Search This Blog

07/12/2014

એન્કાઉન્ટર : 07-12-2014

* દરેક દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે, એમ માનીને જીવે જાવ, તો એક દિવસ તમે સાચા પડવાના... સુઉં કિયો છો ?
- (વિધિનીકેવી વિચિત્રતા... ? આ સવાલ પૂછનાર અને 'એન્કાઉન્ટર'ના કાયમી ચાહક, જેમનું નામ તમને પણ ખબર છે, તે જૈન શ્રેષ્ઠી શ્રી. રમેશ સુતરીયા- ટ્રોવા, મુંબઈ)નું અવસાન થયું છે. અને છેલ્લો સવાલ પણ કેવો પૂછ્યો... ફરી વાંચી લો. શું જવાબ આપું ? બસ, ભગવાન શ્રી મહાવીર તેઓના આત્માને શાંતિ આપે.)

* ભારત મંગળના ગ્રહ સુધી પહોંચી ગયું છે.. સુઉં કિયો છો ?
- પાકિસ્તાનને કુંડળીમાં પહેલેથી મંગળ નડે છે.
(અનંત ત્રિવેદી, ગોરકડા- બોટાદ)

* શું મોદી સાહેબ બરાક ઓબામાને ભારતના વિસા માટે લાઇનમાં ઊભા રાખી શકશે ખરા ?
- આપણી લાઇન મોટી કરવાની હોય.. (વિસાની) બીજાની કાપવાની ન હોય.
(કૌશલ પટેલ, ગોઝારીયા- મહેસાણા)

* મોદીજી અમેરિકા કરતા ભારતમાં વધુ સારું બોલી શકે છે...તમે શું માનો છો ?
- મારે ઊલટું છે... અહીં વાઇફનું ધ્યાન નહીં રાખવાનું ?
(ડૉ. તુલસી પંડયા, અમદાવાદ)

* મારે એક છોકરીને પ્રપોઝ કરવું છે... કેવી રીતે કરવું ?
- પૂછી જુઓ... રાખડી બાંધી આપીશ ? 'હા' કહેશે તો તમે બચી જશો ને ના કહેશે તો એ બચી જશે.
(મયૂર કેવડીયા, સુરત)

* આટલા વર્ષો પ્રધાનમંત્રી રહ્યા પછી ય ડો. મનમોહનસિંઘે શું કર્યું ?
- ખાયા પિયા સબ કુછ ઔર ગિલાસ તોડા બારહ આના !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* હું અમિતાભ બચ્ચન અને તમારી મોટી ફેન છું. બન્નેને એકવાર મળવાની ખૂબ ઇચ્છા છે. શરૂઆત તમારાથી કરી શકું ?
- શરૂઆત તો સારી કરો..!
(રેણુ દેવનાણી, અમદાવાદ)

* સલમાન ખાન શોપિંગ મોલમાં ટી-શર્ટ ખરીદવા જાય તો એને ટ્રાયલ રૂમમાં જવાની જરૂર પડે ખરી ?
- એ એકલો મહીં જાય એવો નથી.
(મધુકર માંકડ, જામનગર)

* તમે 'કૌન બનેગા મહા કરોડપતિ'માં ભાગ લો... તમે ચોક્કસ મહા કરોડપતિ બની જશો ?
- તમારા મ્હોમાં રૂપીયો ને નારીયેળ...!
(મોહમદઅલી એસ. કચ્છી, વેરાવળ)

* કાથી સળગી જાય, પણ વળ ન મૂકે... કોંગ્રેસનું પણ એવું જ ને ?
- ''કોંગ્રેસ... ?'' શું આ કોઈ વિધવા બેનનું નામ છે ?
(વિજય સોનાણી, સુરત)

* 'પતિ પરમેશ્વર', તો પત્ની ?
- એવુું ના બોલીએ....ગોરધન ઇશ્વર થઈ જાય તો પત્નીને વિધવા કહેવાય.
(ધવલ સોની, ગોધરા)

* અન્ય છાપાઓ કરતા 'ગુજરાત સમાચાર' ક્યાં જુદુ પડે છે ?
- ઓહ... દેશમાં બીજા છાપાં ય નીકળે છે...?
(અર્જુન પટેલ, કોલીયાવાડા- સાબરકાંઠા)

* મોટી એબીસીડી કરતા નાની કેટલી નાની છે ?
- આણંદના કોઈ સારા દરજી પાસે માપ-બાપ લેવડાવી લો.
(કિશન પટેલ, આણંદ)

* અશોકજી, તમારા જીવનમાં 'પ્રેમસંબંધો' કેટલા ?
- બસ...જબ સે હોશ સંભાલા હૈ....
(શોએબ હુસેન ગઢીયા, રાજકોટ)

* શું લાગણી હોય ત્યાં ગુસ્સાને સ્થાન હોય ?
- મને સિંહોથી માંડીને વાંદરાઓ ઉપર પણ ખૂબ લાગણી છે, પણ એમની ઉપર ગુસ્સો કરી શકતો નથી.
(સંદીપ ચાંપાનેરા, ગીર સોમનાથ)

* કેસરનો ભાવ એક ગ્રામના રૂ. ૧૫૦/- છે... ને પાનમસાલાવાળાઓ દાણા દાણા ઉપર કેસર હોવાનો દાવો કરે છે...!
- એ લોકો કેસરને બદલે હિંગ- જીરાનો દાવો કરે તો ય ખાનારાઓને ક્યાં પડી છે ?
(રૂપેશ દલાલ, સુરત)

* આપનું નામ 'અશોક દવે' છે... 'અશોક દેવ' કેમ નહિ ?
- 'દેવ' થવાનું હજી બાકી છે.
(નૌમાન કિરેશી, પાટણ)

* ઇ.સ. ૨૦૨૦નું ભારત કેવું હશે ?
- આજના જેવું જ. ...વિશ્વનું સર્વોત્તમ.
(નીરવ શાહ, ન્યુજર્સી- અમેરિકા)

* મોટા ભાગના ઝઘડાનું કારણ સ્ત્રી જ કેમ હોય છે ?
- એવું નથી. મને તો બધીઓએ 'ભાઈ' બનાવ્યો છે.
(પંક્તિ શાહ, અમદાવાદ)

* તમારી એવી કઇ ઇચ્છા છે. જે હજી સુધી પૂરી નથી થઈ ?
- મારે ઊંટ પર બેસવું છે.
(મૃત્યુંજયસિંહ પઢિયાર, દાંતા- બનાસકાંઠા)

* તમે નાયરોબી ક્યારે આવશો ?
- નાયરોબીને મેં બબ્બે વાર મને જમાઈ બનાવવાનો મોકો આપ્યો છે...ત્રીજી વાર તો કોઇ ડોસી ય તૈયાર નહિ થાય !
(શીતલ શાહ, નાયરોબી- કૅન્યા)

* ક્યાં સુધી પાકિસ્તાન શસ્ત્રવિરામનો ભંગ કરતું રહેશે ? શું હવે આપણે સામો હુમલો ન કરવો જોઈએ ?
- 'સુનાર કી સૌ, લોહાર કી એક...' અર્થાત્, સોની સો વખત ટીચે રાખે ને લુહારના એક ઘામાં બધું પતી જાય.
(રવિ સોની, લીમડીયા- મહિસાગર)

* 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ'... સુઉં કિયો છો ?
- હું નહિ, તમારા બા શું કહે છે, એ જરા પૂછી જુઓ.
(દિનેશ વાઘેલા, અણખી- જંબુસર)

* હમણાં બધાં ગઠબંધનો તૂટે છે... તમારે કેમનું છે ?
- હમણાં દસેક મિનિટ પહેલાં તો બધું બરાબર હતું....!
(કિશન ઠાકોર, રાજકોટ)

* જો તમે સાયન્સ- ટીચર હોત તો ?
- નોન-સેન્સ ટીચર હોત !
(દેવાંગ કારગઠીયા, રાજુલા)

* તમારે ચંબલની ખીણમાં કોઈ કનેક્શન ખરું ?
- હા. ત્યાં આપણે સાયકલની એક દુકાન હતી.
(ગુલ બાદત, અંકલેશ્વર)

No comments: