Search This Blog

02/07/2014

યે મેરા ઈન્ડિયા... આઈ લવ માય ઈન્ડિયા

અમેરિકા જતા પહેલા, ત્યાં એક પણ વાર નહિ ગયેલાઓને મને બીવડાવ્યો હતો કે, ''ત્યાંના ગુજરાતીઓ અહીં આવે છે, ત્યારે આપણે એમને હાથમાં ને હાથમાં રાખીએ છીએ, પણ આપણે ત્યાં જઈએ ત્યારે એ લોકો આપણી સામું ય જોતા નથી. પરાણે એમના ઘેર ઉતરવું જ પડે, તો ઓરમાયું વર્તન થાય છે. દાદુ, જેને ત્યાં ઉતરશો, ત્યાં ભારે પડશો. હૉટેલ-મૉટેલમાં ઉતરવાની આપણી ત્રેવડ ન હોય, એટલે ઉતરવું તો કોકને ત્યાં જ પડે... પણ ઉતર્યા પછી એ લોકો આપણને બહુ નીગ્લૅક્ટ કરે છે...''

કેવી બેહૂદી વાતો હતી આ બધી! અમેરિકામાં તો કેમ જાણે એમના ઘેરઘેર સાસરા હોય ને જમાઈરાજાને સાચવવાના હોય, એવી અપેક્ષાઓ આ લોકો રાખતા હશે. જાતે ગયા વગર અથવા ગયા હોય તો રાજાપાઠમાં ગયા હોય એવા ગુજરાતીઓને આવો અનુભવ થતો હોય તો ખબર નથી, પણ પરિસ્થિતિ બિલકુલ ઊલટી છે. એક તો, અમેરિકાની સોશિયલ-લાઈફ પૂરી ડિપ્રેશનવાળી છે. બહુ ઓછા નસીબવાન ગુજરાતીઓ છે, જેમની પાસે પોતપોતાના ફ્રૅન્ડ્સ-ગ્રુપ્સ છે અને એકબીજાને નિયમિત હળીમળી શકે છે. બન્ને કમાતા ન હોય, તો અહીં ટકી શકાતું નથી, એ હિસાબે હસબન્ડ-વાઈફ બન્ને જૉબ કરતા હોય અને કેટલાકને જૉબના ટાઈમિંગ્સ એવા વિચિત્ર આવ્યા હોય કે, પરોઢીયે જાતે બ્રેકફાસ્ટ બનાવીને ગાડી ભગાવી મૂકતો ગોરધન સાંજે ચાર વાગે તૂટેલો પાછો આવે, ત્યારે એની વાઈફ જોબ માટે નીકળી ગઈ હોય, તે મોડી રાત્રે ઘેર પાછી આવે, ત્યારે ગોરધન ઘસઘસાટ હોય! પતિ-પત્ની વચ્ચે '''' સંબંધો પણ વીક-ઍન્ડમાં એકાદ વખત ગોઠવાય, એનો એક ફાયદો જરૂર થતો હશે કે, જ્યાં ઘરમાં જ પહોંચી વળાતું ન હોય, ત્યાં બહારના ઑર્ડરો ઉપર તો ક્યાંથી ધ્યાન આપી શકાવાનું છે? ન છૂટકે ય અહીં તો ચરીત્રો શુધ્ધ રાખવા પડે! બાકી પતિ-પત્ની વચ્ચે પર્સનલ વાતચીત વીક-ઍન્ડ્સ સિવાય શક્ય નથી. બન્ને વચ્ચે ઝીણી વાતચીતો ફ્રીજ પર ચોંટાડેલા સ્ટીકરો લખી લખીને થાય. અહીં લંચની પ્રથા આખા દેશમાં નથી. (આટલા પૂરતો અમેરિકાનો ભૂખમરો આપણા કરતા વધારે ખરો...!) બ્રેકફાસ્ટ પછી બપોરનું જે લંચ હોય, તે નામનું હોય. પુરૂં જમવાનું ડિનરમાં હોય અને એ પણ બે જણ સાથે તો જવલ્લે જમી શકે.

અડોસપડોસમાં દહીનું મેળવણ લઈ આવવાના ય સંબંધો આ દેશમાં નથી. પડોસી સાથે વાતચીતનો સંબંધ શક્ય પણ નથી, એટલા અતડા ધોળીયાઓ જ નહિ, આપણા દેસીઓ ય થઈ ગયા હોય છે. ઘરની બહાર ગ્રોસરી લેવા જવું હોય તો વાઈફે ગાડી લઈને મિનિમમ ૮-૧૦ માઈલ્સ દૂર જવું પડે. આપણી ઈન્ડિયાની બધી ચૅનલો ત્યાં આવે છે, એટલે નવરા પડયા પછી એક માત્ર ટીવી-ચૅનલો એ જ મનોરંજન. ઇન્ડિયાની એકતા કપૂરવાળી સીરિયલો જોઈ જોઈને ત્યાંની આપણી ગુજરાતણો ઘરમાં ય ભારેભારે સાડીઓ પહેરીને રસોડાંના કામ પતાવતી હોય... બધીઓ નહિ... ફક્ત એકતા કપૂરના લૅવલવાળીઓ!

વળી, આપણે માનીએ છીએ, એટલી જાહોજલાલી નથી. એકએક ડૉલર કમાવવા જાત ઘસવી પડે છે. ''એ લોકો તો ડૉલરમાં કમાય અને ડૉલરમાં વાપરે, એટલે એમને મોંઘું ન પડે,'' એવી આપણી સમજ પણ ખોટી છે, કેવળ આપણા જેવા ત્યાં જતા પ્રવાસીઓને અહીંથી ૬૦-રૂપીયાનો એક ડૉલર ખરીદીને જવું પડે, એટલે દરેક ડોલર ખર્ચતી વખતે ગુણાકાર ૬૦-વડે કરવો પડે, એટલે આવા આઘાતો લાગે, પણ ત્યાંના લોકોને ય એક મૅક્સિકન પિત્ઝા ૧૧-ડોલર્સ કે આપણો મસાલો ઢોંસો ૮-ડૉલર્સમાં જ મળે છે, મતલબ... ખિસ્સામાંથી પિત્ઝાના રૂ. ૬૬૦/- કે ઢોંસાના રૂ. ૪૮૦/- એમને ય એટલા જ ચોંટે છે અને દરેક દેસીને ખબર છે કે, એક ડૉલરના રૂપિયા કેટલા થાય!

હકીકત તો એ છે કે, આપણે જઈએ તો અમેરિકાના ગુજરાતીઓ રાજીરાજી થઈ જાય છે, આપણી પાછળ હજારેક ડૉલર્સનો ખર્ચો એમને પણ થાય છે. એ બધા તમારે કાઢવાના હોય, તો પંદર દિવસમાં પાછા આવતા રહેવું પડે.

ત્રણ ચીજો દરેક અમેરિકન ગુજરાતીના ઘરમાં કૉમન : વૉલ-ટુ-વૉલ કાર્પેટ, ગરમ અને ઠંડા પાણીના નળ અને ત્રીજું, આઠ-આઠ ફૂટ ઊંચા રેફ્રીજરેટર્સ. હું બધું મળીને ૧૨-ફૅમિલીઓ સાથે રોકાયો, એટલે આખા અમેરિકામાં આમ જ બનતું હશે, એવું ન હોય... પણ આ ત્રણ ચીજોમાં તો આમ જ બન્યું છે. ઠંડી અને વરસાદ બારે માસ એટલે દરેક મકાનમાં હિટિંગ-સીસ્ટમ અને ઍર-કન્ડિશનર્સ હોય જ, માટે કાર્પેટની જરૂર પડે. મેં કીધું એમ, ઘરથી ગ્રોસરી સ્ટોર સુધી જવા માટે મિનિમમ ૮-૧૦ માઈલ્સ તો ગાડી લઈ જવી પડે, માટે ગૃહિણીઓ શનિ-રવિમાં એક સામટું બધું લઇ આવે, પરિણામે નાનું ફ્રીજ ન ચાલે. જેને પૂછ્યું, એણે કીધું કે, અમે તો ફક્ત ૪૦-જ વર્ષોથી રહીએ છીએ... એ પહેલા લાઈટો ગઈ હોય કે પાણી બંધ થયું હોય તો ખબર નહિ! કિચનના બૅઝિનના નળોમાં ઠંડું અને ગરમ પાણી આવતું હોય અને એ જ પાણી પીવામાં વપરાય, એટલું પહેલેથી ચોખ્ખું કરીને જ તમારા ઘરમાં આવે.

ઈન્ડિયા આવવાનું મન થાય તો આ મન થયું ને આ ઉપડયા, એ પૉસિબલ નથી. નોકરી-ધંધામાં વ્યવસ્થા એવી કરવી પડે કે, ઈન્ડિયા આવવાનો પ્લાન તો વરસ પહેલા બનાવી રાખવો પડે. એ તો તમને ય ખબર છે કે, ત્યાંથી આવનારાઓ કોઈ બે વીક્સ કે ચાર વીક્સ માટે જ આવે છે... અથવા તો આવી શકે છે. પેલા પ્લાનિંગનું કહ્યું એમ, આટલી બધી રજાઓ જોઇતી હોય તો, નોકરીમાં રજાઓની બચત કરતા રહીને ઈન્ડિયા આવવા જેટલી રજાઓ ભેગી કરવી પડે.

આ બધા નાનામોટા પ્રોબ્લેમો હોવા છતાં, એકે ય ગુજરાતી હવે ઈન્ડિયા પાછો આવવા તૈયાર નથી. કેટલાક તો હિંમત બતાવીને અહીં આવી પણ ગયા હતા, પણ એ જ ગંદકી, માણસમાણસમાણસના ઢગલે ઢગલા, બહુ ખરાબ સરકારી ઑફિસો, વિચિત્ર ટ્રાફિક... ઍન્ડ વૉટ નૉટ... દેશપ્રેમથી પ્રેરાઈને ઘણા પાછા આવેલા પાછા જતા રહ્યા!

ધૅટ્સ ફાઈન. લોકો મને પૂછે છે, આપણે અમેરિકા સૅટલ થવું હોય તો થવા જેવું ખરૂં?

હવે, આમ તો મારી એકેય સલાહમાં દમ હોતો નથી, એમ મને કોઇ પૂછે તો ટેબલ પર મુઠ્ઠી પછાડીને હું ના જ પાડું. ''લાખ લૂભાયે, મહલ પરાયે, અપના ઘર ફિર અપના ઘર હૈ'' એ મુજબ જેવો છે એવો આપણો દેશ બહુ વહાલો લગાડવા જેવો છે. પેલા બહુ જાણિતા જૉક મુજબ, પરદેશમાં વાંદરા બનીને રહેવું, એના કરતાં આપણા દેશમાં બિમાર તો બિમાર... સિંહ બનીને જીવવું વધારે સારું. ત્યાંનું દેખાય છે, એ બધું ઉજળું નથી. ઘરડાઓને ય મફતનું સારું એવું પૅન્શન મળે છે, એટલે છોકરા-વહુઓ હડધૂત કરતા હોય, છતાં ઈન્ડિયા પાછું આવવું નથી. ડીપ્રેશન ઑલમોસ્ટ કુટુંબે-કુટુંબે છે, ત્યારે આપણા દેશમાં કમ-સે-કમ પડોસી ઘેર બોલાવીને ચા પીવડાવે એવા તો હોય છે? નોકરીની દશા તો ઈન્ડિયા કરતાં ય બદતર છે ને મળી જાય પછી કયા કલાકે ઘેર પાછા આવતા રહેશો, એની ગૅરન્ટી તો બરાક ઓબામાની નોકરીમાં ય નથી. સાચું પૂછો, તો કાયદાને કારણે ધોળીયાઓ બોલી શકતા નથી, પણ મનોમન આપણને ખૂબ ધિક્કારે છે. દેશ એમનો છે અને ઘણા ઇન્ડિયનો પાકિસ્તાનીઓની જેમ બહુ બદમાશીઓથી જીવે છે. ત્યાંના કોઈપણ સ્ટોરમાંથી ખરીદેલી ચીજવસ્તુને તમે મહિનો ''વાપર્યા પછી પણ'' પાછી આપી આવો, તો એ લોકો એક સવાલે ય પૂછતા નથી. તમને નથી ગમી ને એટલું કાફી છે. પૈસા કાપીને નહિ, પૂરેપૂરા પાછા આપી દે... યસ, ચીજ વાપરેલી હોવા છતાં! અહિં અમેરિકા જતા પહેલા એક સ્ટોરમાંથી મેં લૅપટોપ ખરીદ્યું. એમની સ્કીમ મુજબ, સાથે એક ટીવી માત્ર સાડા નવ હજારમાં મળતું હતું મેં કીધું, ''ફાઈન'' બન્નેના પૈસા ચૂકવી દીધા. ડીલિવરી સાંજે થવાની હતી. મારા દીકરાએ કહ્યું, ''પાપા, ટીવીની કોઈ જરૂર નથી. ઘરમાં બબ્બે છે.'' મેં તરત ફોન કર્યો, ''લૅપટૉપ મોકલાવજો, પણ ટીવી કૅન્સલ કરજો.''

કોઇ માનશે? મેં કોઈ મોટો ગૂન્હો કરી નાંખ્યો હોય, એમ એ લોકો બગડયા. ''હવે બિલ બની ગયા પછી અમારાથી પાછું ન લેવાય.'' તારી ભલી થાય ચમના... માલ હજી તારી પાસે પડયો છે. મેં જોયો પણ નથી અને ગમે તેમ તો ય હું કસ્ટમર છું. કસ્ટમરની 'કૅર' કરવાને બદલે તું તો મને ખખડાવે છે...!

આ કિસ્સો અમેરિકામાં એક એકને કીધો, જેના જવાબમાં દરેકે કહ્યું, ''દાદુ, આ લૅપટૉપ તમે અહીંથી ખરીદીને ઈન્ડિયા લઇ ગયા હોત ને બે મહિના વાપરીને પાછું અહીં આપવા ગયા હોત, તો સામો એક સવાલ પૂછ્યા વગર, એ લોકો ''પૂરા પૈસા'' તમને ત્યાં જ પાછા આપી દે.

...ત્યાં તો ધોળીયાઓ મૅરેજ કરીને આવું નહિ કરતા હોય, એની શી ખાત્રી?

સાલાઓ નસીબદારો છે... એ લોકો એવું જ કરે છે!

સિક્સર

- હું સોનિયા ગાંધી હોઉં, તો આટલો બધો મેથીપાક પડયા પછી હવે સુધરી જઉં... ભાજપને ગાળો દેવાને બદલે, હું દેશ માટે શું કરી શકું એમ છું, એની વાતો કરૂં.
- એ હિસાબે મોદી બુધ્ધિશાળી કહેવાય. હવે વાત પતી ગઈ, એટલે ઈવન... નૅગેટીવ પબ્લિસિટી ય કોંગ્રેસને આપતા નથી.

No comments: