Search This Blog

05/09/2014

'ભાઇ-ભાઇ'('૭૦)

ફિલ્મઃ 'ભાઇ-ભાઇ'('૭૦)
નિર્માતાઃ રતન-મોહન
દિગ્દર્શકઃ રાજા નવાથે
સંગીતઃ શંકર-જયકીશન
ગીતોઃ હસરત- એસ.એચ. બિહારી
રનિંગ ટાઇમઃ ૧૬ રીલ્સ
થીયેટરઃ લક્ષ્મી (અમદાવાદ)

કલાકારોઃ સુનિલ દત્ત (ડબલ રોલ), આશા પારેખ, મુમતાઝ, મેહમુદ, પ્રાણ, લીલા ચીટણીસ, મનમોહન કૃષ્ણ. મદન પુરી, રાજ મેહરા, જીવન, ઇફ્તિખાર, અરૂણા ઇરાની, મુકરી, મોહન ચોટી, રાશિદ ખાન, હર્ક્યુલિસ, અસિત સેન, કેશવ રાણા, રાજકિશોર, શેટ્ટી, અનવર અલી, જગદિશ રાજ, મારૂતિ, સુંદર, ભલ્લા જાનકી દાસ, લોટન, બ્રહ્મ ભારદ્વાજ, વિશ્વા મેહરા, સવિતા ચેટર્જી, શેખર પુરોહિત અને લાલા નઝીર.


ગીત
૧. એક તેરા સુંદર મુખડા, એક તેરા ચાંદ સે... મુહમ્મદ રફી
૨. કજરા લગાકે મૈં તો આ ગઇ હું... લતા મંગેશકર
૩. મેરે મહેબુબ તેરે દમ સે હૈ દુનિયા મેં બહાર... મુહમ્મદ રફી
૪. આજ રાત હૈ જવાં, દિલ મેરા ન તોડીયે... આશા ભોંસલે
૫. સપેરા બીણ બજા બીણ મૈં તો નાચુંગી... લતા મંગેશકર
૬. મૈં હુ જાની તેરા, તૂ હૈ જનીયા મેરી.. મુહમ્મદ રફી- મેહમૂદ
(ગીત નં. ૪ શમ્સ-ઉલ-હુદા બિહારીનું, બાકીના બધા હસરત જયપુરીના)

૧૯૭૦ની સાલમાં સૌથી વધુ કમાણી કરાવી ગયેલી ફિલ્મ હતી દેવ આનંદની 'જ્હોની મેરા નામ' એ પછી રાજેશ ખન્નાની સળંગ ત્રણ ફિલ્મો 'સચ્ચા-જુઠ્ઠા', 'કટિપતંગ' અને 'આન મિલો સજના' ને મનોજની 'પૂરબ ઔર પચ્છિમ' પાંચમાં નંબરે હતી. આજે જેની વાત કરવાના છીએ એ 'ભાઇ ભાઇ' ઠેઠ ૩૦મી પાયદાન પર હતી.

ફિલમ ફાલતુ હતી, એમાં મેં નવું શું કીધું? ખાટલે મોટી ખોડ, ભાઇ સુનિલ દત્ત 'ડોન'ના રોલમાં કેવો હાસ્યાસ્પદ લાગે? એ ડાકૂના રોલમાં (અને એ ય, 'મુઝે જીને દો' પૂરતો!) પરફેક્ટ હતો, પણ પછી એનામાં ય જીતેન્દ્રવેડાં ને ધર્મેન્દ્રવેડાં આવવા માંડયા ને ભ'ઇ આ ફિલ્મમાં ડોન બની ગયા. લેડીઝ દરજીના કાચના શો કેસમાં પુરૂષનો લેંઘો લટકતો હોય એવું લાગે. એમાં ય, તદ્દન ખપાટીયું થઇ ગયેલી આશા પારેખ આપણા વધુ માથે પડે, એના કરતા બધું મળીને ગીતોને બાદ કરતા, એનો ૪-૫ મિનિટનો રોલ જ નિર્માતા રતન મોહન અને દિગ્દર્શક રાજા નવાથેએ આપ્યો છે. મેહમુદની કોમેડી બંદરછાપ લાગતી હોત, તો ય થોડું હસી લેત, પણ અહીં તો ઝૂ-કીપર જેવો રોલ અપાયો છે. ફિલ્મના તમામ વાંદરાઓને લાઇનમાં રાખવાની ગંભીર જવાબદારી મહેમૂદને સોંપાઇ છે.

ફિલ્મની વાર્તાના અંશો તો હું લખું, પણ આ ફિલ્મમાં કામ કરનાર કોઇપણ વ્યક્તિ મને માફ નહિ કરે કે, સાલું આટલા વર્ષોમાં અમે ફિલ્મ 'ભાઇ ભાઇ'નો નાનકડો એક કટકો ય સમજી શક્યા નથી ને તમે અંશો ઉપાડી લાવ્યા?

સુનિલ દત્ત ડબલ રોલમાં એટલે એક ગરીબ અને સજજન ને બીજો લફંગો. એકને આશા પારેખ મુહબ્બત કરે ને બીજાને મુમતાઝ. પ્રાણ વચમાં હળી કરતો રહે ને મેહમુદ એક સુનિલ દત્તની ચમચાગીરી કરે રાખે. એને ય એક હીરોઇન આપવી પડે, એટલે અરૂણા ઇરાની એના પ્રેમમાં. અંતે બધું ભેગું કેવી રીતે થઇ જાય છે ને ફિલ્મ પુરી કેવી રીતે થાય છે, એ બધું આટલામાં નહિ આવે..... થોડું ઓછું કરી આલો.....

પોતાની એક પછી એક ફિલ્મો પિટાવા માંડી એટલે સુનિલ દત્ત આડેધડ ગમે તેવી રોંચા જેવી ફિલ્મોમાં ય આવવા માંડયો.

આપણું નસીબ થોડું સારૂં કે, હજી આ ફિલ્મમાં એણે લાંબા જફરીયાં (વાળ) અને જ્હોની વોકર ટાઇપના કપડાં નથી પહેર્યાં.

સુનિલ દત્તે શરીરના આકારની પૂરી જાળવણી જીવનભર રાખી હતી. એક જમાનામાં અમેરિકાના પ્રેસિડેન્ટ જીમી કાર્ટરની માં લીલીયન કાર્ટર મુંબઇમાં સુનિલ દત્તની બાજુમાં રહેતી. બંને ફેમિલી વચ્ચે ઘર જેવા સંબંધો થઇ ગયા. જીમી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે શપથવિધિમાં દત્ત-પરિવારને ખાસ અમેરિકા બોલાવવામાં આવ્યો હતો, ત્યાં જીમીએ ફખ્રથી સુનિલને કીધું, ''શરીરની જાળવણીમાં આપણે બંને સજાગ છીએ, એનો મને આનંદ છે.''

સુનિલ દત્ત લેખક છે. આમ ખાવાના પૈસા નથી ને પીવાના તો થોડા ય નથી, છતાં પીધે રાખે છે, છતાં ફિલ્મોમાં એ આદર્શવાદી છે, જે હીરોઇને આપેલા પૈસાને અપમાન ગણે છે. તારી ભલી થાય ચમના... આ ત્રણે વાતો એકબીજા સાથે સહેજ બી બંધબેસતી નથી રે..!

સુનિલ દત્ત ૬ઠ્ઠી જૂન, ૧૯૨૯ના રોજ જન્મ્યો હતો ને આ ફિલ્મ '૭૦માં બની હતી. મતલબ, આ ફિલ્મમાં એ ૪૧ વર્ષની ઉંમરે કોલેજમાં ભણે છે ને ફી ભરવાના પૈસા નથી. કેટલો ડોબો હશે? દુનિયાભરના છોકરાઓ ૨૧ વર્ષે ગ્રેજ્યુએટ થઇ જાય છે ને આ (એટલે ફિલ્મનો હિરો) લલ્લુ ૪૧-મે વર્ષે કોલેજમાં છે? ભુણ્યો તો નહિ પણ આટલી ઉંમરે સાયકલની દુકાને કામ કરવા જેટલું ય કમાયો નહિ! ફિલ્મોવાળા આપણને કેટલી હદે ઉલ્લુ બનાવતા હતા?

આ ફિલ્મમાં કેટલા બધા આપણા જાણીતા એક્ટરો ભર્યા છે! આ સાથે ફિલ્મનો બાયોડેટા આપ્યો છે, તે વાંચી જુઓ.

મુમતાઝ મૂળ ઇરાનના હતા. રાજેશ ખન્નાના 'ચમચા' તરીકે જેનું નામ ખૂબ ચગ્યું હતું, તે વિલન રૂપેશ કમાર મુમતાઝના કાકાનો છોકરો થાય. બહુ ઓછાને ખબર હશે કે, મુમતાઝે બાળ કલાકાર તરીકે બલરાજ સાહની-નૂતનની ફિલ્મ 'સોને કી ચીડિયાં' કે શમ્મી કપૂરની ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ'માં કામ કર્યં હતું. વ્હી. શાંતારામની 'સ્ત્રી' અને 'સેહરા'માં ય દેખાઇ હતી. 'પંખ હોતે તો ઊડ આતી રે..' ગીતમાં સંધ્યાની સાથે મુમતાઝ હોય છે. મુમતાઝની અટક 'અસ્કરી' છે... આઇ મીન, 'હતી.' હવે 'માધવાણી' થઇ ગઇ. એના ફાધર મુંબઇમાં સુકામેવાની લારી ફેરવતા હતા. મુમુ ૧૬ વર્ષની હતી, તયારે એના માં-બાપે છુટાછેડા લઇને - બંનેને સહેલું પડયું, ત્યા બીજા લગ્ન કરી લીધા. સ્વ. દારાસિંઘના સ્વ. ભાઇ રણધાવા મુમતાઝની બહેન મલ્લિકા સાથે પરણ્યો હતો. તમામ મેગેઝિનોમાં રણધાવાનો ઉચ્ચાર ખોટો લખાય છે. મૂળતઃ આ યોધ્ધાનું નામ છે, જે રણ (ભૂમી) માં દોડી જવા માટે ઉત્સુક છે, એટલે 'રણ-ધાવા' એક જમાનાના પ્રેમી કહેવાતા ફિરોઝ ખાન-મુમતાઝે એમના સંતાનો ફરદીન અને નતાશાના લગ્ન કરાવી આપ્યા છે. મુમતાઝે પોતે કરેલા એલાન મુજબ, હવે તે કેન્સરમાંથી સંપૂર્ણ મુક્ત થઇ ચૂકી છે. સુખદ આશ્ચર્યની વાત એ છે કે, નહિ મુમતાઝ કે નહિ, અરૂણા ઇરાની સ્કૂલમાં છ ચોપડીથી આગળ ભણ્યા નથી, છતાં બંને કડકડાટ ઇંગ્લીશ બોલી શકે છે.

આ ફિલ્મ 'ભાઇભાઇ'માં મુમતાઝ સેકન્ડ સુનિલ દત્તની ફર્સ્ટ પ્રેમિકા બને છે. પણ હરામ બરોબર એને એક્ટિંગ કરવાની કોઇ તક અપાઇ હોય તો!

આશા પારેખના ફાધર અમદાવાદના પાલડી વિસ્તારના પિરાણા ગામે રહેતા હતા. મધર દાઉદી-વહોરા મુસ્લિમ છે.

લીલા ચીટણીસનું નામ આપણી કોલમના વાચકોએ ન સાંભળ્યું હોય, એ તો નહિ બને. નવાઇ આપણે બધાને લાગશે કે, 'લક્સ' સાબુની સૌથી પહેલી જાહેરાતમાં લીલાબાઇ ચમક્યા હતા... સાલ હતી, ૧૯૪૧. એના ફાધર તો કર્ણાટકના ધારવાડમાં ઇંગ્લિશના પ્રોફેસર હતા અને બ્રહ્મ સમાજના પ્રમુખ પણ. લીલાનો પુત્ર માનવેન્દ્ર ચિટણીસ કહે છે, ''માં બ્રાહ્મણ હોવાને કારણે, એ જામાનામાં તો સ્ત્રીઓ ફિલ્મોમાં કામ કરે, એ વેશ્યાવૃત્તિ કહેવાતી, તો એની ય પરવાહ કર્યા વિના ફિલ્મોમાં કામ કર્યું.

લીલા ચીટણીસનું અવસાન ૯૩ વર્ષની વયે અમેરિકાના કનેક્ટિક્ટ રાજ્યના ડેનબરીમાં થયું. લીલા આપણને વધારે યાદ રહી ગઇ હોય તો રાજ કપૂરના 'આવારા'માં રાજની અને દેવ આનંદની ફિલ્મ 'ગાઇડ'માં દેવ આનંદની માં તરીકે. સુનિલ દત્તની ફિલ્મ 'સાધના'માં પણ એનો રોલ નોંધપાત્ર હતો. ભારતભરની ટોટલ ડોસીઓ એમની આખી જીંદગીમાં રડી નહિ હોય, એટલા જથ્થામાં લીલા ચીટણીસ હરએક ફિલ્મમાં રડી છે. ફિલ્મોના પરદા ઉપર આવે ને જાય ત્યાં સુધી રડારોળ કરવા માટે કુખ્યાત આ લોકોની આવી એક ટોળકી હતી, જેનો પ્રેસિડેન્ટ હતો, બારમાસી રોતડો નઝીર હુસેન. આ ટોળકીના સભ્યપદમાં આજીવન લાવાજમ ભરનારાઓમાં મનમોહન કૃષ્ણ, નાના પળશીકર, શિવરાજ, સુલોચના, અચલા સચદેવ, લીલી ચીટણીસ, દુલારી... યસ, એક માત્ર વીરાંગના હતી લલિતા પવાર, જે બધાને રડાવી રડાવીને અધમૂઆ કરી નાંખતી. પોતે નહોતી રડતી.

અમારા ખાડીયામાં પહેલેથી જ જીવનને બદલે 'જીવણ' તરીકે ઓળખાતો જીવન કાશ્મિરી પંડિત હતો. નારદ મુનિના પાત્રમાં ૬૦ ફિલ્મો કરવા બદલ એક તબક્કે એનું નામ 'ગીનેસ બુક ઓફ રેકોર્ડસ'માં વિચારાયું હતું. ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં હીરો દેવ આનંદને જેલમાંથી ભગાડી જવામા મોઢું બંધ રાખનાર આ 'હીરો' મનમોહન દેસાઇની ફિલ્મો 'અમર, અકબર, એન્થની' અને 'ધરમવીર' જેવી ફિલ્મોમાં ઘણો યાદ રહી ગયો હતો. એક્ચ્યૂઅલી, રોયલ ખાનદાનનો આ નબીરો ફિલ્મોમાં હીરો બનવા મુંબઇ આવ્યો ત્યારે એના ખિસ્સામાં રૂ. ૨૬/- હતા અને 'રજનીગંધા'વાળી હિરોઇન વિદ્યા સિન્હાના દાદા મોહન સિન્હાના સ્ટુડિયોમાં કામદાર તરીકે રહ્યો હતો. આઉટડોર શૂટિંગમાં તમે ક્યારેક સિલ્વર કલરના ઊંચા રીફલેક્ટરો જોયા હશે, જેના ઉપરથી સૂર્યપ્રકાશ સહજ હળવો થઇને હીરો- હિરોઇન ઉપર પડે. એ રીફલેક્ટરો ઉપર ચાંદી જેવા કાગળ ચોંટાડવાનું કામ જીવન કરતો, એમાંથી એ જ મોહન સિન્હાએ ફિલ્મિ 'ફેશનેબલ ઇન્ડિયા'માં હીરો બનાવી દીધો.

પ્રાણ હજી આ ફિલ્મ સુધી ખલનાયકી છોડી નહોતી. કોઇ પણ હીરો કરતા શરીર સૌષ્ઠવના ધોરણે પ્રાણ જેવા કપડાં ભાગ્યે જ કોઇને શોભતા, પણ 'ભાઇ ભાઇ'માં પ્રાણ સફેદ શૂટની નીચે સફેદ બૂટમાં પાછો મોજાં કોથમિરની ચટણી કલરના પહેરે છે, બોલો!

કાયમી રોતડો બીજો પીસ હતો મનમોહન કૃષ્ણ. કહેવાય છે કે, એક સેકન્ડના સોમા ભાગમાં ૩૩ લાખ હાવભાવ ચેહરા ઉપર લાવતો. એ હખણો ઊભો રહે તો ય એના ચેહરાના હાવભાવો આપોઆપ બદલાયે રાખે અને તમામ હાવભાવો કરૂણ હોય. એની આંખો ઉપરની ભ્રમરો એટલી જાડી હતી કે, રોજ કાપ્યા પછી એના વાળમાંથી એના ફેમિલી માટે રોજ એક ધાબળો બનતો.

અરૂણા ઇરાની અને મેહમુદની જોડી આ દશકમાં બહુ ખીલી હતી. એ જોતાં પિલ્મની બંને હીરોઇનોના લગ્નજીવનના લોચા હતા. ગામ આખું કહેતું હતું કે, આશા પારેખ અને નાસીર હુસેન ('દિલ દે કે દેખોથી માંડીને તીસરી મંઝિલના નિર્માતા દિગ્દર્શક) તેમજ મેહમુદ અને અરૂણા ઇરાની પરણી ચૂક્યા છે. એ વાત જુદી છે કે, આ વાત બંનેએ ખોટી ગણાવી છે. એ બંને સાચા એટલા માટે હશે કે, ભલે લગ્ન ન કર્યાં હોય...!

દિગ્દર્શક તરીકે પોતાની આખી કરિયરનું નામ બોળ્યું હોય, તો રાજા નવાથેએ. આમે ય એ કોઇ ગ્રેટ ડાયરેક્ટર તો હતા નહિ, છતાં ય રાજ કપૂરની ફિલ્મ 'આહ'નું દિગ્દર્શન એમણે કર્યું હતું. એટલે આપણને આશા બંધાય કે 'ભાઇભાઇ જેટલી ફાલતુ ફિલ્મ તો એ ન જ બનાવે.

એ જમાનાની ફિલ્મોમાં મારામારી વખતે 'ઢીશુમ... ઢીશુમ..' બોલવું પડતું. કોણ બોલે, એ આપણને દેખાય નહિ. દુનિયાભરના સાહિત્યકારો ઊંધા પડી ગયા કે, આ 'ઢીશૂમનો અર્થ શું થાય? એ તપાસવા! '૭૦ના દાયકાની ફાઇટસ બહુ હાસ્યાસ્પદ હતી.

કમનસીબે, આપણા સહુના ફેવરિટ સંગીતકારો શંકર-જયકિશનના વળતા પાણી થઇ ચૂક્યા હતા. આ ફિલ્મના સંગીત વખતે તો જયકિશન હયાત હતો, છતાં એક વખત શાહી સિંહાસન ઉથલી ગયું, પછી ભલભલા રાજા-મહારાજા સાયકલ-રીક્ષામાં બેઠા હોય એવું લાગે. તેમ છતાંય, 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી' મુજબ, મુહમ્મદ રફીના જરા ચાલી જાય એવા બે ગીતો, ''મેરે મેહબુબ તેરે દમ સે હૈ દુનિયા યે મેં બહાર...'' અને ''એક તેરા સુંદર મુખડા, એમ મેરા પ્યાર સે ભરા દિલ, મિલના મુશ્કીલ હૈ'' હજી બીજી સારી સીડી ઘરમાં ન પડી હોય તો સાંભળવા ગમે એવા છે. એક જમાનામાં આ બંને સંગીતકારો પોતાની ફિલ્મમાં સંગીત આપે તે માટે, જયકિશનના ઘરે વહેલી સવારથી ધામા નાંખીને બેસતા. એક વખત આ બંનેનો જમાનો પૂરો થયો, એટલે સ્વ. જયકિશનનની ગેરહાજરીમાં શંકરને હડધૂત કરતા થઇ ગયા. શંકરને કામ માંગવા રીતસર ભટકવું પડતું. એક માત્ર ફિલ્મ નિર્માતા- દિગ્દર્શક સોહનલાલ કંવરે પેલા, 'જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ, જાણે કૌન આસપાસ હોતા હૈ''વાળી ફિલ્મ 'સીમા'માંસંગીત આપવા માટે શંકર ઇચ્છે એટલા વાયોલિન વાદકોને બોલાવવાની છૂટ આપી હતી. કામ સારૂં થયું એટલે સોહનલાલે ફિલ્મ 'સન્યાસી'માં પણ શંકરને લીધા.

આ સોહનલાલકંવર ગુજરાતી ફિલ્મોમાં વધારે પડતું ચમકી ગયેલી અભિનેત્રી સ્નેહલતા સાથે લગ્ન... સોરી, લગ્ન-બગ્ન નહોતા કર્યા, બસ?

એવી જ રીતે, આ ફિલ્મના નિર્માતા રતન-મોહન એટલે કોમેડિયન મારૂતિના જમાઇ થાય. કોમેડીયન ગુડ્ડી મારૂતિની મોટી બહેન સાથે સોહનલાલ પરણ્યા હતા.

ફિલ્મ 'ભાઇભાઇ' જુઓ તો મારૂં નામ વચમાં કયાંય આવવું નહિ જોઇએ.

No comments: