Search This Blog

01/08/2014

'નર્તકી'(૬૩'')

ફિલ્મ : 'નર્તકી'(૬૩'')
નિર્માતા : ફિલ્મ ભારતી (મુંબઈ)
દિગ્દર્શક : નીતિન બૉઝ
સંગીત : રવિ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : એલ.એન. (અમદાવાદ)
કલાકારો : નંદા, સુનિલ દત્ત, પ્રીતિબાલા (ઝેબ રહેમાન), ઓમ પ્રકાશ, ચંદ્રિમા ભાદુરી, પોલસન, નાના પળશીકર, આગા, સુરેખા પંડિત, અરૂણા ઈરાની, મોની ચૅટર્જી, કુસુમ ઠાકુર, સુજાતા.


ગીત
૧. તુમને આંખોં સે પી હો તો, મૈં ક્યા કરૂં ?.... આશા ભોંસલે
૨. હમ તુમસે મુહબ્બત કર બૈઠે, અબ દિલ સે ભૂલાના... મહેન્દ્ર કપૂર
૩. જીંદગી કી ઉલઝનોં કો ભૂલકર, આજ મસ્તી મેં.... આશા ભોંસલે
૪. પૂછો કોઇ સવાલ બચ્ચોં... રફી, ઉષા મંગેશકર, ઉષા ખન્ના, કમલ બારોટ
૫. આજ દુનિયા બડી સુહાની હૈ, કૈસી રંગીન જીંદગાની.... આશા ભોંસલે
૬. જીંદગી કે સફર મેં અકેલે થે હમ, મિલ ગયે તુમ તો.... મુહમ્મદ રફી
૭. ઇન્સાન મુહબ્બત મેં કુછ કામ તો કર જાયે.... આશા ભોંસલે
૮. અગર કોઇ હમ કો સહારા ન દેગા.... ઉષા મંગેશકર

કોઇ મૂઢમાર મારતું હોય, એવી ફિલ્મો મારે દર અઠવાડિયે જોવાની, એમાં મહાન દિગ્દર્શક નીતિન બૉઝનું નામ ડીવીડી પર વાંચ્યું, એટલે આંખ મીંચીને ફિલ્મ 'નર્તકી' લઇ લીધી.... આઇ મીન, એની ડીવીડી લઇ લીધી. હીરો-હીરોઇન પણ જોવા ગમે એવા મજ્જાના હતા, એટલે નુકસાન ઝાઝું થવાનું નહોતું.

ન થયું. થોડું થયું. અર્થાત્ ફિલ્મ સારી નીકળી ને બીજી વખત અર્થાત, એટલે એટલી બધી સારી ય નહિ. પણ '૫૦ કે '૬૦ના દાયકાઓમાં જે ફિલ્મો બનતી, તેના પ્રમાણમાં આ ફિલ્મ જરા ગમે એવી હતી. દિગ્દર્શન નીતિન બાબુનું હોય, એટલે ફિલ્મ ફાલતુ તો ન હોય. દિલીપ કુમારની 'ગંગા જમુના', 'દિદાર,' 'મિલન' (નૌકા ડૂબી), ઉપરાંત સાયગલ, પંકજ મલિકની ઘણી ફિલ્મોના એ ડાયરેક્ટર હતા. ચંડીદાસ, ધરતી માતા, પ્રેસિડૅન્ટ, દુશ્મન, કપાલ કુંડલા...પણ હિંદી ફિલ્મો બનાવનારા નીતિન બાબુને ખાસ યાદ રાખશે, ફિલ્મી સંગીતમાં 'પ્લૅબૅક-સિન્ગિન્ગ'ની શરૂઆત કરાવવા બદલ. પહેલા બંગાળીમાં 'ભાગ્યચક્ર'ને નામે એમણે જ બનાવેલી હિંદી ફિલ્મ 'ધૂપછાંવ'માં રાયચંદ બોરાલના સંગીતમાં મન્ના ડે ના કાકાબાબુ કૃષ્ણચંદ્ર ડે, અનિલ બિશ્વાસના બહેન પારૂલ ઘોષ (ગુન ગુન ગુન ગુન બોલે ભંવરવા, હમારી ગલીયા મેં...) અને સુપ્રભા સરકારે ગાયેલા ગીતથી ભારતીય ફિલ્મોમાં પ્લૅબૅક સિંગિન્ગિની શરૂઆત થઈ.

આ વાતની પાછી બહુ ઓછાને ખબર હોય કે, ધી ગ્રેટ સત્યજીત રે નીતિન બાબુના ભત્રીજા થાય અને અશોક કુમારની ફિલ્મ 'મશાલ'માં સત્યજીત નીતિન બાબુના આસિસ્ટન્ટ હતા.

આમ તો હિંદી અને બંગાળી ફિલ્મોના રૅકૉર્ડિંગમાં જ નહિ, ડબિંગમાં પણ પહેલી શરૂઆત કરનાર સીનેમેટોગ્રાફર મુકુલ બૉઝ નીતિન બાબુના સગા ભાઇ થાય, પણ આ ફિલ્મ 'નર્તકી'માં બાબુજીએ કૅમેરા મરાઠી માણુસ નાના પોન્કશેને સોંપ્યો છે અને મસ્તમધુરૂં કામ થયું છે, યસ...બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફોટોગ્રાફીમાં પણ !

ફિલ્મનું નામ 'નર્તકી' વાંચીને એ શબ્દને ઊંધો કરવાનું મન થાય, પણ આપણે આટલા વર્ષોથી હિંદી ફિલ્મો જોઇ હોય, એટલે સ્ટોરી ધારી લેવાય કે, હીરોઇન નર્તકી એટલે કે તવાયફ હશે ને અચાનક આદર્શવાદી હીરો એના મુજરામાં ભરાઇ પડયો હશે. પેલાને ગામમાં કોઇ મળતું નહિ હોય, એટલે આની પાસે રાખડી બંધાવવાને બદલે લગ્નની ગાંઠો મારવા હાલી નીકળ્યો હશે. તવાયફની 'મૌસી' એને છટકવા નહિ દેતી હોય, વચમાં પાછું, હીરો કેટલો મોટો ત્યાગ આપે છે, એ બતાવવા એક સાઇડ-હીરોઇનને ઉપાડી લાવવાની, જે હીરોને ખૂબ ચાહતી હોય ને હીરો એનામાં 'ભરાઉ-ભરાઉ' થતો પણ હોય, પણ ભરાય નહિ ને છેવટે થોડી-ઘણી મારામારી, થોડા ઘણા આપઘાતના નિષ્ફળ પ્રયાસો અને છેલ્લે 'બોલ મારી અંબે....જય જય અંબે'ના નારા સાથે ગોળધાણા ખાઇને છુટા પડવાનું.

સાલા જબરા ઉલ્લુ બનતા'તા આપણે. બાપાનું રાજ ચાલે છે, તે કોઇ તવાયફ-વેશ્યાને પૈણીને ધેર લાવવાનો આપણે વિચાર પણ કરીએ? પણ એકે ય અપવાદ વગર તમામ ફિલ્મી તવાયફો ''જાલીમ જમાનાનો શિકાર'' બની હોય ને આપણો હીરો આવા જમાના સામે લડીને પેલીને પોતાના ઘેર બેહાડીને જંપે!

આ ફિલ્મ વળી નીતિન બાબુની છે, એટલે વેશ્યાને થોડી-ઘણી છુટછાટો આપી છે. સુનિલ દત્ત ગરીબ પ્રોફેસર ને નંદા તવાયફ, એટલે કે નર્તકી. સુનિલને જોઇને મોહી પડવાની સાથે સાથે બહેન નંદા આ માસ્તર પાસે અક્ષરજ્ઞાાન પ્રાપ્ત કરવાના કલાસ ભરે છે. સુનિલ પાછો આપણી નંદુને કોઠામાંથી છોડાવવાની તો કોઇ પેરવી કરતો નથી, તો શું કરે છે અને કેમ પેરવીઓ નથી કરતો, એ તો વાર્તાલેખકના પિતા જાણે. આપણી ગુજરાતી ફિલ્મોની ઍક્સ બંગાળી ઍક્ટ્રેસ રીટા ભાદુરીની મમ્મી ચંદ્રિમા ભાદુરી ''મૌસી'' છે...એને બે ઘડી એમે ય ન થાય કે, નંદાને નથી નાચગાના કરવા, તો એને જવા દઇએ. ઉપરથી પેલીને ગંગા મૈયામાં ઝંપલાવવું પડે, એવી ઉશ્કેરી મૂકે છે. આ બાજુ નંદા ય કોઇ ઓછીની નથી. આપઘાતના પ્રયાસોમાંથી ગૅરન્ટીપૂર્વક બચી જવા ઉપર એનો હાથ સારો બેસી ગયો હોય છે, એટલે તઇણ કલાકની ફિલમમાં નંદુ જ્યારે નવરી પડે, ત્યારે એકાદો આપઘાત કરતી આવે છે, કારણ કે, કોણ પાછળથી એને પકડી લઇને, ''યે ક્યા કર રહી હોઓઓઓ ?''નો ઘાંટો પાડીને બચાવી જ લેવાનું છે, એની એની પાસે સૉલ્લિડ માહિતી અને ખાત્રી હોય છે. આવાઓને તો પડવા જ દેવા જોઇએ. હીરાઓ નથી કરવા દેતા, ત્યારે એની સાથે પરણવાના દહાડા આવે છે ને ?

બીજું તમે કાંઇ માર્ક કર્યું ? ભારતભરની હીરોઇનો અડધી રાત્રે આપઘાત કરવા કોઇ પહાડની ટોચ પર જાય ને ઍક્ઝૅટ એ જ સ્થળે ઍક્ઝૅક્ટ ટાઇમસર હીરો પહોંચી જાય ! તારી ભલી થાય ચમના, તું એ તો ઓલીને પૂછ કે, અમને અડધી રાત્રે રીક્ષા મળતી નથી ને તને ઠેઠ પહાડના ટોપકા સુધી જવા માટે કઇ બસ મળી ? વળી, મોટા ભાગના હીરાઓ આંધળામૂવા હોય છે. પેલી પર્વતની ધાર ઉપરથી કાચી સૅકન્ડમાં ભૂસકો જ મારવાની છે, એ હીરો જુએ છે, છતાં પૂછે છે, ''યે ક્યા કર રહી હો...?'' અલ્યા ધોબી, તને દેખાતું નથી કે પેલી શું કરે છે ? આટલી ડૅન્જરસ જગ્યાએ શું આંબલી-પિપળી, થપ્પો ને આઇસ-પાઇસ રમવા આઇ હશે ? બે ધોલ મારીને સીધી ઘેર લઈ આવવાની હોય, જેથી પોલીસના લફરા-બફરા ન થાય ! આ તો એક વાત થાય છે.

જોવાની ખૂબી અને કૉમેડી એ છે કે, ઝૂંપડામાં રહેતો સુનિલ દત્ત પ્રોફેસર હોવા છતાં અડધી રાત્રે નવરો બેઠો વાંસળી વગાડે છે, એ વખતે એનાથી ઘણે દૂર કોઠામાં નંદાનો મુજરો સંભળાય છે. સાલી કઇ ફૅક્ટરીમાં કાન બનાવડાવ્યા હશે કે, આટલે દૂરનું પેલીના અડોસી-પડોસી કે પોલીસ-બોલીસને ના સંભળાય ને આને એકલાને સંભળાય. પાછો ઘરમાં એ ફાનસ અને પ્રાયમસ વાપરે છે. હે વાચકો, ભારતની એકે ય ફિલ્મના એક પણ દ્રષ્યમાં તમે લાઇટનો ગોળો કે ટયુબલાઇટ જોઇ ? એકે ય ફિલ્મમાં જોઇ ? ને છતાં ય, રામ જાણે કઇ ટૉરૅન્ટ કંપનીમાંથી વીજળીનો પુરવઠો આવતો હશે, તેની ગતામત પડતી નથી. નવાઇ નહિ, આઘાત નીતિન બાબુના નામે એ વાતનો લાગે કે, સુનિલના ઘેર ટીફિન આપવા આવેલી નંદા ટીફિન દરવાજાની ડાબી બાજુ મૂકે છે ને જતી વખતે ઑટોમૅટિકલી, એ જ ટીફિન જમણી બાજુ આવી જાય છે. હીરો બાહોશ હોય તો તપાસ તો કરવી જોઇએ ને કે, ટીફિનની આ ખસડાખસડીમાં ભાજપ કે કૉગ્રેસનો હાથ તો નથી ને ?

ઓર તો ઓર...કોક ખૂણાથી મધુબાલા જેવી લાગતી પ્રીતિબાલા ઉર્ફે ઝેબ રહેમાન પિયાનો વગાડતી હોય છે, ત્યારે કલૉઝ-અપમાં પિયાનો વગાડતો હાથ પુરૂષનો ભરચક રૂંવાટીવાળો અને તગડો છે. આખો શૉટ બતાવે, ત્યારે ઝેબ રહેમાન આખી દેખાય. નીતિન બાબુ ય કૉલેજ નહિ ગયા હોય, કારણ કે કૉલેજના સ્ટૂડૅન્ટ્સ બધા ૩૫-૪૦ની ઉંમરવાળાઓ છે. મારા પૈસા તો વસૂલ મુહમ્મદ રફીના વર્ષોથી ખોવાયેલા ગીત, ''જીંદગી કે સફર મેં અકેલે થે હમ, મિલ ગયે તુમ તો...'' રફી સાહેબે થેલો ભરીને બદામ ખાઇને ગાયું હોય એવું લાગે છે. આમે ય, રફી પાસેથી ઉત્તમ કામ લેનારાઓમાં ચિત્રગુપ્ત કરતા ય સંગીતકાર રવિનું નામ ઊંચું ખરૂં. જામનગરના ચંદુભાઈ બારદાનવાલાએ મોકલાવેલી સીડીઓ મુજબ તો આ બન્નેની જોડીએ અઢળક ગીતો બતાવ્યા છે. '૬૦-નો દાયકો રવિથી છવાયેલો રહ્યો. સરસ મજાના સ્ટ્રાઇક-રૅટ સાથે રવિએ આ દશકની મોટા ભાગની ફિલ્મોમાં ઉત્તમોત્તમ સંગીત આપ્યું છે, છતાં દુઃખ એ વાતનું મારી જેમ ભેગાભેગું તમે ય કરજો કે, હિંદી ફિલ્મોના મહાન સંગીતકારોનું લીસ્ટ તમારી પાસે જ બોલાવીએ તો વાત, શંકર-જયકિશન, નૌશાદ, ઓપી નૈયર, મદન મોહન કે સચિનદેવ બર્મનમાં પતી જાય. ઇવન તમારા જ લિસ્ટના પહેલા પાંચ સંગીતકારોમાં સલિલ ચૌધરી, રોશન, રવિ, ખય્યામ, ચિત્રગુપ્ત, શ્રીનાથ ત્રિપાઠી કે ઇવન હેમંત કુમાર કેમ ન આવે ? ધી ગ્રેટ અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર, સજ્જાદ મીયાં, જયદેવ કે વિનોદ સુધી બધાની પહોંચ ન હોય, એ સમજી શકાય પણ રવિએ તો ઉત્તમ કામ આપ્યું છે. આ તો ફક્ત વાત જ થાય છે, પણ લચ્છીરામ તમર જેવા સંગીતકારે પણ બે-ચાર ફિલ્મો છતાં કેવા દિલડોલ ગીતો બનાવ્યા હતા, ''સબ જવાં, સબ હંસિ, કોઇ તુમ સા નહિ,'' 'તૂ શોખ કલી મૈં મસ્ત પવન...' 'અય દિલ મચલ મચલ કે યૂં, રોતા હૈ ઝાર ઝાર ક્યા, અપના ચમન ઉજડ ગયા, આયેગી અબ બહાર ક્યા ?' (બધા ગીતો ફિલ્મ 'મૈં સુહાગન હૂં'ના.)

ઓકે. રવિ તો એકલો સંગીતકાર હતો, પણ હિંદી ફિલ્મોમાં એવા ય કિસ્સા બન્યા છે કે, '૪૦-ના દાયકામાં આવેલી ફિલ્મ 'ઇન્દ્રસભા'માં ૬૯ ગીતો હતા, તો '૬૦-ના દશકમાં મધુબાલાના ફાધર અતાઉલ્લાખાને ઉતારેલી ફિલ્મ 'પઠાણ'માં ગીતો આઠ હતા ને સંગીતકારો ૯. એક ફિલ્મના સંગીત માટે ૯-સંગીતકારો માનવામાં આવે ? માનજો જ, કારણ કે, તલત મેહમુદના બે અદભુત ગીતો 'આજા કે બુલાતે હૈ તુઝે અશ્ક હમારે' અને 'ચાંદ મેરા બાદલોં મેં ખો ગયા...' આ ફિલ્મના હતા. એક આખી ફિલ્મમાં અડધેથી બદલાઇને બીજા સંગીતકાઆર આવ્યા હોય એવા તો ઘણા દાખલા છે.

આ ફિલ્મનો હીરો સુનિલ દત્ત છે. કૉગ્રેસમાં હોવા છતાં બહુ અચ્છો માણસ હતો. પેલી ચોકડી ભા.ભૂ...પ્રદીપ કુમાર, મનોજ કુમાર કે વિશ્વજીત કરતા તો લાખ દરજ્જે સારો કે, આની પાસે ઍક્ટિંગ અને ઍક્સપ્રેશન્સ તો ખરા. અવાજ અને હાઇટ-બૉડી અને તદ્દન દેસી હૅર-સ્ટાઇલ હોવા છતાં જોવો ગમતો. આ એક જ હીરો એવો હતો કે, એ જમાનાની મોટા ભાગની ટોચની હીરોઇનો સાથે એની એવી પૅર બનતી કે, આપણને એ જ પૅર બેસ્ટ લાગે. યાદ કરો, સુનિલ-નૂતન, સુનિલ-વહિદા, સુનિલ-આશા પારેખ, સુનિલ-વૈજ્યંતિ માલા, સુનિલ-નંદા, સુનિલ-મીના કુમારી, સુનિલ-સાધના, સુનિલ-માલા સિન્હા, સુનિલ-સાયરા બાનુ....અરે, સુનિલ દત્ત સાથે તો શકીલા, લીલા નાયડૂ કે બી.સરોજાદેવી પણ ખરી. એક માત્ર ગીતા બાલી સાથે એની કોઇ ફિલ્મ યાદ નથી આવતી.

માન આ પંજાબી માટે એટલા માટે વધારે થાય કે, એ સમયના કે આજના એકે ય હીરો લંપટવેડાં કર્યા વિના રહી શક્યા નથી. કોઇ હીરોઇન સાથે લફરૂં તો સામાન્ય વાત ગણીએ, પણ રાજ-દિલીપ-દેવથી માંડીને આજનો કોઇ હીરો કોરોધાકોડ નથી, જે પોતાની હીરોઇન તો ઠીક, ડાન્સ-ગીતમાં હીરો-હીરોઇનની પાછળ નાચતી એકસ્ટ્રા છોકરીઓને ય કોઇએ છોડી હોય ! એ દ્રષ્ટિએ સુનિલ દત્ત કૅરેક્ટરનો ખૂબ ચોખ્ખો હતો.

નંદાને હમણાં આપણે ગૂમાવી, પણ એ ય કેવી પવિત્ર સ્ત્રી હતી ? જોઇ જુઓ જરા કે, કેવા કેવા હૅન્ડસમ હીરોઝ સાથે એણે કામ કર્યું હતું, એમાંથી એકે ય ના હાથમાં એ ન આવી ? ના. એકે ય ના હાથમાં નંદા નથી આવી. હરકોઇ કબુલ કરશે કે, નંદાનું રૂપ નજર સૅક્સી બનાવે એવું નહિ, પવિત્ર બનાવે એવું દૈવી હતું. એને જોઇને ખરાબ ભાવો ન આવે, નૂતનની જેમ. યસ. આ ફિલ્મની સાઇડ-હીરોઇન પ્રીતિબાલા એટલે કે ઝેબ રહેમાનનો નાનો પણ મૂલ્યવાન જમાનો હતો. માલા સિન્હા ધર્મેન્દ્રને સંભાળવવા ''ગૈરોં પે કરમ, અપનોં પે સિતમ, અય જાને વફા, યે જુલ્મ ન કર'' એ ફિલ્મ 'આંખે'ના ગીતમાં આ 'ગૈર' એટલેએ ઝેબ રહેમાન. મૂળ એ કેદાર શર્માની શોધ, જેમણે એનું નામ 'પ્રીતિબાલા' રાખ્યું હતું, પણ કેદારનો હાથ છુટયો, એટલે બહેને અસલી નામ 'ઝેબ રહેમાન' રાખ્યું હતું. મધુબાલાને થોડી થોડી મળતી આવતી બીજી હીરોઇન 'સોના' હતી, જેને ડૉન હાજી મસ્તાન એટલે પરણ્યો કે, મધુબાલામાં એ નિષ્ફળ ગયો હતો. ધરમ-રાખીની ફિલ્મ 'જીવન-મૃત્યુ'માં લતાએ ગાયેલ મુજરો, 'જમાને મેં અજી ઐસે કઇ નાદાન હોતે હૈ...' આ ઝેબી ઉપર ફિલ્માયું હતું.

ફિલ્મમાં નાના પળશીકર, ઓમ પ્રકાશ અને આગા પણ ફિલ્મને ઊંચી બનાવી શક્યા નથી. યસ, સાઉથના ડાન્સ-ડાયરૅક્ટર બી.સોહનલાલે નંદા જેવી આમ તો, નૉન-ડાન્સર પાસે ઘણા અઘરા સ્ટેપ્સવાળા નૃત્યો બખૂબી કરાવ્યા છે, એ જોવાનો લહાવો ખરો.

No comments: