Search This Blog

05/09/2015

‘કિસી સે ના કહેના’ (’૮૩)

ફિલ્મ : ‘કિસી સે ના કહેના’ (’૮૩) 
નિર્માતા : જયવંત પઠારે 
દિગ્દર્શક : ઋષિકેષ મુકર્જી 
સંગીત : બપ્પી લાહિરી 
ગીતો : યોગેશ ગોડ 
રનિંગ ટાઇમ : ૧૪ – રીલ્સ : ૨ કલાક ૧૦ મિનિટ 
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકરો : ઉત્પલ દત્ત, દીપ્તિ નવલ, ફારૂક શેખ, સઇદ જાફરી, એસ. એન. બૅનર્જી, લલિતા કુમારી, આશા શર્મા, કેતકી દવે, નીલુ અરોરા, બબલી, કનુ રૉય, કમલાકર દાતે, બલદેવ મેહતા, ગીરિશ ગોસાવી, અમોલ સેન, સમ્રાટ કપૂર, રાજનાથ, હરિશ મગન, યુનુસ પરવેઝ, દેવેન વર્મા.

ગીતો : 
૧. ઢુંઢો જશોદા ચાહુ ઔર..... આશા ભોંસલે 
૨. કિસી સે ના કહેના..... આશા ભોંસલે 
૩. ફૂલોં તુમ્હેં પતા હૈ મન ક્યું..... આશા ભોંસલે 
૪. કાહે ઝટકે ઇતને મારે..... આશા ભોંસલે – બપ્પી 
૫. તુમ જબ સે જીવનમેં ખુશ્બૂ..... આશા ભોંસલે

આ કૉલમમાં આપણે જીદ્દીની જેમ ફક્ત ’૭૦ – સુધીની હિંદી ફિલ્મોને જ વળગી રહ્યા છીએ, પણ વાત ઋષિકેષ મુકર્જીની ફિલ્મોની આવે, તો એમણે ઇ.સ. ૨૦૫૬–માં ય કોઇ ફિલ્મ ઉતારી હશે, તો ય એને માટે હું લખવાનો. એમ તો વચમાં આપણે ‘ડોર’ જેવી ક્લાસિક સુંદર ફિલ્મને પણ અપવાદરૂપે અહીં લઇ આવ્યા હતા, પણ ઋષિ દા ની તો કોઇ પણ ફિલ્મ જુઓ, એટલે મન મગન–મગન થઇ જાય. એ વાત જુદી છે કે એમની ફિલ્મો ઓછા બજેટમાં બનતી હોવાથી, જોઇએ એવી પબ્લિસિટી થઇ ન શકતી, એટલે આવી ક્લાસિક કૉમેડી ‘કિસી સે ના કહેના’ પણ... પૉસિબલ છે, તમારે જોયા વિનાની રહી ગઇ હોય...! 

.... અને એવી જોયા વિનાની રહી ગઇ હોય તો છેવટે પડોસીના છોકરાને પણ ડીવીડીવાળાની દુકાને એના રિક્ષાના ખર્ચે મોકલી, તાબડતોબ આ સીડી મંગાવી લેજો. (ઋષિ દા ની ફિલ્મો જોતા આવડી ગઇ હોય તો એટલી કૉમેડી તો તમને ય આવડી જાય કે, ફિલ્મ ભલે આપણે જોઇએ.... ડીવીડીના પૈસા પડોસી ખર્ચે...! આ તો એક વાત થાય છે. 

હું જે કાંઇ હાસ્ય લખું છું, તેના વિષયો લાઇફમાંથી લઉં છું, ફૅન્ટસી કે રાજકારણ–ભ્રષ્ટાચાર ન હોય. સ્વાભાવિક છે, દર વખતે નવો વિષણ શોધતા હવા નીકળી જાય. ઋષિ દા ની ફિલ્મોનો એ જ મંત્ર હતો. એમની ફિલ્મોના વિષયો લાઇફમાંથી લેવાતા. જે બનવું સંભવ જ નથી, એવી (જેને ઇંગ્લિશમાં, Larger than life કહે છે) ‘બાહુબલિ’ કે ‘બજરંગી ભાઇજાન’ પ્રકારની ફિલ્મો એમના ઘરાણામાં ન આવે. બાપ–દિકરી સોફામાં બાજુબાજુમાં બેસીને ઋષિ દા ની ફિલ્મો જોતા ખડખડાટ હસતા હોય ને વચમાં આંખો છલકાઇ જાય, એવું રોતા પણ હોય! વેદના સાથેનું હાસ્ય અત્યંત મૂલ્યવાન હોય છે, પણ દરેક વખતે એવા ઊંચા આદર્શો રાખવાની જરૂર હોતી નથી. દીકરી સાથે બેસીને જોઇ શકાય, એવી કૉમેડી ફિલ્મો તમને ધોધમાર હસાવે અને ક્લાસિક પણ લાગે... પણ દર વખતે હસતાં હસતાં રોવું આવી જાય, એવી ફિલ્મો બનાવવાની કે જોવાની જરૂર નથી. એકલું હસવું આવે રાખે, એ બહુ છે! થૅન્કસ ટુ ઋષિ દા, બાસુ ચૅટર્જી કે એવા બીજા માંડ બે–ચાર દિગ્દર્શકોએ આ કામ કર્યું છે. ઘણી વાર અમે લેખકો ઓછી આવડતને કારણે એકના એક ઘીસાપીટા શબ્દો વાપરીએ છીએ, કારણ કે એને બદલે બીજું શું લખીએ, એ સરખું આવડતું નથી. પરિણામે, ‘‘ઉત્પલ દત્ત જેવો બીજો કોઇ કૉમૅડિયન નહિ થાય.’’ ‘અશોક કુમાર કે અમિતાભ બચ્ચનથી વધુ સારો ઍક્ટર નહિ થાય... હૅલન કે વૈજ્યંતિ જેવી બીજી કોઇ ડાન્સર નહિ થાય. વખાણ કરવા માટે અમારી પાસે શબ્દો અને આવડત ખૂટી ગયા હોય, ત્યારે આવું સામાન્ય કક્ષાનું બધા જ લખતા હોય છે, જેમાં વખાણ માટે સુપરલૅટીવ – ડિગ્રી જ વાપરવાની જેમ કે, ‘ચાંદ સી મેહબૂબા હો... ’ 

એમ, ઉત્પલ દત્ત આખા દેશનો સૌથી વધુ લાડકો કૉમેડિયન હતો, એ પણ ઑવર – સ્ટૅટમૅન્ટ છે. એ કૉમેડિયન નહિ, ‘ઍક્ટર’ હતો.... અને પરફૅક્ટ ઍક્ટર હતો. ખલનાયકીની છાંટ સાથે ફિલ્મ ‘આનંદ આશ્રમ’ જેવી કૉમેડી હોય કે, આજની ફિલ્મ ‘કીસી સે ના કહેના’ જેવી આઉટરાઇટ નિર્દોષ કૉમેડી હોય. ઉત્પલ દા કોઇને ન ગમતા હોય કે ઓછા ગમતા હોય, એવું હજી સુધી તો સાંભળ્યું નથી. ચેહરાના અચાનક બદલાતા અનઅપેક્ષિત હાવભાવ અને અવાજમાં સ્વાભાવિકતા સાથે અણધાર્યા બદલાવોને કારણે ઉત્પલ દા અન્ય કોઇ પણ કલાકારોથી વ્હેંત ઊંચા તો હતા જ. એ ક્યારે શું કરશે ને શું બોલી નાંખશે, એ કાંઇ કહેવાય નહિ, પણ એ જે કાંઇ કરે, એ ફિલ્મની વાર્તામાં પ્રેક્ષકોને ગૅલમાં લાવી દેનારી ઘટના હોય. ઋષિકેષ મુકર્જી સાથે તો એમણે જેટલી ફિલ્મો કરી, એ આપણે જીવીશું ત્યાં સુધી તો ઘેરબેઠા જોવાય એટલી વખતે જોયે રાખીશું, એનો કંટાળો ક્યારે ય નહિ આવે. યાદ છે ને, ‘ગોલમાલ’ કે ‘રંગબિરંગી’ ? 

આ ફિલ્મ ‘કિસી સે ના કહેના’ આઉટરાઇટ કૉમેડી છે. ફિલ્મ દ્વારા કોઇ મોટો બોધ આપવાની કડાકૂટમાં મુકર્જી પડ્યા નથી. અહીં એ પોતે એક હોંશિયાર પુત્ર (ફારૂક શેખ)ના સાધનસંપન્ન વિધૂર પિતા છે. આમ તો પોતે એમ. એ. વિથ ઇંગ્લિશ થયેલા છે. પણ ક્યાંક મનમાં ઘુસી ગયું હતું કે, આજકાલની ઇંગ્લિશ ભણેલી છોકરીઓ ફૂલફટાક થઇને ફરે છે, એ ‘ઘર કી બહુ’ બનવાને લાયક હોતી નથી. એમને ભટકાય છે ય એવી જ કન્યાઓ, જે બિલકુલ વૅસ્ટર્ન – કલ્ચરની હોય, જે પુત્ર ફારૂક માટે શોધવા નીકળ્યા હોય છે. આ બાજુ, અનાયાસ ફારૂક ડૉક્ટર થયેલી ફૉરેન – રિટર્ન્ડ ડૉ. મોલા શર્મા (દીપ્તિ નવલ)ના પ્રેમમાં પડે છે. પિતાનો સ્વભાવ જાણ્યા પછી એ બન્નેની હિમ્મત નથી ચાલતી લગ્ન કરવાની, પણ ઉત્પલ દત્તના રોજ મળનારા દોસ્ત સઇદ જાફરી ફારૂકના ય દોસ્ત છે. એની સલાહ મુજબ, સુશિક્ષિત હોવા છતાં દીપ્તિ નવલ તેના વિધુર મામા સાથે નાનકડા ગામની અભણ કન્યા બની જાય છે ને ધ્યાન રાખે છે, ભૂલમાં ઇંગ્લિશનો ‘એ’ પણ ના બોલાઇ જાય. આ છુપાછુપી અને દોડધામ ઉપરાંત વચ્ચે વચ્ચે ફિલ્મમાં આવી જતા દેવેન વર્માને કારણે પૂરી ફિલ્મનું વાતાવરણ ખડખડાટ હાસ્યનું રહે છે. અસલી ભાંડો ફૂટી જતા ઉત્પલ દત્ત નારાજ તો થાય છે, પણ આઠ મહિનાથી ઘરમાં રહેતી ‘વહુ’ ‘દીકરી’ સાબિત થતી રહી હોવાથી દત્ત બાપુ ગુસ્સો થૂંકી નાંખી ફિલ્મનો સરળ અંત લાવે છે. ઋષિ દા ની પ્રારંભથી જ ટીમ લગભગ એકની એક રહી છે, એમાં એમના કૅમેરા મૅન હરદમ જયવંત પાઠારે જ હોય, જે આ ફિલ્મના નિર્માતા છે. શક્ય છે, એમને પૈસેટકે મદદ કરવા આ ફિલ્મ ઉતરી હોય. દાદાની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં હીરોના ઘેર રસોઇયાનું પાત્ર તો હોય જ... એકાદ – બે માઇનોર અપવાદને બાદ કરતા ઋષિ દા એ રસોઇયા વિના ચલાવ્યું નથી. જોવાની ખૂબી એ છે કે, એકે ય ફિલ્મમાં એમના રસોઇયાનો કિરદાર ફિલ્મ સાથે ભાગ્યે જ સુસંગત હોય. એ ન હોય તો ય ચાલે, સિવાય કે ખન્ના – બચ્ચનની ફિલ્મ ‘આનંદ’નો રસોઇયો દેવકિશન. જો કે, આ ફિલ્મમાં એને બદલીને એના જેવા જ દેખાતા ગીરિશ ગોસાવીને લઇ આવ્યા છે. ફિલ્મ ‘પ્રોફેસર’ કે ‘તીન દેવીયા’ની સ્વ. હીરોઇન કલ્પનાના પહેલા લગ્ન તૂટી ગયા પછી ફરીવાર એવી જ તોડફોડ કરવા બીજા લગ્ન જેની સાથે કર્યા, તે જૂના બુઢ્ઢા ફિલ્મ લેખક સચિન ભૌમિકે આ ફિલ્મનો સ્ક્રીન–પ્લે મસ્ત લખ્યો છે ને ડૉ. રાહી માસુમ રઝાના સંવાદોમાં અનેકવાર ચમત્કૃતિ દેખાણી છે. એક જમાનાની ફાલતુ હીરોઇન પાર્વતિ ખાનના સસુરજી થાય. 

ફિલ્મનો હીરો ફારૂક શેખ આપણા વડોદરા પાસેના કોક નાનકડા ગામનો હતો. અલબત્ત, હિંદી ફિલ્મોમાં નામ કમાયેલા બાકીના તમામ ગુજરાતી કલાકારોએ ક્યારે પણ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કે કબુલાત કરી નથી.... ઑન ધ કોન્ટ્રારી, શરમ અનુભવતા હોય, એમ પોતાનું ગુજરાતીપણું છુપાવ્યું છે. એ જમાનામાં ‘કિસી સે ના કહેના’ જેવી પૅરેલાલ સિનેમાઓ બહુ ઉપડી હતી, એમાં ફારૂકનો ફાળો ખરો. મૂળ તો એ ચાર્ટર્ડ –ઍકાઉન્ટન્ટ થયો હતો અને રૂપા જૈન નામની ગુજરાતી છોકરીને મુસ્લિમ બનાવીને પરણ્યો હતો. એ લગ્ન બહુ ચાલ્યા કે નહિ, એની તો ખબર નથી પણ દીપ્તિ નવલ સાથેના એના પર્મૅનન્ટ રોમાન્સની વાતો મુંબઇના સ્ટુડિયે – સ્ટુડિયે જાણીતી હતી. દીપ્તિ પણ ‘રાજનિતી’, ‘ગંગાજલ’ કે ‘અપહરણ’ જેવી સનસનાટીભરી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક પ્રકાશ ઝા ને પરણી હતી. પણ આ લોકોમાં તો લગ્નો ચાઇનીઝ પ્રોડક્ટ જેવા હોય, ‘ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!’ 

યસ. ફારૂક શેખ આવી બધી પૅરેલલ સિનેમાઓ કર્યા પછી અચાનક ગાયબ થઇ ગયો હતો ને ઇ.સ. ૨૦૦૮માં પાછો આવ્યો. એની તો લગભગ હર એક ફિલ્મ સારી હતી, તેમ છતાં એના જીવનની સૌથી છેલ્લી ફિલ્મ ‘ક્લબ ૬૦’ જેવી અદ્ભુત ફિલ્મ તમે પણ ન જોઇ હોય તો પેલા પડોસીના છોકરાને દોડાવીને ‘ક્લબ ૬૦’ પણ મંગાવી લેજો... બધા પડોસીના છોકરાઓને તમારા જેવા પડોસી વારંવાર નથી મળતા... સુઉં કિયો છો? ફારૂક ૨૫ માર્ચ, ૧૯૪૮ના રોજ જન્મ્યો અને દુબાઇમાં ૨૭ ડીસેમ્બર, ૨૦૧૩–માં ગુજરી ગયો. 

ફિલ્મમાં ખૂબ જરૂરી કિરદાર કરનાર સઇદ જાફરી ભારતનો એક માત્ર ઍક્ટર એવો હતો જેણે હિંદી કરતા હૉલીવૂડની ઇંગ્લિશ ફિલ્મોમાં વધુ કામ કર્યું છે. યસ, એકે ય ઇંગ્લિશ ફિલ્મમાં એણે હીરો તો દૂરની વાત છે, પણ ઘણો મહત્ત્વ નો રોલ કર્યો, એ અપવાદરૂપ જ છે. ફિલ્મ ‘જ્હૉની મેરા નામ’માં પ્રેમનાથ ધોળિયાઓ પાસે પોતાના નામની સાથે પોતે નકલી OBE (Order of the British Empire) હોવાની ઓળખ આપે છે. એ ખિતાબ જાફરીએ બ્રિટિશ નાટકોમાં પોતાના અનોખા પ્રદાન બદલ મેળવ્યો હતો. સઇદે જૅમ્સ બૉન્ડ (શૉન કોનેરી અને પિયર્સ બ્રોસ્નન) ઉપરાંત માઇકલ કૅઇન જેવા દિગ્ગજો સાથે કામ કર્યું છે. સર રિચર્ડ ઍટનબરોનો એ નજીકનો દોસ્ત હતો. ડિમ્પલ કાપડીયા – રિશી કપૂર – કમલ હાસનની ફિલ્મ ‘સાગર’માં રિશીની નાની કે દાદી બનતી મધુર જાફરી સાથે સઇદના તલ્લાક ’૬૫ – ની સાલમાં થઇ ગયા હતા. વૅસ્ટર્ન – કૂકિંગમાં મધુરનું નામ હતું. 

મૂળ ગુજરાતી દેવેન વર્મા આખી ફિલ્મમાં નિયમિત વચ્ચે વચ્ચે આવતો રહે છે ને અપેક્ષા મુજબનું ખૂબ હસાવતો રહે છે. અશોક કુમારની દિકરીને પરણેલો દેવેન છેલ્લે છેલ્લે પૂનામાં સ્થાયી થયો હતો, જ્યાં એનું થોડાક વર્ષો પહેલા જ અવસાન થયું. મને યાદ છે, કોઇ ’૬૬ કે ’૬૭ની સાલમાં અમદાવાદના પોલીસ – સ્ટૅડિયમમાં રાજ કપૂરે ‘શંકર – જયકિશન નાઇટ’નું ભવ્ય આયોજન કર્યું હતું, એમાં દેવેન વર્માની ‘મધુમાલતી મસાલે મેં’નામની ખૂબ હસાવતી સ્કીટ એકલે હાથે (....... સોરી, એકલે મોંઢે) રજૂ કર્યા પછી, એ જમાનાના હીરોલોગના અવાજની પરફૅક્ટ મિમિક્રી પણ કરી હતી. 

યસ. આ ફિલ્મમાં સાવ નાનકડા રોલમાં મુંબઇના ગુજરાતી તખ્તાની મશહૂર હીરોઇન કેતકી દવે પણ કૅમિયો રોલમાં આવી ગઇ છે. ‘બીજાના ઘરમાં બિલ્લી થઇને રહેવા કરતા પોતાના ઘરમાં સિંહણ થઇને કેમ ન રહેવું’ના ધોરણે જ કદાચ કેતકીએ હિંદી ફિલ્મોમાં ફાલતુ રોલ કરવાને બદલે ગુજરાતી તખ્તા ઉપર હીરોઇન–ઑરિઍન્ટેડ અનેક કિરદારો અસરકારક કર્યા છે. 

યસ. ઋષિ દા ની ફિલ્મોમાં ભાગ્યે જ બને છે તેમ, ફિલ્મના ગીતોને ફિલ્મના પ્રવાહ કે વાર્તા સાથે કોઇ લેવાદેવા જ ન હોય. એમની ફિલ્મોના ગીતો તો વાર્તાને આગળ વધારનાર હોય, પણ અહીં કઇ કમાણી ઉપર સંગીત ભારતની ફિલ્મોના સર્વકાલીન મહાચોર સંગીતકાર બપ્પી લાહિરીને સોંપ્યું હશે, તે ચર્ચા કે વિવાદનો નહિ, મારામારીનો વિષય બની જાય એમ છે. ૫ – ૬માંથી એકે ય ગીતમાં કાંઇ ઠેકાણાં નહિ. ’૬૬ સુધી તો ફિલ્મી સંગીત માતા સરસ્વતીની કક્ષાનું ચાલતું હતું, પણ બપ્પી લાહિરી જેવા નવા તમામ સંગીતકારો આપણા કાનના આંગણામાં એક સાથે વોમિટ કરી ગયા, પછી ફિલ્મી ગીતોની મમ્મીઓના લગ્નો થઇ ગયા! આશા ભોંસલેએ પણ લતાથી સંખ્યામાં બને એટલી ઝડપથી આગળ નીકળી જવા માટે જે મળ્યા એ બધા ગીતો ફેણવા માંડ્યા હતા, તેનો તપાવેલો નમૂનો, એટલે એણે આ ફિલ્મમાં ગાયેલા ગીતો. અન્ય સંગીતકારોની જેમ બપ્પી લાહિરી ય વિદેશી ધૂનોની ચોરીઓ કરી કરીને જ નામ ને દામ કમાયો છે... ફરક એટલો કે, પોતે ફિલ્મે ફિલ્મે ધૂનોની આટલી જંગી ચોરીઓ કરી છે, સરેઆમ પકડાયો છે, છતાં એ વાતનો રંજ તો બાજુએ રહ્યો.... એને તો ગૌરવ થતું. મને યાદ છે, એની ઍટલીસ્ટ એક ધૂન ઉપર હું ફિદા થઇ ગયેલો કે, આખી કરિયરમાં બપ્પીએ કમ–સે–કમ એક ગીત તો સુંદર બનાવ્યું. ફિલ્મ ‘આંગન કી કલી’માં લતા–ભૂપેન્દ્રએ ગાયેલું ‘સૈંયા બિના ઘર સુના સુના, સૈંયા બિના ઘર સુના....’ તો એમાં ય મારે ભોંઠા પડવાનું આવ્યું. ખબર પડી કે, આ તો ઉસ્તાદ બડે ગુલામઅલીખાં સાહેબની સુવિખ્યાત ઠૂમરીની સીધી ઉઠાંતરી છે. બપ્પી લાહિરી છાતી પર આજે ય સ્ત્રીઓ કરતાં વધુ ઘરેણાં પહેરે છે. કાંડા અને આંગળીઓ ઉપર પણ ખરાં. એ જોઇને આપણા ‘જાની’ રાજકુમારે એક વખત ધારદાર ટીખળ કરી હતી, ‘‘મૅડમ... આપ ફિલ્મોમેં કામ ક્યું નહિ કરતી...?’’

2 comments:

Unknown said...

Thanks for a good article. Farooq Sheikh was from Naswadi, Baroda and also related to Amaroli, near Surat from Maternal side. He was a proud gujarati, unlike Deven Verma. I have heard it from Farooq Sheikh in Surat in a film festival organized by Vodafone. In fact, he delivered half of that commentry in Gujarati.

દીપક said...

આજના જમાનામાં પણ એક ઋષિકેશ મુખર્જી હોવા જ જોઈતા હતા. બાસુ દાની ફિલ્મોય આપણને તો બહુ જ ગમે. ફિલ્મનું ક્લાઈમેક્સ ભારે હોય તો આખી ફિલ્મનું કેન્દ્ર એ લાસ્ટ સીન્સ જ બની જાય. પરિણામે ફિલ્મના આગળના સીન્સ યાદ પણ ન રહે. ઋષિદાની ફિલ્મોના સરળ અંત મને બહુ જ ગમે છે. રમ ગોપાલ વર્માનું રંગીલા જેવી ફિલ્મ પણ સરળ અંત સાથે હોવાથી બાકીની ફિલ્મ કેવી યાદ રહી જાય છે!

જો મને ફિલ્મ બનાવાનો ચાન્સ મળે તો આ કોન્સેપ્ટ પર જરુરથી ફિલ્મ બનાવું!