Search This Blog

22/08/2015

'મુનિમજી' ('૫૫)

ફિલ્મ :'મુનિમજી' ('૫૫)
નિર્માતા :ફિલ્મીસ્તાન લિ.
દિગ્દર્શક :સુબોધ મુકર્જી
સંગીતકાર :સચિનદેવ બર્મન
ગીતકારો :શૈલેન્દ્ર :સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ :૧૭ રીલ્સ :૧૬૩ મિનિટ્સ
થીયેટર :(અમદાવાદ)
કલાકારો :દેવ આનંદ, નલિની જયવંત, અમિતા, પ્રાણ, નિરૂપા રૉય, કનુ રૉય, પ્રભુ દયાલ, એસ.એલ. પુરી, સમર ચૅટર્જી


ગીતો
૧. જીવન કે સફર મેં રાહી, મિલતે હૈં...................કિશોર કુમાર
૨. જીવન કે સફર મેં રાહી, મિલતે હૈં...................લતા મંગેશકર
૩. એક નઝર બસ, એક નઝર..................લતા મંગેશકર
૪. આંખ ખુલતે હી તુમ............લતા મંગેશકર
૫. દિલ કી ઉમંગે હૈં જવાં, રંગ મેં.............હેમંત, ગીતા દત્ત, ઠાકૂર
૬.સજન બિન નીંદ ના આયે............લતા મંગેશકર
૭. એક તરફ.... જીંદગી હૈ જિંદા...........ગીતા દત્ત – કોરસ
૮. દે દિયા તો.... અનાડી અનાડી રે........... ગીતા દત્ત
૯. ઓ શિવજી બિયાહને ચલે, પાલકી............. હેમંત કુમાર
૧૦. નૈના ખોયે ખોયે તેરે દિલ મેં ભી કુછ હોય રે....... લતા મંગેશકર
૧૧. ઘાયલ હિરનીયા, પલ પલે ડોલે............ લતા મંગેશકર
ગીત નં. ૧ થી ૮ સાહિર બાકીના શૈલેન્દ્ર.

જગતમાં જો કચરો ફિલ્મ જોવી એ પાપ હોય, તો એવી ફિલ્મ વિશેનો લેખ વાંચવો, તો મહાપાપ ગણાશે. જરા સોચો. આપણા જમાનાની સમજો ને... ઑલમૉસ્ટ, બધી ફિલ્મ કચરાછાપ હતી ને મેં બધી જોઇ ને તમે બધી વાંચી છે.... આપણે નર્કમાં જતા પહેલા નર્કના ગૅટ નં. ૪ ઉપર મળીશું.... જો આપણને સ્વર્ગમાં જવાની પરવાનગી નહિ આપે તો, આ કૉલમની તમામ ફિલ્મો વિશે મારૂં લખાયેલ ટુંક સમયમાં બહાર પાડનારૂં પુસ્તક 'ફિલ્મ ઈન્ડિયા' નર્કના ગૅટ કીપરને ગિફ્ટ-પૅક કરીને આપવાની ધમકી આપી દઇશું... સંભવ છે, આટલું મોટું જોખમ ઉઠાવવાને બદલે, એ આપણને બધાને સ્વર્ગના ફ્રી-પાસ આપી દે... સુંઉ કિયો છો...?

શશધર મુકર્જી ફિલ્મીસ્તાન સ્ટુડિયોના સર્વેસર્વા હતા અને વર્ષમાં ઍવરેજ ૪-૫ ફિલ્મો તો ઉતારતા હતા. મોટા ભાગે તો એમણે ફિલ્મો નથી ઉતારી.... કચ્ચરઘાણ ઉતાર્યો છે! બધું મળીને એમણે ૩૦ ફિલ્મો ઉતારી છે ને એકે ય માં એડ્રેસીઝ નથી.... (એટલે કે, ઠેકાણાં નથી!) જુઓ, તમે નામો સાંભળ્યા હોય એવી ફિલ્મીસ્તાને ઉતારેલી થોડી ફિલ્મો જોઇ જુઓ... શબનમ, શબિસ્તાન, આનંદમઠ, અનાર કલી, શર્ત, નાગીન, નાસ્તિક, જાગૃતિ, આબે-હયાત, હમ સબ ચોર હૈ, દુર્ગેશ નંદિની, તુમ સા નહિ દેખા, પૅઇંગ ગૅસ્ટ, ચંપાકલી, દૂજ કા ચાંદ અને બદતમીઝ....

મતલબ, કેવળ ધંધો ધ્યાનમાં રાખીને સફળ સંગીતકારો લઇને કચરો તો કચરો, ફિલ્મો બનાવવાની. આપણને ક્રોધ તો એ વખતના હીરો-હીરોઇનો ઉપર કાયદેસર ચઢવો જોઇએ કે, ગમે તેવી ફાલતુ ફિલ્મ કરી લેવાની? તમારો પોતાનો ય કોઇ ટેસ્ટ હોય કે નહિ?

પણ હું જ એમનો બચાવ કરીશ કે, ફાલતુ ફિલ્મો સ્વીકારવા સિવાય એમની પાસે બીજો વિકલ્પે ય કયો હતો? એ '૪૦-'૫૦ કે '૬૦ના દાયકાઓમાં ૧૦માંથી ૧૧ ફિલ્મો આવી જ બનતી હતી ને જે એકાદી 'સારી' અથવા 'ક્લાસિક' કહીએ, એ તો દસેક વર્ષમાં માંડ એકાદી બનતી!

યસ. સંગીત એક એવું પરિબળ હતું, જેના કારણે એ જમાનાની મોટા ભાગની ફિલ્મો આજે ય આપણને યાદ છે. મૅલડીના એ બન્ને દશક ('૪૬થી '૬૬ સુધીના)માં ફિલ્મો ભલે જેવી તેવી ઉતરતી, સંગીત સદાબહાર હતું. આ જ જુઓ ને, 'મુનિમજી'.... દાદા બર્મન કેવા ખીલ્યા હતા? મંજૂર કે આ ફિલ્મમાં હિટ કરતા ફ્લૉપ ગીતો વધુ હતા પણ કોઇનાથી ય ગભરાયા વિના, જે ૩-૪ ગીતોની વાત કરી શકાય એમ છે, એ તો આજ સુધીનું અમરત્વ પ્રાપ્ત કરી ચૂક્યા છે. કિશોર દેવ આનંદ સિવાય કોઇને પ્લેબૅક આપતો નહતો ને એમાં ય સંગીત દાદા બર્મનનું હોવું જોઇએ ને (હજી બીજી વખત, 'એમાં ય...) દેવ હોય તો ય શું થઇ ગયું, આખી ફિલ્મમાં એકગીત તો બહુ થઇ ગયું! અને નસીબનો બળીયો ય કેવો? આખી ફિલ્મમાં લતા મંગેશકર છવાયેલી રહી હોવા છતાં મશહૂર તો કિશોરનું જ, 'જીવન કે સફર મેં રાહી, મિલતે હૈં બિછડ જાને કો...' જ ઉપડયું. નહિ તો મેં સાંભળી છે, ત્યાં સુધી લતા મંગેશકરે લાઇફ-ટાઇમમાં પહેલી અને છેલ્લી વાર આશા ભોંસલે જેવી નટખટ હરકતોવાળું ગીત, 'ઘાયલ હિરનીયા, બન બન ડોલે...' તમને ગીતની રૅકૉર્ડમાં સાંભળવા નહિ મળે, પણ સાઉન્ડટ્રૅક ઉપર લતાએ સરગમ અને હાસ્યરસિકતાનો મારીને મારા જેવા લતાપ્રેમીઓને અશોક-અશોક કરી નાંખ્યા છે! યસ. લતાએ જવલ્લે જ આવા તોફાનો કર્યા છે અને... કર્યા હોય ત્યારે આપણને કેવી મસ્તી ચઢી જાય?

અફ કૉર્સ, જ્યારે નરગીસની ફિલ્મ 'મીસ ઈન્ડિયા'નું ગીત આખું રૅકૉર્ડ થઇ ગયા પછી દાદાએ ફિલ્મના રશિઝ જોયા, ત્યારે ખબર પડી કે ફિલ્મમાં નરગીસનો રોલ તો તોફાની છોકરીનો છે ને મેં જરા ગંભીર ગીત બનાવી નાંખ્યું છે...! બદલવું પડશે, આખું ગીત નવેસરથી કમ્પોઝ કરીને રેકૉર્ડ કરવું પડશે. તરત લતાને ફોન કર્યો. એકનું એક ગીત બીજી વાર રૅકૉર્ડ કરવામાં એને કોઇ વાંધો નહતો, પરંતુ એ આવી નહિ. ઉપરથી માણસ મૅસેજ લાવ્યો કે, લતા બીજી વાર એ ગીત રૅકૉર્ડ નહિ કરે! ખતમ્મ... બાત ખત્તમ...! બન્ને વચ્ચે બોલવાના ય સંબંધો સળંગ ચાર વર્ષ સુધી ન રહ્યા એટલે કે, '૫૮થી '૬૨ સુધી કાકાની એકે ય ફિલ્મમાં લતાને ન લેવાઇ. એ બધા ગીતો સુમન, ગીતા કે આશાને ફાળે ગયા. લતાના પોતાના કહેવા મુજબ આ ઝગડો કેવળ ગેરસમજનો હતો, બીજા કોઇ કારણથી નહિ! અંદરનું એક કારણ એ પણ હતું કે લતાનો દબદબો કોઇ ડૉનથી કમ નહતો. એની સામે અવાજ ઉઠાવવાની હિમ્મત એક બર્મન દાદા અને બીજા શંકર-જયકિશન જ બતાવી શક્યા. અને આમે ય, લતા માટે ય આ એક બીઝનૅસ હતો. ચાર વર્ષ વધારે ભારે પડયા-એના ગીતો ઓછા થવાથી નહિ, પણ એના ગીતો હરિફ ગાયિકાઓ લઇ જવા માંડી, એટલે સમય સાચવીને બર્મન દાદા સાથે પાછું સમાધાન કરી લીધું ને જે પહેલું ગીત ગાયું એ, 'મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે' (ફિલ્મ 'બંદિની'નું) હતું. અગાઉ મીડિયાની ગેરસમજ મુજબ લતાએ પહેલું ગીત ફિલ્મ ડો. વિદ્યાનું 'પવન દીવાને, ન માને ઉડાયે મોહા ધુંઘટા' હતું. ફોટોકૉપી જેવું આવું બીજું સમાધાન મુહમ્મદ રફી સાથેના ઝગડામાં કરી લેવામાં આવ્યું. રફીને કોઇ લૉસ નહતો, પણ લતાના યુગલ-ગીતો સુમન કલ્યાણપુર ઉપાડી જાય, એ ક્યાંથી બર્દાશ્ત થાય?

બર્મન દાદા માટે આ ફિલ્મ 'મુનિમજી'નું ૧૯૫૫નું વર્ષ અધરવાઇઝ ફાલતું રહ્યું. આ વર્ષમાં એમની પાંચ ફિલ્મો આવી, એના ગીતો ઘણા સામાન્ય રહ્યા-હેમંત દા ના બે ગીતો 'ચુપ હૈ ધરતી...' અને 'તેરી દુનિયા મેં જીને સે, તો બેહતર હૈ...' અને એક ''લતાફતનું'' ગીત, 'ફૈલી હુઇ હૈ, સપનોં કી બાહેં...' (ફિલ્મ ઘર નં. ૪૪)ને બાદ કરતા ફિલ્મ 'દેવદાસ', 'સોસાયટી', 'મુનિમજી' અને 'મદભરે નૈન' (જેમાં લતાના આપણા જેવા સખ્ખત ચાહકોએ જ સાંભળ્યું હોય એવું, ''આ પલકોં મેં આ... સપને સજા...'')ની સામે ઓપી નૈયર એક વિરાટ સુરમા સાબિત થયા હતા. શંકર જયકિશનની તો આખા વર્ષની એક જ હિટ ફિલ્મ હતી, 'શ્રી.૪૨૦'. ત્યારે ઓમકાર પ્રસાદ નૈયરની પાંચમાંથી ચાર ફિલ્મો હિટ ગઇ, 'બાપ રે બાપ', 'મિ. ઍન્ડ મિસીસ' '૫૫', 'મીસ કૉકાકોલા', 'મુસાફિરખાના' અને નૌશાદ નહિ પણ 'નાશાદ'ના સહસંગીતમાં આવેલી 'સબ સે બડા રૂપૈયા'.

નૉર્મલી, બર્મન દાદાના આસિસ્ટન્ટ તરીકે એમનો પ્રસિધ્ધ પુત્ર પંચમ એટલે કે રાહુલ દેવ હોય કે ફિલ્મ 'હમદોનોં'વાળા જયદેવ હોય, પણ અહીં સુહિૃદ કરને મદદનીશ બનાવાયા છે. આ સંગીતકારનો વર્લ્ડ નહિ તો હિંદી ફિલ્મો પૂરતો એક રૅકૉર્ડ આજ સુધી અનબ્રોકન છે, આખી કરિયરમાં ફક્ત એક જ ફિલ્મમાં સંગીત આપવાનો અને એમાંથી ફક્ત એક જ ગીત ૧૦૦ વર્ષ ચાલે એવું મધુરૂં બનાવવાનો, 'સાથ હો તુમ ઔર રાત જવાં, નીંદ કિસે અબ ચૈન કહાં...' (કેવું મધુરૂં ગીત ઍકૉર્ડિયન અને મટકી વાગી છે આ ગીતમાં!) ફિલ્મમાં મનોજ કુમાર અને સિંધી હીરોઇન કુમુદ છુગાનીએ સમગ્ર ગીતના માતૃપક્ષના સામટા લગ્નો કરાવવા ખૂબ જ મેહનતો કરી છે. ફિલ્મ હતી, 'કાંચ કી ગુડીયા' ('૬૧)

યસ. ભાગ્યે જ કોઇ બીજા ગીતકાર સાથે કામ કરતા સાહિર લુધિયાનવીને શૈલેન્દ્ર માટે પૂરતો આદર હોવાથી આ ફિલ્મમાં એ બન્ને સાથે આવ્યા છે.

'મુનિમજી'નો એક ચમત્કાર જોવા જેવો છે. આપણાં ધી ગ્રેટ સંગીતકાર મદન મોહન આ ફિલ્મમાં હીરોઇન નલિની જયવંતના ભાઇનો રોલ કરે છે. માત્ર મેહમાન કલાકાર જેવો ટચૂકડો રોલ નથી.... માફકસરનું ફૂટેજ મળ્યું છે ને તમે ઓળખી શકો કે આ મદન મોહન છે. તો એ જમાના પૂરતો એક નવો રૅકૉર્ડ એ પણ બન્યો હતો કે, ખલનાયક પ્રાણે અગાઉ કોઇ ફિલ્મમાં ગાયું નહોતું, તે અહીં લોકલાડીલા ગીત 'દિલ કી ઉમંગે હૈં જવાં...'માં ગીતા દત્ત-હેમંત કુમારની સાથે કોઇ ઠાકૂરના બેસૂરા અવાજમાં પ્રાણ ગાય છે. હીરોઇન નલિની જયવંતે તો પોતાની અગાઉની ઘણી ફિલ્મોમાં પોતાના ગીતો ગાયા જ છે, પણ ટીપિકલ મહારાષ્ટ્રીયન સીકેપી એટલે કે કાયસ્થ જ્ઞાાતિની નલિની નૂતન-તનૂજાની સગી માસી થાય. બહુ ઓછાને ગળે આ વાત ઉતરશે કે, મધુબાલા વૈજ્યંતિમાલા, નરગીસ, મીના કુમારી કે વહિદા રહેમાન જેવી સુંદરીઓને પાછળ રાખીને હિંદી ફિલ્મોની સર્વાધિક સુંદર હીરોઇનનો ખિતાબ નલિની જયવંત જીતી ગઇ હતી. દાદામોની અશોક કુમારની પ્રેમિકા નલિની '૪૦ના દશકમાં ગુજરાતી દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઇને પરણી હતી, જે એને ખૂબ મારઝૂડ કરતો હોવાથી ડિવૉર્સ લઇને આ જ ફિલ્મ 'મુનિમજી'માં બારે માસ રોતડી માં નિરૂપારૉયના પતિનો રોલ કરે છે, તે પ્રભુ દયાલને પરણી હતી. પ્રભુને તમે દેવ આનંદની સાથે ફિલ્મ 'એક કે બાદ એક'માં તેમ જ કિશોર કુમારની ફિલ્મ 'ન્યુ દિલ્હી'માં જબિન જલિલના પ્રેમીના રોલમાં જોયો છે.

એ સમયની મોટા ભાગની ફિલ્મોમાં હીરોલોગ લાંબી બાંયની એક બટનવાળી જરસી પહેરતા. કમરથી ઈલાસ્ટિક સાથે જરસી પૂરી થાય. દેવ આનંદ જ નહિ, પ્રદીપ કુમાર આવી જરસીઓનો શોખિન હતો. એ વાત જુદી છે કે, 'મુનિમજી'ની શરૂઆતમાં દેવ આનંદને ડાકૂના રોલમાં આપણે જોવો પડે છે, એ જલ્દી મગજમાં ઉતરતું નથી. દેવ ડાકૂનો રોલ કરે, વિજય માલ્યા રામાયણની વ્યાસપીઠ પર બેઠો હોય એવું લાગે.

ફિલ્મની સો કૉલ્ડ સાઇડ હીરોઇન અમિતાને ભાગે એકાદ બે ગીતો ગાવા અને છેલ્લે મરવા સિવાય કોઇ કામ કરવાનું આવ્યું નથી. પોતાનો ફિલ્માલય સ્ટુડિયો સ્થાપવા બનેવી અશોક કુમાર સાથે ફિલ્મીસ્તાનમાંથી છુટા થયેલા શશધર મુકર્જી પાસેથી તોલારામ જાલને આ સ્ટુડિયો ખરીદ્યો હતો. ફિલ્મ 'સબ સે બડા રૂપૈયા' (વિનોદ મેહરા અને મેહમુદવાળી)માં મેહમુદે આ તોલારામ જાલનની મિમિક્રી પૂરી ફિલ્મમાં કરી છે. 'ધ હોલ થિંગ ઇઝ ઘેટ...' જેવો તકીયા કલામ ફિલ્મમાં વારંવાર વાપરતો મેહમુદ- વાતવાતમાં નઠારી ગાળો બોલતા તોલારામની મિમિકી કરતો મેહમુદ કોકને બેસવાને બદલે, ''... સીટ ગંદી કરો'' કહે છે... બાય ધ વે, લતા મંગેશકરનો સૌથી માનિતો કોમેડિયન મેહમુદ હતો. કાળી ગોળ ટોપી, એવો જ કાળો રંગ,મોટું પેટ, અને બોલવામાં અત્યંત તોછડો તોલારામ મેહમુદની આ ફિલ્મ જોઇને ગીન્નાયો હતો કે નહિ, તેની તો ખબર નથી, પણ અમિતા એની રખાત તરીકે રહેતી હોવાનું સાંભળ્યું છે. એ અમિતાએ તોલારામને છોડીને દારાસિંઘની ઘણી ફિલ્મોમાં નિર્માતા-દિગ્દર્શક અને હીરો કામરાનને પરણી હતી, જેના બે સંતાનો ડાન્સ-ડાયરેક્ટર ફરાહ ખાન અને ફિલ્મ 'હાઉસફૂલ'નો નિર્માતા સાજીદ ખાન છે, જે બન્નેએ બાપને કદી માફ કર્યો નથી.

પ્રાણ ઍઝ યુઝવલ, સદાબહાર છે... આઇ મીન, હીરોઇનના ઘર કે દિલથી સદા બહાર જ હોય! પણ તો ય, પ્રાણ એ પ્રાણ છે, જેની બરોબરીનો વિલન શોધવો પડે!

No comments: