Search This Blog

03/06/2015

ખડખડાટ હસવું કોને કહેવાય ?

ડિસામાં કોકના ઘેર અજીતસિંહ 'બાપુ'એ પાણી ઠંડુ માંગ્યું. ધાર્યા કરતા પાણી વધારે ઠંડુ નીકળ્યું. બાપુએ રહસ્ય પૂછ્યું તો જવાબ મળ્યો, ''અમે તો માટલાનું જ પાણી પીએ છીએ... નવું માટલું લાવીને સીધું ફ્રીજમાં જ મૂકી દેવાનું.''

તો મારો એક પ્રોગ્રામ શરૂ થવાની થોડી ક્ષણો બાકી હતી. બેકસ્ટેજમાં, આજે આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચેલી મશહૂર ગાયિકાના મમ્મીએ અજીતસિંહ પાસે ગીતોનું લિસ્ટ જોવા માંગ્યું. આપ્યું, પણ વાંચવાના ચશ્મા હોવાથી પેલા બહેને અજીતસિંહને રીકવેસ્ટ કરી, ''જરા તમે વાંચી આપશો ?''

''સોરી બેન... મારે ય તમારા જેવું જ છે... મને ય ઈંગ્લિશ વાંચતા નથી આવડતું... !''

હ્યૂમર તમે કોને ગણો છો, એ હજી સુધી નહિ પૂછાયેલો પ્રશ્ન છે, એટલે એનો જવાબ આજે તમે પહેલી વાર વાંચી રહ્યા છો ! ઈન ફેક્ટ, હસવાનું એટલે હસવાનું... એના પ્રકારો પાડવા જનારા હસી શકતા નથી. મને નોન-વેજ જોક્સ ગમતા નથી, પણ વંચાઈ કે સંભળાઈ જાય, ત્યારે હસવું ખડખડાટ આવી જાય છે. સાવ નાના બાળકોને રમાડવા આપણે જે વાંદરાવેડાં કરીએ છીએ, ત્યારે જોનારાઓને તરત ખબર પડતી નથી કે, આમાં અસલી વાંદરૂં કોણ ? એમને હસવું તાબડતોબ અને ખડખડાટ આવે છે. અમારા સાક્ષરો જેને સૂક્ષ્મ (subtle) હાસ્ય કહે છે, એમાં ય સ્થૂળ (slapstick) હાસ્ય ભળે છે, ત્યારે હસવું આવે છે, એનો મોટો દાખલો ચાર્લી ચેપ્લિનની ફિલ્મો. ચાર્લી પણ જાડું હ્યૂમર ઉમેરતો ત્યારે હસવું આવતું! જે તોફાન લોરેલ-હાર્ડી મચાવતા હતા, એ તદ્દન બેવકૂફી સાથેનું હ્યૂમર હતું અને તમે આઈન્સ્ટાઇનના લેવલના વિદ્વાન હો, તો પણ ધોધમાર હસી તો પડો જ!

... અને હવે કબુલ કરો કે, દિવસના પૂરા ૨૪-કલાકમાં ખડખડાટ કે રેગ્યૂલર હસવાનું તો જાવા દિયો... તમે આખા દિવસમાં મરક્યા છો ય કેટલી વાર? એક તો આપણું પોતાનું મોંઢું મુડદાલ ને એમાં ય કોઈ હસાવનારૂં ન મળે, એની ફિકરમાં કેટલાક તો ઘસઘસાટ ઊંઘોમાં ય હસી શકતા નથી. પાછી એની અધર સાઇડ એ પણ છે કે, એવા ડાચાં જોઈને કે યાદ કરીને આપણને હસવું આવી જાય, પણ અત્યારે ઉનાળામાં ઘેર બે દિવસ હાફૂસ કેરી ખવાઈ ન હોય ને પડી પડી ચીમળાઈ જાય, એવા ચીમળાઈ ગયેલા મોંઢાવાળા વગર કોમેડી કરે, તમને હસાવી પાડે ! તમારા જ સર્કલમાં એવી ઘણી પબ્લિક હશે, જેના મોંઢા યાદ આવે, એમાં ય હસી પડાય અને આ હસવું, એમની કોઈ શારીરિક મજબુરીને કારણે નહિ, એમના મડદાલ ડાચાં જોઇને આવે !

હાસ્યલેખકો પોતાને ગમે તેટલા વિદ્વાન માનતા હોય, વાચક પહેલું તો એ જોઈ લેવા માંગે છે કે, આખા લેખમાં એકે ય વાર હસવું આવ્યું ખરૂં ? કટાક્ષ લખનારાઓ સેંકડો પડયા છે, જેમાં મેક્સિમમ મરક-મરક હસવું આવે. પણ વાંચતા વાંચતા હસાવી નાંખે, એવા હાસ્યલેખકો તો આખા વર્લ્ડમાં ય માંડ કોઈ ૨૦-૨૫ છે. હું જાહેરમાં પ્રવચનો કરૂં છું, ત્યારે નજરની સામે બેઠેલા હજારના ઓડિયન્સમાંથી પહેલી ચાર-પાંચ લાઇનોવાળાના મોંઢા તો પરફેક્ટ જોઈ શકું, એમાં ખબર પડે કે, ઘેરથી કોણ ઝગડીને આવ્યું છે, કોને જીવનભર કબજીયાત રહે છે, કોને હસવામાં પ્રસૂતિ જેવી વેદના ઉપડે છે, કોણ પોતાને કંઈક વધુ પડતો સ્માર્ટ સમજે છે કે, આખો હોલ હસતો હોય ત્યારે સલૂનમાં દાઢી કરાવવા બેઠો હોય, એવો કડક-કડક થઈને આખા પ્રોગ્રામમાં બેઠો રહે. આ બધા વિદ્વાનોને એટલી ખબર નથી હોતી કે, આજના આખા દિવસમાં તો ઠીક, પૂરા અઠવાડીયામાં હસવું પડે, એવી કોઈ ઘટના બની નથી ને અત્યારે મળી છે, ત્યારે 'ઈગો' નડે છે. આ જ કારણે ગુજરાતભરમાં ચાલતી લાફટર-ક્લબો માટે મને માન ઉપજે છે કે, ભલે એમાં 'હાસ્ય' જેવું કાંઈ ન મળે, છતાં ય બનાવટી હસવાનું ઊભું કરીને એ લોકો પોતાના ઉપર મોટો ઉપકાર કરી રહ્યા છે. આવા મેમ્બરોને રોજેરોજની જીંદગીમાં મોંઢા મચકોડીને ફરવાની જરૂર પડતી નથી. પેલા બનાવટી હાહા-હીહી-હૂહૂને કારણે જીવનને આનંદથી જોવાની એમને પ્રેક્ટીસ પડી ગઈ હોય છે... (હસવાની વાત હવે આવે છે કે, આવી લાફટર-ક્લબોમાં હસવાનો કોઈ ચાર્જ આપવો પડતો નથી, ને એમાં ય આપણે રહ્યાં ગુજરાતીઓ... જય અંબે !)

બહુ ઓછાના ચેહરા મૂળથી જ હસમુખા હોય છે, જેમની એકવાર સામું જોવાથી આપણા ચેહરો ય ખીલખીલાટ થઈ જાય. ૪૧-વર્ષોથી માત્ર હાસ્યનું જ લખવા છતાં, મને બીજી તો કોઈ સમજ નથી, પણ હસતો ચહેરો રાખનારાઓ હલકા માણસ હોતા નથી, એટલી મને ખબર છે.

પણ આપણા ફ્રેન્ડ-સર્કલમાં એવા તો અનેક હીરો હોય છે, જે બધાને બબ્બે મિનિટે કોઈ ને કોઈ વાતે છલ્લમછલ્લા હસાવી નાંખે. ગુજરાતીઓ જેને, 'કટ' કહે છે, એવી બેશુમાર કટો મારી મારીને આવા હીરો વાતાવરણને હલકુંફૂલ બનાવે છે. પોસિબલ છે, આટલું હસવાનું તો હાસ્યલેખકો ય ઊભું કરી શકતા ન હોય. અજીતસિંહ 'બાપુ' આવા હીરો છે. વાત ગમે એવી ચાલતી હોય, એમની પાસે આવી 'એક્સટેમ્પરી' (વર્ષોથી આપણે extemporeનો ઉચ્ચાર 'એક્સટેમ્પોર' જ કરતા હતા, જે ખોટો છે... આ મેં લખ્યો તે 'એક્સટેમ્પરી' સાચો છે, જેનો અર્થ થાય છે, 'કોઈ આયોજન કે અગાઉથી વિચારી રાખ્યા વગરનું કામ કે વાત જ') હ્યુમર અનેક નીકળી આવે.

વડોદરાના એક પેટ્રોલ પમ્પ પર અમે કિશનની ગાડીમાં પેટ્રોલ પૂરાવવા ઊભા હતા. ગાડીમાં કિશનના બે ડોબરમેન કૂતરાઓ હતા. આગળની કારવાળા એક ભાઈ આ જોઈને અમારી પાસે આવ્યા.

''સર-જી, ઈફ યુ ડોન્ટ માઈન્ડ... હું કાંઈક પૂછી શકું ?'' અમારી પાસે 'માઈન્ડ' સિવાય બધું હતું, એટલે હા પાડવામાં કોઈ વાંધો નહતો.

''એકચ્યુઅલી... મારી પાસે પણ આવા જ 'ડોબરમેન' છે. કમનસીબે એમને બ્રીડિંગ કરાવવા બીજા કૂતરા મળતા નથી... તમારા ધ્યાનમાં...''

''એક નંબર આપું એ લખી લો.'' અજીતસિંહે વાત તરત પકડી લીધી. એણે વડોદરામાં જ રહેતા પોતાના દોસ્ત પ્રકાશ ડોબરીયાનો ફોન નંબર આપ્યો. ''ઓહ થેન્ક યૂ... પણ ફોન કરૂં તો આ ડોબરીયા સાહેબને કોઈ વાંધો તો નહિ આવે ને ?'' ''આમાં તો જે વાંધો આવવાનો હોય, એ કૂતરાઓને આવે... ડોબરીયાને શું વાંધો હોય ? આખરે, એમના કૂતરાઓનું ય કામ થાય છે ને ? જીંદગીભર એમણે આવા ડોબરમેનોના બ્રીડિંગો કરાવવાને કારણે જ એમની અટક 'ડોબરીયા' પડી ગઈ છે...'' હવે આ બાજુ ડોબરીયાની હાલતનું વિચારો. 'બાપુ'એ એનો ફોન નંબર આવા અનેક ''બ્રીડ-વાંચ્છુઓને'' આપ્યો હોય. એક અઠવાડીયામાં તો ડોબરીયો પાગલ થઈ ગયો. એની પાસે કૂતરા-ફૂતરા તો ઠીક, પાળવા માટે એક વાઈફ સિવાય બીજું કાંઈ નહોતું. રોજ સવારે ઊઠે, ત્યાં કોઈનો ફોન આવે, ''સાહેબ, અમારા હિટલર(ડૉગી)નું બ્રીડિંગ કરાવવું છે... અમે આવીએ કે તમે આવશો ?'' પહેલે દિવસે તો, એ પોતે ડોબરમેન હોય એટલો ચમક્યો ને વિવેકપૂર્વક ના પાડી કે, ''આપની કોઈ ભૂલ થાય છે... હું કોઈ બ્રીડિંગ-ફીડિંગ કરાવતો નથી... આઈ મીન, મારા કૂતરાઓ કરાવતા નથી... આઈ મીન, મારી પાસે કોઈ કૂતરો-બૂતરો છે જ નહિ !''

પણ કલાકમાં બીજા ત્રણ ફોન આવી ગયા, એમાં એની શું હાલત થઈ ગઈ હશે ? પછી તો એના પોતાના ધંધાના ફોન ઓછા થઈ ગયા ને ડોબરમેનવાળા વધી ગયા. પછી તો ડોબરીયો ફોન કરનારને મા-બેનની ગાળો ઉપર ચઢી ગયો. એને અજીત ઉપર ડાઉટ તો પડયો, એટલે ફોન કરીને પૂછી જોયું કે, ''મારો આવો નંબર તેં આપ્યો છ ?'' આ તો કબુલે ? ઉપરથી સારી સલાહ આપી કે, ''મને તો કશી ખબર નથી, પણ તારી આ હાલત જોઈને એક સજેશન કરૂં છું કે, તું જ ચાર-પાંચ નવા ડોબરમેનો ખરીદી લે અને બ્રીડિંગ કરાવવાનો આ જ ધંધો ચાલુ કર... લોકો બહુ કમાય છે... !''

એ જ ડોબરીયો બીજી વાર પણ 'બાપુ'ની ઝપટમાં આવી ગયો. અમે ચાર દોસ્તો માઉન્ટ આબુ જતા હતા. હાઈ-વે પર મને સિગારેટની જરૂર પડી. મેં 'બાપુ'ને કીધું, ''કોક ગલ્લો આવે તો ગાડી ઊભી રાખજો.'' ગલ્લો આવ્યો ને ડોબરીયો કહે, ''ઊભા રિયો... હું જ સિગારેટ લિ આવું છું.'' અજીત કહે, ''તને નહિ આપે... આમાં તો ઓળખાણ જોઈશે.''

''અરે પણ સિગારેટ લેવામાં ઓળખાણ શેની જોઈએ ?''

''જોઈશે... આમાં તો હવે રેશન-કાર્ડ ઉપર જ એક પાકીટ આપે છે... તું પીતો નથી, એટલે તને ખબર ન હોય... !''

ગુસ્સામાં ડોબરીયો સિગારેટનું આખું પાકીટ મુઠ્ઠીમાં કચકચાવીને ડૂચો કરીને લાવ્યો, તે બીજું લેવા જવું પડયું.

સુરતમાં બાપુની ગાડી બગડી એટલે અમે રીક્ષા કરી. અચાનક શું સૂઝ્યું, તે રીક્ષાવાળાને સંભળાય એમ મારી સાથે વાતો કરવા માંડયા, ''મોદી-સરકારનું એક તો કહેવું પડશે... રીક્ષાવાળાઓની લાઈફ બનાવી દીધી.'' પહેલા તો હું ય સમજ્યો નહિ, એટલે મેં પૂછું, ''કઈ લાઈફ બનાવી દીધી ?''

''એ જ કે, આજથી દરેક રીક્ષાવાળાને રેશન-કાર્ડ ઉપર રોજનું ૨૫-લિટર પેટ્રોલ ફક્ત રૃા. ૧૦-રૂપિયે લિટર મળશે...''

'ચીંચીંચીંચીંઈઈઈઈઈ...' કરતી રીક્ષાની બ્રેક વાગી, ''સાહેબ... સાહેબ... તમે શું કે'તા'તા...''

''બસ, તમે સાંભળ્યું એ જ ! હજી આજે જ જાહેરાત થઈ છે, એટલે બધા રીક્ષાવાળાઓને ખબર ન હોય, પણ કામરેજના પેટ્રોલ પમ્પથી શરૂઆત કરી છે. બધા રીક્ષાવાળાઓ ત્યાં જ પહોંચ્યા છે...''

''સાહેબ, મારે ભાડું નથી જોઈતું... તમે ઉતરી જશો ? મારે ઘેર રેશન-કાર્ડ લેવા જવું પડશે...''

બસ... એટલું ધારી લો કે, કામરેજ સુરતનો છેલ્લો એરીયા કહેવાય... પેલો રેશન-કાર્ડ લઈને પમ્પ પર પહોંચ્યો હશે ને કાર્ડ ધર્યા પછી કીધું હશે, ''લો... આમાં પચ્ચી લિટર નાંખી આલો.''

સિક્સર

- એમ કહેવાય છે કે, જેના દાંત ગંદા હોય, તે જાહેરમાં હસી શકતો નથી !

No comments: