Search This Blog

16/10/2015

ફિલ્મ : 'સગાઈ' ('૫૧)

સગાઇ લતા-સી.રામચંદ્રના ગીતોની પૂરબહાર મૌસમ

ફિલ્મ : 'સગાઈ' ('૫૧)
નિર્માતા-દિગ્દર્શક : એચ.એસ.રવૈલ
સંગીત : સી.રામચંદ્ર
ગીતો : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૪- રીલ્સ
થીયેટર : નોવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : પ્રેમનાથ, રેહાના, ગોપ, યાકુબ, વિજ્યાલક્ષ્મી, હીરાલાલ, પૂર્ણિમા, ઇફ્તેખાર, સુંદર, કક્કુ, મોહના.



કોઇ ફિલ્મનો હીરો પ્રેમનાથ પણ હોય, એ દેવ આનંદની 'જ્હોની મેરા નામ' વાળા પ્રેમનાથને જોનારા યુવાન દર્શકોના તો માન્યામાં નહિ આવે. એમાં ય એ લોકોના મોંઢામાંથી આડેધડ કાંઇ બોલાવી નાંખવું હોય તો, મધુબાલા તો પ્રેમનાથના ય પ્રેમમાં હતી, એવું કહું તો મારા ખાડીયાની લિન્ગો મુજબ, ''ફેંકી... હો...ફેંકી...બોસ'' સાંભળવા મળે. ને એમ તો કોઇ માનવા ય તૈયાર નહિ થાય કે પ્રેમનાથ પર્સનાલિટી અને સુંદરતામાં ફિલ્મ 'આન'માં દિલીપ કુમાર અને 'બરસાત'માં રાજ કપૂરથી સહેજે ય ઉતરતો નહોતો. જીવનના છેલ્લા વર્ષોમાં, મમરાના થેલા જેવું પેટ બનાવનાર પ્રેમનાથ મલ્હોત્રા આ ફિલ્મની જેમ જ્યારે હીરો હતો, ત્યારે એનું ફ શેઇપનું બોડી હતું. વર્ષો પછી એના શરીરે ગેંડાસ્વરૂપ ધારણ કર્યું, એ પછી તો એ મારા કરતા ય વધારે ફાલતું લાગતો હતો, એ નિવેદન કેવળ તમારો ગુસ્સો ઉતારવા આપ્યું છે. જય અંબે. મધુબાલાએ પ્રેમમાં દગો કર્યો અને દિલીપ કુમારે પણ પ્રેમુને ઉલ્લુ બનાવ્યો, તેનાથી છંછેડાયેલા પ્રેમનાથ એ વખતે મુંબઇમાંથી બહાર પડતા ઇંગ્લિશ ફિલ્મી સાપ્તાહિક 'સ્ક્રીન'ના વચ્ચેના બે પાનાં ભરીને પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી, જેનું નામ હતું, 'એક થા ગધા, દિલીપ કુમાર.' એ વાત જુદી છે કે, એવી કોઇ ફિલ્મ એણે ઉતારી નહિ. છેવટે એ સૌંદર્યવતી બીના રોયને પરણ્યો, જે પાછલી જીંદગીમાં આના વંચર જેવા સ્વભાવને કારણે માનસિક અસ્થિર થઇ ગઇ હતી.

પણ એની હીરોગીરીવાળી ફિલ્મ 'સગાઇ' એ જમાનાના ધોરણો પ્રમાણે આઉટરાઇટ કૉમેડી ફિલ્મ હતી. એની ના નહિ. એક હાસ્યલેખક હોવાના દાવે, એટલું કહી શકું કે, ભારતમાં ઋષિકેષ મુકર્જી, બાસુ ચેટર્જી કે રાજ કપૂર જેવી કોમેડી ફિલ્મ બનાવવાની સૂઝ તો જાવા દિયો, જાણકારી ય બહુ ઓછાઓમાં હતી. ઇવન, 'ચલતી કા નામ ગાડી' જેવી ૭-૮ ફિલ્મોને બાદ કરતા કિશોર કુમારની ફિલ્મો ય અત્યંત સ્થૂળ પ્રકારની કૉમેડી ફિલ્મો હતી. હાસ્યલેખકો એ જમાનામાં ય નહોતા મળતા ને આજે મળે છે, એ બે-ચાર ફિલ્મોમાં શહૂર બતાવીને હોલવાઇ જાય છે. 'ચલો દિલ્હી''ફસ ગયે ઓબામા', 'ફિલ્મીસ્તાન', 'તેરે બીન લાદેન' અને 'ભેજા ફ્રાય' (પાર્ટ-૧) જુઓ તો હસી હસીને પાગલ થઇ જાઓ કે, આનાથી વધુ બૌધ્ધિક કૉમિક ફિલ્મો બને જ નહિ. પણ પહેલાવાળી સીધી ઉઠાંતરી કરીને જ બનાવાઇ હોવાથી, એ જ ફિલ્મો બનાવનારા પાસે બીજી કૉમેડી ફિલ્મનો માલ જ પડયો નહતો.

...ને તો ય, મેહમુદ પહેલાના સફળ કૉમેડિયનો ગોપ અને યાકુબ- ભલે બફૂનરી કરીને- પણ 'રૂપીયાવાળી'ના પ્રેક્ષકોને ઠીકઠાક હસાવે છે આપણને એક પણ વાર હસવું આવે એવું ક્યાંય નથી. છતાં એ જમાનાના પ્રેક્ષકોના આઇ-ક્યૂ ને સલામ કે, ગોપ- યાકુબની જોડી ખૂબ મશહૂર હતી. ને આવી બકવાસ કોમેડી ય ચલાવી લીધી ! યાકુબખાન મેહબૂબખાન પઠાણને નિર્માતા દિગ્દર્શક મેહબૂખાને ફિલ્મ 'ઔરત'માં રોલ આપ્યો હતો, જે રોલ એ જ ફિલ્મની ખૂબ સફળ રીમૅઇક બનેલી ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં સુનિલ દત્તે કર્યો હતો.

કોમેડિયન ગોપ સિંધી હતો અને સંગીતકાર ગાયક રામ કમલાણીનો ભાઇ હતો. એક જમાનામાં ગોપ અને દીક્ષિતની કોમિક જોડી મશહૂર થયેલી. ગોપના ગોળમટોળ શરીરને કારણે એ હાંસિપાત્ર લાગી શકતો, તો પણ એ સમયના વિલન-કમ-કોમેડિયન રાધાકિશનની બરોબરીએ તો યાકુબ પણ પહોંચી ન શકે. જ્હોની કે રાધાકિશન મેહમુદના લેવલે એટલા માટે પહોંચી ન શક્યા કે, ફિલ્મ કે રોલ ગમે તે હોય, આ બન્નેનો અવાજ અને એક્ટિંગ એકના એક રહેતા. મેહમુદ પાસે લિબાસથી માંડીને અવાજના વેરિએશન્સ અઢળક હતા. મેહમુદ જેવો પરફૅક્ટ કોમેડિયન તો ફક્ત હોલીવૂડમાં જ હતો, જેને અમારા સમયના લોકો 'જેરી લુઇસ' કહે છે. અફ કોર્સ, જેરી લુઇસ મેહમુદ કરતા પણ સેંકડો ગણો વધુ સારો કોમેડિયન હતો. એક જમાનામાં નવોસવો મેહમુદ યાકુબની નકલ કરવામાં શરમ અનુભવો નહોતો. એણે પોતે કીધેલી ઘટના મુજબ, બે ચાર ફિલ્મોમાં કામ મળ્યા પછી કોઇકે મેહમુદ પાસે એની લાઇફનો પહેલો ઓટોગ્રાફ માંગ્યો. નામ વાંચ્યા પછી પેલો ચાહક મોંઢુ બગાડીને જતો રહ્યો, ''મેં તો આપકો યાકુબ સા'બ સમઝા થા !''

જે પી.એલ. સંતોષીને રેહાનાએ લાત માર્યા વગર તગેડી મૂક્યો હતો, એના દિવસો ચાલતા હતા, ત્યારે રૂપિયાની નોટો પાવડા ઉલેચી ઉલેચીને કમાયો હતો ત્યારે કોમેડિયન મેહમુદ એનો ડ્રાયવર હતો. એમાંનો એક એક પૈસો ઉલેચી ઉલેચીને રેહાના લઇ ગઇ, એ પછી સંતોષીના ખરાબ દિવસોએ એને કંગાળ બનાવી દીધો. મુંબઇની તારદેવ એરકન્ડિશન્ડ માર્કેટના બસ સ્ટોપ પર સંતોષીને ઊભેલા જોઇને હવે પોતાની મોટી કાર લઇને પસાર થતા મેહમુદે ગાડી ઉભી રખાવીને સંતોષીને ગાડીમાં બેસવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ધારી લો, બેમાંથી આંસુ કોની આંખોમાં વધુ આવ્યા હશે ?

યાકુબ વહેલો ગુજરી ગયો હોવાથી ઇવન આપણા સમયના ચાહકોએ પણ એને બહુ ન જોયો હોય, રાજ કપૂરની ફિલ્મ 'અબ દિલ્લી દૂર નહિ'માં મુહમ્મદ રફીના કંઠે દત્તારામના સંગીતમાં, 'છુન છુન કરતી આઇ ચીડિયા..' આ યાકુબ પર ફિલ્માયું હતું. ગોપને નામે એક યુગલ ગીત આજે પણ સ્ટેજ પર ગવાતું રહ્યું છે, શમશાદ સાથેનું, 'મેરે પિયા ગયે રંગૂન, કિયા હૈ વહાં સે ટેલીફૂન...' ફિલ્મના પરદા ઉપર નિગાર સૂલતાના સાથે ગોપ ઉપર ફિલ્માયું હતું.

અહી હીરોઇન રેહાના ઉપર ગોપ-યાકુબ (એ સમયની ભાષામાં લખીએ તો) ''લાઇન મારતા'' હતા. રેહાના ધનવાન ઇફ્તેખારની પુત્રી હોય છે, જે એની સગાઇ એવા છોકરા સાથે કરી દેવા માંગે છે, જેને રેહાનાએ જોયો નથી, માટે બાપ સામે બંડ પોકાર્યા વગર રેહાના ઘર છોડીને ભાગી જાય છે. (એ જમાનાની લગભગ દર ત્રીજી ફિલ્મે હીરોઇનો ઘર છોડીને ભાગતી...આજની છોકરીઓને જોઇને ઘરવાળાઓ ભાગે છે.) હીરો પ્રેમનાથ નૅવીનો કેપ્ટન હોય છે. (આ બતાવે છે, ઇન્ડિયન નેવી એ જમાનામાં કેવું નબળું હશે ?) ભાગીને રેહાના આ બન્ને ઘનચક્કરો (ફૂમન અને ઢબ્બુ)ના હાથમાં આવે છે. એ જાણવા છતાં કે, બન્ને ચોર છે, રેહાના એમની સાથે ટીમ બનાવીને પોલીસથી માંડીને પબ્લિક- બધાને ચક્કરો ખવડાવતી રહે છે. આ ભાગમભાગીમાં એ ત્રણે એક સ્ટીમર ઉપર જતા રહે છે, જેનો કૅપ્ટન પ્રેમનાથ હોય છે, જે શેહજાદી (પૂર્ણિમા) ને તેના વતન મૂકવા જતો હોય છે. પૂન્નો પ્રેમના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવા માંગે છે. પ્રેમનાથનો ટેસ્ટ જરી ઊંચો હોવાથી એ શેહજાદીને પરણવાની ના પાડી દે છે. સ્ટીમર પર શેહજાદીને લેવા આવેલા શહેનશાહ પ્રેમનાથની ધરપકડ કરાવીને જુલ્મો કરે છે. એ વખતે, ટીવી પર ન્યૂસ-ચૅનલો આવતી ન હોવાથી, ''શું પ્રેમનાથની ધરપકડ વ્યાજબી છે ?'' એવી બૌદ્ધિકોમાં ચર્ચા-વિવાદ થયા નહિ, એટલે આ તોફાની ત્રિપુટી પોતાના જીવને જોખમે પ્રેમનાથને છોડાવે છે. ફિલ્મના અંતે પરણવું રેહાના જોડે પડે છે, એ ફીલ થયા પછી પ્રેમુ પાછો શેહજાદીની જેલમાં કોરડા ખાવા જતો રહે છે કે નહિ એ ફિલ્મમાં બતાવ્યું નથી.

પોતાના ગીતો અને નૃત્યોમાં રેહાના કમરના ઝટકા મારવામાં નિષ્ણાત હતી. એટલે એને હિંદી ફિલ્મોની પહેલી 'ઝટકા-ક્વીન' કહેવાતી જે 'રૂપિયાવાળી'ના પ્રેક્ષકોને ખૂબ ગમતું, પણ બાલ્કનીવાળાઓને એમાં નકરી વલ્ગેરિટી દેખાતી. રેહાનાની શરૂઆત આમ તો અમર ગાયક કે.એલ.સાયગલ અને સુરૈયાની ફિલ્મ 'તદબીર' ('૪૫)થી એક નાનકડા ડાન્સ માટે થઇ હતી, પણ તે પછી એ સીધી જ દેવ આનંદની પહેલી ફિલ્મ 'હમ એક હૈ'ની હીરોઇન બની ગઇ- કમલા કોટનીસની સાથે. આ ફિલ્મમાં પહેલીવાર દિગ્દર્શન કરતા પ્યારેલાલ સંતોષી સાથે રેહાનાને પ્રેમ થઇ ગયો અને '૫૨ સુધી ફિલ્મ 'શિનશિનાકી બૂબલા બૂ' સુધી ચાલ્યો. વચમાં એ બન્નેએ, શેહનાઇ, ખીડકી, છમ છમા છમ અને સરગમ જેવી ફિલ્મો ય કરી. મરિન લાઇન્સ પર ફ્લૅટ ઉપરાંત ફિલ્મમાં પહેરવા ખોટાને બદલે સાચા ઘરેણાની જીદ કરીને ઘરેણા લઇને રેહાના પોતાને ગામ જતી રહી, એ તો ઠીક, પેલા પાસે હવે કશું બાકી રહ્યું નથી, એની ખાત્રી થતાં રેહાનાએ સંતોષીએ જ મરિન લાઇન્સ પર આપેલા ફ્લૅટનું અડધી રાત્રે બારણું ન ખોલ્યું. સંતોષી આખી રાત ફ્લૅટના દરવાજા પાસેના પગથીયા ઉપર રડતો રડતો પડયો રહ્યો, ને જે ગીત સૂઝ્યું, તે 'તુમ ક્યાં જાનો... રાત ગૂઝારી તારે ગીનગીન, ચૈન સે જબ તુમ સોયે...'

રેહાનાનું સાચું નામ તો 'મુશ્તાર જહાન' હતું. એ પોતાને 'સેક્સી' કહેવડાવવામાં ગૌરવ અનુભવતી (એ જમાનામાં આ નાની વાત નહોતી.) આ ફિલ્મ 'સગાઇ' પછી રાહુ એને ય નડી ગયો અને ફિલ્મો મળતી ઓછી થઇ ગઇ ને એ પાકિસ્તાન જતી રહી. ત્યાં થોડી ફિલ્મોમાં કામ કર્યા પછી આજે ય એ હયાત છે.

ફિલ્મના ગીતકાર રાજીન્દર કિશન એના મીક્સ કામો માટે પ્રખ્યાત કે કુખ્યાત છે. 'મરને કિ આરઝૂ મેં, હમ જી રહે હૈ ઐસે, જૈસે કિ લાશ અપની ખુદ હી કોઇ ઉઠાયે...' જેવા પ્યોર સાહિત્યિક ગીતો લખનાર આ જ માણસે 'રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ' જેવા ઘટીયા ગીતો ય લખ્યા છે. નસીબનો ભારે બળીયો નીકળ્યો- કવિ હોવા છતાં... કે '૬૦ના દાયકાના અંતમાં ઘોડાની રૅસના આ શોખિનને એ જમાનામાં ટૅક્સ- ફ્રી રૂ.૪૯ લાખનો જૅકપોટ લાગ્યો હતો..

(ગુજરાતી કવિઓ... કંઇક શીખો આમાંથી ! બીજા ૪૯- જનમો સુધી ગીત- ગઝલો લખતા રહેશો તો ય આટલું નહિ કમાઓ !)

જ્યારે લતા મંગેશકર અને સી.રામંચન્દ્ર વચ્ચે લગીરેક ભાઇ-બેન જેવા સંબંધો નહોતા. અન્નાના સંગીતમાં બીજી કોઇ ગાયિકાનું નામ પણ વિચારી ન શકાય. અન્ના ય છ ફૂટથી વધુ ઊંચો અને કોઇને પણ ગમી જાય એવી પર્સનાલિટી પ્લસ- સંગીતવાળો હતો. લતા સાથેના અન્નાએ બનાવેલા ગીતોની યાદી લતાના ડાય-હાર્ડ શોખિનો સિવાય અન્યને આવડે ય નહિ. લતા-મદન મોહન કે લતા-સી.રામચંદ્ર... બન્ને લેવલના ચાહકોને ભેગા કરીએ તો આવનારા બસ્સો વર્ષો સુધી દલિલો ચાલતી રહે... કેમ જાણે લતા-નૌશાદ કે લતા-શંકર-જયકિશન જેવી ચીજો પેદા જ થઇ નહિ હોય ! લતા હોય કે રફી સાચો અને જાણકાર ચાહક એને કહેવાય જેને, મહેન્દ્ર કપૂરનું 'ચલો એક બાર ફિર સે, અજનબી બન જાયે હમ દોનો...' કે સંગીતકાર ગુલામ મુહમ્મદની ફિલ્મ 'કુંદન'નું 'શિકાયત ક્યા કરૂં દોનો તરફ ગમ કા ફસાના હૈ' પણ એક સરખું જ ગમે.

એ વાત જુદી છે કે, અન્નાએ આ ફિલ્મ 'સગાઇ' ના તમામે તમામ ગીતોને બકવાસ બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. લતાનું ય કોઇ ગીત જાણિતું કરી ન શક્યા. તલત મેહમુદ સાથે લતાનું 'મુહબ્બત મેં ઐસે જમાને ભી આયે' ફક્ત જૂનાં ગીતોના જાણકારો પૂરતું ચાલી ગયું, મારા ભ'ઇ !

ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું એચ.એસ.રવૈલે, જેણે સાધના-ગજેન્દ્ર કુમારની 'મેરે મેહબૂબ' પણ બનાવી હતી. એના દીકરા રાહુલ રાવૈલે ધર્મપુત્ર...એટલે કે ધર્મેન્દ્રના પુત્ર સની દેવલને અમૃતા સિંઘની સાથે ફિલ્મ 'બેતાબ'માં પહેલો ચાન્સ આપ્યો હતો. કહે છે કે, સની દેવલના ગળાનું માપ દરજીઓ લઇ શકતા નથી, એટલી તાકાતથી 'કૂત્તેએએએએએએએએ...'નામની બૂમો એણે પાડી છે. એની કોઇ પણ ફિલ્મમાં કૂતરો હોય કે ન હોય, કૂતરાના નામની બૂમ તો હોય જ ! કહે છે કે, બધો માલ કૂવામાંથી આવ્યો હતો!

સંતોષી એક દિગ્દર્શક તરીકે મોટો બકવાસ હતો, એની સાબિતી આ ફિલ્મ 'સગાઇ' જોઇને મળે છે... ને હું જાણું છું, આ કૉલમના વાચકો બકવાસ તો સહેજે ય પસંદ કરતા નથી... સિવાય 'ફિલ્મ ઇન્ડિયા'...!

No comments: