Search This Blog

03/04/2015

'બસંત' ('૬૦)

- ઓપી નૈયરને અન્યાય થયેલા ગીતોની ફિલ્મ
- શમ્મી કપૂર અને નૂતનની જોડી હોઇ શકે...?

ફિલ્મ : 'બસંત' ('૬૦)
નિર્માતા-નિર્દેષક : વિભૂતિ મીત્રા
સંગીત : ઓ.પી. નૈયર
ગીતકાર : કમર જલાલાબાદી
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ
થીયેટર : અમદાવાદ
કલાકારો : શમ્મી કપૂર, નૂતન, પ્રાણ, જ્હૉની વૉકર, કમ્મો, કક્કુ, મીનુ મુમતાઝ, મુરાદ, વિઠ્ઠલદાસ પાંચોટીયા.




ગીતો
૧. ઓ મૅડમ નૅન્સી, યૂ આર માય ફૅન્સી..... - આશા-રફી
૨. પીછે હટ, બાબુ છેડ ના મુઝે, મીઠી મીઠી અખિયૉં... - આશા ભોંસલે
૩. દુનિયા પક્કી ફૉર-ટ્વૅન્ટી, માર માર કે ચપ્પલ..... - આશા-રફી
૪. મેરે લહેંગે મેં ઘુંઘરૂં લગા દે, તો ફિર મેરી ચાલ દેખ લે... - આશા-રફી
૫. નયનો મેં સૂરજ કી કિરનેં, ચંદા જૈસા રૂપ હૈ... - આશા-રફી
૬. ચોરી ચોરી એક ઇશારા હો ગયા હૈ, દિલ હમારા.... - આશા-રફી
૭. હમને ઉનકે સામને દિલ રખ દિયા સર રખ.... - આશા-રફી-બાતિશ
૮. મેં છોટી સી છૈલછબિલી, બાલમ લમ્બા લમ્બા.... - આશા-રફી
૯. ઇધર મેં ખૂબસુરત હૂં, ઉધર તું ખૂબસુરત હૈ... - આશા-રફી
૧૦. મેરે દિલ પે લગા દે ડાર્લિંગ, અપને નામ કી ચીટ... - આશા-રફી
૧૧. ઘુમ કે આયા હું મૈં બંધુ, રૂસ, ચીન, ઇંગ્લૅન્ડ.... - આશા-રફી
૧૨. રાત ચાંદની સમય સુહાના....આજ મેરે સૈંયા કી... - આશા-કોરસ
૧૩. રાસ્તે મેં એક હંસિ, અજી મિલ ગયા હમ કો કહીં... - આશા-રફી
૧૪. જી ચાહતા હૈ, જી ચાહતા હૈ... - આશા-રફી

શમ્મી કપૂર અને નૂતનની ફિલ્મી પર્સનાલિટીઝથી તમે વાકેફ હો, તો આંચકો-બાચકો નહિ, પણ નવાઇ ચોક્કસ લાગે કે, ક્યાં પેલો ફલૅમબૉયન્ટ અને તોફાની શમ્મી કપૂર ને ક્યાં આ સૌમ્યતાની મૂર્તિ નૂતન ! એ બન્નેને હીરો-હીરોઇન તરીકે તો બાજાુપર રાખો, ભાઈ-બેનના રોલમાં ય ન મૂકાય, ત્યાં રૉમૅન્ટિક હીરો-હીરોઇનના રોલમાં એક ફિલ્મમાં જોવા....જરી આશ્ચર્યભર્યું લાગે ! એમ તો, એ બન્ને છેલ્લે છેલ્લે ફિલ્મ 'લાટ સાહબ'માં પણ આવ્યા હતા. એ સિવાય તો મારા ખ્યાલથી બીજી કોઇ ફિલ્મમાં બન્ને સાથે નથી આવ્યા.

જે લોકોએ, એટલે કે આ ફિલ્મ ઉતારનાર પ્રોડયુસરો મિત્રા પ્રૉડકશન્સે અગાઉ અને પછી જે ફિલ્મો બનાવી હતી, એ ફિલ્મોના નામ વાંચો, એટલે અત્યારથી જ ખબર પડી જાય કે, શમ્મી કપૂર અને નૂતન હોવા છતાં આ ફિલ્મ ભંગારના પેટની કેમ હશે ! 'મિત્રા'વાળાઓએ અગાઉ તમામ હિટ ગીતોવાળી મધુબાલા-ભારત ભૂષણવાળી ફિલ્મ 'ફાગુન' બનાવી હતી. આ ફિલ્મમાં રેલ્વે સ્ટેશન પર 'ફાગુન'નું પોસ્ટર પણ દર્શાવાયું છે. એ પછી આ 'બસંત,' એ પછી જૉય મુકર્જી-રાજશ્રીની 'જી ચાહતા હૈ' (મૂકેશનું 'હમ છોડ ચલે હૈં મેહફીલ કો, યાદ આયે કભી તો મત રોના') અને છેલ્લે મોટો ધબડકો, 'મહુવા'. છેલ્લે છેલ્લે કાદર ખાનની કૉમિક વાઈફ તરીકે આવતી અંજના મુમતાઝ આ ફિલ્મની હીરોઇન અને હીરો હતો શિવકુમાર. મુહમ્મદ રફીનું પેલું ગીત સ્ટેજ પર બહુ વાગ વાગ કરે છે, 'દોનોં'ને કિયા થા પ્યાર મગર, મુઝે યાદ રહા, તું ભૂલ ચલી, મેરી મહુવા...'

આશા ભોંસલેનો પણ આ ફિલ્મે એક નૅશનલ રૅકૉર્ડ કર્યો, પૂરી ફિલ્મના તમામ ગીતોમાં એક જ ગાયકનો કંઠ હોય, એવુ

તો લતા મંગેશકર જ નહિ, શમશાદ બેગમ, સુરૈયા કે ઇવન સુમન કલ્યાણપુર સાથે ય બન્યું છે, પણ એક જ ફિલ્મમાં '૧૪' ગીતો હોય ને બધામાં આશા હોય, એમાં રૅકૉર્ડ જેવું કંઇક થઇ ગયું ખરું. તદઉપરાંત, ૧૪માંથી ૧૨ યુગલ ગીતો આશા ભોંસલે અને મુહમ્મદ રફીના હોય, એવું ય અગાઉ ક્યારે બન્યું નથી. આપણે વાતવાતમાં આશા ભોંસલે ન હોત તો ઓપી નૈયરનું કોણ હોત ? એ સંગીતકાર જ બની શક્યા હોત કે કેમ, એ મોટો સવાલ પૂછાય છે કારણ કે, લતા મંગેશકર તો ઓપીમાં ગાતી નહોતી... કે વાઇસે-વર્સા ! એમાં ય, આ ફિલ્મના ગીતોમાં ઓપીએ આશાને એના પ્રકૃતિદત્ત સ્વભાવ મુજબ બેશુમાર તોફાને ચઢવા દીધી છે. ગાતાગાતા અવાજ મરડીને આશાએ સ્કૂલ-ગર્લ જેવા લહેકા અને ચાળા પાડવા છતાં ગીતોની મધુરતા અને સૂર બરકરાર રાખ્યા છે. રફી પણ અન્ય એકે ય સંગીતકારમાં તમને આટલા તોફાની કદી જોવા... આઇ મીન, સાંભળવા નહિ મળ્યા હોય ! એક વણલખ્યો નિયમ બની ગયો હતો ફિલ્મ સંગીતમાં કે, મન્ના ડે, મેહમુદ માટે ગાય ને જ્હોનીના મોટા ભાગના ગીતો રફી જ ગાય. આશા અને ઓપી સંગીતની ભાષામાં કહીએ તો સૂર અને સાઝ હતા અને કોઇ સાધુસંતની ભાષામાં કહીએ તો શરીર બે પણ આત્મા એક હતા.

એ બન્ને વચ્ચે અંગત ઝગડા શું હતા ને બન્ને એક તબક્કે પતિ-પત્ની જેવું જીવન જીવતા હોવા છતાં, જ્યારે છુટા પડયા ત્યારથી આજ સુધી આશા ભોંસલેએ ભલે ઓપીને માત્ર ભાંડી જ હોય, પણ જીવે ત્યાં સુધી આશાએ ઓપીનો ઉપકાર એ વાતે તો માનવો જ રહ્યો કે, આશાને હીરોઇનો માટેનું પ્લે-બેક કેવળ ઓપીએ અપાવ્યું અને અપાવ્યું પણ કેવું ? પછી તો ઓપી સિવાયના સંગીતકારો ય આશાને લીડ-હીરોઇનો માટે પ્લે-બેક આપવા માંડયા. બીજી એક નાનકડી વાતે ય ધ્યાન ન રાખો તો બાજુમાં ખસી જાય એવી છે કે, ક્લબ-સૉગ્સમાં એક માત્ર એક માત્ર ને એક માત્ર ગીતા દત્તની મૉનોપોલી ચાલી આવતી હતી. લતાને ક્લબ સોંગ્સમાં પડવું નહોતું, પણ ઓપીએ ગીતા પાસેથી ક્લબો છિનવી લીધી ને આશાને સુપ્રિમો બનાવી દીધી... એ જાણવા છતાં કે, ઓપી નૈયરને ફિલ્મોમાં લાવનાર જ ગીતા દત્ત હતી ! એક તબક્કે તો ઓપીની પહેલી ફિલ્મ 'આસમાન'નું સંગીત તદ્દન ફ્લોપ ગયું, ત્યારે બોડીયા-બિસ્તરાં લઇન પંજાબ જતી ટ્રેનમાં બેસી ગયેલા ઓપીને સ્ટેશનેથી પાછા લાવનાર ગીતા દત્ત હતી અને પોતાની પતિની ફિલ્મ 'બાઝ'માં સંગીત અપાવ્યું.

પણ ઓપી નૈયરને આવા મસ્તમધુરા ગીતો આ ફિલ્મમાં આપવા છતાં... વાત આઘાત લાગે એવી છે કે, મારા- તમારા સુધી આ ગીતો કદી પહોંચ્યા જ નહિ. ઓપીને હટાવવા એ વખતના મોટા ભાગના સંગીતકારો (અને એક ગાયિકા) ખાનગીમાં એક થયા હતા અને ઓપીના ગીતો બિનાકા ગીતમાલા કે રેડિયો સિલોન પર ન આવે, એને માટે જ્યાં પૈસા ખર્ચવા પડે (જેને જેને આપવા પડે) તે વહિવટ કરીને રાજ કપૂર-મધુબાલાની ફિલ્મ હોવા છતાં ફિલ્મ 'દો ઉત્સાદ'ના ગીતો ય આપણા સુધી પહોંચ્યા નહિ. દેવ આનંદ-મધુબાલા જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં ફિલ્મ 'જાલી નોટા'ના ખૂબસૂરત ગીતો મારા-તમારા સુધી પહોંચવા જ ન દીધા. ઓપીનો રથ પૂરઝડપે આ બધાને રોંદી રહ્યો હતો. અલબત્ત, તમે સાચ્ચે જ મુહમ્મદ રફીના (ઓપી અને આશાના પણ) ચાહક હો, તો ગમે ત્યાંથી આ ફિલ્મ 'બંસત'ના તમામ ૧૪ ગીતોની સીડી બનાવી લેવી જોઇએ. તમામ ગીતો ઓપી- સ્ટાઇલ એટલે કે, 'કાશ્મિર કી કલી' કે 'એક મુસાફિર એક હસિના' બ્રાન્ડની તરવરાટવાળા છે. અફસોસ પણ થશે કે, આટલા સુંદર ગીતો ને એમાં ય આપણે રફીના ચાહક, છતાં ફિલ્મ 'બસંત'ના ગીતો કેમ સાંભળ્યા નહિ ? મસ્તીની વાત એ છે કે, 'બસંત' ના તમામ ગીતો આશા-રફીની તોફાની સ્ફૂર્તિથી ગવાયેલા છે. ઓપીના ય મોટા ભાગના ગીતો યાદ કરો તો એમાં સ્ફૂર્તિ પહેલી આવશે. ગીતના મુખડા કે અંતરામાં ગાયક એકાદ જગ્યાએ ઝટકો મારે, એ સ્ટાઇલ એક માત્ર ઓપીની હતી. રિધમ-સૅક્શનમાં (ઢોલક-તબલાંનો તાલ વિભાગ) એક માત્ર ઓપીએ તાળીઓને અનેક ગીતોમાં રિધમ બનાવી. ઘોડાગાડીના ડાબલાંના ઠેકા ઉપર ઓપી નૈયરે ૪૨ ગીતો બનાવ્યા છે. મતલબ સમજ્યા ? આ ઠેકા બદલ્યા વિના 'જરા હૌલે હૌલ ચલ્લો મોરે સાજના...' કે 'યૂં તો હમને લાખ હંસિ દેખેં હે, તુમ સા નહિ દેખા' જેવા ૪૨ ગીતો ઘોડાગાડીના એકના એક ઠેકા સાથે- લય બદલાવ્યા વિના ગાઇ-વગાડી શકો.

નૂતન અને શમ્મી કપૂરના કજોડાની વાત તો આપણે કરી, પણ એ તો આપણે એવું કાંઇ જોયું નહોતું, એટલે માન્યું. વાસ્તવમાં, અભિનયને લાગેવળગે છે ત્યાં સુધી નૂતનથી બેહતરીન અદાકારા આપણી ફિલ્મોમાં કેટલી આવી, એ કેવળ તમે જાણો છો. તમારી પાસે ય એક-બે નામો પડયા હશે, નૂતનને આ ક્રમમાં પાછળ ધકેલવા માટે પણ એટલું તો તમે ય કબૂલ કરશો કે, નૂતને જે કોઇ ફિલ્મમાં કામ કર્યું છે, એમાં તમે એની અભિનયક્ષમતા માટે નાનકડો વાંધો ય કાઢી ન શકો. કબૂલ કે, મધુબાલા કે મીનાકુમારી જેવું મારકણું રૂપ એની પાસે નહોતું, પણ એ ય ઓછી સુંદર નહોતી. કિશોર કુમાર સાથેની ફિલ્મ 'દિલ્લી કા ઠગ'માં આવી પૂજનીય અભિનત્રીએ વન-પીસ સ્વિમિંગ- કૉસ્ટયુમ પહેર્યો હતો એ જમાનામાં ત્યારે હો-હા બહુ થયેલી. આ ફિલ્મ 'બસંત'માં એણે એવું કાંઇ પહેર્યું તો નથી, પણ ફિલ્મના રોલ મુજબ એને મૉડર્ન ગર્લ બતાવવાની હતી, એટલે પેલા 'દિલ્લી કા ઠગ'વાળા ફોટા અહીં ખપ પડે વાપરવામાં આવ્યા છે. પણ, આવા તોફાની ઍક્ટર સામે તોફાની રોલમાં (અને તે પણ પાછી ફિલ્મ ફાલતુ...!!!!) નૂતને ઘણું ઊંચા ગજાંનું કામ કર્યું છે. પરફૅક્ટ હાવભાવની એ મહારાણી હતી, તો આ બાજુ શમ્મી કપૂર પણ એને પ્રારંભમાં મળેલી ફિલ્મોને કારણે 'અન્ડરરૅટેડ' રહ્યો, એટલે કે એક અદાકાર તરીકે એનું મૂલ્યાંકન ઇન્ડિયાના ઍલ્વિસ પ્રેસલી જેવું ડાન્સિંગ-હીરોનું રહ્યું, જે સદંતર ખોટું હતું. ગમે તેમ તો ય, એ પૃથ્વીરાજ કપૂરનો દીકરો અને રાજ કપૂરનો ભાઈ હતો...સીધેસીધો હીરો નહોતો બન્યો, 'પૃથ્વી થીયૅટસર્સ'ના 'દિવાર'ને 'પઠાણ' જેવા અનેક નાટકોમાં કામ કરીને આવ્યો હતો. ઍક્ટર તરીકે એ કેટલો ગ્રેટ હતો, એ જોવું હોય તો ફક્ત 'બ્રહ્મચારી' જ નહિ, 'ઉજાલા' અને 'અંદાઝ' જેવી પણ એની ફિલ્મો જુઓ. ફિલ્મ પ્રોફેસર અને 'જંગલી' પણ અભિનયક્ષમતાની દ્રષ્ટિએ કોઈ સામાન્ય ફિલ્મો નહોતી. કમનસીબે, ભારતના ફિલ્મચાહકોને 'ઍક્ટિંગ' વિશે બે વાક્યો બોલવાના આવે, એટલે ત્રણ જ નામો બોલતા આવડે. હું તો અંગત રીતે, શશી કપૂરને ય ઊંચા દરજ્જાનો ઍક્ટર માનું છું...જો તમે એની ફિલ્મ 'કલયુગ' જોઇ હોય તો !

બધા હવે તો કબુલ કરે છે કે, પ્રાણ સાહેબથી વધુ અસરકારક વિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બીજો કોઇ થયો નથી. માથે ખોટા વાળની વિગ પહેરતા તો એ બહુ પાછલી ફિલ્મોમાં થયા, નહિ તો થોડા પણ અસલી વાળમાં ય એ બહુ ખુબસુરત લાગતા હતા. શરીરને પરફૅક્ટ મૅચ થાય એવા કપડાં પ્રાણ જેટલા તો બહુ ઓછા હીરોને સૂટ થતા હતા. અદાકાર તો બેનમૂન પણ અંગત જીવનમાં ય પ્રાણ સાહેબ જેવા સજ્જનો આ ફિલ્મનગરીએ બહુ ઓછા જોયા છે.

પણ જ્હૉની વૉકર (મૂળ નામ, 'બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી')ને એક સુપર્બ કૉમેડિયન તો માનવો પડશે. ઇન્દોરમાં જન્મેલા જ્હૉની વૉકર બીજા ૯-ભાઈ-બેન હતા...(''જીયો મેરે લાલ...'') પણ ગરીબનો દીકરો હોવાથી નાનપણથી જ એણે બસ-કન્ડક્ટર, આઇસ-કૅન્ડી કે ફ્રૂટની લારીઓ ફેરવી. કૉમેડીમાં મેહમુદનો તો કોઇ સાની નથી-જ્હૉની વૉકર પણ નહિ, તેમ છતાં ય, પબ્લિકને હસાવવા માટેની એની ટીપિકલ સ્ટાઇલ હતી, તે લાજવાબ હતી...ખાસ કરીને, ડાયલૉગ્સમાં વચ્ચે વચ્ચે બહુ અસરકારક રીતે ઇંગ્લિશ શબ્દો ગોઠવી દેવાની. જેમ કે, આ ફિલ્મ 'બસંત'ના એક દ્રષ્યમાં પબ્લિકને ઊલ્લુ બનાવવાના ધંધામાં એ પડયો છે. ફૂટપાથ પર પબ્લિક ભેગું કરીને સફેદ વાળ કાળા કરવાની એ દવા વેચે છે, જે લગાડતા જ, માથે હોય એ વાળે ય ઉતરી જાય. એક ગ્રાહકના વાળ ઉતરી જતા એ ખીજાયો ત્યારે જ્હૉની કહે છે, ''જબ તક યે સફેદ બાલ, યાને કી પુરાની ક્વૉલિટી કા માલ નીકલેગા નહિ, તબ તક નયા માલ આયેગા કૈસે ?'' બહુ ઓછાને ખબર હશે કે, જ્હૉની વૉકર ફિલ્મ ઍક્ટ્રેસ શકીલાની બહેન નૂરને પરણ્યો હતો. ગુરૂદત્તની જ ફિલ્મ 'આરપાર'ના ગીતા-રફીના ગીત 'અરે ના ના ના ના મેરી તૌબા, તૌબા કાયકુ કરતા...' ગીત જ્હોનીએ એની પત્ની નૂર સાથે ફિલ્મમાં ગાયું હતું. નવાઇ લાગે પણ જીંદગીભર દારૂડીયાની ઍક્ટિંગ કરનાર જ્હૉનીએ જીંદગીમાં શરાબ ચાખ્યો પણ નહતો. જોવાની ખૂબી એ છે કે, મેહમુદને ફિલ્મોમાં લાવનાર જ્હૉની વૉકર, પણ બન્ને વચ્ચે કદી બન્યું નથી, છતાં ય મેહમુદની સગી બહેન મીનુ મુમતાઝ અને જ્હૉની વૉકરની જોડી અનેક ફિલ્મોમાં ચમકી હતી.

ફિલ્મના અન્ય કલાકારોમાં ફિલ્મ 'પાકીઝા'માં સાપવાળા દ્રષ્યનો વૉચમૅન જગદિશ કંવલ પુરાણો વિલન હતો. અત્યંત કદરૂપો ચહેરો હોવાને કારણે એને આવા રૉલ આસાનીથી મળી રહેતા. આવો જ બીજો ચરીત્ર અભિનેતા ઉમા દત્ત હતો. યાદ હોય તો ખૂબ લાંબો-પહોલો, સફેદ વાળવાળો અને બૅઝ-વૉઇસને કારણે ઉમાદત્ત પોલીસ-ઈન્સ્પૅક્ટરના રોલ કે ગુંડામાં ઘણો ચાલ્યો. ફિલ્મ 'બસંત'ની શરૂઆતમાં જે કરોડપતિનો જગદિશ કંવલ રૂ. ૯-લાખનો હાર મારે છે અને એ બચાવનાર શમ્મી કપૂરને પોતાના બંગલે બોલાવીને રૂ. ૧,૦૦૦/-ના ઈનામની ઑફર કરે છે, તે ખૂબ પીઢ અભિનેતા ગુજરાતી વિઠ્ઠલદાસ પાંચોટીયાએ અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. એમની દીકરી શ્રદ્ધા પાંચોટીયાએ પણ થોડી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. કમ્મો અને કક્કુ બન્ને ડાન્સરો હતી, પણ કક્કુ ફિગરની દ્રષ્ટિએ ખપાટીયું હતું, જ્યારે કમ્મો ભરાવદાર શરીરને કારણે ઘણી કામુક લાગી શકતી.

ફિલ્મની વાર્તામાં તો ફિલ્મ બનાવનારા કે એમાં કામ કરનારાઓ ય બહુ પડયા નથી, છતાં ય આટલી ઘટીયા ફિલ્મ શેની ઉપર હતી, એ બતાવવા એના અંશો જોઇ લઇએ, એટલે આપણે છુટા : નોકરીની તલાશમાં શમ્મી કપૂરને, ઘેરથી ભાગી છુટેલી કરોડપતિ બાપની મૉડર્ન દીકરી નૂતનનો ભેટો થાય છે, જે નાલાયક પ્રાણના પ્રેમમાં હોય છે. ભાગમભાગીમાં નૂતન પાછી પ્રાણને પડતો મૂકીને શમ્મી કપૂરને પ્રેમ કરવા લાગે છે. વચમાં ખિસ્સાકાતરૂ જ્હૉની વૉકર ફિલ્મની વાર્તાની કોઇ જરૂરત વગર આખી ફિલ્મમાં આવતો-જતો રહે છે. છેલ્લે વિલન અને હીરોની મારામારી અને હીરો-હીરોઇન ભેગા થઇને ફિલ્મ પૂરી કરે છે.

No comments: