Search This Blog

03/12/2014

અન્યનું તો એક વાંકુ....

ઊંટ મારૂં ફેવરિટ પ્રાણી છે. કોઈ એના વિશે ઘસાતું બોલે, તે મારાથી સહન નહિ થાય. ઊંટોના વખાણ થતા હોય તો કોઈ મારા વખાણ કરતું હોય, એવો રાજી થઉં છું. ઊંટોથી પ્રભાવિત થવાનું કારણ એ લોકોના હાઈટ-બોડી. જીરાફો એમના કરતા ય વધુ લાંબા હોય છે, પણ ઊંચા નથી હોતા. વ્યક્તિગત ધોરણે, હું ઊંચાઈનો માણસ છું... લંબાઈનો નહિ ! ઊંટલોકો શાંત પ્રાણી હોવાને કારણે પણ મને મારા દર્શન ઊંટમાં થાય છે. આજ સુધી કોઈ ઊંટે કોઈને બચકું ભર્યું હોય એવું સાંભળ્યું ? ગુસ્સે થઉં, તો ગાળો બહુ બોલું, પણ બચકું ન ભરૂં. આ ઊંચા માણસનું લક્ષણ છે. આપણો એ સ્વભાવ જ નહિ (... ગાળો બોલતા બોલતા બચકું ભરવાનો !)

રવિવારની મારી કોલમ 'એન્કાઉન્ટર'માં કોકે મારા જીવનની આખરી અભિલાષા વિશે પૂછ્યું હતું, તો મેં પ્રસન્ન મોંઢે જવાબ આપ્યો હતો, 'બસ... મરતા પહેલા એક વખત ઊંટ ઉપર બેસવાની ઇચ્છા છે.' છેલ્લા ૧૧-૧૧ વર્ષોથી આ સપનું પાળી રહ્યો છું. જવાબમાં કેટલાક વાચકોએ તાબડતોબ-કાલે ને કાલે ઊંટની વ્યવસ્થા કરી આપવાની ઓફરો કરી હતી, તો કેટલાકે ગુસ્સે થઇને મારા ઉપર ફિટકાર વરસાવ્યો હતો કે, 'છોડી દો... છોડી દો, પ્રાણીઓ ઉપર અત્યાચાર છોડી દો... !' (ખરેખર તો, મારા બેઠા પછી લોકોએ આ સલાહ સંબંધકર્તા ઊંટને આપવી જોઇએ... સુઉં કિયો છો ?)

અનેક રાતો મેં દિવાસ્વપ્નોમાં મારી કાયાને ઊંટ ઉપર બેઠેલી નિહાળી છે. કેમ જાણે બેઠા પછી હું ઊંટની પીઠ થપથપાવતો ન હોઉં ? છતાં કેટલાક લોકો એવું માને છે કે, શહેનશાહી તો ઘોડા ઉપર બેસવામાં હોય, ઊંટ-ગધેડા ઉપર નહિ ! પણ મારા વિચારો સામાન્ય પ્રવાહોથી અલગ છે. બેસવા માટેના ભાડુતી ઘોડા તો માઉન્ટ આબુમાં જોઇએ એટલા મળે છે, પણ ઊંટ પર બેસવા માટે કચ્છ-ફચ્છ જવું પડે. અમદાવાદમાં રીક્ષાની માફક ઊંટ કરી લેવાતું નથી. અને ઘોડા ઉપર બેઠા પછી જીવનમાં સાબિત શું કરવાનું ? જે કોઈ ફોટા પડાવીએ, એ તો ઘોડાના સારા આવવાના છે, જ્યારે કમ-સે-કમ ઊંટો કરતા તો આપણે વધારે હેન્ડસમ લાગીએ ? ઊંટો અને મારી ચામડીનો કલર એક જ છે. મારા હોઠ ઊંટ જેવા લબડતા નથી. મારા બરડામાંથી ઢેકો નીકળતો નથી. આપણી ડોક લાંબી ખરી, પણ એટલો સંતોષ કે દાઢી કરતી વખતે ગળા ઉપર નીચે સુધી રેઝર ફેરવવું પડે છે, એમાં ઊંટની સરખાણીમાં આપણે બહુ લાંબુ ખેંચવું પડતું નથી. વળી ચાલતી વખતે મારા પગ રાંટા પડતા નથી. મતલબ, ન્યાયિક સરખામણી કરવા જાઓ તો એક એક અંગમાં મેદાન હું મારી જવાનો. કમ-સે-કમ, આપણે એની ઉપર બેઠા હોઈએ, તો ફોટા જોનારને એ પૂછવું ન પડે કે, 'આ બન્નેમાંથી ઊંટ કયું ?' આ તો એક વાત થાય છે.

શોખિનો ઘરમાં કૂતરાં પાળે છે, પણ ઊંટો કોઈ નથી પાળતું, એનો મને ખેદ છે. જો કે, ભારતભરના મકાનોની છત દસ-દસ ફૂટની માંડ હોવાથી, ધારો તો ય ઘરમાં ઊંટ પાળી શકાતું નથી. ગળામાં બૅલ્ટ ભરાવી (ઊંટના ગળામાં) એને મોર્નિંગ-વોકમાં લઇ ન જવાય. લાડમાં એને બિસ્કીટ ખવડાવવું હોય તો ય પહોંચી ન શકો. પાળેલા ડોગીને રોજ સવારે નવડાવવું પડે, એમ ઊંટને ચોળી ચોળીને એક વાર નવડાવવાનો વિચાર તો કરી જુઓ. એને પી-પી કરાવવા કે બીજી કોઈ સારા ઘરની ઊંટડી સાથે 'મેટિંગ' કરાવવા બહાર લઇ જવું પડે, એમાં તો 'જીસકી ન જાત કા પતા હૈ, ન પાત કા...' એવી કોઈ ઊંટડી ભટકાઈ ગઇ તો ઊંટ તો પછી, પહેલા આપણા ઉપર કેવા સંસ્કાર પડે ? 'મેટિંગ'નો મતલબ તમે જાણતા હો, તો ખબર હશે કે, બહાર નીકળ્યા પછી (જેમ પાળેલા કૂતરાને લઇ જ જવા પડે છે એમ) આપણા ઊંટ સાથે પ્રેમ-સંબંધ બંધાવવા ઊંટડી ગોતવા ક્યાં ક્યાં ભટકવું પડે ? ને એમાં, કંઇક જુદું સમજીને ઊંટડી 'આપણી પાછળ'દોડી, તો હું નથી માનતો, આપણે એનાથી વધુ ફાસ્ટ દોડી શકીએ !

પણ જીવનમાં મારે એક વખત તો ઊંટ પર બેસવું જ હતું. માંડવી-કચ્છના દરીયા કિનારે આવા ભાડુતી ઊંટવાળા બેસે છે. યોગ્ય ચાર્જ લઇને આપણને બેસવા દે છે. કહે છે કે, ઉપર બેઠા પછી આપણે ઊંટને કોઈ અડપલું નહિ કરવાનું... હખણા રહેવાનું ! આપણે એનાથી બીવાનું... એ આપણાથી બીએ, એ ન ચાલે. હું છેલ્લા ૧૧ વર્ષથી ખાસ ઊંટ પર બેસવા માંડવી જઉં છું, પણ હજી સુધી હિમ્મત નથી ચાલી. આપણા જેવા ભોળા માણસો બહુ બહુ તો ટ્રાય મારી જોઇએ... પેલું બેસવા દે તો ઠીક છે, નહિ તો આટલા ક્ષુલ્લક કારણોસર કોઇની સાથે કાંઈ સંબંધો બગાડાય છે ?

અમે હોઈશું કોઈ ૮-૧૦ પરિવારો. મારા સિવાય કોઇને ઊંટોમાં રસ નહિ. બધાને દરિયો વહાલો હતો. અલ્યા, દરિયે તો આજે નહિ તો કાલે પડવાનું જ છે... મગર ઐસે ઊંટ બારબાર નહિ મિલતે ! લેકીન મૈં ભી આખિર એક ઇન્સાન હું... ડર તો લાગે ને ? ઊંટવાળા ભાઈ સાથે ભાવ-બાવ ઠરાવી લીધો... (એની ઉપર બેસવાનો નહિ... ઊંટ પર બેસવાનો ! સ્પષ્ટતા પૂરી)

પણ દરીયાની રેતી પર બેઠેલા ઊંટને જોઇને થોડી બીક તો લાગી. 'આની ઉપર ના બેસાય... એ તો ઊંટીયું છે... ગબડાવી દે તો એટલી હાઈટથી નીચે પડવાનો મને અનુભવ જ નથી.' મેં સાઈડમાંથી જોઈ લીધું કે, ઊંટ મારાથી સહેજ પણ ગભરાતું નહોતું. એમ રાજી ય નહોતું થતું. હકીકતમાં એણે મારા આવવાની નોંધ તક લીધી નહોતી. હું ભાષણો કરવા જઉં છું ત્યાં મને જોઇને લોકો કેવા માનપાન આપે છે, જ્યારે આ જનાવર ૧૨૦નો મસાલો ચાવતું હોય, એમ ચાવે જતું હતું. મારી ઉપસ્થિતિની કોઈ કિંમત નહિ. ઊંટ લોકોની બાઓએ સારા સંસ્કાર ન આપ્યા હોય.

'શાયેબ...તમે તારે બેસી જાઓ... ઊંટ કાંઈ નંઇ કરે. બીતા નહિ.. !' પેલાએ મને ધીરજ આપી.

'બીતા નહિ... ?' તારી ભલી થાય, ચમના. આ સલાહ તારે ઊંટને આપવાની હોય, મને નહિ. હજી એ મને ઓળખતું નથી કે હું કોણ છું ?... હું એનાથી બીવું... ? અરે, મારાથી ચાર-પાંચ ફૂટ જ સામે વાઘ-સિંહને બેઠેલા જોયા છે, પણ ઊંટ અને મારી વચ્ચે તો લોખંડની જાળી પણ નથી, તો હું ડરીશ ?

જો કે, બીક તો લાગતી હતી. આમાં શું હોય છે કે, જાનવરો ઉપર કદી ભરોસો ન કરાય. એમનું ક્યારે છટકે, એની ખબર ન પડે. મને બાંવડેથી પકડીને ઊંટવાળા મગનજીએ મને ઉપર બેસાડયો. ઊંટે પેટમાં કોઈ ઘચરકો ખાધો હશે, એની અસર સીધી મને એની પીઠ પર દેખાઈ... આઈ મીન, અનુભવાઈ. ડરનો આ પ્રથમ તબક્કો હતો ને હું જાણતો હતો કે આવા તો અનેક તબક્કાઓ આવશે. રણે ચઢેલો રાજપૂત અને ઊંટે ચઢેલો બ્રાહ્મણ કદી દુશ્મનોના ઘચરકાઓથીગભરાતો નથી. મગનજીએ 'હિડ...' કીધું, એમાં તો ગૅસ ઉપર શેકવા મૂકેલો પાપડ વાંકોચૂકો વળીને ટટ્ટાર થાય એમ બેઠેલું ઊંટ ઊભું થતાં હું આગળ-પાછળ-ઊંચે-નીચે વાંકો વળીને ધક્કા સાથે ટકી ગયો. ઊંટો ડ્રાઈવ કરવામાં આર.ટી.ઓ.વાળા લાયસન્સ માંગતા નથી એટલે પાસ થવા માટે ઊંટે નહિ પણ આપણે શું કરવાનું હોય છે, તેની ખબર નહિ એમાં, મારાથી પગની એડી વડે ઊંટના પેટ ઉપર એક લાત મરાઈ ગઈ... !

બસ... પછીની કથા હૃદયદ્રાવક જ નહિ, ખભાદ્રાવક કે છાતીદ્રાવક પણ છે. ઊંટ કંઇક જૂદું સમજ્યું હશે ને એને એના મનનો માણીગર મળી ગયો સમજીને પૂરજોશમાં ભાગ્યું. કહે છે કે ઊંટ પર હસ્તમેળાપ કરવા બેઠા હો, એમ ટટ્ટાર બેસવાનું હોતું નથી. એ ચાલે એમ આપણે ય કમર અને કૂલાં આગળ-પાછળ હલાવતા રહેવું પડે, જેથી બેલેન્સ જળવાય. પણ મેં કેમ જાણે એને કોઈ નોન-વેજ જોક ન કીધો હોય, એમ છંછેડાઈને એ ઉછળતું-ઉછળતું ભાગ્યું... અહીં મારો જીવ જતો હતો ને ગભરામણ છૂટતી હતી... સમજો ને, મારો આખરી વક્ત આવી ગયો હતો, છતાં આ દ્રશ્ય જોઇને મારી વાઈફે અમારા ગુ્રપવાળાઓને કહી દીધું, 'જોવો ને, ભા'આ...ય! અસોક ઊંટ ઉપરે ય હખણા રિયે છે... ? નક્કી કાંઈ અડપલું કયરૂં હસે... !'
હાથ ઉપર છ ટાંકા, પગે ફેકચર, એક તૂટેલો દાંત, ગરદન બન્ને ખભા વચ્ચે વધારે ઊંડી ઉતરી ગઇ અને ડોક્ટરનું ટોટલ બિલ રૂ. ૬૨,૦૦૦/- સાલું જે ખબર કાઢવા આવે, એ સહાનુભૂતિને બદલે ઠપકા આપે, 'તે ઊંટ સાથે શું કરવા ગયા'તા...? જરા વિચાર તો કરીએ કે હું આ શું કરી રહ્યો છું ?' હોસ્પિટલમાં જે મળવા આવે, એ પહેલા ખંધુ હસે ને પછી ડા'યા થાય, 'જરી તો વિચાર કરવો'તો...!'

બાપા...૧૧-૧૧ વર્ષ વિચાર કરે રાખ્યો હતો... એમને એમ ઝંપલાવ્યું નહોતું !

આપણા સોનિયાજી ને રાહુલજીએ પણ ૧૧-૧૧ વર્ષ વિચાર કરે રાખ્યો હતો... ને છતાં ઊંટ પર ચઢવા ગયા...!

હરદ્વાર ગોસ્વામીનો શે'ર કોઈ કામમાં આવે તોઃ
'એક જ ઘા ને કટકા ત્રણ, સમજણ માટે ગુજરાતી ભણ,
એરણ તો અકબંધ જ રહેશે, તૂટી જાશે એક દિવસ ઘણ.'

સિક્સર
જલ્દી ન સમજાય એવી એક સૂક્ષ્મ વન-લાઈનર :
'કહે છે કે, મોબાઈલ અને કમ્પ્યૂટર્સની શોધ સમય બચાવવા થઇ'તી.'

No comments: