Search This Blog

30/08/2015

ઍનકાઉન્ટર : 30-08-2015

* તમે છોકરી જોવા ગયા ત્યારે નર્વસ થયા હતા ?
- જે કાંઈ નુકસાન હતું, એ બધું એ લોકોને હતું... હું શું કામ નર્વસ થઉં ?
(કૃષ્ણા પાટીલ, અમદાવાદ)

* રેલમંત્રી તમે હો તો બુલેટ ટ્રેન કેટલા સમયમાં આપી શકો ?
- મંત્રી હોઉં તો વચન આપું... ટ્રેન શું કામ ?
(નીરજ અંધારીયા, ભાવનગર)

* તમને રૂબરૂમાં 'કેમ છો' પૂછવું હોય તો ?
- તો હું તમને ટપાલમાં કહીશ, 'મજામાં.'
(જીતેન્દ્ર એન. પરમાર, પોરબંદર)

* જૂનાગઢની એક લેબમાં ગૌમૂત્રમાંથી ૫,૧૦૦- તત્ત્વો સોના અને ચાંદીના મળ્યા. આ હિસાબે તો ગૌમૂત્ર રસ્તામાં જોવા પણ નહિ મળે !
- તમારે પ્રવાસો વધારવા જોઈએ.
(મધુકર મહેતા, વીસનગર)

* અશોકજી, ઘણા સમયથી 'દૂરદર્શન' પર તમે દેખાતા નથી. કોઈ કારણ ?
- એ લોકોનો ટેસ્ટ સુધર્યો છે.
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* કાશ્મીરમાં પાકિસ્તાનના ઝંડા ફરક્યા અને આપણા નેતાઓ હાથ જોડીને બેસી રહ્યા... સુઉં કિયો છો ?
- એમના પગ પકડીને બેસે, તો ય નવાઈ લાગવા જેવું શું છે ? ભાજપ કે કોંગ્રેસ-એકે ય નેતા કાંઈ બોલ્યો ?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* રાહુલજી ગુપ્ત વેકેશનમાં જઈ આવ્યા... તમે ક્યારે જવાના ?
- થેન્ક ગોડ... ગુપ્ત વેકેશનોમાં જઈ આવવાથી, કમ-સે-કમ રાહુલ ગાંધી તો બનાતું નથી.
(યામિત બેનર્જી, પ્રાચીતીર્થ)

* હાસ્યલેખનમાં તમારા ગુરુનું નામ જણાવશો ?
- હાસ્યલેખક બનવા માટે ગુરુઓ શોધવાની જરૂર નથી પડતી.
(ભગવાનદાસ મકવાણા, મુંબઈ)

* મારી પડોસણ એના ઘરડા ગોરધનને રોજ ફટકારે છે. એને બચાવવાનો કોઈ ઉપાય ?
- આવી મજબૂત પડોસણને તમારે બચાવવી છે શું કામ ? એને બદલે શીખો કંઈ એનામાંથી !
(શ્વેતા સોમેશ્વર, અંજાર-કચ્છ)

* 'પ્યાર કિયા તો ડરના ક્યા ?' તો પછી સની દેઓલ અક્ષય કુમારથી આટલો ડરે છે કેમ?
- એનો મતલબ... મારે તો હવે બન્નેથી ડરવાનું આવ્યું ને ?
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* નવા વાડજના તમારા જૂના પસ્તીનગર સર્કલ પર કિટલીનું હેન્ડલ ખોટી જગ્યાએ લગાવ્યું છે...
- હું તો એ ય જોઈ આવ્યો કે, મહીં ચાનું ટીપું ય નથી. ટીપું દિલ્હીમાં બેઠું છે.
(વિનોદ ડાભી, લાલવાડા-પાલનપુર)

* તમે ક્યારેય વિપશ્યના કરવા ગયા છો ?
- હું દર રવિવારે વાચકોને 'અશોક્યના' કરાવું છું.
(દિવ્યા સાણંદીયા, સુરત)

* 'ખુશ્બુ તેરે બદન સી, કિસી મેં નહિ નહિ...' એવું એક ગીતમાં આવે છે. મતલબ ?
- એ ભાઈની નિષ્ઠાને સલામ છે. કેટલાં બધાં સ્ત્રી-પુરુષોનાં શરીરોને સૂંઘી સૂંઘીને આટલો અધિકૃત અભિપ્રાય આપ્યો હશે !
(નલિન ઠાકર, મુંબઈ)

* અમદાવાદની ટ્રાફિક-પોલીસ મહિલા વાહનચાલકથી ડરે છે. સાચું ?
- એ (ટ્રા.પો.) ભલે ડરતી... પણ ઘેર બેઠા એમના ગોરધનોને 'સારા સમાચાર' આવવાની મીઠી આશા હોય છે.
(હરેશ લાલવાણી, વણાકબોરી)

* કોઈ સ્ત્રીને દોસ્ત બનાવવા તમે વધુ મહત્ત્વ શેને આપો છો ? એની સુંદરતા, કંઠ, ડ્રેસ, ડીસન્સી... ?
- એની ચોઈસને.
(બીના સુ. પરીખ, અમદાવાદ)

* સાધુસંતો દ્વારા આટઆટલી કથાઓ છતાં દેશમાં અરાજકતા કેમ ?
- 'કથાઉદ્યોગ'નું તો એવું જ રહેવાનું.
(જયેશ અંતાણી, ભાવનગર)

* તમે કોમિક સીરિયલોમાં કામ કરવા કેમ નથી જતા ?
- બેન, ઘરમાં જ એટલું બધું કામ પડયું હોય છે ને કે...
(શ્રુતિ અલ્પેશ ગજ્જર, નડિયાદ)

* 'બા ખિજાય', મતલબ તમારા કે તમારા દીકરાના ?
- હવે તો બાજુવાળાની બા ખીજાય તો ય બી પડું છું.
(ફાલ્ગુન સાવલીયા, ચિત્તલ-અમરેલી)

* ગ્રામોફોન એન્ટીક થયા, ટાઈપરાઈટરો કટાઈ ગયા, પેજરો ગુમ થઈ ગયા... મિ. દવે, હવે શું થશે તમારું ?
- કંઈ નહિ. હું મારું નામ 'ધિમંત' રાખી લઈશ.
(ધિમંત ભણસાલી, મુંબઈ)

* ચક્રવર્તી અશોક અને હાસ્યસમ્રાટ અશોક વચ્ચે શું ફરક છે ?
- પેલો તો છઠ્ઠા ધોરણમાં બે વખત નાપાસ થયો હતો.
(અમિતા બી. પટેલ, અમદાવાદ)

* 'ગુજરાત સમાચાર'ને બીજા હજાર તો નહિ, પણ બીજો એકે ય અશોક દવે મળે એમ નથી, તે બધા વાચકો જાણે જ છે, છતાં 'ગુજરાત સમાચાર'ની આટલી ચાપલૂસી કરવાની કોઈ જરૂર ખરી ?
- હવે ખ્યાલ આવ્યો ને કે, અમારા બન્નેના ટેસ્ટ કેવા ઊંચા છે ?
(મુકેશ નાયક, એથાન-નવસારી)

* સની લિયોનીની લોકપ્રિયતા પાછળનું કારણ કયું ?
-પાછળનું.
(ધવલ પટેલ, અમદાવાદ)

* નવી વહુ ઘરમાં આવે પછી થોડા દિવસો માટે દીકરાનું માન ઓછું કેમ થઈ જાય છે ?
-ઘૂંઘટ-ઘરેણાં પહેરેલા તમે સારા ન લાગો, માટે !
(ડૉ. જાવેદ અલવાની, જામનગર)

* મારા પતિ હું કાંઈ ચીજવસ્તુ મંગાવું તો ભૂલીને આવે છે, પણ અમારા પડોશની બહેનો કાંઈ મંગાવે તો કદી ભૂલતા નથી. મારે શું કરવું જોઈએ.?
- તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી. તમારા ગોરધનને કહો ને, એકાદ-બેની તો ઓળખાણ કરાવે ! શક્ય છે, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને મારો શરૂ થાય !
(અવનિ દવે, ભુજ-કચ્છ)

* તમે સાચું બોલવામાં માનો કે સારું બોલવામાં ?
- મેં કદી સરકારી નોકરી કરી નથી.
(કિરણ દાફડા, વડોદરા)

* પ્રેમમાં દગો છોકરીઓને જ કેમ મળે છે ?
-છોકરાઓને તો કેમ જાણે તાજાં જન્મેલાં બાળકો જ મળતાં હશે !
(ક્રિશ્ના ગોહેલ, રાજકોટ)

* રાજકારણીઓ ઝભ્ભા લાંબા જ કેમ પહેરે છે ?
- હા, પણ લેંઘા તો માપસરના પહેરે છે ને ? કોઈનો લેંઘો રોડ ઉપર ઘસડતા આવતો જોયો ?
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

No comments: