Search This Blog

15/08/2014

ફિલ્મ : 'અંગૂર' ('૮૨)

ફિલ્મ : 'અંગૂર' ('૮૨)
નિર્માતા : જયસિંઘ

દિગ્દર્શક : ગુલઝાર
સંગીત : આર.ડી. બર્મન
ગીતો : ગુલઝાર
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : શિવ સિનેમા (અમદાવાદ)


કલાકારો : સંજીવ કુમાર, દેવેન વર્મા, મૌસમી ચેટર્જી, દીપ્તિ નવલ, અરૂણા ઈરાની, ઉત્પલ દત્ત, યુનુસ પરવેઝ, કર્નલ કપૂર, સી.એસ. દૂબે, ટી.પી. જૈન, શમ્મી, પદ્મા ચવાણ, રામમોહન.

ગીત
૧. હોઠોં પે બીતી બાત.... - આશા ભોંસલે
૨. રોજ રોજ દલી દલી.... - આશા ભોંસલે
૩. પ્રીતમ આન મિલો.... - સપન ચક્રવર્તી

શૅક્સપીયરે લખેલ મશહૂર નાટક, 'ધી કૉમેડી ઑફ એરર્સ' પરથી સ્વ. બિમલ રૉયે બહુ નિર્દોષ અને મનોરંજક ફિલ્મ બનાવી, 'દો દૂની ચાર'. એ જ બિમલ દા ના ચેલા ગુલઝાર બાકી રહી જતા હતા, તે એ જ 'દો દૂની ચાર'ની ફ્રેમ-ટુ-ફ્રેમ કૉપી કરીને ફિલ્મ 'અંગૂર' બનાવી. તમે 'દો દૂની ચાર' ન જોઈ હોય ને ફક્ત 'અંગૂર' જુઓ, તો કોઈ નુકસાન નથી. 'અંગૂર' કોઈ સામાન્ય ફિલ્મ પણ નથી પરંતુ 'દો દૂની ચાર' જોયા પછી ગુલઝાર જેવા કહેવાતા સર્જક ઉપર નારાજગી થાય કે, કમ-સે-કમ કંઈક તો જુદું આપવું હતું! તમે તો સાહિત્યકાર છો. છેવટે આખી ફિલ્મના સંવાદમાં તો ચમત્કૃતિ બતાવી શક્યા હોત! ફિલ્મની વારતા, પટકથા, ગીતો અને સંવાદ પણ ગુલુભાઈએ લખ્યા છે. ફિલ્મનું આખું જૉનર કૉમેડીનું છે, તો આખી ફિલ્મમાં એકાદ વખત તો અમને હસાવવા હતા! જે કાંઈ એકાદ વખત મ્હોં મલકાય છે, તે સંજીવ કુમાર અને દેવેન વર્માની અભિનયક્ષમતાને કારણે!

કંઈ બાકી રહી જતું હોય, તેમ એ '૮૦-ના દાયકામાં ગુલઝાર અને રાહુલદેવ બર્મન બન્ને બેવકૂફીઓ ઉપર ઊતરી આવ્યા હતા. પેલો 'ધી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'ના ફ્રન્ટ પૅજના ટાઈટલ જેવા શબ્દોવાળું ગીત લખે કે, 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...' ને આર.ડી. એના ઉપરથી ઉતરેલા માલ જેવું ગીતે ય બનાવે.

આર.ડી.એ સંયમ રાખ્યો હોત, તો '૬૯-પછી એના જેવો બીજો કોઈ સંગીતકાર ન મળત. બેશક, હિંદી ફિલ્મસંગીતમાં એ ટ્રેન્ડ-સટર કહેવાય છે, જેણે ફિલ્મ 'તીસરી મંઝિલ' પછી ફિલ્મ સંગીતનો આખો ઢાંચો બદલી નાંખ્યો. પ્રારંભના એ ગીતો ઉપરાંત આર.ડી.નું લેવલ 'અમર પ્રેમ' કક્ષાના ગીતોનું હતું.

પણ પિતાએ જે ભૂલ કદી ન કરી-આડે હાથે જે ફિલ્મો મળે, એ બધામાં સંગીત આપવાની... એ આ પંચમે કરી. આર.ડી.ના ડાયહાર્ડ ફૅન હશે, એ પણ કહી નહિ શકે, કે આર.ડી.એ કેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે અને એમાંના કેટલા ગીતો કોઈને યાદ રહ્યા છે? છેલ્લા વર્ષોમાં હાલત એ હતી કે, આર.ડી.એ દર વર્ષે સરેરાશ વીસેક ફિલ્મો લીધી હતી. એક ફિલ્મમાં સરેરાશ પાંચ ગીતો લઈએ, તો એક વર્ષમાં ૧૦૦-જેટલા નવા ગીતો કમ્પૉઝ કરવાના આવે. મતલબ, દર ત્રીજે દિવસે એક ગીત બનાવવું જ પડે. એના રીહર્સલો અને રેકોર્ડિંગનો સમય ગણીએ તો, આ માણસ પાસે સર્જકતાનો સમય ક્યાં રહ્યો? અને પુરવાર પણ કરી આપ્યું કે, છેલ્લે છેલ્લે 'લવ સ્ટૉરી' અને 'માસુમ' જેવી ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતા એકેય ફિલ્મના ગીતો આર.ડી. શ્રોતાઓ સુધી મનગમતા કરી શક્યા નહિ. એના પિતા સચિનદેવ બર્મન પાસે પોતાની ફિલ્મમાં સંગીત અપાવવું હોય, તો નિર્માતાએ કલકત્તા જઈને મોહન બગાનની ફૂટબૉલ મેચમાં દાદાને શોધી કાઢવા પડે. મધઈ પાનની જોડી લઈ જવી પડે. વાર્તા સંભળાવવી પડે ને કાકાને ઠીક લાગે તો જ હા પાડે. એક દેવ આનંદને બાદ કરતા તમામ નિર્માતાઓએ દાદા બર્મનને સંગીત આપવા માટે રીતસરની કાકલૂદી કરવી પડતી. આર.ડી.ના વળતા પાણી થયા ને 'રામલખન' જેવી ફિલ્મ હાથમાંથી ગઈ અને ખાસ તો પોતાને વફાદાર તમામ નિર્માતાઓ લક્ષ્મી-પ્યારે કે ઈવન બપ્પી લાહિરી તરફ વળ્યા, એમાં આર.ડી.ને હૃદયરોગનો સીવિયર ઍટેક આવ્યો અને નાની ઉંમરે વિદાય લીધી.

આપણી આ લેખમાળામાં અગાઉ 'દો દુની ચાર' વિશે લખાઈ ચૂક્યું છે, એટલે ફિલ્મની વાર્તાનું પુનરાવર્તન જરૂરી નથી. છતાં ય, પ્લોટ શેક્સપિયર જેવા વિશ્વપ્રસિધ્ધ સાહિત્યકારનો હતો, એણે દુનિયાભરના હાસ્યલેખકોને શીખવ્યું કે, કૉમેડીમાં અતિશયોક્તિ તો જોઈએ જ. નહિ તો, આ ફિલ્મની વાર્તા પ્રમાણે એક જ પ્રકારના કપડાં પહેરતા, એક જ નામ ધરાવતા બે શેઠ ને બે નોકર હોય, એ પૉસિબલ નથી. વળી, આપણા સમાજમાં જોડીયા (ટ્વિન્સ) તો અનેક જોઈએ છીએ. ઘડીભર ભૂલ થઈ જાય એમને ઓળખવામાં, પણ બે-ચાર વખત મળ્યા પછી, ખુદ પત્ની પણ ઓળખી ન શકે, એટલા સમાન ચેહરા હોતા નથી. સંજીવ કુમાર અને દેવેન વર્મા બન્ને અનુક્રમે શેઠ અને નોકર અને બન્નેના નામો પણ એમના જેવા બીજા જોડીયા સંજીવ અને દેવેનના હોય.

પણ અતિશયોક્તિ વગર જવલ્લે જ કૉમેડી ઊભી થઈ શકે, એ દ્રષ્ટિએ શૅક્સપિયરે સાહિત્યિક જ નહિ, મનોરંજક કામ પણ કર્યું હતું.

યસ. સંજીવ ગમે તેટલો મહાન ઍક્ટર હતો, પણ કમ-સે-કમ આ બન્ને ફિલ્મોની સરખામણીમાં કિશોર તો જોજનો આગળ નીકળી ગયો છે, ક્યાંય ઑવરએક્ટિંગ નહિ કરીને. પેલામાં તો આજીવન બોર્ન ઍક્ટ્રેસ તનુજા હતી, તેની સરખામણીમાં દીપ્તિ નવલ અફ કૉર્સ ઝાંખી પડે. મૌસમી ચેટર્જીને ગુલઝાર સારી અભિનેત્રી નહિ માનતા હોય, એટલે આઠ-દસ સંવાદોને બાદ કરતા બહેનને કાંઈ કરવાનું જ આવ્યું નથી.

સંજીવ તો આપણા ગુજરાતના સુરતનો મૂળ હરિભાઈ જરીવાલા હતો. ૧૯૩૩-માં જન્મેલા સંજીવને નાનપણમાં રસોડામાં ભોંય પર સુઈ જવાની આદત એના મૃત્યુની કારણ બની. પાછલા વર્ષોમાં ગૅસ્ટ્રોનોમિકલ તકલીફને કારણે એનું શરીર બહુ ફૂલી ગયું અને એ જ એના મૃત્યુનું કારણ બન્યું. હિંદી ફિલ્મોના 'ગૉડફાધર' તરીકે ઓળખાતા સંજીવે જૉય મુકર્જી અને સાયરાબાનુવાળી ફિલ્મ 'આઓ પ્યાર કરે'માં જૉયના ત્રણ પૈકીના એક દોસ્તનો નાનો રોલ કર્યો હતો. એ વખતે એ પોતાનું નામ સંજીવ નહિ, 'સંજય' લખાવતો. બીજો દોસ્ત મેકમોહન બને છે અને એણે પોતાનું નામ બ્રિજમોહન રાખ્યું હતું. શોલે, ત્રિશુલ મૌસમ, પરિચય, આંધી અને શતરંજ કે ખિલાડી જેવી મહત્ત્વની ફિલ્મોમાં એ ચમક્યો હતો. મીના કુમારી-અશોક કુમાર-પ્રદીપ કુમારવાળી ફિલ્મ 'આરતી'માં પ્રદીપને બદલે હીરો સંજીવ હતો, પણ સ્ક્રીન-ટેસ્ટમાં પાસ ન થયો. 'નયા દિન, નઇ રાત' ફિલ્મમાં એક સાથે એણે ૯-રોલ કર્યા હતા, પણ ફિલ્મ 'સંઘર્ષ'માં દિલીપ કુમાર અને બલરાજ સાહની જેવા દિગ્ગજો સાથે પણ એ બરોબરનો ટકી ગયો હતો.

દેવેન વર્મા ગુજરાતી છે, પણ એમાં આપણે ખુશ થવા જેવું કાંઈ નથી. એણે કદી ગુજરાતી હોવાનું ગૌરવ તો જાવા દિયો... ગુજરાતી તરીકે પોતાનો ઉલ્લેખ પણ કદી કર્યો નથી. લગભગ '૬૬ની આસપાસની કોઈ સાલ હશે, જ્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના પોલીસ સ્ટેડિયમમાં 'શંકર-જયકિશન નાઈટ' યોજાયેલી, ત્યારે અમારી ઉંમર ૧૩-૧૪ વર્ષની. મારી માતાને નાની બચતમાં બહુ મોટું કામ કરવા બદલ ઍવોર્ડ મળવાનો હોવાથી અમારે પણ 'પાસ' આવ્યા હોવાથી હું એ જોઈ શક્યો હતો. રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, મુહમ્મદ રફી, વિમી અને દેવેન વર્મા ઉપસ્થિત હતા, જેમાં દેવેને 'મધુ માલતી મસાલે મેં' નામની ખૂબ હસાવતી સ્કીટ રજુ કરી હતી. મુહમ્મદ રફીના ગીત 'બહારોં ફૂલ બરસાઓ, મેરા મેહબૂબ આયા હૈ' પર રાજેન્દ્ર કુમાર સ્ટેજ પર વિમીને બન્ને હાથમાં ઉચકીને ફર્યો હતો, એ તો યાદ હોય જ ને? ઘેર જઈને આ જ કામ અમે કરી શકીએ, એટલા શક્તિશાળી નથી.

પણ દેવેન વર્મા અન્ય કૉમેડીયનો કરતા જૂદી ભાતવાળો બેશક હતો. ક્યાંક ક્યાંક બફૂનરી કરવી પડી હશે, બાકી એની ફિલ્મોના રોલ થોડા સૅન્સિબલ હતા - ખાસ કરીને ઋષિકેશ મુકર્જીની ફિલ્મોમાં. અશોક કુમારની દીકરી રૂપા ગાંગુલી સાથે દેવેનના લગ્ન થયા છે. આજે ૭૬-વર્ષની ઉંમરે ફિલ્મો-બિલ્મો છોડીને પૂનામાં રહેતા દેવેન વર્માએ ૧૪૯-ફિલ્મોમાં કામ કર્યું છે. બીજા ફિલ્મસ્ટાર્સના અવાજની મિમિક્રી કરતા જ્હૉની લીવર જેવા કોમેડીયનો તો પછી આવ્યા. સ્ટેજ પર ફિલ્મ કલાકારોના અવાજની નકલની શરૂઆત દેવેને કરી હતી. દેવેન વર્માની પહેલી ફિલ્મ શશી કપૂરની 'ધર્મપુત્ર' હતી, જે સાવ ફ્લૉપ ગઈ. દેવેન એ વખતે સ્ટેજ શૉ માટે મોરેશિયસ ગયો હતો, ત્યાં શશી કપૂરનો ટેલીગ્રામ આવ્યો કે, 'ધર્મપુત્ર' ફૅઈલ ગઈ છે ને કારણ કોઈને ખબર નથી.'

ફિલ્મ 'અંગૂર'માં ડબલ રોલ કરતો દેવેન બન્ને પાત્રોમાં 'સા' અક્ષરનો ઉચ્ચાર જુદો જુદો કરે છે. છેક ફિલ્મ રીલિઝ થયા પછી ગુલઝારનું ધ્યાન પડયું, એટલે એ વખતે અમેરિકા ગયેલા દેવેનને તાબડતોબ મુંબઈ બોલાવવામાં આવ્યો અને એનું પુરૂં ડબિંગ ફરીથી કરવામાં આવ્યું.

સાજીદખાને બનાવેલી ફિલ્મ 'હમશકલ્સ'નો ઉલ્લેખ કરવાથી ય પાપ લાગે એમ છે, પણ આ જ ફિલ્મ 'દો દૂની ચાર' પરથી શાહરૂખ ખાન અને વિવેક ઓબેરોયને લઈને ફરીથી રીમેક બનાવાઈ રહી છે.

ફિલ્મ 'અંગૂર'માં આ બન્ને (એટલે કે ચારે ય) પાત્રો એટલા મજબુત હતા કે, અન્ય કોઈ કલાકાર માટે ઍક્ટિંગ તો ઠીક, હાજરી પૂરાવવા પૂરતી ય જગ્યા નહોતી. જ્યાં બન્ને હીરોઇનો જ શૉ-પીસ તરીકે ઊભી રહી ગઈ હોય, ત્યાં બીજાનો ચાન્સ પણ ક્યાં લાગે?

મૌસમી ચૅટર્જી સંગીતકાર હેમંત કુમારની પુત્રવધૂ થાય, એટલે કે હેમંતપુત્ર રિતેશની પત્ની. ઍક્ટિંગ કરતા આડાઅવળા દાંતને કારણે વધારે યાદ રહી ગયેલી મૌસમીની પહેલી હિંદી ફિલ્મ તો શક્તિ સામંતની 'અનુરાગ' હતી, પણ પછી એ પછીની શશી કપૂર સાથેની ફિલ્મ 'નૈના' અજાયબ સંજોગોમાં મળી. ફિલ્મની હીરોઇન રાજશ્રી પ્રોડયુસરને લટકતા રાખીને પરણીને અમેરિકા જતી રહી. ફિલ્મના દિગ્દર્શકે તર્ક કાઢ્યો અને વાર્તામાં ઊલટસૂલટ કરીને અડધી ફિલ્મમાં રાજશ્રીવાળો રોલ મૌસમીને પહેરાવી દીધો.

મહેશ્વરી મારવાડી પરિવારમાં ૩ ફેબુ્રઆરી, ૧૯૫૭-ના રોજ જન્મેલી દીપ્તિ નવલ 'ચશ્મ-એ-બદ્દૂર', 'લીલા', 'મીર્ચ મસાલા', 'એક બાર ફિર', 'કથા', 'સાથસાથ' અને 'રંગબિરંગી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઍક્ટિંગમાં એનો ઝુકાવ પૅરેલલ સિનેમા એટલે કે આર્ટ ફિલ્મો તરફનો જ રહ્યો. દીપ્તિના લગ્ન દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે થયા હતા. એનાથી 'દિશા' નામની એક દત્તક દીકરી છે, પણ બન્નેેએ વર્ષોથી છુટાછેડા લીધા છે. દીપ્તિનું નામ ફારૂક શેખ સાથે ય વગોવાયું હતું. એ પછી નાના પાટેકર સાથે બન્નેનો પ્રેમસંબંધ જગજાહેર હતો અને છેવટે વિનોદ પંડિતને પરણી, એ પછી વિનોદ ગૂજરી ગયો. દીપ્તિ હાલમાં એક ફિલ્મનું દિગ્દર્શન કરી રહી છે, મૂળભૂત રીતે એ પૅન્ટર અને કવયિત્રી છે.

સવાલ એ થાય કે, બિમલ રોય જેવા સિધ્ધહસ્ત સર્જકે 'દો દૂની ચાર' જેવી ક્લાસિક બનાવી, એ પછી એ જ ફિલ્મની રીમૅઇક બનાવવાના શેના ધખારા ગુલઝારને ઉપડયા હશે? મૂળ કૃતિથી વધુ સારી રચના આપવાના હો તો ઠીક છે. આ ભ'ઈ એ તો મૂળ ફિલ્મની બેઠી કૉપી જ કરી છે. આમે ય, હિંદી ફિલ્મોમાં રીમૅઇક ભાગ્યે જ સફળ થઈ છે. હું તમારા અઢી કલાક બચાવી શકું એમ છું.

(સીડી સૌજન્ય : ભરત દવે - સુરત)

No comments: