Search This Blog

08/05/2015

'ઠાકુર જર્નૈલસિંઘ' ('૬૬)

સૈયા સે વાદા થા, નાઝુક ઘડી થી...
હમ તેરે બિન જી ના સકેંગે સનમ...
હેલન હીરોઇન ને દારાસિંઘ હીરો

ફિલ્મ : 'ઠાકુર જર્નૈલસિંઘ' ('૬૬)
નિર્માતા : રતન- મોહન
દિગ્દર્શક : મુહમ્મદ હુસેન
સંગીત : ગણેશ
રનિંગ ટાઇમ : ૧૯- રીલ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : દારાસિંઘ, હેલન, શેખ મુખ્તાર, ઇંદિરા બિલ્લી, ઇંદિરા બંસલ, જયંત, કમલ મેહરા, મદનપુરી, રત્નમાલા, ટુનટુન, રાની, મધુમતિ, સુંદર, શ્યામ કુમાર, શેખર પુરોહિત અને બેલા બોઝ



ગીતો
૧. સૈંયા સે વાદા થા નાજુક ઘડી થી, બનઠન કે યૂં : લતા મંગેશકર
૨. દિલ મિલા કે મિલો, પાસ આ કે મિલો, મુદ્દતો સેં : આશા ભોંસલે
૩. કાહે છેડે મોહે કાહે છેડે બાલાપન મેં સજના : ઉષા - લતા
૪. આઇ નૈનોં મેં કજરા ડાલ કે, જીસે ડર હો વો રખ્ખે : આશા ભોંસલે
૫. હમ તેરે બિન જી ન સકેંગે સનમ, દિલ કી યે આવાઝ : આશા ભોંસલે
૬. જામ સે પીના બુરા હૈ યે નજર સે માંગો, યે મય ઇશ્ક : લતા મંગેશકર
ગીત નં. ૧, ૩, ૫ અસદ ભોપાલી, ૨. ઇન્દિવર, ૪ અને ૬ ફારૂક કૈસર

દારાસિંઘનો તો આખા દેશના ફિલ્મ રસિયાઓએ આભાર માનવો જોઈએ કે, '૬૦ના દશકમાં એના આવવાથી ફિલ્મોમાં મર્દાનગી દેખાવા માંડી, સ્નાયુબદ્ધ શરીર જોવા મળ્યું, નહિ તો ત્યાં સુધીના દેવ આનંદો કે દિલીપકુમારોની મારામારીના દ્રષ્યો એક મજાકથી વિશેષ કંઈ નહોતા. દારા કુશ્તીનો વર્લ્ડ- ચેમ્પિયન બન્યા પછી હિંદી ફિલ્મોમાં 'કિંગકૌંગ'થી હીરો તરીકે આવ્યો અને દેશના દર્શકોને હાઆઆઆ...શ થઈ કે, પરદા ઉપર જે મારામારીઓ જોવા મળે છે, એ દારા કરે તો બરોબર છે. મને યાદ છે કે, '૬૨ની સાલમાં ફિલ્મ 'કિંગકૌંગ' આવી, ત્યારે અમારા ખાડિયામાંથી વિશ્વ વિજેતા દારાસિંઘ અને અન્ય પહેલવાનોનું 'રીક્ષા'માં સરઘસ નીકળ્યું હતું. એ પછી તો એ મશહૂર થઈ ગયો ને કોક ગુજરાતી ફિલ્મના શુટિંગ માટે અમદાવાદ આવ્યો હતો, ત્યારે મેં લીધેલા ઇન્ટરવ્યૂ દરમ્યાન દારાસિંઘ સાથે પંજો લડાવતો મારો ફોટો આજે ય મેં સાચવી રાખ્યો છે... (એ પંજા યુદ્ધમાં કોણ જીત્યું હતું, તે સૌજન્ય ખાતર મારાથી કહેવાય એવું નથી...આખિર... દારા કી ભી કોઈ ઇજ્જત હૈ...!)

ફિલ્મોમાં આવ્યો ત્યારે તો એ પંજાબનો અસલી ગામડીયો જ હતો. મસલ્સ ફુલાવવા ઉપરાંત બીજા કામો આવડતા નહોતા, એમાં ડાયલોગ્સ બોલવાનું તો પૉસિબલ જ નહોતું, એટલે આજની ફિલ્મ 'ઠાકુર જર્નૈલસિંઘ'ની જેમ એની શરુઆતની તમામ ફિલ્મોમાં એનો અવાજ 'ડબ' કરવામાં આવતો.

સ્વાભાવિક છે કે, આજની કે દારાસિંઘની હીરો તરીકેની કોઈ પણ ફિલ્મના ઠેકાણા ન હોય. આજે તો આપણી ઉપર હસવું આવે કે, 'આપણને આવી ફિલ્મો ય ગમતી હતી ?' પણ એની ફિલ્મો તો આવે એટલી બધી જોતાં. ઉંમરના પ્રમાણમાં આપણને એ વખતે પ્રેમલા- પ્રેમલીની ફિલ્મો જોઈને વહેલો કંટાળો આવી જતો, ત્યારે દારાસિંઘે આવીને થિયેટરમાં બેઠા બેઠા આપણને સ્ફૂર્તિ આપી. 'ઠાકુર જર્નૈલસિંઘ' આમ તો દારાની અન્ય ફિલ્મો જેવી જ બકવાસ હતી, છતાં પણ આ ફિલ્મના બે ગીતો મૂલ્કમશહૂર થઈ ગયા હતા. એક 'સૈંયા સે વાદા થા નાઝુક ઘડી થી' અને બીજું 'હમ તેરે બિન જી ના સકેંગે સનમ.' સંગીતકાર 'ગણેશ'નું નામ અજાણ્યું લાગશે અને ફિલ્મનું પૂરું સંગીત ય લક્ષ્મીકાંત પ્યારેલાલે બનાવ્યું હોય એવું લાગે તો તમે સાવ ખોટા નથી. આ સંગીતકાર ગણેશ પ્યારેલાલનો નાનો ભાઈ. લક્ષ્મી-પ્યારેની જૂની ફિલ્મોના ટાઇટલ યાદ હોય તો આસિસ્ટન્ટ્સ તરીકે શશીકાંત- ગોરખ નામો વંચાતા, એમાંનો શશી લક્ષ્મીકાંતનો ભાઈ અને ગોરખ પ્યારેલાલનો ભાઈ. આ ગણેશ તે પ્યારેલાલનો બીજો ભાઈ.

અમજદખાનના પિતા જયંત (ઝકરીયા ખાન), ઠાકુર સા'બ (અમર)નો વાઘના પંજામાંથી છોડાવીને જીવ બચાવે છે એનો બદલો અમર જયંતના પુત્રને મારી નાખીને આપે છે. છંછેડાયેલો જયંત અમરના પુત્રનું અપહરણ કરીને એને ડાકુ જર્નૈલસિંઘ બનાવે છે. પોલીસ- સુપ્રિન્ટેન્ડેન્ટ મદન પુરીની છોકરી હેલન સાથે દારાસિંઘને પ્રેમ થઈ જાય છે, પણ અમરનો બીજો પુત્ર શેખ મુખ્તાર પોલીસ ઇન્સ્પેક્ટર દારાસિંઘને પકડવા આમાદા હોય છે. એ પછી ફાલતુ દોડધામો અને બંદૂકબાજી પછી માંડ ફિલ્મનો અંત આવે છે. વચમાં વધારાના વિલન તરીકે શ્યામકુમારને ય સહન કરવાનો. આ શ્યામકુમારને તમે દેવ આનંદ સાથે ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં 'સોના ભી જાયેગા ઔર પૈસા ભી જાયેગા'વાળી ફાઇટમાં જોયો છે. આ એ જ શ્યામકુમાર જેણે સુરૈયા સાથે 'તૂ મેરા ચાંદ મેં તેરી ચાંદની હોઓઓઓ' ગાયું છે. ફિલ્મનો હીરો શ્યામ જુદો. બંને શ્યામો મુસલમાન હતા. આપણો 'જાની' રાજકુમાર ફિલ્મ 'મેરે હુઝુર'માં પૂછે છે, 'લખનૌ મેં ઐસી કોન ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે.' એ ફિરદૌસ એટલે ઇંદિરા બિલ્લી. નશીલી આંખો સાથે એ સાચ્ચે જ ઘણી સેક્સી લાગતી હતી,પણ 'ફિર વો હી દિલ લાયા હૂં'માં રાજેન્દ્રનાથની માં બનતી ઇંદિરા બંસલ જુદી. એ બંને અહીં મા- દીકરીના રોલમાં છે.

હેલન જેવી પરફેક્ટ ડાન્સર તો હિંદી ફિલ્મોમાં બીજી કોઈ આવી નથી. એવું વૈજયંતિમાલાએ કીધું છે, તો સામે છેડે આ સન્માન હેલન વૈજુને આપે છે. હેલન રિચર્ડસન (૨૧ નવેમ્બર, ૧૯૩૮) ઇન્ડિયન નહોતી. બર્મીઝ મા અને ઇંગ્લીશ પિતાનું સંતાન હતી. બહુ ઓછાને ખબર હશે કે, '૫૧-માં બનેલી ફિલ્મ 'શબિસ્તાન' હેલનની પહેલી ફિલ્મ તો હતી જ, પણ રાજ કપુરની ફિલ્મ 'આવારા'ના 'ઘર આયા મેરા પરદેસી...' નૃત્ય ગીતના કોરસમાં પણ એ હતી. આટલી સુંદર હોવા છતાં એ ભાગ્યે જ હીરોઇન બની શકી. જેમાં બની એ બધી આવી દારાસિંઘની ફિલ્મોમાં. હેલને ભાગ્યે જ કોઈ ફિલ્મમાં પોતાના અસલી વાળ બતાવ્યા છે. બાકી તો દરેક દ્રષ્યમાં એ વિદેશી વિગ પહેરેલી જોવા મળી છે. કેબરે ડાન્સ વખતે માથે અને કમરમાં એ રંગબિરંગી પીંછા પહેરતી. હેલને પોતે કીધા મુજબ, એ જ્યારે વિદેશોના પ્રવાસે જતી, ત્યારે બીજું કાંઈ લાવે કે ન લાવે...પીંછા બેશક લાવતી.

હેલનની તોલે આવે એવી બીજી ડાન્સર હતી મધુમતિ, જે પારસી છે. વાત રીપિટ થાય છે, પણ સંદર્ભને હિસાબે યાદ કરાવું છું કે, ફિલ્મ 'ગુમરાહ'માં માલા સિન્હાને એની મરવા પડેલી મોટી બહેને માંગેલા વચન મુજબ, પ્રેમી સુનિલ દત્તને છોડીને મોટી બહેન નિરૂપા રૉયના પતિ અશોક કુમાર સાથે લગ્ન કરવા પડે છે, એ આખી સ્ટોરી વાસ્તવમાં કામિની કૌશલની છે, જેને પણ પ્રેમી દિલીપકુમારને છોડીને સ્વર્ગસ્થ બહેનને આપેલા વચન પ્રમાણે બનેવી સાથે પરણવું પડયું હતું. એવું જ ડાન્સર મધુમતિને થયું હતું. એ એને ડાન્સ શીખવનાર ગુરુ મનોહર દીપક (જે હુઝુરેવાલા, જો ઇજાઝત... ગીતમાં ત્રીજો ડાન્સર હોય છે અને ફિલ્મ 'ફર્ઝ'માં જીતેન્દ્ર એના માથામાં વીજળીનો કરંટ આપે છે, એ મનોહર દીપક સાથે પરણી છે. મનોહરની મરતી પત્નીએ શિષ્યા પાસે વચન માંગી લીધુ કે ગુરુદક્ષિણા તરીકે મારા ગયા પછી તું મારા પતિ સાથે પરણી જજે.)

ફિલ્મની ત્રીજી ડાન્સર બેલા બૉઝનો જન્મ તા. ૧૮ એપ્રિલ, ૧૯૪૧- કોલાકાતામાં થયો હતો. હજી એકે ય ફિલ્મમાં એ આવી નહોતી ને સ્ટુડિયોના ચક્કર લગાવતી, ત્યારે પોતાની ઊંચાઈ (સૉરી, લંબાઈ)ને કારણે જે ડાન્સ- માસ્ટર બદ્રીપ્રસાદે બેલા બોઝને, ''આ તો તાડ જેવી લાંબી છે'' કહીને ગ્રુપ ડાન્સરોમાંથી કાઢી મૂકી હતી, એ જ બદ્રી માસ્ટરે આ ફિલ્મ 'ઠાકુર જર્નૈલસિંઘ'નો સર્વોત્તમ ડાન્સ 'સૈયા સે વાદા થા નાઝુક ઘડી થી, બનઠન કે યૂં, મૈં તો છત પે ખડી થી કે બિછુઆને ડંખ મારા હાયહાયહાય રામ...' બેલા ઉપર ફિલ્માયો હતો. ફિલ્મ મુઘલ-એ-આઝમની ડાન્સ ડાયરેક્ટર કે. આસિફની પત્ની સિતારાદેવીએ 'મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...' ગીતની, 'કંકરી મોહે મારી, ગગરીયા ફોર ડારી...' વખતે બધી ડાન્સરો નીચે ઝૂકે છે, એમાં ઝૂકવા છતા બેલા લાંબી લાગતી હતી, એ જોઈને સિતારા બહુ ભડકી હતી. જોવાની લઝ્ઝત એ છે કે, રાજ કપૂરની ફિલ્મ 'મૈં નશે મેં હૂં'ના 'મુઝ કો યારો માફ કરના, મૈં નશે મેં હૂં...' ગીત વખતે સ્ટુડિયોમાં બધી એક્સ્ટ્રા ડાન્સરોને બોલાવી રાખી હતી, એ વખતે માત્ર હાઇટને કારણે ફિલ્મના દિગ્દર્શક નરેશ સેહગલે બેલા બોઝને ગૂ્રપમાંથી બહાર બોલાવી લીધી, પણ આ વખતે કાઢી મૂકવા માટે નહિ...

રાજ કપૂર સાથે મેઇન- ડાન્સર તરીકે અને તે પછીનું સોલો ગીત, 'યે ન થી હમારી કિસ્મત કે વિસાલે યાર હોતા' બેલા ઉપર ફિલ્માયું. તમને યાદ હોય તો ફિલ્મ 'શોલે' સાથે ટેકનિકલ સરખામણી કરવા જઈએ તો ધાર્મિક ફિલ્મ 'જય સંતોષી મા'એ 'શોલે' કરતા વધુ કમાણી કરી હતી. એ ફિલ્મના બંગાળી હીરો આશિષકુમારની બેલા જબરદસ્ત ફેન હતી ને આશિષની બધી બંગાળી ફિલ્મો જોતી. એક દિવસ અચાનક જ માલા સિન્હાના ઘરે બેલા બોઝનો ભેટો આશિષ સાથે થઈ ગયો ને એ જ વર્ષે બન્ને પરણી ગયા.

બેલા બોઝને તમે આમાંથી એકાદી ફિલ્મ કે ગીતમાં જોઈ હશે, 'ઓ દિલવાલો સાઝે દિલ પે ઝૂમ લો ગા લો, લલ્લલલ્લા' (ફિલ્મ : લૂટેરા), 'નદી કા કિનારા હો પાની આવારા હો...' (સી.આઇ.ડી.- ૯૦૯), 'રૂઠે સૈયાં હમારે સૈયાં, ક્યું રૂઠે' (ફિલ્મ 'દેવર'), 'હૈ નઝર કા ઇશારા સંભલ જાઈએ' (ફિલ્મ : 'અનીતા') ઉપરાંત એક એક્ટ્રેસ તરીકે ચિત્રલેખા, પ્રોફેસર, ચંદા ઔર બીજલી કે 'જીને કી રાહ'માં એ જીતેન્દ્રની ઓરમાન બહેન બને છે.

જૂના જમાનાની હીરોઇનો શકીલા, ઝેબ રહેમાન, અમિતા અને અઝરા બેલા બોઝની આજે પણ ખાસ દોસ્ત છે અને અવારનવાર મળતા રહે છે.

એક માનવામાં ન આવે એવી વાત છે. બેલા બોઝનો કોલકાતામાં અત્યંત સાધન સંપન્ન પરિવાર હતો, એ જમાનામાં બેન્કો ખાનગી હતી. જે બેન્કે દેવાળુ ફૂંક્યું એમાં બોઝ ફેમિલીની તમામ સંપત્તિ ફૂંકાઈ ગઈ ને આ લોકો સીધા રોડ ઉપર આવી ગયા. એ વખતે બેલા બોઝના પિતા બહાર ચાલવા ગયા ને કોઈ વાહને ટક્કર મારી એમાં સડક ઉપર જ ગુજરી ગયા, ઘરવાળાઓને ભારે શોધખોળ બાદ બે દિવસ પછી હોસ્પિટલમાંથી શબ મળ્યું. ગૂજરી ગયા ત્યારે બેલાના પિતાની ઉંમર ૩૬- વર્ષની હતી. વિધિનો ખેલ જુઓ. બેલા બોઝનો નાનો ભાઈ પણ એ જ રીતે બરોબર ૩૬- વર્ષની ઉંમરે એ જ પ્રકારના રોડ એક્સિડૅન્ટમાં માર્યો ગયો.

No comments: