Search This Blog

21/12/2014

એનકાઉન્ટર : 21-12-2014

૧. 'સત્યમેવ જયતે'ના એક એપિસોડ માટે થયેલા ખર્ચા બાબતે તમે શું વિચારો છો ?
- એ જ કે, એમાંનો એક રૂપીયો ય મારે આલવાનો નથી !
(આલિશા ભરતભાઈ દોશી, અમદાવાદ)

૨. જો તમે સલમાન ખાન હોત તો ?
- તો અત્યાર સુધીમાં આઠ-દસ વાર તો મિનિમમ દાદો-નાનો બની ગયો હોત !
(સમા ઈમ્તિયાઝ, ભુધે)

૩. તમને જીવનમાં તકલીફ પડે તો ઘરવાળા પાસે જાઓ છો કે બહારવાળા સાથે ?
- હજી સુધી તો નોર્મલ છું... આવા કેસમાં જવું જ પડે તો ઘર 'વાળી' કે બહાર 'વાળી' પાસે જઉં... 'વાળાઓ' પાસે નહિ !
(ઉમંગ શાહ, અમદાવાદ)

૪. રાજકારણ કહો કે બિઝનેસ... બધે ગુજરાતીઓ જ ટૉપ પર છે... લેખકમાં પણ તમે... કોઈ ચોક્કસ કારણ ?
- આપણને ગુજરાતીઓને આપણે જ ટૉપ પર છીએ, એવો પ્રચાર કરતા ય આવડે... અને છીએ તો કહેવાનું છે ને !
(ડૉ. નિમેષ આર. પટેલ, રાયસણ- ગાંધીનગર)

૫. લોકો આજે પુસ્તકને બદલે 'ગૂગલ' વધારે વાંચે છે... શું કારણ ?
- 'પુસ્તક' કરતા 'ગૂગલ' વાંચવામાં વધારે સહેલું પડે છે.
(ધર્મેશ ખોખર, અમદાવાદ)

૬. 'બી' ફોર 'બીવી' અને 'બી' ફોર 'બા' ય થાય. સાથે રહેવા માટે મારે કઈ 'બી'ની પસંદગી કરવી ?
- 'પી' ફોર 'પતિ'ય થાય ને 'પી' ફોર 'પુત્ર'ય થાય... એ બન્નેમાંથી જેને તમારા માટે આવો સવાલ ઊભો થયો ન હોય એની સાથે રહો !
(પુનિત દવે, મુંબઈ)

૭. હવે તો મોદીજીના હાથમાં પૂરી સત્તા છે. હજી આપણે પાકિસ્તાનને ક્યાં સુધી સહન કરવું પડશે ?
- સહન કરવાનું હવે પાકિસ્તાનને આવશે... આપણે નહિ !
(દ્વિજ કે. સોની, વડોદરા)

૮. કોંગ્રેસના 'ગાંધી' અને 'આપ'નું 'ઝાડુ', બન્ને છીનવી લેવામાં આવ્યા. હવે કોનો વારો ?
- 'સ્વચ્છતા અભિયાન' ચાલી રહ્યું છે.
(ડૉ. સંજય મેહતા, રાજકોટ)

૯. બધા કહે છે, 'પરણી જા.' તમારો શો અભિપ્રાય છે ?
- બધા માટે પરણવાનું હોય તો માંડી વાળજો.
(ધર્મેશ જોશી, સાવરકુંડલા)

૧૦. તમે 'સ્ટેન્ડ-અપ' કોમેડિયન બન્યા હોત તો ?
- હું 'સ્પીલ-ડાઉન' કોમેડિયન છું.
(વિરાજ આર. કદમ, અમદાવાદ)

૧૧. શું તમે અને તમારા પત્ની સજોડે ડાન્સ કરવા જાઓ છો ખરા ?
- ભારે ચીજો મારાથી નથી ઉચકાતી હવે !
(હેમા શાહ, વડોદરા)

૧૨. ભગવાન પૃથ્વી પર જન્મ લે, તો પહેલો વધ કોનો કરે ?
- મને કોઈને મારવા-બારવા સિવાયનું કામ સોંપો.
(શ્રીમતી કાજલ પુનિત ભટ્ટ, કેવડીયા કોલોની)

૧૩. શું મોદી સરકાર દાઉદ ઈબ્રાહિમને પકડી શકશે કે મનમોહનની માફક ફક્ત વાતો જ કરે રાખશે ?
- મનમોહન... ? વાતો... ??? યૂ મીન, એ બોલતા પણ હતા ?
(પરાગ બી. પંડયા, પોરબંદર)

૧૪. આપ આપની વાઈફને માટે કેટલો સમય ફાળવો છો ?
- દરેક વ્યક્તિએ સમય તો પોતાની વાઈફ સાથે જ ગાળવો જોઈએ... સુઉં કિયો છો ?
(આર.કે. ચૌહાણ, પ્રાંતિજ)

૧૫. દગો આપનારને કેમ ક્યારેય પસ્તાવો નહિ થતો હોય ?
- છુટવાનો આનંદ !
(પ્રશાંત મેહતા, સુરત)

૧૬. પાકિસ્તાન ક્યારે જવું છે ?
- યુદ્ધ માટે બોલાવે તો કાલ સવારની ફલાઈટ પકડુંં... એમને એમ હવાફેર માટે બોલાવો તો, આપણો ચાર્જ બહુ મોંઘો છે !
(તુલસીદાસ કારીઆ, રાજકોટ)

૧૭. વિવાહિત માણસ સુખી કે દુઃખી ?
- વચ્ચે લટક્યા લાગો છો !
(નીલ કોઠારી, અમદાવાદ)

૧૮. શું તમે ઘરમાં પણ આટલા કૂલ રહો છો ?
- પંખો ચાલુ રાખવાનો ને !
(સલોની પટેલ, સુરત)

૧૯. જ્યોતિષીઓ વર્તમાનમાં જીવવાની સલાહ કેમ આપે છે ?
- તમે જીવો છો, ત્યાં સુધી જ એ લોકો જીવતા છે.
(કૌશલ ધામી, ધોરાજી)

૨૦. લોકોને એકબીજા માટે ભેદભાવ હોવાનું કારણ શું ?
- હું ય કોઈ હાથી-બાથીને મારો ભાઈ બનાવતો નથી. ભેદભાવ તો રહેવાનો !
(સાલેહા શેખ, ડૂંગરા : હાંશોટ- સુરત)

૨૧. તમને નથી લાગતું ગુજરાતીઓએ હવે બોર્ડર પર જવું જોઈએ ? પાકિસ્તાન-ચીનની દાદાગીરી વધી ગઈ છે...
- જવાય એ તો, પણ ઓફિસમાંથી ટ્રાવેલ-એલાઉન્સ કેટલું મળે છે, એના ઉપર બધો આધાર છે.
(શાહબાઝ દીવાન, ભરૂચ)

૨૨. શું દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે ?
- ક્યારેક પગ પણ હોય છે.
(શશીકાંત દેસાલે, સુરત)

૨૩. હવે લેડી-કન્ડક્ટર તો આવી ગઈ... લેડી-ડ્રાયવર ક્યારે આવશે ?
- બસમાં તમે પ્રવાસ કરવા જાઓ છો કે, માતાજીને શ્રીફળ વધેરવા ?
(પ્રહલાદ રાવલ, રાજપિપળા)

૨૪. દેશનું શાસન કોઈના પણ હાથમાં હોય... પડોસી દેશોને મુંહતોડ જવાબ કેમ નથી અપાતો ?
- એકવાર તો આપી દીધો... નવાઝ શરીફને મોંઢું લટકાવીને ચુપચાપ પાછળથી સરકી જવું પડયું. આ તો હજી શરૂઆત છે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

૨૫. 'સ્વચ્છતા અભિયાન'માં તમે હજી જોડાયા નથી ?
- હું તો રાત્રે પથારીમાં ય ઝાડુ રાખીને સુઈ જઉં છું... અડધી રાત્રે ય કોઈ ટીવી-ન્યૂસવાળો બોલાવે, તો ખોટો ટાઈમ ન બગડે.
(રજનીકાંત ઘૂંટલા, મુંબઈ)

૨૬. ગુજરાતી ફિલ્મ ઉપરથી હોલીવૂડમાં ફિલ્મ ક્યારે બનશે ?
- એ તો કાલે બની જાય, પણ એ લોકોને હજી, ''સાજણ તારો ચૂડલો પે'રી તારી બા સાથે મટકી ભરવા જાઉં.'' એટલા લાંબા નામ વાળી ગુજરાતી ટાઈટલનો અનુવાદ શું કરવો, એમાં ધોળીયાઓ ભરાયા છે !
(કેતન ઠોસાણી, સાવરકુંડલા)

No comments: