Search This Blog

06/07/2014

ઍનકાઉન્ટર : 09-07-2014

* તો હવે 'વોટ્સઅપ' પર સવાલો પૂછાશે ?
- વૉટ્સ 'અપ' ના બોલાય... વૉટ્સ 'એપ'બોલાય, ભઇલા !
(હિતેશ પટેલ, અમદાવાદ)

* અશોકભાઇ, તમને તમારો ડૂપ્લિકેટ સામો મળી જાય તો શું કરો ?
- મારા ફેમિલીને એનાથી દૂર રાખું.
(મુહમ્મદ મુનાફ સિંધી, વડોદરા)

* વંશવાદ વિશે શું માનવું છે ?
- એ જ કે, એ ચાલુ રહેવો જોઇએ. મારા પછી મારા ઘરનું સુકાન મારો પુત્ર જ સંભાળવો જોઇએ.
(સચિન ચૌહાણ, તળાજા)

* અમેરિકાવાળા ફાલ્ગુનને 'ફેક્સ' અને સુરેશને 'સેક્સ' કહે છે, તો 'અશોક'ને શું કહેશે ?
- 'ડબલ ઍક્સ'.... Ex અને Axe.
(રેણુકા દેવનાણી, અમદાવાદ)

* હવે ડૉ.મનમોહન રીટાયર થઇ ગયા છે, તો તમારા તરફથી સારા કે નરસા બે શબ્દો કહેશો ?
- ''બચ ગયે.''
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* અમેરિકા જવાથી તમે બગડી ગયા કે તમારા લીધે એ લોકો બગડી ગયા ?
- મારા પગલાં પડવાથી મોદીને ત્યાં આવવાનું આમંત્રણ આપવાની અક્કલ આવી.
(ડૉ.જ્યોતિ હાથી, રાજકોટ)

* ''તમારી સાથે વાત કરવાની ખોટ દરરોજ સાલશે.'' ઓબામાએ મનમોહનને આવું શાથી કીધું હશે ?
- એ ઓબામાએ નહિ... ઓસામાએ કીધું હતું.
(વિદુર પંડયા, ગાંધીનગર)

* આવી ગરમીમાં પંખાને બદલે એસી ચાલુ કરવાનું કહો તો કેવું સારૂં રહે ?
- એસીનું કીધા પછી એક વાચકે ગેસ ચાલુ કઇ દીધો તો...!
(જય કણસાગરા, રાજકોટ)

* મારે જીવનમાં કંઇક સારૂં કરી બતાવવાનો વિચાર છે. તો શું કરવું ?
- બસ. હવે પછી વિચારવાનું માંડી વાળો.
(હાર્દિક બારોટ, સોતામલા- બનાસકાંઠા)

* કોઇ સુંદર સ્ત્રી તમારી સામે સતત જોયે રાખતી હોય, એ જોઇને પહેલો વિચાર શું આવે ?
- મરવાની થઇ છે.
(આયેશા જોબન મહેતા, અમદાવાદ)

* ગીરના જંગલમાં આપની સામે ડાલામથ્થો સિંહ આવીને ઊભો રહે તો શું કરો ?
- રીક્ષા.
(દીપક એ. રાવલ, હળવદ)

* પતિ-પત્ની બન્ને નોકરી કરતા હોય ત્યારે ઘરકામની જવાબદારી કેવળ પત્નીની છે, એવી પતિઓની માનસિકતાનો અંત ક્યારે આવશે ?
- મારી પત્ની તો નોકરી નથી કરતી છતાં, હું ટીચાઇ મર્યો છું. કોઇ પંખો ચાલુ કરો.
(સંગીતા એમ.દેસાઇ, લાઠી- અમરેલી)

* ફિલ્મોમાં હીરો પિયાનો વગાડે અને હીરોઇન ડાન્સ કરે. આપણા દેશમાં કેટલાને ઘેર પિયાનો છે ?
- હાસ્તો વળી, એમાં ખીજાઓ છો શું ? પેલી ડાન્સ કરતી હોય ને આવડો આ ઊભો ઊભો સીડી-પ્લેયર વગાડે, સારૂં લાગે ? બા તો કેવા ખીજાય...?
(જે.બી.દેસાઇ, વડોદરા)

* સુંદર સ્ત્રીઓ મોટા ભાગે ઢંગધડા વગરના ગોરધન પસંદ કરે છે. આમાં તમારૂં સ્થાન તો નથી ને ?
- મારે સાવ ઊલટું થયું છે. મારાવાળી સુંદર છે, પણ બેવકૂફ નથી.
(નિરંજન વૈષ્ણવ, જૂનાગઢ)

* 'કર્મા'માં ડૉ.ડેન્ગને પડેલી થપ્પડની ગૂંજ રાજકારણમાં અવારનવાર સંભળાય છે. સાહિત્યમાં શું છે ?
- મારો ય જીવ બળે છે. બહુ વર્ષોથી કોઇ લેખકે બીજા લેખકને પીટયો નથી.
(અમી-જાનકી શાહ, ન્યુયોર્ક)

* અકબરની જેમ 'ગુજરાત સમાચાર' દરબારના ૯- રત્નોમાં તમે કયા નંબરે ?
- એકનું એક નામ ૯ વખત લખતા શરમ આવે છે.
(નલિન હ.ત્રિવેદી, જામનગર)

* આ 'સેલ્ફઆઇ' એટલે શું ? અચાનક એ આટલી ફેમસ કેમ થઇ ગઇ ?
- પોતાનો એક્સ-રે જાતે પાડવો એ. ઘણાના તો એક્સ-રેઓ ય સેક્સી આવે છે, એટલે ફેમસ થઇ ગઇ.
(કિરણ સોની, અમદાવાદ)

* તમારા જવાબોથી ખુશ થઇને મારે તમને કોઇ ગિફ્ટ આપવી હોય તો રોકડા લેશો કે ગિફ્ટ ?
- નેક કામ મેં દેર નહિ કરતે, પગલે... ! રીક્ષા પકડ કે આ જાઓ.
(જયેશ અંતાણી, ભાવનગર)

* ખોટું બોલવાની શરૂઆત કોણે કરી હશે ? સ્ત્રીએ કે પુરૂષે ?
- પુરૂષે તો હજી મોંઢું ય ખોલ્યું નથી.... પેલીના જુઠ્ઠાણાંઓથી હેબતાઇ ગયેલો છે !
(દીપક આશરા, ગાંધીનગર)

* આપના લેખોને કોઇ પોતાના નામે પ્રસિધ્ધ કરે, તો કેવી પ્રતિક્રિયા આપો?
- તમારા સુરેન્દ્રનગરમાં જ આવો એક વૃધ્ધ મોરલો કળા કરી ગયો છે. મારૂં બધુ પોતાના નામે ઠઠાડીને ડોહો લહેર કરે છે.
(નીલમ પ્રતિક વ્યાસ, સુરેન્દ્રનગર)

* આટલા વર્ષો પહેલાની ફિલ્મો ય તમને યાદ કેવી રીતે રહે છે ?
- મોટા ભાગની ઘુસી ઘુસીને મફતમાં જોયેલી. આજે બીકના માર્યા બધું યાદ રહી ગયું છે કે, જે તે થીયેટરનો લાલો આજે મારવા તો નહિ આવે ને ?
(જય શાહ)

* શું આપણો દેશ સતીપ્રથાને આધારે જ ચાલી રહ્યો છે ?
- અસલી સતીઓ તો પતિના મૃત્યુ બાદ ચિતામાં ખાબકી પડતી... ઘણી નથી ખાબકી, એમાં તો દેશ બર્બાદ થઇ ગયો !
(બબુ દફ્તરી, રાજકોટ)

* સ્ત્રીને ઘરની શોભા કહેવાતી હોય તો પતિ અને બાળકોને ક્યાં નાંખવા ?
- અમારામાં તો બાજુવાળી શોભાને અમારા ઘરની શોભા કહે, બોલો !
(શિવરાજસિંહ વાઘેલા, થરા-કાંકરેજ)

* સવારે નહિ, રાત્રે નહિ અને બુધવારની બપોરે જ કેમ ?
- કહે છે કે, બુધ્ધિપૂર્વકના કામો બપોરે જ થાય !
(હેમાંગ ત્રિવેદી, પેટલાદ)

* આખરે દિલ છે શું ? કોઇ ગઠીયો પૈસા લઇને ભાગી જાય એના બદલે દિલ લઇને ભાગી જાય તો દુઃખ વધારે કેમ થતું હોય છે ?
- અમને આવા ગઠીયા ન ભટકાય... ગઠીયણો ભટકાય !
(ઝુબૈદા પૂનાવાલા, લડી)

No comments: