Search This Blog

04/03/2015

મહાકવિ રબ્બરસિંઘનું 'શોલે'

આદ્યકવિ-મહાકવિ ડાકુ રબ્બરસિંઘને ડાકૂઓનું એક કવિ-સંમેલન યોજવાનો સોટો ચઢ્યો હતો. દેશમાં આતંકવાદ વધ્યા પછી દેસી ડાકુઓનો કોઇ ભાવ પૂછતું નહોતું અને સાચું પૂછો તો ડાકુગીરીમાં કોઇ કમાણી ય રહી નહોતી. જમાનો એવો નફ્ફટ આવ્યો હતો કે, ૫૦-લાખ કમાવવા માટે કોઇની વાઇફને આ લોકો ઉઠાવી લાવ્યા હોય, તો વાઇફો પર્મેનૅન્ટ ધોરણે આવા હૅન્ડસમ અને સશક્ત ડાકુઓ સાથે રહી જવાની તૈયારી બતાવતી, જ્યારે એના હસબન્ડોઝ પેલીને પાછી નહિ મૂકી જવાના એક કરોડ આપવા તૈયાર હતા...ને મૂકી આવ્યા પછી કોઇ રૂપીયો ય આલતું નહોતું. ડાકુઓ પણ માની ગયા કે, આ જમાનામાં ભરોસો કોઇની ઉપર મૂકાય એવો નથી. આ તો કોઇ નિવૃત્ત કવિએ કહ્યું કે, આજકાલ કમાણી તો કવિ-શાયર બનવામાં વધારે છે...લોકો ભયના માર્યા ય ટિકીટ ખર્ચીને કવિ-સંમેલનો અને મુશાયરા જોવા આવે છે.

રબ્બરસિંઘ હથેળીમાં તમાકુની માફક ગઝલ મસળી શકતો, એ જ તાકાત ઉપર કાલીયા અને સામ્ભા જેવા તેના કવિ-ચમચાઓ રબ્બરસિંઘને ડાકુ સાહિત્ય પરિષદનો પ્રમુખ બનાવવા માંગતા હતા. ડાકૂમાંથી કવિ બન્યા, એટલે યુનિફૉર્મ પણ બદલવો પડે...ના બદલ્યો. ફેરફાર ફક્ત એટલો કે, ખભે બે જોટાળી બંદૂકને બદલે બગલથેલો આવી ગયો. બન્નેના ઉપયોગમાં કોઇ ફરક નહોતો. દારૂગોળો બન્નેમાં સરખો ભરાય. એ વાત ચલાવી લેવાની હતી કે, સાહિત્યના ભાવકો બંદૂક કરતા કવિઓના બગલથેલાથી વધુ ડરતા. વળી અનાદિકાળથી ગુજરાતી કવિઓ દાઢી રાખ્યા વિના સર્જરી (સૉરી, સ્પૅલિંગ મિસ્ટૅક...સર્જરી નહિ, 'સર્જન' વાંચવું - સમજણ પૂરી) સર્જન કરી શકતા નથી. સલૂન ખોલીને દાઢીઓ બનાવવા કરતા જાતે રાખવી સસ્તી પડે, માટે રબ્બરસિંઘના કવિઓએ પણ દાઢી રાખી હતી. કહે છે કે, સદરહૂ ડાકુ કવિઓ હરામગઢ અને તેની આજુબાજુના ગામોમાં જઇને પોતાની રચનાઓ ગામલોકોને સંભળાવી કાળો કૅર વર્તાવતા. કહે છે કે, સ્વાઈન-ફલૂનો દેશભરમાં ઝપાટો બોલવા છતાં, આ ડાકુ-કવિઓ મુશાયરાઓમાં મોંઢે માસ્ક પહેરીને પણ કવિતાઓ વાંચતા. પણ એવું રક્ષણ શ્રોતાઓને મળતું ન હોવાથી, અનેક ભાવકો કાળધર્મ પામ્યા....સ્વાઇન-ફલૂ કરતા આ લોકોની ગઝલ-શાયરીઓથી વધારે લોકો મર્યા હતા. હરામગઢમાં ગાયનૅક કે ઑર્થોપૅડિક ડૉક્ટરો કરતા ઈઍનટી (કાન, કાન અને ગળાના) ડૉક્ટરો વધુ કમાતા. અમુક નાનકડા ગામો ઉપર તો આ લોકો આખેઆખી ગઝલોને બદલે નાનકડા હાઇકૂઓ અને લઘુકાવ્યો ઝીંકતા, જેના પ્રચંડ વિસ્ફોટોને કારણે ત્રાસેલા હરામગઢવાસીઓએ છટે હુએ બદમાશ શાયરો જય અને ચીરૂની હૅલ્પલાઇન જોડી હતી.

જય અને ચીરૂ પોતે પણ કવિઓ હતા અને દુનિયાભરની કવિતા-ગઝલો ચોરી કરીને પોતાને નામે ઠઠાડવા બદલ એમને ઠાકૂર સાહેબની જૅલમાં પૂરી દેવામાં આવ્યા હતા. મૂળ ઠાકૂર સાહેબ બન્ને હાથ વગરના ઠાકૂર હતા, પણ કવિ બન્યા પછી એમના કાને ય જતા રહ્યા હતા, એમાં એમને પ્રચંડ ફાયદો એ થતો કે, મુશાયરાઓમાં એમની નજમો-ગઝલો હરકોઇએ સાંભળવી પડે, પણ એમને કોઇની રચના સાંભળવી પડતી નહિ. તેઓ જય અને ચીરૂને જાણતા હતા, એટલે રબ્બરસિંઘની કવિતાઓના ત્રાસથી હરામગઢવાસીઓને બચાવવા આ બન્ને જ કામમાં આવી શકે એમ હતા. અગાઉ પણ પોતાના હરિફ શાયરોની રચનાઓને ખતમ કરવા ઠાકૂર સાહેબે જય-ચીરૂની મદદ લીધી હતી, જેમણે અનેક શાયરોની ગઝલોને બેરહેમીથી ચાલુ ટ્રેને બહાર ફેકી દીધી હતી. કેટલાક વિવેચકોએ એવું સૂચન કર્યું હતું કે, કવિની રચનાઓને બદલે કવિઓને ચાલુ ટ્રેને બહાર ફેંકી દેવા જોઇએ, તો જ ડાકુ-સાહિત્યનું સાચું મૂલ્યાંકન થશે. પણ રબ્બરસિંઘ મૂળ ડાકુ હતો, મૂળ કવિ નહોતો, એટલે જીવદયામાં માનતો હોવાથી ક્રૂર પગલાં ન લેતો.

જય-ચીરૂને પોતાના ફલૅટમાં બોલાવીને ઠાકૂર સાહેબે ગલતી કરી હતી કે, એમની કવિતા-ગઝલો જે ડ્રૉઅરમાં રાખતા, તે જય-ચીરૂ જોઇ ગયા હતા અને એ બન્નેની દાનત બગડી પણ હતી.

ઠાકૂરસાહેબે રબ્બરસિંઘની કવિતાઓને જીવતી પકડવા આ બન્ને કવિ-ગઠીયાઓને રાખ્યા હતા, તે જાણ્યા પછી રબ્બરે પોતાના ત્રણ વિશ્વાસુ સાથીઓને જય-ચીરૂને ગામની લાયબ્રેરીમાં જ ખતમ કરવા મોકલ્યા હતા, પણ પેલા બન્નેએ સામો વાર કરીને રબ્બરના સાથીઓના ગજવામાં પોતાની કવિતાઓ પરાણે ભરી લીધી હતી ને એ લોકો વીલે મોંઢે રબ્બર પાસે પાછા આવ્યા હતા.

''કિતને આદમી થે ?''

''દો...સરકાર.''

''વો દો, ઔર તુમ તીન ! ફિર ભી વાપર આ ગયે !! ક્યા સમઝકર આયે થે કિ રબ્બર બહુત ખસ્સુ મુશાયરાના છેલ્લા કવિની જેમ ધૂંધવાયેલા રબ્બરે પેલા ત્રણને જીવતા ઠાર મારવાનું નક્કી કર્યું. પહેલા ડાકુ-કવિના કાનમાં રબ્બરે પોતાનું એક જૂનું હાઇકુ સંભળાવ્યું. કાંઇ ન થયું. ''બચ ગયા, સાલા...''. બીજાના કાનમાં રબ્બરે પોતે રચેલા કોઇ ભજનની એક પંક્તિ સંભળાવી.

પેલાને કાંઇ ન થયું. ''યે ભી બચ ગયા...'' ત્રીજા કવિ રંગે ભીનેવાન હતો. ઍ ગભરાયેલો હતો કારણ કે એ જાણતો હતો કે, રબ્બરના બગલથેલામાં હવે એક જ જીવલેણ ગઝલ પડી છે ને પોતાની ઉપર જ ઠોકાશે. એને ગભરાયેલો જોઇને મુસ્કુરાતા ચેહરે રબ્બરે પૂછ્યું, ''તેરા ક્યા હોગા કાલીયા...?''

''સરદાર...મૈંને આપ કી કવિતાએં સુની હૈ, તમારા કાવ્યસંગ્રહો છપાવવા પ્રકાશકોને ઊલ્લુ બનાવ્યા છે, મુશાયરાઓ ગોઠવી આપ્યા છે...ને ખૂબ ગાળો ખાધી છે....!''

''અબ...ગઝલ ખા !'' એમ કરીને રબ્બરસિંઘે એના કાનમાં ય ગઝલનો એક ટુકડો તરતો મૂક્યો ને તો ય એને કાંઇ ન થયું ને બચી ગયો.

* * *

નાના મોટા પહાડો, ખડકો અને ઝાડોની ઉપર એક એક ડાકુ કવિ પોતપોતાના દારૂગોળા સાથે (એટલે કે, કવિતા, ગઝલ, નજમ, હાઇકુ, શેર-ઓ-શાયરી, મુક્તકો અને માં-બેનની ગાળો ભરેલા બગલથેલા સાથે) પોતાનો વારો આવે, એની રાહ જોઇને બેઠો હતો. પણ ડાકુ-કવિ સંમેલનના પ્રમુખશ્રી રબ્બરસિંઘજી કોઇનો વારો જ આવવા દેતા નહોતા. પરાણે દાદ આપવામાં કેટલાક ડાકુમિત્રો ગીન્નાતા હતા, તો કેટલાકે રબ્બરજીને દાદ ન દીધી, એની સજારૂપે રબ્બરસિંઘે એમને ચાલુ સંમેલને છૂટ્ટી ગઝલો ફેંકીને ઠાર માર્યા હતા. આ બાજુ, રબ્બરસિંઘ જામ્યો હતો. એને મઝા આવતી હતી... ''...અને હવે સુજ્ઞા ડાકુમિત્રો સમક્ષ મારી આખરી ગઝલ રજુ કરૂં છું,'' પણ આવી ધમકી તો એણે પહેલી ગઝલ વખતે ય આપી હતી અને અત્યારે પિચ્ચોતેરમી ગઝલ શરૂ જ થઇ હતી., ત્યાં પહાડની ટોચ ઉપરથી મોટર-બાઇક કૂદાવીને જય અને ચીરૂ સંમેલનમાં ઘુસી આવ્યા ને કાચી સેકન્ડમાં એક એક ડાકુ-કવિના મોંઢા ઉપર છુટ્ટી કવિતાઓ ફેંકવા માંડી. નાસભાગ થવા માંડી. એક હાઈકુ તો ઝાડ પાછળ સંતાઇ ગયેલા રબ્બરસિંઘના કાન પાસેથી નીકળી ગયું ને એ બચી ગયો. ડાકુઓએ સામા ગોળીબાર એટલે કે ગઝલબારો કર્યા, એમાં ચીરૂ ઠાકૂરસા'બ પાસેથી કવ્વાલીઓનો મોટો સ્ટૉક લેવા મારતે ઘોડે (એટલે કે, મારતી બાઇકે) પાછો હરામગઢ આવી ગયો ને આ બાજુ જય રબ્બરસિંઘના હાથમાં ઝડપાઇ ગયો. બે ખડકોની વચ્ચે એને બાંવડેથી બાંદી દેવાયો હતો. મહિલા ડાકુકવયિત્રી સંઘની પ્રમુખ 'ફસન્તી' સાથે જયને ગયા સપ્ટૅમ્બરથી લફરૂં ચાલતું હતું, એટલે રબ્બરે એને પણ ઉઠાવી મંગાવી હતી. બન્ને હાથે બંધાયેલા તરફડીયા મારતા જયની સામે જ રબ્બરસિંઘે ફસન્તીને ડાન્સ કરતા કરતા કવિતા-પઠન કરવાની લુખ્ખી આલી. ફસન્તી માટે અલગ માઇક મંગાવવામાં આવ્યું. ચિત્તા-દીપડાની માફક તરફડતા જયે ત્રાડ નાંખીને ફસન્તીને કહ્યું, ''ફસન્તી...ઇન કૂત્તોં કે સામને તુમ્હારી નઇ રચનાએં મત સુનાના....!'' પણ ફસન્તી દેખાતી હતી, એટલી ડૉબી નહોતી...કવયિત્રી હતી. જાહેરમાં આ બાજુ ઠાકૂર સાહેબ અને આ બાજુ રબ્બરસિંઘને કારણે પોતાની રચનાઓ પેશ-એ-ખિદમત કરવાનો એનો વારો જ નહોતો આવતો. ફસન્તી ડાકુ-સાહિત્ય પરિષદમાં ચાલતા રાજકારણથી નાવાકેફ નહોતી. એણે પલભર રાહ જોયા વિના 'બીડી જલઇ લે...' નામનું લઘુકાવ્ય ડાન્સ સાથે રજુ કર્યું. રબ્બર તો ખુશ પણ ડાકુઓએ પણ તાળીઓથી વધાવી લીધું. કારણ કે, રબ્બરસિંઘની ઉપસ્થિતિમાં કોઇ ડાકુ બીડી પી શકતો નહતો ને આણે છુટ આલી.

અચાનક ફરી એક વાર સમારંભમાં સોપો પડી ગયો. ખુદ ઠાકૂર સા'બ દારૂગોળો ભરેલા થેલાઓ સાથે મારતે 'ઍક્ટીવા' ઉપર આવી પહોંચ્યા હતા. એમણે જોરથી ચીસ પાડી, ''ર...બ્બઅઅ....મૈં તુમ્હેં જીંદા નહિ છોડુંગા.'' જવાબમાં રવિવારનું 'ઍનકાઉન્ટર' વાંચી વાંચીને રીઢા થઇ ગયેલા રબ્બરે કટાક્ષમાં હસતા કીધું, ''તુ ક્યા મારેગા ઠાકૂર મુઝે...? તેરી તો છપ્પન ગઝલ ફાડ કે ફેંક ચૂકા હૂં...''

''રબ્બ...ર, અપની મૌત સે ડર...! તુઝે મારને કે લિયે તો મેરા યે લૅપટૉપ હી કાફી હૈ....'' એમ કરીને ઠાકૂર સા'બે લૅપટૉપ ચાલુ કરીને રબ્બરસિંઘને બાળકવિ રાહુલજી ગાંધીજીના બે-ચાર ચૂંટણીકાવ્યો સંભળાવ્યા...ને આ બાજુ મોંઢામાં ફીણ સાથે રબ્બરસિંઘ ઢળી પડે છે.

સિક્સર

આ આખા શરીરે હાડકાં કેવી રીતે ભાંગ્યા ?
સ્વિમિંગ પૂલમાં ડાઇવ મારી...
પાણી આટલું બધું વાગે...?
પાણી નહોતું....!

No comments: