Search This Blog

19/06/2015

'બાપ રે બાપ' ('૫૫)

ફિલ્મ : 'બાપ રે બાપ' ('૫૫)
નિર્માતા- આર.કારદાર
સંગીતકાર- નૈયર
ગીતકાર- નિસાર અખ્તર
રનિંગ ટાઇમ- - રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો- કિશોર કુમાર, ચાંદ ઉસ્માની, સ્મૃતિ બિશ્વાસ, જયંત, એસ.એન.બૅનર્જી, ઉલ્હાસ, મારૂતિ, લીલા મીશ્રા, મીરાદેવી, અમીરબાનુ, આગા મેહરાજ, બૈજનાથ અને ઘોષ.




ગીતો
૧. યા પિયા પિયા મોરા જીયા પુકારે, હમ ભી ચલે હૈ ...... આશા-કિશોર
૨. રાત રંગીલી, ચમકે તારેં, આજા સજનવા પ્રેમ દુવારે ..... આશા ભોંસલે
૩. મૈં ભી જવાં, દિલ ભી જવાં .... આશા ભોંસલે
૪. કહે દિલ યે દીવાના, મેરા દર્દ ન જાના ..... આશા ભોંસલે
૫. ફૂલ સે ગાલોં સે, મતવાલી ચાલોં સે..... આશા-કિશોર
૬. દીવાના દિલ ગાયે અબ મુઝસે રહા ન જાયે .... આશા ભોંસલે
૭. ન બતા, હમેં સબ હૈ પતા ..... આશા ભોંસલે
૮. ફૂટ આપસ મેં પડી હમે કંવારે રહે ગયે .... કિશોર કુમાર
૯. તુમ ન આયે ઘટા ગમ કી છાને લગી ..... આશા ભોંસલે
૧૦.અબ યે બતા, જાયેં કહા .... આશા ભોંસલે
૧૧.જાને ભી દે છોડ યે બહાના ..... આશા ભોંસલે

કિશોર બોલવામાં હતો તો આખો ? એને ધૂમધામ પૈસા આપનાર નિર્માતાઓને ય ગાંઠતો નહોતો, ત્યાં નવીસવી હીરોઇન ચાંદ ઉસ્માની તો કઇ વાડીની મૂળી ? આ ફિલ્મ 'બાપ રે બાપ' પત્યા પછી નહિ, શૂટિંગ હજી ચાલતા હતા, તે દરમ્યાન કોક પત્રકારને કહી દીધું, ''ચાંદ ઉસ્માનીનું માથું તો જુઓથી ભરેલું છે. (ડૅન્ડ્રફ)'' બસ. ખલાસ. બહેનની કરિયર ખતમ થઇ ગઇ. આવું કહેવા માટે કિશોર ઉપર ગુસ્સો ચઢતો હશે કે, કોઇના માટે આવું બોલાય ? કોઇની પણ બા ખીજાય, પણ આમાં સાવ એવું નહોતું. શરૂઆત ચાંદ ઉસ્માનીએ કરી હતી. કિશોર પોતાનો હીરો હોવા છતાં ચાંદ એની સખીઓને જરા વેરથી કહેતી ફરતી હતી, 'કિશોર સાવ વાંદરા જેવો છે.' આ તો અહી આટલું લખાય, બાકી તો કહે છે કે, એ આડુંઅવળું ઘણું બોલતી હતી.

અંજામ જોઇ લીધો ? ત્યાંને ત્યાં ચાંદ ઉસ્માનીની કરિયર ખતમ. આવું સાંભળ્યા પછી ક્યો હીરો એની સાથે કામ કરવા તૈયાર થાય ? મોટા ભાગની ફિલ્મોમાં હીરોલોગને ભેટતી વખતે હીરોઇનના માથે તો હાથ-બાથ ફેરવવાનો તો કાયદેસરનો આવે કે નહિ ? આ ફિલ્મના એક યુગલ ગીત, 'ફૂલ સે ગાલો સે, મતવાલી ચાલોં સે...' ગીત દરમ્યાન કિશોર પોતાની કૅપ ચાંદ ઉસ્માનીના માથે પહેરાવે છે, એ કૅપ પાછી લીધા પછી કિશોર એમાં ઘણી જૂઓ જોઇ હતી, એના લીધે આ ઘટના બની હોવાનું કહેવાય છે.

નહિ તો આ ચાંદ ઉસ્માનીનો પહેલો હીરો... પહેલી વાર ફિલ્મોમાં કામ કરવા આવેલો શમ્મી કપૂર હતો. મહેશ કૌલની ફિલ્મ 'જીવનજ્યોતી'માં બન્નેની પહેલી ફિલ્મ હતી. આટલું વાંચતા લતા મંગેશકરના અનેક પ્રેમીઓને શમ્મી કપૂરની ફિલ્મ 'ચોર બાઝાર'નું ગીત યાદ આવી ગયું હશે, જે મારૂં તો જીવલેણ ફૅવરીટ છે, ''હુઇ યે હમસે નાદાની તેરી મેહફીલ મેં આ બૈઠે, ઝમીં કી ખાક હોકર આસમા સે દિલ લગા બૈઠે...'' પણ એ હીરોઇન ચિત્રા હતી, ચાંદ ઉસ્માની નહિ. ચાંદ ઉસ્માનીને છેલ્લે તમે સાયરા બાનુ-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'અમન'માં જોઇ હશે. એ પછી ય બે-ચાર ફિલ્મોમાં આવી હતી, પણ ચેહરામાં કોઇ સુંદરતા નહિ, આંખો ફાંગી અને ઍક્ટિંગમાં પથ્થર... ક્યાંય ન ચાલી.

પણ ફિલ્મ 'બાપ રે બાપ' આજ સુધી યાદ રહી ગઇ હોય તો, ટોટલ ૧૨માંથી ફક્ત બે જ ગીતો મશહૂર થવાને કારણે. આશા-કિશોરનું 'પિયા પિયા પિયા મોરા જીયા પુકારે, હમ ભી ચલેંગે સૈયા, સંગ તુમ્હારે....' અને આશાબાઇનું અત્યંત નશીલું, 'રાત રંગીલી, ચમકે તારે, આજા સજનવા પ્રેમ દુવારે....' બાકી તો મહાન સંગીતકાર ઓપી નૈયરની બહુ ઓછી ફિલ્મો છે, જેના તમામે તમામને બદલે આખી ફિલ્મમાંથી કોઇ બે-ત્રણ ગીતો જ ઉપડયા હોય. કિશોર તો પોતે ગાયક હતો છતાં મુહમ્મદ રફી કે મન્ના ડેએ પણ એને ઘણી ફિલ્મોમાં પ્લૅબેક આપ્યું છે, પણ અહી તો આશા ભોંસલેએ પણ એક ગીતમાં કિશોરને પ્લેબૅક આપ્યું છે.

