Search This Blog

02/01/2015

'આમ્રપાલી' ('૬૬)

ફિલ્મ : 'આમ્રપાલી' ('૬૬)
નિર્માતા : એફ. સી. મહેરા
દિગ્દર્શક : લેખ ટંડન
સંગીત : શંકર- જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : વૈજ્યંતિ માલા, સુનિલ દત્ત, પ્રેમનાથ, કે. એન. સિંઘ, બિપીન ગુપ્તા, જાગીરદાર, રણધીર, મનોહર દીપક, કેશવ રાણા, ઝૂલ વેલાણી, બાબુરાવ પેંઢારકર, માધવી, બેલા બોઝ, મૃદુલા, સુલોચના (રૂબી મેયર્સ), સુશીલા, નર્મદા શંકર, કૃષ્ણ મહેતા અને નરેન્દ્રનાથ



ગીતો
૧. નીલગગન કી છાંઓ મેં, દિન રૈન ગલે સે મિલતે હૈ - લતા મંગેશકર
૨. તુમ્હે યાદ કરતે કરતે, જાયેગી રૈન સારી, તુમ લે ગયે હો - લતા મંગેશકર
૩. જાઓ રે જોગી તુમ જાઓ રે, યે હૈ પ્રેમીઓ કી નગરી - લતા મંગેશકર
૪. તડપ યે દિન-રાત કી, કસક યે બીન બાત કી, ભલા યે - લતા મંગેશકર
૫. નમામિશમીશાન નિર્વાણરૂપમ... - પ્રાર્થના ગીત (કોરસ)
૬. નાચો ગાઓ નાચો, ધૂમ મચાવો, નાચો, આયા મંગલ ત્યોહાર - કોરસ

તમારે 'આમ્રપાલી' જોવી જ એવું, ઊંઘમાં ય મારાથી સજેસ્ટ કરાય એવું નથી, પણ વહેલી પરોઢના શિયાળામાં પોયણીના ખીલેલા ફૂલ જેવું નહિ, આંગળી અડી જાય તો ટેરવા ઉપર સેક્સના નામનો ફોડલો પડી જાય, એવા ધગધગતા રૂપને જોવું હોય તો આ ફિલ્મ બહેન વૈજ્યંતિમાલા માટે મન મૂકીને જોવી (તમારામાંથી ઘણાની દાનતો મને ખ્યાલ છે, એટલે દેશની સંસ્કૃતિની સુરક્ષા ખાતર વૈજુને તમારા બધાની બહેન તરીકે ઓળખ આપવામાં આવી છે. આમે ય, સાઉથમાંથી આવેલી તમામ હીરોઇનો 'બકસમ બ્યુટી' કહેવાય છે. (પદ્મિની, રાગિણી, હેમા માલિની, રેખા, ભાનુપ્રિયા, શ્રીદેવી, સિલ્ક સ્મિતા, જયાપ્રદા... હજી કોઈ બાકી રહી જતી હોય તો બોલી નાંખજો... નોંધણી ચાલુ છે !) 'બકસમ'નો અગાઉ મેં અર્થ નહતો કીધો. આપણને એમ કે કોણ વાચકોને હિલોળે ચઢાવે ! 'બક્સમ' એટલે પુરુષને પોતે સંપૂર્ણ પુરુષ હોવાનું ધગધગતું ભાન કરાવે, એવા વિશાળ અને સુંદરતા મઢેલા સ્તનો ધરાવતી સ્ત્રીને 'બક્સમ બ્યુટી'નું નામ આપવામાં આવે છે. (દવે સાહેબ... કોઈ લોચો વાગી રહ્યો છે...! આ એક સબ્જેક્ટ જ એવો છે કે, પુરૂષોને આવા વિષયમાં ભાન કરાવવાની જરૂર પડતી નથી ! એમાં ય, તમે તો આ વિષયમાં સોળે કળાએ ખીલેલા આપણા ગુજરાતી વાચકો માટે લખી રહ્યા છો ને એ ય જેને વાચકો સગ્ગી કઝિનસરીખી બહેન માને છે, એવી વૈજ્યંતિમાલા માટે ? આપે ક્ષમાપ્રાર્થી અવશ્ય બનવું જોઈએ !)

હું શેનો બનું ? સ્વયં વૈજુએ (અને કેમેરામેન દ્વારકા દિવેચાએ) ભારે હિમ્મતપૂર્વક આખી ફિલ્મમાં સ્તનના ઉભારને સાબરમતિના રિવરફ્રન્ટ ઉપર તરતી બે બોટોની જેમ જાહેર સેવા માટે બિન્ધાસ્ત પ્રદર્શિત કર્યા છે, એની પ્રશંસા કરો, મને ક્ષમાપ્રાર્થી બનાવવાને બદલે ! આ તો એક વાત થાય છે, પણ હિંદી ફિલ્મોના એ જમાનામાં તો હેલન- બિંદુ જેવી કેબરે- ડાન્સરો ય છાતી કે ખુલ્લી જાંઘોના કેન્દ્રશાસિત પ્રદેશોને પારદર્શક જાળી (ટ્રાન્સપરન્ટ નૅટ)થી કવર કરી લેતી, ત્યારે '૬૬ની સાલના ગાળા માટે તો ઘણી હિંમતનું કામ કહેવાય કે, વૈજુએ સ્તનો ઉપરના વિકસીત પ્રદેશને નૅટ વગર પૂરી ફિલ્મમાં દર્શકોના લાભાર્થે પ્રદર્શિત કર્યા છે. પણ આજની કે આપણા જમાનાની ફિલ્મોની- એકે ય હીરોઇન અપવાદ બાદ કરતા રૂબરૂ જુઓ તો ભારે કદરૂપી લાગે, એનું કારણ સતત ફિલ્મોના શુટિંગમાં એ લોકોને આંખની ભ્રમરો કાળી રંગવી પડે, એમાં ભ્રમરનો એક એક વાળ ગાયબ થઈ જાય. ભ્રમર વગરની તો ડિમ્પલ કાપડિયા ય સુંદર ન લાગે. આજની છોકરીઓએ આંખની ભ્રમર કાળી કરતા પહેલા આ વિચારવા જેવું છે. ભ્રમરના મૂળિયામાં પહોંચતા કાર્બન વાળને જડમૂળથી કાયમ માટે ઉખાડી મૂકે છે.

પણ આપણે કંઈ એવું- એવું જોવા થોડા જઇએ છીએ ? આપણે તો કલા જોવા જઈએ છીએ, એ હિસાબે પણ ભારતની એકે ય અભિનેત્રીથી વૈજુને પહોંચી શકાય એમ નથી. હિંદી ફિલ્મોની સર્વોત્તમ ડાન્સર ખુદ હૅલને કીધું છે કે, 'નૃત્યમાં વૈજ્યંતિમાલાની કોઈ સરખામણી નથી.' હાલમાં ભલે તમે સાઉથની અન્ય હીરોઇનોને યાદ કરીને છૂટક મજૂરીના કામે લાગી ગયા હશો,પણ હૅલનની વાતના વજનમાં ઉમેરી શકાય કે, વૈજુએ એક પરંપરાગત નૃત્યાંગનાને શોભે, એવું શરીરનું પરફેક્ટ માપ જાળવી રાખ્યું હતું. પેલું કંઈ કહે છે ને, '...રતિભર કી કસર, કહીં આયેના નઝર...' એ જોતાં એ નૃત્ય કરતી હોય ત્યારે કેમેરાની ફ્રેઇમમાં એના શરીરનું ફિગર કોઈ પણ પરંપરાગત ભારતીય નૃત્ય પરફેક્ટ સ્ટિચિંગ મુજબનું આવે છે. કંઈ બાકી ન રહેવું જોઈએ, એ ધોરણે 'આમ્રપાલી'ના તમામ નૃત્યો ગુરૂજી ગોપીકૃષ્ણે વૈજુ પાસે કરાવ્યા છે. (ફિલ્મ : 'ઝનક ઝનક પાયલ બાજે'ના હીરો) અને એ સમયે તો કોઈ માનતું નહોતું કે આવા કઠિન રાગો ઉપર આધારિત ફિલ્મી ધૂનો શંકર- જયકિશને બનાવી છે ? હરિફાઈના જમાનામાં આ સંગીતકારોને, 'એ તો વેસ્ટર્ન ધૂનો પરથી ગીતો તૈયાર કરવામાં જ ચાલે...' ત્યારેે ફિલ્મ 'બસંત બહાર'થી શરુ કરીને એવી બદમાશીઓ સાથે મૂલ્યાંકિત કરવામાં આવતા 'આમ્રપાલી' સુધી શંકર- જયકિશને લતા મંગેશકર લાઇફ ટાઇમ પોતે ભૂલી ન શકે, એવી શાસ્ત્રોક્ત ધૂનોના ચાર ગીતો તૈયાર કરાવ્યા છે. ભલે ચાર પૈકીનું એક જ ગીત આપણા જયકિશને (નીલે ગગન કી છાંઓ મેં, દિન રૈન ગલે સે મિલતે હૈ... - રાગ ભૂપાલી, જે જયકિશને એ જ લતા પાસે ફિલ્મ 'લવ ઇન ટોક્યો'ના 'સાયોનારા...' ગીતમાં ગવડાવ્યો હતો. ફિલ્મ 'સસુરાલ'નું લતા- રફીનું ડયુએટ 'એક સવાલ મૈં કરું, એક સવાલ તુમ કરો' તેમ જ જયદેવની બંદિશમાંં ફિલ્મ 'પ્રેમ પરબત'નું તમારું લાડકું 'યે દિલ ઔર ઉન કી નિગાહોં કે સાયે...' પણ રાગ ભૂપાલી ઉપર જ.) તૈયાર કરાવ્યું હોય, પણ શંકર તો સંગીતકાર બનતા પહેલા નૃત્યકાર હતા, એટલે લતાના બાકીના ત્રણે ગીતો ઉપર પ્રભુત્વ તો એમનું રહેવાનું ! રાગ ભીમપલાસીમાં લતા પાસે, 'તડપ યે દિન રાત કી, કસક યે બીન બાત કી...' રાગઃ અલૈયા બિલાવલે પર, 'જાઓ રે જોગી તુમ જાઓ રે..' અને 'તુમ્હે યાદ કરતે કરતે, જાયેગી રૈન સારી...' કોઇ રાગ ઉપર આધારિત હોય તેવું જણાતું નથી. શંકર માટે પોતાની 'બસંત બહાર' અને 'સીમા'ની શાસ્ત્રોક્ત ધૂનોથી કમ નહોતી. આ બન્ને સંગીતકારોની એક જૂની આદત અહીં પણ કામમાં આવી. એ બન્નેની તમામ ફિલ્મોનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તો એકલો જયકિશન જ તૈયાર કરતો, પણ નવી ફિલ્મનું કોઈ ગીત એ રીતે પણ તૈયાર થતું, જેની કોઈ પીસ એમની જૂની ફિલ્મના બૅકગ્રાઉન્ડમાં વાગતો હોય છે. જેમ કે, ફિલ્મ 'આવારા'માં 'જાને કહાં ગયે વો દિન...'નું કેવળ સંગીત બૅકગ્રાઉન્ડમાં વાગતુ રહે છે, એમ અહીં પણ... 'આમ્રપાલી' પછી બહુ વર્ષે આવેલી આશા- સુનિલની ફિલ્મ 'ભાઈ ભાઈ'માં મુહમ્મદ રફીએ ગાયેલું, 'એક તેરા સુંદર મુખડા, એક તેરા પ્યાર સે ભલા દિલ, મિલના મુશ્કીલ હૈ' સિતારની ધૂનમાં વાગે રાખે છે. યસ. ભૂલી જવાય એ પહેલાં શંકર- જયકિશનના એક સફળ પ્રયોગનો પણ ઉલ્લેખ કરી લઈએ. આ તો મારે ફિલ્મ ફરીથી જોવી પડે પણ સ્મરણોને આધારે કદાચ એકમાત્ર ('ઝાંસી કી રાની'માં આ પ્રયોગ થયેલો છે, આખે આખું ગીત ફિલ્મ કોઈના ય સોલો કંઠ વગર ફક્ત કોરસમાં ગવાયું હોય એમ અહીં માત્ર પુરુષ સમૂહગાનના સ્વરૂપમાં શંકર- જયકિશને આપણને ખૂબ ગમી જાય એવું કોરસ, 'નાચો ગાઓ નાચો, ધૂમ મચાવો, નાચો, આયા મંગલ ત્યોહાર લેકે ખુશિયા હજાર..') મૂકીને અમારા કાઠીયાવાડની બોલી મુજબ.... 'ભા'આય... જમાવટ કરી દીધી છે.''

આ ફિલ્મ જોવા કરતાં નહિ જ જોવાના હજાર કારણો છે. અમથા ય, ફિલ્મના દિગ્દર્શક લેખ ટંડન કોઈ ગ્રેટ-ફ્રેટ તો ઠીક છે, એવરેજ કક્ષાના ય ડાયરેક્ટર નહોતા, સિવાય કે એમના દિગ્દર્શનમાં બનેલી રાજશ્રીની ફિલ્મ 'દુલ્હન વહી જો પિયા મન ભાયે'ની વાત હોય. મનોજકુમાર એમનો દૂરનો કોઈ સગો- ફગો થતો હતો, એટલે મનોજને ફિલ્મોમાં લાવનાર આ ટંડન. શાહરૂખખાનને ય કોઈ ટી.વી. સિરિયલમાં પહેલો બ્રેક એમણે આપ્યો હતો. આ ફિલ્મ તો ઐતિહાસિક વિષય પરની હતી. બધા કાંઈ કે. આસિફ થોડા હોય તે બધું આવડે ? નિર્માતા એફ. સી. મહેરા ય બહુ ખર્ચો- ફર્ચો કરવા નહિ માગતા હોય એટલે આર્ટ- ડાયરેક્ટર આચરેકરે પણ ઇ.સ. પૂર્વે ૫૦૦ના વર્ષની પાર્શ્વભૂમિ હોવા છતાં આપણા ગુજરાતી નાટકોના સેટ જેવા લાગે, એવા સેટ મગધ અને વૈશાલી શહેરોના બનાવ્યા છે. અફ કોર્સ, આવી પીરિયડ ફિલ્મ બનાવવી પૈસે ટકે તમને નવડાવી નાંખે, વિવેચકો તો ઠીક, દર્શકોને ય ફિલ્મમાંથી ભૂલો શોધી કાઢવાની બેશૂમાર તકો મળે, 'ફિલ્મની વાર્તા બે હજાર વર્ષ જૂની છે, તો પાછળ વીજળીના થાંભલા ક્યાંથી આયા ?'

ફિલ્મની કથા હજારો વર્ષ જૂની છે, જ્યાં મગધ કે વૈશાલીમાં પાલી ભાષા બોલાતી હતી. અહીં અર્જુનદેવ 'રશ્ક' નામના સંવાદલેખકે ઠેરઠેર ઉર્દૂના શબ્દો ઘુસાડીને અક્કલનું પ્રદર્શન કર્યું છે.

ઇંગ્લિશમાં ઐતિહાસિક ફિલ્મોને 'કોસ્ચ્યુમ- ડ્રામા' પણ કહેવામાં આવે છે, એ જોતાં રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' માટે 'ધી બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર'નો આજ સુધીનો એકમાત્ર 'ઓસ્કર એવોર્ડ' જીતી લાવનાર ભાનુ અથૈયાએ આ ફિલ્મના પાત્રોના પરિધાનને માટે અજંતાની ગુફાઓનો બૃહદ પ્રવાસ કર્યો હતો કારણ કે, ફિલ્મનો સમયગાળો ઠેઠ ઇ.સ. પૂર્વે ૫૦૦-ની આસપાસનો મનાયો છે, જ્યારે હાલના હરિયાણામાં આવેલા મગધ રાજ્ય ઉપર રાજા અજાતશત્રુનો દબદબો હતો, પણ તત્સમયના લિચ્છાવી પ્રજાસત્તાક રાજ્ય (હાલનું બિહાર)ના વૈશાલી પ્રદેશ ઉપર વિજય મેળવવાના પ્રયત્નોમાં ઘમંડી અજાતશત્રુ (સુનિલ દત્ત) યુદ્ધમાં પકડાઈ જતા ગુપ્તવેશે વૈશાલીમાં રહી જાય છે અને વૈશાલીની રાજનર્તકી આમ્રપાલી (વૈજ્યંતિ માલા)ના પ્રેમમાં પડી જાય છે. પછી તો, વૈજુને એવા તે કયા ઝટકા લાગે છે કે, બૌદ્ધ ધર્મ અપનાવીને સીધી સાધ્વી બની જાય છે, એ તો ફિલ્મમાં તમે લોકો જોઈ લેજો. મારાથી તો વૈજુ સાધ્વી બને, એ સહન જ નથી થતું.

'આમ્રપાલી'ના નિર્માતા એફ. સી. મહેરા આમ તો શમ્મી કપૂરને લઈને જ (ઉજાલા, પ્રિન્સ, મુજરિમ, મનોરંજન, પ્રોફેસર અને સિંગાપુર) ફિલ્મો બનાવતા હતા, પણ આ કોસ્ચ્યુમ ડ્રામામાં માથે મુગટ પહેરેલો શમ્મી શોભશે નહિ, એ ભયે કદાચ શમ્મીના બદલે સુનિલ દત્તને લીધો હતો. અલબત્ત સુનિલ ખભે બંદૂક ચોંટાડીને ઘોડા ઉપર બેઠેલો વધુ પ્રભાવશાળી લાગે, પણ માથે કંઈ ચોંટયું હોય એવી ખરબચડી વિગ પહેરીને રાજા- મહારાજાના રૂપમાં કેટલો શોભે છે, એ હું વાચકો ઉપર છોડું છું.

યસ. કોમેડી ફિલ્મો જોવાના શોખિનોને અહીં ધોધમાર તક છે. ફિલ્મમાં કોમેડી તો ક્યાંય નથી, પણ ધ્રાંગધ્રાની કોઈ ભવાઈ પાર્ટીમાંથી માસ્ટર ભીખુભાઈને ઉપાડી લાવ્યા હોય, એવો સુનિલ દત્ત અહીં રાજાના રોલમાં લાગે છે. રાજા બન્યો એટલે ચાલતી વખતે એક પગ જરા વધારે લંબાવીને જ ચાલવું પડે ? કોઇ પણ મજાક વગર, નારીયેળના છોડાં માથે ચોંટાડયા હોય એવી ખરાબ વિગો સુનિલ દત્ત ઉપરાંત ફિલ્મના તમામ પુરુષ પાત્રોને પહેરાવવામાં આવી છે. મહારાજા બન્યા એટલે ગંજીફરાકની માફક આંખમાં ય ધાંય ધાંય ગુસ્સો પહેરી જ રાખવો પડે ? ઑવર એક્ટિંગ તો એ હદની કે સુનિલ રાજા અને મહારાણી (બિપીન ગુપ્તા અને મૃદુલા) સાથે ય વાત કરતો હોય ત્યારે હળવદથી મોટાભાઈ ને ભાભી આવ્યા હોય એવી બિનશાહી અદબથી વાતો કરે છે. સુનિલ દત્ત 'મુઝે જીને દો' અને 'યે રાસ્તે હૈ પ્યાર કે' જેવી ફિલ્મોમાં જ ચાલે... રાજા બાદશાહોના રોલ માટે તો રાજ- દિલીપ અને દેવ આનંદો ય ચાલ્યા નહિ, ત્યાં આ ભ'ઇ ગામ દેત્રોજની બસને બદલે સીધી દિલ્હીની બસમાં ચઢી બેઠા છે.

ફિલ્મની જડબેસલાખ કોમેડી તો ફિલ્મના પ્રારંભમાં જ આવી જાય છે, યુદ્ધના દ્રષ્યોમાં. લાગવગ ગમે ત્યાંથી લઈ આવ્યા હશે, પણ યુદ્ધના દ્રષ્યો માટે આ ફિલ્મમાં ભારતીય શસ્ત્ર સરંજામ અને સૈનિકો વાપરવાની પણ છૂટ મળી હોવા છતાં, બાપુનગર- અમદાવાદના કાળભવાની રાસગરબા મંડળના હોદ્દેદારોને યુદ્ધ- યુદ્ધ રમવા ઉપાડી લાવ્યા હોય, એમ આ લોકો મેદાનમાં રીતસર દાંડીયા- રાસ રમતા હોય, એમ એકબીજા સામે તલવારો વીંઝે છે. લાકડા ઉપર ચાંદીનો વરખ ચોંટાડેલી તલવારો તો તમે જુઓ, તો હવે વધી હોય ને આપણા ધરે લઈ આવીએ તો છોકરાઓ ય ન રમે. આવા યુદ્ધોનું શુટિંગ કરવાને બદલે બન્નેે સાઇડના સૈનિકો વચ્ચે 'તીન પત્તી'ની મેચો રમાડી હોત તો જોવાનો આપણને ય મજો પડત !

ફિલ્મનું કાસ્ટિંગ પણ હેરત પમાડે એવું ખરૂં. બીડીઓ ફૂંકી ફૂંકીને દારૂમાં ખલાસ થઈ ગયેલા વિલન નરેન્દ્રનાથ (પ્રેમનાથ અને રાજેન્દ્રનાથથી નાનો) ને કોઈ ને અહીં વળી ભગવાન બુદ્ધનો રોલ મળવા છતાં એક તો અંધારામાં અને તે પણ ઘણે દૂરથી લેવામાં આવ્યો હોવાથી એ નરેન્દ્રનાથ છે કે અનાથ છે, એની ખબર પડે એમ. એવું જ ફિલ્મના ટાઇટલ્સમાં નામ હોવા છતાં નર્મદાશંકર અને કૃષ્ણ મહેતાને તો ફિલ્મમાં એક પણ વખત બતાવ્યા જ નથી. શમ્મી કપૂરની ફિલ્મ 'બ્રહ્મચારી' બનાવનાર ભપ્પી સોનીની પત્ની અને મોટા ભાગે રાજેન્દ્રનાથની પ્રેમિકા બનતી સાઇડ હીરોઇન માધવી અહીં વૈજુની સખી બને છે. વ્હી. શાંતારામની ફિલ્મ 'નવરંગ' ઉપરાંત અન્ય ફિલ્મમાં કામ કરનાર મરાઠી નાટક- ફિલ્મોના ઉમદા અભિનેતા બાબુરાવ પેંઢારકરને માથે ટકો કરાવીને અહીં એક જ વાર 'નીલગગન કી છાંઓ મેં..' ગીત દરમ્યાન બતાવાયા છે, તો પછી લીધા શું કામ ? યસ. પાછળથી રાજનર્તકી આમ્રપાલીને દેશની દુશ્મન તરીકે ખુલ્લી પાડવા માટે રાજદરબારમાં થોડા સંવાદો આપવામાં આવ્યા છે. દિલીપકુમારની સૌથી પહેલી ફિલ્મ 'જ્વારભાટા'ની હીરોઇન (જે 'જ્હોની મેરા નામ'માં હેમા માલિનીની મા બને છે તે) બટકી મૃદુલા રાની અહીં વળી મહારાણીના રોલમાં છે. ખૂબસુરત અવાજ અને પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતા બિપીન ગુપ્તા વૈશાલીના મહારાજા છે. આપણા જમાનામાં બ્લેક- એન્ડ- વ્હાઇટ ફિલ્મો જોવા જતા, ત્યારે ફિલ્મ પહેલા 'ભારતીય સમાચાર ચિત્ર' જોવું પડતું, એમાં અનેકવાર કોમેન્ટ્રી ઝુલ વેલાણીની રહેતી, એ ભાઈ અહીં નાનકડા કિરદારમાં છે.

પૂરી ફિલ્મનું શુટિંગનો ય કદાચ એક વિક્રમ હશે. મુંબઈનો કોઈ સ્ટુડિયો બાકી નહિ હોય, જ્યાં આ ફિલ્મનું શુટિંગ ન થયું હોય. આર. કે. સ્ટુડિયોને બાદ કરતા, (સમજી શકાય...રાજ કપુરના સ્ટુડિયોમાં સુનિલ દત્ત પગ મૂકે ? (પગ ના મૂકે... જવાબ પૂરો.) મેહબૂબ સ્ટુડિયો, ગુરૂદત્ત સ્ટુડિયો, ફિલ્મિસ્તાન, ફિલ્માલય, કારદાર, રાજકમલ, રૂપતારા, કમલ, ચેમ્બુર- મુંબઈના બસંત અને છેલ્લે છેલ્લે ફેમસ સ્ટુડિયોમાં ય થયું હતું. યસ. એક વાતની આપણી દાદ કે, ફિલ્મ '૬૬માં બની હતી અને કલર ફિલ્મો એટલી બધી નહોતી બનવા માંડી કે પ્રોડયુસરે ખર્ચા સામે જોવું જ ન પડે !

'આમ્રપાલી' ઇંગ્લિશમાં ય બની છે, એટલે કે આ જ ફિલ્મ પણ દેવઆનંદની ફિલ્મ 'ગાઇડ'ની જેમ જ જે કોઈ કારણ હોય, આપણને ઇંગ્લિશ 'આમ્રપાલી' જોવા નથી મળી. નવાઈની વાત એ છે કે, ખુંખાર ખલનાયકો પ્રેમનાથ તો આખી ફિલ્મના કોઈ બે-ચાર દ્રષ્યો પૂરતો માણસ જેવો પણ લાગે છે.

'૬૬ની સાલમાં, અમદાવાદના લાલ દરવાજે નવી નવી બનેલી (અને હવે નવીનવી તૂટેલી) રૂપાલી સિનેમામાં, 'આમ્રપાલી' આવ્યું ત્યારે અમારે લોકોને જાહોજલાલી હતી. એક એક થીયેટરમાં મનપસંદ ફિલ્મો ચાલતી. મોડેલમાં 'અનુપમા', કૃષ્ણમાં 'આયે દિન બહાર કે', રીગલમાં શમ્મી કપૂર- સાધનાનું 'બદતમીઝ', લાઇટ હાઉસમાં ધર્મેન્દ્ર- શર્મિલાનું 'દેવર', રીલીફમાં ધર્મેન્દ્ર- નૂતનનું, 'દિલને ફિર યાદ કિયા', પ્રકાશમાં મનોજ- આશાનું 'દો બદન', રૂપમમાં ધર્મેન્દ્ર- નૂતનનું 'દુલ્હન એક રાત કી', લક્ષ્મીમાં સંજયખાન- બબિતાનું 'દસ લાખ', અલંકારમાં ધર્મેન્દ્ર- રાજશ્રીનું 'મુહબ્બત ઝીંદગી હૈ', અશોકમાં નંદા- સંજીવકુમારનું 'પતિ- પત્ની' (જેમાં લતાનું ગીત, 'કજરે બદરવા રે...'), નોવેલ્ટીમાં શમ્મી કપૂર- આશા પારેખનું 'તીસરી મંઝિલ'... જુઓ આપણા- ગરમ ધરમનો કેવો દોમદોમ જમાનો શરૂ થયો હતો.

No comments: