Search This Blog

12/12/2014

'વિક્ટોરીયા નં. ૨૦૩' ('૭૩)

ફિલ્મ : 'વિક્ટોરીયા નં. ૨૦૩' ('૭૩)
નિર્માતા- દિગ્દર્શક : બ્રીજ સદાના
સંગીત : કલ્યાણજી- આણંદજી
ગીતો : લિસ્ટ મુજબ
રનિંગ ટાઇમ : ૧૮ રીલ્સ, ૧૭૩ મિનિટ્સ
થીયેટર : શિવ (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, પ્રાણ, સાયરા બાનુ, નવિન નિશ્ચલ, રણજીત, અનવર હુસેન, મીનારાય, રેણુ, અનુપ કુમાર, હેલન, જાનકીદાસ, શેટ્ટી, મોહન ચોટી, પ્રતિમા દેવી, લોલિતા ચેટર્જી, મૂલચંદ, સબીના, ચમન પુરી, ઇંદિરા બંસલ, જગદીશ રાજ, રાજન કપૂર, મોહન ચોટી, સૌદાગરસિંહ અને વી. ગોપાલ. 


ગીત
૧. દો બેચારે, બિના સહારે, દેખો પૂછ પૂછ કર હારે કિશોર- મહેન્દ્ર
૨. દેખા મૈને દેખા, એક સપનોં કી રાની કો કિશોર કુમાર
૩. થોડા સા ઠહેરો, કરતી હૂં, તુમસે વાદા લતા મંગેશકર
૪. તુ ન મિલિ તો હમ જોગી બન જાયેંગે, સારી ઉમરીયા કો... કિશોર કુમાર
(ગીત નં. ૧- ૨, વર્મા મલિક ૩- ૪ ઇન્દિવર) 

આ ફિલ્મ જેમણે બનાવી તે નિર્માતા- દિગ્દર્શક બ્રીજ સદાનાની પોતાની જ સ્ટોરી હૃદયદ્રાવક છે. ૨૧ ઓક્ટોબર- ૧૯૯૦ના રોજ મુંબઈમાં હિંદી ફિલ્મોનો એ વખતનો નિષ્ફળ હીરો કમલ સદાના એના ઘેર દોસ્તોને બોલાવી પોતાના હેપી બર્થ-ડેની દારૂની મહેફિલમાં વ્યસ્ત હતો. અચાનક રીવોલ્વરમાંથી ગોળીઓ છૂટવાના અવાજો આવ્યા. ચોંકેલા દોસ્તો સાથે એ ઉપર પપ્પા- મમ્મીના રૂમ તરફ દોડયો ને એક ગોળી સહેજમાં એના ગળા ઉપર ઘસરકો પાડતી નીકળી ગઈ. એક ગોળી કમલના દોસ્ત હેરીને ય વાગી હતી. કમલે જોયું તો ત્રણ લાશો પડી છે. એક મમ્મી સઇદા ખાનની, બીજી એની બહેન નમ્રતાની અને ત્રીજી પપ્પા બ્રીજ સદાનાની. બ્રીજે ઝઘડો થતા સઇદાને ગોળી મારી દઈ પોતે ય એ જ રીવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. આ શૂટ-આઉટમાં ત્રણ લાશો પડી. નમ્રતા તો મમ્મીને બચાવવા જતા વચમાં આવી ગઈ હતી.

આ સઇદા ખાનની કોઈ ફિલ્મો તો તમે નહિ જોઈ હોય, પણ ૧૯૬૧-માં આવેલી મનોજકુમાર- સઈદા ખાનની ફિલ્મ 'કાંચ કી ગુડિયા'નું મૂકેશ- આશા ભોંસલેનું ગીત તમને કંઠસ્થ છે, 'સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કિસે અબ ચૈન કહાં...' એ ગીત એ બન્ને ઉપર ફિલ્માયુ હતું. એમ તો મનોજ સાથે એણે પોતાની પહેલી ફિલ્મ 'હનીમૂન' કરી, એનું ય મૂકેશ- લતાનું ગીત સઇદા ઉપર ગયું હતું, 'મેરે ખ્વાબોં મેં ખયાલોં મેં છુપે એક દિન મિત મેરે, મેરી ગલી આપ ચલે આયેંગે...' મૂકેશ અજાણતામાં એને ફળી ગયો હતો. કારણ કે મોડર્ન ગર્લનું 'યે મૌસમ રંગીન સમા, ઠહેર જરા ઓ જાને જાં...' તો તમને યાદ હોય જ ને ! એ ય વળી સઇદાખાન ઉપર ફિલ્માયુ હતું. ફિરોઝ ખાન સાથે એની જોડી જામું- જામું કરતી હતી ફિલ્મ 'ચાર દરવેશ'થી, પણ કંઈક વાંકુ પડયું હતું ખરૂં એટલે બીજી કોઈ બે- ચાર ફિલ્મો કરીને સઇદા પતી ગઈ.

બ્રીજ સદાનાએ બોક્સ- ઓફિસ ભરી દે એવી ઘણી ફિલ્મો બનાવી હતી. ફિલ્મ દો ભાઈ, યે રાત ફિર ન આયેગી, ઉસ્તાદો કે ઉસ્તાદ, બોમ્બે ૪૦૫ માઇલ્સ, નાઇટ ઇન લંડન, યકીન, પ્રોફેસર પ્યારેલાલ અને આજની ફિલ્મ 'વિક્ટોરીયા નં. ૨૦૩.

આ ફિલ્મે થીયેટરો ઉપર મહિનાઓ સુધી ભીડ તો ભાઈ... કાફી ભેગી કરી હતી એક્ટિંગ- ફેક્ટિંગ કોમેડી- ફોમેડી છોડો... લોકો સાયરા બાનુના ધગધગતા રૂપ પાછળ રાહુલ થઈ... આઇ મીન, પાગલ થઈ ગયા હતા. સાયરાએ પોતાની ઉઘાડી જાંઘો બતાવવામાં કોઈની બીક રાખી નહોતી. મરહુમ શાયર શેખ આદમ આબુવાલાએ તો પોતાની કોલમ 'દિખા, સો લિખા'માં 'દેખ્યું' એવું લખી પણ નાંખ્યું હતું કે, દિલીપ કુમાર જે સાયરાને પોતાના બેડરૂમમાં જોતો હશે, એ પ્રેક્ષકોને પરદા ઉપર જોવા મળી. સાયરાએ આવા મનોહર દ્રષ્યો સુનિલ દત્ત સાથે ફિલ્મ 'નેહલે પે દહેલા'માં પણ આપ્યા હતા. સાયરાને આવા સેક્સી કપડા. પહેરાવવાની (અથવા નહિ પહેરાવાની) ખૂબી એની મોમ નસીબ બાનુ પાસેથી આવી હતી, કારણ કે, ફિલ્મોમાં નસીમ બાનુ સાયરાની 'કોસ્ચ્યુમ ડીઝાઇનર' હોય !

બીજી બાજુ, આ જ ફિલ્મના ફક્ત એક દ્રષ્યમાં ઉઘાડી જાંઘો બતાવવા આવેલી હેલન અને અન્ય હીરોઇનો કે કેબરે- ડાન્સરો વચ્ચે ફર્ક એ હતો કે હેલન પગે કે છાતીના ભાગ ઉપર પતલી નેટ પહેરતી, જેથી 'સેક્સ'માં થોડો ફરક પડે !) બીજી બાજુ, ભારતીય ફિલ્મોની હેલન એક માત્ર અભિનેત્રી- ડાન્સર હતી, જે પગમાં હિલ્સ પહેરીને ડાન્સ કરી શકતી. સલમાનની સાવકી મૉમ બનતા પહેલા હેલને ખૂબ દુઃખો જોયા છે, એના પહેલા (સો કૉલ્ડ પતિ, પી.એન. અરોરાને કારણે...! પણ વો કિસ્સા ફિર કભી... !) હમણા સલમાનખાને ૬૫ કરોડ ખર્ચીને એની સાવકી બહેન અર્પિતાના લગ્ન કરાવ્યા, એ હેલને દત્તક લીધેલી દીકરી છે.

ફિલ્મનો હીરો નવિન નિશ્ચલ પણ આવી જ બીજી કરૂણ કહાણી છે. રેખાની જેમ 'સાવન-ભાદો' નવિનની પણ પહેલી ફિલ્મ હતી. દેખાવડો તો ખૂબ હતો. એક્ટિંગમાં એવું કોઈ શહૂર નહિ, પણ તો ય એ વખતના બીજા ઘણા કરતા ઘણો સારો. એક તબક્કે તો અમિતાભ બચ્ચન વિલન હતો અને નવિન હીરો, ફિલ્મ 'પરવાના' યાદ હોય તો ! નવિન દેવ આનંદની સગી ભાણી એટલે કે શેખર કપૂરની બહેન નીલુ કપૂર સાથે પરણ્યો હતો. (કોઈકે પૂછ્યું હશે, 'નવિનમાં શું છે ?' જવાબમાં 'નવિનમાં કાંઈ નથી...!' કીધું હશે.) એ કેસ ફાઇલ થયો એટલે બીજા લગ્ન એને ગીતાંજલિ સાથે કર્યા, જેણે પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી ને બધો દોષ નવિન અને તેના ભાઈ પ્રવિણ નિશ્ચલ ઉપર ઢોળ્યો. એમાં તો એ બચી ગયો, પણ પછી સગા ભાઈ પ્રવિણે નવિનને ઉલ્લુ બનાવીને તદ્દન ખાંગો કરી નાંખ્યો ને દર દરની ઠોકરો ખાતો કરી દીધો. એમાં હાર્ટ-એટેકથી નવિન મૃત્યુ પામ્યો. કામ માંગવા માટે એ જેવી તેવી ટીવી સિરિયલોમાં ય ફરક્યો, પણ એ પહેલાં 'બુઢ્ઢા મિલ ગયા', 'ધૂન્દ', 'પરવાના', 'વો મૈં નહિ', 'ધર્મા', 'હંસતે ઝખ્મ' અને મારી સમજ મુજબ, થોડા મોકામાં બહુ સારો અભિનય એણે છેલ્લે આવેલી ફિલ્મ 'ખોસલા કા ઘોસલા'માં આપ્યો હતો. (ખૂબ સુંદર ફિલ્મ છે.... તમે ચોક્કસ જોઈ લેજો.)

રિશી કપૂર એની ખૂબ પ્રશંસા કરે છે. આર. કે.ની હોળી આ વખતે લોનાવાલાના રાજ- ફાર્મ પર હતી ત્યાં બાય રોડ રણધિર કપૂર અને બીજા એક દોસ્ત 'ગવા' (ગુરમિન્દરસિંઘ) સાથે નવિન કારમાં જતો હતો. એણે અચાનક કારનું એ.સી. બંધ કરવા કહ્યું ને બસ... ઢળી પડયો !

'વિક્ટોરીયા નં.- ૨૦૩'માં હીરો તરીકે એ ફર્સ્ટ ચોઇસ જ હતો. શરૂઆતના સાયરા બાનુવાળા જાદુને લીધે ફિલ્મ ધમધોકાર ચાલી, પણ એ પછી ફિલ્મ ઉપડી અશોકકુમાર અને પ્રાણની ગજબનાક જુગલબંધીએ. બંનેને આ ઉંમરે આશિક મિજાજ બતાવાયા હતા. પ્રાણ તો તાજો તાજો જ વિલનમાંથી આવો કોમેડિયન બન્યો હતો, એટલે પ્રેક્ષકોને ગમ્મત પડી ગઈ. બન્નેનું ગઠિયા- સ્વરૂપ જોવાની દર્શકોને મઝા પડી ગઈ. કોમેડી એવી કોઈ ગ્રેટ નહોતી, પણ આ બન્ને કાફી હતા.

ફિલ્મનો પ્લોટ કંઈક આવો હતો :

શેઠ દુર્ગાદાસ (અનવર હૂસેને) ચોરેલા કિંમતી હીરા એને દગો કરનાર એનો સાથી (જગદીશ રાજ) લઇને ઉડનછુ થઈ જાય છે. ગુંડાને તો મારી નાંખવામાં આવે છે, પણ હીરા ક્યાં ગયા, તેની કોઈને ખબર પડતી નથી. આ ઘટનામાં એક નિર્દોષ વિક્ટોરીયા (ઘોડાગાડી)વાળો (ચમનપુરી) પોલીસના હાથમાં ફસાઈ જાય છે. એની દીકરી રેખા (સાયરાબાનુ) પિતાને નિર્દોષ છોડાવવા કમર કસે છે, જેમાં શેઠ દુર્ગાદાસનો જ દીકરો કુમાર (નવિન નિશ્ચલ)નો સાથ મળે છે. દરમ્યાનમાં ફિલ્મોની ભાષામાં 'દો છટે હુએ બદમાશ' રાજા અને રાણા (અશોકકુમાર અને પ્રાણ)ને હીરા ક્યાં છુપાવ્યા છે, તેની ગંધ આવી જાય છે. આ ચારે ય ભેગા મળી જાય છે. ચોર અને ચોરી પકડી પાડે છે અને બધું જે શી ક્રષ્ણ થઈ જાય છે.

બ્રીજને વાર્તા કહેતા સરસ આવડતી હતી, એટલે એની કોઈ પણ ફિલ્મમાં ઘટનાઓ બદલાયા કરે. ફિલ્મ સ્મૂધલી આગળ ચાલતી જાય. હોય મસાલા ફિલ્મ જ... મનમોહન દેસાઈ છાપની, પણ મનોરંજન ભરપૂર હોય, એટલે દર્શકો બોર ન થાય. પણ દરેક ડાયરેક્ટરની માફક બ્રીજે પણ વાર્તા ઉપર ધ્યાન આપ્યું નથી. પુરૂષના વેષે વિક્ટોરીયા ચલાવતી ગરીબ સાયરા બાનુના ઘરે ખોટા મામા- કાકા બનીને અશોક કુમાર અને પ્રાણ રહેવા આવી જાય છે ને પહેલી જ રાત્રે હીરા શોધવામાં આટલી વિરાટ વિક્ટોરીયાને તોડીફોડી નાખે છે છતાં સાયરા બાનુને કોઈ આશ્ચર્ય, આઘાત કે ગુસ્સો જ આવતા નથી. ને પછીના દ્રષ્યોમાં ગાડી અપ-ટુ-ડેટ નવીનક્કોર પણ થઈ જાય છે.

બીજું, એકના એક પોલીસ- ઇન્સ્પેક્ટરનો રોલ કરીને 'ગીનેસ બૂક ઓફ રેકોર્ડસ્'માં સ્થાન પામનાર ચરીત્ર અભિનેતા અને હીરોઇન અનિતા રાજના પિતા જગદિશ રાજ આ ફિલ્મમાં પોલીસ નહિ, ગુંડાનો રોલ કરે છે ને ફિલ્મની સાઇડ હીરોઇન મીના રાય સાથે ચોંટીને સુવા જેવા પ્રેમાલાપો ય કરે છે. આખી વાતનો બોધ એટલો કે ભલે વર્લ્ડ-રેકોર્ડ કર્યો હોય, પણ પોલીસના કાળા ધંધા છોડીને ગુંડો બન્યો તો આ લાભ મળ્યો... હિંદી ફિલ્મોના પોલીસોને તો 'જે શી ક્રસ્ણ' કરવા જેટલું ય કોઈ પારકી સ્ત્રીને અડવા મળતું નથી. સુંઉ કિયો છો ? આવી જ નોંધાવી છે ફિલ્મના આર્ટ-ડાયરેક્ટરે. ફિલ્મના ઇન્ડોર સેટ્સમાં જાહેર માર્ગો બનાવવામાં ભ'ઇએ બહુ નાટકો કર્યા છે. નાના છોકરાને ય ખબર પડી જાય કે, ગલીના આ દ્રષ્યમાં પાછળની બંધ દુકાનોના શટર્સ ચીતરેલા છે. યસ. કલ્યાણજી- આણંદજી રાબેતા મુજબની વેઠ ઉતારે એમાં કોઈની બાએ ખીજાવાનું ન હોય. કોઈ ૭- ૮ ફિલ્મોમાં એ બન્નેએ સારૂં સંગીત આપ્યું છે, ત્યારે બધાને આંચકા લાગ્યા હતા કે, સાલો કયો મોરલો કળા કરી ગયો હશે ? એમાં ય, આ ફિલ્મ 'વિક્ટોરીયા નં. ૨૦૩' જેવી મોડર્ન ફિલ્મ હોય, એટલે ગીતો, બૅકગ્રાઉન્ડ કે ટાઇટલ- મ્યુઝિકમાં ગીટાર ખખડાવે રાખવી અને બોંગો-કોંગો પછાડે રાખો, એટલે આર.ડી. બર્મન જેવું 'વેસ્ટર્ન- મ્યુઝિક' થઈ ગયું ? આ બન્ને ભાઈઓના સંગીતનું સૌથી નબળું પાસું હોય તો એમનું રિધમ-સૅક્શન... અને એ ય એમનો જ સગો ભાઈ બાબલા જેવો પરફેક્ટ પર્કશનિસ્ટ સાથે હોવા છતાં ! નસીબના બળિયા એવા હતા કે, શંકર- જયકિશન- નૌશાદને બાદ કરતા બીજા સંગીતકારોને મોટા ભાગે ફાલતુ હીરો કે નિર્માતાઓની ફિલ્મો જ મળતી (દા.ત. મદન મોહન), છતાં, એ સહુની એકોએક ફિલ્મનું સંગીત હિટ, જ્યારે આ કચ્છીઓએ જલસા જ કરે રાખ્યા છે. દેવ આનંદ, દિલીપકુમાર, અમિતાભ બચ્ચન કે રાજેશ ખન્ના જેવા ધૂરંધરોની આટઆટલી ફિલ્મો મળી હોવા છતાં, એ લોકોની કેટલી ફિલ્મોનું સંગીત વખણાયું ? સંગીત દેશભરમાં વખણાયું ? આખા ભારતમાં સર્વે કરાવો કે, તમારી પસંદગીના પહેલા પાંચ સંગીતકારો કયા કયા... ? ભારત જેટલા દૂર જવાની ક્યાં જરૂર છે ? તમે જ અત્યારે જવાબ આપી દો ને ! વિલન તરીકે રણજીતનો સિતારો બુલંદ થતો હતો ને આ ફિલ્મમાં પણ એને મહત્ત્વનો રોલ અપાયો છે. રેખા અને નવિન નિશ્ચલની જેમ એની પહેલી ફિલ્મ પણ 'સાવન ભાદોં' હતી. ખૂબ સુંદર હાઇટ-બૉડીને કારણે પ્રેમ ચોપરાની માફક એ જોવો ગમતો... સાવ શક્તિ કપૂર જેવો વિકૃત ન લાગે. ખૂબ સારો કોમેડિયન હોવા છતાં આ ફિલ્મની જેમ દરેક ફિલ્મોમાં વેડફાઈ જતો વી. ગોપાલ અહીં ગાંડાના રોલમાં છે. ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં આઇ.એસ. જોહરની મૂછો ખેંચી કાઢનાર વી. ગોપાલને ચેતન આનંદે ફિલ્મ 'હસતે ઝખ્મ' આપણને ખૂબ હસાવવાનો રોલ આપ્યો હતો. એક દ્રષ્યમાં તો ઉઘાડા શરીરે પોતાની ફાંદ ઉપર ચાના કપ- રકાબી મૂકીને બેઠો હોય છે. અહીં મોહન ચોટી પણ છે, હીરોલોગ કોમેડી કરતા થઈ ગયા. એમાં હિંદી- ફિલ્મોના મોટા ભાગના રેગ્યુલર કોમેડિયનોનો ખાત્મો બોલી ગયો.

બસ... પેલું સાયરાબાનુંવાળું લખ્યું છે, એ હજી દાઢમાં રહી ગયું હોય તો આ ફિલ્મ જોજો... ને તો ય, શાહરૂખખાનની 'હેપી ન્યુ યર' કરતા તો આ ફિલ્મ સારી લાગશે. જય અંબે.

No comments: