Search This Blog

18/02/2015

પગ ભાંગે છે ત્યારે...

સ્કૂલમાં હતો ત્યારથી મને ઘોડે ચઢીને યુધ્ધભૂમિમાં ભાલા અને તલવારો લઇને દુશ્મનોને લોહીલુહાણ કરી આવવાની તમન્નાઓ બહુ થતી. આ આપણી એક હૉબી! (આ વિધાનથી એવું ન સમજવું કે, હું ઍટ લીસ્ટ... સ્કૂલ સુધી તો ભણેલો છું, એની આ જાહેરાત છે...! આપણી પાસે 'સ્કૂલ લીવિંગ સર્ટીફિકેટ'ની ફોટો-કૉપી છે... ફાધરને ઝૅરોક્સનો બિઝનૅસ હતો!)

બીજાઓને યુધ્ધો જોવા ગમે, મને કરવા ગમે! આમાં તો કેવું છે કે, શીખ્યા હોય તો કોક 'દિ પડોસી સામે ભાલો લઇને ટટ્ટાર ઊભા રહેવાના કામમાં આવે. મેં તો સૅલ્ફીમાં હાથમાં તલવાર સાથેના ત્રણ ફોટા પાડયા છે... (એક સારો આવ્યો છે.) હું સાક્ષાત રાણા પ્રતાપ બનીને અકબર-એ-આઝમ સામે ઘોડા ઉપર બેસીને યુધ્ધ કરતો હોઉં, એવા વિચારો મને રાત્રે સૂતી વખતે આવે. (એ વખતે, વાઇફ વાઇફ નહિ, પણ રાણી લક્ષ્મીબાઇ સુતી હોય એવું લાગે... એ વાત જુદી છે કે, સવારે ઊઠીને એને જોઇએ, એટલે બધ્ધા પૈસા પડી જાય....કે, 'આની સામે ય મારૂં કાંઇ ઉપજતુ નથી, ત્યાં શહેનશાહ અકબરને તો કે 'દિ પહોંચી વળાશે?'.... આ તો એક વાત થાય છે! આ તો ભ'ઇ, બધી વીરતાની વાતો છે. કાચાપોચાનું કામ નહિ!) બસ, એક વાતે પગ પાછા પડી જતા હતા કે, યુધ્ધોમાં સાલા હાથ-પગ બી ભાંગે, મારી નાનપણથી એક માન્યતા રહી છે કે, યુધ્ધો ભલે કરો, પણ હાડકાં ભાંગવા ના જોઇએ. એમ પાછો હું ફોસી બહુ. બીજા કોઇના પગમાં પ્લાસ્ટર જોઉં, તો ય મને સણકા ઉપડે છે.

કહે છે કે, હાથ-પગ શૂરવીરોના ભાંગતા હોય છે. યુધ્ધના મેદાનમાં હાથ-પગ ભંગાવીને આવેલો સેનાપતિ વીરયોધ્ધો કહેવાય છે. ઘરે આવતા પહેલા એ હાડવૈદ્યને ત્યાં પાટાપિંડી કરાવીને આવતો નથી- સીધો ઘેર આવે છે, જ્યાં રાજપુતાણી કંકુ-ચોખાવાળી થાળી લઇને એનું સ્વાગત કરવા ઊભી હોય છે.
મારો પગ ભાંગ્યો, ત્યારે આમાંનું કશું ન મળે. જગતભરની તમામ વાઇફોઝની જેમ મને ય ખખડાવી નાંખવામાં આવ્યો, ''જરા જોઇને હાલતા હો તો...! જીયાં ને તીયાં ડાફરીયાં મારવાનું હવે તો બંધ કરો!''
એવું કાંઇ નહોતું. રોડ ઉપર છાપાંના કાગળનો ટુકડો પડયો હતો, તે આપણને એમ કે, ''લાય.... એકાદ લાત મારીએ...'' આપણને શી ખબર કે, એ કાગળ નીચે જમીનમાં ગડેલો સૉલ્લિડ પથ્થર હશે! આપણે નથી ઘણી વાર લેવા-દેવા વગરનું કોકા-કોલાનું ડબલું પડયું હોય તો એમ થાય કે, ''ચલો એક લાત મારીએ...'' આપણા અનેક કાર્યોને કારણ સાથે સંબંધ નથી હોતો. આમાં શક્તિ-પ્રદર્શન નથી હોતું... બે ઘડી મસ્તી હોય, મારા ભ'ઈ!

સમ્રાટ અશોક કહેતો કે, યુધ્ધ કરતા યુધ્ધ પછીના દ્રશ્યો બહુ દુઃખદાયક હોય છે. આવું મેં કીધું હોય તો ય મને ખબર નથી... ક્યાંક હું આવું બોલ્યો ય હોઉં...! મારે પણ અશોક જેવું જ થયું. મારા માટે તો લાત મારવાની એ ક્ષણ જ ઘણી ખૌફનાક હતી. વાઇફે તો ટોણો ય માર્યો કે, ''મારી મમ્મીનો બરડો ધારીને પથ્થર ઉપર લાતું માયરી'તી?'' અમદાવાદના સીજી રોડ પર મારૂં નીકળવું ને સામેથી શહેરની નહિ, પણ આખા અમદાવાદ જીલ્લાની શ્રેષ્ઠ કહી શકાય, એવી બે સુંદર સ્ત્રીઓ આવતી હતી.

આ બાજુ, મારી ઉંમર હવે દેખાવા માંડી છે. રહી રહીને મારા માથાના વાળે કોયલ-સ્વરૂપ ધારણ કર્યું છે. કોયલ પોતે માળો બનાવતી નથી ને પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે... લુચ્ચી...! એમ મારા માથાના વાળે માથું છોડીને કાન, નાક અને આંખની ભ્રમરો ઉપર વસવાટ કર્યો છે. મારાથી મોટી ઉંમરની મહિલાઓ પણ મને 'કાકા' કહેવા માંડી છે. તે આપણને એમ કે, કશોક કરતબ બતાવીએ તો છાપ સુધરે ને એ બન્નેને એમ લાગે કે, ''...છે કોઇ યુવાન...! નૉર્મલી, યુવાનો આમ રસ્તે પડેલા ડબલાંને લાતો મારતા હોય છે.'' હું તો જાણે કાંઇ જાણતો જ નથી, એમ એ બન્નેઓ કોઇ વીસેક ફૂટ દૂર હતી, ત્યારે ઊંચે જોઇને સિસ્સોટી વગાડતા વગાડતા નીચે પડેલા છાપાના કાગળ અને મારા પગ વચ્ચેનું અંદાજીત માપ કાઢીને પૂરજોશથી લાત મારી...!

ધૅટ્સ ઑલ...! આખો સીજી રોડ થીજી જાય, એવડી મોટી ચીસ પડાઇ. સદરહૂ ચીસો યથાવત રાખીને, બન્ને હાથે ઢીંચણ ઊંચો કરી એક પગે કૂદ્યો છું, ધરખમ કૂદ્યો છું, હદ બહારનો કૂદ્યો છું. સાહિત્યકારો ય સહમત થશે કે, ચીસોની કોઇ ભાષા નથી હોતી, ''ઓય વોય..'' ને ''મરી ગયો રે'' જેવી બૂમો જ હોય છે. 'ઓય વૉય'નું ઈંગ્લિશ મને આવડતુ નથી ને 'મરી ગયો રે'નું કરવા જેવું નથી. એક પગે કૂદકા મારતા હવે આ ઉંમરે ન ફાવે, એમાં આખેઆખો પડયો ને આ વખતે બન્ને ઢગરાઓ પછડાયા.

ઘેર પગે પ્લાસ્ટર બાંધીને સૂતા હો, ત્યારે ચિત્તોડના મહારાજા જરી આડા પડયા હોય એવો પ્રભાવ પડે, પણ પાછળ ઢગરાઓ ઉપર પ્લાસ્ટર બાંધીને સુઓ, તો રણછોડરાયજી મંદિરનો પૂજારી આડો પડયો હોય એવું લાગે.

ઘેર ખબર કાઢવા આવનારાઓને મને જોઇને મજા પડતી હતી. મારા જામનગરના વડિલને દાંત આવવા મંડયા. (કાઠીયાવાડમાં 'દાંત આવવા' એટલે હસી પડવું.) ''...તે આમ સુઉં લતું મારવા નીકર્યા'તા...? ભલા માણહ... પથ્થરૂં, પાણાંઓ કે ઠીકરાંવને લતું મરાતી હઇશે? ઘડીક થોભીને વિચાર તો કરવો'તો કે આમ પાણાને લાતું નો મરાય!'' એમના પત્ની મારો પાટો પંપાળીને કહે, ''દવે ભાઆ...ય, આ તમારા ભા'યને ય કાંય કે'વા જેવું નથ્થી...! તે વળી એક 'દિ ધાગધાગા થઇ ગીયા, એમાં ભેંસને તમાચો ચોડી દીધો... એમાં હાથ તઇણ ઈંચ ખભામાં ગરી ગીયો... ભેંશ તો દાંત કાઢતી વઇ ગઇ, પણ તમારા ભાઆ'ય ટુંકા થઇ ગયા... જોઇ જોવ.... એક હાથ કરતા બીજો ટુંકો છે.'' પણ એ બન્ને ગયા. એમાં એમના વાઇફના સાડલાનો છેડો મારા પગના પ્લાસ્ટરમાં ભરાયો. હબડક દઇને ઊભા થઇને એ ચાલ્યા, એમાં રિસાયેલા છોકરાંને માં પરાણે ખેંચીને ઢસડતી હોય, એમ મારો પગ પૂરજોશ ખેંચાયો. મૂળ ઘટના સરીખી બીજી ચીસ પડાઇ ગઇ.

ઑફિસનો સ્ટાફ ખબર કાઢવા આવ્યો. એ લોકોને મારા પગ કરતા ઢગરા ભાંગ્યા, એમાં વધુ રસ હતો. ''આમ સીધું તો સુવાતું નહિ હોય ને?... ઊંધા જ સુવું પડે, કેમ?.... અરે બૉસ... આમ પથ્થરને લાત મારતા વિચાર તો કરવો'તો!''

''સાહેબ, મોદી સાહેબના 'સ્વચ્છતા અભિયાન'ને તમે ટેકો આપ્યો હોત તો રસ્તા ઉપરના કાગળને કિક મારવાને બદલે ઉપાડીને કચરાપેટીમાં નાંખી દીધો હોત!'' કોક હસ્યું, એમાં આણે સીધો ચાનો ફૂવારો મારા મોંઢા પર આવવા દીધો. ખ્યાલ મને ય ન રહ્યો, એમાં આંચકા સાથે અચાનક ઊભા થઇ જવાનું મને ભારે પડયું. ગુજરાતીમાં એને કમરનો સણકો કહે છે.

ડ્રૅસિંગ માટે ઑર્થોપૅડિક ડોકટરને ત્યાં જવા માટે ૩-૪ દોસ્તોને બોલાવવા પડયા, પણ એમાંના ત્રણને વધારે અનુભવ-દર્દીને ખસેડવાનો નહિ, ઠાઠડી ઉપાડવાનો હતો. ''ક્યાંથી બાંધવાના છે?'' એવું કોક બોલ્યું એમાં મને છ હેડકી આવી ગઇ. બીજાએ વળી નહોતું કરવા જેવું, એવું સૂચન કર્યું, ''તમારી ન્યાતમાં છાતી કૂટનારી બાઇઓ મળી રહે કે ના મળે?'' અમારા ચોથે માળેથી લિફ્ટમાં ખસેડવા માટે મને ઊંધો સુવડાવીને લઇ જવાનો હતો, ત્યાં બીજો બોલ્યો, ''અત્યારે જ કાઢી જવાના છે?'' મનમાં ગમે તે હોય, પણ આ વખતે વાઇફ પણ ખિજાણી, ''ભાઆ'ય... આવું નો બોલાય...! આવું બોલાવાથી એમના આત્માને શાંતિ નો મળે, હઇમજ્યા?''
લિફ્ટમાં મને લાંબો સુવડાવવાની ઉતાવળમાં મારૂં માથું હજી બહાર હતું ને પેલાઓએ લિફ્ટનો દરવાજો બંધ કર્યો. આપણી લિફ્ટોનું એટલું વાળી સારૂં છે કે, આવું કાંઇ થાય તો ઑટોમૅટિક દરવાજો પાછો ખૂલી જાય, એટલે મને ત્યાં જઇને માથામાં ફક્ત બે જ ટાંકા લેવા પડયા.

જે મળે છે, એ એ જ પૂછે છે, ''રોડ પર આવી લાત મારતા પહેલા વિચાર તો કરવો'તો...!'' ને હું કહું છું, ''સદીઓ પહેલા હું રાણો પ્રતાપ હતો, ત્યારનો વિચાર કરતો હતો કે, આમ લાત-બાત મરાય કે નહિ...? આજે વળી અમલ કર્યો. ઑર્થો-ક્લિનિકની બહાર નીકળતા સ્ટ્રેચરમાં ઊંધા સુતા પછી મારી નજર રસ્તા ઉપર પડેલા છાપાંના એક કાગળ ઉપર પડી....!''

સિક્સર

- દિલ્હીમાં કેજરીવાલનો જયજયકાર થઇ ગયો...!
- કાંઇ ખોટું નથી થયું.... આવી એક લપડાક પડવા જેવી હતી!

No comments: