Search This Blog

18/09/2014

બે યાર, કરમુક્ત નહિ થાય તો કેવી રીતે 'જોઈશ'...?

અમે પોળમાં રહેતા ત્યારે કોકને ''ભરાવી દેવા'' અમે જોયેલી તદ્દન ફાલતુ ફિલ્મના સાંબેલાધાર વખાણો દોસ્તો પાસે કરતા કે, આવી કચરો ફિલ્મ જોઇને અમે એકલા શું કામ મરીએ ? બીજા ય મરે તો આપણા થોડા રૂપીયા તો વસૂલ થાય !

અને એમાં ય, ભૂલેચૂકે કોક ગુજરાતી ફાળીયા-બ્રાન્ડ ફિલ્મ જોવાઈ ગઈ, તો ખાસ ચમનપુરા, સરસપુર, મિરઝાપુર કે ગોમતીપુર જઇને બ્રાન્ડ ન્યૂ ગાળો શીખી લાવતા અને ખાડીયાની અમારી મોટા સુથારવાડાની પોળને નાકે ઊભા રહીને એકલા એકલા બોલે જતા. કારણ પૂછવાની ય કોઇને જરૂર રહેતી નહિ. એ લોકો સમજી જાય કે, 'બિચારો કોક ગુજરાતી ફિલમમાં ભરાઇને આયો લાગે છે !'

એ પછી તો, ફિલ્મ 'કાશીનો દીકરો' બાદ કરતા એકે ય ગુજરાતી ફિલ્મ સામેથી કોઇ ફ્રીમાં બોપલમાં ફલૅટ પણ આપે, તો ય નહિ જોવાની હઠ બહુ કામમાં આવી. શરીર સારૂં રહેવા લાગ્યું. અમારી ગણત્રી મન, કર્મ અને વચનથી એક પવિત્ર પુરૂષની થવા લાગી. અમે કદી ય ગુજરાતી ફિલ્મો જોતા નથી, એવી અમારી જ્ઞાાતિમાં છાપ પડી ગઇ હોવાથી અમને પરણવાના કામમાં આવે એવી છોકરી ય મળી. એણે પણ એકે ય ગુજરાતી ફિલ્મ જોયેલી હોવી ન જોઇએ, એ શરતે અમારા લગ્ન થયા.

અને એક દિન અચાનક...અમદાવાદના યુવાન અભિષેક જૈને બનાવેલી ફિલ્મ 'કેવી રીતે જઇશ ?' જોવાઇ ગઇ. સાલી કોઇ ભૂલ તો થઇ ગઇ નથી ને આ ફિલ્મ જોવામાં ? એ ખૂબ ગમેલી. માનવામાં નહોતું આવતું કે, કોઇ ગુજરાતી ફિલ્મ - 'ગુજરાતી ફિલ્મ' ન લાગે- એવી સારી બની હોય ! એ વખતે અમારી 'ફર્માઈશ ક્લબ'ના મૅમ્બરોને ખુલ્લી ઑફર કરી હતી કે, 'કેવી રીતે જઇશ ?' ગુજરાતી ફિલ્મ છે, છતાં મારા ઉપર વિશ્વાસ રાખીને જોઇ આવે. નહિ ગમે તો અમારા બધાની ટિકીટના પૈસા હું આપી દઇશ.'' જોઇ આવ્યા બધા ય, પણ એક પણ મૅમ્બર પૈસા માંગવા ન આવ્યો, ફિલ્મ અમદાવાદીઓએ જોઇ હતી છતાં ! યસ. વચમાં આશિષ કક્કડની ખૂબ સારી ફિલ્મ 'બૅટર હાફ' જોઇને પણ મન મક્કમ થઇ ગયું હતું કે, ચાન્સ આપો, તો ગુજરાતના યુવાન ફિલ્મ સર્જકો કોઇથી કમ નથી.

અને એ જ અભિષેક જૈન...ઓહ, હજી તો એ કૉલેજમાંથી ભણીને તાજો બહાર આવેલો ફૂટડો યુવાન છે, એની પાસેથી રાજ કપૂર, વ્હી.શાંતારામ કે મેહબૂબ ખાન જેવા મહાન સર્જકની આશા તો કેમ રાખી શકાય ?

પણ હમણાં અભિએ બીજી ફિલ્મ બનાવી, 'બે યાર.' સવાલ સરખામણીનો નહિ, પણ આ ફિલ્મ રાજ કપૂર કે શાંતારામ જેવા સર્જકોએ બનાવી હોય, એવી અદ્ભૂત બની. ફિલ્મ જોઇને બહાર નીકળેલા પ્રેક્ષકો હજી માની શકતા નથી કે, આપણે કોઇ ગુજરાતી ફિલ્મ જોઇને નીકળ્યા છીએ. યસ. મને ફિલ્મ જોવાનો છેલ્લા ૫૦-વર્ષનો જે કોઇ અનુભવ છે, એ ઉપરથી કહી શકું કે, આટલી સર્વાંગ સુંદર ફિલ્મ તો હિંદીમાં ય ભાગ્યે જ બને છે. આ કૉલમના વાચકો 'બે યાર' જોઇ આવશે ને એકાદાને પણ નહિ ગમે, તો એની ટિકીટના પૂરા પૈસા એ એકાદાના પડોસી પાસેથી લઇ આવજો. પેલા એકાદા કરતા કમસેકમ એનો પડોસી તો વધુ બુદ્ધિશાળી હશે ?

મજ્જાની વાત એ છે કે, આખી ફિલ્મ અમદાવાદના લોકેશન્સ પર ઉતરી છે. માણેક ચોકથી માંડીની સીજી રોડ....બધું આવી જાય ! પણ એથી ય વધુ ફખ્ર થાય, આખી ફિલ્મની ભાષા બિલકુલ અમદાવાદી....પેલા 'નવરી બજાર'ના જીતેન્દ્ર ઠક્કર જેવી રાખી છે. આપણે ફિલ્મ જોવાને બદલે ગુજરાત યુનિવર્સિટીની પેલી ચાની લારીએ ઊભા હોઇએ, એવી ભાષા સંભળાયે રાખે, ત્યારે પોતીકાપણાંનો એહસાસ થાય. અમદાવાદી યુવાનો ભણતા ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોય, પણ બોલચાલની છાંટ તો ટિપીકલ અમદાવાદની રહેવાની, ''બે યાર...એ ટણપાની મેથી માર્યા વગર મંગાય અડધી કમ શક્કર !''

ગુજરાતી સાહિત્યકારોની હવે તો બેકારી આવે એવી શુધ્ધ ગુજરાતી ભાષા.... 'અવનિની અગમ્ય ગગનમણિકા, વ્યોમના પાર્થિવ નિરભ્ર નયનો....!'ની સરખામણીમાં આ ફિલ્મનું ગુજરાતી વધારે ગુજરાતી લાગે છે. સાલા આપણે આર્ટ્સ ગ્રૅજ્યુએટ થયા હોઇએ, તો જ આ મહાન સાહિત્યકારોનું લખેલું સમજાય. ડૉક્ટર કે સી.એ. થયા હોઇએ તો આ લોકોને વાંચવા માટે દુભાષીયા રાખવા પડે.

'બે યાર' જોવી જ જોઇએ, એની એક હાસ્યલેખક તરફથી મજબુત ભલામણ છે. ફિલ્મ શરૂ થાય, ત્યારથી અંત સુધી ફિલ્મ હળવી રાખી છે. મંદમંદ તો, ક્યારેક ખડખડાટ હસવું પૂરી ફિલ્મ દરમ્યાન આવે રાખે, છતાં એકે ય દ્રષ્ય કે સંવાદમાં દિગ્દર્શકે પ્રેક્ષકોને હસાવવાનો કરતબ અજમાવ્યો નથી. ફિલ્મની સીચ્યૂએશન્સ જ એવી આવતી જાય કે, દરેક મિનિટે હસવું સ્વયંભૂ આવતું રહે ને છતાં ય, કપિલ શર્મા કે જહૉની લીવરની જેમ કોઇને ઉતારી પાડીને હસાવવાનો પ્રયત્ન ક્યાંય નહિ, પણ મીનિંગફુલ કૉમેડી અહીં અનાયાસ ઊભી થતી રહી છે. ખાસ અમદાવાદી છોકરા-છોકરીઓ આજકાલ વાપરે છે, એવી અમદાવાદી લિંગો, ''બકા....'', ''મેથી ના માર ને, ભ'ઇ'' કે ક્યારેક તો અત્યંત ગંભીર સીચ્યુએશનમાં બીજા કોઇ નહિ ને પરદેશી ધોળીયાને ખૂબ અકળાયેલો હીરો કહી દે છે, ''ખા, તારી માં ના સમ...!''

યસ. ફિલ્મ હીરોઇન વગરની કહો તો ચાલે. હીરોઇન નામની છે, પણ હજી કૅમેરાની સામે આવવા માટે એને થોડા ચીઝ-બટર ખાવાની જરૂરત લાગે છે. આમ જુઓ તો ફિલ્મનો હીરો ય કોઇ ટ્રેડિશનલ હીરો નથી જે, ઊડતા હૅલીકૉપ્ટરમાંથી નીચે રોડ પર જતી જીપમાં ભૂસકો મારીને હીરોઇનને બચાવી લે કે, ભરચક પાર્ટીમાં, મહારાજ લૉજમાં રોટલી વણતા હોય એમ પિયાનો ઉપર આંગળા ફેરવીને ગીતડાં ગાય. આ ફિલ્મના તો બન્ને હીરા આપણી બાજુના ફલૅટમાં રહેતા છોકરાઓ જેવા છે, બેમાંથી એકે ય પાસે 'શોલે' ન કરાવાય, પણ આ ફિલ્મનું પોત જોતાં, અમિતાભ કે ધર્મેન્દ્ર પાસે ય 'બે યાર' ન કરાવાય....એ બન્નેની બાઓ ખીજાય ! આ ફિલ્મમાં તો દિવ્યાંગ ઠક્કર અને પ્રતિક ગાંધી જ ચાલે. અહીં અભિષેક જૈને ફિલ્મમાં હીરોને બદલે મારા-તમારા ઘરના છોકરાઓ જેવા બે કેરેક્ટરો લીધા છે. ફાધર (દર્શન જરીવાલા) પણ, ''બેટેએએએ...યે તૂને ક્યા કિયા....ઠાકૂર ખાનદાન કી ઇજ્જત મિટ્ટી મેં મિલા દી....'' જેવા બરાડા નથી પાડતા. મધ્યમ વર્ગનો પિતા એના દીકરા સાથે જેટલી સાહજીકતાથી પ્રેમ કરે, ખીજાય, ઠપકો આપે કે, દીકરાના દોસ્તલોગ માટે 'ડ્રિન્ક્સ'ની ય વ્યવસ્થા કરી આપે, એવો વ્યવહારૂ ફાધર છે. મૉમ તરીકે આપણા અમદાવાદની જ નિપુણ આર્ટિસ્ટ આરતી પટેલ ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે આંસુભરી આંખે રોદણાં નથી રોતી...ઓછા સંવાદમાં કેવળ ઍક્સપ્રેશન્સથી ય આરતી ઘણું કહી જાય છે. 'બે યાર'નો વિલન (મનોજ જોશી) આમ તો હિંદી ફિલ્મના વિલન જેવો સોફિસ્ટિકેટેડ છે, પણ એને વિલન કહેવા કરતા, પાક્કો અમદાવાદી બિઝનૅસમૅન કહેવો વધુ વ્યાજબી છે. એક ઍક્ટર તરીકે, અમિત મિસ્ત્રી 'બે યાર'ને તોફાનમસ્તીભર્યું બનાવવામાં સાવ સાહજીક રહ્યો છે. અને મારા મોરબીનો ગોળમટોળ કવિન દવે અનેક હિંદી ફિલ્મોમાં સહુને યાદ રહી ગયો છે. અહીં એ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં આવીને સમાંતર રોલ કરે છે. ઓહ, જે ભાવેશ માંડલીયાએ, પરેશ રાવલની ફિલ્મ 'ઑહ, માય ગૉડ' લખી હતી, એ જ અહીં સહલેખક છે, નીરેન ભટ્ટ સાથે. સચિન-જીગર તો હિંદી ફિલ્મોના જાણિતા સંગીતકારો છે, એ અહીં કસબ બતાવી ગયા છે.

સવાલ એ છે કે, હજી સુધી આવી સર્વાંગ સુંદર ફિલ્મને ગુજરાત સરકારે હજી સુધી કરમુક્ત (ટૅક્સ-ફ્રી) કેમ જાહેર નથી કરી ? એક તો, હજારો વર્ષ પછી માંડ એક સારી ગુજરાતી ફિલ્મ આવી છે તો, ગર્વ સાથે ગુજરાતના ઘરઘરમાં એને જોવા દો. શું ગુજરાતી ફિલ્મને કરમુક્ત બનાવવા માટે સ્નેહલતા કે સની લિયોનીનું હોવું જરૂરી છે?

સિક્સર

- ફિલ્મ 'ફાઇન્ડિંગ ફૅની' બધી રીતે સારી છે. પણ ડિમ્પલ કાપડીયાના બુઢ્ઢા પ્રેમી તરીકે નસીરૂદ્દીન શાહ સહેજ બી જામતો નથી...

એ લોકોએ મેહનત કરી હોત તો અમદાવાદમાંથી જ કોક સારો બુઢ્ઢો મળી આવત....કોઇ પંખો ચાલુ કરો !

No comments: