Search This Blog

09/01/2015

'કોરા કાગઝ'(૭૪)

ફિલ્મ : 'કોરા કાગઝ'(૭૪)
નિર્માતા : સનત કોઠારી
દિગ્દર્શક : અનિલ ગાંગુલી
સંગીત : કલ્યાણજી- આણંદજી
ગીત-સંવાદ : એમ.જી. હશમત
રનિંગ ટાઇમ : ૧૫- રીલ્સ : ૧૨૫- મિનિટ્સ
થીયેટર : રીલિફ (અમદાવાદ)
કલાકારો : જયા ભાદુરી, વિજય આનંદ, અચલા સચદેવ, સુલોચના, એ.કે.હંગલ, નાઝનીન, દેવેન વર્મા, દિનેશ હિંગુ, પદ્મારાણી, અરવિંદ રાઠોડ, શાલીની, ભરત કોઠારી, રમેશદેવ અને સીમા



ગીતો
૧. મેરા પઢને મેં નહિ લાગે દિલ... લતા મંગેશકર
૨. મેરા જીવન કોરા કાગઝ, કોરા હી... કિશોર કુમાર
૩. રૂઠે રૂઠે પિયા, મનાઉં કૈસે આજ ન જાને... લતા મંગેશકર

આ'૭૦નો દાયકો ગુજરાતી છોકરીઓ માટે... પેલી ખાડીયાની ભાષામાં, 'બહુ વહેમો મારવાનો' હતો. ત્યાં મુંબઇની કોઇ ફિલ્મમાં હીરોઇન મૂછો રાખે, બસ એટલા પૂરતી જ નકલ નહિ કરવાની, અધરવાઇઝ... ત્યાં બેઠી બેઠી હીરોઇનો જે કોઇ નખરા કરે તે બધા નખરા કે ફેશનો રાતની ગુજરાત મૅઇલ પકડીને સીધા અમદાવાદ આવી જાય. થોડા ઘણા વચમાં નડિયાદ કે અંકલેશ્વરે ય ઉતરી જાય...(અહી ભૂલો- બૂલો નહિ કાઢવાની કે, ગુજરાત મેઇલ તો અંકલેશ્વર ઊભો જ રહેતો નથી.. હું રેલ્વેમાં સાંધાવાળાની જૉબ પર નથી !)

પણ મને યાદ છે, અમારા જમાનામાં પોતાને શિક્ષિત ગણાવવા માંગતી યુવાન સ્ત્રીઓ રીતસરની જયા ભાદુરીની પાછળ પડી ગઇ હતી. એવો જ કોરા વાળનો અંબોડો, લેવા-દેવા વગરના કાળી ફ્રેમના ચશ્મા, ખાદી અથવા કડક કૉટનનો સાડલો, ભલે મહી સેવ-મમરા ભર્યા હોય તો ય ખાદીનો બગલથેલો ખભે લટકતો રાખવાનો... અને ખાસ તો, બસ-ફસ કે રીક્ષા-ફીક્ષામાં નહિ બેસવાનું... ફિલ્મમાં જયા બસ, ચાલે જ રાખે છે ને...? આપણે ય ચાલવાનું અને તે ય ધીમી ચાલે નીચે જોતા જોતા. આંધળી નકલનો ગુસ્સો તો બહુ ચઢી જતો જોનારાઓને, પણ નસીબજોગે એ ફેશને બહુ લાંબી ચાલી નહિ. આમ જોવા જઇએ તો ફિલ્મ 'લવ ઇન સિમલા' પછી દેશભરની સ્ત્રીઓએ કપાળે 'સાધના-કટ' લટો સૂકવવા મૂકી હતી, જે આજ સુધી ચાલે છે. સાધના- કટ પણ સાધના કે એની હેર-ડ્રેસરની પોતાની નહોતી. ગ્રેગરી પૅક સાથે પહેલી ફિલ્મ 'રોમન હૉલી ડે'માં ચમકેલી ક્યૂટ હીરોઇન ઑડ્રી હૅપબર્નને આ ફિલ્મમાં કપાળ ઉપર લટો છૂટી મૂકવાની ફેશન શરૂ કરી હતી, જે આખી દુનિયામાં ફેલાઇ. આ 'સાધના કટ'ને ઇંગ્લિશમાં ''ફ્રીન્જ'' કહે છે. આ અદ્ભૂત ફિલ્મમાં ગ્રેગરી પૅકની ખાનદાની જુઓ.ફિલ્મના ટાઇટલ્સમાં ગ્રેગરીના મોટા નામ પછી ઑડ્રી માટે... and introducing Audrey Hepburn લખવાનું હતું એને બદલે ગ્રેગરીએ પ્રોડયુસરને વાત કરી કે, આ છોકરી એક દિવસ હૉલીવૂડની સુપરસ્ટાર બનશે. એનું નામ (અને પૈસા પણ) મારી બરોબરીના રાખો. પ્રોડયુસર માની ગયા. તા.૨૦ જાન્યુઆરી, ૧૯૯૩માં ૬૩ વર્ષની ઉંમરે અબ્ડોમિનલ કૅન્સરને કારણે ગુજરી ગઇ ત્યારે ફ્યુનરલમાં ગ્રેગરી પૅકે ઓડ્રીને રડતા રડતા શ્રધ્ધાંજલિ આપતા,ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોરની કવિતા વાંચી સંભળાવી હતી.

અનિલ ગાંગુલીનું દિગ્દર્શક તરીકે નામ ઉજળું તો જાવા દિયો, સંભળાયું ય નહોતું. રાખી સાથે ફિલ્મ 'તપસ્યા' અને અનિલ કપૂર- અમૃતા સિંઘ સાથે ફિલ્મ 'સાહેબ' બનાવ્યા પછી, રામ જાણે ક્યૂં કૂતરૂં એમને ક્યાં કઇડી ગયું કે, ઋષિકેશ મુકર્જી કે બાસુ ભટ્ટાચાર્યના લૅવલની ફિલ્મો બનાવાનારો આ માણસ સીધી મિથુન ચક્રવર્તી સાથે એક્શન ફિલ્મો બનાવવાના રવાડે ચઢી ગયો. મને ખૂબ્બ ગમી ગયેલી કૉમેડી સીરિયલ 'સારાભાઇ વર્સીસ સારાભાઇ'માં વારેઘડીએ સાસુ રત્ના પાઠકના તાના સાંભળનાર 'વહુ' મોનિષાનો રોલ કરનારી રૂપા ગાંગુલી આ 'કોરા' ગાંગુલી કાગઝની દીકરી છે.

આજની ફિલ્મ 'કોરા કાગઝ'માં ય બધો દાટ દીકરીની માંએ જ વાળ્યો છે. દીકરી જયા ભાદુરી તો ફિલ્મની ટેકનિકલ હીરોઇન છે, પણ સમગ્ર વાર્તાનું કેન્દ્રસ્થાન ખૂબ નમણી ચરિત્ર અભિનેત્રી અચલા સચદેવને મળ્યું છે અને અચલા તો જન્મજાત ટેલેન્ટેડ અને જેમ જેમ ઉંમર વધતી જાય, એમ એમ રૂપ ખીલતું જાય, એવી શોભામણી હતી. ઠેઠ ૧૯૩૮માં ફિલ્મ 'ફેશનેબલ વાઇફ'થી હિંદી ફિલ્મોમાં પદાર્પણ કરનાર અચલા પૂનાના ભોસારી ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલ મોરિસ ઇલેકટ્રોનિક્સ ચલાવતા ઇંગ્લિશમેન કિલફર્ડ ડગ્લસ પીટર્સ સાથે પરણી હતી ને પહેલા પતિથી થયેલો જ્યોતિન નામનો પુત્ર અમેરિકા રહે છે. બાથરૂમમાં પડી જતા પગમાં થયેલું ફ્રૅક્ચર જ જીવલેણ નીકળ્યું અને સપ્ટેમ્બર ૨૦૧૧માં અચલા સચદેવ ગૂજરી ગઇ.. 'અય મેરી જોહરા જબીં, તુઝે માલુમ નહિ..' ગીત ફિલ્મમાં જોતી વખતે અચલા સચદેવને જોઇને ગાતા બલરાજ સાહનીને બદલે આપણે હોવા જોઇતા હતા, એવી બીજી બદમાશી તમને સૂઝી હોય તો પહેલી મને સૂઝી હતી. મૂળ તો ફિલ્મો બંગાળીઓ બનાવે, એટલે એમની કોઇ સ્વચ્છ સાહિત્યિક કૃતિને જ ફિલ્મ બનાવવા માટે પસંદ કરી હોય, એમાં અહી સન્માન્નીય બંગાળી લેખક શ્રી આશુતોષ મુખોપાધ્યાયની નવલકથા 'શાત પાકે બાંધા' ઉપરથી બંગાળીમાં પણ એ જ નામે ફિલ્મ (૧૯૬૩) બની, જેમાં જયા ભાદુરીવાળો રોલ મહાન બંગાલણ સુચિત્રા સેને કર્યો હતો.

ધનિક પરિવારની કોલેજ ભણતી અર્ચના ગુપ્તા (જયા)ને અચાનક લોકલ બસમાં પ્રોફેસર સુકેશ દત્ત (વિજય આનંદ)નો ભેટો થઇ જાય છે. ને પ્રેમ અને પછી લગ્નમાં પરિણામે છે. અલબત્ત, સુકેશ કેવળ પ્રોફેસર છે અને સામાન્ય સ્થિતિનો છે, એ અર્ચનાની મા (અચલા સચદેવ)થી સહન થતું નથી અને દીકરીના ઘરમાં અવનવી સગવડો નંખાવે રાખે છે, જે સુકેશને ગમતું નથી. ગમતું તો જયાને પણ નથી, પણ મમ્મી પ્રેમથી બધું આપે છે, એમાં માઠું શું લગાવવાનું, એ થીયરીને પણ એ સપોર્ટ કરે છે, એમાં પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થઇ જાય છે. બન્ને આ નિર્ણયથી ખુશ તો નથી જ કારણ કે છુટાછેડામાં ય એ બન્નેની ઇચ્છા કે સંમતિને બદલે દીકરીની માનું વજન વધારે રહે છે. અર્ચના ગામડાગામમાં એકલી નોકરી કરે છે ને એક દિવસ પોતાના ઘરે પાછી ફરતા રેલ્વે સ્ટેશનના વેઇટિંગ-રૂમમાં સુકેશ મળી જાય છે. આજ સુધી જે વાત ખુલીને પૂછાઇ નહોતી, તે અચાનકતાએ કઢાવી લીધી. અર્ચના એક જ સવાલ પૂછે છે, ''ક્યા સારા દોષ મેરા હી થા ?'' જવાબમાં સુકેશ પણ પસ્તાવાના ભાવ સાથે કહે છે, ''થોડા તુમ્હારા થા, થોડા મેરા થા.. ઔર થોડા હમદોનોં કા થા !'' અને બન્ને એકબીજાને ભેટી પડે છે.

પણ ફિલ્મનું આ અંતિમ દ્રષ્ય બધી રીતે પ્રેક્ષકોને વહાલથી યાદ રહી ગયું છે. પોળને નાક અમને તો સહુને આ સંવાદો કંઠસ્થ થઇ ગયા હતા.

''બટન...? શર્ટ પે બટન નહિ હૈ ?''

''બટન તો ક્યા... સબ કુછ તૂટ ગયા.''

''કોઇ લગાનેવાલા નહિ મિલા ?''

''એક મિલી થી, પર વો ભી.. ન જાને.. ક્યા સે ક્યાં હો ગયા..?''

''એક બાત પૂછું ? ક્યાં સારા દોષ મેરા હી થા...?''

''થોડા તુમ્હારા થા, થોડા મેરા થા... ઔર થોડા હમદોનો કા થા !''

બહુ ભાગ્યે જ ફિલ્મોમાં બને છે એવું અહી થયું છે. ફિલ્મના ગીતકાર એમ.જી.હશમતે ગીત અને સંવાદમાં સુંદર કામ કર્યું છે. ખાસ કરીને દેવેન વર્માની કોમેડીમાં તો એ ખીલી ઉઠયા છે. આમે ય દેવેનની કોમેડી સ્થૂળ નહિ, પણ સૂક્ષ્મ રહેતી. સારા ઘરના પરિવારોને ગમે એવી. દિગ્દર્શકે ફિલ્મમાં બસ, એક જ બેવકૂફી દેવેન વર્માને અડધી ફિલ્મે ઉડાડી દેવાની કરી છે. એનો રોલ વચ્ચેથી સાવ ભૂલાઇ જ ગયો !

ફિલ્મની સાઇડી હીરોઇન નાઝનીનનો જમાનો આવતા આવતા જ પૂરો થઇ ગયો. બહુ બહુ તો પરણી ગઇ હશે એટલે, નહિ તો '૭૦ના દાયકા પ્રમાણે તો એ ખૂબ સૅક્સી સ્વરૂપવાન ગણાતી હતી. હાઇટ-બૉડી પરફૅક્ટ ને એમાંય લાંબા વાળ. જીતેન્દ્ર-રેખાની ફિલ્મ 'એક હી ભૂલ'માં જીતુની એ આ એક ભૂલના રોલમાં દર્શકોને ઘણા પલાળી નાંખે છે. (એવા જ લાંબા વાળ છતાં હાઇટમાં ટીંગુજી રાજેન્દ્ર-સાધનાની ફિલ્મ 'આરઝુ'વાળી નાઝીમાં જુદી !)

ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં વજનદાર નામ ધરાવતી બેલડી પદ્મારાણી અને અરવિંદ રાઠોડે આ હિંદી ફિલ્મોમાં નામ પૂરતા રોલ કર્યા છે, ત્યારે સવાલ થાય કે, અમિતાભ બચ્ચનને હૉલીવૂડની ફિલ્મમાં ત્રણ સેકંડ માટે ભાલો પકડીને કોઇ યુધ્ધમાં દોડતો બતાવવાનો રોલ મળે તો કરી લેવાનો ? આ બન્ને ગુજરાતી બેલડીનું અહી મોટું નામ છે ને જસ્ટ... હિંદી ફિલ્મમાં ચમકવા મળે છે, એટલે આવા ફાલતું રોલ સ્વીકારવાના ? એ બન્નેની બાઓ ય ખીજાઇ નહિ હોય ? આ બાજુ એ.કે.હંગલ સાહેબને (''યે ઇતના સન્નાટા ક્યું હૈ, ભાઇ ?'') તો કોઇપણ ફિલ્મમાં જુઓ એટલે પ્રણામો કરવાની ઇચ્છા થાય, એટલી સ્વાભાવિકતા કોઇ પણ રોલમાં હોય, વડોદરાનો આપણો ગુજરાતી કૉમેડિયન દિનેશ હિંગુ યુવાન હતો, ત્યારનો અહીં ચમકે છે, એટલે ઓળખાતો નથી. નહિ તો ફિરોઝ ખાનની ફિલ્મોમાં પારસીનો રોલ કર્યા પછી એ પારસીના રોલમાં ટાઇપકાસ્ટ થઇ ગયો હતો.

વાત ફિલ્મના હીરો વિજય આનંદની કરવા જેવી ખરી. ફિલ્મ ઉત્તમ હોય ને કૅમેરાના પ્રત્યેક શોટ મનલૂભાવન હોય, એવો દિગ્દર્શક વિજય આનંદ અનેક તબક્કે રાજ કપૂર કે ગુરૂદત્તો કરતા ય આગળ નીકળી ગયેલો. યાદ કરો, એણે દિગ્દર્શિત કરેલી ફિલ્મો, 'ગાઇડ, જ્હોની મેરા નામ, તીસરી મંઝિલ, તેરે મેરે સપને, તીન દેવીયાં (નામ અમરજીતનું લખાવ્યું હતું), નવ-દો-ગ્યારહ, કાલા બાઝાર, જ્વૅલ થીફ અને તમને ગમ્યું હોય તો ફાલતું છતાં રાખી-ધર્મેન્દ્રની ફિલ્મ બ્લૅક-મૅઇલ' ઠીક કહેવાય, પણ આટલી સુંદર ફિલ્મો બનાવનારો આખરે તો દેવ આનંદનો જ ભાઇ ને ? એ ય ફાલતું ફિલ્મો ઉતારવા માંડયો, 'રામ-બલરામ' 'છુપા રૂસ્તમ' 'બુલેટ' 'એક-દો-તીન-ચાર' અને 'રાજપુત'. ગોલ્ડીના ઉપનામે ઓળખાતો વિજય આનંદ એક્ટર તરીકે મોટો ત્રાસ હતો, સિવાય કે ''મૈં તુલસી તેરે આંગન કી' અને થોડો થોડો ગમે એવો હતો, ડૉક્ટર જગન કોઠારીના રોલમાં ફિલ્મ 'તેરે મેરે સપને' પૂરતો. દેવ આનંદ-વહિદાને લઇને એ લોકોના ઘરની જ ફિલ્મ 'કાલા બાઝાર'માં એ વહિદાનો પ્રથમ પ્રેમી બને છે, પણ વાસ્તવિકતામાં ય બન્ને પ્રેમમાં પડી ગયા હતા... (ઓહ વહિદા... તેરે કિતને ગામ...???) પણ પોતાના તમામ પ્રેમીઓ પાસે ઇસ્લામ અંગીકાર કરવાનું જ ફોર્મ ભરાવવાની જીદને કારણે કોઇએ એ બહેનને ભાવ ન આપ્યો, એમાં છેવટે શશી રેખી (ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'નો હીરો, 'કમલજીત') ભરાયો ને વહિદાનો પતિ બન્યો, એના થોડા જ વખતમાં ભૂલ સમજાઇ ને પાછો હિંદુ બનીને વહિદાથી છુટા થયા પછી ગુજરી ગયો.

ગોલ્ડીનું વિશ્વ ઘણું નાનું હતું, એટલે વહિદાથી છુટા પડયા પછી કોને પરણવું, એની લ્હાયમાં ને લ્હાયમાં, પત્નીની શોધમાં ચૌદે બ્રહ્માંડોમાં ખોળાખોળી કરવાને બદલે પોતાના ઘરમાં જ હાથ માર્યો અને સગી ભાણી સાથે લગ્ન કરી નાંખ્યા... એક વાર તો એ લગ્ન કરી ચૂક્યો હતો. થોડા સમય માટે ગોલ્ડી પણ વિનોદ ખન્નાની જેમ આચાર્ય રજનીશના આશ્રમમાં શિષ્ય તરીકે જલસા કરી આવ્યો હતો.

૯૮- ટકા લોકોને દેવ આનંદને ફક્ત બે જ ભાઇઓ (ચેતન આનંદ અને વિજય આનંદ) હોવાની જ ખબર છે. હકીકતમાં સૌથી મોટા ભાઇ મનમોહન આનંદ હતા... (પણ નામ 'મનમોહન' હોવાને કારણે ક્યાંય કશું ઉકાળી નહિ શક્યા હોય !) હાલમાં વર્ષોથી પોતાની સાવકી માં (ફિલ્મ હીરરાંઝાની હિરોઇન પ્રિયા રાજવંશ)નું ખૂન કરવા બદલે ચેતન આનંદના બન્ને પુત્રો કેતન અને વિવેક આનંદ જેલમાં છે.)

ફિલ્મમાં ત્રણ જ ગીતો હોવાથી દર્શકો કે શ્રોતાઓને બહુ અત્યાચારો સહન કરવા પડયા નથી. કિશોરનું 'મેરા જીવન કોરા કાગઝ...' આજ સુધી જામેલું રહ્યું છે. બાકી લતાના બન્ને ગીતો ક્યારના ય ભૂલાઇ ગયા છે.

(સીડી સૌજન્ય : જયેશ જરીવાલા- સુરત)

(ફિલ્મ 'ઉપકાર'માં મન્ના ડે ના ગીત, 'કસમેં વાદેં...'માં 'આસમાન મંે ઊડનેવાલે, મિટ્ટી મેં મિલ જાયેગા' આ મીસરામાં મને ભૂલ લાગી હતી કે, આસમાન મેં ઊડનેવાલે...' પછી 'મિટ્ટી મેં મિલ જાયેગા..' એકવચન કેમ થયું ? આગળ 'ઊડનેવાલે' એકવચનમાં છે, તો બાકીનું અધૂરૂં વાક્ય 'મિલ જાયેંગે...'આવવું જોઇએ. અનેક વાચકોએ ધ્યાન દોર્યું છે કે, આમાં ગ્રામરની કોઇ ભૂલ નથી. આકાશમાં ઊડવાવાળાને અહી ખબરદાર કરવામાં આવ્યો છે કે, એક દિવસ તું પણ માટીમાં મળી જઇશ.' આવી રચનાત્મક ભૂલ બતાવનારાઓનો આભારી છું. -અ.દ.)

No comments: