Search This Blog

01/11/2015

ઍનકાઉન્ટર : 01-11-2015

* ઈ.સ. ૧૯૫૫ની સાલના ફિલ્મી ગીતો ’૭૫–માં જૂના ગણાતા હતા, તો ’૯૫ની સાલના ગીતો ઈ.સ. ૨૦૧૫માં કેમ જૂનાં ગણાતા નથી ?
– હવે એ જમાનો પાછો આવવાની શક્યતા નથી. બદલાતી જનરેશનને ‘મેલડી’ શબ્દના અર્થની ખબર નથી. 
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* આખી સીઝનમાં વરસાદ નહોતો પડ્યો ને જે દિવસે ‘સિક્સર’માં તમે છત્રી ખોલવાની વાત કરી, એ જ દિવસે ધોધમાર તૂટી પડ્યો. શું વાત છે ? ઉપરવાળા સાથે કોઈ સાંઠગાંઠ છે ? 
– પોલીસને પૈસા ખવડાવવા પડે ને પ્રભુને પ્રાર્થનાઓ ખવડાવવી પડે... હિસાબ ક્લિયર !
( અતુલ દેસાઈ, અમદાવાદ અને મિલન સોનગ્રા, ઉપલેટા )

* પત્નીના વખાણ દિવસમાં કેટલી વાર કરવા જોઇએ, તો સંસાર સુખી રહે ?
– નાગર હો તો, આ ટ્યૂશન તમારે અમને બધાને આપવું જોઇએ!
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* તમારી પ્રિય રમત કઈ ?
– છોકરમત.
( જીયા પટેલ, ભાવનગર )

* કહેવા માટે ‘મેરા ભારત મહાન’ બરાબર છે, પણ તમને નથી લાગતું, આપણા દેશમાં શિસ્ત, વ્યવસ્થા અને દેશાભિમાન આવતાં સદીઓ નીકળી જશે?
– ભારત જ નહિ, ત્રીજા વિશ્વના કોઇ પણ દેશમાં ( આરબ દેશો સિવાય ) આ ત્રણે ચીજો આવી જ ન શકે... વસ્તીવધારાને કારણે !
( તૃ્પ્તિ ઠાકર, અમદાવાદ )

* રૂપિયા કમાવવાની લ્હાયમાં આપણા ક્રિકેટરો દેશને બદનામ કરે છે. તમને નથી લાગતું , આવાઓને કાયમી આરામ આપવો જોઇએ ?
– સહેજ પણ નહિ. ભલે એ લોકો પૈસા ખાતા, પણ ખાઇને ય આપણને જીવંત તો બનાવે છે ! રાજકારણીઓ કે સરકારી લોકો કરતાં, ક્રિકેટરો બદલામાં આપણને ભવ્ય વિજયો ય અપાવે છે ને ?
( મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ )

* માણસમાં માણસાઇ કેમ રહી નથી ?
– કેમ જાણે જીવડામાં ‘જીવડાઇ’ કે ઢોરોમાં ‘ઢોરાઇ’ રહેલી તમે જોઇ હોય.
( જયેશ અંતાણી, ભાવનગર )

* નોર્મલી બોલકા ગણાતા આપણા વડાપ્રધાન મોદી હમણાંથી મૌન રાખીને કેમ બેઠા છે ?
– ‘ખામોશીયાં હી બેહતર હૈ, શબ્દોં સે લોગ રૂઠતે બહોત હૈ.’
( દેવવ્રત જોશી, ભરૂચ )

* તમે સુરત આવો. તમારા જેવા ‘હીરા’ની આ મંદીમાં ખાસ જરૂર છે.
– મને ચારે બાજુથી ઘસી નાંખવો છે ?
( નીરજ લુણાગરીયા, સુરત )

* સલમાન ખાન અને આમિર ખાન ગુજરાતી ફિલ્મોમાં આવવાનું શરૂ કરે તો ?
– બંને તોતડા થઇ જાય, એટલા લાંબા નામો એક એક ગુજરાતી ફિલ્મના હોય છે.
( ઉત્સવ કાલરિયા, સુરત )

* અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનમાં સામ્યતા શું છે ? 
– બન્નેની વાઇફો ઢીચકી છે.
( નીવ પટેલ, વિસનગર )

* આટલા બધા સવાલોના જવાબો આપીને ક્યારેક માથું દુ:ખે  ખરું ?
– ‘ફૂટપાથ ઉપર રોજ થતી ઘરની મિમિક્રી
  વહેંચી તમે કંબલ કરી ઈશ્વરની મિમિક્રી
  જીવનની પળેપળને પચાવી છે પરાણે
   જખ મારીને કરવી પડે છે શંકરની મિમિક્રી
   (કવિ ભાવેશ ભટ્ટ)
( દેવર્ષિ પંચાલ, વિસનગર )

* ICC એ નવા નિયમો બોલરની તરફેણમાં કર્યા છે, તો શું બેટ્સમેનો નવા રેકોર્ડસ નોંધાવી શકશે?
– ICCને ય પૈસાની કિંમત ભારતે સમજાવી છે. જે કોઇ ફેરફારો થાય છે એ પૈસા કમાવવા થાય છે. 
( કૃણાલ ભગત, રાજકોટ )

* તમે સીધા સવાલોના જવાબ રમતમાં કાઢતા હો, એવું લાગે છે !
– ખેલકૂદને પ્રોત્સાહન દરેક નાગરિકની ફરજ છે.
( તાહેર લક્ષ્મીધર, ચિતલ – અમરેલી )

* હવામાન ખાતાની આગાહીઓ વિશે શું માનો છો ?
– મારી આગાહી છે કે એ લોકો હજી આગાહીઓ કરતા રહેશે.
( ડૉ. શૈલેષ પટેલ, માણસા )

* બેબી જન્મે તો ‘લક્ષ્મી’ પધાર્યા કહેવાય છે, પણ બાબો જન્મે તો ‘વિષ્ણુ’ પધાર્યા કેમ કહેવાતું નથી ?
– ભગવાનોમાં ય અંદરોઅંદર રાજકારણ હોય છે. વચમાં વિરોધ હનુમાનજીએ ઉઠાવ્યો હતો કે, ‘બાબો આવે તો હનુમાનજી આવ્યા’ એમ કહેવાતું નથી ?
( રાજેશ શુકલ, ભરૂચ )

* મોદીએ પહેલા ‘ટોયલેટ’ મુકાવ્યા પછી ‘યોગ’...... હવે ?
– ટોયલેટ પણ યોગનો જ એક પ્રકાર છે.... શક્ય છે, હવે અંદર સ્ટોપર મૂકાવવાનું અભિયાન શરૂ થશે.
( વ્રજેશ પરીખ, અમદાવાદ )

* હું પરણીશ તો કયા પ્રકારે સુખી થઇશ ?
– પરણવાને સુખ સાથે શું લેવાદેવા ?
( પાર્થ સોની, છાપી – બીકે )

* સામેથી આવતી સ્ત્રીને આપણે જ ખસીને રસ્તો આપવો પડે ?
– ઈરાદો કોઇ બીજો હોય તો રસ્તો ‘‘આપવો’’ નહિ.... ‘‘કાઢવો’’ પડે !
( પરેશ એચ. આચાર્ય, નડિયાદ )

* તમે તમારી ગાડીના કાચ પર ‘પ્રેસ’નું સ્ટીકર લગાવો છો ?
– ગાડી વગર હાથમાં એકલું સ્ટીકર લઇને તો ના ફરાય ને ?
( સાવન સુથાર, હિંમતનગર )

* ચોમાસામાં પંખો ચાલુ કરવા શું કરો છો ? ચામડાના ચંપલ પહેરો છો ?
– તમારે ત્યાં ચંપલ વડે પંખાની સ્વિચ ચાલુ કરાય છે ?
( અનસ હાંસલોદ, વરેઠી – સુરત )

* મારી પત્ની તમારી વધારે તારીફ કરે છે. મારે તેને કઇ રીતે ચૂપ કરવી ?
– આ કિસ્સામાં તમને ચૂપ કરવા જેવા છે. 
( ભાવેશ પટેલ, કલોલ )

*  સાસરિયામાં  કાયમ સાસુ જ કેમ બદનામ હોય છે ?
– ઘરડાંના ઘરમાં એક આંટો મારી આવો. 
( ઘનશ્યામ સાપરિયા, સુરત )

* મોટા ભાગની વાર્તાનું પહેલું વાક્ય ‘એક ગરીબ બ્રાહ્મણ હતો’થી જ કેમ થાય છે ?
– બ્રાહ્મણોને ક્યાં અનામત મળે છે તે ‘એક અબજોપતિ બ્રાહ્મણ હતો’થી શરૂઆત થાય ?
( યતિન પાનસેરિયા, સુરત )

* મહેન્દ્રસિંહ ધોનીના દિવસો પૂરા થઇ ગયા હોય, એવું તમને નથી લાગતું ?
– મને તો ક્રિકેટમાં સમજણ પડે છે, માટે મને નથી લાગતું.
( મિતુલ જે. કાકડીયા, સુરત )

* ‘વોટ્સએપ’ વાપરનારાઓની તમે કેમ કાપો છો ? 
– હું તો ‘વૉટ્સએપ’ને વાઈફની માફક વાપરનારાઓની કાપુ છું... બધાની નહિ !
(ડૉ. અશ્વિન કાકડિયા, સુરત )

No comments: