Search This Blog

10/12/2014

અમદાવાદ સની લિયોની જેવું થઇ ગયું...!

ગુજરાતના બીજા શહેરોમાં તો મારે હમણાં જવાનું થયું નથી, પણ મારા અમદાવાદને આજે તમે આવીને જુઓ, તો બિલકુલ સની લિયોની જેવું સૅક્સી લાગે છે. આખા બૉડી ઉપર સુંદરતા જ સુંદરતા. શહેરના હાથ-પગ એટલે કે, રસ્તાઓ ઉપર રૂંવાટી કે ડાઘાડૂઘી તો ૨જવા દો, તમને સનીબેન લિયોનીના ગુલાબી હોઠ જેવી પાનની પિચકારીઓ કોઇપણ પાર્ક કરેલી ગાડી ઉપર જોવા મળશે.

સરખામણી આપણી સની સાથે કરી હોવા છતાં અમારે ત્યાં રસ્તા કરતા 'બમ્પ' વધુ છે. ખાડા-ટેકરા લિયોનીભાભીમાં હોઇ શકે, અમારા અમદાવાદમાં નહિ.

યસ. જે ટેકરાઓ દેખાય છે, તે મોદી સાહેબના 'સ્વચ્છતા-અભિયાન'ના ભાગસ્વરૂપે છે અર્થાત, અમારા નેતાઓએ એક દિવસ કચરો સાફ કરવાનું અભિયાન આદર્યું હતું, એમાં એ લોકો એક બાજુ વાળીને બીજી બાજુ ઢગલો કરતા હતા, એનો છે. ટીવીવાળાઓને નેતાઓના કચરા વાળતા ફોટા પાડવાનો જ આદેશ હતો, ઢગલો કરતા ફોટા નહિ. 

અમે સ્કૂલમાં ભણતા (હા, હું ય સ્કૂલમાં ગયો છું..! આઘાત નહિ લગાડવાનો... બા ખીજાય !) ત્યારે અમદાવાદના જોવા લાયક સ્થળોના પ્રવાસે માસ્તરો લાલ બસમાં લઇ જતા. આજના માસ્તરોને એટલો લાંબો પ્રવાસ ખેડવો પડે એમ નથી. શહેરની કોઇ પણ ગલી કે રસ્તા બતાવી દો, એટલે તમને કચરો ફેંકવાના પિપડાં ચારે કોર જોવા મળશે. પાનમસાલો ખાઇને થૂંકનાર જો તમને કોઇ એક પણ વીરલો મળી આવે, તો આપણા તરફથી તમારો નહિ, એનો ખભો થાબડી આપવાની જવાબદારી આપણી. અમારા શહેરના મૅયર, ભાજપના કૉર્પોરેટરો અને મ્યુનિ.કમિશ્નરનો આખો સ્ટાફ દેશના કચરાકાઢુ વડાપ્રધાનનું નામ રોશન કરી રહ્યાં છે. લાલુપ્રસાદના કહેવા મુજબ, મોદી તો આપણા NRI વડાપ્રધાન છે. એટલે કૃષ્ણની માફક એકવાર ગોકુળ છોડયું, એટલે વૃંદાવન અહીના ગોવાળોના ભરોસે! હવે તેઓ એકવાર અમદાવાદ આવે ને એમના સ્વચ્છતા અભિયાનની પ્રચંડ સફળતા જોઇ જાય તો એમને પોતાને થૂંકવું હોય તો શાંઘહાઇ જઇને થૂંકી આવે, પણ અહીં કચરો ન પાડે. ''એક વાર ગોકૂળ આવો, માતાજીને મોંઢે થાઓ રે... હોઓઓઓ જી રે.'' 

કેટલાક પ્રેમાળ લોકો એવી હવા ઊડાડે છે કે, ગલીઓને નાકે કે જાહેર રસ્તાઓ ઉપર મ્યુનિ. વાળાએ એક વાર પિપડાં તો મૂકી જોયા હતા, પણ દારૂના ધંધાવાળાઓ રાતોરાત એ પિપડાં ચોરી ગયા હતા. (દારૂના હશે, એમ સમજીને !) ક્યા બ્બાત હૈ ! આ હિસાબે કૉર્પોરેટર સાહેબોએ પોતાનું પવિત્ર નામ અમર કરવા શહેરમાં પોતાના નામ સાથે મૂકાવેલા બાંકડા કેમ નથી ચોરાતા, એ સમજાયું. દારૂ પીનારો કદી બેસે નહિ... એ કાં તો રગડે ને કાં તો ફૂટપાથ પર ભમ્મ થઇ જાય. ખાસ તો એ કારણ હશે કે, આપણા ધારાસભ્યો કે કૉર્પોરેટરોને પોતાની પબ્લિસિટીનો સહેજ પણ મહિમા ન હોવાથી કચરાના પિપડાં ઉપર એમનું નામ કોતરાવી ન શકાય... એમની બાઓ ખીજાય ! વળી, મોદી સાહેબ વિદેશોમાં જઇને ફખ્રથી કહી શકશે કે, મારા ગુજરાતમાં પિપડાં ચોરાઇ જતા હોવાથી ગંદકી દૂર કરી શકાતી નથી.

કહે છે કે, આપણા દેશ કરતા ય આપણી ઉપર રાજ કરનારાઓ વધુ મહાન છે. અમેરિકા- ઇંગ્લેન્ડમાં જાહેર જ નહિ, ખાનગી રસ્તાઓ ઉપર પાનની પિચકારી મારી તો જુઓ.. (દવે સાહેબ...બફાઇ રહ્યું છે. ત્યાં પાન-મસાલા ન મળે !) ઓકે, ત્યાં કોઇ ફૂટપાથ કે ઝાડની નીચે કોઇ નાનકડું અરમાન પૂરૂં કરવા ઊભા રહી તો જુઓ...(ભ'ઇ... આમાં તો બફાયું નથી ને ? ત્યાં આવું તો બધાને લાગે ને ?) બસ. એક વાર અખતરો કરી જુઓ... સરકાર તરફથી દંડ એટલો કાતિલ થાય કે, અઠવાડિયા સુધી ઘરમાં ઊભા ઊભા ય પેલું અરમાન પૂરૂં કરવાના હોશ ન રહે!... (હવે કોઇ પંખો ચાલુ કરો !) માટે જ, આપણા રાજકર્તાઓ ત્યાં કરતા વધુ મહાન છે. અહીં તો નેતાઓના મોંઢા સિવાય ફાવે ત્યાં થૂંકી (અને પેલું કરી) શકો. કોઇ તમને પકડે તો સાહેબ... પોતે થૂંક્યા પછી જ પકડે. અને પકડે એનો અર્થ એ નથી કે, તમને જેલમાં પૂરી દે કે, મસ્સમોટો દંડ થાય.. ! પોલીસવાળો તમારી પાસે ૧૨૦નો અડધો મસાલો માંગી લે. સાચી લોકશાહી આનું નામ કે, કાયદા હોવા છતાં પ્રજા પહેલી. રસ્તા-બસ્તાનું જે થવું હોય તે થાય, પ્રજાને કાંઇ થવું ન જોઇએ. 

મજ્જાની વાત તો એ છે કે, મોદીજીની હાકલને પગલે, દેશના મોટા માણસોએ હાથમાં ઝાડુ લઇને દસ-દસ મિનિટ કચરા તો વાળ્યા, પણ એ હૃદયદ્રાવક દ્રષ્યો ઝડપવા ટીવીવાળા પહોંચ્યા ન હોત તો ? આજે આપણો કયો મંત્રી, ધારાસભ્ય કે કૉર્પોરેટર હાથમાં ઝાડુ પકડતો દેખાય છે ? નહિ તો આ કામ એ લોકોએ ચાલુ રાખ્યું હોત... અને બહારના ઑર્ડરો ઉપર પણ પૂરતું ધ્યાન આપવાનું હોત તો, મારી ઇચ્છા સ્મૃતિ ઇરાનીને અમારા ફ્લૅટમાં કચરા-પોતાં કરવા બોલાવવાની હતી, પણ કોઇક કીધું કે, એ તો એક દિવસનો જલસો હતો. કિસ્સા ખતમ, કચરા હજમ...! 

પણ હવે અસલી ચોર પકડાયો. દેશમાં સ્વચ્છતા નહિ આવવા દેવા માટે સૌથી વધુ જવાબદાર આ ટીવી ન્યુસ-ચૅનલોવાળા છે. શું કચરાવાળા... આઇ મીન, સ્વચ્છતાવાળા સમાચાર એક દિવસના જ હતા ? શું ફરીથી તમે અમારા નેતાઓના હાથમાં ઝાડુ પકડાવી ન શકો ? તમે આવો તો બાજી પડે... એકલા-એકલા તો મંત્રીઓ કે મૅયરો શું રમે ? આ તીનપત્તી નથી... ''ઢગલા'' બાજીની ગૅઇમ છે ! 

આમ તો, આ કૉલમમાં કદી રૅફરન્સને બહાને જૉક્સ લખવામાં આવતા નથી, પણ આ જરા બંધ બેસે એવો છે. લેખકે અફ કૉર્સ, પોતાની રીતે એમાં ફેરફારો કર્યા છે. 

મનમોહન વડાપ્રધાન હતા ત્યારની વાત છે. અમેરિકા અને પાકિસ્તાનના પ્રમુખ સાથે મનુભ'ઇ દરિયાની સફરે ઉપડયા હતા. સાચી લોકશાહી કોના દેશમાં છે, એ નક્કી કરવા ત્રણે વચ્ચે શરત લાગી. અમેરિકન પ્રેસિડૅન્ટે પોતાની ઘડીયાળ દરિયામાં ફેંકી દીધી ને તરત જ પોતાના કમાન્ડોઝને હુકમ કર્યો, ''જાઓ...મારી ઘડીયાળ લઇ આવો.'' કાચી સેકન્ડમાં કમાન્ડોઝ કૂદી પડયા ને પાકી સેકન્ડમાં તો દરિયામાંથી ઘડીયાળ લઇ પણ આવ્યા. પ્રેસિડૅન્ટે આ બન્નેની સામે ફખ્રથી જોઇને કીધું, ''જોયું...? આનું હિમ્મત કહેવાય...! મારા એક ઇશારે બધા કમાન્ડોઝ કૂદી પડયા ને ઘડીયાળ લઇ આવ્યા.'' પાકિસ્તાનના વડાપ્રધાને પોતાની ઘડીયાળ દરિયામાં ફેંકીને પોતાના કમાન્ડોઝને હુકમ કર્યો. ''સુવ્વર કી ઔલાદો... મેરી ઘડી લે આઓ.'' પેલા દસે દસ કમાન્ડોએ ચિઠ્ઠીઓ પાડી કે દરિયામાં કોણ પડે ? પાક. પ્રધાન ચિલ્લાતા રહ્યા, 

''હરામજાદો... ઓર કિતની દેર કરોગે...?'' વીસેક મિનિટની ગણત્રી પછી એકનું નામ નીકળ્યું, એ કૂદ્યો ને ઘડીયાળ લઇ આવ્યો. પાકિસ્તાની વડાપ્રધાન બોલ્યા, ''દેખા...? હિમ્મત ઇસકો કહેતે હૈ... મેરી ગાલીયાં ખાને કે બાદ ભી સિર્ફ ૨૦- મિનિટ મેં ઘડી લાકર દી.'' 

મનમોહનસિંઘે પોતાની ઘડીયાળ દરિયામાં ફેંકીને પોતાના કમાન્ડોઝ સામે બે હાથ જોડીને વગર સ્માઇલે ઊભા રહ્યા. બધા જ કમાન્ડો રાહ જોઇને ઊભા હતા કે, સેઠ કંઇક બોલે તો આગળ વધીએ. અમેરિકા- પાકિસ્તાનના સુપ્રિમો જોતા રહ્યા કે, આ કેમ બોલતા કાંઇ નથી ? પેલા લોકો ટટ્ટાર ઊભા હતા, એ વાંકા વળવા માંડયા. છેવટે આઠેક કલાક પછી મનમોહને કમાન્ડોને વિનંતીના સૂરમાં પૂછી જોયું, ''કૃપયા, આપમેં સે કોઇ મેરી ઘડી લા દેગા ?'' કોઇએ સાંભળ્યું નહિ. બીજી વાર, ચોથી વાર અડતાલીસમી વાર એમણે ફરી પૂછી જોયું. કોઇ કૂદ્યું નહિ ને બધા ત્યાં જ ઊભા રહ્યા. 

''જોયું ? હિમ્મત આને કહેવાય... દેશના વડાપ્રધાન હુકમ આપે છે, તો ય કોઇ સાંભળતું નથી.'' મનમોહને સ્માઇલ સાથે કહી દીધું. 

બસ. મોદી સાહેબ અમદાવાદના મૅયર, પોલીસ અને મ્યુનિ. કમિશ્નર અને ભાજપના મંત્રીઓ-કાર્યકરોને આવો જ હુકમ કરી રહ્યા છે.... ''સ્વચ્છતા જાળવો અને જળવાવો.'' જવાબમાં કોઇ હલતું નથી... હિમ્મત આનું નામ કહેવાય... પેલો તો જોક હતો ! 

સાચી લોકશાહી આનું નામ. 

સિક્સર 

બધા ગુજરાતીઓ ભરાઇ ગયા છે...ઠંડી પડતી નથી ને 'બ્રધર' અમેરિકાથી પ્યૉર વૂલનનું સ્વૅટર લાવ્યા છે, એ પહેરાતું નથી.

No comments: