Search This Blog

06/08/2014

પ્રેમપત્રો ગયા ક્યાં ?

હું લેખક ખરો, પણ મને કદી પ્રેમપત્ર લખતા આવડયું નથી. લખ્યા તો બહુ હોય, જેને ને તેને લખ્યા હોય ને વાદળી સ્યાહીથી લખ્યા હોય છતાં દરેકનો અંજામ હાસ્યાસ્પદ આવતો. બધીઓ હસી પડતી ને, ''તું તો બહુ હસાવે છે, અશોક. એક કામ કર ને, ભાઇ... મારે સુરૂને એક લવ-લૅટર લખવો છે, એ લખી આપીશ ?''

તારી ભલી થાય ચમની.... મેં તારા માટે લખ્યો હતો, એ તને હસાવવા માટે નહિ... મારા પ્રેમમાં પડવા માટે હતો. હવે જા... આ લૅટર તારી બા ને આલી આય...! કમ-સે-કમ એનામાં તો બુધ્ધિ અને પ્રેમ ભારોભાર હશે ?

પણ આવી તો બધીઓના આખેઆખા ખાનદાનો ફૅઇલ ગયા હોય પ્રેમપત્રો સમજવામાં !

એ વખતે ફૂલ ચીતરેલા તૈયાર કોરા લવ-લૅટર નહોતા મળતા. ફૂલો આપણે ચીતરવા પડતા. એક ટપકું કરીને, એને અડાડીને બે-ચાર પાંદડીઓ ચીતરવાની. બાજુમાં 'દિલ' ચીતરવાનું. ભણવાની નૉટબુકમાંથી સ્ટૅપ્લર મારેલા વચ્ચેના બે કોરાં પાનાં ખેંચી કાઢવાના અને લિટીવાળા કાગળ ઉપર, ''પ્રિય ગોદાવરી...'' લખવાનું. (પત્રમાં આગળ જતા, 'ગોદાવરી'નું સીધું 'ગોદુ' થઇ ગયું હોય ! પ્રેમ અને લાઇફમાંથી 'વરી'ને કાઢી નાંખવાની... !) પાનકોર નાકે હાથમાં થેલી પકડીને અત્તરની શીશીઓ વેચવાવાળા ઊભા હોય, એ લઈને રૂમાલ પર બે ટીપાં નાંખીને રૂમાલ પત્ર ઉપર ઘસી નાંખવાનો, એટલે પેલી પત્ર ખોલે ત્યારે એને બસ...ખુશ્બુ ખુશ્બુ મળી જાય. એ અફ કૉર્સ, એવું સમજવાની હોય કે, આ તો અશોકના શ્વાસની ખુશ્બુ છે, કારણ કે, પત્ર નીચે આપણે એવી માહિતી આપી હોય કે, તારી યાદ આવતા જ મારા શ્વાસમાંથી સુગંધો છૂટવા માંડે છે. ઉનાળામાં પ્રેમોમાં બહુ સાચવવું પડે કારણ કે, ગડી વાળેલો પ્રેમપત્ર ખિસ્સામાં મૂક્યો હોય ને ખિસ્સું પરસેવાવાળું હોય. કવર ખોલતાં જ ડાર્લિંગના મોંઢા ઉપર કોક મરી ગયાના હાવભાવ આવે. ચોમાસામાં તો એથી ય મોટી તકલીફ. ગોદાવરીના 'ગો' ઉપર વરસાદનું ટીપું પડયું હોય તે 'ગો' પછીનો 'દુઉઉઉઉઉઉઉઉ' લંબાઇને બહુ લાંબે પહોંચ્યો હોય. 'ગો' ભૂંસાઇ ગયો હોય. નૉટબૂકના કાગળ ઉપર વરસાદના ટીપાંને કારણે આખા પત્ર ઉપર વાદળી લિસોટા પડયા હોય. ભીની પ્રેમિકા સારી લાગે, પત્ર નહિ. એ ખોલવા જાય ત્યારે ચોંટેલા પાપડના બે પડ ઉખાડવાના હોય, એટલી ધીરજ ધરવી પડે, પણ આજકાલની પ્રેમિકાઓમાં એટલી ધીરજ ને આવડત હોય ? બહુ મજૂરી કરવા છતાં ન ખૂલે, એટલે કેમ જાણે એના બાપાએ તો આવા હજારો પત્રો ખોલી નાંખ્યા હોય, એમ એના ફાધર પાસે આપણો લૅટર ખોલાવવા જાય ડોબી !

''ક્યા ગધેડાએ આ લૅટર લખ્યો છે, ગોદાવરી ?'' તાડૂકે સાલો !

મારા ફોઇએ મારૂં મૂળ નામ 'ઇચ્છાશંકર' પાડયું હતું, પણ ઘરમાં બધાને આટલું લાંબુ નામ બોલતા મ્હોંમાંથી થૂંક ઊડતું, એટલે ટુંકું નામ 'અશોક' પાડી દીધું... (કહેવાય છે કે, આખા વિશ્વમાં એ પછી આટલું સુંદર નામ બીજા કોઇનું પડયું નથી... આ તો એક વાત થાય છે !)

પણ મારૂં એકે ય લક્ષણ કે નામ 'ગધેડો' તો બંધ બેસતું આવતું જ નહોતું, છતાં ભાવિ સસરો મારા માટે આવું નામ શોધી લાવ્યો હતો, એ મને ન ગમ્યું. પણ યુધ્ધ પૂર્વે નાનામોટા ઘા તો હરએક યોધ્ધાએ ઝીલવા પડે છે, એ શું હું નહતો જાણતો ? મારે ગોદુ સાથે પરણવું હતું, એના બાપ સાથે નહિ. ગોદુ પણ મારી પ્રેમિકા હોવા છતાં સ્માર્ટ નીકળી. મારી જેમ ફાધરને ય ઉલ્લુ બનાવવા ઉપર એનો હાથ સારો બેસી ગયેલો, એટલે તરત કહી દીધું, ''પિતાજી...(એ જમાનામાં 'ડૅડ ને ફૅડ''' નહોતું બોલાતું.) આ લૅટર તો સવિતાનો છે. એને આપવા માટે મને મહેશચંદ્રએ આપ્યો હતો.''

''તો એમ બોલ ને... નહિ તો આવો સરસ લૅટર લખનાર જ મારો જમાઇ થઇ શકે. કેવા રળીયામણા અક્ષરો છે ! ભાષા ઉપર કેવો કન્ટ્રોલ છે ? નક્કી કોઇ ઊંચા ખાનદાનનો આ હૅન્ડસમ પુત્ર હોવો જોઈએ...!''

''તો પિતાજી...તમે તો એને 'ગધેડો'--''

''અરે, મેં મારી જાતને ગધેડો કીધો હતો, દીકરા...આવો અણમોલ જમાઇ શોધી ન શકે, એ બાપ ગધેડો જ કહેવાય ને ?''

''ઓહ પિતાજી...એમ વાત છે ? મને એમ કે---પિતાજી, આ લૅટર તો ચંદુકાકાના અશોકે મને લખ્યો છે... સવિતાના મહેશીયાએ નહિ !''

બસ. ગોદુના રાક્ષસ બાપને જે કઢાવવું હતું, તે કઢાવી લીધું. એ પછીની સાંજે મારા ગાલ ઉપર છ ટાંકા, પગે બે અને હાથે ચાર ફ્રૅક્ચર, એક આંખનો ડોળો મહીં ઘુસી ગયેલો ને બીજો, તવા ઉપર ઑમલૅટ વચ્ચે ફોદો ફુલી ગયો હોય એવો બહાર ઉપસી આવ્યો હતો. યારદોસ્તો તો, મને કલાકમાં કાઢી જવાના હોય, એટલા ઉમંગ અને તૈયારી સાથે મારી ખબર કાઢવા આવતા હતા. હું ખસું, તો ગોદાવરી માટે એમનો રસ્તો સાફ થાય ! મુંબઇના યુવાન શાયર મૂકેશ જોશી જેવાએ લખી પણ નાંખ્યું,

કાલે કોઇ ડાળ તૂટી છે ચાલ ઝાડની ખબર કાઢવા,
એક કૂહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ઇન ફૅક્ટ, એ જમાનામાં મારે મારા પોતાના કરતા બીજાઓને પ્રેમપત્રો લખી આપવાના બહુ આવતા. મારા પર્સનલ તો ભાગ્યે જ કોઇ દસ-બાર છોકરીઓ માટે હોય... (આપણે ખાસ કોઇ ઓળખીતી-પારખીતી હોય, એમાં જ પડવાનું. કોઇ એકલદોકલ નિઃસહાય અબળામાં નહિ ! સાલી બધીઓના બાપ તો તગડા જ હોય!) થઉ-થઉ કરતા થઇ ન શકેલો મારો એક સસરો સાયકલ દોડાવવામાં માસ્ટર હતો. એને ખબર પડી કે, હું એની છોકરી સાથે થપ્પો રમું છું, એટલે કાંકરીયા તળાવ પાસે મારી પાછળ સાયકલ લઇને દોડયો...આઇ મીન, સાયકલ પર બેસીને ! કાંકરીયું તો કેવડું મોટું છે, તમે જાણો છો. બીજે કે ત્રીજે આંટે સાઇડમાં સાયકલ પાર્ક કરીને હું એક લીલા રંગના બાંકડે બેસી ગયો ને ડોહો ફરતો રહ્યો.

મને યાદ છે, મારા બેઠા પછી સસુરજીએ કાંકરીયાના બીજાં ત્રણ ચક્કર માર્યા હતા. એને ઝનૂન એટલું જ કે, અસોકીયાએ મારા કરતા ય વધુ ફાસ્ટ સાયકલ ભગાવી છે. આજે તો એને ટપી જ જવો છે.

મારો એક પ્રેમપત્ર ખોટી છોકરીના હાથમાં આવી ગયેલો. એ સાલી તોતડું બોલતી હતી. કોઇ પણ 'સ'નો ઉચ્ચાર એ 'ત' કરતી ને મને 'અતોક' કહેતી. હું ભવિષ્યમાં હાસ્યલેખક થવાના સપના સજાવીને બેઠેલો ને આવડી આ મને કહે, ''અતોક... નટરાજમાં તતી કપૂર અને રાખીનું 'તર્મિલી' આયું છે. ચલ, જોવા જઇએ.'' મેં ના પાડી કે, મારા ફાધર-મધર ઘરે એકલા હોય.... મારાથી ન અવાય.'' તો મને કહે, ''એ તો મારા તાતુ અને તતરા કહેવાય. એમને લઇને 'તર્મિલી' જોવા જઇએ.''

તાલી... આવી ભંગારના પીતની... તૉરી તૉરી હોં.... આઇ મીન, સૉરી હોં, સાલી આવી ભંગારના પીસની વાઇફો ભેગી કરીને મારે ખાડીયામાં સરઘસ કાઢવું છે, તે આ તોતડીને પસંદ કરૂં ? સમાજને આશ્ચર્ય થશે કે, આટલો સ્માર્ટ યુવાન આવી તોતડીમાં ભરાઇ કેમ ગયો ? ઈન ફૅક્ટ, હું છેતરાઇ ગયેલો એના લવ-લૅટરોથી. અને તોતડાઓ લખવામાં ક્યારેય તોતડાતા હોતા નથી, એમાં આપણા જેવા ભોળવાઇ ન જાય ? (જવાબ : જરૂર ભોળવાઇ જાય : જવાબ પૂરો)

એ જમાનામાં મોટી મુશ્કેલી લખેલો પ્રેમપત્ર સનમને હાથોહાથ આપવાની થતી. આજના જેવા 'એસએમએસ' કે 'વૉટ્સઍપ' થોડા હતા ? આજે તો કેવી સગવડો કે, જેને 'વૉટ્સઍપ'માં પ્રેમની ઑફર મોકલી હોય તે ભૂલમાં બીજી ૧૦-૧૫ને જતી રહે ને સાલી પંદરે-પંદરની હા આવે ! અમારા વખતમાં એકનો એક લૅટર બે જણીઓને મોકલવો હોય તો બહુ બહુ તો કાગળની નીચે વાદળી રંગનો લિસ્સો કાર્બન-પૅપર મૂકતા, પણ સાયન્સ એટલું આગળ નહોતું વધ્યું કે, ઑર્ડર મુજબનો માલ જથ્થામાં બનાવી શકાય. ત્રણ કૉપી તો હદ થઇ ગઇ, ભા'આય....! ને ત્રીજી ઝાંખી કૉપી, જેને રદબાતલ કરવાની હોય, એને મોકલાય. મારી કૉલેજની એક સનમને બહુ ધાર્મિક ધોરણો જાળવીને પ્રારંભમાં જ 'જે શી ક્રષ્ણ' લખતો ને ડાર્લિંગ-ફાર્લિંગ પછી. એમાં ધ્યાન રહ્યું નહિ ને, કોકને વારાપ્રમાણે 'જય જીનેન્દ્ર' લખી નાંખ્યું, એમાં એ ભડકી, ''હું ચુસ્ત વૈષ્ણવ ને મને જય જીનેન્દ્ર...?'' મંદિરના ઓટલે જ એણે મને કાયમ માટે 'જે સી ક્રસ્ણ' કહી દીધું. હું માનું છું કે, પ્રેમમાં ધર્મ નહિ આવવો જોઇએ. લગ્ન કરીને આપણે ૮-૧૦ બાળકોના માં-બાપ થવાનું હોય... ગીરનારની તળેટીમાં લંગોટ પહેરીને બેસવાનું નથી હોતું ! સુઉં કિયો છો ?

પણ લખેલો લવ-લૅટર ચોક્કસ છોકરીને આપવામાં હજારો મુશ્કેલીઓ આવતી. આપણી દોડ પાકી નહિ, એટલે હું તો દરેક પ્રેમિકાનો પત્ર મારા કોઇ દોસ્ત દ્વારા જ મોકલાવતો.... એમાં મારા સાત ફ્રૅન્ડ્સના લગ્ન થઈ ગયેલા....! સાલી આજે એ બધીઓને મારે 'ભાભી' કહેવી પડે છે.

સિક્સર

કોઇને પૂછવા જેવા સવાલો...જો તમને જવાબો આવડતા હોય તો...!
(૧) હાઇ-વે પરના માઈલસ્ટોન શહેરના કયા ભાગથી અંતર બતાવે છે ?
(૨) અમદાવાદનું અસલી નામ શું હતું?
(૩) દેવ આનંદના ત્રણ ભાઈઓના નામ શું હતા ?

2 comments:

દીપક said...

ખરેખર છપાવા જેવો ખુબ સુંદર લેખ! મેં તોં ચંદનમાં આ લેખ છપાયા હોવાની કલ્પના પર કરી નાખી.

દીપક said...

ખરેખર છપાવા જેવો ખુબ સુંદર લેખ! મેં તોં ચંદનમાં આ લેખ છપાયા હોવાની કલ્પના પર કરી નાખી.