું હતું કે નહિ, તે પણ ભૂલી ગયા હોઈએ, પણ સંગીત સુહાનું હોય તો બાકીનું બિલ માફ!

રવિ બેહરીન સંગીતકાર હતા, એ તો એમના દુશ્મનને ય સ્વીકારવું પડે... ખાસ કરીને મુહમ્મદ રફી પાસેથી સદાબહાર કામ લેવા અંગે. રવિએ મને જ કીધેલી વાત છે કે, રોજ સવારે ઍક્ઝેક્ટ દસ વાગે રફી સાહેબ મારા ઘરે આવી જ જાય. દસમાં પાંચ મિનીટ પણ આઘાપાછી નહિ. એમાં મુંબઇના ટ્રાફિક કે લાંબા અંતરનું બહાનું નહિ. આ ફિલ્મ 'ખાનદાન'માં રફી પાસે ગવડાવેલા બે ગીતો આજ સુધી લાંબા ચાલ્યા તો નહિ, પણ મારા જેવા જેમણે પણ રફી નામની માળા પહેરી છે, એ સહુને રફીના બે ગીતો, ''કલ ચમન થા, આજ એક સહેરા હુઆ, દેખતે હી દેખતે યે ક્યા હુઆ' અને 'તુ હો કે બડા બન જાના, અપની માતા કા રખવાલા...'માં રફી પૂરબહારમાં મીઠા લાગ્યા છે. બન્ને ગીતોની મીટરલૅસ સાખીમાં એમના કંઠની વેદના પારખી શકાય છે, તો બીજી બાજુ રવિને શતશત પ્રણામ કરવા પડે, લતાએ નૂતન માટે ગાયેલા, 'તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હીં દેવતા હો...' કેવળ નૂતન ઉપર જ સારું લાગે અને લાગ્યું છે. પોતાના હાથ-પગે અપંગ પતિની લાચારીને ખાળવા આદર્શ પત્ની નૂતન પતિનો જુસ્સો બુલંદ કરવા, પતિ જ એનું સર્વસ્વ છે, એ સાબિત કરવા આવું અર્થસભર ગીત ગાય છે. નૂતનને બદલે આજની કોઇપણ હીરોઇન ઉપર આ ગીત ધારી જુઓ. પ્રિયંકા ચોપરા પાસે આ ગીત ભજવાયું હોય, તો હિંદુસ્તાની સાડીને બદલે એણે ઢીંચણથી ઉપરનો ચડ્ડો પહેર્યો હોત ને લી-વાયની જર્સી પહેરીને પતિના ચરણોમાં માથું મુકીને આ ગીત ગાવાને બદલે સ્વિમિંગપૂલમાં અડધા ભીનાં શરીરે 'તુમ્હી મેરે મંદિર...' ગાયું હોત! જે શી ક્રસ્ણ.સૉફ્ટ ગીતો બનાવવામાં રવિ એમના ગુરૂ હેમંત કુમારના પરફૅક્ટ પગલે ચાલ્યા. આ ફિલ્મમાં ક્યાંય ઇંગ્લિશ-ધૂન પર ગીત બનાવવાનું આવે, એટલે કલ્યાણજી-આણંદજીની માફક એમના મોતીયા મરી જતા. ધૂન દેસી હોય અને બોંગો-કોંગો, ડ્રમ્સ, ગીટાર કે ઍકોર્ડિયન જેવા વાજીંત્રો વગાડી લો, એટલે ''એમની સમજ મુજબ'' ઈંગ્લિશ ધૂન તૈયાર. આ હૂન્નરના અસલી કારિગર તો દાદા હતા... સચિનદેવ બર્મન. રાજીન્દર કિશને 'ખાનદાન'ના ગીતો લખ્યા છે. સંવાદ પણ એમના જ. ક્યારેક આઘાત લાગે કે, આ માણસ રંગમાં આવે ત્યારે સાહિર લુધિયાનવીની કક્ષાનું લખી શકતો અને એના અનેક પ્રમાણો આપ્યા છે. 'ખાનદાન'માં તો ખૈર... સંવાદોમાં કોઈ ચમત્કૃતિ નથી અને બે-એક ગીતમાં શબ્દો સારી કક્ષાએ પહોંચું-પહોંચું કરે પણ છે, પણ બાકી બહુ કૅઝ્યુઅલ માણસ હતો આ. ફાલતુ ગીતો લખવામાં એણે હસરત-મજરૂહોને ય પાછળ રાખી દીધા હતા. પેલા બન્નેમાં તો મૂળભૂત રીતે જ સત્વ નહોતું, એટલે કે લોકો તો ફાલતુ જ લખી શકે. રાજીન્દરનું સાવ એવું નહોતું. એ બેશક સમર્થ હતો, પણ આ પ્રોફેશનને બહુ કૅઝ્યુઅલી લીધો હશે. એ સિગારેટ બહુ પીતા ને મનમાં આવે ત્યારે ગાડીમાં બેઠા બેઠા સિગારેટના પાકીટ ઉપરે ય ગીતનું હમણાં સૂઝેલું મુખડું લખી નાંખે. ફિલ્મ 'શરાબી'ના રફીના 'સાવન કે મહિને મેં, લગતી હૈ તો પી લેતા હૂં...' ગીત મદન મોહન સાથે દારૂ પીતા પીતા - ચઢેલી અવસ્થામાં - લખી નાખ્યું હતું. ઘણા લોકો આમાં પાછા રાજી થૈ, ''અરે સાહેબ, કેટલો શીઘ્ર કવિ...? દારૂ પીતા પીતા આખું ગીત લખી નાખ્યું, બોલો!'' તારી ભલી થાય ચમના... શેર'ઓ શાયરી આટલી આસાન લેવા જેવી બાબત નથી. ગાલિબ જેવા ગાલિબ પણ એક વખત લખેલી ગઝલ અનેકવાર મઠારતા, યાર દોસ્તોને વંચાવી જોતા ને છેલ્લે પોતે જ કન્વિન્સ ન થાય તો મેહફીલમાં એવી ગઝલ મૂકતા પણ નહિ. સાહિત્ય સિગારેટના ખોખા ઉપર લખી નાંખ્યવાનો ખેલ નથી. આ જ ફિલ્મ 'ખાનદાન'નું નીલગગન પર ઉડતે બાદલ, આ, આ, આ... દેખ અભી હૈ કચ્ચા દાના પક જાયે તો ખા...' દેખાવમાં કેવું રસમધુરૂં ગીત લાગે છે? પણ સાહિત્યની થોડીઘણી સમજ હોય તો આંચકા લાગે કે, ઉડતા વાદળો કહી દીધું, ત્યાં વાત પતી ગઈ... એમને નીલગગનમાં કહેવાની જરૂર જ ક્યાં છે? છોકરૂં ય જાણે છે કે, વાદળો ગગનમાં જ ઊડે, આપણી પોળો કે સોસાયટીઓમાં ઊડવા ન આવે. વળી, ઊગાડેલું અનાજ વાદળોને ખાવા માટે ટૅકનિકલ કે સાહિત્યિક ઑફર કોઇ કાળે સમજાતી નથી. વાદળોને પ્રતિકાત્મક બનાવીને પક્ષીઓને આ ઑફર કરાઈ હોય, એ ય શક્ય નથી કારણ ખેડૂત પક્ષીઓને ભગાડતો હોય છે, સામે ચાલીને 'આવ... આવ... મારી પથારી ફેરવ અને મેં ઊગાડેલું બધું અનાજ ખા... એવી બેવકૂફી કરતો નથી. રાજીન્દર કિશનના શબ્દો જેવી જ ફિલ્મની વાર્તા કંઈક આવી હતી :

પિતા રામસ્વરૂપના અવસાન પછી ઓમપ્રકાશ અને શંકર મનમોહનકૃષ્ણ નામના બે ભાઈઓ પાસે ખેતર, જમીન અને મકાનોની અઢળક સંપત્તિ હતી અને બન્ને સંપથી રહેતા હતા. ઓમની પત્ની લલિતા પવાર છે અને મનમોહનની સુલોચના ચૅટર્જી. ઓમને કોઈ સંતાન નથી, પણ મનને સુનિલ દત્ત અને સુદેશ કુમાર નામના બે પુત્રો છે. સુદેશ બહારગામથી આવે છે, ત્યારે ઘરમાં મોટા ડખા શરૂ થઈ ગયા હોય છે. લલિતાનો ભત્રીજો સિંગાપુરમાં ચોર-ઉચક્કો નવરંગી (પ્રાણ) એની બહેન મુમતાઝ અને નોકર મોહન ચોટીને લઈને આ લોકોના ઘરમાં રહેવા આવી જાય છે અને બે મકાન અને ઘર જૂદા કરાવે છે. સુનિલ નાનપણમાં ઈલૅક્ટ્રીક-કરન્ટ લાગવાથી હાથે-પગે અપાહિજ હોય છે. બહારગામ ભણીને ગામડે પાછા આવેલો સુદેશ કુમાર પ્રાણની બહેન મુમતાઝના પ્રેમમાં પડયો હોવાથી, માંડમાંડ ઘર છોડવા તૈયાર થયેલી આ ટોળકીને જવા દેતો નથી અને ઘરની બર્બાદી શરૂ થાય છે. પ્રાણે લલિતાને ઉલ્લુ બનાવીને મોટી રકમ મારી લીધા પછી શહેરમાં જઇને સર્કસ શરૂ કરે છે, એમાં ખોટ જતા બનેવી સુદેશ કુમાર પાસેથી એની ઑફિસના પૈસા પરાણે લઈને ઊડનછૂ થઈ જાય છે. આ પૈસાથી એ દસ હજારમાં હાથી ખરીદે છે, જે નાના બાળકોને હવામાં ઉછાળી પોતાની સૂંઢમાં પાછો કૅચ કરી લે છે. આ માટે પ્રાણને બાળકો મળતા નથી, એટલે સુનિલ દત્તના બાળકને ઉઠાવી જાય છે. એની પત્ની નૂતન સાથે સુનિલ બાળકને છોડાવે છે, પણ એની ધમાચકડીમાં સુનિલને ફરી કરન્ટ લાગે છે, એમાં હાથ-પગ ફરી પાછા તંદુરસ્ત થઈ જાય છે અને બન્ને કુટુંબો ભેગા થાય છે. બહુ ફાલતું વાર્તા હતી. મેલોડ્રામાં બનાવીને કે ગળે ન ઉતરે એવી ઘટનાઓ બતાવીને આ ફિલ્મને પારિવારિક ટચ આપવાનો પ્રયાસ હિણો ઉતર્યો છે. વડોદરાના જીએસએફસીના ડૅ.મૅનેજર શ્રી. હરેશ જોશી ખાસ કરીને મુહમ્મદ રફી અને પ્રાણના ડાયહાર્ડ ફેન છે. આ ફિલ્મમાં એમના બન્ને ચહિતાઓ પૂરજોશ ખીલ્યા હોવાથી મને 'ખાનદાન'ની ડીવીડી મોકલાવી. મેં ૬૫-માં જ પહેલી અને છેલ્લી વાર આ ફિલ્મ અમદાવાદના નોવેલ્ટીમાં જોયેલી ને આ ફરી જોઇ. પ્રાણે મોટી કમાલો કરી છે. એમની ખલનાયકીમાં બહુ ઓછાનું ધ્યાન પડયું હશે કે, શરીરને સુદ્રઢ રાખવામાં પ્રાણ કોઇ હીરોથી કમ નહોતા. કપડાં તો ખુબ શોભતા અને હાવભાવ વિલનના હતા, ચેહરો કોઇ હીરોથી કમ નહોતો. ''ખાનદાન''માં દિગ્દર્શકે એને ચિત્રવિચિત્ર કપડાં પહેરાવ્યા છે. ચાર્લી ચેપ્લિન-કટની મૂછો અપાવી છે, પણ પ્રાણ અજીબોગરીબ કલાકાર હતા. એ કોઇ પણ ગેટઅપમાં ખીલી ઉઠે. છેલ્લી વાર અમદાવાદ આવ્યા ત્યારે સ્ટેડિયમની સ્પોર્ટર્સ ક્લબમાં હું રવિને મળ્યો ત્યારે રફી સાહેબનો એક મજ્જાનો કિસ્સો કીધો હતો, મુંબઇમાં ''રવિ નાઇટ''માં રફી સાહેબ કોઇ ગીત ગાઇ રહ્યા હતા. સ્થાયી એટલે કે ગીતનું હજી મુખડું પૂરૂં થયું અને ઇન્ટરલ્યુડ મ્યુઝિક શરૂ થયું, ત્યાં જ રફી સાહેબને અચાનક રવિનું ફિલ્મ ''અપના બના કે દેખો''નું બહુ મધુરીયું ગીત, ''રાઝ- એ- દિલ ઉનસે, છૂપાયા ન ગયા, એક શોલા ભી દબાયા ન ગયા...'' યાદ આવ્યું અને ગાવાનું મન થયું. એમણે સ્ટેજ પર જ બાજુમાં ઊભેલા રવિને પોતાની આ ઇચ્છાની વાત કરી. રવિ મૂંઝાયા કારણ કે, કોઇપણ સ્ટેજ પ્રોગ્રામોમાં અચાનક તમે કોઇ ગીતની ફર્માઇશ કરો અને સંગીતકારો એ ગીત વગાડી શકે, એવું ન બને. એ ગીતના સ્વરાંકનો પાસે હોવા જરૂરી છે. રવિએ ના પાડી, એની સાથે જ ચાલુ ગીત પુરૂ થતા જ મુહમ્મદ રફીએ, ''રાઝે દિલ...'' શરૂ પણ કરી દીધુ. ધેટ્સ ફાઇન, રવિ ય સંગીતકાર હતા એટલે જેમ તેમ કરીને મ્યુઝીક તો ગોઠવી લીધું પણ, ખુદ રફી સાહેબ ગીતના અંતરાના શબ્દો ભૂલી ગયા (''પહેલે પહેલે તો મુઝે, વો સમઝ ભી ન સકે, દિલ કો તડપાતે રહે...'') મૂંઝાયા. રવિના કાનમાં પૂછ્યું, ''હવે શુ કરવું ?''પેલા શું જવાબ આપે ? પણ આ ય રફી સાહેબ હતા. મૂળ ગીતના શબ્દો યાદ ન આવ્યા, પણ એ વખતે જહેનમાં રાજ કપૂરની ફિલ્મ ''શ્રી ૪૨૦''ના 'મેરા જૂતા હૈ જાપાની'ના શબ્દો યાદ હતા. જરા ધ્યાનથી વાંચો.. રફી સાહેબે ''મેરા જૂતા હૈ..''ના શબ્દો ''રાઝે દિલ..''ના અંતરામાં જાતે ગોઠવીને ગાઇ નાંખ્યા...! માય ગોડ.... સાંભળનારા તો કેવા પાગલ થઇ ગયા હશે...?

(સ્પષ્ટતાઃ- ફિલ્મ 'શોર'ના રીવ્યૂમાં જયા ભાદુરીનો ઉલ્લેખ શરતચૂકથી રહી ગયો હતો. એ જ રીતે, એ ફિલ્મમાં જીવન ચલને કા નામ...'ગીતમાં ગાયિકા શ્યામા ચિત્તારનો ઉલ્લેખ ય છે, પણ શ્યામાનો કંઠ 'પાની રે પાની તેરા રંગ કૈસા...'ગીતમાં નથી.)

21/08/2013

હોટલની બહાર

તે આમે ય અંદર થોડી ભીડ હતી, એટલે ડિનર માટે મારે વેઇટિંગ લાઉન્જમાં બેસીને રાહ જોયા વિના છૂટકો નહતો. હવે વેઇટિંગ લાઉન્જ તો માય ફૂટ... મોટા ભાગની હોટલોવાળા ગ્રાહકોને બહાર રોડ પર એમની ફૂટપાથો પર બેસાડી રાખે છે. માંગણ બેઠા હોય એવું લાગે ! આમે ય, દેખાવમાં હું કોઈ કરોડપતિ નથી લાગતો, એટલે જોનારા મને માંગણ સમજી ન બેસે અને હજી પેલી આવી નહોતી એટલે, કોઈ જોઈ ન જાય એનું ય ધ્યાન રાખવાનું !

હોટેલોમાં રવિવારે લંચ- ડિનર માટે અંદર કરતા બહાર રાહ જોઈને બેઠેલાઓની ભીડ વધારે હોય છે. એ લોકો જમવા આવ્યા હોય છે ને અંદરવાળા બહાર ન નીકળે ત્યાં સુધી બહાર લાચાર મોંઢે બેસી રહેવું પડે છે. ઓડકારો ખાતું, હવે માંડ માંડ ચાલી શકતું અને વરિયાળીના ફાકડા મારતું એક ફેમિલી જમીને બહાર નીકળે, એટલે ટેબલ-ફેન ડાબેથી જમણે માથું ફેરવે, એમ બધા માંગણોના મોંઢા એની સામે ફરે, 'હવે આપણો નંબર આવશે', એ લાલચે ! રીઝલ્ટ સારું ન આવે, એટલે બધા પંખા પાછા અસલસ્થાને !

'ઘર કરતા સારી રસોઈ જમવાનો મારો જન્મસિદ્ધ અધિકાર છે,' એવું સમજતો હરએક ગોરધન મહીં જઈને તૂટી પડતો હોય છે. લંચ- ડિનરમાં અંદર જતી વખતે જે તરવરાટ, જુસ્સો અને ભૂખની મજબૂરી હોય છે, તે જમી લીધા પછી શહેનશાહીમાં ફેરવાઈ જાય છે. સાલાઓ ચાલી શકતા ન હોય, હોઠ નીચે વરિયાળા ચોંટયા હોય ને આપણે બહાર બેઠા હોઈએ ને જતા જતા આપણા હાથમાં પાઈ-પૈસો મૂકતા તો નહિ જાય ને, એવી બીકો લાગે !

આવા કોઈ ૧૫- ૨૦ ભુખાવડાઓ મારી આજુબાજુમા બેઠા હતા. કચ્ચી કચ્ચીને ભૂખો લાગી હોય, એમાં મોંઢા ફુસ્સ થઈ ગયા હોય. થોડી થોડી વારે એકબીજાની સામે વગર કારણે જોયે રાખે છે. આપણાથી તો એમની સામું ય ન જોવાય... ભૂખના ઝનુનમાં આપણા ગાલે બચકું ભરી લે, એવા ઝનૂની થઈ ગયા હોય. એક જણ અકળાયેલો હતો. મને પૂછ્યું, 'જમવા આયા છો...?'

'ના... હું તો અહીં રોટલી વણવા આયો છું...!'

તારી ભલી થાય ચમના... હું આજે સારા કપડાં પહેરીને ડિનર લેવા હોટલની બહાર લાઇનમાં બેઠો છું, મારું મોઢું તરડાઈ ગયુ છે, જેની રાહ જોઈને બેઠો છું, એ હજી આઇ નથી, એમાં તને ખબર પડતી નથી કે, હું અહીં જમવા જ આવ્યો હોઈશ... હોટલના વાસણ માંજવા નહિ !

છતાં ય હું માણસ તો ખરો ! (આ અંગે ડાઉટ હોય, એમણે દિન-૭માં અરજી કરવી !)

મેં મારો ઉપરનો જવાબ છેકી નાંખીને નવો આપ્યો, ''જી. હું જમવા આવ્યો છું... આપ ?''

એણે આજુબાજુમાં બેઠેલું અને જે કાંઈ વધ્યું- ઘટયું ફેમિલી બેઠું હતુ, એ બતાવીને કહ્યું, ''હા, અમે પણ ડિનર લેવા જ આવ્યા છીએ, પણ કલાક થઈ ગયો... હજી નંબર નથી આવ્યો. હજી ૭૫મો નંબર ચાલે છે. તમારો કયો નંબર છે ?''

આ વિગતોમાં પડવા જેવું હતું નહિ. ઢીંચણ ઉપર મારા બન્ને હાથની પક્કડ બનાવીને હું એકાગ્રતાથી બેઠો રહ્યો. જૂનાગઢ બાજુ મને જોનારાઓનું કહેવું છે કે, આ પોઝમાં બેઠા પછી હું નેપોલિયન બોનાપાર્ટ જેવો લાગું છું. પણ આપણને એનું અભિમાન નહીં. આજુબાજુની પબ્લિકને જોઈને મન વ્યથિત થઈ જતું હતું કે, ભૂખાવડાઓ અહીં લાઇનમાં બેસીને રાહ જોવાને બદલે ઘેરથી જમીને જ આવતા હોય તો ?

આકરૂં તપ કરવા બેઠેલા દુર્વાસા ઋષિનું ધ્યાનભંગ કરવા મેનકા નામની અપ્સરા આવી હતી એમ એક અપ્રતિમ સુંદરી મારો ભૂખભંગ કરવા આવી. (અશોક દવે, મેનકા દુર્વાસા પાસે નહિ, વિશ્વામિત્ર પાસે ગઈ હતી... ઇતિહાસનું જરી ધ્યાન રાખો...!)

સ્ટુપિડો જેવી વાત ન કર, વાચક ! અહીં જગતભરની સર્વોત્તમ સુંદરી મને સ્માઇલ આપવા આવી હતી, એ વખતે હું ઇતિહાસના શિક્ષકના ટયુશનો લેવા જઉં ? અને હજી મારી ખુદની વાઇફ આવવાની બાકી હતી, એ ખૌફ શું મારે ભૂલી જવાનો... ? (જવાબ : એ તો સહેજ પણ ન ભૂલાય... આવે વખતે ધ્યાન મેનકામાં જ પરોવવાનું હોય ! જય અંબે !)

''એક્સક્યૂઝ મી...'' ભૂખનું ય દુઃખ ભૂલાવે, એવા કોઈ મીઠડા સ્વરે મારા કાન ઉપર ઇયર-બેલ દબાવી (ડોરબેલ દરવાજાને હોય !) આહહહહ... ! ઉંમર તો કોઈ ૨૫- ૩૦થી પંદર સેકંડે વધુ નહિ હોય ને હોય તો ય, આપણે કેટલા ટકા ? અહીં હજી રોમાન્સ શરૂ થઉ- થઉ કરતો હોય ત્યાં હું વસ્તી ગણત્રી કારકુન વર્ગ-૩ બની જાઉં ? કોઈ પંખો ચાલુ કરો ! આવતા જન્મે આને બહેન બનાવવી, એવી ખેલદિલી ઊભી કરી આપે એવી એક સુંદર યુવતી એના આઠેક મહિનાના બાળકને તેડીને મારી પાસે આવી. આમ મારા સ્માઇલો સાબરકાંઠા, બનાસકાંઠા ને ઘીકાંટા બાજુ બહુ વખણાય છે. એમાંનું એક કોઈ લેતું નહોતુ, એ આલ્યું.

સામે પણ એવું જ સ્માઈલ મળ્યું, એ આપણી આવનારી આત્મકથાનો એક ભાગ બને !

''યસ...બોલો બેન....'' આવા કિસ્સાઓમાં 'બહેન' બોલવાનું ખરૂં, પણ મનથી એવા નબળા સંબંધો બાંધી નહિ દેવાના...બા ખીજાય !

''સર, ઈફ યૂ ડૉન્ટ માઈન્ડ...બસ, બે-ત્રણ મિનિટ માટે મારા બાબાને સાચવશો. હું ગાડી પાર્ક કરીને જ આવું છું.''

''ઓહ શ્યૉર શ્યૉર શ્યૉર...તમતમારે નિરાંતે આવો...''

''બાબાનું નામ ઝૂન્નુ છે.''

''અરે ઝૂન્નુ ગયો એની--'' આટલું સ્વગત બોલીને મેં કહ્યું, ''અરે એમાં શું....આનો કોઇ ભાઇ-બાઇ હોય તો ય લેતા આવો ને....!''

એ તો ગઇ. એને જતી જોવી પણ એક લહાવો હતો. દેખાતી બંધ થાય, એટલે આપણે મૂળ ધંધા ઉપર ધ્યાન આલવું પડે. મેં એના ઝૂન્નુની દાઢી ઉપર આંગળી દબાવીને, 'ગુલુગુલુગુલુ' કર્યું. સાલાએ સામો કોઇ જવાબ ન આપ્યો. આપણને એમ હોય કે, એ ય આપણી દાઢી દબાવીને આપણને આવું 'ગુલુગુલુગુલુ' કરે, પણ ઝૂનીયાના બાપે સારા સંસ્કાર આપ્યા હોય તો ને ?

થોડી વાર થઇ, પેલી આવી નહિ. આ બાજુ મારો જમવાનો વારો આવી ગયો. આપણાથી જવાય નહિ ને જઇએ ને પેલી પાછી આવે, આપણને જુએ નહિ ને સાલી પૉલીસમાં ફરિયાદ નોંધાવે તો 'માસુમ બાળકના અપહરણમાં પકડાયેલા હાસ્યલેખક'નું છાપામાં ફોટા સાથે ટાઇટલ આવે. મારા તો, બાળક તેડેલા ફોટા ય સારા નથી આવતા.

આ બાજુ ઝૂન્નુએ રડવાનું શરૂ કર્યું ને આ બાજુ વાઇફ આવી પહોંચી. મારા ખોળામાં રમતું બાળક નિહાળી એ ચોંકી ગઇ.

મારા ભૂતકાળ વિશે એણે અનેક દંતકથાઓ સાંભળી હતી, પણ આજે માની પણ જશે, એવું એના પહેલા સવાલથી લાગ્યું,

''અસોક...આ કોનું બારક તેઇડું છે ? ઘરમાં તો આપણાને ય તમે કોઇ 'દિ તેઇડાં નથ્થી...!!''

એની ફરિયાદ વ્યાજબી હતી, પણ મને રાહત કે બાળક એના ખોળામાં મૂકી દઉં તો હું નવરો પડું. પણ કેમ જાણે, કોઇનું પાપ માથે નહિ લેવાની એણે કસમ ખાધી હતી તે ચીડાઇ, ''પહેલાં મને ઈ કિયો કે, આ છોકરૂં કોનું છે ?''

'હર બચ્ચે કા બાપ કૌન હૈ, વો સિર્ફ ઉસ કી માં હી બતા સકતી હૈ...' એવું મેં ફિલ્મોમાં સાંભળ્યું હતું, પણ અહીં તો ઝૂનીયો મારા જ ખોળામાં હતો. એક તો ભૂખ લાગી હતી, બીજું એની માં દેખાતી નહોતી ને ત્રીજું મારી કરિયર બગાડી નાંખે, એવો મારા ઉપર આક્ષેપ. (પેલીને એક વાર જોઇ લીધા પછી, સાલો આક્ષેપ સાચો પડે તો ય આપણે તો ગેલમાં આઇ જઇએ....સુઉં કિયો છો ?)

''ઇસ બચ્ચે કા બાપ કૌન હૈ....?'' એની રમઝટ બોલે, એ પહેલા એની માં આવી ગઇ. સાથે એનો ગોરધન હતો.

ઇડિયટમાં એ સંસ્કારો નહોતા કે, કોકની પાસે બાળક સાચવવા મૂકતા જવાય કે વાઇફ સાચવવા ! ઝૂનીયાને લઇને એની વાઇફ સાચવવા આપતો ગયો હોત તો મજાલ છે કોઇની એને કોઇ હાથ બી અડાડે....? આઇ મીન, આપણા સિવાય !

બરોબર પોણા કલાક પછી એ પાછી આવી હતી, મને ભૂખ્યો રાખીને....! આમ તો શાસ્ત્રોમાં કીધું છે કે, સ્ત્રી સુંદર હોય તો એની ઉપર ગુસ્સો ન કરવો...એનો ગોરધન આઘો હોય તો વહાલ કરવું, પણ અત્યારે હું ગુસ્સામાં હતો, ''ઓ બહેન...મને આમ એકલો મૂકીને ક્યાં જતા રહેલાં ?''

''ખોટું ન લગાડશો, અન્કલ....(દાઝ્યા ઉપર ડામ....સાલી મને અન્કલ કહે છે !) ઝૂન્નુને લઇને ડિનરમાં જઇએ તો એ જમવા દેતો નથી...તમે અહીં નવરા બેઠા હતા, એટલે મેં 'કુ------''

સિક્સર
- પોતાના પ્રધાનો કે વડાપ્રધાન આટઆટલી હાંસિનું પાત્ર બને છે, તે સોનિયાજીને ખબર નહિ પડતી હોય ?
- કૂવામાં હોય તો હવાડામાં આવે !

18/08/2013

ઍનકાઉન્ટર 18-08-2013

* પ્રેમ કરતા પહેલા સામી વ્યક્તિના પરિવારનો ય વિચાર કરવો જરૂરી છે?
- લગ્ન કરવા માટે પ્રેમ કર્યો હોય તો જરૂરી છે.
(શ્વેતા જોષી, જામજોધપુર)

* અનુભવી અભણ અને બિનઅનુભવી ભણેલો... બેમાંથી કોને વધુ વિશ્વાસપાત્ર ગણવો?
- તમે સ્વ. ધીરૂભાઇ અંબાણી અને ડૉ. મનમોહનસિંહ વિશે પૂછી રહ્યા છો.
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

* મોબાઇલ અને પત્ની વચ્ચે શું ફરક?
- પત્ની બહુ 'મોબાઇલ' હોય, એ સહન ન થાય!
(હર્ષ શિવાજીરાવ પવાર, ભાવનગર)

* ભિખારીઓ પણ કહે છે, 'પાંચ રૂપીયામાં ભોજન ન મળે, છતાં કોંગ્રેસના ભિખારીઓ એક રૂપીયામાં ભોજનની વાત કેમ કરે છે?'
- આપણા દેશના ભિખારીઓની સરખામણી જેવા-તેવા ભિખારીઓ સાથે ન કરો ભાઇ!
(....)

* રૂપિયા રળવામાં પરચૂરણ થઇને વેરાઇ ગયેલા માણસ માટે તમે સુઉં કિયો છો?
- આમાં હું કાંઇ બોલી શકું એમ નથી. મારી જગ્યા પરચૂરણ વિભાગમાં આવે છે... રૂપિયામાં નહિ!
(રમેશ 'ટ્રોવા' સુતરીયા, મુંબઇ)

* છાપામાં મરનારને શ્રધ્ધાંજલિની જાહેરાતોમાં કર્યા હોય છે, એ વખાણ મુજબનું મરનાર જીવ્યો હોય છે ખરો?
- મૃત્યુની એક અદબ હોય છે, એટલે જાણતા હો, એ બધું સાચું બોલી નાંખવાનો હવે કોઇ અર્થ નથી.
(સુરેશ એન. બલુ, સુરત)

* શું પૈસા ઝાડ પર નથી ઊગતા?
- આ સવાલ તમે સરકારના વનસ્પતિ વિભાગને પૂછો.
(જયંત વી. હાથી, થાણે-મહારાષ્ટ્ર)

* કૂંવારી કન્યા સારો વર મળે, તે માટે ઉપવાસ-વ્રતો રાખે છે, પણ સારો દીકરો મળે, તે માટે માતા કોઇ વ્રત રાખે છે ખરી?
- મારી માતાને તો વગર વ્રતે હું મળી ગયો... હઓ!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* બાળકને બોલતા માં શીખવે છે, એ જ બાળક મોટું થઇને માં ને ચૂપ રહેવાની કેમ ફરજ પાડે છે?
- એના છોકરાની માં એ એને ચૂપ કરી દીધો હોય છે!
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* આજકાલ શુભ ધંધાઓમાં નજીવી બરકત છે ને મલીન ધંધાઓમાં ઢગલાબંધ નાણાનું ઉપાર્જન છે. આવું કેમ?
- તમે મને ગમે તેટલો ઉશ્કેરો, પણ હું હવે 'ભાઇ' તો નહિ જ બનું!
(જયેન્દ્ર આર. શાહ, અમદાવાદ)

* કોંગ્રેસના મંત્રી જાયસ્વાલે કહ્યું હતું કે, 'પત્ની જૂની થઇ જાય તો મજા નથી આવતી,' તો શું પત્ની ફક્ત મજા લેવાની જ ચીજ છે?
- એ જે બોલ્યા, તે એમની આત્મકથાનો ભાગ હતો.
(ઝૂબૈદા, યૂ. પૂનાવાલા, કડી)

* આજ સુધી આપને મળેલી ભેટોમાંથી અમૂલ્ય ભેટ કઇ?
- તમે વાચકોને બહુ દિલદાર માની લીધા લાગે છે!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન ક્રિસ ગૅઇલ જેવો ક્રિકેટર આપણી ટીમને ક્યારે મળશે?
- આપણા દેશમાં કોઇ બાળક એ લોકો જેવું કાળું ન જન્મી શકે!
(ડૉ. વિપુલ જાની, હિમતનગર)

* અમારી અંતઃકરણપૂર્વક ઈચ્છા છે કે, મોદીજી હવે દિલ્હીનું તખ્ત સંભાળે. આપ સુઉં કિયો છો?
- આ મામલે કોંગ્રેસના જોકરો 'ઍનકાઉન્ટર' કરતા ય વધુ હસાવી શકે છે.
(સલમાબાનુ મણિયાર, વીરમગામ)

* સતયુગમાં એક જ રાવણ હતો. કલયુગમાં ચારેકોર રાવણ જ રાવણ કેમ છે?
- મારૂં નામ 'અશોક' દવે છે, 'રાવણ દવે' નહિ!
(ભાનુપ્રસાદ સોની, અમદાવાદ)

* મને સ્વપ્ન આવ્યું કે, હું તમારી સાથે ડિનર લઇ રહી છું, પણ બિલ ચૂકવવા બાબતે આપણી વચ્ચે ઝગડો થઇ જાય છે. તો શું સપનું સાચું પડશે?
- લાઇફ ટાઇમના એકે ય સપનામાં બિલ કદી મેં ચૂકવ્યું નથી... વગર સપને બધા બિલો મારે જ ચૂકવવાના આવ્યા છે!
(પલક પી. જોશી, આગીયોલ)

* રાષ્ટ્રપતિ ઍવૉર્ડ મેળવનાર ફિલ્મોને પ્રજા તો કદી પસંદ કરતી નથી. એવું કેમ?
- રાષ્ટ્રપતિ ''પ્રજાની પસંદ''ના આવે છે!
(સાધના નાણાવટી, જામનગર)

* સપ્તપદીના સાતમાંથી એકે ય વચન કોઇ નિભાવતું કેમ નથી?
- લગ્ન કર્યા એટલે બધાનું કાંઇ છટકી જતું ન હોય?....વાઆ...ત કરે છે તે!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* કલંકિત સંસદ સભ્યોને પણ પાર્લામેન્ટમાં સ્થાન મળે, એ માટે કોંગ્રેસ હોય કે ભાજપ... બધા એક થઇ ગયા? આ લોકો પાર્લામેન્ટને સમજી શું બેઠા છે?
- 'નગરશેઠનો વંડો, જે આવે તે મંડો!'
(કવિતા પાલેકર, વડોદરા)

* શાહજહાંને પત્ની મુમતાઝની યાદમાં તાજમહલ બનાવ્યો... આપ આપની પત્નીની યાદમાં શું બંધાવશો?
- ટીફિન.
(મંજુલા સદાભાઇ પરમાર, ગાંધીનગર)

* શ્રાધ્ધમાં કાગવાસ પુરૂષોની કરવામાં આવે છે, સ્ત્રીઓને કેમ નહિ?
- કાગવાસ કાગડાઓને બોલાવવા માટે થાય છે, ભગાડવા માટે નહિ!
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર)

* મુઠ્ઠીભર ચોરી કરનારને સજા મોટી થાય છે ને અબજો લૂંટનારાઓ લહેર કરે છે... સુઉં કિયો છો?
- કે'વું કાંય નથ્થી... હવે તો ચાન્સ મળે, તો લહેર કરી લેવી છે!
(વિભૂતિ આર. જોષી, કરમલા-ઓલપાડ)

* આ ''તંત્રએ લાલ આંખ કરી'' એટલે શું?
- બે ઘડી ગમ્મત!
(જયસુખ એસ. શેઠ, વલસાડ)

* 'ઍનકાઉન્ટર'ને મળતા પોસ્ટકાર્ડ્સની સંખ્યા 'ગીનેસ બૂક ઑફ રૅકૉર્ડ્સ' થશે કે નહિ?
- અમારો પોસ્ટમૅન કહે છે, 'તમારા સિવાય આખા દેશમાં કોઇ પોસ્ટકાર્ડ વપરાવતું નથી.'
(જસ્મિન જે. પટેલ, ખેરગામ-ચિખલી)

* પ્રેમને રમત સમજી બેઠેલી યુવતીઓની સામે કેવી રીતે પડવું?
- મોંઢામાં સિસોટીવાળો રેફરી બની જાઓ.
(વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

14/08/2013

ઘણાં ઘરોમાં....

નોર્મલી, શિરસ્તો એવો હોય કે, જેના ઘરે મેહમાન બનીને ગયા હો, એ લોકો એમના ગૅટ પર આપણને હસતા મોંઢે લેવા આવે. ઉલ્લાસ અને પ્રેમથી તમને આવકાર આપીને અંદર લઇ જાય. ગૅટ પર આપણને લેવા ડોહા એકલા જ આયા છે કે, ઘરના મોટા ભાગના બધા આવ્યા છે, એના ઉપર તમારા આવવાનું મૂલ્યાંકન થાય. કલાકેક બેસીને ઊભા થાઓ, ત્યારે તમને ઘરમાં બેઠા બેઠાં જ રવાના કરી દેવાય છે કે, હસતા મોંઢે ગૅટ સુધી મૂકવા આવે છે, એના ઉપરથી એ ફેમિલીમાં તમારૂં માન કેટલું છે, એ નક્કી થાય.

અહીં તો એવું કાંઇ ન મળે. મને સો-દોઢસો વર્ષ પહેલા રામ જાણે શરીરના કયા ભાગ ઉપર કૂતરી કરડી ગયું હશે તે, અમે એમના ઘરે ડિનરનું ઇન્વિટેશન સ્વીકાર્યું. આજકાલ કોઇના ઘરે મફત નથી જમાતું. No lunch is free. ગાડીનું આવવા-જવાનું પૅટ્રોલ, તમે એમના ઘર માટે રસ્તામાંથી આઇસક્રીમ કે છોકરાઓ માટે મોંઘા ભાવની ચૉકલૅટ્સ જેવું લઇ જતા હો ને ખાસ તો, સાલુ કદી કોના ઘરે જતા ન હોઇએ ને દોઢસો વર્ષ પહેલાં પેલું કૂતરૂં કઇડી ગયું હોય એટલે, અમારૂં આમંત્રણ સ્વીકારીને જમવા ગયા હોઇએ, ત્યાં પહોંચો એટલે ભ્રમ ભાંગે કે, જીવનના જેટલા વર્ષ બાકી રહ્યા હોય, એટલામાં ન રહેવાતું હોય તો નર્મદા કિનારે ઝૂંપડી બાંધીને આવતા-જતા યાત્રિકો પાસેથી પાઇ-પૈસો માંગી લેવો, પણ કોઇના ઘરે જમવા જવું નહિ.

મેં કોલબેલ દબાવ્યો. દરવાજો ખુલ્લો હતો. કોઇ આવ્યું નહિ, એટલે રાહ જોઇને - અવિવેક લાગે છતાં - અંદર ગયા પહેલો જ એમનો ડ્રોઇંગ રૂમ આવે. સુરૂભ'ઇ ત્યાં જ બેઠા હતા. નવાઇ લાગી કે, આટઆટલી વાર કૉલબેલ વગાડવા છતાં એની માંનો સુરીયો ઉઠયો કેમ નહિ? અમને ફૂલ-ફૅમિલી જુએ છે, છતાં સુરિયો કોઇપણ હાવભાવ વગર પૂછે છે, ''આઇ ગયા..?''

''ના, અમે નથી આયા. અમે તો હજી બહાર જ ઊભા છીએ!'' એવું ન કહેવાયું - એ તબક્કાથી આપણી દાઝો શરૂ થઇ ગઇ. બેસવાનું મોમાંથી ફાટવાને બદલે હાથનો ઇશારો કરીને બેસવાનું નોંતરૂં ફેક્યું, અમે બેઠા.

આ સુરીયો મારો નાનપણનો ધોબી. આમ તો જાતનો બા'મણ, એટલે દેખાવમાં ચોખ્ખો અને ચીકણો બહુ, એટલે હું એને 'સુરીયો ધોબી' તરીકે બોલાવું. નાનપણમાં આટલો બેવકૂફ નહતો દેખાતો - મારા જેવો દેખાતો. પણ હાલમાં મારી સરખામણીમાં એ ઊભો ય રહી ન શકે... (બેવકૂફ દેખાવામાં નહિ... સ્માર્ટ દેખાવાની વાત થાય છે.. કોઇ પંખો ચાલુ કરો!) સુરીયાના માથા ઉપર કપાળ જેવું કાંઇક ઊગ્યું હતું, પણ ત્યાં વાળ જેવું કાંઇ ઊગ્યું નહોતું. કપાળ પણ.. ટચ વૂડ, પુરીપકોડીની સાઇઝનું. બંને બાજુના લમણાં કોઇ સાનભાન વગર બહાર નીકળી આવ્યા હતા. વિશ્વના તમામ પુરૂષોના નાક નીચે મૂછો આપેલી હોય છે, જે જીવનભર સમજી વિચારીને વાપરવાની હોય. સુરીયાએ વેડફી નાંખી હતી, કારણ કે, એનો ઉપલો હોઠ મ્હોંની અંદર જતો હોવાથી એક ગોઝારી રાત્રે ભૂલમાં સૂરીયો મૂછો ગળી ગયો હશે...

એનું બૉડી વાળીને થેલીમાં મૂકી દઇ શકાય, એટલું પતલું- પતલું બોલો! આપણે તો જોવા ગયા નથી, પણ કહે છે કે, એની છાતીમાં નાનકડું નારીયેળ ગોઠવી શકાય એટલો મોટો ખાડો હતો. અમને આવકારવા સોફામાંથી એ ઊભો નહતો થયો, એનું કારણ હવે સમજાયું કે એક ખાડો સોફામાં ય પાડી નાંખ્યો હતો, પરિણામે જો એ ઊભો થવા જાય તો કાચબો તળાવમાંથી બહાર આવતો હોય, એટલું જોર કરીને આવવું પડે.

એની વાઇફમાં ય આપણાથી તો પડાય એવું નહોતું. એ સાલી ઝાટકા મારી મારીને ખભો હલાવીને બોલે. એના દરેક ઝટકે સૌજન્ય ખાતર આપણે ય ડોકીનો વળતો ઝટકો ના મારવો પડે? (જવાબઃ ભ'ઇ, સંબંધો જાળવવા મારવો પડે!) આપણે બધા ઊભા રહ્યા પછી ઉત્તર દિશા તરફ આખું શરીર જતું હોય. આ શિલ્પાનું (હા, બોલો... આવીઓના નામો ય 'શિલ્પા' હોય... સાલીએ દુનિયાભરની શિલ્પાઓ ઉપરથી માન ઉતારી દીધું...! આ તો એક વાત થાય છે) બૉડી તો જમીન પરથી જ ઉપર જતું તું, પણ પછી એને આસમાનની વાટ નહોતી પકડી.... સહેજ ફંટાતી હતી. ભીની માટીમાં ખોસેલી ફાઉન્ટ પેન જરા આડી કરી હોય, એમ શિલ્પુ ઊભી રહેતી હતી. (કરૅકશનઃ આવીને શેનું 'શિલ્પુ' કહેવાનું હોય... શિલ્પાડી જ કહેવાય!) એ હાથ લૂછતી કિચનમાંથી આવી, પણ અમે આવ્યા છીએ એની કોઇ નોંધ જ ન લીધી, મારી વાઇફને હેબતાઇ જવા ઉપર સારો હાથ બેઠો છે, એટલે જરૂર પૂરતું હેબતાઇ જઇને એને તરત પૂછ્યું, ''શિલ્પા ભાભી, કાં કેમ છો? શ્યૉરી હોં શ્યૉરી... અમારે જરા આવતાં મોડું થઇ ગીયું.. રસ્તામાં અસોકની ગાડી બઇગડી 'તી!''

ગાડી તો રસ્તામાં જ બગડે.. કોઇ મકાનની ટેરેસ ઉપર કે તળાવની વચ્ચોવચ તો ન બગડે ને? છતાં શિલ્પાડી'ન હોય...!' એવું આશ્ચર્ય એના ખભાના વર્લ્ડ ફેમસ ઝટકા સાથે વ્યક્ત કર્યું.

તમારામાંથી કોઇને જુવાનીમાં જોયેલા સર્કસો યાદ હોય તો એ જમાનામાં સર્કસમાં જંગલી વાઘ-સિંહો પાંજરામાંથી એક પછી એક આવતા જાય ને નિશ્ચિત ટેબલ પર ઊભા રહી જાય. સુરીયા- શિલ્પાના ઘરમાં ય વધેલી પબ્લિક હતી, તે બધી એક પછી એક પોતાના રૂમમાંથી બહાર આવીને અમારી સામે સોફામાં ગોઠવાતી ગઇ. એક પુત્ર જેવું કંઇક હતું. એની વાઇફ જેવું ય કંઇક હતું. પણ આપણને કોઇનામાં ઊંડા ઊતરવાની બહુ આદત નહિ, એટલે પૂછવા કરતા ધારી લેવું સારૂં. ખોટી વાત છે મારી?

આ લોકોનો પુત્ર નામનો પદાર્થ માં-બાપ ઉપર ઉતર્યો હતો. એની આપણી સામે જોવાની પદ્ધતિ કાચમાં પૂરેલા ઝેરી સાપોને બાળક જોતું હોય, એવી હતી. સાપો તો કાચમાં બંધ હોય પણ વાત ફડકની છે કે, એ કાચની અંદર અને આપણે કાચની બહાર હોવા છતાં સાપ જરાક અમથું માથું ઊંચુ કરે, તોય આપણે ફડકી જઇએ, એમ આ લોકોનો દીકરો અમે કાંઇક બોલવા જઇએ એટલે ફડકીને અડધોએક ફૂટ પાછો ખસી જાય. વહુ આ લોકો ઉપર નહોતી ઉતરી કારણ કે એ પેદા આ લોકોએ નહોતી કરી, નહિ તો આખા ફૅમિલીનો ઘાણ નહિ, કચ્ચરઘાણ ઉતર્યો હોત! એનામાં વિવેક - વિનય જેવું હતું, પણ સ્માઇલ-બાઇલ નહિ. એ એકલી બોલી, ''અંકલ, બોલો, કેમ આવવું થયું....?''

તારી ભલી થાય ચમની... સાલી, તારા ડોહાએ અમને જમવા બોલાવ્યા છે, ને તું હજી પૂછીશ, 'કેમ આવવું થયું?'

આપણા ઘરે કોક આવ્યું હોય તો કમસેકમ વાતો તો શરૂ કરીએ ને? ને એમાંય, અમને તો જમવા બોલાવ્યા હતા. ભૂલી ગયા હશે? આપણે પરફ્યૂમની શૉપ સમજીને ગયા હોઇએ ને ત્યાં યુરીયાનું ખાતર વેચાતું હોય. ઘરમાંથી કોઇ હણહણતું નહોતું. આપણું તો ઉદાર મન કે, આ લોકો ભૂલી ગયા હોય તો સ્વમાન ખાતર એમની બાજુવાળાના ઘેર જઇને ય જમી આવીએ! ખોટું અભિમાન નહિ. પણ ભોગ લાગ્યા છે કે, આ લોકોની બાજુમાં કોઇ રહેવા ય આવ્યું હોય?

જમવાનું તો જાવા દિયો, પણ કોઇનો ચહેરો ય હસમુખો નહિ. એમના ઘરે ચાર મિનીટ બેઠા પછી ડઘાઇ જવાય કે, આપણે ભરાઇ પડયા. આખા ફેમિલીનું વાતાવરણ સૂકું. આ ઘરમાં છેલ્લા છસ્સો વરસથી કોઇ હસ્યુ નહિ હોય, એવી બાતમી ત્યાં જ મળી જાય. પાછું, આખા ફૅમિલીમાં એકે ય પીસ મનોરમ્ય નહિ; જેની સામે જુઓ એનુ મોઢું ચઢેલું હોય. આ લોકો બહાર ઊભા રહીને એકબીજાને વેચવા કાઢે તો ઘરમાંથી ય કોઇ ખરીદે નહિ. વટેમાર્ગુઓ પાઇ-પૈસો નાખતા જાય પણ, 'આ ડોહો કેટલામાં કાઢવો છે?'' એવી બોલી કોઇ ન બોલે. બીજે કોક સારા ઠેકાણે ગયા હોઇએ તો એક ડૉસીના બદલામાં મકાન ઉપરાંત ગામની જમીન-બમીને ય ફ્રીમાં આલે. આમના ઘરમાંથી તો ભંગાર કાઢી જવાનો ખર્ચો આપણને ચોંટે.

સુરૂભ'ઇનું આખું ફૅમિલી આવું. આપણે તો એમના ઘેર જમવા ગયા છીએ કે કાણે બેસવા ગયા છીએ, એની એમને ય ખબર ન પડે. નોર્મલી, તો કોઇ આપણા ઘરે આવે, એ નસીબ કહેવાય. ક્યાં આજકાલ કોઇ આપણા ઘરે આવવા નવરું છે! દેશમાં ટીવી આવ્યા પહેલાના દિવસો યાદ કરો. મહિને દહાડે આપણે કોકના ઘેર ડિનર માટે જવાનું હોય, કોઇ આપણા ઘરે આવવાનું હોય ને હે... ય, નિરાંતે બેસતા બધા. ખૂબ જલસા કરતા. હવે ટ્રાયલ ખાતર કોઇને ફૅમિલી સાથે જમવા બોલાવી તો જુઓ...કોઇ આવતું નથી. શહેરમાં ડિસ્ટન્સ,ટાઇમના પ્રોબ્લેમો, ટીવી, વધતી ઉંમર અને જીંદગીમાં પ્રવેશી ગયેલી શુષ્કતા. આ બધાને કારણે એકબીજાના ઘેર આવવા-જવાનું હતું કે આપણે કોના ઘેર ગયા હતા? હિસાબ એવો થવા માંડયો છે કે, હવે કોઇના ઘેર જઇએ તો કોઇ ના પાડતું નથી ને ના જઇએ તો કોઇ રાહ જોઇને બેઠું હોતું નથી. વર્ષોથી કોઇના ઘેર ન જાઓ તો કોઇ ખોટું લગાડતું નથી.. આપણે ય ક્યાં લગાડીએ છીએ?

સુરીયાની સાથે બેઠા ને બહુ વાર બેઠા પણ જમવાનું કોઇ નામ લેતું નહોતું ને આપણી પાસે આપણી રીવોલ્વરે ય ના પડી હોય! ભય ચોક્કસ હતો કે, 'ચાલો ત્યારે જઇએ...?'' એવું પૂછીશું તો તરત હા પાડી દેશે, એટલે ખોટો વિવેક પણ શું કરવો?'

ત્યાં અચાનક મારો મોબાઇલ રણક્યો, 'દાદુ, ક્યાં છો? અમે રાહ જોઇને બેઠા છીએ... ભૂલી તો નથી ગયા ને કે, ડિનર અમારે ત્યાં છે?''
ફોન સુરેશનો હતો... એ ય સુરીયો હતો. નાનપણનો દોસ્ત.

સિક્સર
પાકિસ્તાને એક એક ભારતીયને મારી નાંખ્યો હશે.. દેશભરમાં કોઇ બચ્યું નહિ હોય ત્યારે એક માત્ર મનમોહન જીવતા હશે અને ચોખ્ખી સંભળાવી દેશે, ''હવે અમે પાકિસ્તાન ઉપર કડક પગલાં લઇશું.''

11/08/2013

ઍનકાઉન્ટર 11-08-2013

* ગોગલ્સ આંખનું રક્ષણ કરવા માટે છે, છતાં લોકો કપાળ કે માથાં ઉપર કેમ રાખે છે ?
- થોડો વખત રાહ જુઓ. એ જ લોકો કમર પર પહેરવાનો બેલ્ટ પણ ગળામાં પહેરશે.
(ધીમંત હરિભાઈ નાયક, બારડોલી)

* અસહ્ય વાણીવિલાસ કરી પ્રજાને ત્રાસ આપતા નેતાઓ ચૂપ કેમ થતા નથી ?
- જે દેશનું ટીવી-મીડિયા બેવકૂફ હોય, ત્યાં આવું બધું પ્રસારિત થતું રહેવાનું.
(અતુલ જી. મહેતા, રાજકોટ)

* દરેકને પોતાના હક્કોની જ ખબર હોય છે, ફરજોની કેમ નહિ ?
- દરેકને નહિ... મને મારા હક્કોની જ ખબર છે.
(રોહિત પ્રજાપતિ, સાંથલ-મહેસાણા)

* કાનૂનના હાથ લાંબા કેમ હોય છે ?
- ચાઇલ્ડહૂડ પ્રોબ્લેમ !
(ધર્મેશ વેકરીયા, જૂની ચાવંડ-વિસાવદર)

* સારી કન્યાને સુકન્યા કહેવાય તો સારા વરને ?
- મને તો એકલા 'અશોક દવે'ની જ ખબર છે.
(રિઝવાન ખોજા, આણંદ)

* આ 'નખમાં ય' રોગ નથી, એટલે શું ?
- મેં ભાગ્યે જ એવો કોઈ શિક્ષિત જોયો છે, જે પગના નખ સાફ રાખતો હોય કે કાપતો હોય. આવા લોકોને શરમ પણ નહિ આવતી હોય ને ?
(નટુભાઈ ગાંધી, વડોદરા)

* લોકશાહીનું મંદિર ગણાતી પાર્લામેન્ટમાં સાંસદો પવિત્રતા કેમ જાળવતા નથી?
- પવિત્રતા પવિત્ર લોકો જાળવતા હોય છે...
(વિસનજી ઠક્કર, થાણા-મહારાષ્ટ્ર)

* 'કિટ્ટી પાર્ટી'માં 'કિટ્ટી'નો અર્થ શું થાય ? ઘણી બહેનોને પૂછ્યું, પણ કોઈને ખબર નથી... !
- 'કિટ્ટી'નો અર્થ એક ગ્રૂપે ભેગા મળીને પોકર (કે ઈવન, 'તીનપત્તી' !) જેવી રમતમાં સામુહિક દાવ લગાવ્યો હોય, એને કિટ્ટી કહેવાય.
અર્થ સમજો. બહેનોને ન સમજાય, એવા સવાલો પૂછવા નહિ. હવે તમે તો સમજ્યા ને ? પોતાને પણ ખબર ન પડે, એવા કામો ઉપર સ્ત્રીઓનો હાથ સારો બેઠેલો હોય છે !
(નવનીત શાહ, અમદાવાદ)

* રૂઠેલી સનમને મનાવવાનો કોઈ સચોટ ઉપાય ?
- તમારી બીજી સનમને એની પાસે મોકલવી.
(જીતેન્દ્ર જી.કેલા, મોરબી)

* 'ડોહા'ની વ્યાખ્યા શું ?
- પોતાના શરીરને પ્રેમ કરતો ન હોય, એ દરેક માણસ 'ડોહો' છે.
(કરીમ સોઢા, સુરેન્દ્રનગર)

* સવાલ છપાવાની અપેક્ષા હોય, એ દિવસે તો જવાબ ન જ મળે... એવું કેમ ?
- એવું... બસ એમ !
(જીનેશ મહેતા, જામનગર)

* 'ચુમ્મા ચુમ્મા દે દે...'ની ભીખ માંગતા લોકો શેરીઓમાં કેમ નીકળતા નહિ હોય ?
- આવા લોકોનો અડોસપડોસ સમૃદ્ધ હોય છે !
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

* 'ધારો કે એક સાંજ, આપણે મળ્યા...' આમાં ધારવાનું શું ?
- પછી હાળું નથી મળાતું, ત્યારે લોચા વાગી જાય છે. કોઈ બીજાને મળીને પાછા આવતા રહેવું પડે, એના કરતા પહેલી પાર્ટીને મળેલું ધારી લેવું સારૂં.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ગાંધીના ગુજરાતમાં દૂધ કરતા દારૂ કેમ વધુ વેચાઈ રહ્યો છે ?
- (ખાનગીમાં) બોસ, ક્યાં વેચાય છે, એ જરા મને જાણ કરજો... આપણે ય લેવાનો થયો જ છે !
(દર્શન વી. પંડયા, ભાવનગર)

* ભગવાનની ખૂબ ભક્તિ કરતી વ્યક્તિને આપઘાતના વિચારો આવે તો શું કરવું?
- ભગવાનને થોડો રેસ્ટ લેવા દો... નહિ તો એ આપઘાત કરશે... તમારાથી ત્રાસીને !
(બીપિન પી. પીઠવા, રાજકોટ)

* તમને શ્રીકૃષ્ણ રૂબરૂ મળવા આવે તો શું પૂછશો ?
- ''મને લેવા તો નથી આવ્યા ને, ભ'ઈ ?''
(ભાવિષા પી. વ્યાસ, રાજકોટ)

* સરકારી કર્મચારીઓને મળતા પગારભથ્થાં મુજબ જ પ્રધાનોને પગાર મળે, પછી સેવા કરી જુએ !
- હજી સુધી તો એકે ય મંત્રી એવો નથી જોયો, જેને પગારભથ્થાંની રકમની જરૂર પડતી હોય !
(એન.જે. વ્યાસ, જૂનાગઢ)

* માતાના આંસુ લૂછી શકે, એવા સંતાનો થાય છે ખરા ?
- ઉફ્ફો... હવે તો મમ્મીઓએ પણ જાતે રડવાની જરૂર નથી... હવે તો આંસુઓ 'વોટ્સ ઍપ ?'થી ય મોકલાય છે.
(જાગૃતિ ભટ્ટ, રાજકોટ)

* આ તુષાર કપૂરો, ફરદીન ખાનો કે વિવેક ઓબેરોયો એમના ઈન્ટરવ્યૂઝમાં સ્ક્રીપ્ટ્સ કે ડેટ્સના વાંધા ક્યા આધારે પાડતા હોય છે ?
- એ ત્રણેમાંથી એકે ય ના ડોહાએ બાપ જન્મારામાં સ્ક્રીપ્ટ વાંચી હતી... ?
(કુશલ ત્રિપાઠી, ન્યુયોર્ક-અમેરિકા)

* ભારતીય સિનેમાના ૧૦૦-વર્ષોની પૂર્ણાહૂતિ પ્રસંગે આપના તરફથી કોઈ સંદેશ ?
- મારી કોલમ જ મારો સંદેશ છે.
(આત્મન દેસાઈ, વડોદરા)

* તમારી જાત વિશે વાત ન કરશો. તમારા ગયા પછી લોકો એ કરવાના જ છે. સુઉં કિયો છો ?
- હું ક્યાં કાંઈ બોલ્યો... ?
(રમેશ 'ટ્રોવા' સુતરીયા, મુંબઈ)

* માં-બાપને ઘરડાંના ઘરમાં મૂકી આવતા સંતાનો વિશે શું માનો છો ?
- જે માં-બાપે પોતાના માં-બાપને સાચવ્યા હોય, એના સંતાનો એમને ઘરડાના ઘરમાં ન મૂકી આવે !
(નાનુભાઈ ઢોડીયા, વિજલપુર- નવસારી)

* ઘી-તેલ સુંઘીને ઘરે લવાય છે, પૈસા કેમ નહિ ?
- બેન્કોવાળા સુંઘીને જ લે છે... કમ્પ્યૂટરમાં સુંઘીને !
(રેખા શશિકાંત ગઢીયા, રાજકોટ)

* આજ સુધી તમને કઈ વાતે સવિશેષ અફસોસ થયો છે ?
- દરેક અફસોસ વખતે કોઈ મનાવવા નથી આવતું, એનો !
(ઉત્સવ રૂપારેલીયા, ગોંડલ)

* પાસે હોય એની અવગણના અને નથી એના સપના જોવા... એવું કેમ ?
- પડોસમાં કોઈ સુંદર પબ્લિક રહેવા આવી હોય, ત્યારે આવું થતું હોય છે.
(સુરેશ ધર્માણી, ડીસા)

09/08/2013

ધર્મપુત્ર ('૬૧)

ફિલ્મ : ધર્મપુત્ર ('૬૧)
નિર્માતા : બી.આર. ચોપરા
દિગ્દર્શક : યશ ચોપરા
સંગીત : એન. દત્તા
ગીત : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, માલા સિન્હા, શશી કપૂર, ઈન્દ્રાણી મુકર્જી,રહેમાન, નિરૂપા રૉય, મનમોહન ક્રિષ્ણ, તબસ્સુમ, બબલૂ, દેવેન વર્મા, રોહિત, જગદિશરાજ, બાલમ, નર્મદાશંકર, નઝીર કાશ્મિરી, માસ્ટર નિસાર તેમજ શશીકલા અને રાજેન્દ્ર કુમાર (મેહમાન કલાકાર)

ગીતો
૧ મૈં જબ ભી અકેલી હોતી હૂં, તુમ ચૂપકે સે આ જાતે હો - આશા ભોંસલે
૨. મેરે દિલબર મુઝપર ખફા ન હો, કહીં તેરી ભી કુછ ખતા ન હો - રફી-કોરસ
૩ સારે જહાં સે અચ્છા, હિંદુસ્તાં હમારા - રફી-કોરસ
૪. યે મસ્જીદ હૈ વો બુતખાના, ચાહે યે માનો ચાહે - મહેન્દ્ર કપૂર-બલબીર
૫ આજકી રાત નહિ શિકવે શિકાયત કે લિયે, આજકી રાત - મહેન્દ્ર કપૂર
૬ ક્યા દેખા ઓ નયનોંવાલી, નૈના ક્યું ભર આયે - આશા ભોંસલે
૭. બગાવત કા ખુલા પૈગામ દેતા હૂં જવાનોં કો....જયજનની - મહેન્દ્ર કપૂર
૮. ભૂલ સકતા હૈ ભલા કૌન યે પ્યારી આંખેં, રંગ મેં ડૂબી હુઇ - મહેન્દ્ર કપૂર
૯. યે કિસ કા લહૂ હૈ કૌન મરા - મહેન્દ્ર કપૂર-કોરસ


શશી કપૂરના ચાહક હો, તો હીરો તરીકે એની પહેલી ફિલ્મ ''ચાર દિવારી'' હતી કે ''ધર્મપુત્ર'', એની ચર્ચામાં ન પડશો. ખૂબ ગમી જાય એવા રૂપકડા અને યુવાન શશી કપૂરને જોવા માટે પણ બી.આર. ચોપરાની આ ફિલ્મ ''ધર્મપુત્ર'' જોઇ લેજો. ચોપરાની ફિલ્મોમાં આપણા મનગમતા ફિલ્મ કલાકારો ઠાંસી ઠાંસીને ભર્યા હોય, એટલે મુંબઈની સાયકલવાડી કે ખાડીયાના મોટા સુથારવાડાની લિંગોમાં કહીએ તો, ચોપરાની ફિલ્મો ''પૈસા વસૂલ'' ફિલ્મો હોય અથવા આજકાલની ''વૉટ્સ અપ'' ભાષામાં કહીએ તો, ''એક વાર જોવાય....!''

પણ સૅન્સિબલ વાચકોને તો આ ફિલ્મ એક વાર જોવાની ભલામણો ય કરાય એવી નથી. ચોપરાની નબળી ફિલ્મોમાં ''ધર્મપુત્ર'' આવે. અશોક કુમાર કે માલા સિન્હા-થી માંડીને તમામ....કોઇની ઍક્ટિંગમાં ઠેકાણાં નહિ, વાર્તા બનાવટી લાગે, જેણે ચોપરાની જ ફિલ્મ ''વક્ત''ના આજ સુધી યાદ રહી જાય એવા ઢાંસુ સંવાદો લખ્યા હતા, તે અમજદખાનના સસુરજી અખ્તર-ઉલ-ઇમાનની ડાયલૉગબાજીમાં નથી બાજી કે નથી ડાયલૉગ્સ ! પેલા વિશ્વ નહિ તો દેશ નહિ તો છેવટે જૂના ફિલ્મોના સંગીતના સાચા ચાહકોમાં ખૂબ પ્રસિદ્ધ ત્રણ ગીતો (લિસ્ટમાં જુઓ, ગીત નં. ૧, ૫ અને ૮)ને બાદ કરતા સંગીતકાર દત્તા નાઈક ઉર્ફે એન.દત્તા બહુ વામણાં પૂરવાર થયા. ફિલ્મની વાર્તામાં કોઇ શકરવાર નહિ. બાય ધ વે, આશા ભોસલેએ ગાયેલા 'મૈં જબ ભી અકેલી હોતી હૂં...' ગીતના અંતરામાં ''...મસ્તાના હવા કે ઝોંકો મેં'' લાઇન પછી જે સંગીત વાગે છે,મેન્ડોલીન અને બ્લૉક સાથે વાગ્યા છે. તેમાં તમને નૌશાદના ફિલ્મ ''અંદાજ''ના મૂકેશે ગાયેલા ''હમ આજ કહીં દિલ ખો બૈઠે...''નો આભાસ જણાશે. બલદેવ રાજ ચોપરા અમદાવાદમાં આવ્યા ત્યારે અમદાવાદના આશ્રમ રોડ પર એક જમાનામાં ખૂબ જાણિતી હોટેલ કર્ણાવતીમાં મેં એમનો ઇન્ટરવ્યૂ લીધો, ત્યારે પોતે પણ એક જમાનામાં પત્રકાર હતા, એ દિવસો ચોપરા સાહેબે યાદ કર્યા હતા. મને તો યાદ હતી, એટલે પૂછી લીધું, ''બી.આર. ચોપરાની એક આ જ ફિલ્મ નબળી કેમ પડી ?'' જવાબ એમણે એમની ફિલ્મના ડાયલૉગ જેવો આપ્યો હતો, ''હાં, અપને દસ બચ્ચોં મેં સે એક યે બિમાર નીકલા...!''

બી.આર.ચોપરા હિંદુસ્તાની ફિલ્મોના સરનશીનોંમાં પહેલા પાંચમાં આવે. એક પછી એક હેતુલક્ષી ફિલ્મો એમણે આપી છે. ચોપરાની અનેક ખૂબીઓ હતી. એક તો હમણાં કીધું એમ, એમની તમામ ફિલ્મોમાં સમાજને કોઇ મૅસેજ હોય. બીજું, ઋષિકેશ મુકર્જીની જેમ ચોપરાની ફિલ્મોના ગીતો ય મૂકવા ખાતર ન મૂકાયા હોય....ગીતો પણ વાર્તાનો એક ભાગ બનતા હોય. ત્રીજું, ઈવન આજ સુધી, હિંદી ફિલ્મોમાં ફિલ્મની વાર્તા માટે એક અલગ ડીપાર્ટમૅન્ટ હોય, એવું ફક્ત ચોપરા ફિલ્મ્સમાં. અપવાદો જવા દિયો, બાકી બધી ફિલ્મોમાં સંગીત રવિ અથવા એન.દત્તાનું હોય. બીજા ખાતાઓમાં બદલીઓ હજી થાય, એક ન થાય એ સાહિર લુધિયાનવીની. એ પર્મેનૅન્ટ રહ્યા. ઈવન, યશ ચોપરા પણ બીઆરથી છુટા પડયા પછી ય ગીતકાર તરીકે સાહિરને જ લેતા. ચોપરાની ફિલ્મોના કલાકારો અને સ્ટાફ પણ રીપિટ થતા. અગેઇન, માઇલ્ડ અપવાદોને બાદ કરતા એમની તમામ ફિલ્મના નામો ઉર્દુ-ફારસી કે અરબીમાં રહેતા. ગુરૂ દત્તની જેમ બી.આર. ચોપરાએ પણ લતા મંગેશકરને ભાગ્યે જ પોતાની ફિલ્મોમાં લીધી છે. રફી પણ સમજો ને...ન છૂટકે જ હોય. ચોપરા-કૅમ્પના કાયમી ગાયકોમાં આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર-જે એમનો ભાણો થતો હતો. મોટા ભાગના પંજાબી નિર્માતાઓની જેમ, ચોપરા પણ સંબંધોનો ગેરલાભ લેવામાં માહિર હતા. રવિ હોય કે મહેન્દ્ર કપૂર, બન્નેને પૂરતા પૈસા ક્યારેય નથી મળ્યા. મહેન્દ્ર કપૂરની કરિયરમાંથી બી.આર.ચોપરાની ફિલ્મો કાઢી લો તો વાંહે શકોરૂં ય ન રહે.ભારતના કોઇ પણ હિંદી ફિલ્મસંગીતચાહકના પહેલા એકથી પાંચ મનપસંદ ગાયકોમાં મહેન્દ્ર કપૂરનું નામ ક્યારેય ન આવે. એની ગાયકીમાં કોઇ ગરબડ નહોતી, પણ નિરાધારોનો આધાર હોવાને કારણે મહેન્દ્ર કપૂરને ય સંગીતકારો મન્ના ડેની જેમ ગરજ પડે ત્યારે જ લેતા હોવાથી હિંદી ફિલ્મોના આજ સુધીના શ્રેષ્ઠ ગીતોની યાદીમાં આ બન્નેના બહુ થોડા ગીતો આવે. મહેન્દ્રના તો બહુ ઓછા, પણ ''ગુમરાહ'' કે ''હમરાઝ'' જેવી ફિલ્મોના ગીતો સાંભળો તો સહેજ પણ ભેદભાવ વગર કહી શકાય કે, આ ગીતોમાં રફી કે મૂકેશ....કોઇને પણ બદલે મહેન્દ્ર કપૂર જ મીઠડો લાગે. એમાં ય, ફિલ્મ ''ધર્મપુત્ર''ના એના બે ગીતોમાં એના કંઠની મીઠાશ ઊડીને કાને વળગે એવી છે. શશી કપૂરને તો ફિલ્મોમાં આવવું જ નહોતું. એક કારણ એ હતું કે, ફિલ્મ ''આવારા''માં નાના રાજ કપૂરનો રોલ કરવામાં મોટા ભાઈ રાજ કપૂરની શિસ્ત અને કડક સ્વભાવનો બહુ ખૌફ રહેતો. આજે પણ શશી ''રાજ સા'બ' અથવા ''રાજ જી' કહીને જ ઊલ્લેખ કરે છે. શશી નાનો હતો ત્યારે અત્યંત બિભત્સ ગાળો ઈવન ઘરમાં ય બોલતો, એવું એની સગી બહેન ઊર્મિલા સ્યાલે એક ઇન્ટરવ્યૂમાં કીધું છે. એક માત્ર રાજ સા'બનો માત્ર શશી કપૂરને નહિ, સહુને ખૌફ રહેતો, એટલે શશીની ગાળોની ફરિયાદ પછી રાજ કપૂર એને ઘરના ડ્રૉંઇંગરૂમમાં માથે ફૂટપટ્ટી મૂકીને ૩-૩ ૪-૪ કલાક ઊભા રહેવાની સજા આપતા. અને સજા રાજ સા'બે આપી હોય એટલે ઘરમાંથી કોઇ મદદ કરવા ય જઇ ન શકે. શશીના આગળના બે દાંત મોટા અને શરીરે પણ વધ પડતો ભરાવદાર હતો. રાજ કપૂર અને શમ્મી કપૂરની સરખામણીમાં આ ત્રીજો કપૂર કદરૂપો ય લાગતો. પણ જુવાની ફૂટતી ગઈ, એમ સાલો પરફૅક્ટ હૅન્ડસમ થતો ગયો...એટલો હૅન્ડસમ કે ત્રણે ભાઈઓમાંથી વધુ હૅન્ડસમ કોણ છે, એ નક્કી કરવાનું માંડી વાળવું પડે. આ ''ધર્મપુત્ર'' તો એ બાળકલાકારમાંથી યુવાન થયો, એ પછીની પહેલી ફિલ્મ હતી. એની પહેલા ''ચાર દિવારી''માં એ હીરો હતો. શશી કપૂરની આ બિભત્સ ગાળો બોલવાની આદતમાં પાપા પૃથ્વીરાજની ટ્રેઇનિંગ ભલે ના હોય, પણ વારસો ઍકઝૅક્ટ આવ્યો હતો. આ કૉમેડિયન આગાએ કહેલી વાત છે કે, મૂંગી ફિલ્મોના જમાનામાં એ હિંદી ફિલ્મોમાં આવ્યો, ત્યારે એક સ્ટુડિયોમાં પૃથ્વીરાજ કપૂર અને ચરીત્ર અભિનેતા મુબારકનું શૂટિંગ ચાલતું હતું. બન્ને જે તે ફિલ્મના સંવાદો બોલવાને બદલે એકબીજા સામે આંખ મીંચકારીને અત્યંત ગંદી ગાળો બોલતા હતા. આગાને નવાઈ લાગી, ત્યારે કોઇકે કહ્યું, ''આ તો સાયલન્ટ ફિલ્મ છે. અહીં બોલાયેલી ગાળો (કે સંવાદો) રૅકૉર્ડ થવાના નથી, એટલે આ બન્ને જણા મસ્તી કરે છે.'' બસ, ત્યાર પછી આગાએ, ''મોટાઓ પાસેથી કંઇક સારૂં શીખવું જોઇએ, એ મુજબ ગંદી ગાળો બોલવાનો સિલસીલો શરૂ કર્યો, તે મર્યો ત્યાં સુધી ચાલુ રાખ્યો. આ વાચનારને જલ્દી ગળે નહિ ઉતરે, પણ ફિલ્મનગરીમાં નઠારી ગાળો બોલવી ને સાંભળવી, કોઇ નવાઇની વાત નથી. ધર્મેન્દ્રનું તો આ સાહિત્યમાં ઘણું ઊંચુ નામ છે. હીરોઇનો ચાલુ શૂટિંગે નઠારી ગાળો બોલવાની આગા માટે મનાઈ ફરમાવવા છતાં આગો સુધર્યો નહિ, એમાં બધી હીરોઇનોએ ગાળો સાથેનો આગા ચલાવી લેવો પડયો. થોડું નહિ ઘણું ચોંકી જવાશે, કે આજની ફિલ્મોના હીરોલોગ જ નહિ, તમે જેને જેને સારા ઘરની માનો છો, એ મોટા ભાગની હીરોઇનો એવી જ ગાળો આસાનીથી બોલે છે, જે આપણે ગુજરાતી પુરૂષો પુરૂષોની હાજરીમાં ય બોલતા અચકાઈએ.''

અલબત્ત, મને પર્સનલી શશી કપૂર પહેલેથી ખૂબ ગમ્યો છે. એની ચાલ તો ખૂબ ગમતી. ફિલ્મ ''વક્ત''માં પીળા રંગના સ્વૅટર સાથે શર્મીલાની બાજુમાં એ ચાલતો બતાવાયો છે, એ મારૂં કાયમી મનગમતું દ્રશ્ય છે. દરેક ફિલ્મમાં શશી બાબા મિનિમમ એક વખત સફેદ કપડાં પહેરે જ. શશી કપૂરે કદી રવિવારે શૂટિંગ કર્યું નથી. ફિલ્મ 'સત્યમ્, શિવમ્, સુંદરમ્' પૂરતી જીદ તોડવા ખુદ રાજ કપૂર પણ શશી ઉપર ગુસ્સે થઇ ગયો હતો, પણ રવિવારે કે દિવાળી, હોળી ને ક્રિસમસમાં આ કપૂરે સ્ટુડિયોમાં પગ મૂક્યો નથી. શશી કપૂરે પોતાની પહેલી ગાડી ૧૯૪૯-ના મૉડૅલની એમજી સ્પૉર્ટ્સ કાર ખરીદી હતી, જેના પૈસા શમ્મી કપૂર પાસેથી ઉધાર લીધા હતા.

જરા હસી પડાય એવો એક કિસ્સો છે. શશી કપૂર હજી કમાતો થયો નહોતો. મુંબઈના દાદર વિસ્તારમાં આજે પણ જે સ્ટોર છે, 'કૉલોની સ્ટોર્સ,' ત્યાં શમ્મીનું ખાતું ચાલતું હતું. શશી પોતાના જ નામની સહિ કરીને મનફાવે એટલી ખરીદી કરી લેતો. શમ્મીને બિલો તપાસવાનો ક્યાં ટાઇમ હોય ? એક વખત, શમ્મી કપૂરના જન્મદિવસે શશી કપૂરે પેલા સ્ટોર્સમાંથી જ કોઇ મોંઘી ગિફટ ખરીદીને આપી. શમ્મી બહુ ઇમોશનલ થઇ ગયો અને બધાની વચે ઢીલા થઇ જઇને કહ્યું, ''જોયું....મારો ભાઇ હજી તો સ્કૂલમાં છે, છતાં કેવી લાગણીથી મારા માટે મોંઘી ગિફટ લઇ આવ્યો !'' એ તો મહિનાના અંતે શમ્મીના સૅક્રેટરી સુરિન્દર કપૂર (અનિલ કપૂરના પિતા)એ શમ્મીના હાથમાં બિલ પકડાવ્યું, ત્યારે રાઝ ખુલ્યો ! અફ કૉર્સ, ત્રણે ભાઇઓ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા. એ લોકો ધર્મની બહેનો જેવા ધર્મના ભાઈઓ નહોતા...સગા ભાઈઓ હતા. કેવળ આ ફિલ્મ પૂરતો જ શશી કપૂર ''ધર્મપુત્ર'' બન્યો હતો. 'ધર્મપુત્ર'ની વાર્તા કંઇક આવી હતી.અંગ્રેજોના શાસનમાં ઇ.સ. ૧૯૨૫-ના સમયગાળા દરમિયાન ગુલશન રાય (નાના પળશીકર) અને નવાબ બદરૂદ્દીન (અશોક કુમાર) એટલા બધા નજીકના દોસ્ત કે બન્નેના આજુબાજુના મકાનોની દિવાલો તોડીને બેમાંથી એક મકાન બનાવીને બન્ને પરિવારો રહેવા લાગ્યા. નવાબની દીકરી હુસ્ન બાનુ (માલા સિન્હા) જાવેદ (રહેમાન) નામના યુવાનથી પ્રેગ્નન્ટ થાય છે ને જાવેદ ક્યાંક અલોપ થઇ જાય છે. ખાનદાન કી ઇજ્જત ધૂલ મેં મિલા દી....જેવી રાડું નાંખવાને બદલે નવાબ હુસ્ન બાનુની પ્રસૂતિ કરાવે છે, જીગરજાન અને હવે સ્વર્ગસ્થ થઇ ગયેલા દોસ્ત ગુલશન રાયના ડૉક્ટર પુત્તર ડૉ. અમૃત રાય (મનમોહન કૃષ્ણ) પાસે, જે પોતાની પત્ની સાવિત્રી (નિરૂપા રૉય)ની ખુશીમરજીથી બાનુના બાળકને અપનાવીને પોતાના પરિવારનું નામ પણ આપે છે-દિલીપ (શશી કપૂર). મતલબ, મુસલમાનનું અનૌરસ સંતાન હિંદુના ઘરમાં હિંદુ બનીને મોટું થાય છે, જે પ્રખર હિંદુવાદી અને ભાગલાવિરોધી ક્રાંતિવાદી માનસ ધરાવે છે. એ દરમિયાન માલા સિન્હાનો પતિ રહેમાન પણ પાછો આવી જાય છે. શશી કપૂરને ખબર નથી કે, પોતે આ મુસલમાન દંપતિનો પુત્ર છે. ભાગલાનું એકમાત્ર કારણ મુસ્લિમોની બેવફાઇ સમજીને ચુસ્ત હિંદુવાદી શશી કપૂર પોતાના જ હિંદુ માં-બાપના ઘરમાં બેઠેલા મુસલમાન રહેમાન અને માલા સિન્હાને જીવતા બાળી નાંખવા ધસી જાય છે, પણ ઘટસ્ફોટ થાય છે કે, ખુદ એ મુસલમાનનું સંતાન છે, એ જાણીને એનું હૃદયપરિવર્તન થાય છે અને પોતે એકમાત્ર હિંદુ કે એકમાત્ર મુસલમાન હોવાને બદલે એકમાત્ર ભારતીય હોવાના ફખ્ર સાથે ફિલ્મનો સુખદ અંત લાવે છે.

બહુ મન પર નહિ લેવાનું પણ ચોપરા-કૅંપમાં મનમોહનકૃષ્ણનું નામ બહુ સન્માન્નીય હતું, એટલે સમજો ને, દરેક ફિલ્મમાં એ તો હોય જ ને આ ફિલ્મમાં તો ટાઇટલને સ્પર્ષતો રોલ સોંપાયો છે. નાઉ...આ મનમોહનકૃષ્ણ...એટલે એક ભારત ભૂષણ, બીજો પ્રદીપ કુમાર ને ત્રીજો મનોજ કુમાર.....આ ત્રણેના ચેહરાનું ગરમાગરમ મીક્ષ્ચર બનાવો ને જે ચહેરો તૈયાર થાય એ આ મનમોહનકૃષ્ણ. પેલા ત્રણ અને આની વચ્ચે ફરક એટલો કે, પેલા ત્રણેને તમે દિલ્હીના કુતુબ મીનાર ઉપરથી ઊંધા લટકાવો તો ય ચહેરા ઉપર કોઇ ઍક્સપ્રેશન્સ ન આવે ને આ ડૉહાના ચેહરાની સામે તાજી જ તપાવેલી કેસરી-કેસરી થઇ ગયેલી તલવાર અડાડવાની ધમકી આપો, તો ય એનો ચહેરો સ્થિર રાખી ન શકે. એક મિનિટમાં ૨૦-લાખ હાવભાવો લાવતો જગતભરનો આ એક માત્ર કલાકાર હતો. એક જમાનાની બૉમ્બે ટૉકીઝની હીરોઇન લીલા ચીટણીસનો કેવો દુઃખદ જમાનો આવ્યો હશે કે, આ ફિલ્મમાં એક જ શૉટ માટે એને લેવામાં આવી છે અને તે પણ ફાલતુ ! ''ધર્મપુત્ર'' પૂરતું એણે આશ્વાસન એટલું જ લેવાનું કે, આ ફિલ્મમાં અશોક કુમાર, માલા સિન્હા, રહેમાન કે નિરૂપા રૉય...બધાએ મનમોહનકૃષ્ણ કરતા ય વધુ ફાલતુ ''ઍક્ટિંગો'' કરી છે ! બહાર આટલું મધુરૂં લાગતું ''મૈં જબ ભી એકલી હોતી હૂં...'' ફિલ્મમાં બહુ નબળી રીતે મૂકાયું હોવાથી મનને કે આંખને ગમતું નથી. નવાઈ લાગે, પણ પોતાની દરેક ફિલ્મના ટાઇટલ્સ અનોખી રીતે પેશ કરવામાં વ્હી.શાંતારામ ખુદ અનોખા હતા. અહીં યશ ચોપરાએ શાંતારામની નકલ કરીને ટાઈટલ્સ બનાવ્યા છે. અડધી ફિલ્મ મુસ્લિમ કલ્ચરની હોવા છતાં આર્ટ-ડાયરેક્ટર સંત સિંઘે મુસ્લિમોના મકાનોની લાક્ષણિકતાઓ સમજ્યા નથી. ચટ્ટાઇના બે પડદા મૂકી દેવાથી ઘર મુસ્લિમનું ન લાગે !દેવ આનંદના મોટા ભાઈ ચેતન આનંદે ઉતારેલી રાજેશ ખન્નાની પહેલી ફિલ્મ 'આખરી ખત'ની હીરોઇન ઇન્દ્રાણી મુકર્જી અહીં શશી કપૂરની હીરોઇન છે. પછી તો એ ડૉસીઓના રોલમાં આવતી અને તે પણ અર્થ વગરના રોલ. આખી ફિલ્મમાં પરદા પાછળની કૉમેન્ટ્રી દિલીપ કુમારના અવાજમાં છે.