ફિલ્મમાં ઓપી નૈયરના આસિસ્ટન્ટ્સ તરીકે ફિલ્મ 'શિકારી' કે 'નમસ્તેજી'ના સંગીતકાર જી.એસ.કોહલી અને ઍરેન્જર તરીકે સેબાસ્ટિયન છે. આ વિગત જાણવા જેવી છે કે, ઓપી કદી ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક કે ટાઇટલસ- મ્યુઝિક બનાવતા નહોતા. એ કામ તેમના આસિસ્ટન્ટ કરે. સેબાસ્ટિયન ઇંગ્લિશ જ બોલતા સમજતા હતા. મૂળ તો એ શંકર-જયકિશનના ઍરેન્જર. (ઍરેન્જરનું કામ સંગીતકાર કોઇ ગીતની ધૂન બનાવે, એના સ્વરાંકનો બનાવીને વાજીંત્રવાદકોને આપવાના. સ્વરાંકન એટલે ગીતનો ઢાળ 'સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા' મુજબ ગોઠવવાના, જેથી વાદકો એ વાંચીને ધૂન સમજી જાય અને તે મુજબ વગાડે.) હતા. પણ ઓપીનું ય સેબાસ્ટિયને ઘણું કામ કર્યું છે. એક વખતે ખુશ થઇને ઓપીએ પોતાની 'રૉલેક્સ' ઘડિયાળ એમને ભેટ આપી દીધી હતી. (જે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ આજે પણ ગણાય છે.) પણ આશાએ ઓપીને છોડી દીધા પછી ઓપીના બુરા દિવસો આવ્યા અને આવક બંધ થઇ. ઘડિયાળ નહોતા પહેરતા એ જોઇને કોકે પૂછ્યૂં, ''ઓપી... હવે તો સસ્તી ઘડિયાળો ય બહુ મળે છે... પહેરતા કેમ નથી ?''જવાબમાં ઓપીએ કહ્યું, ''ઓપીએ જમાનાની શ્રેષ્ઠ ચીજો જ અપનાવી છે. આજે મારો સમય અને ઘડિયાળ બન્ને નથી. ગમે તેવી ઘડિયાળ ઓપીને ન શોભે.'' અલબત્ત, કડકીના આવા દિવસોમાં ય ઓપી રોજ સવારે ચર્ચગેટ પર પોતાના મકાનથી ચાલતા જઇને કૉફી પીવા તાજમહલ હૉટેલમાં જ જતા. આ ક્રમ એમનો વર્ષોનો હતો, જે તોડયો નહિ. આશા સાથે સંબંધો પૂરા થઇ જવાના કારણે આ દિવસો આવ્યા હતા, એ જોઇને કોકે પૂછ્યું, 'તમે આશાજી સાથે સમાધાન કેમ કરી લેતા નથી ?' એ સાંભળીને ઓપી તાજમહલ હૉટેલ સામે દેખાતા ગૅટ વે ઓફ ઇન્ડિયાની ફૂટપાથ બતાવીને જવાબ આપ્યો, ''આ સામે ફૂટપાથ દેખાય છે ને...? હું ત્યાં ઊભો રહીને ભીખ માંગીશ, પણ આશાજી પાસે હાથ લાંબો કરવા નહિ જઉં.''

એ વાત જુદી છે કે, આશા ભોંસલેએ સંબંધો તૂટયા પછી ઓપીને જાહેરમાં ઉઘાડા પાડવામાં કશું બાકી રાખ્યું નહોતું. ત્યારે ઓપીએ આશા માટે કદી 'આશાજી' સિવાય ઉલ્લેખ નથી કર્યો. ''આશાજી તમને આટલા બદનામ કરે છે, તો સામો જવાબ કેમ નથી આપતા ?'' એવું ય કોઇએ પૂછ્યું, તેના જવાબમાં ઓપીએ કહ્યું હતું, ''મારા પિતાએ મને સલાહ આપી હતી.''નૅવર ઍક્સપ્લેઇન, યોર ફ્રેન્ડસ ડૉન્ટ નીડ ઇટ. યોર એનીમીઝ વોન્ટ બીલિવ ઇટ.'' (ખુલાસાઓ ન કરો. તમારા દોસ્તોને એની જરૂર નથી ને દુશ્મનો કોઇ ખુલાસો માનવાના નથી.)

આવી અનોખી અને પહેલીવારની ઘણી નવાઇઓ આ ફિલ્મ સાથે જોડાયેલી છે. નિર્માતા- દિગ્દર્શક અબ્દુલ રશિદ કારદારનું નામ એ જમાનામાં બહુ ઊંચા આસમાને લેવાતું, પણ એમની મોટા ભાગની ફિલ્મોનો હીરો દિલીપ કુમાર જ હોય, સંગીતકાર નૌશાદ જ હોય. બહુ ઠાઠમાઠવાળો નિર્માતા હતો કારદાર. મોટા ભાગે શાર્કસ્કીનના શૂટ અને સફેદ શૂઝમાં ફરતા કારદારને 'દ' ઉપરથી ફિલ્મો બનાવવાનો ચસકો વધારે લાગી ગયો હતો. નૌશાદ તો જોઇએ જ. ફિલ્મોના નામો વાંચી, 'દુલારી', 'દર્દ', 'દાસ્તાન', 'દિલ્લગી', 'દીવાના', 'દિલ દિયા, દર્દ લિયા' અને 'દિલે નાદાન' (જેમાં ફોર એ ચેઇન્જ, સંગીત નૌશાદને બદલે એમના આસિસ્ટન્ટ ગુલામ મુહમ્મદને આપ્યું હતું. તલત મેહમુદવાળી ફિલ્મ 'યાસ્મિન' સી.રામચંદ્રને આપ્યું હતું, એમ અહી ઓપી નૈયરને પહેલી અને છેલ્લીવાર લીધા હતા.

અલબત્ત, ભ'ઇ બધી રીતે પૂરા હતા. છોકરીઓના વધારે પડતા શોખિન ! શક્તિ કપૂરને કારણે પેલું બિભત્સ 'કાસ્ટિંગ કાઉચ' આપણા લોકોના જાણવામાં આવ્યું પણ એની શરૂઆત દિલીપ કુમારે કે.આસીફ સાથે મળીને કરી હતી. જેમાં સુરૈયાને ફસાવવા માટે દિલીપ કુમારે આસીફ પાસે એક ખાસ ફિલ્મ બનાવવાનું કહ્યું, જેમાં સુરૈયાને હોઠે સાપ કરડે અને એનું ઝેર ઉતારવા દિલીપ કુમાર જાનના જોખમે એ હોઠ ચૂસી લે. સુરૈયા ધાગધાગી થઇ ગઇ અને એના ભાઇએ સ્ટુડિયોના સેટ પર આવીને દિલીપને જે સમજાવવાનું હતું, એ એની જબાનમાં સમજાવી દીધું હતું.

પણ વાત આપણે કારદારની કરતા થોડા વખત પહેલા અમેરિકાના વિશ્વવિખ્યાત મૅગેઝીન 'લાઇફ'ના પત્રકાર માર્ક બર્કે લખેલી વાત મુજબ, હિન્દી ફિલ્મોમાં 'કાસ્ટિંગ કાઉચ' '૫૦-ના દાયકામાં આવી ગયું હતું. આ કારદાર નવી છોકરીઓને હીરોઇન બનાવવાની લાલચ આપીને સ્ટુડિયોમાં બોલાવી, એમની નગ્ન તસ્વીરો પડાવી લેતો ને પછી બ્લૅક-મૅઇલ કરતો. બાય ધ વે... તમને આ બધા ફોટા જોવાની લાલચ ઉપડી હોય, તો 'ગુગલ સર્ચ'માં 'એ.આર.કારદાર' લખીને ખાતું ખોલો. આવા અનેક ફોટાઓ જોવા મળશે.

અફ કોર્સ, એકલો કારદાર કે દિલીપ કુમારો જ આવા હતા, એવું નથી. રાજ કપૂરના નામે પણ આવી કથાઓ ચગી હતી. દેવ આનંદે તો નિખાલસતાથી પોતાની અનેક પ્રેમકથાઓ સૅક્સ સાથે આત્મકથામાં વર્ણવી છે. કાગડા બધે...???

પણ આનો સટ્ટાક કરતો ચોખ્ખો એક અર્થ એ પણ થયો ને કે, ચાંદ ઉસ્માનીને પણ આ નફ્ફટાઇમાંથી પસાર થવું પડયું હશે ! કારદારે ઉસ્માનીનો આવો જ ટેસ્ટ લીધો તો હશે ને ?

એક ઇન્ટરેસ્ટિંગ વાત કેવળ કિશોર કુમારને જ શોભે એવી છે.

ઓપી કદાચ ગીતની ધૂન જેટલા રૅકૉર્ડિંગમાં સીરિયસ નહોતા. ફિલ્મ 'એક મુસાફિર એક હસિના'નું. ''મૈ પ્યાર કા રાહી હું. તેરી ઝૂલ્ફ કે સાયે મેં...' ગીતના અંતરાના શબ્દો છે, ''નાઝની તૂ નહિ જા સકેગી, છોડકર ઝીંદગી કે ઝમલે...'' એ અંતરો ગાતી વખતે આશા ભોંસલેએ એક લોચો મારી દીધો. મુહમ્મદ રફીના આ મીસરા પછી આશાએ ગાવાનું હતું, ''ના મૈં હૂં નાઝની, ના મૈ હૂં મેહજબીં, આપ હી કી નઝર હૈ દીવાની'' એને બદલે આશાએ ભૂલથી ''જબ ભી છાયે ઘટા યાદ કરના જરા, સાત રંગો કી હૂં મૈં કહાની...'' ગાઇ નાખ્યું. બીજા કોઇ સંગીતકારે આ ભૂલ ચલાવી લીધી ન હોત, પણ આજે ય આ ગીત હવે નવેસરથી સાંભળી જુઓ.. એ ભૂલ સુધરી નથી. એવું આ ફિલ્મમાં પણ થયું. આશાએ બીજો લોચો માર્યો. ગીતના બીજા અંતરામાં કિશોર ગાતો હોય છે, ''...યે ઋતુ મનભાતી, યે મુખ ગોરા ગોરા...'' ત્યારે આશા વચમાં ''આઆઆ...'' ભૂલમાં ગાઇ બેસે છે. આશા ગભરાઇ ગઇ, પણ નટખટ કિશોરે ચાલુ રૅકૉડિંગે ઇશારો કરી દીધો કે, 'આગળ ગાયે રાખ... ભૂલ હું સુધારી દઇશ.' એટલે ઓપીએ ફરી એક વાર ભૂલ ચલાવી લીધી. કિશોરે આ ગીતના ફિલ્માંકન વખતે એ ભૂલ સુધારી દીધી. ઘોડાગાડીમાં આ ગીત ગવાય છે, ને આશાની ભૂલવાળો હિસ્સો ચાંદ ઉસ્માની ગાવા જાય છે, ત્યારે કિશોર એના મોંઢા ઉપર હાથ મૂકી દે છે, ''ડોબી...હજી હું ગાઉં છું...'' ના ધોરણે.

બાય ધ વે, ઓપી એક માત્ર સંગીતકાર છે, જેમણે ઘોડાગાડીના ઠેકા ઉપર પૂરા ૪૨ ગીતો બનાવ્યા છે.

આ ફિલ્મ 'બાપ રે બાપ'માં કે.એન.સિંઘ તો નથી, પણ કિશોર એને ખૂબ ચાહતો. સિંઘના અવાજની મિમિક્રી કરવામાં એને ખૂબ આનંદ આવતો. અહી પણ એને સિંઘની નકલ ઘણી વાર કરી છે. પોતાના પ્રોડક્શનની ફિલ્મ 'બઢતી કા નામ દાઢી'માં તો કિશોરે કે.એન.સિંઘને માત્ર ચડ્ડી પહેરાવી, માથે કૃષ્ણ જેવું પીછું પહેરાવીને યમુના કિનારે ડાન્સ પણ કરાવ્યો હતો. અહી તો બારમાસી વિલન જયંતને સિંધી ધનવાન કિશોરના પિતાના રોલમાં કૉમેડી કરતો બતાવાયો છે. જયંત બહુ અસરકારક વિલન હતો. અમજદખાન એનો દીકરો થાય, એ તો સહુને ખબર છે.

અન્ય પાત્રોમાં કોઇ નોંધપાત્ર હોય તો ઉલ્હાસ. થોડો થોડો ગમે એવો વિલન હતો. આખી કારકિર્દીમાં ખાસ કોઇ નોંધપાત્ર કામ મળ્યું જ નહિ, પણ નાના નાના રોલમાં એ પોતાની છાપ છોડી શકતો. વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગ' એનું ઉદાહરણ....

ફિલ્મની વાર્તા કે તેનો અંશ લખવાનો મૂડ આવે એવો નથી. ઘટીયા ફિલ્મ વિશે કંઇક લખાય, એ પણ ઍમ્બેરેસિંગ લાગે છે, પણ ફિલ્મ કિશોર કુમારની હતી, એટલે આખી ફિલ્મમાં કિશોરને જોયા કરવો મનોરંજક લાગે છે. એ માથે પડયો નથી. વાર્તા-સંવાદમાં તો કોઇ દમ નથી, પણ કિશોર એની બફૂનરીથી બેશક હસાવે રાખે છે. આખી ફિલ્મમાં એણે કે.એન.સિંઘના અવાજની અનેક નકલો કરી છે, પણ એ જમાનાના ખલનાયક તિવારીને પણ લપેટયો છે. કિશોર તિવારીના અવાજમાં એની જ સ્ટાઇલથી થોડાઘણાં સંવાદો બોલ્યો છે ને આ બધું જોવું સાંભળવું ગમે એવું છે, બાકી તો જે શી ક્રસ્ણ.

No comments: