Search This Blog

14/12/2014

ઍનકાઉન્ટર : 14-12-2014

* તમે ભલભલાને હસાવી શકો છો, પણ તમને કોણ હસાવી શકે છે?
- મને 'મિર્ચી મુર્ગા' સાંભળીને ખૂબ હસવું આવે છે... ધે આર જીનિયસ.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* નેતા અને જનેતામાં ફર્ક શું?
- જનેતાની જનેતા કોણ છે, એ વિજ્ઞાનનો વિષય છે... નેતાની જનેતા કોણ છે, એ ધારણાનો વિષય છે.
(સબ્બિર મલેક, રાલેર-ખંભાત)

* જો અમિતાભ બચ્ચન તમારો પડોસી હોત તો?
- તો જયાભાભી દહીંનું મેળવણ લેવા મારે ઘરે આવતાં હોત!
(મેહૂલ કેવડીયા, ભાવનગર)

* તમે 'બુધવારની બપોરે'ને ૧-થી ૧૦-માં કયો નંબર આપો છો?
- ૧૧-મો... આઈ મીન, બીજો, ત્રીજો,ચોથો... સાતમો નંબર કોને આપીશું?
(આશિષ ચૌધરી, સુરત)

* કોઈ પણ ધાર્મિક ક્રિયા ઘડીયાળના કાંટાની દિશામાં થાય છે, પણ માતાજીના ગરબા ઊલટી દિશામાં કેમ ચાલે છે?
- અચ્છા... તો ગરબામાં તમે ગરબા જોવા જાઓ છો...!
(સુરેન્દ્ર બી. શાહ, વડોદરા)

* સરદાર પટેલ અને સરદાર મનમોહન વચ્ચે શો તફાવત?
- વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યૂ સરદાર પટેલનું બની રહ્યું છે... આ ભ'ઈના કાર્ટુનો બની રહ્યા છે.
(કિશોર રામદેવપુત્રમ, બોટાદ)

* હિંદી-ચીની ભાઈ-ભાઇ... તમે સુઉં કિયો છો?
- એ લોકોવાળો 'ભાઈ' એટલે દુબાઇવાળો 'ભાઇ'!
(નીતિન સાવડીયા, ભાવનગર)

* મારે ગુજરાતના મુખ્યમંત્રી બનવું છે... કોઈ ઉપાય?
- મારાથી કોઈ ભૂલચૂક...?
(જયદીપ પાદરીયા, સુરત)

* આજના બાળકોને પાઠયપુસ્તકના પાઠો યાદ નથી રહેતા, પણ 'શીલા કી જવાની' કે 'ચીકની ચમેલી' યાદ છે...!
- ક્યા બ્બાત હૈ...? તમને 'ચીકની શીલા' જ યાદ રહી...!!!
(રજનીકાંત ત્રિવેદી, ભાવનગર)

* આજકાલની છોકરીઓ વિશે તમારે શું કહેવું છે?
- હવે આ કામ પપ્પા-મમ્મીને સોંપો... કહી દો કે, વાત બહુ આગળ નીકળી ચૂકી છે...!
(હાર્દિક મંગુકીયા, દાવડા- ભાવનગર)

* સુખી થવાનો રસ્તો કયો?
- બે રસ્તા છે... કાં તો સાધુ થઈ જાઓ ને કાં તો ઘરજમાઇ.
(ગોવિંદ ખટાના, રાજકોટ)

* શ્રાધ્ધ ભાદરવામાં જ કેમ હોય છે?
- કાગડાઓની આખી ન્યાત આ મહિનામાં ફ્રી હોય છે... એ લોકોનું કૂતરાઓથી જરા જુદું હોય!
(વિપુલ કાપડીયા, વાલાવાવ-મહુવા)

* લાખો લોકોનો જીવ જાય એવા અણુ બૉમ્બને બદલે લાખો લોકોના પેટ ભરાય, એવો બૉમ્બ ન શોધાય?
- ભ'ઇ, રૉંગ નંબર...! હું તો મારા કબાટની ચાવી ય શોધી શકતો નથી. અમારા આરોગ્ય-વિભાગની પૂર્તિમાં તપાસ કરાવી જુઓ.
(દિનેશ પરમાર, ફતેપુર-સંખેડા)

* તમે બધાને સવાલ પૂછવાનું કહો છો, પણ તમારે પૂછવો હોય તો કયો પૂછો?
- ''રસોઈને કેટલી વાર છે?''
(ઇશિત કવા, ભરૂચ)

* તમારા જવાબો ઉપરથી એવું લાગે છે કે, તમે તમારી પત્નીને ખૂબ પ્રેમ કરો છો... શું કારણ?
- અમારામાં તો પોતાની વાઇફને પણ પ્રેમ થાય, બોલો!
(ચિંતન વીરમગામા, સુરત)

* 'બોલે તેના બોર વેચાય, પણ ન બોલ્યામાં નવ ગુણ'નો મતલબ?
- ૧૪૬૫... એકનો એક આ સવાલ પૂછનારા તમારો નંબર આ છે.
(કૃષ્ણા બુધ્ધદેવ, જામનગર)

* તમે હાસ્યલેખક ન હોત તો શું હોત?
- મારી ઈચ્છા તો આફ્રિકાના જંગલોની ગોગુમ્બા જાતિના જંગલી રાજા બનવાની હતી... પણ એ લોકોને સારો રાજા ને તમને નબળો હાસ્યલેખક મળી ગયો! હવે તમે ય ભોગવી લો!
(સુરેન્દ્રસિંહ પરમાર, પાલનપુર)

* સમાચારો મુજબ, 'ભાજપે છેડો ફાડયો' એવું લાગે છે. આ છેડો ફાડવો એટલે શું?
- છેડો બીજે સાંધવો.
(મહમદઅલી સોરઠીયા, મુંબઈ)

* જયલલિતાને જેલ અને કરોડો રૂપીયાનો દંડ, પણ આજ સુધી એણે કરેલા દેશના અબજો રૂપીયાનું શું?
- મને ય તમારી જેમ બહુ ગુસ્સો ચઢ્યો છે... મેં એમને ઓફર કરી હતી કે, આપણે બન્ને ભાગીદારીમાં કંઈક કરીએ... પણ, યૂ નો...!
(મધુકર મેહતા, વિસનગર)

* બાળકોને સધ્ધર બનાવવા ૨૧-વર્ષની વયે ઘરમાંથી તગેડી મૂકવા જોઈએ?
- એમના બાપનો માલ છે...?
(સ્વપ્નિલ દેસાઈ, ઉમરેઠ)

* અમારે સુરતમાં તમારા જામનગર જેવા ફાફડા ક્યાંય નથી મળતા... બાપુ, કાંઈક કરો ને?
- એકેય એન્ગલથી હું તમને ફાફડા વણનારા કારીગર જેવો લાગું છું?
(દીપક પૂજારા, સુરત)

* અશોકજી, તમારા પછી 'ઍનકાઉન્ટર' કોણ કરશે?
- નરેન્દ્ર મોદી સાથે વાટાઘાટો ચાલે છે...
(કૌશલ છાપીયા, જામનગર)

* તમને નથી લાગતું તમારે રાજકારણમાં હોવું જોઈએ?
- એક-બે જણને તો એવું ય લાગતું હતું કે, હું કાંકરીયામાં હોવો જોઇતો હતો...! બધે તો ક્યાંથી પહોંચી વળું?
(કુલદીપ શુક્લા, સઠ, તારાપુર- આણંદ)

* અબોલ પ્રાણીઓ માણસની ભાષા બોલતા હોત તો?
- 'પ્રાણીમાત્ર ઉપર દયા રાખો'નો એવો મતલબ નહિ કાઢવાનો કે, મનમોહનસિંઘ માટે તમે આવો સવાલ પૂછો!
(નીરજ પટેલ, ડાભલા-વિજાપુર)

* અશોકજી, એક વાતે આપના ઉપર માન થાય છે... મોટા ભાગના સવાલો તદ્દન ફાલતુ હોય છે, છતાં તમારા હરએક જવાબમાં ચમત્કૃતિ ચોક્કસ હોય છે...
- નીચેવાળાની મેહરબાની છે... ગ્રાઉન્ડ-ફલોર પર ધોબી રહે છે... ને એ ય જે આપે, તે ચલાવી લઈએ છીએ.
(શ્રેયા સુબંધુ પરીખ, મુંબઈ)

No comments: