Search This Blog

25/02/2015

દુષ્યંત- શકુંતલા ૨૦૧૫

મહા ગુસ્સાવાળા મહર્ષિ વિશ્વામિત્ર અને સ્વર્ગની અપ્સરા મેનકા વચ્ચેનું લફરૂં ગેરકાયદે સંતાન સુધી પહોંચી ગયું, એટલે ગભરાયેલા વિશ્વામિત્રએ મેનકાને મોંઢા ઉપર જ કહી દીધું, 'યે બચ્ચા મેરા નહિ હૈ... ગૅટ લોસ્ટ !' એમ કહીને મેનકા અને એની બાળકીને ત્યજી દીધી. મેનકી એકલી તો શું કરવાની હતી ? એટલે જંગલમાં કોક વૃક્ષ નીચે એણે બાળકીને ત્યજી દીધી. એ બાળકી એટલે આપણી સ્ટોરીની લીડ હીરોઇન શકુંતલા. એ તો એમ કહો ને કે, મહર્ષિ કણ્વ ઋષિ વળી મોર્નિંગ વૉકમાં નીકળ્યા હતા ને એમની નજર આ બાળકી ઉપર પડીને ઉઠાવી લીધી. નોર્મલી, આજકાલ તો રોડ ઉપર પડેલી દસની નોટે ય કોઈ ઉઠાવતું નથી, પણ આશ્રમમાં પડી હશે તો કોક 'દિ કામમાં આવશે, એમ માનીને કણ્વ બાળકીને આશ્રમમાં લઈ આવે છે ને ઉછેરીને મોટી કરી રૂપમોહિની અને સર્વાંગ સુંદર શકુંતલા બનાવે છે.

સમય જતા બે પૈસા કમાવવા કણ્વ ઋષિએ પોતાનો આશ્રમ કાફેટેરિયામાં ફેરવી નાંખ્યો હતો, જેનું સંચાલન શકુંતલા અને તેની બે પ્રિય સખીઓ અનસૂયા અને પ્રિયંવદા કરતી હતી. આશ્રમની પાછળના ભાગમાં એ લોકોએ નાનકડાં ગેરકાયદે જંગલ જેવું બનાવ્યું હતું. ત્રણે સખીઓ આ જ જંગલમાં પોતપોતાના ભાગે આવેલા બોયફ્રેન્ડ્ઝ સાથે 'વોટ્સ એપ' કરવા અહીં આવતી.

અચાનક એક ભમરો 'ગૂનગૂનગૂનગૂન' કરતો શકુંતલાના માથે મંડરાવવા લાગ્યો. રસ્તા ઉપર કોઈએ નાખેલી સળગતી બીડી ઉપર પગ ચંપાઈ ગયો હોય એવી શકુ ઉછળી, 'ઓ મ્મી ગૉડ... ઓ મ્મી ગૉડ... અન્નુ... વંદા.. હેલ્પ મી... બચાવો.' ભમરાથી ગભરાઈ ગયેલી શકુએ ચીસાચીસ કરી મૂકી. અનસૂયાને શકુ હંમેશા 'અન્નુ' કહીને બોલાવતી, પણ શકુ જીભની થોડી તોતડી હોવાથી 'પ્રિયમ-વદા'ને બદલે 'પ્રિય-વંદા' જ બોલી શકતી, જે પિયુડીને ગમતું નહિ, એટલે એને ફક્ત 'વંદા' કહીને શકુ બોલાવતી. ભમરો પેલી બન્નેને પડતી મૂકી કેવળ શકુ ઉપર મંડરાતો હતો, એ બાબતે આશ્રમના વર્તુળમાં ગહેરી ચર્ચા પકડાઈ હતી કે શકુ આમ તો રોજ નહાય-ધૂએ છે, સ્માઇલો સાથે બોડી-સ્પ્રેઓ પણ છાંટતી હોય છે, છતાં ભમરો એની પાસે જ કેમ જાય ? અન્નુ અને પિયુ પણ જેલસ. આની ઉપર તો કેવા કેવા હેન્ડસમ ભમરાઓ મંડરાયે રાખે અને એ બન્ને ઉપર તો રાત્રે ઝીણી મસીઓ પણ કઇડવા આવતી નથી. આખરે સ્ત્રી સ્વભાવ તો ક્યાં જવાનો, યારો ? પણ શકુંતલી સાચ્ચે જ ગભરાયેલી હતી. ગુજરાત યુનિવર્સિટી પાસે ચાની કીટલીના મૂડા ઉપર બેસીને આવતી- જતીઓ સાથે ચક્ષુ વિવાહો કરતા છોકરાઓના ત્રાસથી પડાયેલી આ બૂમો નહોતી. જો કે, એમાં તો શકુ બૂમો પાડે ય શેની ? ('ચક્ષુ વિવાહ' એટલે 'ગાંધર્વ વિવાહ'થી ઉલટી ગંગા : સમજણ પૂરી) બન્ને સખીઓ ગભરાઈને શકુ પાસે દોડતી આવી, 'ઓહ ન્નો... શકુ ,વોટ હેપન્ડ... ? ક્યા હુઆ ?.. આર યુ ઓ.કે. ?'

બન્ને ડોબીઓ હતી. ગરમ લ્હાય જેવી તાવડી ઉપર ઘી તડતડ થતું હોય, એવા ઉછાળા શકુ મારતી હતી, એ નજર સામે જોવા છતાં સ્ટુપિડો પૂછે છે, 'આર યુ ઓકે ?' શકુ અહીં કાંઈ જ્ઞાાતિ રમતોત્સવમાં દોરડાં કૂદવા નહોતી આવી. આમે ય, એ બન્નેઓ મ્યુનિ.ના જંતુનાશક વિભાગમાં પાર્ટ-ટાઇમ જોબો કરતી નહોતી તે ભમરો ભગાડી શકે. એ વાત જુદી છે કે, બન્નેના પરફ્યૂમોમાં ડી.ડી.ટી.ની ફ્લેવર મળી આવતી, એમાં તો માંડમાંડ નજીક આવતા સ્થાનિક ભમરાઓ ય દૂર જતા રહેતા.

...ને ત્યાં જ, ઉગમણી દિશામાંથી ઘનઘોર ઝાડીઓની વચ્ચેથી પોતાની મોટરબાઇક કૂદાવીને રાજા દુષ્યંત હાજર થઈ જાય છે. રાજાઓ નોર્મલી, માથે સોનાનો મુગટ પહેરતા હોય, એને બદલે દુષીયો પતરાંની હેલ્મેટ પહેરીને આવ્યો હતો, એ જોઈને આ ત્રણે એટલું જ સમજી કે, આ છે કોઈ મીઠાખળીના મોટર ગેરેજવાળો. ત્રણે જણીઓએ કોઈ ધ્યાન ન આપ્યું. દુષ્યંત સાઇડમાં બાઇક પાર્ક કરીને બગલ વચ્ચે હેલ્મેટ દબાવી 'હાય' કરવા આવ્યો, ''એની પ્રૉબ્લેમ... ? મે આઇ હેલ્પ યુ'' પેલીઓ હજી તો ''છુટ્ટા નથી... આગળ જાઓ, બાબા'' કહી દે, એ પહેલાં ભમરો શકુના નાક પાસે આવી ગયો. દુષી પળભરનો વિલંબ કર્યા વિના પોતાની બાઇક તરફ દોડયો અને મહીંથી ફ્લિટનો પમ્પ લઈ આવ્યો. નોર્મલી, રાજા- મહારાજાઓ શિકાર ભાલા- તલવારોથી કરતા હોય, પણ ભમરો મારવા માટે તોપ અને એ.કે. ૪૭ જેવા શસ્ત્રો ન જોઈએ... આમાં તો ફ્લિટનો પમ્પ જ ચાલે, એવી સા.બુ. દુષીમાં હતી, એ જોઈને શકુ મલકાઈ, 'લડકે મેં કુછ દમ તો હૈ !' (સા.બુ. એટલે સામાન્ય બુદ્ધિ) એણે બીજીવારનું સ્માઇલ પણ આ જ ગ્રાઉન્ડ ઉપર આપ્યું કે, ભમરાને મારતા પહેલા દુષિ, ''કુત્તેએએએએ... મેં તેરા ખૂન પી જાઉંગા....'' નહોતો બોલ્યો, અર્થાત્, આ માણસ નોન-વૅજ નથી ખાતો અને ભમરા અને કૂતરા વચ્ચેના તફાવતની એને ખબર છે.

ભમરો ભાગી જવા છતાં અન્નુ-પિયુ હજી નહોતા ભાગ્યા. એ બન્નેને પણ દૂષિ ગમી ગયો હતો કારણ કે દુષ્યંત હંમેશા મુલાયમ પીંછા જેવી ભારત બ્લેડથી રોજ ક્લિનશેવ કરતો હતો...સ્મૂધ શૅવ, યુ નો !

આવાઓના ગાલ ઉપર હથેળી ફેરવીને મોડેલિંગ સારું થાય, એની એ બન્નેને ખબર, પણ શકુએ એ બન્નેને ભગાડી દીધા, 'જાઓ... મેહમાન માટે શહેનશાહ ગરમ મસાલા લઈ આવો.'

દુષ્યંત- શકુંતલાએ વધુ સમય બગાડવાને બદલે ત્યાં જ પ્રેમમાં પડી લીધું અને એ બન્ને વડે ગંધર્વ વિવાહના માધ્યમથી જ પરણી જવાયું.

આખરે તો દુષ્યંત રાજા હતો, એને ય બીજા કામધંધા તો હોય કે નહિ, એટલે ભવિષ્યમાં તું મારા ઘરે પાછી આવે અને હું તને ભૂલી જઉં, તો આપણા લગ્નની બત્તોર નિશાની લે... આ મારું કાર્ડ પકડ ! એ બતાવતા જ મારી યાદદાસ્ત વાપસ આવશે.''

''જાનુ, આ તારું વિઝિટિંગ-કાર્ડ છે ?''

''પગલી, આ તો અમારા કુટુંબનું ' આધાર-કાર્ડ ' છે. એ તું જાળવી રાખજે... બાય !''
* * *
''એક્યૂજ મી... ઊંઝા જતી ૧૦.૩૦ની બસ કેટલા વાગે ઉપડે છે ?''

મહર્ષિ કણ્વ ઋષિના આશ્રમ- કમ- કાફેટેરીયાની બહાર ટ્રાફિક જામને કારણે અટકી ગયેલી બી.આર.ટી.એસ.ની બસની બારીમાંથી ડોકિયું બહાર કાઢીને, પોતાના ગુસ્સા માટે ઠેર ઠેર બદનામ થયેલા ઊગ્ર ઋષિ દુર્વાસા મુનિએ રાજા દુષ્યંતની યાદોમાં ખોવાઈને બન્ને ઢીચણો ઉપર દાઢી અડાડી સુનમુન બેઠેલી આશ્રમ- ગર્લ શકુંતલાને 'વોટ્સએપ'માં મેસેજ પણ મૂક્યો... શકુએ મોબાઇલ પણ ન ખોલ્યો, એમાં કાકા બગડયા, ''યુ સ્ટુપ્પિડ ગર્લ... એક મહાન ઋષિ તારે આંગણે આવ્યા છે... એમનું સ્વાગત કરવાને બદલે નીગ્લેક્ટ કરે છે... ? જા, હું તને શ્રાપ આપું છું કે તું જેની યાદમાં ખોવાયેલી છે, એ તને ખરે વખતે ભૂલી જશે !''

શકુનું તો આવું કોઈ ધ્યાન પડયું નહિ, પણ સખીઓ સાંભળી ગઈ. એ બન્ને ભયભીત થઈ ગઈ. ક્રોધિત ઋષિની પાછળ છકડો પકડીને અડધે રસ્તે એ બન્ને ઋષિ-મુનિને એમના શ્રાપમાં ડિસ્કાઉન્ટ આપવા રીક્વેસ્ટો કરી. અન્નુ-પિયુ બન્નેના ફાધરો રખડતા કૂતરા પકડાની વેન ચલાતા હતા, એટલે આવાઓની સાથે બહુ બગાડાય નહિ, એમ માનીને દુર્વાસા ઋષિએ એમના શ્રાપમાં સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું, ''આમ તો અમારા શ્રાપો મિથ્યા જાય નહિ, એટલે દુષ્યંત શકુંતલાને ભૂલી તો જશે જ, પણ સ્પેશિયલ કેસ તરીકે ડિસ્કાઉન્ટ આપું છું કે, એના પ્રેમીએ આપેલી કોઈ નિશાની બતાવશે તો પેલાની યાદદાસ્ત પાછી આવી જશે.. જય અંબે.''
* * *
દુષ્યંત તરફથી તો પછી કોઈ ખબર- બબર આવ્યા નહિ, એટલે મહર્ષિ કણ્વ ઋષિએ શકુને વિદાય આપવાનું નક્કી કર્યું કારણ કે, હવે શકુને મહિનાઓ જતા હતા. ઋષિનો શ્રાપ સાચો પડયો હતો, દુષ્યંત એની વહાલસોયી શકુંતલાને ભૂલી ગયો હતો. આ નામની સગપણમાં એને કોઈ બહેન થતી હતી કે કેમ, એ પણ એને યાદ રહ્યું નહોતું, આ બાજુ કુકરવાડાથી હસ્તિનાપુરની ડાયરેક્ટ બસમાં બેઠેલી શકુંતલાનું કોઈ પર્સ મારી ગયું, એમાં દુષ્યંતની એ નિશાની પણ જતી રહી.

''માતા... તારે કોનું કામ છે ?''

''માતા હશે તારી માં... હાળા ધોબી, હું તારી માતા ફાતા નહિ, વાઇફ છું વાઇફ....!'' એવા ગુસ્સાભર્યા આલમમાં બગડેલી શકુંતલા ગિન્નાઈ જાય છે. રાજા દુષ્યંત તો માની જ શકતો નથી કે, એને કોઈ વાઇફ કે વાઇફોઝ હોય ! છતાં ય માણસ સંસ્કારી, એટલે શકુને 'બેનિફિટ ઑફ ડાઉટ' આપવા પૂછી જુએ છે કે, સદરહુ મહિલા પાસે કોઈ સાબિતી છે ? શકુ ચમકી. એને તરત યાદ આવ્યું કે, એના પર્સમાં જ આ લોકોનું 'આધાર કાર્ડ' હતું... ઓ મ્મી ગૉડ... આઇ લોસ્ટ ઇટ... એ તો ખોવાઈ ગયું...! હવે ?
નવું આધાર-કાર્ડ કઢાવવા શકુંતલા છેલ્લા ચાર વર્ષથી કોર્પોરેશનની જુદી જુદી કચેરીઓના ધક્કા ખાધે રાખે છે. જવાબ મળે છ 'બેન, અમને જ ખબર નથી કે આધાર કાર્ડ' ક્યાંથી કઢાવવાનું છે...!''

બસ. ઇ.સ. ૨૦૧૫ના આ 'અભિજ્ઞાન શાકુંતલમ'ના એન્ડમાં ભરત બુઢ્ઢો થઈ જાય છે, પણ દુષ્યંત- શકુંતલા હજી ભેગા થયા નથી.

સિક્સર

ફરીથી એક વાર ભારત પાકિસ્તાન સામે જીતી ગયું....
બસ. આપણો વર્લ્ડ-કપ જીતાઈ ગયો !

No comments: