Search This Blog

13/04/2014

ઍનકાઉન્ટર : 13-04-2014

* કેટરીના કૈફ સાથે આપને કેમનું છે?
- એક આદર્શ હિંદુ પુરૂષ એક જીવનમાં કેવળ એક જ સ્ત્રીનો થઇને રહે છે. ...હવે એ જોવાનું રહ્યું કે, 'એ' શું માને છે!
(દિનેશ હિરાણી, તારાપુર-આણંદ)

* નેતાઓ ચિત્રવિચિત્ર પાઘડીઓ પહેરીને જાહેરસભાઓ કરે છે. કારણ?
- 'મત કહો કે સર પે ટોપી હૈ, કહો સર પે હમારે તાજ હૈ.'
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

* ગુટખા બંધ થયા, પણ સિગારેટ-તમાકુ ઉપર પ્રતિબંધ કેમ નહિ?
- ચુંટણી-ફંડો ઓકાવવામાં સફળતા ન મળે, તો ઉત્પાદકોને આવી સજા ભોગવવી પડે!
(ઉસ્માન એમ. વોરા, વિરમગામ)

* ગાંધીજીની નકલ કરી કરીને નામ કમાયેલા અન્ના હજારે ગાંધીવાદનું કલંક?
- મીડિયા અક્કલ વગરના કામો કરે છે. અન્નાની જેમ કેજરીવાલને પહેલા હીરો બનાવી દીધો.... ને હવે એને ઉઘાડો પાડે છે.
(ધીમંતરાય નાયક, બારડોલી)

* તમારી દ્રષ્ટિએ રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માટે યોગ્ય છે ?
- બાળકને હાલમાં તો પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મૂક્યું છે. મોટું થાય પછી બધી વાત.
(જસ્મિન જે. પટેલ, ખેરગામ-ચીખલી)

* એક વાર પ્રેમમાં પડીને લગ્ન બીજા સાથે કરી લેનારને શું કહેશો?
- નવોઢા.
(વિમલેશ જાની, ડાભલા-વિજાપુર)

* તમારૂં નામ 'અશોક' રાખવાનું કારણ?
- સંસારનું આ જ એક સર્વોત્તમ નામ પડયું હતું... વાપરી નાંખ્યું!
(કેતન ખખ્ખર, ગોંડલ)

* શું આપ ભાજપના શુભેચ્છક છો?
- બધા ચોર છે. બસ, આપણને ઓછું નુકસાન પહોંચાડે, એવી વ્યક્તિને રાજ અપાય.
(ભાવુભા ઝાલા, ભાવનગર)

* નેતાઓ માટે નિવૃત્તિ વય મર્યાદા કેમ નહિ?
- 'સમરથ કો નહિ દોષ ગુસાંઇ...'
(રજનીકાંત ભૂંડિયા, દ્વારકા)

* બુધ્ધિશાળી માણસો મૂર્ખ વાતો પર પણ કેમ ધ્યાન આપતા હોય છે?
- બસ... આપણું તો એવું જ!
(પુલીન શાહ, સુરેન્દ્રનગર)

* મારે ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્ક્સ આવ્યા, તો ય બા ખીજાયા... આપના પુત્રનું કેવું છે?
- એને ગણિતમાં ત્રણ વર્ષના થઇને ટોટલ ૯૯ માર્ક્સ આવ્યા હતા.
(કિરણ આર્યન, અમદાવાદ)

* પોલીસને પ્રજાનો દોસ્ત કહેવામાં આવે છે. તો પ્રધાનોને?
- પોલીસને તો માણસ પણ કહેવામાં આવે છે.
(કનુ જે. પટેલ, સંધાણા)

* તેલંગાણા પછી ગુજરાતમાં કચ્છને અલગ રાજ્યનો દરજ્જો ક્યારે?
- હાલમાં મેં અમદાવાદના 'નારણપુરા' માટે અલગ રાજ્યની માંગણી કરેલી છે.... લાઇનમાં આવો. આમે ય, આપણે દેશને તોડવા જ બેઠા છીએ તો... એક ઓર સહિ!
(વિસનજી ઠક્કર, થાણા-મહારાષ્ટ્ર)

* તમને અમેરિકા ફાવી ગયું?
- હવે તો ઓબામાને ય ફાવી ગયું છે.
(રેખા શાહ, અમદાવાદ)

* ઉનાળો આવ્યો. હવે તો પંખાને બદલે એસી ચાલુ કરાવો...!
- ગુજરાતી છીએ. પંખો આપણા ઘરનો ને એસી બાજુવાળાના ઘરનું ચાલુ કરાવીને ત્યાં બેસાય!
(પ્રવિણા જૅનીસ, આણંદ)

* ફિલ્મ કલાકારો ટીવી પર આવીને ઈંગ્લિશમાં જ કેમ બોલતા હોય છે?
- એ લોકો તો ઉધરસ પણ ઈંગ્લિશમાં ખાય છે... હિંદી બોલવાથી હૉલીવૂડમાં નામ ખરાબ થાય.
(એ.એમ. શાહ, અમદાવાદ)

* સારો વર મેળવવા કુંવારી કન્યા વ્રત રાખે છે, પણ સારો દીકરો મેળવવા માતાએ કયું વ્રત રાખવું જોઇએ?
- માતાએ પોતાની સાસુને પૂછી લેવું જોઇએ...
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* મનમોહન કહેતા, 'પૈસા ઝાડ ઉપર નથી ઊગતા.'.... એટલે?
- કોલસાની ખાણમાં ઊગે છે.
(જયંત હાથી, થાણા-મહારાષ્ટ્ર)

* શ્રધ્ધાંજલિમાં થયેલા વખાણો જેવું જીવન ખરેખર મરનાર જીવ્યો હોય છે ખરો?
- કેમ, લોકો મજાકો ય ન કરે?
(સુરેશ એન. બલુ, સુરત)

* આજનો માણસ રૂપીયા કમાવામાં પરચૂરણ બનીને વેરાઇ ગયો છે. સુઉં કિયો છો?
- ભલે વેરાતો... એમ કાંઇ કમાવાનું બંધ થોડું કરાય છે?
(રમેશ આર. સુતરીયા-ટ્રોવા, મુંબઇ)

* શુભ ધંધાઓમાં નજીવી બરકત છે પણ મલીન ધંધાઓમાં કમાણી જ કમાણી છે. આમ કેમ?
- વેપારીઓ બુધ્ધિમાન છે. બન્ને ધંધા ભેગા કરે છે.
(જયેન્દ્ર આર. શાહ, અમદાવાદ)

* કેન્દ્રીય મંત્રી જયસ્વાલે કહ્યું હતું, 'પત્ની જૂની થઇ જાય તો મજા નથી આવતી.' શું પત્ની મજા લેવાની ચીજ છે?
- શક્ય છે, આવું એમણે આત્મકથાસ્વરૂપે કીધું હોય, પણ એમની પત્ની વિશે બીજાઓનો મત એ ન પણ જાણતા હોય!
(ઝૂબૈદા પૂનાવાલા, કડી)

* અશોકજી, આજ સુધી આપને મળેલી બહુમૂલ્ય ભેટ કઇ?
- આપવાના હો, તો વાત કરો... ખોટી મેથી ના મારો!
(જીતેન્દ્ર જી. કેલા, મોરબી)

* વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગૅઇલ જેવો ક્રિકેટર ઇન્ડિયાને ક્યારે મળશે?
- એ તો એની બા ઇન્ડિયા આવે તો ખબર પડે!
(વલ્લરી જાની, હિમતનગર)

* સપ્તપદી વખતે લીધેલા વચનો નિભાવવામાં કેમ નથી આવતા?
- તમારૂં દુઃખ સમજી શકું છું.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ભારત સરકાર જેને ઍવૉર્ડ્સ આપે છે, તે ફિલ્મોને ઑડિયન્સ મળતું નથી. એકલી સરકાર સમજે, એને ઍવૉર્ડ?
- સરકાર 'સમજે છે', એવું માનવાની તમારી જાહોજલાલી ગમી ગઇ!
(સાધના નાણાવટી, જામનગર)

No comments: