Search This Blog

03/05/2015

એનકાઉન્ટર : 03-05-2015

૧. કેજરીવાલની હાજરીમાં ખેડૂત લટક્યો, છતાં ભાષણ ચાલુ રહ્યું... !
- ધ્યાનથી જોવા જશો તો એ ખેડુત નથી લટક્યો... ભાજપ, કોંગ્રેસ અને 'આપ'... ત્રણે ય લટકેલા દેખાશે. સાબિત એટલું જ થાય છે કે, એકે ય રાજકારણી પર વિશ્વાસ મૂકાય એમ નથી.
(સીમા ધ્રૂવ, અમદાવાદ)

૨. તમે શિયાળામાં પંખો ચાલુ કરવાનું કદી કહેતા નથી... સ્માર્ટ છો !
- ધૅટ્સ ફાઈન... હવે ઉનાળો છે... કરો પંખો ચાલુ !
(નિશાંત પટેલ, અમદાવાદ)

૩. સ્વચ્છતા અભિયાનમાં તમે શું ફાળો આપ્યો ?
- ઓયહોય... વક્ત ગયા, બાત ગઈ... ભૂલી જાઓ સ્વચ્છતા-બચ્છતા ! હવે તો પાડવો હોય, એટલો કચરો પાડો... કોઈ નામ નહિ લે !
(અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)

૪. આપે મિનિમમ રૂ. ૧૦૦ કરોડનો વીમો તો ઉતરાવ્યો જ હશે ને ?
- એટલું તો હું પ્રીમિયમ ભરું છું !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

૫. તમારી કોલમમાં પોતાનું નામ છપાવીને મોટા ભાગના વાચકો રાજી થાય છે... તમને કેવું થાય છે ?
- એમ ને એમ નામ નથી છપાતું... સવાલ પણ તગડો હોવો જોઈએ. (આમાં તમે તો ના પાડવાના નહિ !)
(આસિફ પટેલ, ભાવનગર)

૬. કોંગ્રેસ પ્રિયંકાને આગળ લાવે, તો મોદીનું શું થાય ?
- કોંગ્રેસના આગળ-પાછળ-ઉપર-નીચે-જવા સાથે મોદી સાહેબને શું સંબંધ ? બેબી તો શું, હવે કોંગ્રેસને ય કોઈ પૂછતું નથી.
(વસિમ પઠાણ, વલ્લભીપુર)

૭. લક્ષ્મી ખર્ચી નાંખવા માટે છે કે પૂજવા માટે ?
- ઘરમાં કેટલા રોકડા પડયા છે, એ તપાસીને જાતે નક્કી કરો.
(શાંતિલાલ ઠક્કર, નવસારી)

૮. હવે... ડિમ્પલ કાપડિયાની ઉંમર દેખાવા માંડી છે... નહિ ?
- એમાં પૂજ્ય શ્રી જસુભાઈનું કાંઈ જાય છે ?
(અહર્નિશ જસુભાઈ પરીખ, અમદાવાદ)

૯. 'બુધવારની બપોરે'માં ક્યારેક ક્યારેક 'સિક્સર' ગાયબ થઈ જવાનું કારણ ?
- ખુદ 'બુધવારની બપોરે' ગાયબ ન થઈ જાય, ત્યાં સુધી ચિંતા નથી.
(ફઝલ સબિરભાઈ વહોરા, આણંદ)

૧૦. મારે અમિતાભ બચ્ચનને મળવું છે. શું કરું ?
- મળો.
(રાજેન્દ્ર ચૌહાણ, અમદાવાદ)

૧૧. જવાબોની જેમ સ્ટેજ પર તમે પ્રવચનો પણ ટૂંકાં કરવા છતાં, હસવું બન્નેમાં તાગડધિન્ના આવે છે... કઈ ગોળી ખાઓ છો ?
- જીરાગોળી.
(સુહાની મલય શાહ, અમદાવાદ)

૧૨. ઈન્ડિયાને અમેરિકા જેવું સ્ટેટસ ક્યારે મળશે ?
- અમેરિકાને તમારે બગાડવું શું કામ છે ?
(જયેશ કે. સુથાર, પાલનપુર)

૧૩. તમારું મનપસંદ સ્થળ કયું ?
- મારી ઓફિસના કેશિયરની ઓફિસ.
(સાહિલ જાદવ, અમદાવાદ)

૧૪. તમને નોબેલ પ્રાઇઝ સાહિત્યનું આપવા આમંત્રિત કર્યા હોય ને પ્રાઇઝ અર્થશાસ્ત્રનું પકડાવી દે તો ?
- ગિફ્ટમાં તો મને દિવેલ મળે તો ય પી જઉં એવો છું.
(સિધ્ધાર્થ છાયા, અમદાવાદ)

૧૫. દેશ માટે ઓબામાય ખિજાય એ મહત્ત્વનું કે બા ખિજાય એ ?
- ઓબામા એના ઘરમાં ખિજાય કે દેશમાં... કોઈ ગણકારતું નથી. આપણી બાઓ ખીજાય તો આપણે ડૂબી મરવું પડે !
(ફાલ્ગુન શેઠ, રાજકોટ)

૧૬. ગયા જનમમાં તો તમે બિરબલ જ હશો ને ?
- સૉરી... બિરબલ મારાં નવ રત્નોમાંનો એક હતો.
(વર્ષ જે. સુથાર, ભુજ-કચ્છ)

૧૭. જો હું 'અશોક દવે' હોત તો ?
- ખોટી લાલચો ના આપોને, ભ'ઈ !
(દેવેન વાઘેલા, ખડીયા-જૂનાગઢ)

૧૮. અમદાવાદની 'કંજૂસ' શહેરની છાપ ભૂંસાઈ કે હજી એવી જ છે ?
- અમદાવાદના જમીનના પ્લોટ કરતાં ય, આ 'ગુજરાત સમાચાર'ની મોંઘા ભાવની આટલી જગ્યા તમારા માટે વાપરી નાંખી... એને શું કહેવાય ?
(મિતેશ જે. શાહ, સુરત)

૧૯. ફિલ્મોવાળા પોલીસની છબી બગાડે છે, એવું મોદી સાહેબે કીધું, તમે સુઉં કિયો છો ?
- અત્યારે તો મોદી સાહેબની પોતાની છબી સુધારવાના દિવસો ચાલી રહ્યા છે.
(નિલેશ વૈષ્ણવ, કોડિનાર)

૨૦. દેશના વડાપ્રધાન તમે હો તો, દેશનો વિકાસ કેવી રીતે કરો ?
- પરદેશોમાં ફરી ફરીને.
(પ્રયાગ એ. પરીખ, વડોદરા)

૨૧. છાપાની એડ.માં તમારો સરસ ફોટો જોયો. બાકી તો તમે બુઢ્ઢા છો, એવો ખોટો પ્રચાર કરીને અમને મૂર્ખ કેમ બનાવો છો ?
- ૬૩ વર્ષનો માણસ બુઢ્ઢો નહિ તો શું બાબો કહેવાય ?
(મહાનંદા કા. પરીખ, અમદાવાદ)

૨૨. આ કાળઝાળ ગરમીથી બચવા શું કરવું ?
- સામાજિક મર્યાદાઓ ધ્યાનમાં રાખીને જેટલાં કપડાં કાઢીને ઘરની બહાર નીકળાય, એમ નીકળવું. શ્રેષ્ઠ યુનિફોર્મ ચડ્ડી અને બનીયન !
(વિપ્લવ જી. શાહ, અમદાવાદ)

૨૩. સમાજ ઉપર મોબાઈલના પ્રભાવ વિશે શું માનો છો ?
- હવે પછીનાં બાળકો માતાના પેટમાંથી પોતાના કાને મોબાઈલ દબાવીને જ બહાર નીકળશે.
(ચેતના ગૌરવ મહેતા, સુરત)

૨૪. વાંદરામાંથી માણસ બન્યા, પણ બાકી રહેલા વાંદરા માણસ ક્યારે બનશે ?
- વાંદરે કો વાંદરા હી રહેને દો, કોઈ નામ ન દો... !
(સુજલ પરીખ, અમદાવાદ)

૨૫. પરદેશોમાં હરવા-ફરવાને બદલે મોદીજી આતંકવાદ સામે દેશને બચાવવાનું કેમ કરતા નથી ?
- એવું કાંઈ નથી. એ ક્યારેક ક્યારેક આપણા દેશમાં આવે છે પણ ખરા... !
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

૨૬. તમે ફેસબુક પર છો ?
- ના... ''ખાલી'' પાસબુક ઉપર જ છું.
(હેમેન્દ્ર પટેલ, નવાઘરા-ઠાસરા)

No comments: