Search This Blog

07/11/2014

'દિલ દે કે દેખો' (૫૯)

દિલ દે કે દેખો : મુહમ્મોદ રફીના ખુશનૂમા ગીતો

ફિલ્મ : 'દિલ દે કે દેખો' (૫૯)
નિર્માતા : શશધર મુકર્જી (ફિલ્માલય)
દિગ્દર્શક : નાસિર હુસેન
સંગીત : ઉષા ખન્ના
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઇમ : ૧૯-રીલ્સ : ૧૮૭-મિનિટ્સ
થીયેટર : અમદાવાદ
કલાકારો : શમ્મી કપૂર, આશા પારેખ, રાજેન્દ્રનાથ, સુલોચના, લટકાર, રાજ મેહરા, રણધીર, સિધ્ધુ, મલિકા, તાહિર ખાન, વાસ્તી, સુરેન્દ્ર, ઇન્દિરા, 'બિલ્લી,' મુમતાઝ અલી (મેહમુદના પિતા), કેવલ કપૂર.


ગીત
૧. રાહી મિલ ગયે રાહોં મેં, બાતેં હુઇ નિગાહોં મેં....મુહમ્મદ રફી
૨. દિલ દે કે દેખો (૩), દિલ લેને વાલોં દિલ દેના...મુહમ્મદ રફી
૩. પ્યાર કી કસમ હૈ, ન દેખ ઐસે પ્યાર સે....આશા-રફી
૪. મેઘા રે બોલે ઝનનન ઝનનન, પવન ચલે....મુહમ્મદ રફી
૫. કૌન યે આયા મેહફીલ મેં, બીજલી સી ચમકી દિલ મેં....આશા-રફી
૬. હમ ઔર તુમ ઔર યે સમા, ક્યા નશા નશા સા હૈ.....મુહમ્મદ રફી
૭. યાર ચુલબુલા હૈ, હસિન દિલરૂબા હૈ, જૂઠ બોલતા હૈ...આશા-રફી
૮. બડે હૈં દિલ કે કાલે, હાં વો હી, નીલી આંખોંવાલે.....આશા-રફી
૯. દો એકમ દો, દો દૂની ચાર.....આશા-રફી
૧૦. બોલો બોલો, કુછ તો બોલો, ઠોકર લગે ના સમ્હાલો......મુહમ્મદ રફી.

બીજા ય કાંઇ ઓછા ઉલ્લુ બનાવતા નથી, પણ ફક્ત હિંદી ફિલ્મો જ નહિ, જગતભરની કોઇપણ ભાષાની ફિલ્મોમાં જો કોઇ નિર્માતા-દિગ્દર્શકે પ્રજાને મૅક્સિમમ ઉલ્લુ બનાવે રાખી હોય તો તે એક માત્ર નાસિર હુસેને ! તમે તો એની એક ફિલ્મ જોયા પછી એની આગળની ભૂલી ગયા હો, એટલે ખબર ન પડે કે, આ જોઇ, એ ફિલ્મની વાર્તા ડીટ્ટૉ આગલી ફિલ્મની જ હતી ! માય ગૉડ....એ પછીની ફિલ્મ આવે, એની સ્ટોરી પણ આગળની ફિલ્મની જેમ એની એ જ ડીટ્ટો હોય.

નહિ માનવામાં આવે જલ્દી...હું યાદ કરાવું. નાસિર હુસેનની પહેલી ફિલ્મ 'દિલ દે કે દેખો' (ભલે એનો નિર્માતા જૉય મુકર્જીના ફાધર શશ્ધર મુકર્જી હતા, પણ લેખક-ફેખક દિગ્દર્શક-ફિગ્દર્શક નાસિરભાઇ હતા...)ની ઍક્ઝૅક્ટ સ્ટોરી એણે 'તુમ સા નહિ દેખા'માં વાપરી. એ પછી દેવ આનંદની 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'ની સ્ટોરી યાદ કરો. જૉય મુકર્જીની 'ફિર વો હી દિલ લાયા હૂં' કે શશી કપૂરની 'પ્યાર કા મૌસમ' યાદ કરો...બધામાં સ્ટોરી એકની એક જ. હું હજી '૭૦-ની સાલ સુધી તો ગાંડો થઈ ગયો નહતો, એટલે એ પછી આ ભાઇએ બનાવેલી ફિલ્મ જોવાની બંધ કરી, પણ સવાલ એ ઊભો થાય કે, નાસિરે એકની એક વાર્તા ઉપર આટલી બધી ફિલ્મો બનાવી ને બધી બૉક્સ ઑફિસ ઉપર સુપરહિટ કે સુપર ફિટ થઇ, તો પછી નાસિરનો વાંક કેટલો ? પ્રેક્ષકોને પોતાને ખબર નહિ પડતી હોય ?

એવો ય કોઇ સવાલ નહતો આ બેવકૂફી અને બદમાશી પાછળ ! હિસાબ ચોખ્ખો હતો કે, નાસિરને અન્ય નિર્માતાઓ કરતા વહેલી ખબર પડી ગઇ હતી કે, ઇન્ડિયન પબ્લિકને વાર્તા-ફાર્તામાં કોઇ રસ નથી, એમને હીરોઇન સુંદર આપો અને ગીતો જશ્ને બહાર આપો...પચ્ચી વીક્સ તો આઆઆ...મ ચપટી વગાડતા થઇ જશે ! વિશ્વાસ ન આવતો હોય તો એ જમાનાની સારી વાર્તા ઉપરથી બનેલી કેટલી ફિલ્મો દસ અઠવાડીયા ય ચાલી હતી ? રાજ કપૂરની 'જાગતે રહો' કોઇ ૪-૫ વીકમાં આપણે ઊડાડી મારી હતી. 'ફિર સુબહા હોગી'ને તમે ત્રણ વીકે ય ચાલવા દીધી નહતી ને એવી તો કેટલી કલાસિક ફિલ્મોનો ડૂચો થઇ ગયો ? નાસિર સાચો આજે ય પડે છે કે, આજની સાલી ફિલ્મો તો જુઓ...! બે-ચાર અપવાદોને બાદ કરતા હદ વિનાની ફાલતુ ફિલ્મો બને છે ને છતાં...રૂ. ૧૦૦ કરોડ...રૂ. ૨૦૦ કરોડ...! હજી બે-ચાર વર્ષ જવા દો...જે ફિલ્મે ૧૦૦-૨૦૦ કરોડનો ધંધો કર્યો હશે, એને તો લોકો ભિખારી સમજશે.

નાસિર હુસેનની તમામ ફિલ્મોની વાર્તાઓ જ નહિ, એના પાત્રોનો ગૅટ-અપ પણ સરખો. આશા પારેખ તો સમજ્યા કે નાસિરની ફુલ-ટાઇમ પ્રેમિકા હતી ને હીરોઇનમાંથી એ બા ની ઉંમરની થઇ ત્યાં સુધી નાસિરની તમામ ફિલ્મોની હીરોઇન એ જ બદલાતા રહે બે જણા. ગમે તેવું સારૂં કામ આપ્યું હોય, સંગીતકાર અને હીરો બદલાય જ. ઉષા ખન્નાએ એની કરિયરનું સર્વોત્તમ સંગીત આ ફિલ્મમાં આપ્યું હતું ને ? ગઇ કામથી ને ઓપી નૈયર આવ્યા. 'કોઇ કહી શકે,' 'તુમ સા નહિ દેખા'નું એકે ય ગીત યાદ નથી કે ગમ્યું નથી ? તો ય શમ્મી ને ભેગાભેગો ઓપી ય ગયો ને દેવ આનંદ અને શંકર-જયકિશન આવ્યા. ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' સુપરડૂપર હિટ છતાં એ બન્નેને કાઢી મૂકીને ફિલ્મ 'ફિર વો હી દિલ લાયા હૂં'માં ફરી ઓપી નૈયર અને જૉય મુકર્જી આવ્યા. એ બન્ને ય ગયા ને 'પ્યાર કા મૌસમ'માં શશી કપૂર અને આર.ડી. બર્મન આવ્યા. કારણમાં તો 'લૉ-બજેટની એક ફિલ્મ જલ્દી જલ્દી બનાવી લેવાની હતી એટલે નવાનવા રાજેશ ખન્નાને લઈને 'બહારોં કે સપને' બનાવી. આર.ડી. પર્મેનૅન્ટ જામી ગયો...છેક સુધી.'

પણ નાસિરની હરએક ફિલ્મમાં મૌજુદ રહ્યા હોય તો ગીતકાર મજરૂહ સુલતાનપુરી, કૉમેડિયન રાજેન્દ્રનાથ અને ચરીત્ર અભિનેતા વાસ્તી. બાકી નાસિરની તમામ ફિલ્મો 'લૉસ્ટ-ઍન્ડ-ફાઉન્ડ' ફૉર્મ્યુલા ઉપર હોય. હીરો પોતાની માં સાથે શહેરથી દૂર કોઇ મોટા કમ્પાઉન્ડવાળા ''ઝૂંપડા''માં રહેતો હોય. એની માં પાસે હાથથી કપડાં સિવવાનો એક સંચો હોય, જે એણે ફક્ત હીરો બહારથી આવતો હોય ત્યારે જ ચલાવવાનો હોય. દરેક ફિલ્મનો હીરો આંખનો બહુ ખરાબ જ હોય, જે ખભે ગીટાર પકડીને છોકરીઓને ઝાંખવા ગાર્ડનોમાં નીકળી પડીને એક ગીત ગાય, 'જવાનીયાં યે મસ્ત મસ્ત બીન પિયે,' 'બિન દેખે ઔર બિન પહેચાને તુમ પર હમ કુર્બાન' (જબ પ્યાર...), 'લાખોં હૈં નિગાહ મેં, જીંદગી કી રાહ મેં....' (ફિર વો હી...) 'ચે ખુશ નઝારે, કે ખુદ પુકારે....' (પ્યાર કા મૌસમ).

રામ જાણે નાસિરની ફિલ્મોના હીરાઓએ ગળામાં ક્યા લાઉડસ્પીકરો નંખાવ્યા હશે કે, એની દરેક ફિલ્મોના હીરો, હીરોઇનને ઈમ્પ્રેસ કરવા કોઇ પહાડ પર ઊભા રહીને નીચે ઠેઠ ખીણના ખેતરોમાં કામ કરતી યુવાન સ્ત્રીઓને પોતાનો ઘાંટો મોકલાવીને નાચતી-ગાતી ઉપર બોલાવીને હીરોઇન સાથેની શરત જીતી જાય....તારી ભલી થાય ચમના....અમારા ઘેર છેલ્લા બબ્બે મહિનાથી કામવાળી પાછી આવતી નથી ને હું બાલ્કનીમાં ઊભો ઊભો રોજ શમ્મી કપૂર કે શશી કપૂર જેવા રાગડા તાણું છું, છતાં કોઇ આવતી નથી ને તું....!

મનમોહન દેસાઈએ પણ જીવનભર 'લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ' ફૉર્મ્યૂલા ઉપર ફિલ્મો બનાવી, પણ વાર્તા તો દરેકની અલગ રહેતી, જ્યારે નાસિર હુસેનની આ બધી ફિલ્મોની વાર્તા કંઈક આવી હોય : નાનપણમાં કરોડપતિ યુગલના નાના બાળકને વિલન ઉઠાવી જાય, જેથી બાળક મોટું થાય, ત્યારે વિલન પોતાના કપુત્રને પેલા યુગલનો વારસદાર બનાવીને 'જાયદાદ' હડપી શકે. એ તો ભલે ફિલ્મો છે, પણ એમ કાંઇ બાપાનો માલ છે તે, ફિલ્મ પૂરી થતા સુધીમાં અસલી પુત્ર (જે હીરો જ હોય ને?)ને પોતાના સાચા માં-બાપ અને મિલ્કત મળે....!

'ફિલ્માલય' શશધર મુકર્જીની પ્રોડકશન કંપની હતી ને સાથે સાથે નવા કલાકારો તૈયાર કરવા એમાં એક ઍક્ટિંગ-સ્કૂલ પણ ચલાવતા. સાધના અને આશા પારેખ એક સાથે તૈયાર થયેલા. જૉય મુકર્જી તો દીકરો હતો, પણ આ ફિલ્મનો હૅન્ડસમ વિલન સિધ્ધુ પણ 'ફિલ્માલય'ની દેન. મેં જૉયના સૌથી નાના ભાઇ શુબિર મુકર્જીને પૂછ્યું ય હતું કે, મને આ સિધ્ધુ ગમતો...ક્યાં છ અત્યારે ? તો એને ય સિધ્ધુના વ્હૅરઍબાઉટ્સની ખબર નહિ. 'એક મુસાફિર એક હસિના' અને 'મુઝે જીને દો'માં સિધ્ધુ છવાઈ ગ યો હતો. ખાસ કરીને એના ખતરનાક ચેહરા પર એથી ય વધુ ખતરનાક મસલ્સને કારણે. આપણી મુમતાઝની સગી બહેન મલિકા પણ 'ફિલ્માલય'ની ભેટ, જે દારા સિંઘના ભાઇ સ્વ. રણધાવાને પરણી હતી. શમ્મી કપૂરનો અંધ પિતા બનતો સુરેન્દ્ર '૪૦-ના દાયકામાં હીરો હતો અને મુંબઇના ગરીબ નિર્માતાઓ માટે એ સાયગલ હતો. એ જમાનામાં સુરેન્દ્ર પોતાની નામની પાછળ બી.એ. ડીગ્રી લગાવતો. આ ફિલ્મમાં સુરેન્દ્રની સતત સાથે રહેતા એના દોસ્તના રોલમાં કૉમેડીયન મેહમુદના પિતા મુમતાઝ અલી છે, જેને છેલ્લે તમે 'કુંવારા બાપ'માં 'સજ રહી ગલી મેરી માં, સુનહરી ગોટે મેં' વ્યંઢળ-ગીતમાં જોયો હતો. આ ફિલ્મમાં શશધરે સંગીતકાર સોનિકને પણ પહેલો ચાન્સ આપ્યો હતો, ઉષાના આસિસ્ટન્ટ તરીકે. ફિલ્મના ટાઇટલ્સમાં ગર્વ લેવાયું છે, ''અંધ સંગીતકાર સોનિક''ના નામે.

એ તો અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે, શશધરે ઉષા ખન્નાને આ ફિલ્મમાં સંગીત આપવા બિંગ ક્રોસબીની રેકર્ડો આપી દીધી હતી કે, આના ઉપરથી આપણા ગીતો બનાવવાના છે, તારે મગજ દોડાવવાની જરૂર નથી. પણ એ બધું જોયા-સાંભળ્યાનું ઝેર છે, બાકી આ ફિલ્મ બની ત્યારે ઉષા ખન્નાની ઉંમર ફક્ત ૧૮-વર્ષની હતી ને આશા પારેખ કેવળ ૧૭-વર્ષની. અલબત્ત, જે રીતે ઉષાએ આશા અને રફી પાસે અણમોલ કામ લીધું છે, તે ખૂબ છે.

શમ્મી કપૂર અને મુહમ્મદ રફી એકબીજાના આત્મા હતા, એવું જો તમે સાંભળ્યું હોય તો તમે સાચા હતા. આ બન્ને એવી હસ્તિઓ હતી કે, એમના ફૅન્સ તો બધા હોય, પણ બન્ને ય એકબીજાના ફક્ત ફૅન્સ જ નહિ, અંતરંગ દોસ્તો ય હતા, એની સાબિતી એ વાત પર કે, રફી સાહેબ ગૂજરી ગયા ત્યારે આંખમાં આંસુ સાથે જો કોઇની શ્રધ્ધાંજલી આપણને જૅન્યુઇન લાગી હોય, તો એ શમ્મી કપૂરની. દુઃખી તો આપણે સહુ થયા હતા, પણ શમ્મી-રફી તો સગા ભાઇઓથી ય વિશેષ હતા. રફીએ પણ જાહેરમાં કબુલ્યું હતું કે, એમની ગાયકીમાં સુંદર મઝાનો 'ટર્ન' ફક્ત શમ્મી કપૂરને કારણે આવ્યો. આ ફિલ્મ પહેલા ય શમ્મી માટે રફીએ અનેક ગીતો ગાયા હતા, પણ એ વખતનો શમ્મી પણ તલવારબાજ અને ઑર્ડિનરી હીરો હતો. એ માર્ક્સ નાસિર હૂસેનને આપવા પડે, શમ્મીના ચેહરા પરથી (એ જમાનામાં કાયમી રહેતી) મૂછો સફાચટ કરાવી એને હૉલીવૂડના ઍલ્વિસ પ્રેસલીનો નવો અવતાર ધારણ કરાવ્યો. અર્થાત્, શમ્મીને 'મારી મારીને મુ...નહિ, ઍલ્વિસ' બનાવ્યો. આ ફેરફારની સાથે મોટો ફાયદો મુહમ્મદ રફીને થયો, નહિ તો અત્યાર સુધી એમના ય તમામ ગીતો રોતડાં અને મસ્તી વગરના જ હતા. બદલાયેલા જમાના પ્રમાણે રફીના અવાજમાં ય હૉલીવૂડની છાંટ શમ્મીને કારણે આવી. અત્યાર સુધીની ફિલ્મોમાં વૅસ્ટર્ન ડાન્સ ફક્ત હેલન કે કક્કુ જ કરી શકતી. કદાચ પહેલી વાર શમ્મી કપૂરે આ મોડ તોડયો અને એ પછી તો 'આઇ આઇયા દરૂં મૈં ક્યા સુકુસુકુ' બ્રાન્ડના ડાન્સ-સૉંગ્સની પરંપરા બની ગઈ. બહુ ઓછાને ખબર હશે કે, શમ્મી કપૂરના પહેલા તો વાંકડીયા વાળ હતા, એ ય અહીં બદલાઇને રૉક-સ્ટાર જેવા થયા. શમ્મીનો નાનો ભાઈ શશી કપૂર રેડિયો વિવિધ ભારતી પર ફૌજી ભાઇયોં કી વિશેષ જયમાલા કાર્યક્રમમાં આવ્યો, ત્યારે બહુ ફખ્રથી કીધું હતું કે, 'શમ્મી ભાઇસા'બની બરોબરીએ તો કોઇ નહિ આવી શકે. એમને કોરિયોગ્રાફર (નૃત્ય-દિગ્દર્શક)ની કદી ય જરૂર પડી નથી. કોઇપણ ગીતમાં નૃત્યનો એમણે જે કોઇ સ્ટેપ લીધું હોય, તે કૅન્સલ થાય ને ફરીવાર કરવો પડે તો, તદ્દન નવા સ્ટૅપથી એ ડાન્સ કરી શકતા. શમ્મી ભાઇસા'બ ગીતના ચિત્રાંકન દરમ્યાન કૅમેરાની ફ્રેમની બિલકુલ વચ્ચે રહી શકતા. શરીર ભારે દેખાતું હશે, પણ એ રબ્બરની જેમ વાળી શકતા. આ મહાન કલાકારને આજે ય અંજલી એ રીતે મળે છે કે, આજના નવા હીરોઝ કોઇ દિલીપ કુમાર, રાજ કપૂર કે દેવ આનંદની નકલ નથી કરતા....શમ્મી કપૂરની કરે છે.

શમ્મી કપૂર અને રાજેન્દ્રનાથ રીતસરના નાનપણના દોસ્ત. બન્ને હજી ફિલ્મોમાં નહોતા આવ્યા અને બન્નેના ભાઇઓ-રાજ કપૂર અને પ્રેમનાથ - એ સમયના મોટા સ્ટાર્સ હતા. બન્ને કરોડપતિ ખાનદાનના...ઓકે, પણ બન્નેના પિતાશ્રીઓએ છોકરાઓને માથે ચઢાવ્યા નહોતા. પૉકેટ-મની તરીકે બન્નેને આખા મહિનાના બબ્બે રૂપિયા વાપરવા મળતા....ચોખ્ખી કડકાઇ થઇ ને ? પરિણામે આ બન્ને મુંબઇના ફૉર્ટ વિસ્તારની ઇરાની રેસ્ટોરામાં મસ્કા-બન ખાવા જતા, જ્યાં જ્યુક-બૉક્સ નિયમિત વાગતું. પૈસા ચૂકવવા ન પડે, એ માટે બન્ને ચાલબાજી (એ જમાનાથી ખાંટુ....) કરવા હૉટેલમાં બેઠેલા બીજા ગ્રાહકોને ઇમ્પ્રેસ કરવા મોટેથી પોતાના ભાઇઓની વાતો કરે. આમે ય, ખબર તો પડી જાય એવું હતું બન્નેના ચેહરાઓથી, જે એમના લૅજન્ડરી ભાઇઓને બખૂબી મળતા આવતા હતા. ગ્રાહકોને ખબર પડે કે, આ તો રાજ કપૂર અને પ્રેમનાથના ભાઇઓ છે, પછી કોઇ બિલ આપવા દે એમને ? ફિર ક્યા....? મુંબઇમાં તો બહુ ઇરાની હૉટેલો હતી. દર વખતે જુદી જુદીમાં જવાનું...મસ્કા-બન મફત !

No comments: