Search This Blog

27/09/2015

ઍનકાઉન્ટર : 27-09-2015

* આપણી ફિલ્મોને 'ઓસ્કાર એવોર્ડ્સ' કેમ નથી મળતા ?
- આપણી ફિલ્મોને 'સંસ્કાર એવોર્ડ્સ'ની જરૂર છે... ઓસ્કારની નહિ !
(કુંજન ગેવરીયા, સુરત)

* શબરીએ રામને બોર ચાખીને આપેલાં, ત્યારે શબરીને દાંત હતા ?
- શ્રીરામને બોર આપવાનાં હતાં... દાંત નહિ !
(મધુકર માંકડ, જામનગર)

* 'અશોક'નો અર્થ શું થાય ?
- અર્થ વગરનો શોક ન કરે તે.
(છત્રજીત શેખવા, ફરેણી-ધોરાજી)

* અસલના જમાનામાં, બહારવટીયાઓ સરકારની દુષ્ટતાઓ સામે પ્રજાનું રક્ષણ કરતા... અને આજે ?
- અસલની પ્રજામાં ફક્ત ભારતીયો હતા. આજે કોક જૈન છે, કોક પટેલ, કોક બ્રાહ્મણ ને કોક દલિત... ! આ બધાથી તો બહારવટીયા પોતે રક્ષણ માંગે એમ છે.
(ભરત મોદી, ગાંધીનગર)

* દોસ્ત સાથે શરત લાગી છે. ફિલ્મ 'કૂલી'માં અમિતાભને પેટમાં ઈજા કઈ તારીખે થઈ હતી ?
- 'પેટના રોગો' માટે 'ગુજરાત સમાચાર'ની સ્વાસ્થ્ય-પૂર્તિ વાંચો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* પાકિસ્તાન ક્યારે સુધરશે ?
- આપણે ભારતીય બનીશું ત્યારે.
(વિપુલ શિયાણી, પોરબંદર)

* 'હમારી અધૂરી કહાની...' તમને નથી લાગતું, આ કહાનીમાં ડિમ્પલ અને તમે વધારે સ્યૂટ થાઓ છો ?
- જોયું ને... ? તમારી આંખોમાં ય આંસુ આવી ગયાં ને ?
(ક્રિષ્ના ઠાકર, જૂનાગઢ)

* મારો ભાઈ મારા પૈસા પાછા આપતો નથી. મારે શું કરવું ?
- હવે, એ શું કરે છે, એની રાહ જોવાની !
(જીજ્ઞોશ વાઘેલા, અમદાવાદ)

* ગરમીથી બચવાનો કોઈ ઉપાય ?
- સૂઈ જાય પછી વાઈફ ઉપર બ્લેન્કેટ ઓઢાડી દેવાનો !
(દીપક મેહતા, રાજકોટ)

* તમને સૈફ અલીખાનની ફિલ્મ 'ફેન્ટમ' કેવી લાગી ?
- પાકિસ્તાનીઓને સહેજ પણ નથી ગમી, મતલબ... ફિલ્મ સારી બની છે.

* ડૉક્ટરો વિશે તમારી છાપ કેવી છે ?
- પરમેશ્વર જેવી. કેટલાક ડૉક્ટરો અનૈતિક મેડિકલ પ્રેક્ટીસ કરીને અબજો કમાય છે, એ જોવાનું કામ આપણું નથી. પણ એક નાનકડી ફોડલી થઈ હોય ને મટાડી આપે, ત્યારે ડૉક્ટર ભગવાન સરીખો લાગે છે.
(સૌજન્ય ભૂ. પટેલ, સુરત)

* તમે બેકાર હાસ્યલેખક છો, એવું કોઈએ કીધું છે ખરૂં ?
- અભિનંદન... તમે પહેલા છો.
(મનોજ એક. ત્રિવેદી, અમદાવાદ)

* ભરચક લિફ્ટમાં તમારી બાજુમાં કોઈ બેનમૂન સુંદર સ્ત્રી ઊભી હોય, તો શું ફીલ કરો ?
- એ જ કે, એ ય મારા માટે આવી જ ઉપમાઓ શોધે.
(કલ્પના કૃતિક શાહ, અમદાવાદ)

* શું મા-બાપ અને ઈશ્વરની વચ્ચે ય કોઈનું સ્થાન હોઈ શકે ખરૂં ?
- શિક્ષકનું.
(કૃતાર્થ જે. અમીન, સુરેન્દ્રનગર)

* કોંગ્રેસ વિશે શું માનો છો ?
- એ જ કે, ગઈ લોકસભાની ચુંટણીઓમાં આવા બૂરા હાલ થયા તો ય સુધરતા નથી કે, ટીવી પર આવવા મળે છે, તો ભાજપ સિવાયની કોઈ વાત કરીએ. દેશની ઉન્નતિનો કોઈ રસ્તો બતાવીએ. ભાજપ ખરાબ હોય તો ભલે રહ્યો... તમે શું ચીજ છો, એ તો બતાવો ! હવેની ચૂંટણીઓમાં તમને વોટ 'કેમ' આપવો, એનું એક કારણ તો બતાવો!
(જનાર્દન નાણાવટી, સુરત)

* તમે અમેરિકામાં આટલું ફર્યા, પણ પહેલી વાર જનારાને ત્યાં ક્યું શહેર જોવાની ખાસ ભલામણ કરશો ?
- વૈભવ જોવો હોય તો મેનહટન... અને પિકનિક જેવી ખુશનુમા મસ્તી માણવી હોય તો ન્યુ ઓર્લિયન્સ.
(અર્ચના વાય. મહેતા, વડોદરા)

* ભારતના સંતો પ્રત્યે તમને આભડછેટ હોય, એવું લાગે છે !
- ભારતના સળગતા સીમાડાઓ જોતાં, અત્યારે દરેક ભગવાનોને બાજુ પર મૂકી, દેશભક્તિનું ઝનૂન ચઢાવે, એ મારા માટે સંત છે. તમે કહો છો, એવા સંતોનો કારોબાર ભગવાનો ઉપર ચાલે છે, દેશ ઉપર નહિ... અર્થાત્ એ લોકો ધંધામાં ખોટ કરવા તૈયાર નથી.
(કિષ્કિંધા છાયા, મુંબઈ)

* દાયકાઓથી વાહનચાલકોને લૂટતો ટોલટેક્સ શું કદી નાબૂદ જ નહિ થાય ?
- જાઓ, નહિં થાય... શું કરી લેવાના છો ? પ્રધાનોના પેટ ઉપર લાત મારતાં શરમ નથી આવતી ?
(અભિજીત કે. શાહ, સુરત)

* દારૂબંધી ઉઠાવી લેવાથી કોને દુઃખ થાય ? મહાત્મા ગાંધીજીના આત્માને, સાધુસંતોને કે મમ્મી-પાપાઓને ?
- દારૂ ઉપર તો ગાંધીનગરના અનેક માથાંઓ આબાદ થઇ ગયા.
(કલ્યાણ જી. શાહ, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, વિશ્વમાં તમને મળી છે, એવી ગુણિયલ પત્ની બીજા કોઈને નથી મળી?
- હા, પણ એ ચકાસી જોવાના મોકાઓ તો મળવા જોઈએ ને ?
(શુભાંદે ત્રિવેદી, વડોદરા)

* તમે સ્વીકારો છો ખરા કે, આ કોલમમાં પુછાતા સવાલોની ક્વોલિટી ઘણીવાર નબળી હોય છે ? તમારા ચોટદાર જવાબોને કારણે મેહફીલ જામેલી રહે છે !
- એક વાર મને ય આવો વિચાર આવ્યો હતો, અને મેં પોતે બૌદ્ધિક અને હાસ્યરસિક સવાલ ઊભો કરવા પ્રયત્નો કરી જોયા... અઘરું પડયું !
(રૂખસાના અફઝલ શાહ, મુંબઈ)

* અમારો સવાલ છપાય જ, એવી કોઈ ટીપ્સ આપશો ?
- નામ, સરનામું અને મોબાઈલ નંબર વગરના સવાલોને સ્થાન નહિ મળે. એક જ વખતે સામટા ૫-૭ સવાલો પૂછી લેવામાં નુકસાન તમને જ. જવાબ તો એકનો જ અપાવાનો છે.
(વૈભવ સી. પટેલ, અમદાવાદ)

* મોદી સાઉદી અરેબીયા જઈ આવ્યા ને દાઉદ ઈબ્રાહિમના ભાંડા ફોડતા આવ્યા. સુઉં કિયો છો ?
- બસ. હવે એક વાર નવી દિલ્હી જઈ આવે.
(પરમાર્થ જી. પરીખ, આણંદ)

* તમે તમારી જાતને બહુ સ્માર્ટ સમજો છો ?
- વ્યાકરણની ભૂલ છે. સત્યવચનની પાછળ 'પ્રશ્નાર્થ' ન હોય... ફૂલ પોઈન્ટ હોય.
(વૈ.બી. સોલંકી, ગાંધીનગર)

* તમે હમણાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્મ કઇ ?
- ભારતના હરએક હિંદુ-મુસલમાને ''ખાસ'' જોવા જેવી ફિલ્મ 'બજરંગી ભાઇજાન' છે. સલમાનખાન અને દિગ્દર્શક કબીરખાનને પ્રણામ કરવા પડે, એવી આ ફિલ્મ જોવી જ જોઇએ.

No comments: