Search This Blog

12/10/2014

ઍનકાઉન્ટર : 12-10-2014

* અઢી દિવસમાં ઈનિંગ્સથી ટેસ્ટ હારી ગયેલા કરોડપતિ કૅપ્ટન ધોનીએ કહ્યું, ''સારૂં થયું, હારી ગયા... બે દિવસ આરામ મળશે.'' સુઉં કિયો છો ?
- ''અમે ૨૮-વર્ષથી લૉર્ડ્ઝ પર જીત્યા નથી. બસ, આ એક અમને જીતવા દો...બાકીની લઇ જાઓ....ખાલી કરવાનો ભાવ છે.''
(ડૉ. અંકુર પટેલ, વડોદરા)

* 'અશોકના શિલાલેખો'ની છત પડી ગઇ...તમારે કેમનું છે ?
- શીલાના ફાધરને હજી મારા ઉપર ડાઉટ છે.
(સમર્થ એ. સિહોરા, વડોદરા)

* આજકાલ મોબાઇલ પર તીનપત્તી બહુ રમાય છે....!
- હા, પણ ગૅઇમ ન આવે ત્યારે એમાં જગ્યા બદલવાની કે ઢીંચણ ઊંચો કરવાની લઝ્ઝત તો ના મળે ને ?
(સંજય ગોહિલ, જામ ખંભાળીયા)

* તમારા અમેરિકાના પ્રવાસ ઉપર પુસ્તક ક્યારે લખવાના છો ?
- બસ. કોઇ મને ચૅક લખી આપે ત્યારે.
(અલી અસગર પેટીવાલા, વડોદરા)

* હવે આઇપીઍલની ક્રિકેટ ટુર્નામૅન્ટ્સ ઉપર પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે કે નહિ ?
- સહેજ પણ નહિ. ઉબકા આવે એવા નેતાઓને ટીવી પર રોજેરોજ જોવા કરતા, 'ફિક્સ તો ફિક્સ,' ક્રિકેટ શુધ્ધ આનંદ તો આપે છે.
(જયેશ કબુતરવાલા, સુરત)

* ચીનાઓએ બ્રાહ્મણોની જનોઇ બનાવવા ઉપર હજી સુધી હાથ માર્યો નથી...
- દોરી ખેંચો તો જનોઇનો ઝભ્ભો થઇ જાય, એવી જનોઇઓ એ લોકો બનાવવાના છે ખરા.
(વિદુર પંડયા, સુરત)

* તમે 'કૌન બનેગા મહાકરોડપતિ'ના રૃા. ૭-કરોડના વિજેતા બનો, તો એ પૈસાનું શું કરો ?
- દર મહિને એટલો ખર્ચો તો મારી પત્ની 'કેબીસી'ને એસ.એમ.એસ. મોકલવામાં કરી નાંખે છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમે પાવર ચોરી કરો છો ખરા ?
- મારામાં ચોરી કરવાનો પાવર જ નથી.
(રાકેશ ઠકરાર, જામ કંડોરણા)

* રેડિયો ઢાંકીને નગ્ન ઊભેલા આમિરખાનના પોસ્ટરથી શું સમજવું ?
- એટલું ઢાંકવાને કારણે એની બાંધી મુઠ્ઠી લાખની રહી ગઇ.
(કિર્તી આર. ચૌધરી, પાટણ)

* આપણે સાચા હોઇએ ને લોકો ખોટા માનતા હોય તો શું કરવું ?
- હું કાંઇ બોલ્યો ?
(દર્પણ ચોટાઇ, રાજકોટ)

* અવારનવાર પિયર જવાની જીદ્દ કરતી પત્નીઓને રોકવાનો કોઇ ઉપાય ?
- એનું પિયર એક હોય...તમારે સાસરૂં એક રાખવાની કોઇ જરૂર ?
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી-ધરણી)

* તમે કેટલું ભણેલા છો ?
- ખાસ નહિ....ભારતના રાષ્ટ્રપતિ બનવા જેટલું.
(ચાંદની પી. સરડવા, મોરબી)

* ઊંઘ ન આવે તો કેટલાક લોકો રાત્રે યોગાસનો કરે છે. તમારે કેમનું છે ?
- હું ય કરૂં છું...શવાસન...ઊંઘમાં.
(રૂચિ અંધારીયા, ભાવનગર)

* અશોકભાઈ, તમને આજ સુધી કોઇ છેતરી શક્યું છે ?
- મારા સસુરજી...એમણે દીકરીઓ ચાર બતાવી..ને મારી સાથે પરણાવી એકને જ !
(પિયુષ માનજીભાઈ સરડવા, મોરબી)

* થોડા વર્ષો પહેલાના માં-બાપોને ૧૦-૧૫ બાળકો થવા આમ વાત હતી. 
આજે એક-બે બાળકોમાં માં-બાપ ટાંઈ-ટાંઇ ફીસ્સ કેમ થઇ જાય છે ?
- એક-બે બાળકોનાં મમ્મી-પપ્પા બુદ્ધિમાન હોય છે.
(સકીના અબ્દુલા ભારમલ, ભૂજ)

* હવે ડિમ્પલ કાપડીયા ઉપરથી દીપિકા પદુકોણ પર આવો...સુઉં કિયો છો ?
- મારા છોકરાને ભૂખે મારવો છે ?
(દિવ્યેશ પટેલ, બેનસાલેમ, પૅન્સિલવેનિયા, અમેરિકા)

* મારી બાજુવાળી નખરાળી પડોસણ મને જોતા જ આંખો કેમ કાઢે છે ?
- અત્યાર સુધી એ એકલો જ પોતાને બેવકૂફ સમજતો હતો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* કહે છે કે, સાક્ષીભાવે ભક્તિ કરવાથી ભગવાન મળે છે. તમે માનો છો ?
- બોલો, ક્યારે આવું ?
(પ્રતિક અંધારીયા, ભાવનગર)

* અમેરિકાથી તમારી રાધા માટે તમે રૂ. સવા લાખનું પર્સ લાવ્યા...સાચી વાત છે ?
- કોક મીરાંને લઇ આવવા કરતાં પર્સ સસ્તામાં પતે એવું હતું.
(ચંદ્રકાંત બગડીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* દરેક દિવસ તમારો અંતિમ દિવસ છે, એમ માનીને જીવતા જશો તો એક દિવસ તમે સાચા પડશો.
- દરેક દિવસ તમારો જન્મદિવસ છે, એમ માનીને જીવતા જશો તો રોજ સાચા પડશો.
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

* 'ઍનકાઉન્ટર'થી આટલું હસાવો છો, છતાં મોટા ભાગના મોંઢાં શુષ્ક કેમ ?
- ચાઇલ્ડહૂડ પ્રોબ્લેમ.
(ડૉ. બી.પી. પરમાર, રામોલ, પેટલાદ)

* જીંદગી વિશે આપનો શું મત છે ?
- મોકલાવી આપો. તપાસીને કહું.
(જાવેદ એ. મનવા, મોડાસા)

* નેતા કૂંવારો ભલો કે પરણેલો ?
- આમાં 'ભલો' આવ્યો જ ક્યાં ?
(ભરત ડી. સાંખલા, ડિસા)

* ઍન્ડરસને રવીન્દ્ર જાડેજાને ધક્કો માર્યો, તો ય જાડેજા બાપુ કાંઇ ન બોલ્યા ?
- ભા'આય....ભા'આય...! ગમે તેમ તો ય 'બાપૂ' અમારા જામનગરનું પાણી છે..ને ક્યાંક એવી જગ્યાએ ઠોકી હશે કે, પેલો જીંદગીભર ટટ્ટાર નહિ ચાલી શકે....!
(જાગૃત બી. શાહ, ભાવનગર)

* ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલીના દેખાવ અંગે શું માનો છો ?
- 'ફૉર્મ ઇઝ ટૅમ્પરરી...કલાસ ઇઝ પર્મૅનૅન્ટ.'
(મોહિયુદ્દીન ઝાંખવાલા, હિમ્મતનગર)

No comments: