Search This Blog

06/04/2014

ઍનકાઉન્ટર : 06-04-2014

* મારો ગોરધન મારી ખૂબ સેવા કરે છે. પડોસણ પૂછે છે, શેનાથી પૂજેલા છે તો શું કહું?
- એમ કહો ને, તમારા ગોરધનની મજાક કરવાની આદત ગઈ નહિ...!
(શ્રીમતી ઈશ્વરી માંકડ, જામનગર)

* તમારો નાના ભાઈની હાઈટ-બૉડી જણાવશો?
- તમે તમારી જણાવો, પછી એનામાં હું ઍડજસ્ટમૅન્ટ્સ કરાવી લઉં.
(ભારતી નડિયાદી, નડિયાદી)

* મૂર્ખા ડાહ્યા ક્યારે લાગે?
- અત્યારે.
(દિપક આશરા, ગાંધીનગર)

* સવાલ પૂછવામાં અમારે કેટલું વિચારવું પડે છે, એની તમને શું ખબર?
- એ તો જે વિચારીને જવાબો આપતું હોય, એને ખબર!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* વરઘોડાની જેમ વહુઘોડો કેમ નહિ?
- લગ્ન પછી ગોરધને ઘરમાં રોજ 'ઘોડો-ઘોડો' રમવાનું હોય છે.
(અરવિંદ પી. પંડયા, મુંબઈ)

* ઘરજમાઈઓની અટક સાસરાવાળી ન રાખવી જોઈએ?
- ...તો ય, એના માનમરતબામાં કોઈ વધારો નહિ થાય!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* શું 'મીસકૉલ'ની શોધ કોઈ અમદાવાદીએ કરી હતી?
- અમદાવાદીઓ 'મિસીસ-કૉલ' સિવાય તમામ કૉલ્સ શોધી શકે છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* દેશને કોણ વધુ ચાહે છે? દંભી બિનસાંપ્રદાયિકો કે સાચા રાષ્ટ્રવાદીઓ?
- તમને કોઈ સાચો રાષ્ટ્રવાદી દેખાય તો મને જણાવજો.
(બિપીન બી. પટેલ, ધ્રાંગધ્રા)

* પ્રજાની પંચાત કરનારાઓને આપનો શો સંદેશ છે?
- લગે રહો.
(ગૌરવ રૂપેશભાઈ ભટ્ટ, અમદાવાદ)

* તમે પંખો ચાલુ કરવાનું કહો છો, પણ અમારે ત્યાં વીજળી અવારનવાર ઊડી જાય છે.
- એ વખતે 'પંખો ચાલુ કરવાનું' તમને નહિ, વીજળી કંપનીવાળાને કીધું હોય!
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* દેશમાં નાસ્તિકો કરતા આસ્તિકોની સંખ્યા ઘણી વધુ છે, છતાં દેશમાં ભૂખમરો ને ગરીબી કેમ?
- આસ્તિકોએ ઈશ્વરને શાંતિ આપવાને બદલે ૨૪ કલાક પાછળ પડી પડીને લોહીઓ પીધા છે, માટે!
(જયંતિ એ. પંચાલ, અંકલેશ્વર)

* કોકવાર કોક અઘરા સવાલમાં ભરાઈ જાઓ, ત્યારે વાઈફની મદદ લો છો?
- ભરાઈ જવાય માટે એની મદદ લઉં છું.
(હુસેન હુઝેફા મર્ચન્ટ, મુંબઈ)

* પાકિસ્તાનીઓ આપણા જવાનોને મારી જાય, છતાં નાલાયક નેતાઓ કાંઈ બોલી શકતા નથી. પ્રજાએ જ, 'લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે' સમજીને ન્યાય કરવો ન જોઈએ?
- ધૅટ્સ ફાઈન... તમે નેતાઓની પાછળ લાતો મારવાના મૂડમાં છો... આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ!
(શાહ ભારમલ નગરાજજી, મુંબઈ)

* સ્વયમ 'નમો' તમને 'અૅનકાઉન્ટર'માં સવાલ પૂછે, તો મૂંઝાઈ જાઓ ખરા?
- મારા બદલે એ સવાલો કોંગ્રેસને પૂછી રહ્યા છે ને કોંગ્રેસને તો મૂંઝાતા ય નથી આવડતું.
(જગદીશ રસિકલાલ શાહ, રાજકોટ)

* વિવાહમાં પૂછેલા સવાલોનો જવાબ ઠેઠ વરસી વખતે કેમ મળે છે?
- ઓહ માય ગોડ... અચાનક આ બધું શું થઈ ગયું? તમે તો સાજાનરવા હતા! અત્યારે ક્યાં છો?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* બહુ એકલવાયું લાગે ત્યારે શું કરવું જોઈએ?
- ગંઠોડા નાંખીને ગરમ દૂધ પીવું જોઈએ.
(વૃત્તિ અધ્યારૂ, પાટડી)

* સાહિત્યની કલાસિક કલાકૃતિઓની હત્યા, એટલે સંજય લીલા ભણસાલી... સુઉં કિયો છો?
- સમજ નથી પડતી, જેણે 'ગુઝારીશ' જેવી ઉત્તમ ફિલ્મ બનાવી, એ માણસ 'દેવદાસ' કે 'સરસ્વતીચંદ્ર' જેવી મહાન નવલકથાઓનો કચ્ચરઘાણ કેવી રીતે વાળી શકે?
(પ્રો. બી. એચ. કાપડીયા, વડોદરા)

* અશોક દવે, તમે 'ટ્વિટર' પર કેમ નથી?
- એ તો એણે કરવું પડે, જેની પાસે અભિવ્યક્તિનું માધ્યમ ન હોય! મારે વ્યક્ત થવા માટે ૧૪૦ અક્ષરોની મર્યાદા રાખવી પડતી નથી... ત્રણ ત્રણ કૉલમો છે!
(મધુરિમા સી. પટેલ, વડોદરા)

* ખેતરનો ચાડીયો શું સૂચવે છે?
- હું પણ કોંગ્રેસનો વડાપ્રધાન થઈશ.
(કિશોર વ્યાસ, ઘોઘા)

* સ્ત્રી માટે પિયરપક્ષ અને શ્વસુરપક્ષ સરખા હોય છે, જ્યારે પુરુષ માટે?
- એને તો ઘણા શ્વસુર પક્ષો એક સરખા ગણવા પડે છે.
(સુમંત એસ. પટેલ, સુરત)

* 'ભૂખ વગર ખાવું નહિ ને ભૂખ હોય એટલું ખાવું નહિ'... અર્થાત્?
- જરા ગણી જુઓ... દેશમાં મોટી ફાંદવાળા વધારે છે કે સુદ્રઢ શરીરવાળા?
(રમેશ સુતરીયા, ટ્રોવા, મુંબઈ)

* સવાલ પૂછનારના મોબાઈલ નંબર માંગો છો, જવાબ આપનારના કેમ નહિ?
- હૉટેલમાં જમવા જાઓ છો, ત્યારે વેઈટરને કહો છો ખરા કે, અમને તો પિરસવા દેતા નથી! હું જવાબો આપનાર વેઈટર છું... આપ સન્માન્નીય ગ્રાહક!
(વિશાલ ડી. જોશી, રાણાવાવ)

* જેને 'યુવરાજ' તરીકે સંબોધવામાં આવે છે, તે ક્યા રજવાડાંના છે?
- 'ગાંધી' નગર... આઈ મીન, સોનિયા 'ગાંધીનગર.'
(શિરીષ ઈ. વસાવડા, વેરાવળ)

* ભારતમાં હિંદુઓને સકન્ડ-કલાસ સિટિઝન તરીકે કેમ જોવામાં આવે છે?
- એ લોકો એને યોગ્ય પણ છે. આપણે ત્યાં કોઈ બ્રાહ્મણ છે, વૈષ્ણવ છે, રાજપુત છે, લોહાણા છે... બધા જ છે. એમાંના એકે ય ને પોતે હિંદુ હોવાનો ગર્વ કરતો સાંભળ્યો? આટલું ગૌરવ પણ ન હોય તો ભોગવે!
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* અડવાણીને ગાંધીનગરમાંથી ટિકીટ...!
- 'સંસારમાં સૌને ખુશી એક રાતમાં મળતી નથી, જિંદગી છે જિંદગી ખૈરાતમાં મળતી નથી.' આ મૂળ શે'ર વડોદરાના શાયર વિનય ઘાસવાલાનો... એમની ક્ષમાયાચના સાથે તમારા સવાલ મુજબ, આપણો ફેરફાર... 'ભાજપમાં કોઈને નિરાંત એક રાતમાં મળતી નથી, ટિકીટ છે, ટિકીટ ખૈરાતમાં મળતી નથી.'
(પરિન્દા વી. પટેલ, ગાંધીનગર)

No comments: