Search This Blog

10/10/2014

'ઘરાના' ('૬૧)

ફિલ્મ : 'ઘરાના' ('૬૧)
નિર્માતા : જેમિની સ્ટુડિયો- મદ્રાસ
દિગ્દર્શક : એસ. એસ. વાસન
સંગીત : રવિ
ગીતો : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૭ રીલ્સ
થિયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : રાજકુમાર, રાજેન્દ્રકુમાર, આશા પારેખ, લલિતા પવાર, શુભા ખોટે, આગા, હની ઈરાની, બિપીન ગુપ્તા, કન્હૈયાલાલ ચતુર્વેદી, મીનુ મુમતાઝ, કૃષ્ણાકુમારી અને દેવિકા (સાઉથ)



ગીત
૧. જબ સે તુમ્હે દેખા હૈ, આંખો મેં તુમ્હી હો...... આશા- રફી
૨. જય રઘુનંદન, જય સીયારામ, લીલા તેરી અપરંપાર..... આશા- રફી
૩. હુસ્નવાલે તેરા જવાબ નહીં, કોઈ તુઝ સા નહિ..... મુહમ્મદ રફી
૪. મેરે બન્ને કી બાત ન પૂછો, મેરા બન્ના હરિયાલા હૈ...... આશા- શમશાદ
૫. દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ..... આશા- કમલ બારોટ
૬. ન દેખો હમે ઘૂર કે..... આશા- રફી
૭. હો ગઈ રે હો ગઈ રે..... આશા ભોંસલે
૮. યે દુનિયા ઉસી કી જો પ્યાર કર લે...... આશા ભોંસલે
૯. યે ઝીંદગી કી ઉલઝને...... આશા ભોંસલે

મુંબઈ કરતા મદ્રાસ (હાલ ચેન્નઈ)માં બનતી હિંદી ફિલ્મોમાં કામ કરવા મળે, એ શાહી ઇજ્જત મળવા બરોબર સન્માન હતું. એનો મતલબ એ થયો કે, તમે મુંબઈની ફિલ્મોમાં ય ખૂબ ચાલો છો, એટલે ત્યાં ચાન્સ મળે છે. રાજેન્દ્રકુમારનો મદ્રાસમાં વટ હતો. એની પચીસેક ફિલ્મોએ સિલ્વર- જ્યુબિલી મનાવી હતી અને એ હોટ-સ્ટાર ગણાતો. એમાં ય, મદ્રાસના એવીએમ, પ્રસાદ પ્રોડક્શન્સ, વાસુ ફિલ્મ્સ કે જેમિની (હવે ઘણા 'જેમિનાઇ' ઉચ્ચાર પણ કરે છે, ખાસ કરીને ઇંગ્લિશ હોરોસ્કોપ્સ જોતા જ્યોતિષીઓ) સ્ટુડિયોમાં બનેલી તમામ ફિલ્મો સામાજિક હતી, એમાં ય જેમિનીનું નામ ઊંચુ.

અમદાવાદના ક્રૂષ્ણ સિનેમામાં આ ફિલ્મ 'ઘરાના' આવી ત્યારે સમજો ને... એક પ્રકારનો તહલકો મચી ગયો હતો ટિકિટબારી ઉપર ! 'તુલી' અટક ધરાવતા રાજેન્દ્ર કુમારના નામ ઉપર જ ટિકિટો વેચાતી. રાજકુમાર હજી એટલો પોપ્યુલર નહોતો થયો. પણ કામ કરી ગયું સંગીતકાર રવિનું દિલડોલ સંગીત. લોકોને મુહમ્મદ રફીના સૉફ્ટ કંઠે ગવાયેલા ગીતો જાતે ગાવામાં સહેલા પડયા. વળી એ જમાનો પણ એવો હતો કે, ફાઇટિંગવાળી ફિલ્મો પસંદ કરનારો ક્લાસ જરા નહિ, પૂરો થર્ડ-ક્લાસ હતો. શિક્ષિત પરિવારો સામાજિક ફિલ્મો વધુ પસંદ કરતા, જેમની વાર્તામાં વાત એમના ઘરની હોય, સમસ્યા એમની હોય અને ખાસ તો, ફિલ્મમાં બતાવાતી વાર્તાની રહેણીકરણી ય એમની હોય. અબજોપતિના ઘરની વાર્તા ૭૦ ટકા મિડલ-ક્લાસના ભારતીયો ક્યાંથી એન્જોય કરી શકવાના હતા ? એમને તો એમના ઘર જેવું કંઈક આપો, તો કુછ બાત બને. અને 'ઘરાના'માં એવું જ બન્યું. આપણા ઘરની વહુ ય આ ફિલ્મની આશા પારેખ જેવી હોય, મોટા ભાઈ રાજકુમાર જેવા, મમ્મી અને બહેન બહુ ભણેલી- ગણેલી નહિ, એટલે ઘર ઉપર શહેનશાહી ચલાવવાની દાદાગીરી આખા ઘરને હેરાન કરી નાંખે. અને છેલ્લે... ખાસ તો ફિલ્મનો હીરો 'આપણા જેવો' હોવો જોઈએ, કોઈ હર્ક્યુલીસ કે રૅમ્બો જેવો નહિ. રાજેન્દ્રકુમાર આપણી પર્સનાલિટીમાં ફિટ બેસતો હતો, માટે ફિલ્મોની જેમ એ ય ચાલ્યો.

રાજેન્દ્રની બે મોટી બેવકૂફીઓ એ પોતે પ્રેક્ષકોને બતાવ્યા વિના રહેતો નહિ. એક તો એ સમજતો જ નહોતો કે, કોમેડી એનો વિષય નથી. તમે યાદ કરો, જે કોઈ ફિલ્મમાં એ કૉમેડી કરવા ગયો છે, ત્યારે કેવળ હાસ્યાસ્પદ નહિ ધૃણાસ્પદ પણ લાગ્યો છે. આ ફિલ્મમાં ભ'ઈ કૉમેડિયન બન્યા છે. રાજેન્દ્ર કૉમેડી કરે ત્યારે જલેબીનો કારીગર સલવાર- કમીઝ વેચવા બેઠો હોય એવું લાગે ! અને બીજી બેવકૂફી... જગતભરનું કોઈ પણ ગીત ગાતી વખતે એનો જમણો હાથ હખણો રહેતો નહતો. બૉટમાં બેઠેલું બાળક નદીમાં છબછબીયા કરવા અવારનવાર હાથ ઊંચો કરીને ઝબોળે રાખે, એ એના ડાન્સની પર્મેનન્ટ સ્ટાઇલ. પછી જો સમય વધતો હોય તો બન્ને હાથ પેટ પાસેથી ફેલાવી મૂકે, એટલે ગીતની એક લાઇન પૂરી,. જય અંબે.

જાની રાજકુમાર હજી એટલો પોપ્યુલર નહોતો થયો. લોકો એને ચાહવા લાગ્યા ફિલ્મ 'દિલ એક મંદિર'થી અને એની પાછળ પાગલ થવા માંડયા બી. આર. ચોપરાની ફિલ્મ 'વક્ત' અને 'હમરાઝ'થી. ડાન્સ કે ગીત ગાવા એનો ય સબ્જેક્ટ નહતો પણ એ નબળાઈ 'જાની' જાણતો હતો, એટલે શક્ય હોય ત્યાં સુધી ફિલ્મોમાં એણે ડાન્સ કે ગીતો ગાયા જ નહિ. એની તો પર્સનાલિટી જ કાફી હતી, આખા દ્રષ્યમાં ગમે તેટલા ઊભા હોય...તમારૂં ધ્યાન એની તરફ જ જાય.

રાજકુમાર બીજા હીરો જેવો ચાલુ માણસ નહોતો. મીના કુમારીની જેમ ઘણી અભિનેત્રીઓએ એને પ્રેમમાં પાડવા દાણા નાંખી જોયા હતા. પણ 'જાની' સાથે પ્રેમ-ફ્રેમ તો દૂરની વાત છે... શુટિંગ વખતે એ ઇઝી-ચૅરમાં આરામ ફરમાવતો કોઈ પુસ્તક વાંચતો હોય, તો મજાલ નથી કોઈ હીરોઇનની કે પાસે જવાની હિંમત કરે. ડર એવો ય ન હોય કે, 'સા'બ અપમાન કરી નાંખશે, પણ જાનીની પર્સનાલિટી જ એવી કે, એને કોઈએ 'હેલ્લો' કહેતા ય બે વાર વિચારી લેવુ પડે. શુટિંગમાં વચ્ચે ગેપ પડે, ત્યારે બીજા હીરોની જેમ પોતાના મેક-અપ રૂમમાં હીરોઇન કે કોઈ એક્સ્ટ્રા છોકરીને લઈને પડયો ન હોય... એ તો સમરસેટ મૉમ, મોમ્પાસા, શેક્સપિયર કે બર્ટ્રાન્ડ રસેલને વાંચતો હોય. એના અંગત જીવન વિશે એ મર્યો ત્યાં સુધી કોઈ કશું જાણતું નહોતું... ને હવે ય ન જાણે, એની બધી તૈયારીઓ એના ફેમિલી મેમ્બર્સ પાસે કરાવતો ગયો છે. ખેંચી ખેંચીને એટલી માહિતી મળે કે એ બલુચિસ્તાનના લોરાલઈમાં ૮ ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ મૂળ નામ 'કૂલભૂષણ પંડિત'ને નામે જન્મ્યો હતો.

૧૯૫૨માં એની પહેલી ફિલ્મ 'રંગીલી'માં ચાન્સ મળ્યો, તે પહેલા મુંબઈના પોલીસ ખાતામાં સબ-ઇન્સ્પેક્ટરની નોકરી કરતો હતો. વિમાનની જેનિફર નામની ઍરહોસ્ટેસ સાથે પ્રેમ થઈ જતા એની સાથે લગ્ન કર્યા અને એને હિન્દુ નામ 'ગાયત્રી' આપીને સુખી લગ્નજીવન જીવ્યો હતો. આ 'ગાયત્રી' નામ પણ રાશિ ગોતીને પાડયું હતું. વાસ્તવિકતા એની દીકરી અને પાણિની તેમજ પુરૂ (સિકંદરવાળા રાજા પોરસ ઉપરથી) રાજકુમાર એના સંતાનો. ૩ જુલાઈ, ૧૯૯૬ના રોજ ૬૯ વર્ષની ઉંમરે ગળાના કેન્સરમાં બે વર્ષ રિબાઇને મર્યો એને 'હૉજકિન' (Hodgkin) નામનો રોગ થયો હતો. કિમોથેરાપી પણ આ મર્દ માણસ બર્દાશ્ત કરી ગયો પણ એના છેલ્લા બે વર્ષ મૌતથી બર્દાશ્ત ન થયા. એનાથી ઘવાયેલા લોકોએ એને ઘમંડી ચિતરી બતાવ્યો પણ વાસ્તવમાં એ હસમુખો વિદ્વાન હતો. ઉર્દૂ અને ઇંગ્લીશમાં એનું પ્રભુત્વ એટલે સુધી કે, ફિલ્મ 'પાકિઝાના નિર્માણ દરમ્યાન ઉર્દુના પ્રણામયોગ્ય સાક્ષર ખુદ કમાલ અમરોહીને ઉર્દુ ભાષાની અનેક ઉલઝનો 'જાની' પાસે સોલ્વ કરાવવી પડતી.

આશા પારેખ આ ફિલ્મ વખતે માત્ર ૧૯ વર્ષની હતી. અર્થાત્, એ હીરોઇન તરીકે પહેલીવાર ફિલ્મોમાં આવી 'દિલ દે કે દેખો'થી ત્યારે ફક્ત ૧૬ વર્ષની હતી અને એમાં ય હીરો શમ્મી કપૂર વર્ષનો. કૉમેડી એ વાતની બતાવાઈ છેકે, ફિલ્મમાં એઝ યુઝવલ... આશા પારેખની મૃત માતાના ફોટામાં ય આશા પારેખ બતાવાઈ છે. ઉંમરનો થોડો ટચઅપ કરીને એને વૃદ્ધ બતાવી શકાઈ હોત, એના બદલે વયોવૃદ્ધ કન્હૈયાલાલની 'પત્ની' તરીકે... કેવી ભયાનક કૉમેડી ? 

વૅલ. ફિલ્મનો ઢાંચો સામાજિક હતો એટલે વાર્તા પણ આપણા ઘરોને બંધ બેસતી આવે :

સુખી સંપન્ના બિપીન ગુપ્તા તેની કંકાસપ્રિય પત્ની લલિતા પવાર, વચેટ દીકરો રાજકુમાર, એની પત્ની દેવિકા. સાસરૂં હોવા છતાં પિયર રહીને ઘરમાં ઝઘડા કરાવતી દીકરી શુભા ખોટે અને તેનો પતિ આગા અને સૌથી નાનો કૉલેજીયન દીકરો રાજેન્દ્રકુમાર, ઉપરાંત સ્વર્ગસ્થ સૌથી મોટા પુત્રની વિધવા પત્ની વિજયાલક્ષ્મી અને તેના બે બાળકો સાથે રહે છે. આ વિજ્યાલક્ષ્મી એટલે નરગીસ હોવા છતાં રાજકપૂરની બીજી ગુપ્ત પ્રેમિકા. કુટુંબમાં સઘળું છે પણ શાંતિ નથી.

લલિતા પવાર અને તેની દીકરી કોઈ પણ સબ્જેક્ટ પર ઘરમાં હરકોઈ સાથે ઝઘડા કરી શકે, એમાં રાજેન્દ્રને રાજકુમારની પત્ની સાથે લફરૂ હોવાની મનઘડંત સ્ટોરી ઉપજાવી કાઢીને કંકાસ કરાવે છે. રાજેન્દ્ર આશાને પરણીને ઘેર લાવે છે પણ શાંતિમાં કોઈ ફેરફાર થતો નથી. પત્ની ઉપર વહેમાઈને રાજકુમાર ઘર છોડીને જતો રહે છે અને પોતાની જૂની દોસ્ત મીનુ મુમતાઝના ઘરે રહેવા જતો રહે છે. એને મીનુ માટે એક તરફો પ્રેમ થઈ જાય છે અને રાજકુમાર એની સાથે લગ્ન કરવા માગે છે. છેવટે આગા (ઘરનો જમાઈ) બધું આડુઅવળું કરીને બધાને ભેગા કરે છે.

આજે સ્વાભાવિક છે કે, આ ફિલ્મ જોવી સહેજ પણ ન ગમે, પણ એ જમાનામાં બહું ચાલી. ૧૯૬૧ની સાલનું ભારત જોવા મળે. 'વેસ્પા' સ્કૂટર તો બહુ મોટી વાત કહેવાતી. રાજેન્દ્રકુમારને એનો મોટો ભાઈ આ ફિલ્મમાં 'વેસ્પા' ભેટ આપે છે, એ જોઈને ૯ વર્ષના અશોક દવેનો જીવ બળી ગયો હતો કે, 'હાળા... આપણી પાસે કેમ આવા ભાઈઓ નહોતા... ?' (એ વાત જુદી છે કે, નાના ભાઈને સ્કુટર ભેટ આપી શકે, એવો ભાઈ આપણે બનવાનો વિચારે ય નહોતો આવતો. ક્યાંથી આવે ? ફાધરનો માસિક પગાર એ જમાનામાં ₹. ૧૫૦/-... એમાં (એ જમાનામાં) ₹. ૧૨૦૦/-માં મળતું નવું નક્કોર 'વૅસ્પા' પોસાય ?

ફિલ્મ વધુ ચાલી મુહમ્મદ રફીના બે મશહૂર ગીતોના કારણે. સંગીતકાર રવિ અને રફી વચ્ચે ગહેરી દોસ્તી પ્રારંભથી હતી. ''રોજ સવારે બરોબર આઠના ટકોરે રફી સાહેબ મારા ઘરે આવ્યા જ હોય... એક મિનિટ આઘીપાછી ન થાય.'' એવું રવિએ મને અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબમાં મળ્યા ત્યારે કીધું હતું. દુઃખ તમામ સંગીતકારો માટે એ વાતનું થાય કે, આ ફિલ્મના સંગીત માટે રવિને ફિલ્મફેર એવોર્ડ મળ્યો, પણ આખી ફિલ્મના ૯ ગીતોમાંથી બસ... કોઈ બે- ત્રણ જામ્યા. એવું કેમ ? શંકર- જયકિશન, નૌશાદ અને ઓપી નૈયરને બાદ કરતા કોઈ સંગીતકાર એટલો સફળ નહોતો, કે ફિલ્મના તમામ ગીતો સુપરહિટ જાય... એકાદું નબળું હોય તો ય ચાલી જાય. 'ઘરાના'માં રવિને એવોર્ડ મળ્યો, પણ બાકીના ગીતો માળિયે ચઢાવવા પડે અને આ દુઃખ એ સમયના તમામ સંગીતકારોને લાગુ પડતું... ક્રિકેટર દિલીપ વેંગસરકર જેવો સ્ટ્રાઇક રેટ આ લોકોનો રહેતો કે પાંચ ટેસ્ટની દસ ઇનિંગ્સમાંથી ફક્ત એકમાં દિલીપ સેન્ચૂરી મારે એટલે બાકીની નવ ઇનિંગ્સનો ધબડકો માફ. પેલા ત્રણ સંગીતકારોની ફિલ્મના ગીતોનો આ જ અંજામ હતો કે આખી ફિલ્મમાંથી માંડ કોઈ એકાદ-બે ગીત સુપર-ડુપર હિટ જાય એટલે બાકીના ગુન્હા માફ.

ફિલ્મ સંગીત ક્ષેત્રે કરૂણહાસ્યની વાત એ છે કે, ૧૯૬૧માં રીલિઝ થયેલી આ ફિલ્મના 'હુસ્નવાલે તેરા જવાબ નહિ, કોઈ તુઝ સા નહિ હજારો મેં...' એ મુહમ્મદ રફીએ ગાયેલા ગીત માટે રફીને નહિ, સંગીતકાર રવિને એવોર્ડ મળ્યો (એ જમાનામાં આખી ફિલ્મ કે આખા વર્ષની ફિલ્મોના સંગીત માટે સંગીતકારોને એવોર્ડ નહોતો મળતો. કોઈ એક ચોક્કસ ગીત માટે મળતો) રવિએ એના આગલા વર્ષે ફિલ્મ 'ચૌદહવી કા ચાંદ હો યા આફતાબ હો'ના અદ્ભુત સંગીત બદલ એવોર્ડ ગુમાવ્યો હતો અને શંકર- જયકિશન ફિલ્મ 'દિલ અપના ઔર પ્રીત પરાઈ, કિસને હૈ યે રીત બનાઈ' માટે આ ઍવૉર્ડ લઈ ગયા. તેનો બદલો રવિએ લીધો. નવાઈ નહિ પણ આઘાત બાકાયદા લાગશે કે, રવિએ આ એવોર્ડ ઝૂંટવ્યો, એ શંકર- જયકિશનની ફિલ્મ 'જીસ દેશ મેં ગંગા બહતી હૈ'નો હતો. પણ આ બન્ને કિસ્સામાં વચમાં ઊભા ઊભા માર ખાધો ધી ગ્રેટ નૌશાદઅલીએ, જેમની આ બન્ને વર્ષોની ફિલ્મો 'લીડર' અને 'મુગલ-એ-આઝમ'ના સંગીતને ધ્યાનમાં ન લેવાયું. આપણને અંગત રીતે 'દિલ અપના...' કે 'ઘરાના' સંગીત માટે કોઈ ફરિયાદ નથી, પણ આપણે આજે નહિ તો કાલે બધાએ કબૂલ કરવું પડશે ને કે, 'જીસ દેશ મેં...' અને 'મુગલ-એ-આઝમ'ની સરખામણીમાં તો આ બન્ને ફિલ્મોના... અમારા ખાડિયાની ભાષામાં કોઈ ચણા ય ન આલે...! યસ. 'દિલ અપના ઔર પ્રીત પરાઈ' માટે કોઈ ફરિયાદ ન હોય ને આમે ય શંકર- જયકિશન માટે ફિલ્મફેર એવોર્ડસ મેળવવા એક હાથે એકોર્ડિયન વગાડવા જેવું સહેલું કામ થઈ ગયું હતું. '૫૭માં ચોરી ચોરી, '૬૧માં 'અનાડી', '૬૨માં 'દિલ અપના ઔર પ્રીત પરાઈ', '૬૩માં 'પ્રોફેસર', '૬૪માં 'સુરજ', '૬૯માં 'બ્રહ્મચારી'... પછી '૭૧, '૭૨ અને '૭૩ના અનુક્રમે 'પહેચાન', 'મેરા નામ જોકર' અને 'બેઇમાન' માટે કંઈ બોલવા જેવું નથી. એ સમયથી જ ફિલ્મફેર એવોર્ડ્સ ખરીદાવાના ચાલુ થયા.

'હુસ્નવાલે તેરા જવાબ નહીં...' હીરો આટલે દૂર ગાર્ડનમાં હીરોઈનને લઈને આવ્યો હોય. દૂર દૂર સુધી આખું ગાર્ડન ખાલી ખમ્મ હોય આવા અમૂલ્ય સમયે પેલાએ ગીત શું કામ ગાવું જોઈએ ને પેલીએ બધા કામ પડતા મૂકીને ભારતીય નૃત્યકળાનું પ્રદર્શન શા માટે યોજવું જોઈએ ?

યસ. એક વાત માટે આ ફિલ્મના સર્જક એસ. એસ. વાસનને દાદ દેવી પડે કે, ફિલ્મમાં આટલા બધા જાણીતા કલાકારો છે, છતાં એકે ય નો રોલ એવો નથી, જેની ફિલ્મમાં જરૂર ન હોય ને પરાણે ઘૂસાડયો હોય. દરેક પાત્ર વાર્તાનો ભાગ બને છે. મેહમુદની બહેન મીનુ મુમતાઝ પણ ઘણા વખતથી જોવા મળી, એ ય આ ફિલ્મનો મહત્ત્વનો ભાગ છે.

(સીડી સૌજન્ય : ભરત દવે, સુરત)

No comments: