Search This Blog

21/01/2015

લાજો રાણી....આમ શરમાઓ નહિ !

'વૉલ્વો'માં એ એના અઢી વર્ષના દીકરા 'પિશુ' સાથે જામનગર જતી હતી. બીજા મુસાફરો ય જામનગર કે રાજકોટ જઇ રહ્યા હતા. પણ લજ્જાની પર્સનાલિટી જોયા પછી, રાજકોટ ઉતરનારા કેટલાક ભાવુક મુસાફરોએ જામનગર સુધી જઇને પાછા આવવાના મનસુબા ઘડયા હતા. પિશુ હખણો રહેતો નહોતો ને એની માં હેરાન થયે જતી હતી, એ કોઇથી જોયું જતું નહોતું. દરેકને એમ કે, હું કંઇક હૅલ્પ કરૂં. પિશુને નહિ, એની માં ને ! હવે અહીં એવું લખવાની જરૂર જ ક્યાં છે કે, લાજો બેહદ સુંદર સ્ત્રી હતી ! કવિ-લેખકોની વાતમાં કોઇ સ્ત્રીની વાત હોય તો એ અનહદ અને આપણે માની ન શકીએ એટલી સુંદર જ હોય... નહિ તો એ લોકો ગાન્ડા થઇ ગયા છે કે, એમની પત્ની જેવી દેખાતી પરાઇ સ્ત્રી માટે નાનકડું એક હાઇકુ કે આવડું અમથું વાર્તાડું ય લખે ? કહે છે કે, સાહિત્યકારોના હાથમાં જે ન આવતું હોય, એ બધું એમના શબ્દોમાં ઉતારીને મનોકામના પુરી કરે છે.

લાજોએ સમજીને જ એકને બદલે બે ટિકીટ લીધી હતી. પિશુ ખાલી સીટ પર બેસતો નહતો, એટલે લાજો એના ખભે હળવા ધબ્બા મારીને છાનો રાખવાની કોશિષ કરતી રહી. આ કોઇનાથી જોયું જતું ન હોતું. નસીબ થોડું જામ્યું હોત તો લાજોરાણી એના છોકરાને બદલે આપણા ખભે ધબ્બા ના મારતી હોત ? કોઇ પંખો ચાલુ કરો....

આવું થાય એટલે, ચારેબાજુએથી મામાઓ ફૂટી નીકળે. બાળકને છાનું રાખવા 'હેલુલુલુ....' જેવા ચોવીસેક પ્રકારના વાંદરાવેડાં થાય. 'આવતું'લે મારૂં લાલુ... આવતું'લે...!' ના વાત્સલ્યભાવથી પાછળની સીટ પર બેઠેલા ચશ્મીસે ટ્રાય માર્યો. એની સાથે એની વાઇફ પોતાના ગોરધનના ધંધા જાણતી હશે, એટલે છણકો કરીને કહી દીધું, 'છાના રિયો... ઘરના છોકરાને તો કોઇ 'દિ 'આવતું'લે...કે જતું 'લે' કીધું નથી ને આંઇ શેના મંડયા છો ?' એટલે એક કૅસ તો ઠેઠ જામનગર સુધી ફાઇલ થઇ ગયો. ચશ્મિસ આખી મુસાફરી દરમ્યાન પિશુની સામે જોઇ ન શક્યો... પણ ચશ્માની કોરી ધાર પરથી એ લાજોના સિલ્કી લાંબા વાળને જોઇ લેતો. 'ઓહ... કેવા નીચે સીટને અડે એટલા લાંબા વાળ છે..! અને આપણાવાળી દેસીને તો મારા ઉપરાંતે ય કોઇ જોતું નથી.' જે વેદના ચશ્મિસ પોતાની આત્મકથામાં લખી શકવાનો નહતો, એ મનોમન બોલી ગયો.

આ બાજુ ગટ્ટી બેઠી હતી. આમ તો એ ભ'ઇ હતો, પણ શરીરની સાઇઝ ઉપરથી જ ખોટી આવી હતી. આપણી બાજુમાં આ ગટ્ટી ઊભી હોય તો ઘડીભર ચોંકી જવાય કે, કોઇ પોતાની લૅપટૉપ બૅગ ભૂલી ગયું લાગે છે ! રોટલી બનાવવાના કણેક ઉપર સોપારી દબાવી દીધી હોય, એમ બે ખભા વચ્ચે ગટ્ટીનું માથું ઘુસી ગયું હતું, ને તો ય લાજોના છોકરાને રમાડવા બહાર આવું-આવું કરતું હતું. એને એક ફાયદો હતો કે, એની સાથે એની કે કોઇની વાઇફ નહોતી. જો કે, એની ય માંડ હોય ત્યાં કોઇકની તો ક્યાંથી હોય ? પિશુને રમાડવા આ ગટ્ટી ય ઊંચી-નીચી થતી'તી. એક વખત તો એ બોલ્યો ય ખરો, 'ડીકુડીઇઇઇ... મારી ડીક્કુડી... કૅડબરી આપું...?' લાજો તો ઠીક, બધાએ જોઇ જોયું કે, સદરહુ અવાજ આવ્યો કઇ બાજુથી ? સાલું, પચ્ચી મિનિટની મુસાફરીમાં ડીકુડીનો બાપ તું ક્યાંથી થઇ ગયો... અને એ ય આ સાઇઝનો ? સીધા ઍન્ગલથી તો ગટ્ટી સીટમાં બેઠેલી દેખાય એમ નહોતી. અમારા બધાનો જીવ ઊંચો એ કારણે થઇ ગયેલો કે, બસનો ડ્રાયવર પણ સીધું જોઇને ચલાવવાને બદલે પૅસેન્જર-મિરર (અરીસા)માં લાજોને ફોકસ કરીને બેઠો હતો.

કહે છે કે, 'કૌન કહેતા હૈ, બુઢ્ઢે ઇશ્ક નહિ કરતે, યે તો હમ હૈં જો શક નહિ કરતે.' એ ધોરણે એક શઇૈં જેવો લાગતો ડોહો ય બરોબરનો ઉપડયો હતો. એણે પિશુને ખોળામાં લઇ લીધો ને લજ્જુને પાછો કહે, 'બેટા, જરા ય ચિંતા ન કરીશ... હું છું ને ?' ડોહા-લોકોને 'બેટી... બેટી..' કહીને આગળ વધવાની તકો ખૂબ મળે. આપણા જેવા ઉપર તો શક પણ થાય, પણ ડોહાઓ કોરાધાકોડ નીકળી જાય. કાકો પાછો ન્યાયમાં બહુ માને. પિશુને છાનો રાખવા એક હાથ એના માથે ફેરવે, તો બીજો લાજોના માથે ય ફેરવી લે. આપણે મેહનત કરી નહિ ને હજી સુધી ડોહા નથી થયા, એની ચિંતા થાય, એમ એકાદ-બે ઇર્ષાળુઓએ પિશુને જ સમજાવ્યો, 'અહીં આવો બેટા... કાકાના હાથમાંથી તો ભમ્મ થઇ જવાય..!' ચશ્મિસ બધું જોતો હતો એટલે સ્વગત બગડયો, 'આપણા માટે તો ભલે લાજોડી બેન-બરોબર કહેવાય... પણ ડોહાઓના ઘરમાં દીકરી-ફીકરી નહિ હોય ?....ડોહાઓ આવું કરે, એમાં આપણા ઉપર કેવા સંસ્કાર પડે ?'

લાજો હવે ત્રાસી ગઇ હતી. એક છોકરૂં સંભાળવાનું આવે, ત્યાં સુધી ઠીક છે... અહીં તો !

વચમાં ચા-નાસ્તા માટે એક હોટલ પર બસ ઊભી રહી, એમાં બધું મળીને ૭૯-પૅકેટો ચૉકલેટ-બિસ્કીટ્સના ખરીદાયા.

લાજુ તો સમજી ય ન શકી કે, હું વૉલ્વોમાં બેઠી છું કે અનાથાશ્રમમાં !

અચાનક હવામાન પલટાયું. વૉલ્વો હજી તો ઉપડી જ હતી, ત્યાં આગળ ઊભેલી પોલીસ-પાર્ટીએ બસને રોકી. પોલીસ એક એવા પ્રાણીનું નામ છે કે, તમે નજીક ન જાઓ, તો ય કરડવાની બીક લાગે. એને જોતા જ ગૂન્હો કબુલી લેવાનો ફફડાટ થાય... ભલે ગૂનો સપનામાં ગાજર ચોરવાનો કર્યો હોય ! અમે બધા ચોંકી ગયા. મને બીક એ કે, '૬૮ની સાલમાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી હતી, એમાં ચોરી કરી હતી અને પકડાયો નહતો... એ રાઝ સાલો અત્યારે તો નહિ ખુલ્યો હોય ? બધા એકબીજાની સામે જોવા માંડયા, કેમ જાણે 'શું થયું ?' એની બધાને ખબર હોય.

કોઇ સબ-ઈન્સ્પૅકટર જેવા લાગતા પોલીસની સાથે એના બીજા એક-બે સાગરિતો બસમાં ચઢ્યા. હવે, આ પોલીસ હિંદી ફિલ્મો બહુ જોતા હશે, કારણ કે, હિંદી ફિલ્મોનો કોઇપણ પોલીસ પોતાના હાથનો ડંડો બીજા હાથમાં હળવે-હળવે પછાડે રાખે તો જ ગૂન્હો પકડાય. હવેના પોલીસ તો ડંડા-બંડા રાખતા નથી, એટલે અમને રાહત હતી કે, આનાથી કોઇ ગૂન્હો ઉકેલાવાનો નથી. પણ એ જોતો હતો બધા ઉપર શક કી નિગાહ સે...! મને પેલી ગટ્ટી ઉપર ડાઉટ હતો. કહે છે કે, ટીંગુજીઓ ઉપર બહુ વિશ્વાસ ન મૂકવો. દેખાવમાં જ એ નાની સાઈઝના 'ભાઈ' જેવો લાગે છે.

પોલીસવાળો ક્યાંય નહિ ને લાજો પાસે જઇને ઊભો રહી ગયો. 'ગીરફતાર કર લો ઇસે...!' એવો આદેશ એણે જમાદારોને આપ્યો, લાજો ગભરાઇ પણ નહિ અને પિશુને પોલીસવાળાના હાથમાં સોંપીને ઉતરી ગઇ.

હિંદી ફિલ્મોના ૯૮-ટકા ઈન્સ્પૅકટરો રાણા, સિંઘ કે રાઠોડો હોય છે, જ્યારે ગુજરાતમાં ૯૦ ટકા ઈન્સ્પૅકટરો ઝાલા સાહેબ, પરમાર સાહેબ કે સોલંકી સાહેબ હોય છે. કોઇ જમાદાર કે આઇ.જી.પી.નું નામ 'દવે સાહેબ' સાંભળ્યું ?

પણ આવડો આ આમાંનો એકે ય નહતો. એ કોણ હતો, એનું આપણે શું કામ, એટલે અમે કોઇએ પૂછપરછ ન કરી, પણ હેબતાઇ બધા ગયા હતા કે, લાજોરાણીની ધરપકડ શા માટે ? શું થયું હશે ? કેમ એ કાંઇ બોલી નહિ ? વો કૌન થી ?

'તમારા બધામાંથી આ બાઇને કોઇ ઓળખે છે ?... બાઈ કોકનું છોકરૂં ઉઠાવીને ભાગી રહી હતી...'

પેલી પ્રૅગ્નન્ટ હોય ને ઈલ્ઝામ અમારા બધાની ઉપર આવ્યો હોય, એવા અમે બધા તો ડઘાઈ ગયા. કોઇ બોલી તો શું, પોલીસવાળાની સામે જોઇ પણ ન શકે ને ? તો ય, ગૂન્હો જાણે અમે કર્યો હોય ને છોકરૂં લજ્જુ નહિ, અમે લઇને ભાગ્યા હોઇએ, એવા ડરી ગયા. ચશ્મિસની સામે હજી તો પેલાએ જોયું જ હતું, તો ય એ બોલી ઉઠયો, 'સાહેબ.. હું નહિ.. હું નહિ.. આ મારી વાઈફ છે.. પૂછો.. છોકરૂં મારૂં નથી... આઇ મીન... હું તો બહેનને ઓળખતો ય નથી.'

પોલીસે ટીંગુને ખભે હજી તો હાથ જ મૂક્યો હતો એમાં, એના ગળામાં ખખરી બાઝી ગઇ હોય, એવા અવાજે એટલું જ બોલ્યો, 'સાહેબ... હું નો'તો.. હું નો'તો ! હું તો પહોંચું ય નહિ...'

ઉપર સુધી 'લડકી કા બાપ કૌન હૈ ?' જેવો સવાલ પૂછાયો હોય, એમ શઇૈં કાકો, 'હું નહિ.. હું નહિ...' જેવા ફફડાટ સાથે કાઠીયાવાડીમાં બોલવા માંડયો, 'સર' મને પેલ્લેથી ડાઉટું હતા કે, આ કોક છિનાળ જ છે.. મારે એને કે'વું પઇડું કે, 'બેટા.. હું તો તારા બાપની ઉંમરનો છું...'

હું તો પહેલેથી દેખાવમાં ઘણો સજ્જન લાગું છું, એટલે પોલીસે મને કાંઇ પૂછ્યું જ નહિ... આ તો એક વાત થાય છે !

જામનગર સુધી આખી બસમાં એક જ વાત ચાલી, 'આજ કાલ બાઇયુંનો કોઇ ભરોસો છે ? રામ જાણે, કોણ બિચારી માંનું બાળક ઉઠાવીને આ છિનાળ ભાગતી હશે ! આવીઓને તો ફાંસીએ જ લટકાવવી જોઈએ...!

...ને તો ય, જામનગર ઊતરતી વખતે ડોહો ચશ્મિસને કહેતો હતો, 'ગમે ઇ કિયો... દીકરી દેખાવમાં પરી જેવી લાગતી'તી, હોં ?'

સિક્સર
'વૉટ્સઍપ'માં ગુજરાતીઓની ખાસ ખૂબી.... ભગવાનના ફોટાવાળા મૅસેજની નીચે પ્યૉર નૉન-વૅજ જોક લખ્યો હોય !

No comments: