Search This Blog

10/08/2014

ઍનકાઉન્ટર : 10-08-2014

* સહુને જીત જોઈએ છે, છતાં ફૂલવાળાની દુકાને બધા હાર કેમ માંગે છે?
- આ એક જ જગ્યા એવી છે, જ્યાં હાર સસ્તી પડે છે.
(ધર્મદીપ ડોડીયા, અમદાવાદ)

* અમેરિકામાં પણ હવે, ''અચ્છે દિન આનેવાલે હૈ...'' સાચું?
- હા. હું પાછો અમેરિકા જઈ રહ્યો છું, એટલે ત્યાંના લોકો આવું બોલે!
(હર્ષદ પટેલ, અમદાવાદ)

* દીકરી ને ગાય, દોરે ત્યાં જાય... તો દીકરો?
- એની બોન પૈણાવવા જાય...!
(રાજેશ કરાવડીયા, સણસોરા-જૂનાગઢ)

* તમારો ખાતા નંબર આપો. થોડા પૈસાની જરૂર છે.
- લખી લો. ૦૦૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦!
(ગૌરાંગ આર. જોશી, ભાવનગર)

* લગ્ન વિશે તમારું શું માનવું છે?
- ઘણું બધું માનવું છે, પણ તમે તો પુરૂષ છો.
(બ્રિજેશ ભોઈ, જાલમપુરા-વડોદરા)

* નસનસમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. આવામાં રક્તદાન થાય?
- ખરાબ લોહી પીવું ન પડે, એ માટે અમારા નારણપુરામાં તો હવે એક મચ્છર પણ રહ્યો નથી.
(ખ્યાતિ માંડલીયા, ઊના-જૂનાગઢ)

* ભારત વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ ક્યારે બનશે?
- બસ. અમને ખબર પડતા જ તમને જણાવી દઈશું!
(ગૌરાંગ પટેલ, જૂનાગઢ)

* અમેરિકામાં પણ ચા-પાણીના ગલ્લા હોય છે?
- એ તો જે ''ચા પીવા'' ગયું હોય એને ખબર.
(શશીકાંત મશરૂ, જામનગર)

* થોડા સમય પહેલા આપે નરેન્દ્ર મોદી માટે લખ્યું હતું, 'ઝાડ સામે દોટ મૂકી હવા પાછી ફરી...' હવે?
- ઓ મ્માય ગૉડ.... આટલું સરસ લખતા મને આવડે છે?
(દિલીપ શાહ, અમદાવાદ)

* ટ્રાફિક સૅન્સ અમેરિકાની કે અમદાવાદની?
- હજી અમેરિકનોને ફૂટપાથ પર ભરી ભીડ વચ્ચે રીક્ષા ચલાવતા નથી આવડતી.
(જયેશ સુથાર, કણજરી-નડિયાદ)

* મૅરેજ સર્ટિફિકેટમાં ઍક્સપાયરી-ડૅટ કેમ નથી નંખાતી?
- સરકારે ય સમજે છે કે, મરેલાને શું મારવો?
(જયેશ અંતાણી, ભાવનગર)

* તમારી સામે ગુરૂ અને ગોવિંદ, બન્ને ઊભા હોય તો પહેલા કોના ચરણસ્પર્શ કરો?
- ગુરૂ ટયુશનો કરતા ન હોવા જોઈએ અને ગોવિંદ આલિશાન મહેલ જેવા મંદિરમાં રહેતા હોવા ન જોઈએ. અત્યારે તો બન્ને મહેલોમાં લહેર કરે છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* અશોકભાઈ, તમે ફ્લોરિડા મારે ત્યાં આવશો?
- બોલ્લો. બધા અમેરિકનો સરખા છે ને? હું પનામા સિટી કે સવાનામાં દસ દિવસ રોકાયો, ત્યારે કોઈ ન બોલ્યું.
(ટીના પરીખ, ફ્લોરિડા, અમેરિકા)

* આપકા દૂસરા નામ 'દાદુ' કૈસે પડા?
- પડા નહીં હૈ... પાડા ગયા હૈ...!
(રૂખસાના સૈયદ 'ઉલઝન', મુંબઈ)

* ઍનકાઉન્ટરો કરવા પાછળ તમારો હેતુ શું છે?
- જેને કાયદો મારી શકે એમ ન હોય, એને પોલીસ ઢાળી દે છે... એ તમારું આ નકલી ઍનકાઉન્ટર... આપણે ત્યાં વાચકો મને રૂબરૂ મારી શકે એમ ન હોવાથી, સવાલો પૂછી પૂછીને મને ઢાળી દે છે.
(ચિરાગ કટારીયા, ટંકારા-મોરબી)

* ઈન્ડિયા-અમેરિકા વચ્ચેનો તફાવત એક શબ્દમાં કહેવો હોય તો?
- ઑનેસ્ટી.
(રામ ઓડેદરા, પોરબંદર)

* હું તમારી કેટલી ફૅન છું કે, રહું છું પણ અશોક એપાર્ટમેન્ટમાં!
- ઈશ્વર તમારું કલ્યાણ કરે.
(હર્ષા ફુરીયા, મુંબઈ)

* 'દૂરદર્શન' પર ફિલ્મ બતાવી હતી, 'કોરા કાગઝ'... ઈસ્ટમૅન કલરમાં.
- હા, પણ 'દૂરદર્શન' પોતે હજી બ્લૅક-ઍન્ડ-વ્હાઈટમાં જ છે.
(યુસુફ શેખ, અમદાવાદ)

* તમે 'બૉસ, પાર્ટી, ભીડુ, ગુરૂ કે દાદુ જેવા શબ્દો તમારી કૉલમોમાં લખો છો, જે તમારા ખાડીયાના છે. હવે નારણપુરામાં રહો છો, તો ત્યાંનો કોઈ ખાસ શબ્દ...?
- ''કેટલામાં આલ્યું?''
(કમલેશ શુક્લા, અમદાવાદ)

* કૉલેજ-લાઈફમાં તમારે ગર્લ-ફ્રૅન્ડ્સ તો બહુ હશે ને...?
- હજી હોત...! આપણને શી ખબર કે, બધીઓ એક દિવસ પરણી જવાની છે...
(જાવિન માંગરોલા, સુરત)

* તમારા ઘરમાં, 'અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી' જેવું કંઈ ખરૂં?
- હા. બધીઓને આ જ કહેવાનું.
(નિહાર કક્કડ, રાજકોટ)

* અશોકજી, અમેરિકા ગયા પછી તમારી લોકપ્રિયતા એકાએક વધી ગઈ હોય એવું નથી લાગતું? હું પણ સવાલ પૂછતો થઈ ગયો...!
- સવાલ ગમ્યો.
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી-ધરની)

* તમને ખેલમંત્રી બનાવવામાં આવે તો કઈ રમતને સૌથી વધુ પ્રોત્સાહન આપો?
- તીનપત્તી.
(પ્રતિક કીકાણી, ખંભાત)

* રાજકારણીઓ નિવૃત્ત કેમ થતા નથી?
- એમની બા જાણે!
(જયમીન પટેલ, બેચરાજી)

* પ્રેમ વિશે તમે શું માનો છો?
- બહુ નાલાયક હતો... પ્રેમ પટેલ. મારા બાર રૂપીયા હજી પાછા નથી આપ્યા.
(ધવલ ઠક્કર, ખેડબ્રહ્મા)

No comments: