Search This Blog

28/03/2014

'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)

ફિલ્મ : 'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)
નિર્માતા : બિંદુ કલા મંદિર
દિગ્દર્શક : મુહમ્મદ હૂસેન
સંગીતકાર : ઓપી નૈયર
ગીતકારો : સાથેના બૉક્સ મુજબ
રનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ : ૧૨૩ મિનટ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : ફિરોઝ ખાન, મુમતાઝ, હૅલન, બેલા બૉઝ, બ્રહ્મ ભારદ્વાજ, શેટ્ટી, મોહન શેરી, રાજન કપૂર, રાજન હકસર, ટુનટુન, રામ મોહન, ઉમા દત્ત અને પહેલી વાર સ્વ. રૂપેશ કુમાર.



ગીતો
૧.... યાર બાદશા, યાર દિલરૂબા, કાતિલ આંખોવાલે..... આશા ભોંસલે
૨.... તેરા નિખરા નિખરા ચેહરા, ઉસ પર ચમકે...... આશા-કમલ- બારોટ-મહેન્દ્ર
૩.... ચાહો તો જાન લે લો, માલિક હો જીંદગી કે......... આશા ભોંસલે
૪.... જાને-તમન્ના કયા કર ડાલા આંચલ મેં મુસ્કાકે...... આશા-મહેન્દ્ર કપૂર
૫.... ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર.... આશા-કમલ-મહેન્દ્ર
૬.... નદી કા કનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો.... આશા ભોંસલે
ગીત નં. ૧ અને ૨ -શેવન રિઝવી, ૩-૪, શમ્સ-ઉલ-હુદા બિહારી, ૫-અઝીઝ કશ્મિરી અને ગીત નં. ૬ વર્મા મલિક

આ જરા મઝા કરાવી લે એવી હકીકત હિંદી ફિલ્મોના શોખિનો માટેની છે કે, લગભગ ૧૯૬૬-ની સાલ સુધીમાં આપણા જમાનાના તમામ સંગીતકારોની કરિયર ખતમ થઇ ચૂકી હતી. હયાત હતા, એ પણ કોઇ મોર મારી શકતા નહોતા...ઓન ધ કૉન્ટ્રારી, એમની આબરૂ જાય એવું સંગીત આ સમયગાળા પછીની તેમની ફિલ્મોમાં આપવા માંડયું હતું. પણ ઓપી નૈયરનો રથ સંગીતની રણભૂમિ પર તોખારની જેમ હણહણતો દોડતો રહ્યો. એમની કરિયરમાં કદી સૂર્યાસ્ત આવ્યો જ નહિ. આશા ભોંસલેએ સાથ છોડી દીધા પછી એ સમાપ્ત ચોક્કસ થઇ ગયા, પણ '૬૬ના સમયગાળા પછી આશા સાથેનું તોતિંગ ગઠબંધન હજી તગડું ચાલે જતું હતું. ઓપી પ્રયોગ ય કરતા. આ જ ફિલ્મના બે ગીતો 'ચાહો તો જાન લેલો...' અને 'જાને તમન્ના ક્યા કર ડાલા...' ઓપીએ ગાયકોને કોઇ સૂર આપ્યા વિના સીધા જ શરૂ કરાવ્યા છે. અને '૬૭ની સાલમાં બનેલી આ ફિલ્મ 'સી.આઈ.ડી. ૯૦૯'માં કેવા તોફાની સ્ત્રી-યુગલો બનાવી દીધા ઓમકાર પ્રસાદ નૈયરે ! એમને એમ એ રિધમ-કિંગ નહોતા કહેવાતા. 'નદી કા કિનારા હો, પાની આવારા હો, સાથ કોઇ પ્યારા હો તો ફિર બેડાપાર હૈ' અને 'ધડકા તો હોગા દિલ જરૂર, કિયા તો હોગા તુમને પ્યાર...' જેવા ગીતોમાં ઢોલક-તબલાંના ઠેકા સાંભળો એટલે તરત આપણા હાથ-પગ હાલવા માંડે ને કબુલ કરવું પડે કે, રિધમ-કિંગ એમને એમ... એટલે કે, કેવળ જુદા જુદા ઠેકા વગાડીને બનાતું નથી...એ ઠેકા સાંભળીને શ્રોતાના હાથ-પગ થિરકવા જોઈએ.

આ ઓપી બી કમ્માલની ચીજ હતી ! એક તો જીવનભર લતા મંગેશકર વગર ચલાવ્યું. '૫૦-ના દશક અને તે પછી પણ શંકર-જયકિશન અને કલ્યાણજી-આણંદજીના 'પૉલિટિક્સ'નો ભોગ બનતા રહેવું પડયું, મોટા ભાગની ફિલ્મોમાં મોટું બૅનર કોઇ નહિ ને સાવ ફાલતુ નિર્માતાઓની અત્યંત ફાલતુ ફિલ્મોમાં ય સંગીત તો 'એક મુસાફિર એક હસિના' કે 'ફિર વો હી દિલ લાયા હૂં' લૅવલનું જ.....અને આશાએ છુટા પડયા પછી ઓપીને બેફામ બદનામ કરે રાખ્યા-સામે એકે ય જવાબ ઓપી તરફથી નહિ, ગીતકાર રાજીન્દર કિશન સાથે ઊભા-બોલવાના ય સંબંધો નહિ, છતાં ય એક ગીતકાર તરીકે દિલ ફાડીને બિરદાવવા, શંકર-જયકિશનના આસિસ્ટન્ટ સેબેસ્ટિયન ઓપીના ય આસિસ્ટન્ટ હતા, તે ખુશ થઇને 'રૉલૅક્સ' જેવી અંબાણીઓને જ પોસાય, એવા મોંઘા ભાવની ઘડિયાળ કાચી સેકંડમાં ગિફ્ટ આપી દેવી.... ને દુશ્મનો ગમે તેટલો અપપ્રચાર કરે, તો ય સામો કોઇ જવાબ નહિ આપવાનો... આ સઘળી ફિતરત ઓપીની હતી. કોક પત્રકારે પૂછેલું પણ ખરૂં કે, આશાજી તમારા માટે પ્રેસમાં આટઆટલી ગાળો ઓકે રાખે છે...તમે સામો જવાબ કેમ નથી આપતા, ત્યારે ઓપીએ એક શહેનશાહની 'ગ્રેસ'ને છાજે એવો જવાબ આપી દીધેલો, 'મારા પિતાશ્રી મને એક સલાહ આપતા ગયા છે, 'Never explain. Your friends don't need it. Your enemies won't believe it.'

એક હવા એવી ય ચાલી હતી કે, ઓપી નૈયરે પાછળથી એવું કબુલ કર્યું હતું કે, પાછલી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરને લઇને મોટી ભૂલ કરી હતી. આ વાત ખોટી છે. અફ કૉર્સ, ઓપીએ કીધા તો હતા આ જ શબ્દો, પણ સંદર્ભ નોખો હતો. 'યે રાત ફિર ન આયેગી'નું મહેન્દ્ર કપૂરે ગાયેલું ગીત સ્વાભાવિક રીતે જ મુહમ્મદ રફી ગાવાના હોય, પણ રફી મક્કા હજ પઢવા ગયા ને આ બાજુ રૅકૉર્ડિંગ સ્ટુડિયોના ભાડાં ચઢતા હતા, એટલે ઓપીએ રફીની રાહ જોવાને બદલે મહેન્દ્ર કપૂર પાસે ગવડાવી લીધું, ('મેરા પ્યાર વો હૈ કિ, મરકરભી તુમકો...') એમાં પાછા આવીને રફી ખૂબ નારાજ થયા ને ઓપી માટે નહિ ગાવાની જાહેરાત કરી બેઠા. કોઇ જીદ પર અડયા વગર ઓપીએ કબુલી લીધું કે, 'મહેન્દ્ર કપૂરને લેવાની એમણે મોટી ભૂલ કરી હતી.' ધૅટ્સ ઑલ....એ આ જ એક ગીત પૂરતી વાત હતી.ઓપી નૈયર એક માત્ર સંગીતકાર એવા હતા, જે હઠપૂર્વક પોતાના ગીતોના અંતરાઓમાં એકની એક ધૂન વગાડતા. બર્મન દાદા બધા અંતરાઓ વચ્ચે અલગ ધૂનો વગાડે. ઓપી કહેતા, 'હું તે કાંઇ ગાન્ડો થઇ ગયો છું કે, એક ગીતમાં ત્રણ-ત્રણ ગીતોની ધૂનો વેડફી નાંખું ?' અલબત્ત, આ ફિલ્મમાં તેમના આસિસ્ટન્ટ જી.એસ. કોહલીએ ફિલ્મના બૅકગ્રાઉન્ડ અને ટાઇટલ-મ્યુઝિકમાં ઉતારાય એટલી વેઠ ઉતારી છે.

જો કે, આ ફિલ્મ વિશે લખવાનું બીજું ય કારણ ખરૂં કે, ફિરોઝ ખાન મારો ગમતો હીરો. મુમતાઝ પણ ખૂબ ગમે. એ બંને એકબીજાના પ્રેમમાં તો હતા, પણ એમના સંતાનો એકબીજાને પરણ્યા, એ ય સારૂં થયું. ફરદીન ખાન અને મુમુની દીકરી નતાશા માધવાણીનો સંસાર સારો ચાલે છે. બહુ ઓછાને ખબર હશે કે, એક સમયનો સામાન્ય વિલન સ્વ. રૂપેશ કુમાર મુમતાઝનો પિતરાઇ ભાઇ થાય. દેખાવડો અને ફૂલગુલાબી ચેહરો ધરાવતો રૂપેશ કુમાર ખાસ તો રાજેશ ખન્નાના 'ચમચા' તરીકે ફિલ્મનગરીમાં વધુ ઓળખાતો. એની ફિલ્મો હતી, 'કલ આજ ઔર કલ', 'અંદાઝ', 'સીતા ઔર ગીતા', 'રામપુર કા લક્ષ્મણ' 'નાગિન', 'દૂસરા આદમી', 'ચાચા ભતીજા' અને 'ધી ગ્રેટ ગૅમ્બલર'. રૂપેશ (થૅન્કસ ટુ મુમતાઝ) આ ફિલ્મના એક ગીત, 'તેરા નિખરા નિખરા ચેહરા..'માં ફૂટપાથીયા હાર્મોનિયમવાદક તરીકે આવે છે.

એની બધાને ખબર છે કે, 'શોલે'વાળો 'કાલીયો' વિજુ ખોટેનો સગો ભાઇ થાય, પણ એ બહુ ઓછાને ખબર હોય કે, બંને ટિવન્સ હતા.

ઇન ફૅક્ટ, એ જમાનામાં ફિરોઝ, સંજય, સમિર અને અકબર, 'ખાન બ્રધર્સ ઑફ જૂહુ'ના નામે પ્રખ્યાત હતા. એમને એક ચોથો ભાઇ શાહરૂખશાહ ખાન અને એક બહેન દિલશાદ બીબી પણ હતા. ખુદાએ આંખ મીંચીને ખૂબ પૈસો આપ્યો હતો. એક સમિરખાનને બાદ કરતા ત્રણે ભાઈઓ ડૅશિંગલી હૅન્ડસમ હતા. સમિર ખાન મીના કુમારીવાળી ફિલ્મ 'ગોમતી કે કિનારે'નો હીરો હતો, પણ પ્રેક્ષકોમાં અક્કલ ખરી કે, એને ચાલવા ન દીધો. ફિરોઝ બહુ વહેલો ફિલ્મોમાં આવી ગયો હતો. અશોક કુમારની જેમ એ પણ ઍન્ટી-હીરોના રોલ વધુ કરતો...અથવા કરવા પડતા. હૅન્ડસમ ખરો, પણ ચેહરામાં જરીક જરીક ખલનાયકપણું દેખાય ખરૂં, એટલે ગુરૂદત્ત-માલા સિન્હાની ફિલ્મ 'બહુરાની' કે રાજેશ ખન્ના-શર્મીલા ટાગોરની ફિલ્મ 'સફર'માં એ ઍન્ટી-સાઇડ હીરો તરીકે વધુ ચાલ્યો. એણે પોતે બનાવેલી ફિલ્મો 'અપરાધ', 'ધર્માત્મા' અને 'કુરબાની'માં નિર્માતા તરીકે પણ ખૂબ કમાયો. બાકીની ફિલ્મોમાં વાળ ઉતરી જવાથી દરેક ફિલ્મોમાં ઇંગ્લિશ હૅટ કે ફેડોરા-કૅપ પહેરીને જ આવવું પડતું, એમાં પ્રેક્ષકોએ માફ ન કર્યો. યસ. એક વાત ફિરોઝ ખાનની (જન્મ : ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ મૃત્યુ : ૨૭ ઍપ્રિલ, ૨૦૦૯) પ્રણામ સાથે સ્વીકારવી પડશે. એને પાકિસ્તાન બોલાવવામાં આવ્યો અને તમે તો જાણો જ છો કે, ત્યાં ભારત વિરોધી ઝેર ઓકવાનું સદીઓથી ચાલુ રહ્યું છે એ મુજબ, એને ય પૂછવામાં આવ્યું કે, ભારતમાં મુસલમાનોની દશા કેમ આટલી બધી ખરાબ છે ? ત્યારે એક સાચ્ચા ભારતીય મુસલમાનને છાજે એમ એ ત્યાં ઝગડી પડયો હતો કે, કમ-સે-કમ, પાકિસ્તાન કરતા ભારતના મુસ્લિમો વધુ સુખી છે. ત્યાં એને મોટો ફિટકાર પણ મળ્યો, ભારતની તરફેણ કરવા બદલ, પણ એ પોતાની સમજ ઉપર કાયમ રહ્યો. (પાકિસ્તાન તરફથી આવો ફિટકાર પ્રણામયોગ્ય ગાયક મુહમ્મદ રફીને પણ મળ્યો હતો, હિંદુઓના ભજનો તેમજ ભારતના દેશભક્તિના ગીતો ગાવા બદલ. પાકિસ્તાને તો રફી ઉપર ત્યાં પ્રવેશવાનો આજીવન પ્રતિબંધ પણ મૂકી દીધો હતો.) અહીં આપણે પાકિસ્તાનથી આવતા કલાકારોનું કેવું ભાવભીનું સન્માન કરીએ છીએ, એ વાત જુદી છે. આ જ બાબતે શિવસેના પ્રચંડ વિરોધ કરતી રહી છે. ફિરોઝની દીકરી લયલા ભારતના ટૅનિસ-સ્ટાર રોહિત રાજપાલને પરણી ને છુટાછેડા લીધા પછી એ ફરહાન ફર્નિચરવાલાને પરણી, જે લયલાના ભાઈ ફરદીનને પસંદ નહોતું, એમાં એક ફાઇવ-સ્ટાર હૉટેલમાં સાળા-બનેવી રીતસર હાથોહાથની મુક્કાબાજીમાં આવી ગયેલા... 'વૈસે ભી ખાનોં કા ખૂન ગર્મ હી હોતા હૈ...!' ફિરોઝ પરણ્યો તો હતો સુંદરી ખાનને, પણ પોતાની દીકરીની ઉંમરની પાકિસ્તાની ગાયિકા નાઝીયા હસનના એકતરફા પ્રેમમાં પડી જઈને બહુ બદનામ પણ થયો. નાઝીયા કૅન્સરમાં ગૂજરી ગઈ. 'કુરબાની'નું એણે ગાયેલું, 'આપ જૈસા કોઇ મેરી ઝીંદગી મેં આયે, તો બાત બન જાયે..' હિંદી ફિલ્મોનું એ જમાનાનું કલ્ટ-સૉન્ગ બન્યું હતું. હૉલીવૂડની કાઉબૉય ફિલ્મો એ તેના હીરોની નકલ કરી કરીને ફિરોઝે પોતાને બૉલીવૂડના ક્લિન્ટ ઇસ્ટવૂડ તરીકે જાતે ને જાતે ઓળખાવાનું નક્કી કર્યું. એ વાત જુદી છે કે, ક્લિન્ટ ઇસ્ટવૂડે પોતાને હૉલીવૂડના ફિરોઝ ખાન તરીકે માન્યતા મળે, એ માટે મુંબઇ નગરપાલિકામાં કોઇ અરજી કરી નહોતી. મુમતાઝને કૅન્સર છે. નાયરોબીમાં રહે છે, પણ મુંબઇ આવવા-જવાનું નિયમિત છે. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'માં ફિરોઝે આંખ મીંચીને જૅમ્સ બૉન્ડની સ્ટાઇલો કે મૅનરિઝમ્સ પકડવાનો બેહૂદો પ્રયાસ કર્યો હતો. જેણે બૉન્ડની ફિલ્મો જોઇ હશે, એમને યાદ હશે કે બૉન્ડ એના બૉસ 'એમ'ની ઑફિસમાં દાખલ થાય ત્યારે બૉસની બહાર બેઠેલી સેક્રેટરી મીસ મનીપૅની સાથે ફલર્ટ કરતો આવે. ફિરોઝભાઈ પણ આવું કરે છે. પિસ્તોલ પકડવાની સ્ટાઇલથી માંડીને અનેક અદાઓ સીધી શૉન કૉનેરીની ઉઠાવવાની. (આપણે ત્યાં દાયકાઓ સુધી 'સીન' કૉનેરી બોલાતું રહ્યું, જેનો ખરો ઉચ્ચાર 'શૉન' છે....શૉન કૉનેરી') અહીં તો ફિરોઝ ખાન ગુંડાઓને પકડવા એમની પાછળ દોડે છે ત્યારે મેહસાણાના બસ સ્ટેશન ઉપર સિધ્ધપુરની બસ પકડવા દોડતો હોય, એવો બેહૂદો લાગે છે.

આઘાતની વાત એ છે કે, ફિલ્મમાં હૅલનને એકે ય ડાન્સ જ આપવામાં આવ્યો નથી. ફિલ્મ 'સીઆઇડી ૯૦૯'ની વાર્તા-ફાર્તા માટે તો મોંઘા ભાવના પૅરેગ્રાફ્સ બગાડાય એવા નથી. ફિલ્મને ફાલતુ કહેવાનો ય કોઇ અર્થ નથી, કારણ કે '૬૦ના એ જમાનામાં આવી ફિલ્મો મસ્તીથી જોનારો એક વર્ગ હતો, જે હીરો વિલનને 'ઢીશુમ' બોલીને એક ફેંટ મારે તો ઘેર ગયા પછી ય ખુશ રહેતો પ્રેક્ષકોનો વર્ગ આવી ફિલ્મો જ વધુ માણતો. એ લોકોને ફિરોઝ ખાનની આખી કરિયરની સર્વોત્તમ ફિલ્મ 'ઊંચે લોગ' (દાદામોની અને 'જાની' રાજકુમાર સાથેની ફિલ્મ) સહેજ પણ ન ખપે. કબુલ તો એ ય કરવું પડે કે, ફિરોઝ કોઇ ગ્રેટ ઍક્ટર પણ નહોતો કે, એને સામાજીક અને હેતુલક્ષી ફિલ્મો મળે.

'સીઆઇડી-૯૦૯'ની બીજી કૉમેડી એ હતી કે, આમ બીજી ફિલ્મોમાં જેમના કોઇ ચણા ય ન આવતા હોય, એવા ફાલતુ ઍક્ટરોને અહીં મૅઇન-વિલનોના રોલ મળ્યા છે. મોહન શેરીને (આપણા જમાનાના ચાહકોએ) જોયો હોય, પણ એટલો નહિ કે મોહન શેરી નામ યાદ રહી જાય....એ સાલો અહીં મૅઇન વિલન. ઘણો સ્થૂળકાય છતાં ગુંડાની પર્સનાલિટીમાં ફિટ બેસી જાય એવો રાજન કપૂર અહીં સીઆઇડી ચીફના રોલમાં છે, બોલો ! બ્રહ્મ ભારદ્વાજને તો એના પર્મેનૅન્ટ પૂણી જેવા સફેદ વાળને કારણે આવી ફિલ્મોમાં સાયન્ટિસ્ટનો રોલ જ મળે. આજના મશહૂર ફિલ્મ નિર્માતા મનમોહન શેટ્ટીના ટાલીયા અને કાળીયા પિતા 'શેટ્ટી'ને પણ અહીં કામ મળ્યું છે. ફિરોઝ ખાનનો બૉસ બનતો ઊંચો તાડ જેવો પણ ખરબચડા ચેહરાવાળો વિલન ઉમા દત્ત અહીં સી.આઇ.ડી.નો બૉસ બની ગયો છે, એ ફિલ્મ કેવી હોય ?

બેલા બૉઝ '૬૦ના દાયકાની ફિલ્મોમાં બહુ ચાલી હતી. ક્યાંક તો એ આશા પારેખની ડૂપ્લિકૅટ પણ લાગે, એવી સુંદર તો હતી, પણ ડાન્સર તરીકે વધુ સારી, એટલે ફિલ્મો બહુ મળી. હૅલનની હરિફાઇમાં એ જમાનામાં બેલા બૉઝ ઉપરાંત મધુમતિ પણ ખરી, પણ જરા હૅલનની ગ્રેસ તો જુઓ....બેલા હોય કે મધુમતિ હોય, કોઇ હૅલનને પોતાની સમકક્ષ નહોતી ગણતી. ભરપૂર આદર સાથે એ બધીઓ હૅલનનો લિહાજ રાખતી. પ્રોફેસર, આમ્રપાલી, શિકાર, ઉમંગ, યે ગુલિસ્તાં હમારા, દિલ ઔર મુહબ્બત કે વહાં કે લોગ અને 'જય સંતોષી મા' જેવી ફિલ્મોમાં કામ કરનાર બેલા એ જમાનાના ધાર્મિક ફિલ્મોના હીરો ('જય સંતોષી માં'ના જ હીરો) આશિશ કુમારને પરણી ગયા પછી ફિલ્મો છોડી દીધી. આ બંગાળી અભિનેત્રી એક વ્યક્તિ તરીકે ઉમદા હતી. આટલી ધકધક કરતી સુંદરતા છતાં કોઇ હીરો-બીરો સાથે એનું લફરૂં થયું નથી. જીતેન્દ્રની ફિલ્મ 'જીને કી રાહ'માં જીતુની બહેન તરીકે રોલ સારો હતો. છેલ્લે તો એ 'મોરે મન મિતવા'માં દેખાણી હતી. આ ફિલ્મનું મુબારક બેગમે ગાયેલું એક ગીત જૂના ગીતોના ચાહકો માટે તો ક્લૅકશનનું ગીત છે, 'મેરે આંસુઓં પે ન મુસ્કુરા, કઇ ખ્વાબ થે જો બદલ ગયે...'

હજી એક વાર કહી શકું. 'સીઆઇડી ૯૦૯' તદ્દન ફાલતુ ફિલ્મ હોવા છતાં જોઇ નાંખવામાં ખોટ એટલે નહિ જાય કે, ઓપીના રસઝરતા ગીતો હરમાન માસ્તર અને કિરણકુમારે કોરિયોગ્રાફીમાં બેલા બૉઝ અને ખુદ મુમતાઝના ડાન્સ સાથે પરફૅક્ટ મૅચ થાય છે.