Search This Blog

18/07/2014

"હકીકત" 1964

ફિલ્મ : હકીકત
નિર્માતા : હિમાલય ફિલ્મ્સ
દિગ્દર્શક : ચેતન આનંદ
સંગીત : મદન મોહન
ગીતકાર : કૈફી આઝમી
રનિંગ ટાઇમ : ૧૯ રીલ્સ - ૧૮૪ મિનિટ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : ધર્મેન્દ્ર, પ્રિયા રાજવંશ, બલરાજ સાહની, વિજય આનંદ, સંજય ખાન, ઈન્દ્રાણી મુકર્જી, ચાંદ ઉસ્માની, બ્રિજ મોહન (મેકમોહન), જયંતણ રતન, ગૌરાંગ, ગુલાબ, જયદેવ, સુધીર, સુલોચના (રૂબી મૅયર્સ)



ગીતો

૧. મસ્તી મેં છેડ કે તરાના કોઇ દિલ કા, આજ લૂટાયેગા... મુહમ્મદ રફી
૨. જરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ, કહી પે... લતા મંગેશકર
૩. ખેલો ના, ખેલો ના મેરે દિલ સે, ઓ મેરે સાજના... લતા મંગેશકર
૪. આઇ અબ કે સાલ દિવાલી, મુંહ પર અપને ખૂન મલે... લતા મંગેશકર
૫. મૈં યે સોચકર ઉસકે દર સે ઉઠા થા, કે વો રોક લેગી મુહમ્મદ રફી
૬. હો કે મજબુર મુઝે, ઉસને ભૂલાયા હોગા... રફી-તલત-મન્ના ડે-ભૂપિન્દર
૭. કર ચલે, હમ ફિદા જાનોંતન સાથીયો, અબ તુમ્હારે... મુહમ્મદ રફી

પાકિસ્તાન સામેનું આપણું કારગીલ યુધ્ધ અને એમાં ઝળહળતો વિજય આપણે ક્રિકેટના બે વર્લ્ડકપ જીતા, એટલી ઉષ્માથી યાદ રહી જાય, એવી કોઇ મોટી ઘટના નહોતી અને હોય તો આજે કેટલાને એ યાદ છે ને કેટલા એનું ગર્વ અનુભવે છે? મફતમાં મળેલી આઝાદીની જ જ્યાં કોઇ કિમ્મત નથી, ત્યાં એક કારગીલ-વિજય એક મસ્ત ટીવી-સીરિયલની માફક યાદ આવી જાય ક્યારેક વળી! બાકી એ જ યુધ્ધ વખતે ટીવી-ઍન્કર બરખા દત્ત યુધ્ધમોરચે લાઇવ-કવરેજ કરવા ગઇ હતી, ત્યારે (તમને તો પાછું આવું યાદે ય ન હોય ને?) એ જે બન્કરમાં બેઠી હતી, તેની દસ ફૂટ જ દૂર આકાશમાં ઊડતો આવેલો બૉમ્બ પડયો અને આપણા જવાનોની જેમ બરખા પણ બચી ગયેલી.

પણ બરખાવાળું એ દ્રશ્ય જોઇને ખબર પડી કે, આપણા ગ્રેટ જવાનો જીંદગીના કેવા જુગાર સાથે આપણી રક્ષા કરી રહ્યા છે. અહીં અમદાવાદ-રાજકોટમાં બેઠા બેઠા, તાળીઓથી એમને વધાવી લેવા બહુ સલામત પડે છે (આપણે તાળીઓ પાડીએ છીએ, એ પાછા પાકિસ્તાનીઓ જોઇ ન જાય...!) પણ આગળની એક જ ક્ષણ પછી દુશ્મનની ગોળી છાતીની આરપાર નીકળી જવાની છે, એ શક્યતાની વચ્ચે આપણા જવાનો (ફક્ત આપણી રક્ષા કરવા-પોતાની તો નહિ જ!) દુશ્મનોની ગોળીઓની એવી ફિકર તો કરતા નથી, પણ સામી છાતીએ એવી સેંકડો ગોળીઓ દુશ્મનની છાતીમાં ધરબી આવે છે, ત્યારે અહીં આપણે પૂરા સૂકુનથી કે હોટેલોમાં મૅક્સિકન પિત્ઝા કે વૅજ હૅમ્બર્ગરો ચાવી જઇએ છીએ.

તો શું, દવે સાહેબ તમે એમ ઈચ્છો છો કે, અમે હાથમાં બંદૂકો પકડીને સીધા કાશ્મિર મોરચે જઇએ, તો જ અમારામાં દેશભક્તિ કહેવાય? અમે અહીં બેઠા બેઠા ય જરૂર પડે, અમારે લાયક દેશની સેવા કરીએ જ છીએ?...

ના મારા સોહામણા રાજ્જા, ના! તમારે કે મારે મોરચે જવાની જરૂર નથી. બસ મારા રાજ્જા... અત્યારે પણ દેશ દુશ્મનોથી મુક્ત નથી. દેશના ચારે ય સીમાડા સળગ્યા છે. એકલા સૈનિકો આપણને વિજય અપાવી નહિ શકે... હાથમાં હથિયાર પકડવાની તમારે કમ-સે-કમ દેશભક્તિ અમલમાં મૂકવાની જરૂર છે- તમારા ધર્મઝનૂન કે ધંધાઝનૂનમાંથી જરાક બહાર આવીને, જેટલો પૈસો ધર્મમાં ખર્ચો છો, એના દસમા ભાગનો ય દેશના કોઇ કામમાં આવે, એટલો આપો, એ મોટી દેશસેવા જ કરી કહેવાશે. તમારી સોસાયટીમાં પાકિસ્તાની આતંકવાદીઓ કે ચીનાઓ ધસી આવશે, તો બાય ગૉડ... તમારો ધર્મ કોઇ મદદમાં આવવાનો નથી, એ વખતે તમારા પડોસીઓ જ મદદમાં આવશે, જે જરૂરી નથી કે તમારા ધર્મના હોય! ચલો છેલ્લી ઑફર... જેટલો ગર્વ તમારા ધર્મ માટે ઉઠાવો છો, એનાથી અડધો તો દેશ માટે ઉઠાવો. જે કાંઇ ખાઓ-પીઓ છો કે જીવો છો, એ બધું તમારા દેશે આપ્યું છે... તમારા ધર્મે નહિ. સાલું, કૂતરૂં ય જે જગ્યાએ બેસે છે, તે જગ્યા સાફ કરીને બેસે છે, ને જે માલિકનું ખાય છે, તેને કરડતું નથી. મંદિરો-દેરાસરો પાછળ ખર્ચા બંધ કરીને દેશનાવિકાસ માટે રૂપિયા ખર્ચો, તો દુશ્મનો એટલા પાવરફૂલ નથી કે, આપણી ધરતી માતા ઉપર નજરે ય બગાડી શકે! કૈફી આઝમી જેવા દેશપ્રેમીએ કેવા અદભુત શબ્દો આપણા માટે લખ્યા છે, આ જ ફિલ્મ માટે, ''રાહ કુરબાનીયોં કી ન વીરાન હો, તુમ સજાતે હી રહેના નયે કાફિલે...'' આ નવા કાફલાઓનો અર્થ નવા નવા મંદિરો અને દેરાસરો નહિ, મારા ભાઇ!

ચેતન આનંદે કોઇ મહાન ફિલ્મ નથી ઉતારી. એક તબક્કે તો આને વૉર-ફિલ્મ કહેવાય કે કેમ, એ સવાલ ઉઠે. ફિલ્મની વાર્તા લડાખમાં ચીનની સામે લડતી ભારતીય સેનાની એક નાનકડી ટુકડીની છે. એના ફોજીઓ અંગત જીવનમાં પોતપોતાની પ્રેમિકા કે પત્નીથી બિછડીને કેવા લાગણીમય થઇ ગયા છે, તેનું ચરીત્રચિત્રણ છે. વૉરના દ્રશ્યો ફિલ્મી છે અને હૉલીવૂડની તો '૪૦ના દાયકાની પણ એકે ય વૉર-ફિલ્મ સાથે ઊભી રહી ન શકે, એવી ફાલતુ વૉર ફિલ્મ આ 'હકીકત' છે... છતાં આવી ફિલ્મને ભારત સરકારે નેશનલ એવોર્ડ આપ્યો હતો, એ કેવળ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઇને. બાકી એક ફિલ્મ તરીકે 'હકીકત'નું મૂલ્યાંકન કરવા બેસીએ, તો નિરાશ થઇ જવાય એવું છે.

પણ આ ફિલ્મ પૂરતા ચેતન આનંદને શાબાશી આપવી પડે કે, ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ સામે ચેતને આ ફિલ્મ બનાવીને દેશભરમાં ઘણા અંશે રાષ્ટ્રભક્તિ જગવી હતી, એનો મોટો દાખલો મુહમ્મદ રફી સાહેબના દેશભક્તિભર્યા ગીત, 'કર ચલે, હમ ફિદા, જાનોંતન સાથીયો, અબ તુમ્હારે હવાલે વતન સાથીયો...' આપી શકાય.

ચેતન એના ભાઇ દેવ આનંદની જેમ, આમે ય ઘણો નબળો ડાયરેકટર હતો. તો બીજી બાજુ એ બન્નેનો જ ત્રીજો ભાઇ વિજય આનંદ હિંદી ફિલ્મોના ટોપ-ટેન દિગ્દર્શકોમાં આવે. આ ફિલ્મમાં વિજય પણ 'નહિ લેવા-નહિ દેવા' બ્રાન્ડના તદ્દન ફાલતુ રોલમાં બે ઘડી આવે છે. ફિલ્મ ભાઇએ બનાવેલી હતી, એટલે એનો રોલ સાવ ફાલતુ ગણાઇ ન જાય, એ માટે ચેતને મુહમ્મદ રફીનું મદમસ્ત ગીત, 'મસ્તી મેં છેડ કે તરાના કોઇ દિલ કા, આજ લૂટાયેગા ખઝાના કોઇ દિલ કા...' વિજયને ગાવા આપ્યું છે. પણ હાય ચેતનભ'ઇ... રફીનું ફિલ્મનું ઉત્તમોત્તમ ગીત, ''મૈં યે સોચકર ઉસકે દર સે ઉઠા થા, કે વો રોગ લેગી મના લેગી મુઝકો...'' કોઇ નહિ ને સુધીરને ગાવા આપ્યું. સુધીર એટલે ફિલ્મ 'શરાબી'માં અમિતાભ બચ્ચનનું પાકીટ મારીને એના ગુંડા દોસ્તો સાથે દારૂ પીવા જતો રહે છે, તેમ જ 'સત્તે પે સત્તા'માં બહેરીયો ભાઇ બને છે તે સુધીર એક જમાનામાં હીરો તરીકે આવતો હતો. આજના દિગ્દર્શક મિલન લુથરીયાનો સુધીર સગો કાકો થાય. સુધીરનું સાચું નામ તો ભગવાનદાસ મૂળચંદ લુથરીયા હતું અને એક જમાનામાં દેવઆનંદની ફિલ્મ 'ઈશ્ક, ઈશ્ક'ની એકટ્રેસ અને મોડેલ શીલા રે સાથે સમજો ને, ઓલમોસ્ટ લગ્ન કર્યા હતા. સુધીરનો સાવકો દીકરો અશોક બેન્કર લેખક છે. સુધીર જે કોલેજમાં ભણતો, એનાથી સુનિલ દત્ત બે વર્ષ આગળ હતો. હમણાં ગુજરી ગયો, તે પહેલા સુધીર વર્ષોથી કાને બહેરો થઇ ગયો હતો.

આજ ફિલ્મમાં બીજો એક ફાલતુ રોલ મેળવનાર એકટર જગદેવને તમે દેવ આનંદની ફિલ્મ 'સોલહવા સાલ'માં વહિદા રહેમાનની પાછળ પડતો જોયો હશે. ફિલ્મ 'શોલે'નો સામ્ભા બહુ વર્ષોથી હિંદી ફિલ્મોમાં છે. મૂળ સિંધી બ્રિજમોહન 'મૅકમોહન' કેમ થઇ ગયો, એ તો ખબર નથી, પણ રવિના ટંડનનો સગો મામો થાય. સુલોચનાઓ તો હિંદી ફિલ્મોમાં ઘણી હતી. એકને તો આપણે આદરથી ઓળખીએ છીએ, તે ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં દેવ આનંદની માં બનતી સુલોચના લટકાર, બીજી સુલોચના ચૅટર્જી અને ત્રીજી સુલોચના સીનિયર ઉર્ફ રૂબી મૅયર્સ, જે આ ફિલ્મમાં હીરોઇન પ્રિયા રાજવંશની માં બને છે. એ જમનાની ઈમ્પીરિયલ ફિલ્મ કંપનીના ડી. બિલિમોરીયા નાના પારસી નિર્માતા-હીરો સાથે બેનને પ્રેમ થઇ જતા '૩૩થી '૩૯ સુધી સુલોચનાએ ફક્ત બિલી સાથે જ ફિલ્મો કરી. પણ પ્રેમસંબંધ પૂરો થતા બન્ને પૂરા થઇ ગયા અને સુલુને એક ફિલ્મ 'જુગનૂ' મળી, એ ય તત્સમયના મુંબઇ રાજયના ગૃહમંત્રી મોરારજી દેસાઇએ દિલીપ કુમાર-નૂરજહાં વાળી ફિલ્મ પ્રતિબંધિત કરી. ફિલ્મમાં વડિલ પ્રોફેસરને સુલોચનાની બાહોંમાં ઈશ્ક ફરમાવતા જોઇને દેસાઇ સાહેબ ગુસ્સે થઇ ગયા હતા. એક જમનામાં મુંબઇના ગવર્નર કરતા ય વધુ પગાર મેળવતી આ સુપરસ્ટાર ૧૯૮૩માં મુંબઇમાં ગૂજરી ગઇ, ત્યારે એને કબ્રસ્તાનમાં મૂકવા જનાર કોઇ માણસ હાજર નહોતો. છેલ્લે તમે એને બાસુ ચૅટર્જીની ફિલ્મ 'ખટ્ટા મીઠા'માં સોલીભાઇની પત્નીના રોલમાં જોઇ હશે. અહીં મારી માહિતી ખોટી હોઇ શકે છે કે, આ ફિલ્મમાં લૅવી ઍરોન નાનો કલાકાર મૂળ તો મિમિક્રી આર્ટિસ્ટ દિલીપ દત્ત છે, જેણે ફિલ્મ 'ગાઇડ'માં દેવ 'દિન ઢલ જાયે હાય રાત ન જાયે..' ગીતમાં દેવ માટે શરાબ લાવી આપ્યો હતો.

પણ ફિલ્મ 'હકીકત' જો આ જ સુધી મને-તમને યાદ રહી ગઇ હોય, તો નહિ ચેતન આનંદને કારણે કે નહિ આખી ફિલ્મને કારણે. આપણે કુર્બાન છીએ આ ફિલ્મના પવિત્રતાની હદોને અડી આવેલા સંગીતને કારણે. મદન મોહનને તો ઊભા રાખીએ એમના પગ ધોઇ પીવાની ઉત્કંઠા થાય, એવું મધૂરૂં સંગીત એમણે ફિલ્મ 'હકીકત'માં આપ્યું છે. એમને માટે આવું ઉજળું સંગીત આપવું, જસ્ટ... ડાબા હાથનો ખેલ હતો કારણ કે, મદન મોહને તો વળી કઇ ફિલ્મમાં સામાન્ય સંગીત આપ્યું છે, એ તો કહો! (જવાબ : ઘણી ફિલ્મોમાં સામાન્યથી ય નીચું સંગીત આપ્યું છે, જેની યાદી લાંબી છે, પણ) જે ફિલ્મમાં લતાબાઇ હાથ લાગી ગયા છે, એમાં તો ટેબલ પર હાથ પછાડીને કહેવું પડે કે, લતાનો ઉપયોગ મદન મોહન જેવો સર્વોત્કૃષ્ઠ કયા સંગીતકારે કર્યો છે? (જવાબ : મોટા ભાગના બધા સંગીતકારોએ લતાનો ઉપયોગ તો સર્વોત્તમ જ કર્યો છે... હા, મદન મોહનની વાત જુદી છે!) સામાન્ય ચાહકોએ બહુ બહુ તો 'અનપઢ', 'આપકી પરછાઇયા', 'વો ર્કૌન થી' કે 'મેરા સાયા' જેવી પ્રસિધ્ધ ફિલ્મોના ગીતો જ સાંભળ્યા હોય, પણ થોડા પાછળ જાઓ, તો 'રેલ્વે પ્લેટફોર્મ', 'આશિયાના', 'અદા' 'મદહોશ', 'નિર્મોહી', 'બાગી', 'ધૂન', 'દેખ કબીરા રોયા', 'શેરૂ', 'નિર્મોહી', 'ગેટ વે ઓફ ઈન્ડિયા', 'અદાલત' ઓહ, ઘણી બધી ફિલ્મોના નામો લખવા પડે એમ છે.. વાચકો, આટલામાં માની જાઓ ને...! આટલી ફિલ્મોના ગીતો સાંભળતા ય એકાદ વરસ નીકળી જશે.

પણ લતા જ નહિ, મુહમ્મદ રફીની ગીતો ય મદનની તરજમાં સાંભળીએ, ત્યારે હૃદયમાંથી એક ટીસ તો નીકળે જ છે કે, રફી પાસે કંઇ પણ ગવડાવતી વખતે શું મદનના શરીરમાં માં સરસ્વતી સાક્ષાત અવતરી પડતા હશે?

''મૈં યે સોચકર, ઉસકે દર સે ઉઠા થા...'' ગીતમાં વૉયલીન અને પિયાનોનો ઉપયોગ કેવો સમુચિત ઉપયોગ કર્યો છે? 'જરા સી આહટ હોતી હૈ...' વિશે વાત કરવા તો આપણે બધા નાના પડીએ, પણ એ ગીત શરૂ થતા પહેલાનો ઉપાડ યાદ રહી જાય એવો છે અને પ્રયોગની ભાષામાં વાત કરીએ તો ચાર ચાર સધ્ધર ગાયકો સાથે કવ્વાલીની છાંટ આપતું, 'હો કે મજબુર મુઝે, ઉસને ભૂલાયા હોગા...'માં રફી, મન્ના ડે, તલત અને ભૂપેન્દ્રસિંઘ પાસે ગવડાવ્યું છે. આમ જોવા જઇએ તો ચારે ય ગાયકોના જૉનર તદ્દન નોખા, છતાં ચારે ય કંઠનો સમન્વય એક ગીતમાં કેવો મધુર થયો છે? બાય ધ વે, ભૂપિને પહેલો ચાન્સ જ મદન મોહને આ ફિલ્મથી આપ્યો હતો, તે ઠેઠ 'મૌસમ'ના 'દિલ ઢૂંઢતા હૈ, ફિર વો હી, ફુરસત કે રાતદિન..' સુધી ફિલ્મ 'હકીકત'માં ભૂપિએ પરદા ઉપર પણ પોતાનો સ્ટાન્ઝા પોતે ગૈઓ છે, મતલબ, આજથી ૫૦ વર્ષ પહેલાના ભૂપિને જોવો હોય તો તક છે. ભૂપિ ઘણો હૅન્ડસમ લાગે છે. હમણાં રાહુલદેવ બર્મનના શ્રધ્ધાંજલિ શોમાં એને ગાતો જોયો હશે. આંખો જ દેખાય નહિ, એટલી બધી ઝીણી થઇ ગઇ છે.

યસ, તમે ડીવીડી મંગાવી ફિલ્મ જોવાના જ હો, તો પૈસા પડી નહિ જાય. ફિલ્મ તો ૧૯ રીલ્સની હોવાથી ખાસ્સી લાંબી છે, પણ ચેતન આનંદે એક કામ બેશક સારૂ કર્યું છે, દર્શકોના મનમાં રાષ્ટ્રભાવના જગવવાનું.

ફિલ્મમાં સેટ્સનો ઉપયોગ પણ વધારે પડતો કર્યો હોવા છતાં, લડાખના બાહરી દ્રશ્યોનું ફિલ્માંકન મનોરમ્ય છબિઓમાં થયું છે, જે આપણને મુંબઇ-અમદાવાદથી સાવ જુદા માહૌલમાં લઇ જાય છે. કોઇ કલાકાર (નૉટ ઈવન, ધી હીરો-હીરોઇન્સ) પરદા પર ૨-૪ મિનિટ્સથી વધારે ટકતા નથી, એટલે અભિનય કરી બતાવવાનો મોકો તો કોઇને મળ્યો નથી. એ વાત જુદી છે કે, બલરાજ સાહની જેવા દિગ્ગજો તો પરદા પર ચાર સેકન્ડ માટે આવે તો ય છવાઇ જાય અને એ જ ફિલ્મમાં છવાઇ જાય છે. મૂળ સીખ્ખ વંશની પ્રિયા રાજવંશમાં એના ચેહરા સિવાય મોહી પડવા જેવું આપણને તો કોઇને લાગતું નહોતું... એના બીજી વારના વરજી ચેતન આનંદને લાગ્યું હતું, તે બધી ફિલ્મોમાં એને હીરોઇન બનાવી.

એક્ટિંગ... માય ફૂટ... એને તો સંવાદો બોલતા ય ફાવતું નહોતું. એનું મૂળ નામ વીરા સુંદરસિંઘ હતું. 'હકીકત' એની પહેલી ફિલ્મ હતી.

મિલકતોના વિવાદોમાં ચેતન આનંદના બે પુત્રો વિવેક અને કેતન આનંદે એનું ખૂન કર્યું, સાથે એમના ઘરના બે સ્ટાફ-મેમ્બર્સ અશોક ચીન્નાસ્વામી અને માલા ચૌધરીએ પણ ખૂનમાં મદદ કરી હોવાના ગૂન્હા હેઠળ અદાલતે એ ચારે યને જન્મટીપની સજા કરી છે. ચારે ય આજે જેલમાં છે. પોતાના મૃત્યુ અગાઉ પોતાની જાતને ખતરો છે, એવી એક ચિઠ્ઠી પ્રિયાએ વિજય આનંદને લખી હતી, તે પોલીસના હાથમાં આવવાથી ચારે જણા ફસાઇ ગયા હતા. પ્રિયાના ભાઇ ગુલ્લુ સિંઘના કહેવા મુજબ, ચેતન આનંદે પ્રિયાને કદી બહારના ડાયરેકટરો સાથે કામ કરવાની છુટ આપી નહોતી. બરોબર આવો જ કિસ્સો વ્હી. શાંતારામનો સંધ્યા સાથેનો હતો, પણ બન્ને કિસ્સામાં કૉમન વાત એ છે કે, સંધ્યા અને પ્રિયા રાજવંશ બંને પોતે પોતાના પતિઓથી એટલા પ્રભાવિત હતા કે, છુટ મળી હોત તો પણ એ બન્ને બહારના દિગ્દર્શકો સાથે કામ ન કરત!

..ને આ પણ હકીકત છે.

(સીડી સૌજન્ય : હરેશ જોશી-વડોદરા)

No comments: